Monday, July 25, 2011

રાઇતીઃ અથાણું-કમ-મુખવાસ-કમ-નાસ્તો-કમ...

‘નાનો પણ રાઇનો દાણો’, ‘મગજમાં રાઇ ભરાઇ જવી’ એ પ્રકારના શબ્દપ્રયોગનો અર્થ ખબર હોય. છતાં તેમાં આવતી રાઇનો પ્રતાપ સ્વાનુભવે વધારે સમજાય. લક્કડિયામાં (મસાલાના ડબ્બામાં) રાઇના ઝીણા કાળા દાણા કીડીયા મોતી જેવા નિર્દોષ અને બીજા મસાલાની સરખામણીમાં કંઇક તુચ્છ પણ લાગે. પરંતુ રાઇનો નશો – ભલે લોકપ્રિયતાના નશા જેવો નહીં તો પણ- કેવો ‘કીક’વાળો હોય છે તે અસલી રાઇતું કે રાઇતી ખાવા મળે ત્યારે ખ્યાલ આવે.

રાઇતાનો શહેરી અર્થ છેઃ ગળ્યા કે ખારા દહીંમાં કેળાં-પાઇનેપલ-સફરજનના ટુકડા, કાકડીનું છીણ કે દાડમના દાણાનું મિશ્રણ. એવુ ‘રાઇતું’ ખાનારને થતું હશે કે આ ચીજનું નામ ‘દહીંતું’ નહીં ને ‘રાઇતું’ કેમ છે? ફીણેલી રાઇનું, જીભે મૂકતાં મગજ સુધી ચઢે એવું રાઇતું ચાખ્યા પછી જ તેના નામની સાર્થકતા સમજાય છે.

રાઇતી તેના નાન્યતર સ્વરૂપ (રાઇતું) કરતાં ઓછી જાણીતી. તે અથાણું ગણાય, પણ છુંદો, કટકી, મેથંબો, મેથિયાં, ગુંદાં, લસણ-ચણા, વેજિટેબલ જેવાં અથાણાં કરતાં ખાસ્સી જુદી તરી આવે. અથાણાં ચીનાઇ માટીની મોટી બરણીમાં ભરવાનો રિવાજ હતો ત્યારથી ઘરમાં કૌટુંબિક પરંપરા તરીકે રાઇતી બને. વચ્ચે થોડાં વર્ષ ખાલી જાય, પણ ફરી જૂની ફેશનની જેમ, રાઇતી માટેનો રાગ નવેસરથી જાગી ઉઠે. વીસેક વર્ષ પહેલાં પહેલી વાર રાઇતી ચાખી ત્યારે, દરેક નવા રોલ વિશે હીરો-હીરોઇનો કહે છે એવું થયું, ‘યહ કુછ હટકે હૈં.’ અથાણા તરીકે રાઇતી રોટલી-ભાખરી સાથે ખવાય, પણ તેની સાથેનો પહેલો પ્રેમ રોટલી-ભાખરીની મોહતાજી વિના થયો હતો.

રાઇતીના તમતમાટી અને ચટાકા સાથે મંટોનાં લખાણોની સ્મૃતિ અભિન્નપણે સંકળાયેલી છે. પત્રકારત્વમાં આવતાં પહેલાંની વાત છે. મંટોનાં લખાણસંગ્રહ ‘દસ્તાવેજ’ના પાંચ ભાગ એ વખતે પ્રગટ થયા હતા. બલરાજ મેનરા અને શરદ દત્ત સંપાદિત, દિલ્હીના ‘રાજકમલ’ દ્વારા પ્રકાશિત ‘દસ્તાવેજ’ નિઃશંકપણે મંટો વિશેનું અત્યાર સુધીનું સૌથી ઉત્તમ સંપાદન ગણી શકાય. તેમાં મંટોની વાર્તાઓ, રેડિયો નાટકો, વ્યક્તિચિત્રો અને બીજી ઘણી સામગ્રી હતી. ક્રમ કંઇક એવો થયો હતો કે રોજ રાત્રે ‘દસ્તાવેજ’ વાંચવાનું ચાલે. રાત્રે વાંચવાનું હોય એટલે કંઇક કટકબટક જોઇએ. તેમાં એક વાર બીજા નાસ્તાના અભાવે રાઇતીની શીશી હાથ લાગી ગઇ. રાઇતી તો અથાણું. થાળીમાં લઇને ખવાય. પણ તેનાં મોટાં ચીરીયાં, એનો બીજાં અથાણાંથી જુદો તરી આવતો, વધુ પ્રવાહી રસો, એમાં તરતાં મરી, રસાથી રસાયેલી ખારેકના ટુકડા- આ બધું જોઇને થયું, ‘અથાણું હોય તો એના ઘરનુ. આપણે એને ખાવું હોય તેમ, મન પડે તેમ ખાઇએ.’ એટલે એક વાટકીમાં રાઇતી કાઢી અને ચમચીથી ખાવાની શરૂઆત કરી.

