Friday, December 16, 2011

ઇન્ટરનેટ સેન્સરશીપ: કોંગ્રેસી નેતાઓની સમુહચર્ચા

માહિતી-પ્રસારણ મંત્રી કપિલ સિબ્બલે ગયા અઠવાડિયે ઇન્ટરનેટ પર મુકાતી સામગ્રીમાં દેખરેખ અને કાપકૂપની વાત કરી છે. અંગ્રેજીમાં એને સેન્સરશીપ કહેવાય. આ નિર્ણય લેતાં પહેલાં યુપીએના નેતાઓની એક બેઠક મળી હોત, તો તેમાં કેવી ચર્ચાઓ થઇ હોત?
***
કપિલ સિબ્બલ (કાર્યવાહી શરૂ કરવાની પરવાનગી માગતી નજરે સોનિયા ગાંધી સામે જોઇને): આજે આપણે એક અગત્યના નિર્ણય માટે ભેગા મળ્યા છીએ.

ચિદમ્બરમ્‌: જો એ નિર્ણય પ્રણવ મુખર્જીએ લીધેલો હોય તો હું અત્યારથી તેની સામે મારો વાંધો નોંધાવું છું.

મમતા બેનરજીઃ અમારી પાર્ટી ધમકી આપવાને બદલે યુપીએ સરકારમાંથી ખરેખર ખસી જાય તો શું કરવું, એની ચિંતા કરતા હો તો છોડી દેજો. અમે ૨૦૧૪ સુધી તમને છોડીને ક્યાંય જવાનાં નથી.

રાહુલ ગાંધીઃ માયાવતી સામે સીબીઆઇની તપાસ ક્યારથી ચાલુ કરાવવી એનો નિર્ણય લેવાનો છે?

દિગ્વિજયસિંઘઃ અન્નાના ઉપવાસનો વિચાર કરીને મગજ બગાડવાની જરૂર નથી. એમના માટે મેં નવાં વિશેષણ તૈયાર રાખ્યાં છે. એક નમૂનો આપું? ‘આઇ.એસ.આઇ.ના એજન્ટ’ - કારણ કે પાકિસ્તાનમાં પણ એમને બોલાવનારા છે. કેવું લાગ્યું?

(સોનિયા ગાંધી મનમોહનસિંઘ સામે કડક નજરે જુએ છે. મનમોહનસિંઘઘ દયામણી નજરે સિબ્બલ સામે જુએ છે. એટલે સિબ્બલ વાત આગળ વધારે છે.)

સિબ્બલઃ ના, હું જે કહેવાનો છું તેના પ્રત્યાઘાત વધારે ઘેરા પડે એમ છે.

પ્રણવ મુખર્જીઃ વર્ષો પહેલાં ઇન્દિરાજીએ આવી જ રીતે એક બેઠક બોલાવી હતી. એ બેઠકમાંથી અમે ઘેર ગયા અને બીજા દિવસે સવારે ઉઠ્યા ત્યારે ખબર પડી કે દેશમાં કટોકટી જાહેર થઇ છે. ત્યારથી આવું બઘું સાંભળીને મારા પેટમાં ફાળ પડે છે.

રાહુલ ગાંધીઃ પણ મને તો એવો ખ્યાલ છે કે કટોકટીને આપણા પક્ષે બંધારણીય દરજ્જો આપેલો...

(સોનિયા ગાંધી રાહુલ ગાંધી સામે જુએ છે. રાહુલ ગાંધી દિગ્વિજયસિંઘ સામે જોઇને પછી સોનિયા ગાંધી સામે પ્રશ્નસૂચક નજરે જુએ છે. જાણે કહેતા હોય,‘દિગ્વિજયસિંઘે મને આવું જ શીખવ્યું છે. એમાં કંઇ ગરબડ છે?’)

