Friday, May 29, 2009

જયંત ગાડીતની વિદાય

(૨૬ નવેમ્બર, ૧૯૩૮, મુંબઇ - ૨૯ મે, ૨૦૦૯, વડોદરા)

નવલકથાકાર, વિવેચક અને છેલ્લા થોડા સમયથી ગાંધીજીના જીવન વિશેની મહાનવલ લખી રહેલા જયંતભાઇનું આજે વહેલી સવારે લ્યુકેમિયા (બ્લડકેન્સર)ની બીમારીથી અવસાન થયું છે. ૪૦ વર્ષ પહેલાં, ૧૯૬૯માં પ્રગટ થયેલી પહેલી નવલકથા ‘આવૃત્ત’ પછી ‘ચાસપક્ષી અને કર્ણ’, ‘એક અસ્વપ્ન સુખી જીવન’, ‘બદલાતી ક્ષિતિજ’, ‘શીખંડી’ તેમની બીજી જાણીતી નવલકથાઓ છે. એમ.એ., પીએચ.ડી. થયેલા જયંતભાઇ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા હતા.

સંખ્યાત્મક રીતે ઓછું, પણ ગુણવત્તાની રીતે નોંધપાત્ર પ્રદાન કરનાર જયંતભાઇ વડોદરામાં રહીને ગાંધીજીના જીવન વિશે ચાર ભાગમાં, ૧૧૦૦-૧૨૦૦ પાનાંની નવલકથા લખી રહ્યા હતા. તેનું મોટા ભાગનું લેખનકાર્ય પૂરૂં થઇ ચૂક્યું હતું. તેમની બીમારીની જાણકારી અને હવે તેમની પાસે સમય નથી, એનો પૂરો ખ્યાલ હોવાને કારણે ઇમેજ પ્રકાશનના મહેશ દવે સહિત અન્ય મિત્રો-સ્નેહીઓએ નવલકથા છપાવવા અંગે હિલચાલ કરી હતી. ઊંઝા જોડણીના પ્રખર સમર્થક જયંતભાઇ સાર્થ જોડણીકોશના પ્રેરક ગાંધીજીના જીવન વિશેની નવલકથા ઊંઝા જોડણીમાં પ્રસિદ્ધ કરવા ઇચ્છતા હતા, એ અંગે થોડો ચણભણાટ પણ હતો. આટલી દળદાર નવલકથા કોણ પ્રકાશિત કરે એવો વ્યવસાય સહજ અવરોધ પણ ખરો.

છતાં, નવલકથાનું લેખન પૂરૂં થાય એ પહેલાં જ જયંતભાઇ ઉપડી ગયા. ગાંધી વિશે મહાનવલ લખવાની તેમની ઇચ્છા, મંજુલાબહેન ગાડીતની મદદથી અને કોઇ પણ જોડણીમાં, ફળે એ જ જયંતભાઇને નક્કર અંજલિ ગણાશે.

(વિગતો-તસવીરઃ દિવ્યેશ વ્યાસ, બિનીત મોદી)

2 comments:

  1. Salil Dalal -Toronto6:47:00 PM

    ગાડીત સાહેબની ચીર વિદાય વિષે જાણી દુઃખ થયું.
    વિદ્યાનગરમાં લાંબો સમય રહેવાને કારણે ગાડીત સાહેબને રૂબરૂ મળવાનો પણ લ્હાવો મળ્યો છે. એ ગુજરાતી ભાષાના વિદ્વાન અને અભ્યાસુ પ્રાધ્યાપક ઉપરાંત એક ઋજુ વ્યક્તિત્વ તરીકે સદા યાદ રહેશે.
    ઈન્ટરનેટ ઉપર છાપાં અહી નિયમિત જોતો હોઉં છું. તેથી ગાડીત સાહેબના આ દુખદ સમાચારની યથાયોગ્ય નોંધ, આ બ્લોગ સિવાય કેટલાં ગુજરાતી સામયિકો કે અખબારોએ લીધી હશે તેનો આછો અંદાજ હોવા છતાં તે જાણવાનું કુતુહલ રહે એવી ચિંતાજનક સ્થિતિ સાહિત્યિક સમાચારો સંદર્ભે લાગે છે.

    ReplyDelete
  2. Anonymous4:25:00 PM

    I am exremly shocked to hear about the passing away of jayantbhai. He was staying in Dariakhan Ghummat Colony in my adjescent block.He was ardent lover of the poems of my brother late Manilal Desai.He was very silent and never boasted of his knowledge.I hardly met him therafter but once we met at the residence of the minister Thakorbhai Naik in gandhinagar.

    ReplyDelete