Saturday, October 24, 2009

અંધશ્રદ્ધાના અન્નકુટ

ધર્મસ્થાનોમાં થતા સંપત્તિના દેખાડા બહુ વરવા લાગે છે. દિવાળી પછી બેસતા વર્ષે મંદિરોમાં થતા અન્નકુટ એવો જ એક કાર્યક્રમ છે. ભૂખમરાથી પીડાતા દેશમાં ‘ભગવાન’ સમક્ષ છપ્પન, ચોંસઠ કે વધારે પકવાનોના ભોગ ધરવામાં આવે એ દૃશ્ય આંખની કીકી તો સ્વીકારી લે છે, પણ મન તેને ખચકાટ વિના સ્વીકારી શકતું નથી, મંદિરો ધર્માદા પ્રવૃત્તિઓ ચલાવતાં હોય તો પણ એટલા કારણથી તેમને સંપત્તિનો દેખાડો કે બગાડ કરવાનું લાયસન્સ મળી જતું નથી. કેમ કે, એમાં મોટે ભાગે ‘એરણની ચોરી ને સોયનું દાન’ જેવો હિસાબ હોય છે. જેમ માણસ ધનિક તેમ તે મોટો ભક્ત ગણાય. જેમ ભક્ત મોટો, તેમ મંદિર મોટું ને એ ભગવાન પણ મોટા- વી.આઇ.પી. આ પોસ્ટ સાથે સંબંધ નથી એવી એક આડવાત તરીકે, મંદિરોના રાષ્ટ્રિયકરણનો વિચાર પણ આવી જાય છે. ધર્મસ્થાનોની સંપત્તિ અને તેમનાં સંસાધનો જરૂરતમંદો માટે વપરાય તો એકેય એજન્સીની કે ફોરેન ફંડની જરૂર ન પડે.

પણ વાત દિવાળી પછીના અન્નકુટની હતી. મહેમદાવાદમાં મારા ઘરથી સાવ નજીક, ‘બેંક રોડ’ તરીકે ઓળખાતા મુખ્ય રસ્તા પર શોપિંગ કોમ્પ્લેક્સની બહાર એક દીવાલ છે. બિપીનભાઇ (શ્રોફ)ની ખાતરની દુકાન હતી, તેની બરાબર સામે. એ દીવાલ પર એક ‘મંદિર’ થોડાં વર્ષ પહેલાં ઉભું કરી દેવામાં આવ્યું છે. આડા દિવસે ત્યાં થોડી ચુંદડીઓ, ગોખલા અને માતાજીની ટાઇલ્સ-પોસ્ટર તસવીરો સિવાય ભાગ્યે જ કંઇ જોવા મળે. પણ આ બેસતા વર્ષે જોયું તો રસ્તા પરની એ દીવાલ પર એક આડું પાટિયું લગાડીને તેની પર છપ્પન ભોગના પડિયા ખડકી દેવાયા હતા. પાટિયાના એક છેડે ડીવીડી પ્લેયર પર કોઇ ધાર્મિક સીડી વાગતી હતી, જેનો ઘોંઘાટ બે નાનાં સ્પીકર દ્વારા રસ્તા પર રેલાતો હતો અને જતાઆવતા લોકોને શ્રવણલાભ આપતો હતો. માતાજી, સાઇબાબા અને બીજા ભગવાનોની વચ્ચે બે ગોખલામાં મુખ્ય મુર્તિઓ હતી. તેમના માટે છપ્પન ભોગ ઓછો પડશે એમ લાગવાથી, તેમની સામે થમ્સ અપ, લિમ્કા અને ફેન્ટાની સૌથી નાની સાઇઝની બાટલીઓ મૂકવામાં આવી હતી.

દારૂના ધંધામાં મહેમદાવાદની ‘પ્રતિષ્ઠા’ જોતાં આ પીણાં ખરેખર સોફ્ટ ડ્રિન્ક હશે એવું માનવામાં પણ બે ઘડી શંકા ઉદભવી શકે. આ બધો તાયફો સાચવવા અને એ નિમિત્તે કલેક્શન કરવા માટે બે ભાઇઓ સામસામા છેડે ખુરશી પર છટાથી બેઠા હતા. તેમાંથી એક ભાઇ ડાંગ પકડીને ખુરશી પર એવી છટાથી બેઠા હતા, જાણે કોઇકની પચાવી પાડેલી જમીન પર કબજો જમાવીને આરામ ફરમાવતા હોય. રસ્તા પરથી પસાર થતી વખતે સૌથી પહેલી નજર ગોખલામાં ‘ધરાવેલી’ ત્રણ બોટલ પર પડી. પછી આખો ખેલ ધ્યાનથી જોયો.
હવે નવાઇની ન કહેવાય એવી સૌથી અગત્યની વાત એ હતી કે આ દીવાલ-મંદિર અને તેના ઇન્સ્ટન્ટ અન્નકુટ સામે પણ અનેક જતાંઆવતાં લોકો માથાં ટેકવતાં હતાં ને નાનાં બાળકોને ઉંચાં કરીને પગે લગાડતાં હતાં. તેમાંથી ઘણા લોકો ગામડાના હતા એવું આ ચોક્કસ મંદિર પૂરતું કદાચ સાચું પણ હોય, છતાં એકંદરે આ બાબતમાં ભણેલા અને અભણ વચ્ચે ખાસ તફાવત હોતો નથી. ઉલટું, ભણેલા અને પહોંચેલા માણસોમાં અસલામતીનું અને તેના કારણે જ્યાં ને ત્યાં માથું ટેકવવાનું પ્રમાણ વધારે જોવા મળે છે.

