Monday, June 11, 2012

૧૨૦ વર્ષ પહેલાંના કાશ્‍મીરનું વર્ણનઃ ‘કલાપી'ની કલમે


આતંકવાદના ઓળા મહદ્‌ અંશે દૂર થતાં કાશ્‍મીર ફરી એક વાર પ્રવાસીઓને આકર્ષી રહ્યું છે. તેના માટે વપરાતું ‘પૃથ્‍વી પરનું સ્‍વર્ગ'  જેવું વિશેષણ જાહેરખબરીયા અતિશયોક્‍તિ નહીં, પણ વાસ્‍તવિકતા છે. એવો અહેસાસ ૨૦૧૨ના પ્રવાસીઓ જેટલો જ, કદાચ એથી પણ વધારે ૧૮૯૧માં કાશ્‍મીર/ Kashmir જનારા ‘કલાપી'ને થયો હતો. લાઠીના કુમાર સૂરસિંહજી ગોહેલ ત્‍યારે માંડ ૧૮ વર્ષના હતા. કવિ ‘કલાપી' તરીકે તેમનો જન્‍મ થવો બાકી હતો. પરંતુ તેમનામાં પાંગરી રહેલી કવિદૃષ્ટિનો પરિચય તેમણે લખેલા કાશ્‍મીરના પ્રવાસવર્ણનમાંથી મળી આવે છે.

સૂરસિંહજી ગોહેલ 'કલાપી'
‘તળાવ જેવી સ્‍થિર' દેખાતી જેલમ નદીના પ્રવાહ વિશે તેમણે એક જ વાક્‍યમાં પ્રયોજેલી ઉપમાઓ : મુગ્‍ધાના નુપુરરવ જેવો, પછી ઉતાવળે પરણવા જતી બાળાના રથના ધૂઘરા જેવો, પછી મદમત્ત ગંધગજની ગર્જના, સિંહના ઘર્ઘરઘોર અથવા વાંસની ઝાડીમાં ફૂંકાતા પવન જેવો, પછી વર્ષાઋતુની ગર્જના સામે ખડખડી પડતા કૈલાસ શિખરના ગડગડાટ જેવો અથવા બ્રહ્માના કમંડલમાંથી શંકરજટા પર અને શિવમસ્‍તક પરથી મેરૂ પર્વત પર પડતી ભાગીરથીના ધુઘવાટ જેવો...

આ પ્રવાહનું વર્ણન આગળ વધારતાં તેમણે લખ્‍યું હતું: ‘પગલે પગલે વધતો જતો, પાણીની છોળો ઉડાડતો, અનેક ઇન્‍દ્રધનુષો રચતો, ઘોડાની પીળી કેશવાળી જેવાં ઊછળતાં, નીચે જતાં, ફેલાઇ જતાં અને ભેગા થતાં ફીણના ગોટાને ઉત્‍પન્‍ન કરતો, પર્વતોમાં પ્રચંડ પડઘો પાડતો, ગુફાઓમાં ભરાઇ રહેતો, વૃક્ષ, વેલી અને પથ્‍થરોને ઘુ્રજાવતો, પાતાળ ફાડી નાખવાના યત્‍ન કરતો, કાશ્‍મીરને સપાટ કરવા મથતો, આંખને પોતા તરફ ખેંચતો, કર્ણવિવર બંધ કરતો...

કાશ્‍મીરનું પ્રવાસવર્ણન સૂરસિંહજીએ લેખ તરીકે નહીં, પણ પોતાના શિક્ષક ‘પ્રિય માસ્‍તરસાહેબ જોશીજી' (નરહર જોશી)ને પત્રસ્‍વરૂપે લખ્‍યું હતું. તા. ૨૨ જાન્‍યુઆરી, ૧૮૯૨ના રોજ લખાયેલો આ પત્ર મળ્‍યા પછી જોશીજીએ તેને કાઠિયાવાડના એક સામયિકમાં છપાવ્‍યો. એ રીતે, કાશ્‍મીરનું વર્ણન સૂરસિંહજીનું પહેલું પ્રકાશિત લખાણ બન્‍યું. તેમનો અને તેમના સાથી મિત્ર ગીગાવાળા (ભવિષ્‍યના વાજસુરવાળા) નો ભારતપ્રવાસ અંગ્રેજ સરકારની કાઠિયાવાડ એજન્‍સીએ ગોઠવ્‍યો હતો. એ વખતે બન્‍ને કુમારોને તેમની રિયાસતોનો વહીવટ સોંપાયો ન હતો. રાજકુમારો માટે નક્કી થયેલાં ધોરણો પ્રમાણે પ્રવાસખર્ચ પેટે રૂ. ૨૫ હજાર (૧૮૯૧માં) ફાળવવામાં આવ્‍યા હતા. તેમની દેખભાળ રાખવા માટે સાથે એક વાલી અને સગવડો સાચવવા માટે ૧૩ જણનો કાફલો હતો. છતાં સાધનસુવિધાઓના અભાવે હાડમારીઓનો પાર ન હતો.