એક બાજુ મંટોની વાર્તાઓની તમતમતી વાર્તાઓ અને બીજી બાજુ રાઇતીમાંથી આવતી ફીણેલી રાઇનો તમતમાટ. વાંચતા વાંચતા વચ્ચે રાઇતીમાં આવતાં મરી ચવાઇ ન જાય એનું ધ્યાન રાખવું પડે. એટલે રાઇતી વાટકીમાં કાઢ્યા પછી પહેલેથી મરી અલગ તારવવાનું શરૂ કર્યું. આવી રીતે રોજ રાત્રે બે-ત્રણ-ચાર વાટકી ભરીને રાઇતીનો ખુરદો બોલવા લાગ્યો. એટલે મમ્મીને નવાઇ લાગીઃ જમવામાં કોઇ રાઇતી લેતું નથી છતાં શીશી ખાલી શી રીતે થાય છે?

ત્યારથી વચ્ચે વચ્ચે બ્રેક સાથે રાઇતી નવેસરથી- અથાણાને બદલે લગભગ નાસ્તા તરીકે- બનવા અને ઉપડવા લાગી. જમ્યા પહેલાં, જમી લીધા પછી, બપોરે, રાત્રે, મન થાય ત્યારે મોટાં ચીરીયાં અને પાતળો રસો વાટકીમાં કાઢીને ખાવાની ઘરમાં નવાઇ ન રહી. ‘અથાણું આવી રીતે ખવાય?’ એ પ્રશ્ન સાવ અપ્રસ્તુત થઇ ગયો. આ રીતે ખાવાને કારણે રાઇતી બહુ ચાલતી નથી, પણ અથાણાં ફક્ત ચાલવા માટે જ હોય છે? ખાવા માટે નહીં?

રાઇતી બનાવવા માટે કેરીનાં મોટાં ચીરીયાં કરવામાં આવે છે. જોકે ચીરીયાં મોટાં કરવા પાછળ કશું ખાસ કારણ નથી. એ નાનાં પણ થઇ શકે. તેને મીઠા-હળદરમાં એકાદ દિવસ પૂરતાં આથીને બીજા દિવસે તેમાંથી પાણી નીતારી લેવાય છે. પાણીરહિત ચીરીયાંને કાપડના કટકા પર પાથરીને કોરાં કરવામાં આવે છે. એ પ્રક્રિયામાં ચીરીયાં કોરાં થવાની સાથોસાથ ઓછાં પણ થઇ જાય છે. (અથાયેલી કેરી આ રીતે પડી હોય તો બીજું શું થાય?) રાઇતીનું પ્રાણભૂત તત્ત્વ છે રાઇ. તેનાં પીળાં કુરિયાં મિક્સરમાં વાટીને તેનો પાવડર કરવામાં આવે છે. (એ તૈયાર પણ મળે છે.) એ પાવડર એક થાળીમાં લઇને તેમાં તેલ, મીઠું, થોડી હળદર અને ચીરીયાંમાંથી નીતારી લેવાયેલું ખટાશયુક્ત પાણી નાખ્યા પછી, એ મિશ્રણને પાંચેક મિનીટ સુધી હાથથી બરાબર ફીણવું પડે. (‘એમાં શું ફીણી લીધું?’ એ તો છેવટે સ્વાદ ચાખ્યા પછી જ સમજાય.)

