Sunday, June 24, 2012

જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનાર બહુમુખી પ્રતિભાવાન પુરાતત્ત્વવિદ્‌ : ભગવાનલાલ ઇન્દ્રજી


ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indraji

પુરાતત્ત્વ જેવી ‘શુષ્ક’ વિદ્યાશાખા અને તેના અભ્યાસીઓ સાથે સામાન્ય માણસને શી લેવાદેવા? એવી માન્યતા પ્રચલિત છે. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજી  (૧૮૩૯-૧૮૮૮) જેવા અભ્યાસી-સંશોધકના કામ વિશે જાણ્યા પછી એ ખ્યાલ કેટલો ખોટો છે તે સમજાય. 

ઉદાહરણ તરીકે જૈન ધર્મના ઇતિહાસની વાત કરીએ. ધર્મપ્રેમી જૈનોમાંથી કેટલા જાણતા હશે કે જૈન ધર્મ એક સમયે બૌદ્ધ ધર્મની શાખા ગણાતો હતો? ભગવાનલાલના સમકાલીન અભ્યાસીઓ માનતા હતા કે જૈન ધર્મ ઇસુ પૂર્વે બે સદીથી વધારે જૂનો નથી. પરંતુ ભગવાનલાલે ઉદયગિરિ (ઓરિસ્સા)ની જૈન ગુફાઓ અને મથુરાના જૈન સ્તૂપના અભ્યાસ પછી દર્શાવી આપ્યું કે શરૂઆતનાં વર્ષોમાં જૈન અને બૌદ્ધ ધર્મોની ઘણી બાબતો મળતી આવતી હતી. બૌદ્ધોની જેમ જૈનો પણ સ્તૂપની પૂજા કરતા હતા. તેને કારણે ઘણા જૈન સ્તૂપોને બૌદ્ધ સ્તૂપ માની લેવામાં આવતા હતા. એવી જ રીતે ઉદયગિરિની ગુફાઓમાં રહેલા રાજા ખારવેલના લેખને પણ વિદ્વાનો સાચી રીતે વાંચી શક્યા ન હતા.

ભગવાનલાલે સ્તૂપ સાથેના લખાણની મદદથી અને ખારવેલનો લેખ યોગ્ય રીતે વાંચીને જૈન ધર્મની પ્રાચીનતા દર્શાવી આપી. આ વિગતો ‘ભગવાનલાલ ઇન્દ્રજીઃ પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદ્યપુરૂષ’ એ પુસ્તકમાં નોંધતાં વીરચંદ ધરમસીએ લખ્યું છેઃ ‘જૈન ઇતિહાસ લખનારા હાલના મોટા ભાગના વિદ્યાવંતો એ વાતથી અજાણ દેખાય છે કે ભગવાનલાલ જૈન અઘ્યયના અગ્રિમ વિદ્યાવંત હતા.’

ભગવાનલાલની અભ્યાસનિષ્ઠા કોઇ ધર્મ-સંપ્રદાય કે વિસ્તાર-પ્રદેશ પૂરતી મર્યાદિત ન હતી. ૧૮૭૩-૭૪માં પાંચ મહિના માટે તે નેપાળ ગયા હતા. ત્યાં જવાનો હેતુ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરીને શક્ય એટલી વિગતો મેળવવાનો- શોધી કાઢવાનો હતો. એ માટે તે નેપાળી ભાષા પણ શીખ્યા હતા. નેપાળમાં તેમણે કેટલાંક પ્રાચીન સ્મારકો શોધી કાઢ્‌યાં. તેમાં ચાંગુનારાયણનો ગરુડ-સ્તંભ મુખ્ય છે. બૌદ્ધ ધર્મની ગુપ્ત ગણાતી હસ્તપ્રતો ત્યાંના ધર્માચાર્યો કોઇને બતાવતા નહીં, પણ ભગવાનલાલની વિદ્વત્તાથી પ્રભાવીત થયેલા ધર્માચાર્યોએ તેમને એ હસ્તપ્રતો બતાવી.

