Thursday, July 29, 2010

લોકશાહી, મતસ્વાતંત્ર્ય અને મતભેદ: શરતો લાગુ

ફ્લેટ-સોસાયટીની મિટિંગથી માંડીને પાનના ગલ્લે જાહેર ચર્ચામાં ભાગ લેનારા ઘણા લોકોનો અનુભવ હશે કે ચર્ચા ક્યાંથી શરૂ થઇ હોય અને ક્યાં જઇને અટકે. એક નાટકમાં દર્શાવાયેલા કો-ઓપરેટિવ સોસાયટીની મિટિંગના દૃશ્યમાં શરૂઆત વહીવટી મુદ્દાથી થાય છે, પણ ટૂંક સમયમાં સભ્યો એકબીજાનાં પરિવારનાં મહિલા સભ્યોની કથિત ઇતર પ્રવૃત્તિ વિશે બેફામ આક્ષેપબાજી પર ઉતરી આવે છે.

આ તો થઇ સરેરાશ માણસોની વાત, પણ સમાજનો જે વર્ગ પોતાની જાતને સરેરાશથી ઉપર ગણે છે અથવા ‘બૌદ્ધિક’માં ગણતરી પામે છે, તેની કેવી સ્થિતિ છે? ખેદ સાથે નોંધવું પડે કે પરિસ્થિતિ જરાય આનંદ ઉપજાવે એવી નથી.

ગરીમાપૂર્ણ મતભેદ
માંડ ત્રણેક દાયકા પહેલાં ગુજરાતમાં જાહેર ચર્ચાનો એકંદરે સ્વસ્થ કહી શકાય એવો માહોલ હતો. વિદ્વાનો વચ્ચે કે ચોક્કસ મુદ્દે મતભેદ ધરાવતા જાણકારો વચ્ચે અભિપ્રાયભેદ થાય એ ચિંતાનો વિષય નથી. બલ્કે, એવું ન થાય અને બધા એક સૂરમાં ગાવા મંડી પડે તો ચિંતા થવી જોઇએ. કેમ કે ‘સમરસ’ની કહેવાતી ભાવના લોકશાહીના મૂળભૂત હાર્દને અનુરૂપ નથી. સમરસ બનાવવાનો સૌથી સહેલો રસ્તો બઘું કચડી નાખવાનો છે- પછી એ શાકભાજી હોય કે વિરોધી અભિપ્રાય.

ગયા સપ્તાહથી જેમના જન્મ શતાબ્દિવર્ષની ઉજવણી શરૂ થઇ તે સાહિત્ય-શિક્ષણ-જાહેર જીવનના અભ્યાસી ઉમાશંકર જોશી પોતાના શાલીન છતાં સ્પષ્ટ અભિપ્રાય માટે જાણીતા હતા. ફક્ત સાહિત્યની બાબતો કે સાહિત્ય પરિષદના રાજકારણમાં જ નહીં, દેશના નાગરિકોને સ્પર્શતી બાબતોમાં પણ તેમની અભ્યાસ-અનુભવના આધારે બંધાયેલી માન્યતાઓ હતી, જે વ્યક્ત કરતાં તે કદી અચકાતા નહીં.

ઉમાશંકર જોશીના અભિપ્રાય હંમેશાં સાચા જ રહેતા એવું કહેવાનો મતલબ નથી. એ વ્યક્ત કરે તે બધા અભિપ્રાય સાચા જ હોય એવું માની લેનારા એ વખતે પણ ન હતા. છતાં, ઉમાશંકર જોશી સાથે અનેક મુદ્દે ઉગ્રતાપૂર્વક શબ્દયુદ્ધમાં ઉતરી ચૂકેલા લોકો આજે ઉમાશંકરની ખાનદાનીને ભાવથી યાદ કરે છે. ચોક્કસ મુદ્દાને લઇને, ઉગ્ર ભાષામાં પોતાની સાથે તીવ્ર અસંમતિ વ્યક્ત કરનાર વ્યક્તિ સાથે પણ સંવાદ કરવા માટે તે તત્પર રહેતા હતા અને તેમના સંવાદનો આશય સામેવાળાને યેનકેનપ્રકારે પલાળીને પોતાની સામેનો વિરોધ શમાવવાનો નહીં, પણ તેના વિરોધના મુદ્દા સમજવાનો, એ મુદ્દે બન્ને પક્ષે કોઇ સમજફેર થતી હોય તો તે જાણવાનો અને જરૂર પડ્યે પોતાની માન્યતામાં પરિવર્તન આણવાનો પણ રહેતો. આખી ચર્ચા ઉગ્રતાથી થાય કે ઉગ્રતા વિના, પણ તેના કેન્દ્રસ્થાને રહેતા હતા મુદ્દા.

