Sunday, July 25, 2010

‘શાહનામા’ અને નાગરિક-નિસબત

સમાચારભૂખી ન્યૂઝચેનલો દ્વારા થતા અતિરેકભર્યા ઘોંઘાટને બાજુ પર રાખીએ, પહેલાં ભાગેડુ અને પછી ભૂતપૂર્વ બનેલા ગુજરાતના ગૃહરાજ્યમંત્રી માટે જશ્ન મનાવનારાને ‘હવે કોનો વારો?’ એની મીઠી મૂંઝવણમાં રાચવા દઇએ, ‘અરર...બહુ ખોટું થયું’ એવો જીવ બાળનારને સાંત્વન આપીએ અને ‘આ તો અન્યાય છે’ એવો કકળાટ મચાવનારાને જરા ટાઢા પાડીએ. કારણ કે પ્રતિક્રિયા-પ્રત્યાઘાતની ગરમી નીકળી ગયા પછી આ દેશના નાગરિક તરીકે કેટલાક મૂળભૂત મુદ્દા અને દલીલો વિશે વિચારવાનું રહે છે.

આ બઘું રાજકારણ છે
ખરી વાત છે. ભારતની બહુમતિ ‘મશીનરી’ રાજકારણથી ચાલે છે. ક્યાંક રાજકારણ ઊંજણનું કામ કરે છે, તો ઘણીબધી જગ્યાએ બળતણનું. રમતગમત હોય કે વિજ્ઞાન, પોલીસતંત્ર હોય કે ન્યાયતંત્ર, એકેય ક્ષેત્ર રાજકારણની ઓછીવત્તી ખરાબ અસરથી મુક્ત રહ્યું નથી. એ સ્થિતિમાં ગુજરાતના મુખ્ય મંત્રીના ખાસ મનાતા ગૃહરાજ્યમંત્રી પર ભીંસ આવી, તેમાં રાજકારણ ન હોય તો અઠંગ નાગરિકોને નવાઇ લાગે.

પૂછવા જેવો સવાલ છેઃ આ બઘું કેવળ રાજકારણ છે? એટલે કે ગૃહરાજ્યમંત્રી પરની ધોંસ અને આ લખાય છે ત્યારે તેમની ધરપકડના ભણકારા માત્ર રાજકીય કિન્નાખોરીનું પરિણામ છે? કે આટલી હદે જતાં પહેલાં સીબીઆઇએ પૂરતા પ્રમાણમાં પુરાવા અને વિગતો એકઠાં કરવાની જહેમત લીધી છે? જો સીબીઆઇ પાસે પૂરતા આધાર ન હોય તો તેની પણ ખેર નથી. કારણ કે સામે પક્ષે અરૂણ જેટલી જેવા કંઇક ઘુરંધર વકીલોનું પીઠબળ છે. સીબીઆઇ કાનૂની આંટીધૂંટી અવગણીને રાજકારણમાં તણાય, તો તેને સર્વોચ્ચ અદાલત સામે ઉભવું ભારે પડે. કારણ કે, આ કેસની તપાસ કેન્દ્ર સરકારે નહીં, પણ સર્વોચ્ચ અદાલતે સીબીઆઇને સોંપી છે.

પરંતુ સીબીઆઇ દ્વારા વિગતોના આધારે મુકાયેલા ખંડણી ઉઘરાવવા સહિતના અનેક આરોપ વિશે પ્રજાસમક્ષ ખુલાસો કરવામાં ન આવે અને સીબીઆઇની કાર્યવાહીનો માત્ર ને માત્ર રાજકીય સ્તરે વિરોધ કરવામાં આવે તો? તેનો મતલબ છેઃ ગુજરાત સરકાર અને ભાજપ માટે આ બઘું કેવળ રાજકારણ છે.

