Friday, July 29, 2011
વીસ લખોટી, એક સ્ટીક, ચાર પેઢી
‘ફેમિલી સિલ્વર’ એવો શબ્દપ્રયોગ બાપદાદાના જમાનાની કિમતી ચીજવસ્તુઓ- જરઝવેરાત માટે વપરાય છે, પણ ઉપયોગીતા, આવરદા અને લાગણી જેવાં પરિબળોને ઘ્યાનમાં રાખીએ તો ક્યારેક સાઠ-સિત્તેર વર્ષ જૂના હાર્મોનિયમનો કે લાકડાના વિશિષ્ટ કેરમનો પણ તેમાં સમાવેશ કરવો પડે.
અમારા ઘરમાં કૌટુંબિક પરંપરા સાથે સંકળાયેલું એવું એક કેરમ છે, જેની પર મારા દાદા મિત્રો સાથે શરત મારીને રમતા હોવાની કથા સાંભળી હોય, મારા પપ્પાને છેક વૃદ્ધાવસ્થા સુધી હોંશેહોંશે રમતા જોયા હોય, બાળપણથી અત્યાર સુધી અમે તેનો ભરપૂર આનંદ લીધો હોય અને હવે અમારાં સંતાનોને પણ તેમાં એટલી જ મઝા આવતી હોય.
આ કેરમ ચાર ખૂણે ચાર ખાનાવાળું નહીં, પણ સાવ જુદું છે. તેને શું કહેવાય એ પણ ખબર નથી. એવું સાંભળ્યું છે કે દાદાજીના જમાનામાં તેને 'મસ્કતી બોર્ડ' કહેતા હતા. (નીચેની તસવીર જોવાથી કેરમની રચનાનો થોડો ખ્યાલ આવશે.)
ખેલાડીનો હાથ બેસી જાય એટલે એકધારી ગતિએ તે લખોટીઓને છેક ઉપર આવેલાં અર્ધવર્તુળમાં ૭૦ના અને તેની પડખે આવેલા ૮૦ના ખાનામાં મોકલી શકે. પાકા ખેલાડીનો દાવ પૂરો થાય કે ૭૦-૮૦ના ખાનામાંથી ઓછામાં ઓછી દસ-બાર લખોટીઓ નીકળે. એવું જ અર્ધવર્તુળ કેરમના નીચેના ભાગમાં છે. ત્યાં એક તરફ ૭૫ અને બીજી તરફ -૨૫ (માઇનસ ૨૫) પોઇન્ટનાં ખાનાં છે. તેની ડાબી બાજુ થોડે ઉપર,ખીલીઓના નાના પાંજરામાં ‘ટી.એ.’ લખેલું છે. એટલે કે ટ્રાય અગેઇન.
pappa playing carrom with Biren (left) & Shachi (Right) as spectators-cum- co-players
સાંભળ્યા પ્રમાણે, આ કેરમ પર દાદાજી અને તેમના મિત્રો આઇસક્રીમની ને પાર્ટીની શરતો મારતા હતા. જેન્ડર બાયસ વગરની આ રમતમાં બા, મમ્મી, કાકી, ફોઇ બધાં એકસરખા આનંદથી અને મહારતથી રમતાં. પપ્પા પાછલી અવસ્થા સુધી આ કેરમ રમવાનું આવે ત્યારે તેમની કેટલાક શારીરિક અક્ષમતા વિસારે પાડીને, નીચે જેવીતેવી પલાંઠી વાળીને પણ કેરમ રમવા બેસતા. કારણ કે એ કેરમ સાથે તેમનું બાળપણ સંકળાયેલું હતું. એની સ્ટીક હાથમાં પકડતાં એમની ઉંમર ઘટી જતી ને આંખમાં ચમક આવી જતી. એ પણ યાદ આવે છે કે ઘણી વાર અમારા બધા કરતાં તેમનો સ્કોર સૌથી વધારે થતો.
આ કેરમ રોજેરોજ રમવાની ચીજ ન હતી. વેકેશનમાં કે બધાં ભેગાં થયાં હોય ત્યારે તે નીકળે, પણ એક વાર ઉતર્યું એટલે તેનો પૂરો કસ નીકળીને જ રહે. અમારા પરિવાર ઉપરાંત મિત્રો, ભૂતકાળમાં મહેમદાવાદના મોટા ઘરે આવીને રહેતાં સગાંવહાલાં- બધાં આ કેરમને ઓળખે, બૃહદ પરિવારની સહિયારી સ્મૃતિનો હિસ્સો ગણે અને કેરમ નિમિત્તે દાદાજીને સંભારે.
દાદાજીને ગયે 46 વર્ષ થયાં. હવે પપ્પા પણ નથી. બીરેનની દીકરી લૉ કોલેજમાં ભણે છે. મારી દીકરી મન્ના ડે અને હેમંતકુમારનો, ગીતા દત્ત અને શમશાદ બેગમનો અવાજ ઓળખી શકે એટલી મોટી (નવ વર્ષની) થઇ. પણ કેરમનો જાદુ હજુ ઓસર્યો નથી. ચાર પેઢી જોયા પછી તેની લાકડાની સપાટીમાં ઠેકઠેકાણે છિદ્રો પડ્યાં છે. કિનારો પરથી દરેક વખતે થોડી ફાંસ નીકળી આવે છે. પાવડર લગાડ્યા પછી પણ તેની અમુક સપાટી ખરબચડી રહે છે. એટલે ગતિશીલ લખોટી ઘણી વાર નિર્ધારિત રસ્તે ચાલવાને બદલે રસ્તો ઠેકી જાય છે. લોખંડની કેટલીક લખોટીઓ ખોવાઇ ગઇ છે. હવે દરેક વેકેશનમાં તે પહેલાંના જેટલું વપરાતું નથી. છતાં, હજુ મન થાય ત્યારે વરસના વચલા દહાડે એ કેરમ લઇ આવીને રમી લઇએ છીએ. એવો પણ વિચાર કર્યો છે કે બીરેનના હોંશિયાર-કલાકાર મિસ્ત્રી પાસે આ કેરમની પ્રતિકૃતિ બનાવવી. આ જ માપે અને તેની પર રમી શકાય એવી- ભલે એ બીજી ચાર પેઢી ન ચાલે.
Wednesday, July 27, 2011
પાર્કિગનો પ્રાણપ્રશ્ન : સબ ભૂમિ ગોપાલકી?
Monday, July 25, 2011
રાઇતીઃ અથાણું-કમ-મુખવાસ-કમ-નાસ્તો-કમ...