છેલ્લા ઘણા સમયથી દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં મુદ્દા આધારિત ચર્ચાની સંસ્કૃતિ જાણે આથમણે છે. કઠણાઇ એવી છે કે ચર્ચવા પડે એવા મુદ્દાની સંખ્યા સતત વધતી રહી છે અને તેની ચર્ચા થઇ શકે એવા વાતાવરણનો લોપ થઇ રહ્યો છે. દરેક ચર્ચાને અથવા વાંધાવિરોધને હવે છાવણીની રીતે જોવામાં આવે છે અને એ રીતે તેને ખતવી કાઢવામાં આવે છે અથવા તેના જવાબ આપવામાં આવે છે. તેમાં ફક્ત રાજકીય મુદ્દા જ નહીં, સામાજિક મુદ્દાનો પણ સમાવેશ થઇ જાય. કેમ કે, આ ચેપ ફક્ત રાજકીય પક્ષો કે રાજકીય માન્યતાઓ પૂરતો મર્યાદિત રહ્યો નથી. સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના વિશ્વમાં પણ લોકશાહીને રૂંધતા વાતાવરણની બોલબાલા છે.

લોકશાહીનો અર્થ ટોળાશાહી અથવા ઘોંઘાટશાહી એવો કદી ન હોઇ શકે. એટલે જ લોકશાહીના નામે કે અભિવ્યક્તિ સ્વાતંત્ર્યના નામે ઘોંઘાટ મચાવતા કે સ્થાપિત હિતોનું રક્ષણ કરતા અવાજોને એક હદથી વધારે નભાવી ન લેવાય. પરંતુ હકીકત એ પણ છે કે જો ચર્ચા મુદ્દા આધારિત હોય, તો ઘોંઘાટિયા અવાજો ચર્ચામાં લાંબો વખત ટકી શકે નહીં.

એટલા માટે જ લોકશાહીનો ઉપયોગ કરીને લોકશાહીને રૂંધવા ઇચ્છતા લોકો મુદ્દાઆધારિત ચર્ચા કરતાં કતરાય છે અને મુદ્દા સિવાયની બાબતો ભણી ચર્ચાને ધકેલવાના પ્રયાસ કરે છે. તેમને આડા પાટે જતાં અટકાવવામાં આવે ત્યારે તે લોકશાહીની, મતભેદની અને અભિવ્યક્તિના સ્વાતંત્ર્યની દુહાઇઓ આપે છે.

મુદ્દા-માલ વગરની ચર્ચા
જાહેર ચર્ચામાં ઉતરનાર મુખ્ય બે રીતે ચર્ચા આગળ વધારી શકેઃ
૧) અભિપ્રાયભેદ, ચર્ચા કે વાદવિવાદને અવકાશ હોય એવા મુદ્દા ઉભા કરવા અથવા ઉભા કરાયેલા મુદ્દે પોતાનો મુદ્દાસર એવો અભિપ્રાય આપવો. એટલું જ નહીં, પોતાનો અગાઉ વ્યક્ત કરેલો અભિપ્રાય બદલાયેલા સંજોગો અને સમજણમાં ન ટકે એવો લાગે, તો તેને સહૃદયતાથી પાછો ખેંચવો. કેમ કે, રાજકીય પક્ષો સિવાયના લોકો માટે જાહેર ચર્ચામાં કારકિર્દીઓ દાવ પર લાગેલી હોતી નથી અને બૌદ્ધિક કે મુદ્દાલક્ષી ચર્ચા એ કોઇ યુદ્ધ નથી કે તેમાં કોઇ એક વ્યક્તિ જીતે ને બીજી હારે. ચર્ચા મુદ્દા અંગેની હોય તો તેમાં થતી જીત વ્યક્તિની નહીં, પણ મુદ્દાની હોય છે. સઘન, તીવ્ર, કદીક ગરમાગરમ ચર્ચાના અંતે ક્યારેક એક પક્ષ દ્વારા રજૂ થતો મુદ્દો સાચો ઠરે, તો ક્યારેક બીજા પક્ષનો મુદ્દો. ઘણી વાર એવું પણ બને કે કોઇ એક જ પક્ષને બદલે બન્ને પક્ષની વાતોમાં થોડું થોડું તથ્ય હોય અને સત્ય બન્ને અંતિમોની વચ્ચે હોય. પરંતુ ‘સત્ય બે અંતિમોની વચ્ચે હોય છે’ એવું વ્યવહારવચન ટાંકીને છટકી જવાનું પૂરતું કે ઇચ્છનીય નથી. જાહેર હિતની ચર્ચાનો મૂળભૂત આશય કોઇ એક અંતિમે કે બે અંતિમોની વચ્ચે રહેલા સત્ય સુધી પહોંચવાનો હોય છે.

