Monday, October 10, 2011

જગજિતસિંઘની વિદાયઃ એક કૃતજ્ઞ કલાકારને અંજલિ

ગઝલગાયન ક્ષેત્રે અપાર ખ્યાતિ મેળવનાર જગજિતસિંઘની ગાયકી વિશે સલીલ દલાલ જેવા તેમના અધિકારી ચાહક-લેખક કે બીજા મિત્રો લખશે. એ અંગે કંઇ લખવા જેટલું મેં સાંભળ્યું નથી. પરંતુ મારા મનમાં જગજિતસિંઘ પ્રત્યેનો આદર સાવ જુદા કારણસર છે. એ આદર પેદા કરવા માટેનું નિમિત્ત બન્યા દિવંગત સંગીતકાર અજિત મર્ચંટ.

જગજિતસિંઘની સંઘર્ષરત અવસ્થામાં તેમને પહેલું ફિલ્મી ગીત ગાવાની તક અજિત મર્ચંટે આપી હતી. એ ફિલ્મ હતીઃ 'બહુરૂપી' (1969). વેણીભાઇપુરોહિતનાં ગીત અને અજિતકાકાનું સંગીત. તેમાં કાઠિયાવાડી શૈલીના એક ભજન માટે અજિતકાકાએ જગજિતસિંઘનો કંઠ વાપરવાનું નક્કી કર્યું. એ દિવસો યાદ કરતાં અજિતકાકાએ અમારી અનેક મેરેથોન મુલાકાતો દરમિયાન કહ્યું હતું, "૧૯૫૭થી ૧૯૬૭ દરમિયાન હું મુંબઇ રેડિયોમાં મ્યુઝિક પ્રોડ્યુસર હતો. ત્યારે જગજિત, ભૂપી (ભૂપેન્દ્ર) એ બધા મારા પરિચયમાં આવ્યા. જીગજિત ત્યારે આર્થર રોડ જેલ પાસે આવેલી શેર-એ-પંજાબ હોસ્ટેલમાં રહેતો હતો. એ ગીટાર સરસ વગાડતો. અવાજ પણ એટલો સરસ કે શબદ (પંજાબી ભજન) ગાય તો સાંભળ્યા કરીએ." આ છાપને લીધે બહુરૂપીમાં ભજન વખતે અજિતભાઇને જગજિતની યાદ આવી.
Ajit-Neelam Merchant

અજિતભાઇએ જગજિતને સિચ્યુએશન સમજાવી, કાઠિયાવાડી ભજન છે એમ કહ્યું અને પૂછ્યું, "યે ગાના ગાઓગે?" ભૂખ્યા માણસને "ખાના ખાઓગે?" પૂછવા જેવો સવાલ હતો.

જગજિતે કહ્યું, "આપ ગવાએંગે તો ક્યું નહીં ગાયેંગે." ગીતની કાઠિયાવાડી ભજન શૈલી જગજિતના કંઠમાં બેસાડવા માટે પંદરેક દિવસ સુધી અજિતભાઇના ઘરે રિહર્સલ ચાલ્યાં. એવાં રિહર્સલ જેમાં અજિતભાઇ ભજન ગાય અને જગજિતસિંઘ તે સાંભળે. આત્મસાત્ કરે.


રેકોર્ડિંગના દિવસે સ્ટુડિયો પર પહોંચ્યા પછી અજિતભાઇ સાઉન્ડ રેકોર્ડિંસ્ટ મીનુ કાત્રકને મળ્યા. અનુભવી મીનુબાવાએ પૂછ્યું, "કોણ ગાવાનું છે?" અજિતભાઇએ જગજિતનું નામ આપ્યું, એટલે મીનુ કાત્રક કહે, "તારું આ એક દુઃખ છે.તું ગમે તેને પકડી લાવે છે." મીનુ કાત્રક રેંજીપેંજી સાઉન્ડ રેકોર્ડિંસ્ટ ન હતા. સંગીતકારો પણ તેમનો આદર કરતા. અજિતભાઇએ તેમને કહ્યું, પહેલા ટેકમાં તમે ફક્ત જગજિતના અવાજ સાથે રેકોર્ડિંગ કરો અને સાંભળી જુઓ. તમને નહીં ગમે તો આપણે બીજા કોઇ પાસે કરાવીશું. નિર્માતા ઉમાકાંત દેસાઇ ('રામરાજય'ના 'લક્ષ્મણ')ને પણ આ વાત ઠીક લાગી.