સીબીઆઇ રાજકીય હેતુપ્રેરિત છે
આ વાત સાથે પણ ભાગ્યે જ કોઇ જાગ્રત નાગરિક અસંમત થશે. સત્તાધારી પક્ષના હાથા તરીકે સીબીઆઇ, મહદ્ અંશે યોગ્ય રીતે જ, વગોવાયેલી તપાસસંસ્થા છે. વર્તમાન રાજકારણમાં ભાગ્યે જ એવો કોઇ વિપક્ષ હશે જેણે ‘સીબીઆઇની તપાસ’ના હથિયારનો દુરૂપયોગ ન કર્યો હોય. વિરોધીને ઘાટમાં લેવો હોય ત્યારે સીબીઆઇની તપાસ છોડી મૂકવાની અને સમાધાન થઇ જાય એટલે તપાસનો સંકેલો કરી લેવાનો, એ રાજકીય નેતાઓની નીયત અને સીબીઆઇની નીયતી રહી છે. અલબત્ત, આ રાજકારણની પ્રથા છે. તેનેે કોઇ રીતે વાજબી ઠરાવી શકાય નહીં. સાથોસાથ, એ પણ ખરૂં કે પોતે જ્યાં સુધી નિશાન બને નહીં ત્યાં સુધી કોઇ પણ રાજકીય પક્ષને કે નેતાઓને સૈદ્ધાંતિક મુદ્દે સીબીઆઇના દુરૂપયોગનો છોછ હોતો નથી. વાંધો ઘણુંખરૂં દુરૂપયોગનો નહીં, પણ પોતાની સામે થતા દુરૂપયોગનો હોય છે.

સીબીઆઇની વિશ્વસનીયતા કેટલી?
દુરૂપયોગ માટે કુખ્યાત સીબીઆઇ પર કેટલો ભરોસો રાખવો, એવી અવઢવ સ્વાભાવિક છે. ગુજરાતને લાગે વળગે છે ત્યાં સુધી, એન્કાઉન્ટર પ્રકરણમાં સંડોવાયેલા ઘણાખરા પોલીસ અફસરોની ધરપકડ અને ત્યાર પહેલાં તપાસની કામગીરી ગુજરાતની જ પોલીસે, સીઆઇડી ક્રાઇમે- કરી હતી. માટે તેનો ‘જશ’ સીબીઆઇને આપી શકાય નહીં. સીબીઆઇએ જેમની ધરપકડ કરી તેમના વિશે લાંબા સમય સુધી તપાસ કરી હતી.

કેન્દ્ર સરકારના વિરોધ પક્ષનું શાસન ધરાવતા રાજ્યમાં, શાસકની કૃપાદૃષ્ટિ નહીં તો આંખ આડા કાનથી કામ કરનારા અફસરને કે ગૃહરાજ્યમંત્રીને ભીંસમાં લેવાનું સહેલું નથી. તેમાં જરાય કાચું કપાય તો સીબીઆઇની જ નહીં, કેન્દ્ર સરકારની વિશ્વસનીયતાનો અને તેનાથી પણ વધારે મોટો કાનૂની લડાઇનો પ્રશ્ન ઉભો થાય. સામી છાવણીમાં નિષ્ણાત પ્રચારપુરૂષ મોજૂદ હોય ત્યારે સીબીઆઇએ શક્ય એટલી સાવચેતી રાખીને, ઝીણું કાંતીને પોતાના પગલાને કાનૂની સમર્થન મળી રહે એ માટેની સામગ્રી એકઠી કરી હોય એવી પૂરી સંભાવના છે. (સીબીઆઇની ચાર્જશીટમાં ૩૦ હજાર પાનાં છે.) એટલે, સીબીઆઇના હેતુ વિશે શંકા બરકરાર રાખીએ તો પણ, તેણે શોધી કાઢેલી-ખોદી કાઢેલી વિગતો અને માહિતીનો જથ્થો એમ અવગણી કઢાય નહીં. તેમાંથી ટપકીને બહાર આવતી બિલ્ડરો પાસેથી ખંડણી ઉઘરાવવા જેવી માહિતી એટલી શરમજનક છે કે જો એ માહિતી ખોટી હોય તો રાજ્ય સરકારે તેને ખોટી સાબીત કરવાનો પડકાર ઉપાડી લેવો જોઇએ. કારણ કે એ વિગતોના પગલે રાજ્ય સરકારની અને તેના સત્તાધીશોની વિશ્વસનીયતા સામે પણ ગંભીર સવાલ ઉભો થાય છે.

કાનૂની બાબતમાં અંગત અભિપ્રાયોનું કશું મહત્ત્વ નથી. પ્રજાકીય બહુમતિ કોઇને નિર્દોષ સાબીત કરી શકતી નથી અને ચૂંટણીની હારથી કોઇ દોષી પુરવાર થતું નથી. એ કામ માટે બંધારણમાં કાનૂની પ્રક્રિયાની જોગવાઇ છે. તેમાં પાર ઉતર્યે જ છૂટકો.

