Friday, May 22, 2009

હારેલા ઉમેદવારને પત્ર

પ્રિય ભાઇશ્રી/બહેનશ્રી,

તમે જોયું હશે કે કોઇ સ્વજન ગુજરી જાય ત્યારે આપણે ઓળખતા ન હોઇએ એવા ઘણા લોકોના કાગળ પણ આપણી પર આવે છે. એમાં શરૂઆતની લીટીઓમાં ખરખરો કર્યા પછી પોતાની સંસ્થાની વિગત સાથે જણાવ્યું હોય છે કે જે ગયા એમને સારા ઠેકાણે મોકલવા હોય અથવા એ તો જ્યાં ગયા ત્યાં, પણ તમારે ભવિષ્યમાં સારી જગ્યાએ જવું હોય તો અમારી સંસ્થામાં દાન કરો.

આ કાગળ તમને અજાણ્યા તરફથી આવેલો લાગશે, પણ એમાં આવી કોઇ સ્કીમ નથી. ‘તમે હાર્યા છો છતાં મતદારોનો આભાર માનવા માગો છો? તો વાજબી ભાવમાં તમારી જાહેરાત છાપી આપીશું’ એવી કોઇ દરખાસ્ત પણ આ પત્ર સાથે નથી. માત્ર ને માત્ર આશ્વાસન આપવાના અને તમારૂં દિલ હળવું કરવાના હેતુથી તમને આ પત્ર લખ્યો છે.

સૌથી પહેલાં તો, થવાકાળ થઇ ગયું. આ વખતે નસીબમાં ફક્ત પક્ષના જ પૈસા લખેલા હશે. એટલે ચૂંટણીપ્રચાર માટે ઉઘરાવેલા અને પક્ષે આપેલા ભંડોળમાંથી જેટલી બચત થઇ એટલી ખરી. મંદીના આ જમાનામાં સંતોષી રહેવું અને યાદ રાખવું કે એ મૂડી પર પાંચ વર્ષ ચલાવવાનું છે ને આવતી વખત માટે ટિકીટ પણ લેવાની છે.

ઘણા લોકો તમને કહેવા આવશે કે હાર અને જીત એક સિક્કાની બે બાજુઓ છે. એ વખતે મહેરબાની કરીને એવું ન પૂછશો કે ‘ક્યાં છે સિક્કો?’ એમનો કહેવાનો મતલબ તમને આશ્વાસન આપવાનો છે. આવા લોકોથી તમને કંટાળો આવતો હોય તો છાપામાં ‘દુઃખદ સમાચાર’ના મથાળા હેઠળ, બેસણાવિભાગમાં એક જાહેરખબર આપી દેજો. તેનું લખાણ કેવું હોઇ શકે તેનો એક નમૂનોઃ

‘તા.૧૬ મેના રોજ જાહેર થયેલાં ૧૫મી લોકસભાની ચૂંટણીનાં પરિણામોમાં અમારી ભવ્ય હાર થઇ છે. મતદારેચ્છા આગળ આપણે સૌ લાચાર છીએ. તેમની લીલા લીલા અકળ છે. કાળચક્રની ગતિ કોણ રોકી શક્યું છે? લૌકિક ક્રિયા રાખી નથી. કાણ-મોંકાણ બંધ છે. બેસણું પણ રાખવામાં આવ્યું નથી.’

હાર વખતે અસ્વસ્થ થવું નહીં. એવું ભગવાને ગીતામાં કહ્યું હોય કે ન કહ્યું હોય, પણ હાઇકમાન્ડે હુકમમાં તો કહ્યું જ છે. જાહેરમાં મોં હસતું રાખવાનો પણ ઉપરથી આદેશ મળતો હોય છે. આવી વખતે હાઇકમાન્ડનો આદેશ પાળવો. કેમ કે, તુલસી ‘હાય’ કમાન્ડકી કભુ ન ખાલી જાય!

લોકસભા જેવી ચૂંટણી હારી જઇએ અને દિલ્હીથી દૂર રહેવાનો વારો આવે ત્યારે ઘરમાં મોટી સાઇઝની, સંસદમાં હોય છે એ પ્રકારની એક ખુરશી અને તેની આગળ માઇક ધરાવતું એક ટેબલ સુપરસ્ટોરમાંથી- અથવા આર્થિક સ્થિતિ પ્રમાણે ગુજરી બજારમાંથી - ખરીદી લાવવાં. જ્યારે પણ બેચેની જેવું લાગે અને દિલ્હીની યાદ સતાવે, ત્યારે આંખ બંધ કરીને એ ખુરશી પર બેસી જવું. એટલે કે, એ ખુરશી પર બેસીને આંખ બંધ કરી દેવી. આમ કરવાથી દિલ્હીમાં બેઠા હોવાનો અહેસાસ થશે.

આયુર્વેદના પ્રખર પ્રેમીઓ પણ હાર પચાવવા માટેની ફાકી શોધી શક્યા નથી. પચવામાં એ ઘી કરતાં પણ વધારે કઠણ છે, એવું અનુભવીઓ કહે છે. તમારે તો એમ વિચારીને રાજી થવું જોઇએ કે તમારી ગણતરી હવે અનુભવીમાં થશે. થોડા વખતથી બાબા રામદેવ બધાં દર્દોની દવા આપે છે. એમની પાસે કદાચ હાર પચાવવા માટેનું કોઇ આસન મળી જાય. જોકે, બાબા રામદેવનું એકેય આસન ચાર પાયાવાળા ‘આસન’ની જગ્યા લઇ શકે એમ નથી.