ઓમર અબ્દુલ્લા (સમવયસ્કની મજાક કરવાના અંદાજમાં): તમે ક્યાં સુધી યુવાન રહેશો રાહુલ? આપણાં લગ્ન ન થાય, ત્યાં સુધી લોકો આપણને યુવાન જ ગણ્યા કરશે, એવી ગેરસમજણમાં ન રહેતા ને એ આશાએ અપરણીત પણ ન રહેતા. પરણીએ કે ન પરણીએ, ક્યારેક તો મોટા થવું પડે.

સિબ્બલઃ રાહુલબાબાનું લગ્ન ચોક્કસપણે રાષ્ટ્રહિતનો ગંભીર મુદ્દો છે, પણ આજે આપણી મિટિંગનો વિષય જુદો છે. તમે બધા ફેસબુક-ટ્‌વીટર-ગુગલ-યાહુ એ બધા વિશે જાણતા હશો..તમારામાંથી કેટલા લોકોનાં ફેસબુક કે ટ્‌વીટર પર એકાઉન્ટ છે?

(શાંતિ છવાઇ જાય છે. રાહુલ ગાંધી ચૂપકીદી તોડે છે.)

રાહુલઃ ટિ્‌વટર-ફેસબુક સ્વિત્ઝર્લેન્ડની બેન્કોનાં નામ નથી કે તેમાં ખાતું હોય એમણે ગભરાવું પડે. બોલો..કહી દો.. (સિબ્બલ સામે જોઇને) ટિ્‌વટરના એકાઉન્ટને કારણે શશિ થરૂરની જે દશા થઇ, એ જોયા પછી આપણા નેતાઓ એ વિશે વાત કરતાં ગભરાય છે.

પ્રણવ મુખર્જીઃ અમે ફેસબુક-ટિ્‌વટર કરીએ તો પછી છાશવારે નીકળતા કૌભાંડો અને ભ્રષ્ટાચારના આરોપોમાં બચાવ કોણ તૈયાર કરે? (ચિદમ્બરમ્‌ સામે જોઇને) કરનારા તો કૌભાંડો કરીને ખાતું બદલી નાખે છે ને પછી જવાબો અમારે આપવાના થાય છે.

સિબ્બલઃ મેં તો અમસ્તું વાતની ભૂમિકા બાંધવા પૂછ્‌યું. આ જમાનામાં ટિ્‌વટર-ફેસબુક-ગુગલ વિશે બધા જાણતા જ હોય...

રાહુલ ગાંધીઃ પણ એનું અત્યારે શું છે? યુવા કોંગ્રેસના નવા સભ્યોની નોંધણી ફેસબુક પર કરવાની છે? મને નથી લાગતું કે એ આઇડીયા બહુ ચાલે. હું આ દેશમાં ફર્યો છું, મેં જાતે ગામડાં જોયાં છે, દલિતોની ઝૂંપડીમાં જઇને ભોજન કર્યું છે. આપણા દેશના લાખો ગરીબો-દલિતો પાસે દિવસમાં એક ટંક ફેસબુક અપડેટ કરવાનાં ફાંફાં હોય, ત્યારે ફેસબુક આધારીત સભ્યપદને આટલું મહત્ત્વ શી રીતે આપી શકાય?

દિગ્વિજયસિંઘ (‘જોયું? આને કહેવાય તાલીમ’ના અંદાજમાં): વાહ, તમારા મનમાં આમઆદમીની કેટલી ચિંતા છે. જ્યાં સુધી તમે છો ત્યાં સુધી કોંગ્રેસનું ભવિષ્ય સુરક્ષિત છે.

સિબ્બલઃ ખરી વાત છે, પણ આપણે આજે વર્તમાનની વાત કરવાની છે. મને જાણવા મળ્યું છે કે ફેસબુક પર લોકો આપણને બધાને બહુ ભાંડે છે, આપણા ગમે તેવા ફોટા મૂકે છે, આપણે ઝૂડવાની એકેય તક જતી કરતા નથી, આપણાં ગમે તેવાં મોઢાં ચિતરે છે, ગમે તેનાં મોઢાં આપણા ધડ ઉપર બેસાડી દે છે... આ બધી અત્યાર સુધી ખબર હતી, પણ હમણાં મેં જે જોયું, તે જોઇને મને થયું કે મારી આંખો કેમ ન ફૂટી ગઇ?