નાક ગજવામાં, કાયદો અભરાઇ પર
ગુજરાતમાં અને એકંદરે દેશના રાજકારણમાં વિશ્વસનીયતા કે નૈતિકતા જેવા ભાવવાચક શબ્દો માટે કોઇ સ્થાન રહ્યું નથી. બધા પક્ષોના મનમાંથી નાક કપાવાની શરમ જતી રહી છે. કોઇએ ૧૯૮૪માં કપાવ્યું છે તો કોઇએ ૨૦૦૨માં, પણ નાગરિક તરીકે આપણો પનારો બેશરમ નાકકટ્ટાઓ સાથે પડ્યો છે એ કડવી વાસ્તવિકતા છે. શરમનાં વસ્ત્રો ઉતારીને બેઠેલો વર્ગ એકબીજાને શરમની કે આબરૂની દુહાઇ કેવી રીતે આપી શકે?

જાહેર જીવનમાંથી નૈતિકતા, શરમ અને જવાબદારી જતાં રહે, ત્યાર પછી જેવો છે તેવો પણ છેલ્લો સહારો કાયદાનો છે. એટલે, કોઇ પણ રાજકીય પક્ષ જાહેર હિતની બાબતમાં કાયદાની ઉપરવટ જાય કે કાયદો હાથમાં લે ત્યારે તેમના પ્રચાર-ચગડોળમાં હિંચવાને બદલે નાગરિક તરીકે આપણને ચિંતા થવી જોઇએ. એ જ રીતે, સીબીઆઇ કાયદો હાથમાં લઇને કે તેની ઉપરવટ જઇને કોઇ મંત્રી કે નેતાની પાછળ પડી જાય, એ પણ ચિંતાજનક કહેવાય. પરંતુ કાયદાના દાયરાની અંદર રહીને, કાયદાનું વર્તુળ મનમરજી પ્રમાણે વિસ્તાર્યા વિના કાનૂની જોગવાઇ અંતર્ગત સીબીઆઇ ગૃહરાજ્યમંત્રી કે તેમની એન્કાઉન્ટર મંડળી પર ધોંસ જમાવે ત્યારે સીબીઆઇનો વિરોધ કરવો, એ રાજ્ય સરકારના ખોળે બેસી જવા બરાબર કહેવાય.

નેતાઓ તો વિરોધ કરે, કારણ કે પોતાની ધોરાજી હંકારવામાં તેમને એક જ ચીજનો- કાયદાનો- થોડોઘણો ડર રહેતો હોય છે. નાગરિકોને સાચાખોટાં બહાનાં રજૂ કરીને કાયદાની વિરૂદ્ધ ઉશ્કેરી શકાય, તો નેતાઓનું કામ થઇ જાય. સમજવાનું નાગરિકોએ છે કે પોતાના પગ પર કુહાડો શા માટે મારવો? કાનૂન નહીં રહે તો નાગરિકો પાસે ન્યાય મેળવવાનો કે સચ્ચાઇ સુધી પહોંચવાનો બીજો કશો આધાર રહેવાનો નથી.