ફીણાયેલા મિશ્રણમાં પછી કેરી જેટલી ખાંડ, થોડું મીઠું, મરી, વરિયાળી અને ખારેકના ટુકડા નાખીએ એટલે રાઇતી તૈયાર, પણ ખાવા માટે નહીં- ફક્ત ચાખવા માટે. ખાંડ નાખ્યા પછી રાઇતી બરાબર હલાવતા રહેવું પડે. ત્યાર પછી પણ બે દિવસ જવા દઇએ ત્યારે ખાંડ બરાબર ઓગળી રહે અને રાઇ પણ થોડી ચડી હોય. મેંદીની જેમ રાઇ માટે પણ કહેવાય છે કે ફીણનારની પ્રકૃતિ જેટલી ગરમ, એટલી એ વધારે ચડે. સમય વીતે એમ રાઇતીનો સ્વાદ ચડતો જાય. રાઇતી એકલી ખાતી વખતે મરી વીણવાની માથાકૂટ લાગતી હોય તો મરી નાખવાં જરૂરી નથી. રાઇતીના સ્વાદમાં અસલી તત્ત્વો બે જ છેઃ ફીણેલી રાઇ અને વરિયાળી.

કેરીના મોટા ચીરીયા પર ચોંટેલાં રાઇનાં ઝીણાં-પીળાં કુરિયાં ને વરિયાળીનો લાંબો દાણો, તેના રસામાં અથાયેલી ખારેક અને ચીરીયાં વગર ફક્ત તેનો રસો- આ કોઇ મહેમાનની નાસ્તાની ડિશમાં આપી શકાય એવો નાસ્તો નથી. એમને તો થાળીમાં કોરે અથાણા તરીકે જ રાઇતી પીરસવી પડે. પણ સલામતી ખાતર મહેમાનને પૂછી જોવું ખરું કે ‘રાઇતી જમવા સાથે આપું? કે અલગથી લેશો?’ કદાચ એમને પણ રાઇતીનો ‘નાસ્તો’ કરવાની ટેવ હોય ને વિવેકના માર્યા કહી શકતા ન હોય...

6 comments:

  1. Anonymous3:23:00 PM

    waah raaiti made my day without tastig it u made my mouth watering

    ReplyDelete
  2. फोटो इतनी आछी है की देखते ही मुह में पानी आ जाता है...!!!

    ReplyDelete
  3. Anonymous7:50:00 AM

    તમે યાર આવુ બધુ લખી ને શુ કામ અમે હેરાન કરો છો. કોઇ દેશી કંપની એ અહી હજુ આ વેચતી નથી અને જાતે બનાવવી શક્ય નથી.
    ફોટો જોઈ ને લાબોં નીસાસો નંખાઈ ગયો ,ફરી ક્યારે ખાવાની મળશે.
    હવે તો અથાણા ની સીઝન પુરી થઈ ગઇ હશે તમતમારે એક્લા એક્લા મઝા કરો ભાઈ.
    રાજન શાહ ( વેનકુવર ,કેનેડા)

    ReplyDelete
  4. Bharat.zala11:47:00 PM

    Urvishbhai.very very Testy post.Me and my wife-both enjoyed it.

    ReplyDelete
  5. Binit Modi (Ahmedabad)7:22:00 PM

    પ્રિય ઉર્વીશ,
    આ લખાણ તેં ક્યારે લખ્યું એનું મારે મન કોઈ મહત્વ નથી. હા એ બ્લોગ પર અપલોડ કર્યું એ 25 જુલાઈ 2011ને સોમવારનો દિવસ મારા માટે અગત્યનો છે. આ દિવસે પાકકળા નિષ્ણાત તરલા દલાલ નવરંગપુરા, અમદાવાદ સ્થિત સ્પોર્ટસ ક્લબમાં તેમની વાનગીકળાનું નિદર્શન કરવા આવ્યા હતા. મને વહેમ જ નહીં પાકી ખાતરી છે કે તેઓ રાઇતીની રીત તારી પાસેથી જાણવા - શીખવા જ અમદાવાદ આવ્યા હતા.
    બિનીત મોદી (અમદાવાદ)

    ReplyDelete
  6. મોંમાં પાણી આવી ગયું... :-P'
    તમને રાઇનો સ્વાદ ભાવતો હોય તો "કાસુંદી" નામે રાઇનો સોસ પણ મળે છે...

    ReplyDelete