‘નાનો પણ રાઇનો દાણો’, ‘મગજમાં રાઇ ભરાઇ જવી’ એ પ્રકારના શબ્દપ્રયોગનો અર્થ ખબર હોય. છતાં તેમાં આવતી રાઇનો પ્રતાપ સ્વાનુભવે વધારે સમજાય. લક્કડિયામાં (મસાલાના ડબ્બામાં) રાઇના ઝીણા કાળા દાણા કીડીયા મોતી જેવા નિર્દોષ અને બીજા મસાલાની સરખામણીમાં કંઇક તુચ્છ પણ લાગે. પરંતુ રાઇનો નશો – ભલે લોકપ્રિયતાના નશા જેવો નહીં તો પણ- કેવો ‘કીક’વાળો હોય છે તે અસલી રાઇતું કે રાઇતી ખાવા મળે ત્યારે ખ્યાલ આવે.
રાઇતાનો શહેરી અર્થ છેઃ ગળ્યા કે ખારા દહીંમાં કેળાં-પાઇનેપલ-સફરજનના ટુકડા, કાકડીનું છીણ કે દાડમના દાણાનું મિશ્રણ. એવુ ‘રાઇતું’ ખાનારને થતું હશે કે આ ચીજનું નામ ‘દહીંતું’ નહીં ને ‘રાઇતું’ કેમ છે? ફીણેલી રાઇનું, જીભે મૂકતાં મગજ સુધી ચઢે એવું રાઇતું ચાખ્યા પછી જ તેના નામની સાર્થકતા સમજાય છે.
રાઇતી તેના નાન્યતર સ્વરૂપ (રાઇતું) કરતાં ઓછી જાણીતી. તે અથાણું ગણાય, પણ છુંદો, કટકી, મેથંબો, મેથિયાં, ગુંદાં, લસણ-ચણા, વેજિટેબલ જેવાં અથાણાં કરતાં ખાસ્સી જુદી તરી આવે. અથાણાં ચીનાઇ માટીની મોટી બરણીમાં ભરવાનો રિવાજ હતો ત્યારથી ઘરમાં કૌટુંબિક પરંપરા તરીકે રાઇતી બને. વચ્ચે થોડાં વર્ષ ખાલી જાય, પણ ફરી જૂની ફેશનની જેમ, રાઇતી માટેનો રાગ નવેસરથી જાગી ઉઠે. વીસેક વર્ષ પહેલાં પહેલી વાર રાઇતી ચાખી ત્યારે, દરેક નવા રોલ વિશે હીરો-હીરોઇનો કહે છે એવું થયું, ‘યહ કુછ હટકે હૈં.’ અથાણા તરીકે રાઇતી રોટલી-ભાખરી સાથે ખવાય, પણ તેની સાથેનો પહેલો પ્રેમ રોટલી-ભાખરીની મોહતાજી વિના થયો હતો.
રાઇતીના તમતમાટી અને ચટાકા સાથે મંટોનાં લખાણોની સ્મૃતિ અભિન્નપણે સંકળાયેલી છે. પત્રકારત્વમાં આવતાં પહેલાંની વાત છે. મંટોનાં લખાણસંગ્રહ ‘દસ્તાવેજ’ના પાંચ ભાગ એ વખતે પ્રગટ થયા હતા. બલરાજ મેનરા અને શરદ દત્ત સંપાદિત, દિલ્હીના ‘રાજકમલ’ દ્વારા પ્રકાશિત ‘દસ્તાવેજ’ નિઃશંકપણે મંટો વિશેનું અત્યાર સુધીનું સૌથી ઉત્તમ સંપાદન ગણી શકાય. તેમાં મંટોની વાર્તાઓ, રેડિયો નાટકો, વ્યક્તિચિત્રો અને બીજી ઘણી સામગ્રી હતી. ક્રમ કંઇક એવો થયો હતો કે રોજ રાત્રે ‘દસ્તાવેજ’ વાંચવાનું ચાલે. રાત્રે વાંચવાનું હોય એટલે કંઇક કટકબટક જોઇએ. તેમાં એક વાર બીજા નાસ્તાના અભાવે રાઇતીની શીશી હાથ લાગી ગઇ. રાઇતી તો અથાણું. થાળીમાં લઇને ખવાય. પણ તેનાં મોટાં ચીરીયાં, એનો બીજાં અથાણાંથી જુદો તરી આવતો, વધુ પ્રવાહી રસો, એમાં તરતાં મરી, રસાથી રસાયેલી ખારેકના ટુકડા- આ બધું જોઇને થયું, ‘અથાણું હોય તો એના ઘરનુ. આપણે એને ખાવું હોય તેમ, મન પડે તેમ ખાઇએ.’ એટલે એક વાટકીમાં રાઇતી કાઢી અને ચમચીથી ખાવાની શરૂઆત કરી.
એક બાજુ મંટોની વાર્તાઓની તમતમતી વાર્તાઓ અને બીજી બાજુ રાઇતીમાંથી આવતી ફીણેલી રાઇનો તમતમાટ. વાંચતા વાંચતા વચ્ચે રાઇતીમાં આવતાં મરી ચવાઇ ન જાય એનું ધ્યાન રાખવું પડે. એટલે રાઇતી વાટકીમાં કાઢ્યા પછી પહેલેથી મરી અલગ તારવવાનું શરૂ કર્યું. આવી રીતે રોજ રાત્રે બે-ત્રણ-ચાર વાટકી ભરીને રાઇતીનો ખુરદો બોલવા લાગ્યો. એટલે મમ્મીને નવાઇ લાગીઃ જમવામાં કોઇ રાઇતી લેતું નથી છતાં શીશી ખાલી શી રીતે થાય છે?
ત્યારથી વચ્ચે વચ્ચે બ્રેક સાથે રાઇતી નવેસરથી- અથાણાને બદલે લગભગ નાસ્તા તરીકે- બનવા અને ઉપડવા લાગી. જમ્યા પહેલાં, જમી લીધા પછી, બપોરે, રાત્રે, મન થાય ત્યારે મોટાં ચીરીયાં અને પાતળો રસો વાટકીમાં કાઢીને ખાવાની ઘરમાં નવાઇ ન રહી. ‘અથાણું આવી રીતે ખવાય?’ એ પ્રશ્ન સાવ અપ્રસ્તુત થઇ ગયો. આ રીતે ખાવાને કારણે રાઇતી બહુ ચાલતી નથી, પણ અથાણાં ફક્ત ચાલવા માટે જ હોય છે? ખાવા માટે નહીં?