એક ગુંડા માટે આટલો હોબાળો?
એક વાર કાયદાનો ખોફ જતો રહ્યા પછી સત્તાધીશો ફક્ત ગુંડાઓને જ મનફાવે તેમ ઠાર મારશે, એવું માની બેસવાની જરૂર નથી. કોઇને ‘ત્રાસવાદી’ જાહેર કરવા માટે મુસ્લિમ નામ હોવું જરૂરી હતું, પણ ‘માઓવાદી’ જાહેર કરવા માટે તો એની જરૂર પણ નથી રહી. સરવાળે, કાયદાની બ્રેક વગરની શાસનગાડી માટે સામે આવે તે સૌ સરખા જ બની રહે છે. ‘ગુંડાને મારી નાખ્યો તેમાં શું ખોટું કર્યું?’ એવી દલીલ કરનારા આટલો સાદો મુદ્દો ચૂકી જાય છે કે આ માત્ર કોઇ એક ગુંડાના અપમૃત્યુ માટેની લડાઇ નથી. સોરાબુદ્દીન એન્કાઉન્ટર રાજ્યનાં કાયદો-વ્યવસ્થા જાળવવા માટે થયેલું કે પ્રજાને કનડતા- ન્યાયની ચુંગાલમાંથી છટકી જતા કોઇ ગુંડાનો ત્રાસ નીવારવા માટે થયેલું એન્કાઉન્ટર નથી. આ તો વ્યાવસાયિક અને રાજકીય હિત ધરાવતા લોકોના લાભાર્થે થયેલું ‘એન્કાઉન્ટર’ છે. તેમાં એક ગુંડાને ત્રાસવાદી તરીકે ખપાવીને, તે મુખ્ય મંત્રીની હત્યા કરવા માટે આવ્યો હતો એવો આડંબર ઉભો કરીને, સંભવતઃ રૂપિયા (સોપારી) લઇને હત્યા કરવામાં આવી તે મુદ્દો મુખ્ય છે. આ એક એન્કાઉન્ટર નિમિત્તે થયેલી તપાસમાં અને ૩૦ હજાર પાનાંની ચાર્જશીટમાં સરકારી પ્રચાર પર અંધવિશ્વાસ મુકનારા ગુજરાતના નાગરિકો માટે ઘણા બોધપાઠ હશે, એવું તેની ઝલક પરથી જણાય છે.

બીજાં રાજ્યોમાં પણ એન્કાઉન્ટર થાય છે.
તવાઇ ફક્ત ગુજરાત પર કેમ?
એન્કાઉન્ટર અથવા ફેક એન્કાઉન્ટરના ઘણા પ્રકાર હોય છે: અસાધારણ સ્થિતિમાં થતાં એન્કાઉન્ટરથી માંડીને ગેંગ ખતમ કરવા માટે કે ગેંગવોરના જ ભાગરૂપે થતાં મુંબઇનાં એન્કાઉન્ટર, પંજાબ-કાશ્મીરમાં ત્રાસવાદ સામે અને ‘લાલ પટ્ટા’માં માઓવાદ સામે ઝઝૂમતાં અને અમર્યાદ સત્તામાં ઝૂમતાં સલામતી દળોનાં એન્કાઉન્ટર, ઇશાન ભારતનાં રાજ્યોમાં વિશિષ્ટ કાયદાની ઓથે થતાં એન્કાઉન્ટર...એ બધાં એન્કાઉન્ટર સામે ઉહાપોહ, હોબાળો કે કાર્યવાહી થતાં નથી એવું માની લેવાની જરૂર નથી. ગુજરાતમાં ‘સેક્યુલર’ કે ‘કર્મશીલ’ તરીકેની ગાળ ખાતા લોકો બીજાં રાજ્યોમાં એન્કાઉન્ટરો સામે વખતોવખત અવાજ ઉઠાવતા રહ્યા છે.

તેમ છતાં, જેમને એવું લાગતું હોય કે બીજાં રાજ્યોમાં આ પ્રકારનાં કરતૂતોને પૂરતા પ્રમાણમાં પડકારવામાં આવતાં નથી, તેમણે એ દિશામાં સક્રિય થવું જોઇએ અને બીજે થતાં એન્કાઉન્ટરોમાં સામા પક્ષની સરકારોની સંડોવણીને ખુલ્લી પાડીને, યોગ્ય કાનૂની કાર્યવાહી દ્વારા કાયદાના શાસન માટે લડત આપવી જોઇએ.

સગવડ ખાતર ધારી લો કે દસ ઠેકાણે અન્યાય થતો હોય અને એક ઠેકાણે કાનૂની રસ્તે ન્યાયની કાર્યવાહી ચાલુ હોય, ત્યારે એક ઠેકાણે થતો ન્યાય અટકાવવાનો પ્રયાસ કરવો જોઇએ? તેની સામે લોકલાગણી ઉશ્કેરવી જોઇએ? કે જ્યાં કાનૂની લડાઇ ચાલે છે તેને ટેકો આપીને, બાકીની જગ્યાએ કાનૂની લડાઇ ઉભી થાય એવો પ્રયત્ન કરવો જોઇએ?