બેસતું વર્ષ પૂરું થતાં જ ઘટોત્કચના માયાબજારની જેમ બધી ઝાકઝમાળ અદૃશ્ય થઇ, પણ ટાઇલ્સ-પોસ્ટરવાળું મંદીર અને અંધશ્રદ્ધાના છપ્પન ભોગ એટલી સહેલાઇથી અદૃશ્ય થવાના નથી.

7 comments:

  1. AA MARO POTANO SHER NATHI. PAN ME KYAK VANCHELO CHE.

    નીકળીને પુષ્પથી હવે અત્તર થવું નથી,
    માણસ થવાય દોસ્ત તો ઇશ્વર થવું નથી.

    ReplyDelete
  2. AA SHER MARO MAN GAMTO CHE. ANE TE KADACH SHREE AMRUT GHAYAL NO CHE. JE AHIYA MUKU CHU.

    ચડી આવે કદી ભૂખ્યો કોઈ હાંકી કહાડે છે   

    નથી કાંઈ પેટ જેવું અન્નકૂટ એને જમાડે છે

    કરાવે છે મકાનો ખાલી મંદિર બાંધવા માટે

    અહીં માનવને મારી લોક ઈશ્વરને જિવાડે છે

    ReplyDelete
  3. MARO 1 MITRA MANE KAHETO KE TENA BAPA GHAR MA KOI DIVASH 1KG FRUIT NA LAVE ...KAHE KE BAHU MONGHU FRUIT CHE. PAN JO AMARI SERI MA KOI NA GHARE SATYANARAYAN NI KATHA HOI TO ......MORLE GADE TYAN JAI NE KAHE KE JO JO HO ....ANNAKUT NO PRASAD TO MARA TARA THIJ RAKHJO....TYARE AME LOKO KHUB HASTA...KE JE VYAKTI POTANA GHAR MA 1FRUT NATHI LAVTO TE DHARM NA NAME 5-10KILO FRUT NU DAN KARI RAHIYO...6....

    ReplyDelete
  4. ANE HA AA MARO CHELLO POST....HADKAI MANU MANDIR JOIYU CHE??????? VADODARA MA CHE....M.S.UNIVERSITY NI PACHAL NA BHAGE ....SHAMA ROAD TARAF JATA.....

    MARE PAN EK MANDIR BANAVVU CHE ....MANAV MANDIR.....NAHI KOI MURTI ... NAHI KOI UPDESH....NAHI KOI DAN...NAHI KOI DHARMADO.......

    HE BHAI URVISH, AAJ NA APNA BHAGVAN NE APNA KARTA PAN VADHARE PAISA NI JAROOR CHE EVU NATHI LAGTU????? KARAN TENA KAHEVATA ANUYAYIO (SADHU-SANTO-PADARIO-BAVA-MAHANTO)DAREK NE DAN MALE TO J KOI SUBH KARYA THAI CHE. DAN(DHAN-MONEY) VAGAR BADHU ASAKYA CHE.

    * FUL KAJALI NU VRAT SHA MATE UJAVAY CHE?

    ReplyDelete
  5. વળી પાછા મીડિયામાં આ 'પ્રસંગ'ને મોટા પાયે કવરેજ મળતું હોય છે. કોઈ દિવસ આ બધું ખાઈને ભગવાન બીમાર નહિ પડતા હોય! વર્ષો પહેલા અખો લખી ગયા એ હવે બરાબર સાચું પડે છે..
    એક (હવે અનેક) મુરખને એવી ટેવ.....
    પત્થર એટલા પૂજે દેવ!...

    ReplyDelete
  6. ધરતીને બિસ્તર અને આકાશને ચાદર બનાવીને પોતાની માસૂમ આંખોમાં એક પ્યાલી દૂધના સપના જોતા જોતા ગંદી ગટરોની બાજુમાં ફૂટપાથો ઉપર ઢબૂરાઈ જતા મારા દેશના લાખો ભૂલકાઓને જોવા છતાં પણ દિવાળીમાં પોતાના ગળાની નીચે મીઠાઈના ટુકડા ઉતારી સકતા પેટુઓને, પલ્લીઓમાં હજારો મણ ઘી ધૂળમાં રગદોળી નાખતા (અ)શ્રદ્ધાળુઓને , કામધંધા છોડીને ધજાઓ લઈને દિવસો સુધી શ્રદ્ધાના નામે પગપાળા ચાલ્યા જતા પલાયનવાદી ભાવિકોને, દિવસો સુધી કથાઓ કે શિબિરોમાં ભીરૂ શ્રદ્ધાળુઓને ઉપદેશો આપતા આપતા દેશના હજારો માનવ કલાકો વેડફી નાખતા દંભી ધર્મગુરુઓને , નદી કે તળાવોમાં મૂર્તિઓનું વિસર્જન કરી પાણીના મહામૂલા કુદરતી સ્ત્રોતો બગાડતાં મૂર્ખાઓને પણ દેશદ્રોહીઓની જમાતના ના ગણવા જોઈએ ? ?

    ReplyDelete
  7. ઉત્પલ ભટ્ટ1:18:00 AM

    લોભી પૂજારીઓના હાથે સામાન્ય ભક્ત તરીકે હડધૂત થવા માટે મંદિર જવાની કે મંદિરમાં રૂપિયા-પૈસા ચઢાવવાની જરુર છે? એના બદલે જરૂરતમંદોને વર્ષનું અનાજ ભરી આપીએ કે એમના સંતાનોની વાર્ષિક ફી ભરી આપીએ. નવા વર્ષે આ વિષે ગંભીરતાથી વિચારીએ.

    ReplyDelete