રાઇતી બનાવવા માટે કેરીનાં મોટાં ચીરીયાં કરવામાં આવે છે. જોકે ચીરીયાં મોટાં કરવા પાછળ કશું ખાસ કારણ નથી. એ નાનાં પણ થઇ શકે. તેને મીઠા-હળદરમાં એકાદ દિવસ પૂરતાં આથીને બીજા દિવસે તેમાંથી પાણી નીતારી લેવાય છે. પાણીરહિત ચીરીયાંને કાપડના કટકા પર પાથરીને કોરાં કરવામાં આવે છે. એ પ્રક્રિયામાં ચીરીયાં કોરાં થવાની સાથોસાથ ઓછાં પણ થઇ જાય છે. (અથાયેલી કેરી આ રીતે પડી હોય તો બીજું શું થાય?) રાઇતીનું પ્રાણભૂત તત્ત્વ છે રાઇ. તેનાં પીળાં કુરિયાં મિક્સરમાં વાટીને તેનો પાવડર કરવામાં આવે છે. (એ તૈયાર પણ મળે છે.) એ પાવડર એક થાળીમાં લઇને તેમાં તેલ, મીઠું, થોડી હળદર અને ચીરીયાંમાંથી નીતારી લેવાયેલું ખટાશયુક્ત પાણી નાખ્યા પછી, એ મિશ્રણને પાંચેક મિનીટ સુધી હાથથી બરાબર ફીણવું પડે. (‘એમાં શું ફીણી લીધું?’ એ તો છેવટે સ્વાદ ચાખ્યા પછી જ સમજાય.)
ફીણાયેલા મિશ્રણમાં પછી કેરી જેટલી ખાંડ, થોડું મીઠું, મરી, વરિયાળી અને ખારેકના ટુકડા નાખીએ એટલે રાઇતી તૈયાર, પણ ખાવા માટે નહીં- ફક્ત ચાખવા માટે. ખાંડ નાખ્યા પછી રાઇતી બરાબર હલાવતા રહેવું પડે. ત્યાર પછી પણ બે દિવસ જવા દઇએ ત્યારે ખાંડ બરાબર ઓગળી રહે અને રાઇ પણ થોડી ચડી હોય. મેંદીની જેમ રાઇ માટે પણ કહેવાય છે કે ફીણનારની પ્રકૃતિ જેટલી ગરમ, એટલી એ વધારે ચડે. સમય વીતે એમ રાઇતીનો સ્વાદ ચડતો જાય. રાઇતી એકલી ખાતી વખતે મરી વીણવાની માથાકૂટ લાગતી હોય તો મરી નાખવાં જરૂરી નથી. રાઇતીના સ્વાદમાં અસલી તત્ત્વો બે જ છેઃ ફીણેલી રાઇ અને વરિયાળી.
કેરીના મોટા ચીરીયા પર ચોંટેલાં રાઇનાં ઝીણાં-પીળાં કુરિયાં ને વરિયાળીનો લાંબો દાણો, તેના રસામાં અથાયેલી ખારેક અને ચીરીયાં વગર ફક્ત તેનો રસો- આ કોઇ મહેમાનની નાસ્તાની ડિશમાં આપી શકાય એવો નાસ્તો નથી. એમને તો થાળીમાં કોરે અથાણા તરીકે જ રાઇતી પીરસવી પડે. પણ સલામતી ખાતર મહેમાનને પૂછી જોવું ખરું કે ‘રાઇતી જમવા સાથે આપું? કે અલગથી લેશો?’ કદાચ એમને પણ રાઇતીનો ‘નાસ્તો’ કરવાની ટેવ હોય ને વિવેકના માર્યા કહી શકતા ન હોય...
Friday, July 22, 2011
ઓગણીસમી સદીનું ખેડાઃ તમાકુ, ભૂંડ, પૂર અને અંગ્રેજોની સૃષ્ટિ
અંગ્રેજી શાસનની શરૂઆત પહેલાં ખેડામાં મરાઠા યુગ ચાલતો હતો. ભારે અંધાધૂંધી, લૂંટફાટ અને અવ્યવસ્થા ફેલાયેલાં હતાં. ઓગણીસમી સદીની આરંભના ખેડાને એક અભ્યાસીએ રોમના પતન પછીના મધ્ય યુરોપ સાથે સરખાવ્યું છે. ખેડામાં મરાઠા વહીવટદારોએ મહેસૂલ ઉઘરાવવાની વ્યવસ્થા ગોઠવી હતી. તેના ભાગ રૂપે દેસાઇ, અમીન, મજુમદાર અને પટેલ જેવા હોદ્દાસૂચક શબ્દો મોભા સાથે સંકળાયા અને વખત જતાં હોદ્દામાંથી અટક બની ગયા.
શરૂઆતમાં (1805માં) ખેડાના કલેક્ટર બનેલા અંગ્રેજ અફસર ડીગલે અને તેમના જેવા બીજા કલેક્ટરો મરાઠા પરંપરા પ્રમાણે ગામડાંમાંથી વાર્ષિક મહેસૂલ ઉઘરાવવા માટે સૈન્ય રાખતા હતા અને જરૂર પડ્યે તેનો વિના સંકોચે ઉપયોગ કરતા હતા. ગામ આગળ દાદાગીરી કરીને મનમાની રકમ વસૂલતા માથાભારે ગરાસીયા જમીનદારો તથા ઉઘરાણું કરીને મહીના કોતરોમાં સંતાઇ જતા (મુખ્યત્વે બારૈયા) ડાકુઓ સાથે અંગ્રેજોએ સોદો પાડ્યોઃ જે લોકો સારું વર્તન કરે અને ગામમાંથી ઉઘરાણું બંધ કરે, તેમને વળતર તરીકે અંગ્રેજ સરકાર વાર્ષિક ચૂકવણું કરે. એ સિવાય ગામ પર તેમનો બીજો કોઇ હક નહીં.