૨) છેલ્લા થોડા સમયથી ગુજરાતમાં ચર્ચાનો સૌથી લોકપ્રિય બનેલો પ્રકાર છેઃ કાન - અને મગજ- બંધ કરીને, ફક્ત મોં ચલાવવું. જે મુદ્દે ચર્ચા થઇ રહી છે તેની નહીં, પણ પોતાને જે વિશે કરવી છે- અથવા પોતાને જે આવડે છે- તે જ વાત કરવી. આ પદ્ધતિ અસલમાં રાજકારણની છે. ન્યૂઝચેનલો પર થતી ‘ચર્ચા’માં તેનાં ત્રાસદાયક ઉદાહરણો જોવા મળે છે, પરંતુ તેનો પગપેસારો હવે રાજકીય સિવાયનાં ક્ષેત્રોમાં પણ થઇ ચૂક્યો છે. એટલે કોઇ પણ ચર્ચા ઉપાડનારનો આશય ગમે તેવો શુભ કે સન્નિષ્ઠ હોય, તેની ગતિ, પ્રગતિ અને છેવટે અવગતિ/અધોગતિ જાણે નક્કી છે.

વાત શિક્ષણની હોય કે શાસનની, કાયદો-વ્યવસ્થાની હોય કે બિનસાંપ્રદાયિકતાની- યુદ્ધની માફક ચર્ચાના પણ કેટલાક નિયમો હોવા જોઇએ. પરંતુ આઘુનિક યુદ્ધોની માફક ચર્ચામાં પણ કોઇ જાતના નિયમો રહ્યા નથી. એટલે એક મોરચે હારતો પક્ષ તરત એ મોરચો છોડીને બીજો મોરચો ખોલી નાખે છે અને બીજા મોરચે હારે તો ત્રીજો મોરચો..એમ રણનીતિની રીતિથી ચર્ચા ચાલે છે. તેને ચર્ચા ભાગ્યે જ કહી શકાય, કારણ કે તે એક પ્રકારની સંતાકૂકડી બની જાય છે: એક જગ્યાએથી પકડાયા તો બીજી જગ્યાએ જઇને છૂપાઇ જવાનું અને ત્યાંથી પકડાયા તો ત્રીજી જગ્યાએ. પણ કોઇ વાતે બંધાવાનું નહીં અને રમતના કોઇ નિયમો સ્વીકારવાના નહીં.

ચર્ચાના આ પ્રકારમાં સૌથી પહેલું કામ મૂળ મુદ્દાને ગૂંચવવાનું કરવામાં આવે છે. મુદ્દો જેટલો સ્પષ્ટ રહે, તેટલી આ પ્રકારે ચર્ચા કરવી અઘરી બને. એટલે સૌપ્રથમ, મુદ્દા સાથે જરાય સંબંધ ન ધરાવતી હોય એવી બાબતોનો ખડકલો કરવામાં આવે છે, જેથી મુદ્દો શોઘ્યો ન જડે.

પહેલા પગથીયે સફળતા મળ્યા પછી, પોતાને જે આવડે છે તેવી દલીલો રજૂ કરવામાં આવે છે, જેથી ચર્ચાનું કેન્દ્ર બદલાઇ જાય અને ભળતી જ બાબતો ભણી લોકોનું ઘ્યાન ખેંચાઇ જાય. ચર્ચામાં સંકળાયેલા ઘણાખરા લોકો મુદ્દાને વળગી રહેવા જેટલા સાવચેત હોતા નથી અથવા તે આ જ પરંપરાનાં સંતાનો હોય છે. એટલે તેમને પણ મુદ્દાથી દૂર ફંટાવામાં કશો વાંધો આવતો નથી. એમ કરતાં થોડા સમય પછી ચર્ચા કયા મુદ્દે શરૂ થઇ હતી, એ ભૂલાઇ જાય છે.