ચાર રામસાગર (એકતારા), છ મંજીરા અને એક ફલુટ ગોઠવાઇ ગયાં હતાં, પણ પહેલાં જગજિતે વાદ્યો વિના ગાવાનું શરૂ કર્યું અને એ સૂર લગાડ્યો એ સાંભળીને, અજિતકાકા કહે છે, મીનુબાવા સ્તબ્ધ થઇ ગયા. ગીત પૂરું થયા પછી તે જગજિતને ભેટી પડ્યા અને કહ્યું કે તને ઓળખવામાં મારી ભૂલ થઇ.

અજિતકાકાના જણાવ્યા પ્રમાણે, એ સાંજે રાજ કપૂર સ્ટુડિયો પર આવ્યા. તેમની દીકરીનું લગ્ન હતું. ચેમ્બુર સ્ટુડિયોમાં ત્રણ-ચાર હજાર મહેમાનો માટે સંગીતનો કાર્યક્રમ હતો. રાજ કપૂરને સ્ટુડિયો પરથી જગજિત વિશે જાણ થતાં તેમના માણસો જગજિતને શોધતા હોસ્ટેલ પહોંચ્યા. આમ, રાજ કપૂરની દીકરીના લગ્નનો કાર્યક્રમ જગજિતનો પહેલો જાહેર પ્રોગ્રામ બન્યો.

ગુજરાતી ગીતોમાં યાદગાર-સદાબહાર ગણાયેલું વેણીભાઇ-અજિતભાઇનું ઘનશ્યામ ગગનમાં જગજિતસિંઘ અને સુમન કલ્યાણપુરે 'ધરતીના છોરુ' (1970) માટે અજિતભાઇના સંગીત નિર્દેશનમાં ગાયું હતું.

ફિલ્મી દુનિયામાં કે લેખન-સાહિત્ય જેવાં ક્ષેત્રોમાં પણ આવું તો ઘણું બનતું હોય છે. મોટા ભાગના મહાન બનેલા કલાકારોનો તેમના જીવનના સાવ આરંભિક તબક્કે કોઇકે હાથ પકડ્યો હોય, કોઇકે દિશા ચીંધી હોય, પરંતુ સફળ બન્યા પછી બહુ ઓછા લોકો એ યાદ રાખે છે. એ જ જાણે કે નિયમ છે. જેમ ગ્લેમર વધુ, તેમ સાવ શરૂઆતમાં પોતાની આંગળી પકડનારને ભૂલી જવાનું વલણ વધારે સામાન્ય. ગુજરાતી કોલમ જેવા, ફિલ્મી દુનિયાની સરખામણીએ સાવ મામૂલી કહેવાય એવા ક્ષેત્રમાં, લોકપ્રિયતાના પવનમાં ઉડતાં છૂંછાં તેમનો હાથ પકડનારનાં નામ ભૂલી જતાં હોય અને એમ કરવામાં હોંશિયારી સમજતાં હોય, ત્યાં ફિલ્મી દુનિયાની શી વાત કરવી?

પણ જગજિતસિંઘ એ બાબતમાં ઉજજવળ અને વીરલ અપવાદ બની રહ્યા. પોતાને પહેલી તક આપનાર અજિત મર્ચંટનો ગુણ તે કદી ન ભૂલ્યા. બન્ને વચ્ચે સતત સંપર્ક ન હતો. પરંતુ વર્ષો પછી સફળતાના શીખરે બિરાજતા જગજિતસિંઘે પોતાની સમગ્ર કારકિર્દીને આવરી લેતો એક ભવ્ય કાર્યક્રમ કર્યો, ત્યારે અજિતકાકા-નીલમકાકીને ખાસ યાદ રાખીને બોલાવ્યાં, કાર્યક્રમમાં તેમનો ગૌરવભેર નામોલ્લેખ કર્યો અને તેમને ભાવપૂર્વક મંચ પર બોલાવ્યા. પહેલી વાર આ વાત અજિતકાકાના મોઢે સાંભળી હતી. પછી તો અનાયાસે એક ટીવી ચેનલ પર એ દૃશ્ય જોવા મળ્યું.


ત્યાર પછી જગજિતસિંઘે પહેલ કરીને અજિતકાકાના સન્માનનો એક કાર્યક્રમ ગોઠવવામાં રસ લીધો. એ કાર્યક્રમમાં બે ગુજરાતી અને એક હિંદી અજિતકાકાનાં ત્રણ ગીત ગાયાં. એ કાર્યક્રમ પછી અજિતકાકા સાથે વાત થઇ ત્યારે એમણે કહ્યું કે કાર્યક્રમ માટે બીજા કલાકારોને રીહર્સલ કરવાનાં હતાં, પણ જગજિતને મેં કહ્યું ન હતું. આવડા મોટા કલાકારને રીહર્સલ માટે શી રીતે કહેવાય, પણ જગજિતે કોઇ રીતે જાણી લીધું અને બરાબર રીહર્સલના સમયે આવી પહોંચ્યો. આ કાર્યક્રમ પછી ભાવનગરમાં એક કાર્યક્રમ માટે જગજિતસિંઘ અજિતકાકા-નીલમકાકીને લઇ ગયા હતા. તેમના એક આલ્બમ 'મુંતઝિર'માં અજિતકાકાએ સ્વરબદ્ધ કરેલું ગીત 'રાત ખામોશ હૈ' તેમણે સમાવ્યું.