જમીનદારીને બદલે નોકરશાહી
અંગ્રેજ વહીવટદારોના આ પગલાની સામાજિક માળખા પર કેવી અસર પડી, તે વિશે અંગ્રેજ અફસર લેલીએ નોંધ્યું છે, ‘1814થી માલિકો અને ગણોતીયા વચ્ચેના સંબંધ મોટા પાયે બદલાઇ ગયા. એક ગરાસીયો બહુ કડવાશથી તેનો મોભો જતો રહ્યો એની ફરિયાદ કરતો હતો...અગાઉ કોઇ કણબી કે વાણિયો સુદ્ધાં રજપૂતી સ્ટાઇલમાં થોભિયા રખાવે કે રજપૂતી સાફો પહેરે તો...એનાં કપડાં ફાડી નાખવામાં આવે અને માર પડે તે અલગ. હવે વાઘરીને કણબીથી કે કણબીને સિપાઇથી જુદા પાડવા અઘરા છે. ઢેડ પણ મૂછે વળ ચડાવીને ગરાસીયાની તલવાર લઇને ઘૂમી શકે છે.’ (આ અવતરણમાં ઐતિહાસિક સંદર્ભ પૂરતા મૂળ જ્ઞાતિસૂચક શબ્દો બદલ્યા નથી. તેમને માત્ર 19મી સદીના ઐતિહાસિક સંદર્ભમાં જોવા-વાંચવા વિનંતી)
માથાભારે ગરાસીયા પછી અંગ્રેજોએ મહેસૂલ ઉઘરાવનાર દેસાઇ, મજુમદાર અને પટેલોનો વારો કાઢ્યો. અંગ્રેજ ગવર્નર નેપીઅને જાહેર કર્યું કે હવેથી ગામમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ દેસાઇ-મજુમદાર-પટેલ નહીં, પણ અંગ્રેજોના પગારદાર તલાટીઓ કરશે. માલિકીની અને પડતર એવી તમામ જમીનોની નોંધણી પણ નેપીઅને ફરજિયાત બનાવી. આ જાહેરાત ભલે ગવર્નરે કરી, પણ તેનો મુસદ્દો 1912માં ખેડાના કલેક્ટર બાયરોમ રોવેલ્સે તૈયાર કર્યો હતો. તેના લીધે મહેસૂલ ઉઘરાવનારા સમુદાયની સત્તા પર સીધી તરાપ વાગી. થોડો સળવળાટ થયો, પણ અંગ્રેજોએ કડક હાથે તે દાબી દીધો.
પાટીદારી દહેજનાં પરિણામ
ખેડા જિલ્લાનો પહેલો સર્વે અંગ્રેજોએ 1820-26 દરમિયાન કર્યો. તેમાં નવેસરથી આકારણી કરવામાં આવી. નવા માળખામાં મરાઠા યુગના દેસાઇ- પટેલ ગયા અને પાટીદારોની બોલબાલા થઇ. પાટીદારોમાં કુલીયા (કુલીન) અને અકુલીયા એવા બે પ્રકાર હતા. કુલીયા પાટીદારના પુત્ર સાથે દીકરી પરણાવીને પોતાનો સામાજિક મોભો ઊંચો લઇ જવાની દોડ 1857ની આસપાસ શરૂ થઇ ચૂકી હતી, એવું 1950ના દાયકામાં ખેડા જિલ્લાનો સમાજશાસ્ત્રીય અભ્યાસ કરનાર ડેવિડ પોકોકે નોંધ્યું છે. એ જમાનામાં રૂ. 1800થી રૂ.3000 જેટલી રકમ દહેજમાં ચૂકવાતી હતી. જોકે, પોતાની પુત્રી ‘ઊંચા’ પાટીદારને ઘેર જાય, એટલે એ કુટુંબના પુત્રોનો ‘ભાવ’ પણ વધી જતો હતો અને છેવટે હિસાબ સરભર કરી શકાતો હતો. ‘દીકરી સાપનો ભારો’ જેવી કહેવતો આ પરિસ્થિતિમાંથી પેદા થઇ હશે.
કુટુંબોને બરબાદ કરતી આકરી દહેજપ્રથાનું એક પરિણામ એ આવ્યું કે નડિયાદ તાલુકામાં 1865માં દર સો પુરૂષો સામે સ્ત્રીઓની સંખ્યા લગભગ 70ની હતી. સૌથી પ્રતિષ્ઠિત પાટીદારી ગામોમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું હતું. 1870ના દાયકામાં બોરસદ તાલુકામાં 6 થી 12 વર્ષના વયજૂથમાં દર 100 છોકરાઓ સામે છોકરીઓ ફક્ત 57 હતી.
ખેડા જિલ્લામાં સામાજિક પરિવર્તનનો અભ્યાસ કરનાર ‘યુનિવર્સિટી ઓફ કેમ્બ્રિજ’ના ક્રિસ્પિન બેટ્સ નોંધે છે કે કણબીઓમાં જ્ઞાતિ કરતાં મોભાનું મહત્ત્વ વધારે હતું. પરંપરાગત વર્ણવ્યવસ્થામાં કણબીઓનું સ્થાન નક્કી ન હતું. તેમણે અનુકરણથી પોતાનો દરજ્જો નક્કી કર્યો. એ લોકો વાણીયાઓનું અનુકરણ કરતા હતા ને જમીનમાલિકી તેમનો મોભો હતો. ચરોતરની જમીનમાં તમાકુના રોકડિયા પાકની ખેતી પાટીદારમાં 1850ની આસપાસ ચાલુ થઇ. 1853માં ચરોતરનાં 77 પાટીદારી ગામડાંએ વર્ષે 2,44,600 રૂપિયાની તમાકુ પેદા કરી હતી. 1860ના દાયકામાં ઘણા સમૃદ્ધ પાટીદારોએ જાતે ખેતી કરવાનું બંધ કરીને મજૂરો દ્વારા કામ કરાવવાનું શરૂ કરી દીધું હતું. કેટલાક તેમની જમીન પાંચ-દસ વર્ષના ભાડાપટ્ટે પણ આપતા હતા. તેમની જમીનમાં કામ કરનારા માણસોમાં સ્થાનિક ઉપરાંત ઠેઠ કાઠિયાવાડથી મજૂરો આવતા હતા. આ રીતે પાટીદાર જમીનમાલિકો સમાજના ઉજળીયાત વર્ગમાં ગણાતા થયા.
તમાકુની તેજી
તમાકુની ખેતી માટે ફાયદાકારક નીવડેલું એક પરિબળ હતું મુંબઇ-અમદાવાદ વચ્ચે 1863માં બંધાયેલી રેલવે લાઇન. તેના પ્રતાપે નડિયાદથી ટ્રેનમાં ફક્ત તેર કલાકમાં મુંબઇ અને દોઢ કલાકમાં અમદાવાદ પહોંચવાનું શક્ય બન્યું. 1864માં ગોધરા લાઇન અને 1891માં વાયા પેટલાદ ખંભાત રેલવે લાઇન પણ તૈયાર થઇ. તેને કારણે તમાકુને વધુ મોટું બજાર મળ્યું અને ખેડા જિલ્લામાં વધુ ને વધુ પ્રમાણમાં તમાકુનું વાવેતર થવા લાગ્યું. ગોરાડુ જમીનમાં તમાકુની ખેતી કરવાનું કામ આર્થિક રીતે સદ્ધર પાટીદારોને જ પોસાય એવું હતુ અને તેમાં મળતર પણ તગડું હોવાથી પાટીદાર સમૃદ્ધ પાટીદારો વધુ સમૃદ્ધ બનવા લાગ્યા. 1865માં નડિયાદ તાલુકાનો રીપોર્ટ આપનાર કેપ્ટન પ્રેસ્કોટે નોંધ્યું છે કે તમાકુના પાકમાં એકર દીઠ રૂ.300નો ચોખ્ખો નફો થતો હતો, જે એકર દીઠ ભરવી પડતી જમીન મહેસૂલ કરતાં વીસથી ત્રીસ ગણો વધારે હતો. ખંભાતથી દરિયાઇ માર્ગે અરબસ્તાન અને તુર્કી સુધી ચરોતરની તમાકુ જતી હતી. તમાકુની આવકની જાહોજલાલી એવી થઇ કે ‘દુનિયામાં નડિયાદથી વધારે સમૃદ્ધ જિલ્લો બીજો એકેય નહીં હોય’ એવું અતિશયોક્તિપૂર્ણ ઉત્સાહથી કહેવાતું હતું.