નેતાઓ તો ઇચ્છે છે કે નાગરિકો ન્યાયના રસ્તાનું જેવું છે તેવું, પણ છેલ્લું અને એકમાત્ર હથિયાર તજીને તેમના શરણમાં આવી જાય.

નાગરિકો શું ઇચ્છે છે?

12 comments:

  1. Anonymous8:53:00 PM

    Very good.This arrest is a wake up call for those Gujaratis who have allowed themselves to be the worshippers of Narendra Modi. Let us hope they do wake up after reading this piece.

    Sukumar M. Trivedi

    ReplyDelete
  2. Anonymous8:56:00 PM

    In the above I have inadvertently written 'this arrest' what I had meant to write was this 'development'.

    Sukumar M. Trivedi

    ReplyDelete
  3. Urvish,
    Nagreeko, gundagardi,khandani,politics,encounter vagere jeva dushano thi jojano dur eva 56 nordosho na thayela krur khun ane temani bhaddi majak kari chukela kahevata 'karmashilo' ane media maharathiyo ni pasethi nyay tolavani apexa na rakhi shake.
    CBI 3000 pana bhari de etle badhuj sachu. Sikho na thayela katal ma ketla pana bharya hata!!?
    Hu e divas ni rah jou chu je divase, Pakistan bethelo Dawood, election mate form bhare ane tene nyay apavva prakhar karmashilo prakhar karma kari ne aa desh na loko ne yaad karave ke temni faraz shu che.
    Anyway, nice article, kudos.

    ReplyDelete
  4. આખા પ્રકરણને ફકત સોહરાબ સાથે જોડીને જોવા કરતાં તુલસી અને કોસરબી ને લક્ષે લેવા જોઇએ, ગુણવંત જી એમની હત્‍યાને પણ યોગ્‍ય ગણાવશે ?
    ગુ. શાહના મતે સોહરાબનું એન્‍કાઉન્‍ટર યોગ્‍ય હતું એટલા માટે કે એ આતંકવાદી હતો, પણ હવેની વાસ્‍તવિકતા એ છે કે આ આંતકવાદી હતો જ નહી, ફકત ખંડણીખોર હતો, અને તે પણ પ્‍ોલીસનો મદદગાર, ઉપરથી બાતમીદાર પણ,
    અને કોઇ ગુણવિનાના બની રહેલા (સાઠે બુદ્ઘિ નાથી વાળા ) ગુણવંતને પૂછે કે આ અનિષ્‍ટને ખતમ કર્યા પછી એવું કેમ જાહેર કર્યું કે એ મુખ્‍યમંત્રીને મારવા આવ્‍યો હતો ! ! !

    ReplyDelete
  5. Jabir A. Mansuri11:55:00 AM

    Urvish, your today's pen's metal-ink would give a service and acceleration to service to justice to victims of Sabarmati Train and Post-Godhra, simultaneously.

    Those victims of Sabarmati-Train and Godhra Riots Victims had to proceed to Highest Temple Justice i.e. Supreme Court was not a fun-parade they have experienced.

    Hope this would lead to developmental polity.

    ReplyDelete
  6. CBI એ શ્રી અમિત શાહની ધરપકડ કરી એ હકીકત છે...
    સ્ટેટ સરકારે કે ભાજપાએ તેમનો બચાવ તો જ કરવો જોઈએ જો તેમના "સાચા-ખોટા" દરેક કૃત્યમાં તેમનો સાથ અને ટેકો હોય. અને ભવિષ્યમાં ચુકાદો આવે ત્યારે પણ એ ભાગીદારી સ્વીકારવાની તૈયારી હોય.
    આવા વખતે કોંગ્રેસના પરાક્રમો યાદ કરનારાઓએ શ્રી અમિતભાઈએ ગુનાઓ કર્યાં છે એવું સ્વીકારી લીધુ કહેવાય.
    ભાજપા જેવા રાષ્ટ્રીય પક્ષના બંધારણમાં એવું તો ના જ લખ્યું હોય ને કે "કોંગ્રેસે જેવા ગુના કર્યાં હોય તેવા આપડે પણ કરવા"
    ashish

    ReplyDelete
  7. ayesha khan12:58:00 PM

    on monday, post amit shah's arrest, the edit pages, as well as columns in all the three leading gujarati dailies seem to read almost similar - in the similar vein as your post above. it is quite rare to see such an editorial concurrence of views which is critical of present state government on such a emotive issue in gujarat - wonder how it should be interpreted.

