Thursday, July 22, 2010

કોફીઃ રાષ્ટ્રિય પીણું-ઇન-વેઇટિંગ

ચા ભારતના ‘આમઆદમી’નું પીણું છે, તો કોફી ભારતની ખાસજનતાની પસંદ છે. કોફી પીવાથી હૃદયરોગના હુમલાની શક્યતા વધે કે ઘટે, તેની ચર્ચા ઉટપટાંગ પરદેશી યુનિવર્સિટીઓના સંશોધકો માટે છોડી દઇએ. પરંતુ કોફી પીવાથી મઝા આવે છે, એ કોઇ પણ રીસર્ચ વગર- અથવા રીસર્ચ ન હોવાને કારણે જ- ખાતરીપૂર્વક કહી શકાય છે.

બહુમતિ ભારતીયોની પહેલી પસંદ ચા છે. ઘણા વિદ્વાનો એવું માને છે કે પહેલી પસંદ તો કોફી છે, પણ પહેલું પોસાણ ચાનું છે. એ રીતે જોઇએ તો કોફીને વર્ગભેદ ઉભા કરતું પીણું કહી શકાય. ચા પીતો માણસ મજૂર પણ હોઇ શકે ને માલિક પણ હોઇ શકે. ભારતના બે ભાગ કરીએ તો, ઉત્તર ભારતમાં ચા પીવી એ શ્વાસ લેવા જેવું, વર્ગવિહીન કાર્ય છે. તેનાથી ચા પીનારના વર્ગ વિશે કશું કહી શકાતું નથી. પરંતુ કોઇ માણસ કોફી પીતો હોય તો તેના વિશે તરત કેટલીક અટકળો થઇ જાય છે. જેમ કે, તેમને બધા કરે છે એના કરતાં કંઇક જુદું કરવામાં રસ છે અથવા તે આર્થિક રીતે સમૃદ્ધ છે અથવા એ સાત્ત્વિક માણસ હોવાથી ચા નથી પીતા...વગેરે.

કોફી સામાન્ય વ્યવહારમાં સમૃદ્ધિ અને વિશેષતા સૂચવે છે. એમાં પણ કોલ્ડ કોફી હોય તો થઇ રહ્યું! (મોટે ભાગે કોફી પીનારાએ જ વહેતા કરેલા પ્રચાર મુજબ) કોફી બૌદ્ધિકોનું પીણું ગણાય છે. ફ્રેન્ચ કટ દાઢીની જેમ કોફીને બૌદ્ધિકતા સાથે લેવાદેવા હોવી જરૂરી નથી. પણ બીજી કોઇ રીતે દર્શાવી ન શકાતી હોય એવી બૌદ્ધિકતાનો પરચો બૌદ્ધિકો કોફી પીને સચોટ રીતે આપી શકે છે. પાંચ-સાત જણ બેઠા હોય, એમાં બધા જ ચા મંગાવતા હોય અને એક જણ કોફી મંગાવે, એટલે સૌની નજર કોફી મંગાવનાર ભણી મંડાય છે અને કંઇ પણ કર્યા વિના એ ભાઇ કે બહેન લોકોના ઘ્યાન-કમ-આદરને પાત્ર બની જાય છે.

લગ્નનો સંદર્ભ આપીને વાત કરીએ તો, કોફી વરપક્ષનું પીણું છે ને ચા કન્યાપક્ષનું. ઘરમાં વર્ષના વચલા દહાડે કોફી ન જોતા હોય એવા ઘણા જાનૈયા કન્યા પક્ષ પાસે એટલા અધિકારથી કોફીની માગણી કરે છે, જાણે પોતે કોફીથી કોગળા કરવા ટેવાયેલા હોય. જાનમાં ગયા પછી ચા- કોફીના વિકલ્પ હોય તો કોફી પીવામાં અને કોફીનો વિકલ્પ ઉપલબ્ધ ન હોય તો તે ઉભો કરાવવામાં જાનૈયા તરીકેની સાર્થકતા છે, એવું ઘણાને લાગે છે.

કોલ્ડ ટી-કોફી મળતા હોવા છતાં, ચા અને કોફી મુખ્યત્વે ગરમ પીણાના વિકલ્પો છે, પણ તેમની વચ્ચે સીધી સરખામણી માટે ભાગ્યે જ અવકાશ છે. ચિંતનીય શૈલીમાં કહી શકાય કે ચા ‘મા’ છે ને કોફી પરપ્રાંતમાં રહેતી ‘માસી’ છે. જૂના વખતમાં ગુજરાતી લેખનની શરૂઆત બાળકોને ‘બા ચા પા’ જેવાં સહેલાં વાક્યોથી કરાવવામાં આવતી હતી. ચાપ્રેમી વાચકો જોઇ શકશે કે એ વાક્યમાં નાના બાળક સમક્ષ બા (મમ્મી) જેટલું જ મહત્ત્વ ચાને પણ આપવામાં આવ્યું છે. ‘બા કોફી પા’ એવું વાક્ય કદી સાંભળ્યું છે? ભાષા થકી સંસ્કૃતિનું રક્ષણ કરવા ઇચ્છતા લોકો આ બાબત ઘ્યાનમાં લે, તો ચાને આસાનીથી ભારતની સંસ્કૃતિ સાથે સાંકળી શકાય અને પાંડવો આદુ-ફુદીનાની ચા પીને વનવાસ દરમિયાન ટકી રહ્યા હતા એવું પણ સિદ્ધ કરી શકાય.