સૂરસિંહજીનો એક પુસ્‍તિકા જેટલો લાંબો પત્ર કાશ્‍મીરના પંડિતો, મુસ્‍લિમો, તેમની રહેણીકરણી અને પોશાકથી માંડીને રસ્‍તા અને ભયાનકતા સાથે વણાયેલા કુદરતી સૌંદર્ય જેવી અનેક બાબતોના વર્ણનથી ભરપૂર હતો. તેમાં ઠેકઠેકાણે ભાવનાના ઉભરા, દેશની અધોગતિનાં કારણોનું પોતાની સમજણ મુજબનું બયાન અને ઉજ્‍જવળ ભવિષ્‍ય વિશેના આકાંક્ષાઓ હતી. તેમનો કાફલો ઓક્‍ટોબર, ૧૮૯૧માં શ્રીનગર પહોંચ્‍યો ત્‍યારે વાઇસરોય પણ વેકેશન માટે કાશ્‍મીર આવ્‍યા હતા. તેમના લીધે ઘણી જગ્‍યાએ નવા રસ્‍તા બનાવવામાં આવ્‍યા હોવાનું સૂરસિંહજીએ પત્રમાં લખ્‍યું હતું. (સૂરસિંહજી વાઇસરોયને મળવા પણ ગયા હતા.) એવી જ રીતે, રાવલપિંડીથી બારામુલ્‍લા જવા માટે ટાંગા (ઘોડાગાડી) ઉત્તમ વાહન હોવા છતાં, તેમને એ  મળી શક્‍યું નહીં. કારણ? ‘વાઇસરોયને માટે બધા ટાંગા રાખેલા હતા.' (આ બન્‍ને પરંપરા આઝાદી પછી પ્રધાનમંત્રીઓ અને મુખ્‍ય મંત્રીઓએ બરાબર જાળવી રાખી છે.)

શ્રીનગરની આબોહવા ‘વિલાયતના જેવી' હોવાથી, ત્‍યાં શરાબ પીવો જ પડે અને રોજ નાહી શકાય નહીં, એવી પ્રચલિત માન્‍યતા અગે ખુલાસો કરતાં તેમણે લખ્‍યું હતું, ‘આમ કહેનારા દારૂના શોખી(ન), આળસુ કે અજાણ્યા જ હોવા જોઇએ...વિલાયતમાં તેમ જ કાશ્‍મીરમાં એવાં માણસો ઘણાં છે કે જે મદિરાનો સ્‍પર્શ પણ કદી કરતાં નથી. અમે હંમેશાં નિયમસર કાશ્‍મીરમાં વગર હરકતે નાહી શકતા. મદિરા પીવાની કોઇ પણ વખતે કોઇને જરૂર પડી નહોતી...'

‘કાશ્‍મીર' માટે ‘પછાત'ની અવેજીમાં ‘જંગલી' જેવું વિશેષણ સૂરસિંહજીએ છૂટથી વાપર્યું હતું. કાશ્‍મીરી પશમીના અને શાલોથી મુગ્‍ધ થઇને એમણે લખ્‍યું, ‘ક્‍યાં આ જંગલી દેશ અને ક્‍યાં આ અલૌકિક કારીગરી! ઉદ્યોગ શું ન કરે! પ્રયત્‍નથી પશુપક્ષીઓ પણ સારૂં કામ કરે છે તો આ જંગલી કાશ્‍મીરનાં માણસો આવું કામ કરે તેમાં શું નવાઇ!...'