મમતા બેનરજીઃ હા, એ વાત ખરી. માહિતી-પ્રસારણ મંત્રીની આંખો સાજીસમી હોય, તો પછી પોતાની સરકાર હોવાનો શો અર્થ?

સિબ્બલઃ ના, વાત એવી છે કે લોકો હવે ડોક્ટરસાહેબના (વડાપ્રધાનના) અને મેડમના (સોનિયા ગાંધીના) ફોટા સાથે પણ ચેડાં કરવા લાગ્યા છે. એ જોઇને મારું લોહી ઉકળી ઉઠ્યું. ગુસ્સાની અને નિઃસહાયતાની લાગણી મને ઘેરી વળી. થયું કે લેપટોપ માર્ગ આપે તો સમાઇ જાઉં. હું આટલું અટકાવી શકતો ન હોઉં તો માહિતી-પ્રસારણ મંત્રી તરીકે મારી નિષ્ફળતા કહેવાય.

મમતા બેનરજીઃ ખરી વાત છે. અમારા પક્ષના એક જણને હજુ કેબિનેટમાં લેવાના બાકી જ છે. તમે કહેતા હો તો તમારી જગ્યાએ...

સિબ્બલઃ તમારી લાગણીની હું કદર કરું છું, પણ હું બીજું કંઇક કહેવા માગું છું. મને લાગે છે કે આપણે ફેસબુક-ટ્‌વીટર જેવા કકળાટ પર પ્રતિબંધ ફટકારી દઇએ તો કેવું રહે? (બોલીને સોનિયા ગાંધી તરફ જુએ છે- જાણે પૂછતા હોય, ‘બરાબર બોલાયું ને?’)

દિગ્વિજયસિંઘઃ અદ્‌ભૂત વિચાર છે. તમારો નથી લાગતો.

ચિદમ્બરમ્‌: સારો વિચાર છે, પણ આ જાહેરાત માહિતી-પ્રસારણ મંત્રાલય દ્વારા થશે તો તેનો અવળો અર્થ નીકળશે. લોકો ‘કટોકટી’ અને ‘સેન્સરશીપ’ જેવા શબ્દો લઇને વિરોધ કરવા મચી પડશે. હકીકતે, આ જાહેરાત ગરીબીનાબૂદીકાર્યક્રમના ભાગ રૂપે થવી જોઇએ.

રાહુલ ગાંધીઃ હું સમજી ગયો. લાખો લોકોને એક ટંક ફેસબુક અપડેટ કરવાનાં ફાંફાં હોય ત્યારે ફેસબુક-ટ્‌વીટરની સેવાઓ પર પ્રતિબંધ મૂકી દઇએ તો પછી બધા સરખાઃ જેની પાસે કમ્પ્યુટર-મોબાઇલ હોય તે પણ ફેસબુક-વંચિત અને એ સુવિધા ન હોય તે પણ ફેસબુક-વંચિત. આને કહેવાય અસલી સમાનતા અને સમાજવાદ. દાદીમાને આ સમાજવાદનાં પ્રણેતા તરીકે નોબેલ શાંતિ પારિતોષિક અથવા અર્થશાસ્ત્ર માટેનું પારિતોષિક કેમ ન મળ્યું, એની મને નવાઇ લાગે છે.

દિગ્વિજયસિંઘઃ એમાં જીવ બાળવો નહીં. એમણે ગાંધીજીને પણ નોબેલ પારિતોષિકથી વંચિત રાખ્યા હતા. એમાં ખરાબ કોનું દેખાયું? આપણું કે એમનું?

