Saturday, May 30, 2009

હીરા અને હીરો

અંગ્રેજી ફિલ્મોમાં ડાયમન્ડ સાથે સંકળાયેલી બે ફિલ્મો ‘બ્લડ ડાયમન્ડ’ અને ‘ડાયમન્ડ્સ આર ફોર એવર’ યાદ આવે. પણ ગુજરાતીમાં અમુક જ પ્રકારની ફિલ્મો બને છે એવી સામાન્ય છાપને તોડતું પોસ્ટર આજે વાંચ્યું. એટલે તેની તસવીર અહીં મૂકી છે.

સાંપ્રત સમસ્યા પરથી અને આવું ઓફ્ફ બીટ નામ ધરાવતી ફિલ્મ ગુજરાતીમાં બને એ જોઇને સુખદ આશ્ચર્ય થયું. ‘રત્નકલાકાર’ તરીકે ઓળખાતા હીરા ઘસનારા કામદારોની બેકારી વર્તમાન ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાંની એક છે. અનેક કામદારોના આપઘાતના સમાચાર છાપાંમાં આવે છે. એ વાંચીને એમ પણ સાંભરે કે હીરાવાળા બે જ રીતે સમાચારમાં હોયઃ માલિકોના ઘુમાડાબંધ જલસાથી કે કામદારોના આપઘાતથી! હીરાઉદ્યોગના કોઇ અગ્રણીએ આ મંદીમાં આપઘાત કર્યાનું જાણ્યું?

ભાઇ જયેશ અઘ્યારૂ, આ ફિલ્મ જોઇને એના વિશે અહીં લખવા અંગે શું વિચાર છે? કે પછી તમારા માટે તેનું તમિલમાં ડબિંગ કરાવવું પડશે?-)

3 comments:

 1. jayesh adhyaru5:58:00 PM

  થોડા સમય પહેલાં એક ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસરની ઓફિસે ગયેલો. એમણે મને એમના પ્રોડક્શનની અત્યારના સુપરહિટ સ્ટારની લેટેસ્ટ સિલ્વર જુબિલી ફિલ્મનો પ્રોમો બતાવ્યો. એ જોઈને અને એ લોકોની વાતો સાંભળીને મારા મોતિયા મરી ગયા! સ્ટોરી કરવાની મારી ઈચ્છા જ મરી પરવારી! મારા જેવા જીવ બાળ્યા કરે કે સારી ગુજરાતી ફિલ્મો બનતી નથી, પણ મોટા ભાગના ગુજરાતી ફિલ્મમેકર્સ, 'લોકો આવું જ માગે છે', 'આજકાલ આવું જ ચાલે છે' અને 'બજેટ નથી', 'સરકારની સબસીડી પુરતી નથી'ના રોદણાં રડીને ભંગાર ફિલ્મો પધારાવ્યે રાખે છે.

  બીજા એક વર્તમાન ગુજરાતી સ્ટારપુત્રને એક ગીતમાં હિરોઈન સાથે જે હાવભાવ અને ચેષ્ટાઓ કરતો જોયો છે, લાકડીએ લાકડીએ મારવાનું મન થાય!

  બાકી અત્યારે વિશ્વની બેસ્ટ ફિલ્મો સાવ મફતના ભાવે જોવા મળે છે, સારી ફિલ્મો કોને કહેવાય એ સૌને ખબર છે! કોઈ શા માટે આવી રેઢીયાળ ગુજરાતી ફિલ્મો જુએ? અને આ ફિલ્મો શા માટે સુપરહિટ જાય છે, એમનું ટાર્ગેટ ઓડીયન્સ કોણ છે, એ સૌ જાણે છે.

  હા, આ હીરા ઘસવાવાળી ફિલ્મના નામ સિવાય એમાં શું નવીનતા છે (અથવા તો છે કે કેમ!), એ (મારા જોખમે) જોયા પછી જરૂર કહીશ! ગુજરાતી ફિલ્મો જો બીજી ભાષાઓમાં ડબ થવા માંડે તો બીલીવ મી, એનો સૌથી વધુ આનંદ મને જ થશે! તમિલ-તેલુગુ ફિલ્મોની વાત ફિર કભી!

  અરે, આ કોમેન્ટ 'ગૂગલ ગુજરાતી'માં ટાઈપ કરી છે, જોડણીની ભૂલો ક્ષમ્ય ગણશો!

  ReplyDelete
 2. " હવે મારે હીરા નથી ઘસવા " નું હોર્ડીન્ગ્સ ડેસ્કટોપ પર રાખવા જેવું છે..............))))))

  ReplyDelete
 3. BINIT MODI5:31:00 PM

  પ્રિય ઉર્વીશ,
  દસમાં કે બારમાં ધોરણની પરીક્ષામાં પરીક્ષાર્થીને ગણિતના પેપર સાથે લોગટેબલ બુક અપાતી હતી. તારા માટે હવે બ્લોગ બુક પ્રકાશિત કરવાનો સમય થયી ગયો છે.
  બિનીત મોદી

  ReplyDelete