ડાલ સરોવરમાં થઇને શંકરાચાર્યના મંદિરે પહોંચવાની સફર  માટે ‘આ કિશ્‍તી (હોડી) એ જ વિમાન અને આ ડાલ તે જ સ્‍વર્ગ' એવા ઉદ્‌ગાર કાઢનાર સૂરસિંહજીના મનમાં કુદરતી સૌંદર્યની સાથોસાથ માણસોની કઠણાઇ પણ આબાદ ઝીલાઇ. કાશ્‍મીરમાં માંજી (માંઝી- નાવિક) તરીકે કામ કરતા મુસ્‍લિમોની સ્‍થિતિ વિશે સૂરસિંહજીએ લખ્‍યું,‘માંજી લોકો ગરીબ અણસમજુ... તેઓની સ્‍થિતિ ગુલામ કરતાં પણ વધારે ખરાબ છે. પંડિતો વેઠે કામ કરાવે છે. કામ ન કરે તો માર મારે છે. આવો એક માંજી અમારી હોડી ખેંચતો હતો તેણે અમને આ બધી વાત કરી. એ સિવાય પણ આ વાત સાચી માનવાને અમને ઘણાં કારણો મળ્‍યાં.'

શ્રીનગર શહેર અને તેના રહીશો વિશે પણ તેમનો અભિપ્રાય સારો ન હતો. ‘શ્રીનગરને કુદરતી બક્ષિસ ઘણી સારી મળેલી છે, તો પણ ત્‍યાંના રહેવાસી ગંદા, ગરીબ અને જંગલી જેવા હોવાને લીધે તેનો ઉપયોગ કેમ કરવો તે સમજતા નથી. શહેર ઘક્કાું જ ગંદું છે. સ્‍વચ્‍છતા એટલે શું એ થોડા જ સમજે છે. ગરીબનાં ઝુંપડાં, તવંગરનાં ઘર તેમ જ મહારાજાના મહેલ પર નળિયાંને બદલે ઘાસથી છવાયેલાં માટીનાં છાપરાં હોય છે. તફાવત માત્ર એટલો જ છે કે શ્રીમંત લોકો ઘાસ કપાવીને લીલા ગાલીચા જેવો છાપરાનો દેખાવ રાખે છે...ઘરને કોઇ પણ મરામત કરાવતું નથી. તેથી શહેર ખંડેર જેવું દેખાય છે. શ્રીનગરની વસ્‍તીમાં..બે ભાગ મુસલમાનના છે અને એક પંડિતનો છે. સ્‍ત્રી-પુરૂષો ઘણાં ખૂબસૂરત, દેખાવડાં અને કદાવર છે પણ શરીર અને કપડાં હંમેશાં ગંદાં જ હોય છે...'

કાશ્‍મીરપ્રવાસ દરમિયાન સૂરસિંહજીની મંડળીને ભોજનની તકલીફ પડતી હતી. ‘જોકે મને ચા પીવાની ટેવ ન હતી. તો પણ કાશ્‍મીરમાં વારંવાર ઉષ્‍ણોદકપાન કરવું પડતું હતું. કોઇ વખતે એક દિવસમાં પાંચ છ વખત ચા પીવો પડતો. કેમ જે જમવાનું નિયમસર બની શકતું ન હતું અને નિયમસર મળતું ત્‍યારે પણ ભાવતું ન હતું. કેમ કે ઘી કડવું અને દ્દુર્ગંધીલું હતું. બિસ્‍કિટ અને ચા એ જ અમારો મુખ્‍ય ખોરાક હતો.' કાશ્‍મીર જનારા લોકોના લાભાર્થે તેમણે લખ્‍યું હતું,‘કાશ્‍મીરમાં અમે ભેંશો ક્‍યાંય જોઇ નહિ. દૂધ ગાયોનું મળે છે. ઘી અને માખણ આળા ચામડામાં ભરી રાખે છે તેથી ઘણાં જ ખરાબ, કડવાં અને દુર્ગંધી હોય છે. અમને ઘી અને માખણ વિના ઘણી અડચણ પડી હતી. કાશ્‍મીરના દરેક મુસાફરે આ બે ચીજો હંમેશાં સાથે રાખવી.'

