Monday, May 04, 2009

સ્વરૂપઃ ડોક્ટરનું અને સમાજનું

ત્રણ-ચાર દાયકાની લાંબી પ્રેક્ટિસ પછી 30-4-09ના રોજ ‘સ્વરૂપ સેક્સ ક્યોર’ થી જાણીતા ડૉ.આર.સ્વરૂપનું અવસાન થયું.
તેનું અહીં શું છે? એવો સવાલ થઇ શકે.
આ બ્લોગમાં અને મારાં તમામ લખાણોમાં કેટલાક વિષયોથી બાર ગાઉ છેટો રહીને હું સદંતર ‘વિક્ટોરિયન’ ધોરણ જાળવું છું, એ જાણતા લોકોને કદાચ આઘાત પણ લાગે.
એમને એટલું જ જણાવવાનું કે આ પોસ્ટ તેમાં અપવાદ નથી. વાત સ્વરૂપ સેક્સ ક્યોરની અને ઇરાદો ડૉ.સ્વરૂપની ‘અંજલિ’ લખવાનો છે. છતાં તેમાં ક્યાંય ગલગલિયાંવાળી ભાષા કે છીછરા શબ્દો – ‘એ’ સર્ટિફિકેટને લાયક લખાણ- નહીં આવે.

***
સંભવ છે કે ઘણા લોકોએ સ્વરૂપનું કે તેમના ક્લિનિકનું નામ ન સાંભળ્યું હોય. પણ અમદાવાદમાં - ખરેખર તો સિત્તેર-એંસી-નેવુના દાયકાના ગુજરાતમાં- થોડો સમય પણ રહ્યા હોય અને જેમને ગુજરાતી છાપાં વાંચવાની કુટેવ હોય એવા તમામ લોકો સ્વરૂપથી પરિચિત હશે.

ગુજરાતી વાચકોની બે-ત્રણ પેઢી રવિવારના અખબારોમાં પહેલા પાને સ્વરૂપની જાહેરખબરો જોઇને મોટી થઇ એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અખબારોમાં તગડા ભાવે છપાતી જાહેરખબરોએ સ્વરૂપ માટે વિશ્વસનીયતા ઊભી કરી આપવાનું મોટું કામ કર્યું. જાતીય જીવનને લગતી સાચી કે ધારી લીધેલી સમસ્યાઓથી માંડીને ‘બગડી ગયેલા’ છોકરાઓની મજાક સુધી તમામ સ્તરે સ્વરૂપનું નામ એક પ્રતીક બની ગયું- છાપાંમાં છપાતી જાહેરખબરોના પ્રતાપે. ભણેલાગણેલા ડોક્ટર પ્રકાશ કોઠારી સાથે ગુજરાતી વાચકોનો પરિચય થયો, ત્યાર પહેલાં રૂઢિચુસ્ત અમદાવાદના ગુજરાતીઓ સ્વરૂપની જાહેરખબરોથી ટેવાઇ ગયા હતા.

અમદાવાદની ઓળખ જ્યારે નેહરુ બ્રિજ હતો, ત્યારે નેહરુ બ્રિજની ઓળખ હતી સ્વરૂપનું ક્લિનિક. પૂલ ઉતરતાં સામે મોટું બોર્ડ જોવા મળે. રાત્રે લાલ-ભૂરા રંગની નીઓન સાઇન પણ ખરી. માત્ર અમદાવાદની જ નહીં, આસપાસનાં ગામોમાંથી અમદાવાદ આવતી પ્રજા વાતવાતમાં કંઇક સંકેત કરવો હોય તો કહે,’ભઇ, નેહરુબ્રિજને છેડે જઇ આવજે.’ એવું પણ યાદ છે કે કોઇ કામસર ‘નોબેલ્સ’ની આસપાસ જવાનું હોય, તો તેનો ઉલ્લેખ જરા સંભાળીને કરવો પડે.

સ્વરૂપની જાહેરખબરોમાં ચાર-પાંચ ભેદી પ્રકારનાં પુસ્તકોની યાદી પણ આવતી હતી. મોંઘા ભાવનાં એ ગુજરાતી પુસ્તકો સ્વરૂપને ત્યાંથી કાળી કોથળીમાં પેક કરીને આપવામાં આવતાં હતાં. પ્રજાનું જાતીય બાબતો વિશેનું અજ્ઞાન સ્વરૂપ માટે બહુ જાળવવા જેવી બાબત હતી. લોકોના અજ્ઞાનને આધારે જ આટલાં વર્ષો સુધી સ્વરૂપનું સામ્રાજ્ય ચાલ્યું. અમદાવાદના શેઠિયા પાસે ગાડી કહેતાં એમ્બેસેડર હોય, ત્યારે સ્વરૂપ કાળી મર્સિડીઝ ફેરવતા હતા. ફક્ત જાદુગરો અને ફિલ્મી અભિનેતાઓ જ વિગ પહેરતા અને એ પણ કાળા વાળની વિગ, ત્યારે એક ડોક્ટર તરીકે સ્વરૂપ સફેદ વાળની વિગ પહેરતા હતા.