નેપાળમાં ભગવાનલાલે પ્રાચીન સ્મારકો અને હસ્તપ્રતોથી માંડીને સાંપ્રત સમાજ અને જીવન વિશેની ઘણી નોંધો કરી. તેને કારણે નેપાળના ઇતિહાસમાં પણ ભગવાનલાલ ઇંદ્રજીનું પાયાનું પ્રદાન સર્વસ્વીકૃત બન્યું. વીરચંદ ધરમસી લિખિત ભગવાનલાલના ચરિત્રની ગુજરાતી આવૃત્તિમાં લગભગ સવા સો છપાયેલાં પાનાંમાં તેમણે નેપાળ સહિતના વિવિધ પ્રવાસો દરમિયાન કરેલી નોંધો સમાવવામાં આવી છે. પુસ્તકની દળદાર અંગ્રેજી આવૃત્તિની સરખામણીમાં ગુજરાતી ચરિત્ર પ્રમાણમાં ટૂંકું હોવા છતાં, ભગવાનલાલની નોંધોને કારણે તે અત્યંત મૂલ્યવાન બન્યું છે.

જૂના લેખો વાંચવાનું કામ કેટલું કઠણ હતું અને ભગવાનલાલ તેમાં કેટલા નિષ્ણાત હતા તેનો એક જ નમૂનોઃ મોહેં-જો-દડોના શોધક રાખાલદાસ બેનરજી અને મુનિ જિનવિજયજી- આ બન્નેએ (ભગવાનલાલના મૃત્યુના દાયકાઓ પછી) ખારવેલનો લેખ ઉકેલવા માટે પૂરી સાધનસુવિધા સાથે પોતપોતાની રીતે પ્રયાસ કર્યા હતા. બેનરજીની મદદે બે કુશળ કલાકારો અને એક વિદ્વાન ઉપરાંત સરકારી સંસાધનો હતાં, જ્યારે મુનિ જિનવિજયજી પટના મ્યુઝિયમમાં એક અભ્યાસી સાથે રોજ ત્રણ-ચાર કલાક એમ એક અઠવાડિયા સુધી એ લેખના અક્ષરો બેસાડવા પ્રયાસ કરતા હતા. આ બન્ને મહાનુભાવોએ ભગવાનલાલ પ્રત્યે અપાર આદર સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે પૂરતી સુવિધા વિના, સ્થળ પર જઇને નરી આંખે ફક્ત બે જ દિવસમાં ભગવાનલાલ આ લેખની આટલી ઉત્તમ નકલ શી રીતે ઉતારી શક્યા હશે?

પુરાતત્ત્વવિદ્‌ તરીકે ખ્યાતિ મેળવનાર ભગવાનલાલે પોતાની અભ્યાસી દૃષ્ટિથી ઇતિહાસમાં કરેલું કામ ઇતિહાસકારો પણ યાદ કરતા નથી. જે સમયે ઇતિહાસના નામે અભ્યાસીઓ દંતકથા અને મૌખિક ઇતિહાસથી કામ ચલાવી લેતા હતા, ત્યારે ભગવાનલાલે જૂના અભિલેખો, સ્થાપત્યો-સ્મારકો અને સિક્કા જેવી નક્કર સામગ્રીના આધારે ગુજરાતનો આરંભિક ઇતિહાસ રજૂ કર્યો. ‘અર્લી હિસ્ટરી ઓફ ગુજરાત’ તેમનો પહેલો વ્યવસ્થિત અભ્યાસગ્રંથ હતો.

ભગવાનલાલ ભારતીય સંસ્કૃતિના પ્રેમી હોવા છતાં, તથ્યોના અર્થઘટનની બાબતમાં તે સંસ્કૃતિના મિથ્યાભિમાનથી દોરવાતા નહીં. ભારતીય માનસની મર્યાદાઓથી તે બરાબર પરિચિત હતા. એ માનસને રૂચે અને પચે એવાં તારણો કાઢી આપતા સરકારી કે લોકપ્રિય ઇતિહાસકારો જેવો ધંધો ભગવાનલાલે કદી ન કર્યો. ગુજરાતના અને કાઠિયાવાડનાં ઘણાં રજપૂત કુટુંબોનું પગેરું સાધારણ અથવા અજાણ્યા કુળ સુધી પહોંચતું હોવાનું તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું હતું. (તેમના ચરિત્રકાર વીરચંદ ધરમસીએ લખ્યું તેમ, જુદાં જુદાં જૂથો પોતાને જાણીતાં કુળ સાથે જોડતાં હોય ત્યારે ભગવાનલાલનું આ વિધાન ઘણું હિંમતભર્યું ગણી શકાય.) ૧૮૬૨માં તે અજંટાની ગુફાઓના અભ્યાસ માટે ગયા ત્યારે સ્થાનિક રહેવાસીઓ ગુફાને પાંડવની ગુફા તરીકે ઓળખતા હતા. એ સમયે ભગવાનલાલે નોંઘ્યું હતું કે ‘જેટલે ઠેકાણે ગુફાઓ છે તેને લોકો ઘણું કરીને પાંડવોના ગુફા જ કેહે છે.’ 


સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂતને વશ કરેલો એવી કથા વિશે ભગવાનલાલે લખ્યું હતું કે ‘બર્બરોનો એક સમુદાય દક્ષિણ સૌરાષ્ટ્રમાં વસેલો. એ વિસ્તાર આજે બાબરિયાવાડ તરીકે જાણીતો છે. તેની પર સિદ્ધરાજે જીત મેળવી હતી.’ સિદ્ધરાજના યુગમાં ચાલેલી ગાદીના વારસા માટેની ખટપટની પણ તેમણે નોંધ લીધી હતી. ધાર (મઘ્ય પ્રદેશ)ની એક મસ્જિદમાં ૨૪ ફૂટ લાંબો અને ૧૧ ઇંચનો ચોરસ એવો લોઢાનો સ્તંભ હતો. એ સ્તંભ વિશે એવી દંતકથા હતી કે સ્તંભ બહાર કરતાં જમીનમાં ઘણો લાંબો છે અને તેનો છેડો દોઢ માઇલ દૂર એક વાવમાં નીકળે છે. સ્થાનિક અમલદારો સુદ્ધાં આ વાત માનતા હતા, પણ ભગવાનલાલે જઇને સ્તંભ ખોદાવ્યો ત્યારે ખબર પડી કે જમીનમાં તે ફક્ત દોઢ ફૂટ ઊંડો જ હતો.

પ્રાચીન સ્મારકો-શિલાલેખો-સિક્કા જેવી નિર્જીવ સામગ્રી સાથે કામ પાડનાર ભગવાનલાલ સામાજિક રીતરિવાજો અને તેના ઇતિહાસમાં પણ જીવંત રસ ધરાવતા હતા. ૧૮૭૧-૭૨માં પ્રવાસ દરમિયાન, ઉત્તર પ્રદેશના સહારનપુર -કાલસી નજીક આવેલી પહાડીમાં તે ગયા હતા. ત્યાં બધા સગા ભાઇઓ એક જ સ્ત્રીને પરણે એવો રિવાજ હતો. એ વિશે ભગવાનલાલે વિગતે નોંધ કરી હતી. તેમણે લખ્યું હતું,‘દીકરીનાં માબાપ પણ શાદી કરતી વખતે મુખ્ય કરીને તપાસે છે કે તેઓ કેટલા ભાઇઓ છે. જો એકલો હોય તો તે ને દીકરી દેવાનું કોઇ પસંદ કરતું નથી. તેનું મુખ્ય કારણ એ બતાવે છે કે તેને રાંડવું પડશે...ચાર કે પાંચ ભાઇ હોય તેમાંથી  જે ઓલાદ થાય તે સઘળી મોટા ભાની કહેવાય. તેઓમાંયના કોઇને પુછીએ કે તારા બાપનું નામ શું? તો તેના બાપો માંહેલા મોટા ભાઇનું નામ લે, પણ બોલવામાં સઘળાને બાપ કહે છે અને બધાને બાપની પ્રમાણે માન આપે છે.’ (જોડણી-ભાષા અસલ પ્રમાણે)