આ સમૃદ્ધિ જોકે સમાજના ઉપલા વર્ગો અને તેમાં પાછળથી દાખલ થયેલા સમૃદ્ધ પાટીદારો પૂરતી મર્યાદિત રહી. પ્રજાના મોટા વર્ગની હાલતમાં તેનાથી ફરક પડ્યો નહીં. 1872ની વસ્તી ગણતરી પ્રમાણે, કુલ આઠેક લાખની વસ્તીમાંથી માંડ 0.67 ટકા લોકો સરકારી કે મ્યુનિસિપાલિટીની નોકરીમાં હતા. ‘પ્રોફેશનલ’ કહેવાય એવા લોકોની ટકાવારી 0.89 ટકા હતી અને લગભગ 22 ટકા લોકો ખેતી કે ઢોરઢાંખરના કામકાજમાં સંકળાયેલા હતા. એક તો ગરીબી અને એમાં કુદરતી આફતો દુષ્કાળમાં અધિક માસ કે અતિવૃષ્ટિ સાથે વાવાઝોડાની જેમ આવતી રહી.
પૂરનો પ્રલય
સરેરાશ વરસાદ માંડ ત્રીસેક ઇંચ હોવા છતાં અંગ્રેજી શાસનના આરંભથી ખેડામાં પૂરની સમસ્યા વ્યાપક પ્રમાણમાં રહી. 1814થી 1822નાં વર્ષો દરમિયાન પૂરથી મોટા પાયે વિનાશ થયો. 1819માં પૂર આવ્યું ત્યારે ખેડાનાં વસો સહિતનાં અનેક ગામડાં આખેઆખાં પાણીમાં ડૂબી ગયાં હતાં. વસો ગાયકવાડી સ્ટેટનું ગામ હતું અને અંગ્રેજોના હિસાબે તેની વાર્ષિક (મહેસૂલી) આવક રૂ.40 હજારની હતી. પૂરનું પાણી નદીમાં વહી જાય એ માટેની ડ્રેનેજ લાઇન માટે ખેડાના કલેક્ટરે આયોજન કર્યું હતું, પણ તેમની નોંધ પ્રમાણે ગાયકવાડી રાજ અને ખંભાતના રાજ તરફથી યોગ્ય સહકાર મળતો ન હતો.
પૂરનાં પાણીની વિનાશક અસરો નિવારવા માટે અવનવાં પગલાં લેવાતાં અને સંઘર્ષ પણ થતા હતા. 1829માં ભારે વરસાદને પરિણામે કરમસદ અને બાકરોલ જળબંબોળ થઇ ગયાં હતાં. વલાસણના લોકોએ ઊંચો પાળો બનાવેલો હોવાથી પૂરના પાણીનો નિકાલ થતો ન હતો. તેમનો પાળો તોડવા કરમસદ-બાકરોલથી 500 જણની ફોજ ઉપડી. વલાસણના લોકોએ તેમનો પ્રતિકાર કર્યો. સરકારી અહેવાલ પ્રમાણે ત્રણ દિવસ સુધી ચાલેલા આ સંઘર્ષમાં 12-15 લોકોએ જીવ ખોયા. ત્યાર પછી પાળો તોડવામાં સફળતા મળી.
પૂરથી થતું નુકસાન નિવારવા અંગ્રેજ અધિકારી જોર્ડને વિગતવાર સર્વેક્ષણ કર્યું અને 1831માં રજૂઆત કરી કે ‘સરકાર (ડ્રેનેજ પાછળ) રૂ.12,120 ખર્ચે તો ખેડાની 4304 વીઘાં જમીન પૂરમાંથી ઉગરી શકે એમ છે.’ જોર્ડનની દરખાસ્ત મંજૂર થઇ. એક દાયકા પછી (1842માં) રૂ. 40,000ના ખર્ચે ડ્રેનેજનું કામ પૂરું કરવામાં આવ્યું, ત્યારે આંતરરાષ્ટ્રિય બજારમાં 1 પાઉન્ડ બરાબર 10 રૂપિયાનો ભાવ ચાલતો હતો. યોગ્ય સારસંભાળના અભાવે જો કે થોડાં વર્ષ પછી ફરી ડ્રેનેજની સ્થિતિ ઠેરની ઠેર આવી ગઇ.
ગાય-ભેંસ, માખણ અને સાપની છત
મુંબઇ પ્રેસિડેન્સીના ઇલાકાઓની સરખામણીએ ખેડા જિલ્લામાં જંગલોનો અભાવ હતો. છતાં આખા રાજ્યના સૌથી હરિયાળા ઇલાકાઓમાં ખેડાની ગણના થતી હતી. સરકારી ગેઝેટીયરની નોંધ પ્રમાણે, રાયણ અને સીતાફળ એટલાં છૂટથી થતાં હતાં કે એ વેચાતાં નહીં, પણ વહેંચાતાં હતાં. માખણના ધંધામાં ખેડા એ વખતથી આગળ પડતું ગણાતું હતું. 1867-68ની ગણતરી પ્રમાણે ખેડા જિલ્લામાં 49,264 ગાયો અને 1,80,223 ભેંસો હતી. તેમના દૂધમાંથી માખણ બનાવીને દર અઠવાડિયે માખણ બજારમાં વેચવાની પ્રવૃત્તિ ધમધોકાર ચાલતી હતી.