રૂપિયાથી કાયદો-વ્યવસ્થા-મોટા ભાગના માણસો-ચોથી જાગીરો બધું જ ખરીદી શકાય છે, એ સ્વરૂપના ખાનગી જાહેર જીવનનું હાર્દ હતું. એ પોતાના ક્લિનિકથી ગાડીમાં ઘર તરફ (પાલડી તરફ) જવા નીકળે ત્યારે છેક નટરાજ સિનેમા આગળથી લાંબો યુ ટર્ન લઇને પાછા નેહરુબ્રિજ ચાર રસ્તે આવીને પાલડી તરફ જવું પડે, એવો ટ્રાફિક સિગ્નલનો તકાદો. પણ સાંભળ્યા પ્રમાણે સ્વરૂપે ટ્રાફિક પોલીસને રાજી કરીને એવી ગોઠવણ કરી લીધી હતી કે તેમની ગાડી ‘નોબેલ્સ’ બિલ્ડિંગમાંથી બહાર નીકળે ત્યારે બધો ટ્રાફિક થંભી જાય ને તેમની ગાડીને રોંગ સાઇડથી રસ્તો ક્રોસ કરીને સામેની તરફ રાઇટ લેનમાં જવા દેવામાં આવે. ‘હાથ પોલા તો જગ ગોલા’ એવી એક જૂની કહેવત સ્વરૂપે સાચી પાડી બતાવી. (‘ગોલા’ શબ્દ કામ કરનાર વ્યક્તિ માટે જ્ઞાતિસૂચક અને અપમાનજનક લાગે એવો છે, પણ અહીં એને વ્યાપક અર્થમાં લેવો.)
‘ગવર્ન્મેન્ટ રજિસ્ટર્ડ સાયન્ટિફિક સેક્સ ક્લિનિક’ ચલાવતા સ્વરૂપે દાયકાઓ સુધી બેરોકટોક પોતાની દુકાન ચલાવી. સરકારો આવી ને ગઇ. પણ સ્વરૂપની વિગનો વાળ પણ કોઇ વાંકો કરી શક્યું નહીં. આમજનતા અને વ્યાપક સમાજમાં પ્રસારની રીતે વિચારીએ તો સ્વરૂપના દવાખાનાનું ‘વ્યક્તિત્વ’ આઇકોનીક કહેવાય એવું રહ્યું. શહેરની વચ્ચોવચ, શહેરના નાક જેવી જગ્યાએ એક ઊંટવૈદ્યને આખા અમદાવાદે બેરોકટોક ચલાવી લીધો અને તેને ચલાવી લેનારાઓને – તેનો પ્રસાર કરનારાઓને પણ ચલાવી લીધા. એ રીતે સ્વરૂપ તેલગી અને હર્ષદ મહેતા જેવા ‘રાષ્ટ્રિય’ ચરિત્રોના પૂર્વસૂરિ હતા. મોટા ભાગનાં રાજકારણીઓ-અધિકારીઓ-પ્રસાર માધ્યમો અને પોલીસને રૂપિયાથી ખરીદી શકાય છે ને પ્રજાને રૂપિયાથી આંજી શકાય છે, એ સ્વરૂપના જીવનનો સાર, સ્વરૂપ કરતાં પણ વધારે સ્વરૂપને જગ્યા કરી આપનારા લોકો વિશે વધારે પ્રકાશ પાડે છે.

***
1995માં મુંબઇ ‘અભિયાન’માં જોડાયા પછી બીજા વર્ષે હું અમદાવાદ ઓફિસમાં આવ્યો. અશ્વિનીભાઇ (ભટ્ટ)ના બંગલામાં (65માં) ઓફિસ. સાથે પ્રશાંત દયાળ અને વડોદરાથી અનિલ દેવપુરકરની અવરજવર. ‘અભિયાન’ની ઉતરતી કળા હતી. છતાં ચમક અને પ્રભાવ ઓસરવાં બાકી હતાં.