ચાના ઘણા પ્રકારો છેઃ આદુવાળી, મસાલાવાળી, ફુદીનાવાળી, ઇલાયચીવાળી, લીલી ચાવાળી...આ બધા પ્રકારોની ખૂબી એ છે કે તેના નામ પરથી તેના સ્વાદનો અંદાજ આવી શકે છે, જ્યારે કોફીશોપમાં અટપટાં યુરોપીયન નામ ધરાવતી જુદા જુદા પ્રકારની કોફીના નામથી ફક્ત પ્રભાવિત થઇ શકાય છે અને નામ પરથી (કે તોતિંગ કિંમત પરથી) તેના સ્વાદ વિશે તુક્કા લડાવવાના રહે છે. ચા ખરાબ હોય તો ચા બનાવનાર સાથે શાસ્ત્રાર્થ (કે ઝઘડોઃ બન્ને વચ્ચે તાપમાનનો જ ફરક હોય છે) કરી શકાય છે. થોડી વધારે જાગૃતિ હોય તો નવી ચા બનાવડાવી શકાય છે, પણ કોફીનો સ્વાદ ન ભાવે તો એ શક્યતા રહેતી નથી. ‘ખરેખર આ પ્રકારની કોફીનો સ્વાદ આવો જ હશે અને મને ખબર નહીં હોય’ એમ માનીને, માણસ કોફીના અને ક્ષોભના ધૂંટડા ચૂપચાપ ઉતારી જાય છે.

કોફી બનતી હોય અથવા બનીને આવે ત્યારે તેની સુગંધ ચાપ્રેમીઓની વફાદારીની કસોટી કરે એવી હોય છે, પણ કેટલાંક ઠેકાણે કોફીમાં ફીણની બહુમતિ જોયા પછી પીનારા શાયરાના અંદાજમાં (કવિ આદિલ મન્સૂરીની ક્ષમા સાથે) ગાઇ ઉઠે છેઃ ‘ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, કપમાં કદાચ કોફી મળે ન મળે’

યુરોપીયનને બદલે દેશી કોફી પીવામાં સ્વાદનું એટલું વૈવિઘ્ય મળતું નથી. મોરચા સરકારના મંત્રીમંડળોની જેમ બે-ચાર મંત્રીઓનાં ખાતાં ઇધરઉધર કરવા સિવાય ઝાઝી શક્યતા હોતી નથી, એવી જ રીતે દેશી કોફીમાં કોફીના કે બહુ તો ખાંડના પ્રમાણમાં વધઘટ કરી શકાય છે. ‘જે કરવું તે દિલથી કરવું અને તેને પૂરેપૂરો ન્યાય આપવો’ એવું માનતા ઘણા લોકો બીજી કોઇ બાબતમાં નહીં તો કોફી પીવાની બાબતમાં આ જીવનસિદ્ધાંત કામે લગાડે છે અને એક કપમાં એટલી કોફી નાખે છે કે કોફીનો રંગ ચા જેવો થઇ જાય. તેમની ફિલસૂફી એવી હોય છે કે ‘કોફી પીએ તો પછી લાગવું જોઇએ કે કોફી પીધી. એ શું એક ચમચી ને બે ચમચી નાખવાની!’ જૂના વખતમાં કંસાર ને ચૂરમાની નાત થતી હતી ત્યારે તેમાં જે મોકળાશથી ઘી પીરસવામાં આવતું હતું, એ જાતની છૂટથી આ કોફીપ્રેમીઓ પોતાના કપમાં કોફી ઠઠાડે છે. ‘આવી કોફી શી રીતે પીવાય?’ એવા સવાલના જવાબમાં, કાંટાની પથારી પર આરામથી સુઇ જતા યોગી જેવી ગૌરવવંતી સાહજિકતાથી એ કહે છે,‘તમને કદી ખબર નહીં પડે. એના માટે ટેસ્ટ જોઇએ ટેસ્ટ!’

કેટલાક કોફીપ્રેમીઓને ફક્ત કોફી પીને સંતોષ નથી થતો. તે ચાને ઘુત્કારીને કોફી પર કળશ ઢોળે છે. એવા લોકોને સામાન્ય વિવેક ખાતર પૂછવામાં આવે કે‘ચા?’ એટલે એ બ્રાઉનસુગરનું પૂછ્યું હોય એમ મોં કટાણું કરીને કહેશે,‘હું ચા નથી પીતો.’