ખેડા જિલ્લામાં એક સમયે ભૂંડનો જબરો ઉપદ્રવ હતો. રખડતાં ફરતાં ભૂંડ ઉભો પાક ખાઇને ભારે તબાહી મચાવતાં હતાં. સરકારી નોંધ પ્રમાણે, 1830માં ઉમરેઠમાં છ-સાત હજાર ભૂંડ હતાં, જે તમાકુ સિવાયના બધા પાક ખાઇ જતાં હતાં. તેમનો ત્રાસ એટલો વધી ગયો કે સમૃદ્ધ લોકોએ દેવીપૂજક સમુદાયના લોકોને રોક્યા. એ લોકો ભૂંડને ગાડામાં ભરીને ગામથી દૂર મૂકી આવતા હતા. જિલ્લામાં કોબ્રા અને ફુર્સા પ્રકારના ઝેરી સાપની મોટી વસ્તી હતી. (અંગ્રેજ બચ્ચાઓએ સાપની વસ્તી ગણતરી કરી નથી. બાકી એમનું ભલું પૂછવું)
ઝેરી સાપની સંખ્યાને અંકુશમાં લેવા માટે પહેલી વાર 1856માં સાપ મારનારને સરકાર તરફથી ઇનામ આપવાનું ઠરાવવામાં આવ્યું. પહેલાં કોબ્રાને મારવાના બાર આના અને સાદા સાપને મારવાના આઠ આના અપાતા હતા. પછીનાં વર્ષોમાં ઇનામ વધવાને બદલે ઘટતું ગયું- કોબ્રાના બારમાંથી સીધા ચાર આના અને બીજા સાપના બે આના. ઝેરી સાપના દંશથી વર્ષે ચાળીસ-પચાસ માણસો મૃત્યુ પામતા હતા. 1876માં એ સંખ્યા ઘટીને 25 અને 1877માં 19 થઇ. સામે, માણસોએ 1876માં 259 સાપ મારી નાખ્યા હોવાનું નોંધાયું છે.
ધર્મ પ્રમાણે વસ્તીઃ ખ્રિસ્તી ધર્મપ્રચારનો આરંભ
1846ની વસ્તી ગણતરી પ્રમાણે ખેડાની કુલ વસ્તી 5.66 લાખ હતી. તેમાં 5.14 લાખ (90 ટકા) હિંદુ અને 51,938 (9.16 ટકા) મુસ્લિમ. 10 ખ્રિસ્તી અને 7 પારસીની પણ વસ્તીમાં નોંધ છે. 1872ની ગણતરી વખતે કુલ વસ્તી વધીને 7.82 લાખ થઇ, પણ હિંદુ-મુસ્લિમ પ્રમાણમાં કશો ફરક ન પડ્યો. હિંદુઓ 7.11 લાખ (90 ટકા) અને મુસ્લિમો 70,741 (9.04 ટકા). ખ્રિસ્તીઓ અને પારસીઓની સંખ્યા વધીને અનુક્રમે 305 અને 68 થઇ. ખેડામાં અંગ્રેજો સિવાયની ખ્રિસ્તી વસ્તી માટે બે કલાલ જવાબદાર હોવાનું સરકારી ગેઝેટીયરમાં નોંધાયું છે. તેમાં જણાવ્યા પ્રમાણે, ‘બે કલાલોએ સુરતના ખ્રિસ્તી મિશનરીઓને કહ્યું કે મહીકાંઠાના ઘણા લોકો ખ્રિસ્તી બનવા તૈયાર છે. એ જાણીને સુરતથી બે મિશનરીઓ પહેલાં વડોદરામાં આવ્યા, પણ ત્યાં વિરોધ થતાં એ ગાયકવાડી વડોદરા છોડીને બ્રિટિશ ખેડામાં આવી ગયા. દેહવાણમાં એ ફાવ્યા નહીં, પણ બોરસદમાં રેવરન્ડ જે.વી.એસ.ટેલર 28 વર્ષ સુધી રહ્યા. તેમની નિષ્ઠાથી બોરસદમાં અને આણંદનાં ગામડાંમાં ખ્રિસ્તી ધર્મીઓની સંખ્યામાં વધારો થયો. આયરીશ પ્રેસ્બીટેરીયન મિશનના 1878ના અહેવાલમાં ટાંકેલા આંકડા પ્રમાણે, મિશનની 1878ની વસ્તી ગણતરીમાં ગુજરાત અને કાઠિયાવાડમાં 1,740 ખ્રિસ્તી હતા. તેમાંથી 67 ટકા (1,166) ફક્ત ખેડા જિલ્લામાં હતા.
હિંદુઓમાં વૈષ્ણવોનું પ્રમાણ 70 ટકા હતું. મુસ્લિમોમાં 96 ટકા સુન્ની હતા. સ્ત્રી-પુરૂષ ગુણોત્તરની વાત કરીએ તો, આખા જિલ્લામાં હિંદુઓમાં 100 પુરૂષ દીઠ 86 સ્ત્રીઓનું અને મુસ્લિમોમાં 92 સ્ત્રીઓનું પ્રમાણ હતું. આ અરસામાં ઘર અને ગાડાંની સંખ્યામાં પણ વધારો થયો. દોઢ લાખ ઘરમાંથી 2.18 લાખ ઘર થયાં અને ગાડાં 20,894માંથી 29,110 થયાં.
વીસમી સદીના અંત સુધીમાં પરદેશ જવાના ઉધામા અને એન.આર.આઇ. પ્રજા માટે જાણીતું ખેડા બસો વર્ષ પહેલાં એવી રીતે ઓળખાતું હતું કે 'અહીંના લોકો ગમે તેવી સારી તક મળે તો પણ પોતાનો જિલ્લો છોડીને જવા તૈયાર નથી.' આ માહિતી ખેડાના કલેક્ટરે કલેક્ટરે 1855માં મુંબઇ પ્રાંતની સરકારને ફરિયાદ તરીકે જણાવી હતી. હવેના કોઇ કલેક્ટરને રીપોર્ટ કરવો હોય તો એ કદાચ કહી શકે, 'અહીં ગમે તેવી સમૃદ્ધિ કે સારી તક હોય તો પણ અહીંના લોકો પોતાના જિલ્લામાં રહેવા તૈયાર નથી.'
Wednesday, July 20, 2011
ગુરૂ ભ્રમમાં, ગુરૂ વિષાણુ...
(નોંધઃ ઉપરનું મથાળું અમુક પ્રકારના ‘ગુરૂ’ઓને સમર્પીત છે. બાકીના ગુરૂઓએ - અને ખાસ તો તેમના શિષ્યોએ- દુઃખી થવું નહીં. જેમને ખાતરી હોય કે આ મથાળું તેમના ગુરૂને લાગુ પડે જ છે, તેમને હાર્દિક શુભેચ્છા.)
આ વખતની ગુરૂપૂર્ણિમા તો ગઇ, પણ ગુરૂઓના વધુ પ્રકારો વિશે જાણી રાખેલું હશે તો આવતી ગુરૂપૂર્ણિમાએ પણ કામ લાગશે. એવી પવિત્ર ભાવનાથી, ગયા અઠવાડિયાનો સિલસિલો આગળ વધારતાં, આધુનિક યુગમાં ગુરૂઓના કેટલાક વધુ પ્રકાર.
