Wednesday, July 14, 2010

આગાહીબાજ ઓક્ટોપસનો ઇન્ટરવ્યુ

જર્મન જળચર ઓક્ટોપસ ફૂટબોલના વર્લ્ડકપમાં સાચી આગાહીઓ કરીને વિશ્વવિખ્યાત થઇ ગયું. ભારતના અન્નપ્રધાન કોણ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન કોણ છે એની ખબર ન હોય, એવા લોકો પણ પોલ નામના એ ઓક્ટોપસ વિશે જાણતા થઇ ગયા. છતાં હજુ સુધી તેનો એકેય ઇન્ટરવ્યુ પ્રસિદ્ધ થયો નથી. ‘પોલ વિશે ઘણુંબઘું કાલ્પનિક ચાલતું હોય, તો એક વધારે’ એમ વિચારીને લેવાયેલો ભવિષ્યવેત્તા ઓક્ટોપસનો કાલ્પનિક ઇન્ટરવ્યુ.

***

પ્રઃ હાય પોલ. શું ચાલે છે?
પોલઃ એક કામ કર. મારી સામે કાચનાં બે વાસણમાં ખાવાનું મૂક. એક વાસણ ઉપર ‘મઝામાં છું’નું લેબલ ચોંટાડ અને બીજા વાસણ ઉપર ‘મઝામાં નથી’નું લેબલ લગાડી દે. એ બેમાંથી જે વાસણમાંથી હું ખાઊં, એ મારો જવાબ. સમજ્યો? હવે મને સીધા જવાબ આપવાની પ્રેક્ટિસ છૂટી ગઇ છે.
પ્રઃ એ તો હું ભૂલી જ ગયો. મને એ તો કહો તમે પહેલાં કયા સરકારી હોદ્દે હતા? મંત્રી? સચિવ? અફસર? કારકુન?
પોલઃ તને એવું શા માટે લાગ્યું કે હું સરકારમાં હતો? મારા આઠ હાથ- કમ-પગ જોઇને?
પ્રઃ ના, તમે ખાવાનું મળે નહીં ત્યાં સુધી કોઇ કામ કરતા નથી અને ઘણી વાર તો ખાવાનું મળ્યા પછી પણ નિર્ણય લેવામાં લાંબો સમય કાઢી નાખો છો એટલે...
પોલઃ ધીમેથી...ધીમથી બોલ....હવે મારી એકેએક હિલચાલની નોંધ લેવાય છે. તેનું રેકોર્ડંિગ થાય છે. તું આવું બોલશે તો મારા ભવિષ્ય પર અસર પડશે.
પ્રઃ વાહ, શું વાક્ય છે: ભવિષ્યવેત્તાના ભવિષ્ય પર અસર. તમે પહેલાં ચિંતનનું કરતા હતા? આઇ મીન, ચિંતન કરતા હતા?
પોલઃ ચિંતન તો હજુય કરૂં છું. મારા જવાબો મારા ચિંતનનું જ પરિણામ છે. તે સાંભળ્યું નથી? એક મેચમાં તો મેં નિર્ણય લેવામાં ૪૫ મિનીટ વીતાવી નાખી. ખાવાનું સામે પડ્યું હોય છતાં માણસ...એટલે કે ઓક્ટોપસ...૪૫ મિનીટ કાઢી નાખે એનો શું અર્થ થાય?
પ્રઃ એ જ કે તેને ભૂખ નથી લાગી.
પોલ: તું બહુ અનરોમેન્ટિક માણસ છે, યાર. તારે મારી વિચારશીલતા, મારી બૌદ્ધિકતા, મારી અપવાદરૂપ શક્તિ વિશે વાત કરવી જોઇએ. બની શકે તો દૈવી વરદાન, કુદરતી કરિશ્મા, આઠમી અજાયબી જેવા શબ્દો વાપરવા જોઇએ. એને બદલે તું સાવ ટાઢું પાણી રેડી દે છે.