યજમાન સહેજ ખાસિયાણા પડીને છતાં ભારતીય યજમાન પરંપરાનો ઘ્વજ નીચો નહીં પડવા દેવાના ઉત્સાહથી કહે છે,‘તો કોફી?’ એ સાંભળીને મહેમાન ‘હવે તમે મારૂં લેવલ સમજ્યા!’ના ભાવ સાથે કહે છે,‘હા, કોફી પીશું.’ પછી તમારા જેવા ‘ચા’લુ લોકોને કોફીના સ્વાદમાં ખબર નહીં પડે, એવી ભાવનાથી પ્રેરાઇને સારી કોફી કેમ બનાવવી એના વિશેનાં થોડાં સૂચનો આપે છે ઃ ‘કોફીના દાણા છે? હું તો ફ્રેશ પાઉડરની જ કોફી પીઊં છું. પણ ના હોય તો વાંધો નહીં. એક કામ કરજો. કોફી પહેલેથી નાખી દેતા નહીં અને પાણી અલગથી ઉકાળીને તેમાં કોફી ઓગળશોને? બઘું પહેલેથી મિક્સ ના કરી નાખતા.’

ધર્મબદ્ધ યજમાન એવું કહી શકતા નથી કે ‘મારો ઇરાદો બઘું અલગ અલગ તમારા મોંમાં નાખીને તમને ગુલાંટો ખવડાવવાનો છે.’ એટલે તે ચૂપચાપ સૂચનાઓ સાંભળે છે, પોતે જેમ બનાવતા હોય એમ જ કોફી બનાવીને ધરે છે અને બૂમરેન્ગ જેવા સણસણાટમાં નિર્દોષતા ઘોળીને મહેમાનને પૂછે છે,‘કેમ? કોફી થઇ છે ને બરાબર... તમે કહ્યું એવી!’

ચબરાક મહેમાનો આ સવાલનો જવાબ ‘ડક’ કરી જાય છે- ટાળી દે છે અને ‘હું લાસ્ટ ટાઇમ યુરોપ ગયો ત્યારે ત્યાંની એક હોટેલમાં ૨૬૯ જાતની કોફી મળતી હતી’ એવી કથાઓ શરૂ કરી દે છે. કેટલાક મહેમાનો ‘નરો વા કુંજરો વા’થી ધર્મભ્રષ્ટ બનેલા યુધિષ્ઠિરની જેમ બનાવટી ઉત્સાહ સાથે યજમાનને કહે છે,‘હા, હા, મેં કહ્યું એવી તો નહીં, એનાથી પણ વધારે સારી થઇ છે.’ આ વાક્યનો ઉત્તરાર્ધ જૂઠો છે ને પૂર્વાર્ધ સત્ય છે. યજમાન ઉત્તરાર્ધ ગ્રહણ કરીને રાજી થાય છે અને મહેમાન પૂર્વાર્ધ કહીને પોતે સાચું કહી દીધાનો સંતોષ મેળવે છે.

7 comments:

  1. Superb....... Cha pidha sivay pan cha piva ni maja padi gayi....

    ReplyDelete
  2. જ્યોતિન્દ્ર દવેની કક્ષાનો હાસ્યનિબન્ધ! તમે આ કૉફી પીધા પછી જ લખ્યું લાગે છે ;)

    ReplyDelete
  3. urvish kothari1:05:00 PM

    thnx chirag for flattering comparision. I followed Harivanshrai Bachchan in this & wrote it after having soft drinks:-)

    ReplyDelete
  4. J. A. Mansuri6:22:00 PM

    Urvish, Good narration of Cofee on social status of user/s. In next article, request to pen on farmers of coffee beans, their socio-economical apathy, resources marketed and exploited by MNC and lot more.

    ReplyDelete
  5. ઉત્પલ ભટ્ટ2:21:00 PM

    "હું લાસ્ટ ટાઇમ યુરોપ ગયો ત્યારે" કરીને નવો સમાજ જે ૨૬૯ જાતની કોફીની વાતો ફેલાવે છે તેનો હવે ખરેખર કંટાળો આવે છે. એ કથાકારો આ ડાયલોગ મારીને પછી જે સાચી હકીકત છે તે નથી કહેતા કે તે ૨૬૯ જાતની કોફીઓમાંથી માંડ બે જાતની કોફીનો ભાવ પી શકાય તેવો હોય છે!!

    ReplyDelete
  6. Super one Urvishbhai,

    I agree as if you go in Europe, and ask for tea, people will look like you as you are an alien !!
    But, if you will ask for tea in UK, it is considered as proud matter... and it will be considered as strange if you drink tea (odd man out!!!)

    ReplyDelete
  7. વાહ , વાંચીને તરત ચા પીવાનું મન થયું ! બહુ જ સરસ લેખ, જોકે ચા-કોફી જેવી જ ખેંચતાણ ચા- છાશમાં પણ છે..આપના કચ્છમાં તો તે બંને વચ્ચેની ખેંચતાણના સરસ ગીત પણ છે..હવે તમે એક વાર ચા-છાશ વિષે પણ લખો એવી આશા ખરી.મેહુલ

    ReplyDelete