મુંબઇમાં ‘શેઠ અને ગુરુ’ ડૉ. ભાઉ દાજી ઉપરાંત અનેક અંગ્રેજ અફસરો-અભ્યાસીઓએ ભગવાનલાલના કામની કદર કરી. ભાઉ દાજીના મૃત્યુ પછી સ્વતંત્ર અભ્યાસી તરીકે ભગવાનલાલના નામ અને કામની, તેમના ગુજરાતી અભ્યાસલેખોના અંગ્રેજી અનુવાદની ઘણી પ્રશંસા થઇ. યુરોપના ઘણા વિદ્વાનો સાથે ભગવાનલાલની મિત્રાચારી થઇ હતી. તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ ચાલતો. ભગવાનલાલ મુંબઇના વાલકેશ્વરમાં જે ઘરમાં રહેતા હતા, એ તેમને ભાટિયા અને વાણિયા લોકોએ ભેટમાં આપ્યું હતું. જન્મે પ્રશ્નોરા નાગર એવા ભગવાનલાલને વૈદકનું જ્ઞાન કુટુંબ પરંપરામાંથી મળ્યું હતું. એમાં પણ તેમણે વિકાસ સાઘ્યો હતો. નેપાળ ગયા ત્યારે તે રક્તપિત અને કોઢના રોગ માટે ઓસડિયાં લાવ્યા હતા. વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ભગવાનલાલના શિષ્ય હતા. નાસિકની ગુફાઓના અભ્યાસ વખતે જયકૃષ્ણ ભગવાનલાલની સાથે જોડાયા હતા.

ગરીબ દર્દીઓને મફત દવા આપનારા આ પુરાતત્ત્વવિદ્‌ના એક મિત્ર-ચાહક હતાઃ બોમ્બે ગેઝેટીયરના સંપાદક જેમ્સ કેમ્પબેલ. તેમણે  ગેઝેટીયરનું કામ કરતા ભીમભાઇ કિરપારામ અને ઝવેરીલાલ યાજ્ઞિકને ભગવાનલાલનાં સ્મરણોની નોંધ કરવાનું સૂચવ્યું હતું. પરંતુ એ કામ માંડ શરૂ થયું ત્યાં ૪૯ વર્ષની વયે, થોડી બિમારી પછી ભગવાનલાલના સભર-સમૃદ્ધ-સાર્થક જીવનનો અંત આવ્યો. છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું,‘મને મરણનો કોઇ ભય નથી. મારું મોટા ભાગનું જીવન એક સુંદર, પ્રામાણિક અને સત્ત્વશીલ કાર્યને મેં અર્પણ કર્યું છે.’ કેમ્પબેલે તેમને મૃત્યુનાં ત્રણ અઠવાડિયાં પહેલાં એક પત્રમાં લખ્યું હતું, ‘તમારું જીવન હવે લગભગ પૂરું થવામાં છે એ વિચારે ખિન્ન થઇ જવાય છે.આટલાં બધાં વર્ષોથી ગરીબોની માંદગી પાછળ તમે જે સમય અને નાણાં ખર્ચ્યાં છે, એ તમને તમારી કામગીરીનાં છપાયેલાં પરિણામો (અભ્યાસ-સંશોધન લેખો) કરતાં વધારે આશ્વાસન આપનારાં થઇ પડશે.’

કેમ્પબેલને શંકા હતી કે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીની પાછળ તેમની વિદ્વત્તા અને બૌદ્ધિક પ્રદાનની થોડી વિગતો સિવાય બાકી બઘું ભૂંસાઇ જશે. ગુજરાતના અને ભારતના અભ્યાસી સહિતના લોકોએ  કેમ્પબેલની આશંકાથી આગળ વધીને, ભગવાનલાલના બૌદ્ધિક પ્રદાનને પણ વિસારે પાડી દીઘું હતું. એક સદી પછી ભગવાનલાલનું જીવન-કાર્ય ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં, પૂરા કદના પુસ્તક તરીકે ઉપલબ્ધ બન્યું છે, એ દર્શક ઇતિહાસ નિધિ અને વીરચંદ ધરમસીએ ભગવાનલાલ ઇન્દ્રજીને આપેલી સાચી અંજલિ છે.ભગવાનલાલ ઇન્દ્રજીની અજંતા નોંધપોથીનું પાનું

2 comments:

  1. ઊર્વીશ-બહુ જ સુંદર લેખ.કોઈ વ્યક્તિ આટલી કાર્યનિષ્ઠ હોઈ શકે..? અને જીવનના સંધ્યા ટાણે જે આમ કહી શકે કે : ‘મને મરણનો કોઇ ભય નથી. મારું મોટા ભાગનું જીવન એક સુંદર, પ્રામાણિક અને સત્ત્વશીલ કાર્યને મેં અર્પણ કર્યું છે.’ ------એનાથી વધું સંતૃપ્ત અવસ્થા શી હોઈ શકે...? ખુબ આભાર આ પુસ્તકના પરિચય બદ્લ.

    ReplyDelete