મતભેદ, મનભેદ અને એવું બઘું
મુદ્દા આધારિત ચર્ચાનો મહિમા ભલે ઓસરી ગયો, પણ તેનું સ્થાન દંભે લીઘું છે. એટલે જાહેર ચર્ચામાં વારંવાર સાંભળવા મળતો સંવાદ છે ઃ ‘મતભેદ છે, પણ મનભેદ નથી’. આ સ્થિતિ આદર્શ છે. ફક્ત આદર્શ નહીં, વ્યવહારમાં સિદ્ધ થઇ શકે એવો આદર્શ છે. પરંતુ તેની પૂર્વશરત એ છે કે મતભેદ ધરાવતા પક્ષો વચ્ચે ફક્ત ચોક્કસ મુદ્દા કે પ્રશ્નો અંગે મતભેદ હોય. એ સિવાય પરસ્પરની શક્તિ, સમજણ કે ક્ષમતા અંગે આદર હોય. એને બદલે થયું છે એવું કે જેની સાથે મતભેદ વ્યક્ત કરવાનો પ્રસંગ આવે, તેના પ્રત્યે આદર ન હોય તો પણ આદર વ્યક્ત કરવાનો અને ‘અમારી વચ્ચે કોઇ જાતનો મનભેદ નથી’ એવું દર્શાવવાનો શિરસ્તો પડી ગયો છે.
મનેભેદનો અર્થ છે અંગત દ્વેષ કે સામા પક્ષનું અહિત કરવાની લાગણી. સ્વસ્થ ચર્ચામાં વિચારવિરોધી પાસે ચોક્કસ મુદ્દે કબૂલાત કરાવવા સિવાય, તેનું બીજું કોઇ અહિત કરવાની લાગણી કે ખંજવાળ ન હોવી જોઇએ. ચર્ચા મુદ્દા ઉપર જ થતી હોય, તો તેમાં એવી લાગણી ઓછી માત્રામાં પેદા થાય છે અને તેને અંકુશમાં રાખી શકાય એમ હોય છે. પરંતુ ચર્ચા આડા પાટે ચડી જાય ત્યારે મુદ્દા ભેગી સ્વસ્થતા પણ તણાઇ જાય છે. તેમાં સૌથી પહેલો ભોગ મતભેદ અને મનભેદ વચ્ચેના ભેદનો લેવાય છે.

મતભેદ ફક્ત સહન કરવાની જ નહીં, આવકારવાની બાબત છે. પરંતુ ફક્ત એટલું પૂરતું નથી. મતભેદ આવકારીને બેસી રહેવામાં સઘળી ઉદારતા કે સઘળી લોકશાહી સમાઇ જતાં નથી. પોતાનાથી વિરોધી મત ધરાવતી વ્યક્તિ સાથે, પોતાનો મત, તેનો આધાર અને તેેને લગતાં તથ્યોની મુદ્દાસર ગરીમાપૂર્વક વાતચીત કરવી એ વધારે અગત્યનું છે. એવું કર્યા વિના, ‘તમે તમારી મનમરજી પ્રમાણે માનો ને હું મારી મનમરજી પ્રમાણે માનતો રહીશ’ એવું વલણ સહિષ્ણુતા કે લોકશાહીનું નહીં, પણ તેના અભાવનું સૂચક છે.

જાહેર ચર્ચામાં મનભેદ દેખાઇ ન જાય તેની ચિંતા સેવવાને બદલે, મતભેદ અસરકારક રીતે- મુદ્દાસર ચર્ચી શકાય તે પ્રાથમિકતા બનશે, ત્યારે ચર્ચા થકી નવનીત નીપજાવે એવું મંથન શક્ય બનશે.

2 comments:

 1. Jabir A. Mansuri4:40:00 PM

  All catalyst group belongs to Gujarati Society (irrespective of religion / party profile), representing Public Chairs and appointed Chairs in Machinery, Society, All-Religion, Mentor groups, require re-introspection to which might lead to a healthy Gujarati Society 2010 onwards.

  Surprisingly, in presence of above factors, one factor (Unsuccessful Hindutva Lab projected by Nagpur) took lead, now it seems is marginalized even in Gujarat political arena.

  A national consensus about developmental character has to be on surface.

  ReplyDelete
 2. Well said,People in category 2 of your article is unfortunately increasing and what is even more painful is, some intellectual and so called intellectuals of gujarat are in this category.

  ReplyDelete