Monday, May 25, 2009

બ્લેકહોલનાં રહસ્યો જેટલો જ રસ ગુજરાતીના ભવિષ્યમાં ધરાવતા ભાષાપ્રેમી વૈજ્ઞાનિકઃ ડૉ.પંકજ જોષી

ફિલ્મના હીરોની જેમ વૈજ્ઞાનિકની પણ આપણા મનમાં એક છબી/ઇમેજ હોય છેઃ ન્યૂટન કે આઇન્સ્ટાઇન જેવાં જટીયાં (વાળ), ડાર્વિન જેવી દાઢી, ભૂલકણા પ્રોફેસરની સુધરેલી (કે બગડેલી) આવૃત્તિની માફક દુનિયાદારી અને દુનિયાના વાસ્તવિક સવાલો વિશેનું અજ્ઞાન અને એમની ભાષા? ગુજરાતી સિવાયની કોઇ પણ!

વૈજ્ઞાનિકો વળી ગુજરાતીમાં વાત કરતા હશે? અને ગુજરાતીમાં વાત કરે એમનો વૈજ્ઞાનિક તરીકે પ્રભાવ પડતો હશે? કંઇક આવું વિચારીને, એક સ્કૂલના સંચાલકોએ પંકજ જોષીને સહેજ ટોક્યા હતા. કહ્યું કે ‘તમે ગુજરાતીમાં બોલો ને અમારા ઈંગ્લીશ મીડિયમનાં છોકરાંને બહુ મઝા ભલે પડતી હોય, પણ ભાઇસા’બ, અમારી અને ભેગી તમારી આબરૂનો તો થોડો ખ્યાલ કરો!’

આયોજકોએ મોટા ઉપાડે, સ્ટીફન હોકિંગ જેવા સેલિબ્રિટી વૈજ્ઞાનિકની પંગતમાં મુકાતી હસ્તી તરીકે ડૉ.પંકજ જોષીને બોલાવ્યા હોય અને પંકજભાઇ શુદ્ધ છતાં માસ્તરીયા નહીં એવા, કાઠિયાવાડી છાંટ ધરાવતા ગુજરાતીમાં ખગોળશાસ્ત્રની વાતો શરૂ કરી દે, તો એમને બીજું શું કહેવાય? જ્ઞાનને બદલે જ્ઞાનના માઘ્યમ (ઈંગ્લીશ મીડિયમ)ના મોહમાં પડેલાં વાલીઓ અને સ્કૂલસંચાલકો એ સ્વીકારી શકતાં નથી કે આત્મીયતાના અમીસ્પર્શવાળું ગુજરાતી બોલનાર કોઇ માણસ વિજ્ઞાનમાં આંતરરાષ્ટ્રિય નામના ધરાવતો હોય. પરંતુ ડૉ. પંકજ જોશીના મનમાં એવી કોઇ અવઢવ નથી. એટલે જ તે બ્લેકહોલ અને ‘નેકેડ સિંગ્યુલારિટી’ જેટલી જ સહજતાથી માતૃભાષાના મહત્ત્વ વિશે વાત કરી શકે છે.

વૈજ્ઞાનિક આલમમાં ભારે પ્રતિષ્ઠા ધરાવતા, દોઢસો વર્ષથી પણ વઘુ જૂના સામયિક ‘સાયન્ટિફિક અમેરિકન’ના ફેબ્રુઆરી, ૨૦૦૯ના અંકમાં ડૉ. પંકજ જોષીનો નેકેડ સિંગ્યુલારિટી વિશેનો લેખ કવરસ્ટોરી તરીકે પ્રગટ થયો. ભારતીય નામ ભાગ્યે જ વાંચવા મળતાં હોય - કદીક હોય તો પણ એ એન.આર.આઇ.નાં- ત્યાં ડૉ.પંકજ જોષી જેવા નખશીખ ગુજરાતીનો અંગ્રેજી લેખ કવરસ્ટોરી બને, એ ઘટના ‘સમાચાર’ ગણાઇ હતી. સમાચારસંસ્થા પીટીઆઇએ તેના સમાચાર જારી કર્યા હતા.