મમતા બેનરજીઃ એક મિનીટ, આ બધી શાની વાતો ચાલી રહી છે? ફેસબુક-ટ્‌વીટર બંગાળમાં કારખાનું ખોલવાનાં હોય તો એની પરના પ્રતિબંધને મારો ટેકો છે, પણ એવું ન હોય તો અમારે વિચારવું પડે.

(સોનિયા ગાંધી પ્રણવ મુખર્જી સામે જુએ છે.)

પ્રણવ મુખર્જી (પરાણે હસતાં) : કેમ નહીં! વિચારવું એ તમારો અધિકાર છે ને ગણકારવું નહીં એ અમારો વિશેષાધિકાર. જુઓ વાતવાતમાં યાદ આવ્યું. આ મિટિંગ પૂરી થાય પછી આપણે બેસીને બંગાળ માટેના પેકેજની ચર્ચા કરવાની છે.

શરદ પવારઃ હું આ પ્રકારની સેન્સરશીપનો વિરોધ કરું છું. પેલો હરવિન્દર ગમે ત્યારે તો હોસ્પિટલમાંથી બહાર આવશે. પછી હું શું કરું?

ચિદમ્બરમ્‌: તમે ચિંતા ન કરતા. તમને ટ્રીપલ ઝેડ સુરક્ષા આપીશું ને તમારી ઓફિસના પંખા પણ બદલી નાખીશું જેથી તમે બેઠા હો ત્યાં પંખા પડે નહીં. પણ તમારે યુપીએની એકતા દર્શાવવા ખાતર આ દરખાસ્ત માનવી પડશે.

શરદ પવારઃ સારું, પણ તમે સાવ પ્રતિબંધ મૂકી દેવાની વાત ન કરશો.

મમતા બેનરજીઃ હું પણ એ જ વિચારતી હતી. અત્યારે ફક્ત વાંધાજનક સામગ્રી પર અંકુશ મૂકવાનો ઇરાદો જાહેર કરો.

રાહુલ ગાંધીઃ ખરી વાત છે. એવું નહીં કરીએ તો, માયાવતી આખા ઉત્તર પ્રદેશના દરેક આંબેડકર પાર્ક ને દરેક કાંશીરામ સ્મારકમાં ફેસબુક-ટિ્‌વટરનાં મફત કેન્દ્રો ખોલશે ને આપણા પ્રતિબંધની સાથે આપણા પક્ષના પણ ભૂંડા હાલ થશે.

દિગ્વિજયસિંઘ: તમારી રાજકીય પુખ્તતા જોઇને મને લાગે છે કે આ વખતે ઉત્તર પ્રદેશ આપણા હાથમાં આવ્યું સમજો.

(સોનિયા ગાંધીના ચહેરા પર આછા સ્મિતનો આભાસ થાય છે. એ સાથે જ મિટિંગ બરખાસ્ત, કલ્પનાની હદ પૂરી અને વાસ્તવિકતાનો પ્રદેશ શરૂ થઇ જાય છે. કપિલ સિબ્બલ કહે છે કે સોશ્યલ નેટવર્કિંગ સાઇટો પર મુકાતી વાંધાજનક, સરકારવિરોધી સામગ્રી વિશે કંપનીઓ પોતે ઘ્યાન નહીં રાખે તો પછી સરકારે ઘ્યાન રાખવું પડશે.)

5 comments:

  1. jst superb urvishbhai aa msg / note / lekh ghana badha loko sudhi pahonchavo joiye evo hu prayatn kaish tame pan karjo..!!!

    ReplyDelete
  2. છે કલ્પના પણ વાસ્તવિકતા પણ કદાચ આવી જ હશે?

    ReplyDelete
  3. Anonymous5:13:00 PM

    best article so far...

    ReplyDelete
  4. amit delhi9:33:00 AM

    aamey congress ni galthuthi j censor of humour thi bharpur chhe

    ReplyDelete
  5. This is the reason why "Urvish Kothari" is "Urvish Kothari"....
    Great.... Keep it up...

    ReplyDelete