સ્ટોરી માટેના વિષયોની શોધમાં એક વખત એવું નક્કી થયું કે ભળતાંસળતાં સેક્સ ક્લિનિકની જાહેરખબરો બહાર લગાડેલી હોય છે. તેમની અસલિયત અને મોડસ ઓપરન્ડી વિશે સ્ટોરી કરવી. પ્રશાંત અને હું સ્ટોરી કરવાના હતા. એ વખતે અમારા મનમાં એવી ધારણા હતી કે આ નકલી ડોક્ટરોને મળ્યા પછી છેલ્લે ‘ગવર્ન્મેન્ટ રજિસ્ટર્ડ’ સ્વરૂપને મળીને બીજા ડોક્ટરોની અસલિયત જાણીશું. પણ એકાદ વાર સ્વરૂપ સાથે ફોન પર થયેલી વાતમાં જણાયું કે તે અમને ટાળવા માગે છે. ‘સવાલો જે પૂછવા હોય તે લખીને મોકલી આપો. હું લખીને જવાબ આપીશ.’ એવું પણ કહ્યું. ત્યાર પછી અમને શંકા ગઇ કે સૌથી મોટો નકલી ડોક્ટર તો આ સ્વરૂપ જ લાગે છે. ઉંડા ઉતરતાં વધારે વાતો સાંભળવા મળી. એટલે નક્કી થયું કે હું અને પ્રશાંત સ્વરૂપના દવાખાને જઇએ અને હું ‘દર્દી’ બનીને સ્વરૂપની પદ્ધતિ જાણું.

એ ‘ઓપરેશન’ વખતનું બનાવટી નામ ધરાવતું કાર્ડ અહીં મુક્યું છે. વધારે વિગતો અભિયાનની સ્ટોરીમાં છે. તે પણ અહીં મુકી છે.

સ્વરૂપને મળ્યા પછી ચિનુભાઇ ટાવર્સમાં પ્રેક્ટિસ કરતા તેમની પહેલી પત્નીના પુત્ર કમલ સ્વરૂપને બાકાયદા મળ્યો, સલુકાઇથી તેમનો ઇન્ટરવ્યુ કર્યો - તેમની તરફેણની જ સ્ટોરી છપાશે એવો સંકેત આપીને.
સ્ટોરી લખાઇ. ‘અભિયાન’માં પહોંચી. દરમિયાન સ્વરૂપ અને કમલ સ્વરૂપ તરફથી પોતપોતાની રીતે ચક્કર ચાલુ થઇ ગયું હતું. કમલ સ્વરૂપે એક પરિચિત દ્વારા અભિયાનના આગામી અંકોમાં પોતાના ક્લિનિકની જાહેરખબરો આપવાનું કહેવડાવ્યું.

સ્વરૂપે તો આ સ્ટોરી જે અંકમાં જવાની હતી એ અંક માટે પોતાની એક પાનાની રંગીન જાહેરખબર મોકલી આપી. પણ ‘અભિયાન’ એ વખતે ખરેખર ‘અભિયાન’ હતું. મોટે ભાગે તેને મેનેજિંગ ડિરેક્ટર કેતન સંઘવીનું ધ્યાન પડ્યું. એટલે તેમણે મોંઘા ભાવની અને માંડ આવતી સ્વરૂપની જાહેરખબર ન છાપવાનો નિર્ણય લીધો. જે અંકમાં સ્વરૂપ વિશેની સ્ટોરી જતી હોય તેમાં આ જાહેરખબર ન છપાય એવો હવે ‘જૂનવાણી’ લાગે એવો વિચાર કરવા બદલ કેતનભાઇને અભિનંદન આપવાં પડે.