એવું તે શું હતું એ લેખમાં? ‘સ્કોપ’-‘સફારી’ જેવા સામયિકોના વાચક રહી ચૂકેલા લોકો માટે બ્લેકહોલ અજાણ્યો વિષય નહીં હોય. સૂર્યની જેમ તેનાથી અનેક ગણું મોટું કદ ધરાવતા તારા હાઇડ્રોજનના બળતણના જોરે ‘દિવાળી’ (કે હોળી) મનાવતા હોય છે. લાખો વર્ષ પછી એક સમય એવો આવે છે, જ્યારે હાઇડ્રોજનનું બળતણ ખૂટે છે. પોતાના પ્રચંડ ગુરૂત્વાકર્ષણ હેઠળ તારો સંકોચાય છે, ભીંસાય છે અને એ પ્રક્રિયા આગળ વધતાં છેવટે એક તબક્કો એવો આવે છે, જ્યારે તારો મહાપ્રચંડ ગુરૂત્વાકર્ષણ ધરાવતા એક ટપકામાં સમેટાઇ જાય છે. ભીષણ ગુરૂત્વાકર્ષણ ધરાવતું એ ટપકું ‘સિંગ્યુલારિટી’ કહેવાય તરીકે ઓળખાય છે.

અત્યાર સુધી એવી માન્યતા હતી કે દરેક સિંગ્યુલારિટીરૂપી ટપકું ‘ઇવેન્ટ હોરિઝોન’ તરીકે ઓળખાતું ‘આવરણ’ ધરાવે છે. સિંગ્યુલારિટી અને તેની ફરતે આવેલી ઇવેન્ટ હોરિઝોનની ‘વાડ’ મળીને બ્લેકહોલ બને છે.

બ્રહ્માંડના રબરીયા ચાદર જેવા પોતમાં તારા અને ગ્રહોની સાથે ઠેકઠેકાણે બ્લેકહોલ પણ અસ્તિત્ત્વ ધરાવતા હોવાનું મનાય છે. નામ પ્રમાણે કામ અને લક્ષણ ધરાવતા બ્લેકહોલ પોતે, કુખ્યાત ગેંગસ્ટરની માફક, કદી દેખા દેતા નથી. તેમના વિવિધ પ્રકારના પ્રભાવ-દુષ્પ્રભાવ પરથી તેમની હાજરી જણાતી રહે છે.

બ્લેકહોલરૂપી વિલનના અડ્ડાનો દરવાજો છે‘ ઇવેન્ટ હોરિઝોન’. ‘અહીંથી બ્લેકહોલની હદ શરૂ થાય છે’ એવું ચેતવણીસૂચક પાટિયું ત્યાં ખરેખર મારવું જોઇએ. એવી કોઇ ચેતવણીના અભાવે એક વાર કોઇ પણ પદાર્થ ઇવેન્ટ હોરિઝોનમાંથી દાખલ થયો, એટલે ખલાસ! ઇવેન્ટ હોરિઝોનમાં એક વાર ગયેલાં કદી પાછાં આવતાં નથી. એટલું જ નહીં, ઇવેન્ટ હોરિઝોનમાં ધુસ્યા પછી એ પદાર્થનું બહારની દુનિયા માટે અસ્તિત્ત્વ સમાપ્ત થઇ જાય છે. બ્લેકહોલમાં એન્ટ્રી પછી સિંગ્યુલારિટીરૂપી ઠોસ ઠળિયા સુધી પહોંચ્યા પછી ભીષણ ગુરૂત્વાકર્ષણ વચ્ચે પદાર્થની શી વલે થાય છે, તે બહારથી દેખાતું નથી. એક રીતે ઇવેન્ટ હોરિઝોનને લીધે ખગોળશાસ્ત્રીઓને નિરાંત પણ છેઃ એની પેલી બાજુ શું થાય છે એ દેખાતું જ નથી, એટલે દેખવું નહીં ને દાઝવું પણ નહીં. ત્યાં શું થાય છે એ બાબતે વૈજ્ઞાનિકોનું અજ્ઞાન ઢંકાયેલું રહે છે.