એક વાર ભૂખતરસ વેઠીને આગળ વધવાનું આવ્‍યું અને ‘કેટલાકની આંખમાં પિલુડાં (આંસુ) આવી ગયાં' એ યાદ કરીને ૧૮ વર્ષના રાજકુમાર સૂરસિંહજીએ લખ્‍યું હતું, ‘સ્‍પ્રિંગવાળા પલંગ અને ચાર ઘોડાની ગાડીમાં બેસી ચટપટ કરવી અને તેમાં જ મગ્‍ન રહેવું એ સુધારો, સુખ અથવા આનંદ નથી. મૂટ, મોજાં, નાજુક સોટી અને રેશમી રૂમાલ ગજવામાં રાખી, ફાંકડા બની આંટા મારવા એ જ સંપત્તિ અથવા મજા નથી. સોનાનાં ચશ્‍માં વગર કારણે ઘાલી, સોનાનાં નાજુક ઘડિયાળ અને અછોડા છાતી પાસે લટકાવી, ટેબલ પર ટાંટિયા ઊંચા ચડાવી, વિસ્‍કી પેગ ચડાવવો એ સુધારાના સાથીનાં લક્ષણ નથી. ધીરજ અને ધૈર્યથી અગાડી વધવું એ જ સુધારો છે, એ જ સુખ છે, એ જ ધર્મ છે અને એ જ સંપત્તિ છે.'

કાશ્‍મીરના લોકોની ગરીબી અને તેમના પછાતપણા વિશે બળાપો કાઢ્‍યા પછી તેમણે લખ્‍યું,‘કાશ્‍મીર એક કુદરતી વાડી છે, પણ તેની જરા પણ સંભાળ લેવાતી નથી. નહિ તો ઝાડ પરથી સોનું ઉતરે તેવું છે. ઇટાલીના પ્રદેશો કરતાં હજાર ઘણો ફળદ્રુપ છે. ખરૂં જોતાં આ સ્‍વર્ગનો દરેક ડુંગર સોનાનો જ બનેલો છે અથવા સુવર્ણની બીજી ગુપ્‍ત લંકા છે. પણ તેના પર વિભીષણ જેવો રાજા જોઇએ, જેથી રામની કૃપા થાય.' અને એવી આશા પણ વ્‍યક્‍ત કરી હતી કે ‘(એ લોકો) હવે ધીમે ધીમે બહારની સુધરેલી પ્રજાની સાથે પ્રસંગમાં પડવા લાગ્‍યા છે તેથી સુધર્યા છે, અને જેમ જેમ વધારે મળશે તેમ તેમ વધારે સુધારો થશે. થોડા વખતમાં એ પણ આપણી બરાબરીમાં આવી જશે.'

સૂરસિંહજીની મુલાકાતના દાયકાઓ પછી કાશ્‍મીર ‘બીજી લંકા' તો બન્‍યું, પણ આંતરવિગ્રહ અને ત્રાસવાદના મામલે. હવે ફરી એક વાર પ્રવાસીઓનો સમુહ કાશ્‍મીરને સલામત ગણીને ત્‍યાં ઉમટી રહ્યો છે, પરંતુ તેના માટે ‘વિભીષણ' અને ‘રામ'ની પ્રતિક્ષા ચાલુ છે.

4 comments:

  1. had he written such a travelogue in our times, his books would have been banned for being ethnically abusive.:-):-)

    ReplyDelete
  2. જબરું સંશોધન.....ઊર્વીશભાઈ ---બહુ ઉમદા લેખ.

    ReplyDelete
  3. રાજુભાઇ. મઝા પડી એટલે આનંદ.
    'સંશોધન' મારું કહેવાય એવું નથી. કલાપીના કાશ્મીર પ્રવાસ અંગેનું એક જૂનું પુસ્તક છે. તમારી કમેન્ટ વાંચ્યા પછી હું લેખ પર ફરી નજર ફેરવી ગયો એટલે જણાયું કે એ પુસ્તકનો ઉલ્લેખ સરતચૂકથી રહી ગયો છે.

    ReplyDelete
  4. Superb Urvish. Another wonderful piece. This blog is a fabulous addition to our understanding of the world around us. It's a joy to read every single time.

    ReplyDelete