આ બધું અજિતકાકા પાસેથી જાણવા મળતું રહ્યું તેમ જગજિત સિંઘ પ્રત્યેનો આદર વધતો ગયો. સફળતાની ટોચે પહોંચ્યા પછી પણ પહેલા ડગલે હાથ પકડનારને ન ભૂલવાની ખાનદાની બતાવનાર જગજિત સિંઘને ભીની અંજલિ.

8 comments:

  1. જગજીતસિંઘ એ ગઝલગાયકીને class અને mass એમ બંન્ને સ્તરપર એક ખાસ સ્થાન અપાવી દિધું તે નિઃશંક જ છે.
    પ્રસિધ્ધિના મોહમાં તેમણે ગુણવત્તા કે પ્રયોગશીલતાને પ્રાધાન્ય ના આપ્યું હોય તેવું પણ થવા નહોતું દીધું.
    સ્ટૅજ-શૉ કે જાહેર મહેફીલ હોય,શ્રોતાઓના રસને તેઓ તેમ્ની ગાયકીની ઉંચાઇ એ લઇ જવાનું સંયોજન સ-રસ ગોઠવી શકતા; શ્રોતાગણની પસંદ કે નાપસંદની અસર તેમની ગાયકીને કે ગઝલોની પસંદગીપર ન પડતી.
    કળાના આટલા સંન્નિષ્ઠ સેવકને તેમની આખરી લડાઇમાં વિધિની પસંદની સામે અંતે નમતું જોખવું પડ્યું.

    ReplyDelete
  2. Bharat.zala9:42:00 AM

    ઉર્વીશભાઈ,જગજીતસિંગ ને અંજલિ આપતો લેખ સ્પર્શી ગયો.એ જેટલી મીઠી ગઝલો ગાતા,એટલું જ મીઠું એમનું વ્યક્તિત્વ રહ્યું.એમની કીર્તિ આભને આંબતી રહી,પણ ધરતી સાથેનો એમનો લગાવ અકબંધ રાખ્યો,આ એમની મોટપ હતી.એમની આ સાદગીને વંદન.

    ReplyDelete
  3. જગજિત સિંઘને ભીની અંજલિ..Thanks Urvishbhai.

    ReplyDelete
  4. Thanks for sharing. Looking forward to read such unknown facts about various VIBHUTIs

    ReplyDelete
  5. Bhavesh N. Pattni8:26:00 AM

    પ્રિય ઉર્વિશભાઈ,

    હંમેશની જેમ સુંદર લેખ બદલ આભાર ઉર્વિશભાઈ.

    ‘ધરતીના છોરુ’ ફિલ્મના જે ગીતની વાત તમે કરી છે તેના શબ્દો હું પણ બાળપણમાં 'ઘનશ્યામ ગગનમાં ટમટમ તારા ટમકે’ એમ સમજતો હતો. અજીત મરચન્ટ, અજીત શેઠ અને નિરુપમાબેને એક વાર મુંબઈ ‘આ માસનાં ગીતો’ માં આ ગીત રજુ કરેલું અને ત્યારથી મારા પપ્પાના મામા-મામી દેવેન્દ્રભાઈ પટ્ટણી અને ઉષાબહેન આ ગીત એ જ શબ્દો સાથે ગાતાં પણ જ્યારે ઑડિયો ટ્રેક સાંભળવા મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે શબ્દો છે 'ઘનશ્યામ નયનમાં ગુપચુપ ભટકી ભટકી'. વોડાફોને કૉલર-ટ્યુનમાં પણ આ ગીતને સ્થાન આપ્યું છે. ખૂબ સુંદર સ્વર-રચના છે.

    સપ્રેમ અને સાભાર,
    ભાવેશ એન. પટ્ટણી

    ReplyDelete
  6. પ્રિય ભાવેશભાઇ,
    તમારી છાપ સાચી છે. બિનફિલ્મી અને ફિલ્મી બન્ને વર્ઝનમાં શબ્દો જુદા જુદા હતા. આ ગીતના ઘાયલોની સંખ્યા મોટી છેઃ-)

    ReplyDelete
  7. બહુરૂપી ફિલ્મનો વિડીયો મુકજો.

    ReplyDelete
  8. સુંદર યાદો!બહુ આનંદ થયો જગજીતસિંહની ખાનદાનીની ઉમદા વાત વાંચીને!

    ReplyDelete