અંક છપાયા પછી વાચકોના પત્રોથી બે પાનાં ભરાઇ ગયાં. છતાં જગ્યા ઓછી પડી. એ વખતે આરોગ્ય મંત્રી ભૂલતો ન હોઉં તો, અશોક ભટ્ટ હતા. બજારમાં અંકની ચર્ચા ઘણી થઇ. પણ તેની પર નક્કર કામ ભાગ્યે જ થયું. પ્રશાંતના કહેવા પ્રમાણે, સ્ટોરીને કારણે બહુ લોકોએ સ્વરૂપ પાસેથી તગડી રકમો ખંખેરી લીધી અને બધું યથાવત્ રહ્યું.
બે-ચાર વર્ષ પછી કોઇ કારણસર (રૂપિયા ઓછા પડ્યા હશે એટલે?) સ્વરૂપ સામે નવેસરથી કાર્યવાહી શરૂ કરવામાં આવી. એ વખતે દાયકાઓ સુધી સ્વરૂપની જાહેરખબરો પહેલા પાને છાપનારાં અખબારોમાં પહેલા પાને સ્વરૂપની ધરપકડની તસવીર છપાઇ. સ્વરૂપની કેટલીક મિલકત પર ટાંચ આવી. જાહેરખબરોના બાકી બિલ માટે સ્વરૂપની કેટલીક ચીજો લઇ લેવામાં આવી. એ અરસામાં પ્રશાંત અને હું સંદેશમાં (જૂની લાલ દરવાજાની ઓફિસે) હતા. ત્યાં એક વાર લોબીમાં સ્વરૂપ મળી ગયા. તેમણે હાથનું ઘડિયાળ ઉતારીને આપવાની ચેષ્ટા કરતાં પ્રશાંતને કહ્યું,’હવે તો આ જ છે. એ લઇ લો ને જવા દો.’

ફરી સ્વરૂપ બેઠા થયા. નવા શરૂ થયેલા અખબારને સ્વરૂપની જાહેરખબરોનો લાભ આ નવી ઇનિંગ વખતે મળ્યો. એ વખતે સ્વરૂપે કાયદાનું શબ્દાર્થમાં પાલન કરવા માટે દવાખાનામાં એક એમ.ડી. રાખ્યા હતા. છેવટ સુધી તેમની પ્રેક્ટિસ ચાલુ રહી.

સ્વરૂપની કથામાં સ્વરૂપ વિલન જ હોય, પણ જમાનો બદલાઇ ગયો છે. હવે કોઇને ‘સ્વરૂપિઝમ’ શીર્ષક હેઠળ પુસ્તક લખવું હોય, સ્વરૂપે માર્કેટિંગની કઇ પદ્ધતિઓ અજમાવી તેની પર ડીઝર્ટેશન કરવું હોય કે ચાર દાયકા સુધી એક બ્રાન્ડને કેવી રીતે સસ્ટેઇન કરવી એ વિશે આઇઆઇએમમાં સ્વરૂપનો સબ્જેક્ટ દાખલ કરવો હોય, તો પણ કહેવાય નહીં. આપણો મતલબ ફક્ત સફળતાથી છે. નૈતિકતા જેવી આઉટડેટેડ વાતો માટે કોની પાસે ટાઇમ છે? એ હોત સ્વરૂપકાંડમાં સ્વરૂપ સિવાયના ગુનેગારોની યાદી પણ બહુ લાંબી હોત.

3 comments:

 1. રમેશ અમીન6:22:00 PM

  સ્વરૂપ પાસે મર્સીડીસ ન હતી. કોન્ટેસા હતી. મર્સીડીસ અને કોન્ટેસામાં બહુ લોકો દીપડા ને ચિત્તાની માફક ભૂલ કરે છે.

  ReplyDelete
 2. માઈન્ડ બ્લોઇંગ વાત કરી તમે ઉર્વિશભાઈ. અહી સુધી વાચ્યા પછી મારા માથાના વાળ ઉભા થઈ ગયા. સ્વરૂપ નામના આખલાને છુટ્ટો ચરવા દેવા બદલ મને ગુજરાત સરકારના મંત્રીઓને બે-બે વળગાડી દેવાનું મન થયું. કમજાત મંત્રીઓ! ઇશ્વર એને કદી માફ ન કરે, સ્વરૂપને કરે તો ભલે કરે.
  તમારી બહાદુરીને મારી સો સો સલામ હજો.

  ReplyDelete
 3. ડૉ. સ્વરુપ- તેલગી અને હર્ષદ મહેતા જેવા ‘રાષ્ટ્રીય’ ચરીત્રોના પુર્વસુરી હતા. અપવાદ સીવાયના મોટા ભાગનાં કમજાત રાજકારણીઓ-અધીકારીઓ-પ્રસાર માધ્યમો અને પોલીસને રુપીયાથી ખરીદી શકાય છે ને પ્રજાને રુપીયાથી આંજી શકાય છે, એ સ્વરુપના જીવનનો સાર ઉપર પ્રકાશ પાડવા બદલ અભીનન્દન....
  હે! ઇશ્વર જો તારું અસ્તીત્વ હોય તો !! કમજાત રાજકારણીઓ-અધીકારીઓ-પ્રસાર માધ્યમો, પોલીસ તેમજ ડૉ. સ્વરૂપને કદી માફ ન કરશો !!!

  ReplyDelete