હાર થાય અને જગતનો અંત નજીક લાગે ત્યારે યાદ રાખવું: કેવા કેવા લોકો હાર્યા છે? દેશના ગૃહપ્રધાન જેવા ગૃહપ્રધાન હારી જાય તો પછી આપણું શું ગજું? એવા વિચારો કરવાથી વિષાદ હળવો બને છે અને ભવિષ્યમાં ગૃહમંત્રીપદ સુધી પહોંચવાની આશા ઉજ્જવળ બને છે.

વિષાદ પરથી વિષાદયોગ અને અર્જુન યાદ આવ્યો. આપણી પરંપરામાં વનવાસનું આગવું મહત્ત્વ છે. પાંડવોએ વનવાસ વેઠ્યો હતો ને રામ-સીતા-લક્ષ્મણે પણ વનમાં જવું પડ્યું હતું. હારનારે એમ માનવું કે ચૂંટણીની હારે તેમને વનમાં જવાની અને પાંડવોની કે પ્રભુની સમકક્ષ થવાની તક પૂરી પાડી છે. ‘તેમાં હવે પછીના અઘ્યાય કે કાંડ ઉમેરવાની જવાબદારી હારનારની પોતાની રહેશે’ એટલી ચેતવણી રામાયણ-મહાભારતના કર્તાઓ તરફથી ઉમેરી શકાય.

હાર્યા પછી ઘણા લોકો ડીપ્રેશનમાં સરી પડે છે. પણ કેટલાક લોકો એટલા આનંદી રહે છે કે તેમની સામે જીતેલો ઉમેદવાર ડીપ્રેશનમાં સરી પડે! આ વખતે અનેક પક્ષો વચ્ચે બેઠકો વહેંચાઇ ગઇ હોત, તો જીતનારની દશા એવી ભૂંડી થાત કે તેમને આશ્વાસન આપવા માટે આવા પત્રો લખવા પડત. પણ લોકોનો સ્પષ્ટ ચુકાદો આવ્યો છે એટલે પત્ર મેળવવામાં તમારો નંબર લાગ્યો છે. તમારે એમ વિચારીને રાજી થવું જોઇએ અને ગૌરવપૂર્વક જાહેર કરવું જોઇએ કે જે ચૂંટણીમાં ભારતના પ્રજાજનોએ સ્પષ્ટ શબ્દોમાં જનાદેશ આપ્યો અને પંડિતો, પોલમ્પોલવાળા અને જ્યોતિષીઓ બધાને ખોટા પાડ્યા, એ ચૂંટણીનો હું હિસ્સો હતો.

ચૂંટણીમાં પરાજય થાય ત્યારે લોકશાહી પરંપરાની અને લોકોનો ચુકાદો માથે ચડાવવાની વાતો કરવાની જૂની અને જાણીતી પરંપરા છે. ખરેખર, ચુકાદો માથે ચડાવવાનો સવાલ નથી હોતો! જે લમણે અફળાય, એ માથે ચડાવ્યા વિના છૂટકો છે? પણ એવા વિચારો કરીને જીવને મૂંઝવવો નહીં અને સુખમાં રહેવું.

ચૂંટણી કંઇ શારીરિક યુદ્ધ નથી. શારીરિક યુદ્ધમાં હારનારાને બીજી તક નથી હોતી. ચૂંટણી તો આત્માનું યુદ્ધ છે. શરીર એક ચૂંટણી હારી જાય તો પણ આત્મા તો બીજી ચૂંટણી લડવા તત્પર હોય છે. હાઇકમાન્ડ જ્યાં સુધી ટિકીટ આપ્યા કરે ત્યાં સુધી આત્મા કદી પરાજિત ભાવ અનુભવતો નથી. કારણ કે તે અમર છે. પરાજય તેને ડગાવી શકતો નથી ને અપમાન તેને ચળાવી શકતું નથી.

પત્ર કંઇક વઘુ પડતો લાંબો થઇ ગયો. પણ આશ્વાસન આપવાની એવી મઝા આવતી હોય છે કે લંબાઇનું ભાન રહેતું નથી. તમે બીજાને આશ્વાસનો આપ્યાં હશે એટલે તમને પણ ખ્યાલ હશે જ.

જીતેલા ઉમેદવારોનો ‘પ્રસાદયોગ’ ચાલતો હોય ત્યારે ઝાઝો સમય તમારૂં વિષાદયોગમાં રહેવું રાષ્ટ્રહિત અને લોકશાહીના હિતમાં પણ નથી. ઉઠો, જાગો અને આગામી વિધાનસભાની તૈયારી કરવા મચી પડો.
તમારો શુભેચ્છક

1 comment:

  1. વાહ! મજા આવી ગઈ!

    આમ તો જો કે આ બ્લોગ પર માત્ર આવી કોમેન્ટ ન સ્વીકારવાની ડૉ.(કયા?)પરેજી પાળવાનું કહ્યું છે એ મતલબનું એકવાર વાંચ્યુ હતું પરંતુ હાર વાળા (પહેરેલા નહી પમેલા ઉપ્સ પામેલા) ભાઇ કે બહેન ને આશ્વાસનનું આસન આપવા જવાની ઉતાવળ છે , ત્યાં કદાચ મોબાઈલ પણ ઑફ રાખવાનું હશે ને?

    એનો ચાલુ હશે કે નહી ખબર નહી કેમકે હવે તો હાઈ કમાન્ડ પણ કમાડ વાસીને સુઈ ગયા હશે ને? હા હા હા

    ReplyDelete