    ayesha

    ReplyDelete
  8. vishalpatadiya3:44:00 PM

    સમગ્ર ઘટનાક્રમને અલગ રીતે જોઇએ.
    પોલીસ પહેલા સામાન્ય નાગરિકોની ફરિયાદો સાંભળતી જ નહોતી. હવે વાતાવરણ એવું બન્યું છે કોન્સ્ટેબલ પોતાના પીઆઇનું અને પીઆઇ પોતાના એસીપી કે ડીસીપીના ખોટાં કામો નથી કરતાં. આઇપીએસ ઓફિસરો પણ હવે નેતાઓને મોઢાં પર સંભળાવી દે છે. નાગરિકોને પણ હિંમત આવી છે.
    એક સરસ ઉદાહરણ આપું તો થોડા દિવસ પહેલા જ અમદાવાદની એક સોસાયટીમાં બે પાડોશીના ઝગડામાં એકના માથે બીજાએ લાકડીઓ ફટકારતાં પેલો બ્રેઇન ડેડ થયો ગયો. પરંતુ પોલીસે કલમો ઓછી લગાડી. પેલા ભાઇ મરી ગયા છતાં વેચાઇ ગયેલી પોલીસ નિષ્ક્રિય હતી, બાદમાં મરનારના સગાવહાલાએ પોલીસ કંન્ટ્રોલમાં ફોન કરીને 302 અને અન્ય કલમો લગાવતાં નથી તેવી ફરિયાદ કરતાં, કન્ટ્રોલના અધિકારીએ ફોન કરનારને ખખડાવ્યો કે પોલીસને પોલીસનું કામ કરવા દો, તમે શીખવાડશો કે અમારે શું કરવાનું. સામેથી કંટાળેલા સગાંએ વણાઝારા અને ચુડાસમા જેવી હાલત થશે તેવું કહેતા જ પેલો ઢીલો પડી ગયો. થોડી જ વારમાં પોલીસ મરનારના ઘેર પહોંચી અને ખૂનનો ગુનો દાખલ થયો. વાત એટલી જ છે કે પ્રજા હવે પોલીસ અને નેતા સામે નીડરતાંથી લડી શકશે. અલબત્ત, સીબીઆઇ પોલિટિકલ છે તે પણ દેખાઇ રહ્યું છે, આવતીકાલે બંને પક્ષે સેટિંગ થઇ જાય તે પણ શક્ય છે. પણ ગુજરાતના નાગરિકોને ફાયદો જ છે. જેટલા રાજ્યોમાંથી કચરો સાફ થાય તે સારું જ છે.
    પોલીસ, ક્રાઇમ બ્રાન્ચ, એટીએસના નામમાત્રથી નાગરિકો ડરે છે. આ ડર ગમે તેમ દૂર થવો જોઇએ. અહીં વર્ષોથી ગાજતાં મુદ્દા એવા પોલીસ રીફોર્મ્સની વાત પણ થવી જોઇએ.

    કોંગ્રેસ દેશના અમુક ટકા મુસ્લિમોની સલામત વોટબેંક માટે મોદી અને ગુજરાતની નાવ પર સવાર થઇને દેશમાં રાજ ચલાવવા માગે છે, ખાસ કરીને બિહારની ચૂંટણીમાં, તેવી એક માન્યતા છે. આ બાબતે ઉર્વીશભાઇ પ્રકાશ પાડે તો સારું.

    ReplyDelete
  9. urvish kothari9:09:00 PM

    bhai vishal,
    bihar may be imp for congress & it may be all politics for these congis & bjp-ites, but as long as people like u & me r concerned, we'd be equally happy to see Titlers & Sajjankumars of the world behind bars.
    For those who don't tow to any party line, all criminals are equal but yes, those at the home front are more equal than others.:-)

    ReplyDelete
  10. Anonymous5:32:00 PM

    specially bjpwalas and modi;

    ReplyDelete
  11. I was watching a debate on TV few days back and I was surprised to see that Sohrabuddin's father was the 'Sarpanch' of a Gram Panchayat supported by BJP! Sohrabuddin himself was a BJP supporter...this simply means that he was being used by the so called white caller goons!

    ReplyDelete