પ્રઃ હું ભારતથી આવું છું. અમારે ત્યાં તમારાથી પણ વધારે વિચિત્ર પ્રાણીઓ આ ધંધામાં છે. છોડો એ વાત. તમે એ કહો કે ફૂટબોલ વર્લ્ડકપ શરૂ થયો ત્યાં લગી તમને કોઇ ઓળખતું ન હતું અને હવે દુનિયાભરનાં પ્રસાર માઘ્યમો તમારા ફોટા છાપે છે, તમારી ભોજનક્રિયાનું લાઇવ ટેલીકાસ્ટ કરે છે...આ બધાથી તમને કેવું લાગે છે?
પોલઃ એ જ કે પ્રસાર માઘ્યમો ગરજ પડ્યે ઓક્ટોપસને પણ અંકલ કહે એમાંનાં છે...પણ આ તો મેં તારી શૈલીમાં જવાબ આપ્યો. મારી અંગત વાત કરૂં તો મને જબરદસ્ત મઝા આવે છે. મારી અત્યારની લોકપ્રિયતા પરથી તો લાગે છે કે આવતી ચૂંટણીમાં હું અમેરિકાના પ્રમુખપદ માટે ઉમેદવારી નોંધાવું તો ત્યાં પણ મારી જીત થાય.
પ્રઃ પોતાની લોકપ્રિયતાથી અંજાયેલા હોંશીલા લોકોની માફક તમારી બુદ્ધિ દયનીય પણ ઉત્સાહ સરાહનીય છે.
પોલઃ એટલે તે મારાં વખાણ કર્યાં કહેવાય?
પ્રઃ તમારે એમ જ માનવું. એ હોંશીલાનું બીજું લક્ષણ છે...પણ આપણે પ્રસાર માઘ્યમોની વાત કરતા હતા. તમારી આજુબાજુ કેમેરામેન ઘેરી વળે એનાથી તમને કેવી લાગણી થાય છે?
પોલઃ એ જ કે જ્યાં સુધી આ લોકો આવે છે ત્યાં સુધી બીજું કંઇ નહીં તો કમ સે કમ જમવાનું નિયમિત મળતું રહેશે.
પ્રઃ (ધીમા અવાજે) એક ખાનગી સવાલ પૂછું? જવાબ તમે ના પાડશો તો નહીં છાપું...પણ આ લોકો મેચ ના હોય અને તમારી પાસેથી જવાબ ન કઢાવવાના હોય ત્યારે તમને ખાવાનું આપે છે ખરા?
પોલઃ અઘરો સવાલ છે. એક કામ કર. વર્લ્ડકપનો થાક ઉતરી જાય પછી મળ. આપણે જોડે જમીશું એ બહાને શાંતિથી વાત થશે. મારી પાસે ઘણી વાતો છે. હું તને બે-ચાર એક્સક્લુઝિવ સ્ટોરી આપીશ.
પ્રઃ તમને બીજું કંઇ આવડતું હોય કે નહીં, પણ પત્રકારો સાથે પનારો પાડતાં બરાબર આવડી ગયું છે. પણ એમાં મારા સવાલનો જવાબ નથી આવતો.
પોલઃ નેક્સ્ટ?
પ્રઃ ઓ.કે., જર્મનીમાં ઘણા લોકો તમને તળીને ખાઇ જવાની વાત કરે છે, એ સાંભળીને તમને કેવું લાગે છે?
પોલઃ કેવું લાગવાનું વળી? તને કોઇ એવું કહે કે હું તને એકે-૫૬થી વીંધી નાખીશ, તો તને કેવું લાગશે?
પ્રઃ મારો પૂછવાનો મતલબ હતો કે તમે એ અંગે કંઇ વિચાર કર્યો છે? કોઇ કાર્યવાહી કરી છે?