પાર્ટટાઇમ ગુરૂ
ગુરૂ-શિષ્ય પરંપરાના પ્રેમીઓને ગુરૂ આગળ ‘પાર્ટટાઇમ’ જેવું વિશેષણ લગાડવું ન ગમે, પણ છૂટકો નથી. સવારે પોતે ટ્યુશન ક્લાસમાં ભણીને, સાંજે એ જ ટ્યુશનક્લાસમાં ભણાવતા જણને ‘પાર્ટટાઇમ ગુરૂ’ નહીં તો બીજું શું કહીએ? બોલવામાં એ શબ્દપ્રયોગ અજૂગતો લાગતો હોય તો તેમને (‘બાળમજૂર’ની જેમ) ‘વિદ્યાર્થીગુરૂ’ જેવું ઠાવકું લેબલ આપી શકાય, જેનો સંધિવિગ્રહ થાયઃ વિદ્યાર્થી-કમ-ગુરૂ. આવા ગુરૂ પ્રત્યે પૂર્ણિમાના દિવસે આદરભાવ પ્રગટ કરતી વખતે એટલું ધ્યાન રાખવું કે દિવસના એ પહોરે તે શિષ્યની ભૂમિકામાં પોતાના ફુલટાઇમ ગુરૂને શોધતા ન હોય.
વિઝિટિંગ ગુરૂ
ઘણી કોલેજોમાં ફુલટાઇમ અધ્યાપકો રાખવા ન પડે એ માટે વિઝિટિંગ અધ્યાપકોથી ગાડું ગબડાવવામાં આવે છે. આ એક એવી આદર્શ વ્યવસ્થા છે જેમાં ‘સર્વે ભવન્તુ સુખીના’નો ઉચ્ચ આદર્શ જળવાય છેઃ મેનેજમેન્ટ કાયમી અધ્યાપકને આપવા પડતા તગડા પગારના રૂપિયા બચાવીને રાજી થાય છે, વિઝિટિંગ ફેકલ્ટી- ખાસ કરીને બીજે ક્યાંય અધ્યાપક ન હોય એવી ફેકલ્ટી- પોતાના અધ્યાપક-સ્વરૂપની ‘હોઉં તો હોઉં પણ ખરો’ પ્રકારે ’કીક’ અનુભવે છે. બાકી રહ્યા વિદ્યાર્થીઓ (હા, શિક્ષણક્ષેત્રે વહીવટી આયોજન કરતી વખતે ઘણી વાર વિદ્યાર્થીઓ જ બાકી રહી જતા હોય છે. તેમની યાદ આવતાં આયોજનબાજ આચાર્યો અને અધ્યાપકો કટાણું મોં કરીને બોલી ઉઠે છે, ‘આ વિદ્યાર્થીઓ બહુ નડે છે. એ ન હોય તો કામ કરવાની કેટલી મઝા આવે.’)
વિદ્યાર્થીઓ કાયમી અધ્યાપકને બદલે ‘યાયાવર’ કે ‘મુલાકાતી’ અધ્યાપકની ગોઠવણથી ‘હાશ’ અનુભવે છે- એટલા માટે નહીં કે તેમનું ભણવાનું સચવાઇ ગયું. ખરૂં કારણ છેઃ કાયમી અધ્યાપકના ક્લાસ બન્ક કરવાથી કદાચ મનમાં થોડી ચચરાટી-ગિલ્ટ પેદા થવાની શક્યતા રહે, પણ વિઝિટિંગ ફેકલ્ટી માટે એવો કોઇ ચાન્સ નહીં. કોલેજમાં પેટ્રોલ બળે એ પોસાય, પણ જીવ ન બળવો જોઇએ.
કમ્પ્યુટર ગુરૂ
સામાન્ય રીતે ગુરૂની ઉંમર વધારે અને શિષ્ય વયમાં નાનો હોય, પણ આ પ્રકારમાં એ ક્રમ ઉલટાઇ જાય છે. શારીરિક યુવાની વટાવી ચૂકેલા પણ માનસિક રીતે યુવાન એવા લોકો કમ્પ્યુટર શીખવાનો દૃઢનિશ્ચય કરે ત્યારે તેમના પક્ષે જિજ્ઞાસા કરતાં પણ વધારે જરૂર નમ્રતાની પડે છે. પોતાનાથી અડધી કે ત્રીજા ભાગની ઉંમરના છોકરડા પાસેથી ‘એકડિયું, બગડીયું’ શીખવાનું કામ લાગે છે એટલું સહેલું નથી. ‘આટલી સમજ નથી પડતી?’ ‘અરે, માઉસને પકડી રાખવાથી કશું ન થાય. ક્લિક કરો ક્લિક..આટલા ગભરાવ છો શું કામ? ક્લિક કરવાથી ધડાકો નહીં થાય.. કરો ક્લિક.’, ‘અરેરે, મેં વિન્ડો બંધ કરવાનું કહ્યું તો તમે ઇન્ટરનેટ જ ડિસકનેક્ટ કરી નાખ્યું.’ – આ પ્રકારના ઠપકા સાંભળતી વખતે ‘ધોળામાં ધૂળ’નો અહેસાસ ન થાય, તે જ કમ્પ્યુટર શીખી શકે. એવા ‘શિષ્યો’ ગુરૂપૂર્ણિમા નિમિત્તે પોતાના કમ્પ્યુટર-ગુરૂને કમ્પ્યુટરનો તેમણે નહીં શીખવેલો એકાદ નવો દાવ બતાવીને ગુરૂપૂર્ણિમાની ઉજવણી કરી શકે.