પોલઃ ના, હું તારા જેવા કોઇકની જ રાહ જોતો હતો, જે મને વિદેશી દૂતાવાસો પર વિનંતીપત્ર લખી આપે. સલમાન રશદી કે તસ્લીમા નસરીનની જેમ મારે પણ બીજા દેશમાં રાજ્યાશ્રય લેવો પડશે અથવા ભૂગર્ભમાં ઉતરી જવું પડશે.
પ્રઃ એક્વેરિયમમાં ભૂગર્ભ હોય?
પોલઃ ના, પણ ભૂગર્ભમાં તો એક્વેરિયમ હોય ને!
પ્રઃ તમારો તો વટ છે...
પોલઃ તો એક કામ કર. આ ઢાંકણ ઉપરથી ખુલે છે. એ ખોલીને મારી જગ્યાએ તું આવી જા. લખવાનું કામ હું કરીશ. આમેય મારી પાસે આઠ હાથ છે.
પ્રઃ અને મગજ?
પોલઃ ગમ્મત ના કરીશ. હુંય છાપાં-મેગેઝીન વાંચું છું.
પ્રઃ આપણે બધી આડીઅવળી વાતો કરી, પણ એ તો કહો કે ફૂટબોલમાં તમને રસ ક્યારથી પડવા માંડ્યો?
પોલઃ ફૂટબોલ? એ વળી શું છે? ઓક્ટોપસ માટેના નવા ફાસ્ટફુડનું નામ છે?
પ્રઃ મજાક ન કરો. આખી દુનિયા તમે ફૂટબોલ વર્લ્ડકપના હીરો તરીકે ઓળખે છે...
પોલઃ ખરૂં કહું છું. હું ફુટબોલ વિશે કશું જાણતો નથી. તારા કહેવા પરથી લાગે છે કે એ નામની કોઇ રમત હોવી જોઇએ, જેનો વર્લ્ડ કપ યોજાય છે.
પ્રઃ તો પછી તમે ફૂટબોલની મેચનાં પરિણામની આગાહી કરતા હતા એ કેવી રીતે?
પોલઃ ઢગલાબંધ લોકો ભવિષ્ય વિશે આગાહી કરે છે. અસંખ્ય લોકો ભવિષ્ય સુધારી આપવાનો દાવો કરે છે. શું એ બધા ભવિષ્ય વિશે જાણે છે? હા, હું જેટલું ફૂટબોલ વિશે જાણું છું, એટલું જ તે ભવિષ્ય વિશે જાણે છે. છતાં કદી તેં એમને આ સવાલ પૂછ્યો? મારે બે ને બદલે આઠ પગ છે એ જ મારો વાંક ને?

(એમ કહીને ઓક્ટોપસ બે ચિઠ્ઠી તરતી મૂકીને અદૃશ્ય થઇ જાય છે. એક ચિઠ્ઠીમાં લખ્યું છેઃ ‘ઇન્ટરવ્યુ પૂરો થયો’ અને બીજી ચિઠ્ઠીમાં લખ્યું છેઃ ‘ઇન્ટરવ્યુ લેવો હોય તો અઘરા સવાલ નહીં પૂછવાના.’)

4 comments:

 1. isuan gadhivi9:56:00 AM

  kya bat he urvish bhai..........tame aa mulakat ma ghanu badhu kahi didhu......really nice

  ReplyDelete
 2. Anonymous10:25:00 AM

  Really witty. Good job.

  SP

  ReplyDelete
 3. Narendra10:54:00 AM

  Maza avi Urvish..mast

  ReplyDelete
 4. arvind adalja5:29:00 PM

  મજા આવી ઓક્ટોમસની એક કાલ્પનિક મુલાકાત લઈ કહેવાતા પશ્ચિમના બુધ્ધિ જીવીઓની ઠેકડી ઉડાડી કાતિલ વ્યંગ કરવા બદલ ખૂબ ખૂબ ધન્યવાદ !

  ReplyDelete