ગુરૂ ‘ડ્રોન’ ઉર્ફે ટીવી ગુરૂ
મહાભારતના જમાનામાં ટીવી શોધાયું ન હતું – અથવા ટીવીનો ફક્ત એક જ પીસ હતો, જેની પરથી જોઇને સંજય યુદ્ધની રનિંગ કોમેન્ટ્રી ધૃતરાષ્ટ્રને સંભળાવતો હતો- ત્યારે એકલવ્યોની હાલત બહુ ખરાબ હતી. તેમણે ગુરૂની મૂર્તિઓ સ્થાપીને તેમનું ધ્યાન ધરીને વિદ્યાકીય તપશ્ચર્યા કરવી પડતી હતી. હવે ટીવીની જમાનામાં તનના ખોરાકથી મનના ખોરાક સુધીની, યોગથી રસોઇ સુધીથી અનેક ચીજો ટીવી પર શીખવનારા ગુરૂઓ મોજૂદ છે. આ ગુરૂઓ એવા છે, જે પોતાના શિષ્યોને ઓળખતા નથી, પણ શિષ્યો તેમને ગુરૂભાવે ભજે છે. નવા જમાના પ્રમાણે તેમના માટે ગુરુ ‘દ્રોણ’ કરતાં ગુરૂ ‘ડ્રોન’ની ઉપમા વધારે બંધબેસતી લાગે. કારણ કે અમેરિકાનાં અમાનવ ડ્રોન વિમાનો આકાશમાંથી બોમ્બ વરસાવીને ત્રાસવાદી-બિનત્રાસવાદી સૌને ઢાળી દે છે. કંઇક એવી જ રીતે ટીવી પરના ગુરૂ ‘ડ્રોન’ને સામે કોણ સાંભળશે તેની પરવા કર્યા વિના- અને સાંભળીને સેંકડો લોકો પ્રભાવિત થઇ જશે એવી માન્યતા સાથે- કામ કરવાનું હોય છે. પરંતુ ડ્રોનના હુમલાની જેમ ગુરૂ ડ્રોનની અકસીરતાનો આંક પણ ઊંચો હોય છે. તેમના શિષ્યો મોટી સંખ્યામાં હોય છે. એવા શિષ્યો ગુરૂપૂર્ણિમાના દિવસે ટીવી ચાલુ કર્યા પછી, ટીવી સ્ક્રીન પર જામેલી ધૂળને ગુરૂની ચરણરજ ગણીને માથે ચડાવી શકે છે. એ ન ફાવે તો (અગાઉ રેડિયોને રાખડી બાંધવામાં આવતી હતી તેમ) ટીવી સ્ક્રીનને હારતોરા કરીને એ ગુરૂને પહોંચશે એવી શ્રદ્ધા રાખી શકાય છે. જરૂર ફક્ત રાહ જોવાની છે. થોડાં વર્ષોમાં ડ્રોન ગુરૂઓ પોતે જ પોતાની ચેનલો પર ગુરૂપૂર્ણિમાના દિવસે ઘરે બેઠાં ભેટ કેવી રીતે મોકલાવી શકાય તેની વ્યવસ્થા કરતા થઇ જશે.
એકપક્ષી ગુરૂ
ગુરૂ અને શિષ્ય, જાણીતી ઉપમા વાપરીને કહીએ તો, એક સિક્કાની બે બાજુ જેવા હોય છે. જેનો કોઇ શિષ્ય ન હોય તેને ગુરૂ કોણ ગણે? અને જેને કોઇ ગુરૂ ન હોય તે કોનો શિષ્ય કહેવાય? પણ સ્કૂલના અને ખાસ તો કોલેજના કેટલાક શિક્ષકો-અધ્યાપકો આ બાબતમાં અપવાદ છે. તેમની સરખામણી ટંકશાળમાંથી નુકસાની માલ તરીકે નીકળેલા સિક્કા સાથે કરી શકાય, જેની એક બાજુ કોરી અથવા અસ્પષ્ટ હોય. આ પ્રકારના શિક્ષકો-અધ્યાપકો અત્યંત સ્વાવલંબી હોય છે. કોઇ શિષ્ય તેમને ગુરૂપદ આપે કે ન આપે, તે પોતે, સેલ્ફ ફાઇનાન્સ્ડ કોલેજોમાં મગાતા તગડા ડોનેશન જેટલી સાહજિકતા અને બેશરમીથી, ગુરૂપદ માગી લે છે.
આ પ્રકારના ગુરૂ ‘ફલાણો? એ તો આપણો વિદ્યાર્થી.’ ‘ઢીકણો? એ આપણો શિષ્ય.’ એવા ઉદગારો હેલિકોપ્ટરોમાંથી વરસતાં ફૂડપેકેટની જેમ, તે ઝીલાય કે ન ઝીલાય તેની પરવા કર્યા વિના, ફેંક્યે રાખે છે. જાહેરમાં કે પ્રવચનોમાં તે એવા ખીલી ઉઠે છે કે પોતાના એકપક્ષી ગુરૂપદની જાળમાં મોટાં માછલાંને પણ લપેટી લે છે. એ બિનધાસ્ત કહી શકે છે, ‘આ શાહિદ કપૂર આપણો ચેલો. આપણી કોલેજમાં જ હતો. એને એક્ટિંગના રસ્તે મેં જ ધકેલ્યો. એક વાર કંઇક તોફાન કર્યું ત્યારે મેં એને એક લાફો ચઢાવી દીધો હતો. પણ આજેય રસ્તામાં મળે ત્યારે પગે લાગે.’ અથવા ‘આ તમારો...શું નામ....શાહરૂખખાન- કોલેજોમાં હતો ત્યારે એના મોઢા પર માખ પણ ના ઉડે. કેટલી વાર મેં એને મારા ક્લાસમાંથી ગેટ આઉટ કર્યો હશે. પણ હજુ મળે ત્યારે ‘સર..સર’ કહીને વાત કરે.’ આ દાવાની હાંસી ઉડાવવાને બદલે સમભાવપૂર્વક વિચારતાં તેમાં રહેલી સચ્ચાઇ સમજી શકાશેઃ ‘શાહીદ કે શાહરૂખ મળે ત્યારે બધું જ કરે, પણ એ મળે છે ક્યાં?’
આ પ્રકારના ગુરૂઓને ગુરૂપૂર્ણિમાના દિવસે જ મળવું એવું કોઇ બંધન નથી. હોળી પર કે નવરાત્રિમાં કોઇ શિષ્ય લાઇટબિલ ભરવાની લાઇનમાં કે બેન્કમાં મળી જાય, તો છૂટા પડ્યા પછી ગુરૂ કહેશે,’ ‘આપણો ચેલો હતો. અત્યારે ફલાણી કંપનીમાં બહુ મોટી પોસ્ટ પર છે. બિચારો ગુરૂપૂર્ણિમા વખતે બહુ બીઝી હતો. એટલે ખાસ અત્યારે કેટલા પ્રેમથી મળ્યો. એ તો પગે લાગવા જતો હતો, પણ મેં એને રોકી લીધો અને કહ્યું, હવે તો આપણે મિત્ર કહેવાઇએ, દોસ્ત.’
Tuesday, July 19, 2011
વિસ્ફોટ પછી: ઉશ્કેરાટ, ઉભરો અને વિચાર
Monday, July 18, 2011
Indulal Yagnik's Autibiography in English: Much Awaited accomplishment
Indulal yagnik, a freedom-fighter, Gandhian (if Gandhi & Indulal allow that adjective), leader of Mahagujarat movement and one of the finest activist-politicians-firebrand speaker of Gujarat wrote 6 parts of autobiography in Gujarati.