ખગોળશાસ્ત્રીઓને દઝાડે તો નહીં, પણ ચચળાવે એવી બાબત એ છે કે સમગ્ર બ્રહ્માંડમાં લાગુ પાડી શકાતા ભૌતિકશાસ્ત્રના અડીખમ નિયમો બ્લેકહોલમાં- સિંગ્યુલારિટીની આસપાસ લાગુ પાડી શકાતા નથી.

ભૌતિકવિજ્ઞાનમાં બ્રહ્મવાક્ય ગણાતી આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઓફ રિલેટીવીટી કહે છે કે મહાકાય તારાનું બળતણ ખૂટે એટલે તેમાં ભંગાણ પડે અને આખરે તે અનિવાર્યપણે સિંગ્યુલારિટીમાં ફેરવાય. પરંતુ તેની સાથે ‘ઇવેન્ટ હોરિઝોન’ રૂપી વાડ રચાય કે નહીં, એ વિશે આઇન્સ્ટાઇને ફોડ પાડ્યો નથી. તેની કસર પુરી કરવા ત્રણેક દાયકા પહેલાં પેનરોસ અને ત્યાર પછી સ્ટીફન હોકિંગ જેવા વૈજ્ઞાનિકોએ ગણતરી માંડીને જાહેર કરી દીઘું કે મહાકાય તારામાં ભંગાણને કારણે સિંગ્યુલારિટી રચાય, તેની સાથે ઇવેન્ટ હોરીઝોન બને, બને અને બને જ.

પરંતુ ડૉ.પંકજ જોષી જેવા કેટલાક સંશોધકોએ, આઇન્સ્ટાઇનની જનરલ થીયરીનો ભંગ કર્યા વિના, તેની અંદર રહીને જ વિવિધ મોડેલના આધારે ગણતરીઓ માંડી. તેના આધારે તેમણે દર્શાવ્યું કે ભીંસાતા તારાના પ્રચંડ ગુરૂત્વાકર્ષણને લીધે સિંગ્યુલારિટી તો બનવાની જ છે, પણ તેની ફરતે ઇવેન્ટ હોરિઝોનનું ‘આવરણ’ રચાતું નથી. એટલે કે, અનાવૃત્ત- આવરણ વગરની- ‘નેકેડ’ સિંગ્યુલારિટી રચાય છે. ડૉ. જોષી અને આ વિષય પર સંશોધન કરનારા જાપાની, ઇટાલિયન અને બીજા કેટલાક સંશોધકો પણ માને છે કે આવી અનાવૃત્ત/નેકેડ સિંગ્યુલારિટી બ્રહ્માંડમાં અસ્તિત્ત્વ ધરાવતી હોય એવી પૂરી શક્યતાઓ છે.

બ્લેકહોલમાં પદાર્થની સફર હંમેશાં ‘વન વે’ હોય છે. બ્લેકહોલ બઘું હજમ કરી જાય છે, પણ તેમાંથી કંઇ બહાર નીકળતું નથી. તેમની સરખામણીમાં નેકેડ સિંગ્યુલારિટી પ્રચંડ ગુરૂત્વાકર્ષણથી પદાર્થોને અંદર ખેંચે છે, તેમ પદાર્થોને બહાર પણ ફેંકી શકે છે. સૌથી રોમાંચક શક્યતા તો એ છે કે સિંગ્યુલારિટી આવરણ વગરની- નેકેડ હોય તો તેની તરફ ખેંચાતા પદાર્થનું સિંગ્યુલારિટી નજીક પહોંચ્યા પછી શું થાય છે, તેનું અવલોકન કરવા મળી શકે છે. ઇવેન્ટ હોરિઝોનની અભેદ્ય દીવાલ ધરાવતા બ્લેકહોલના કિસ્સામાં એ શક્ય બનતું નથી.

સિંગ્યુલારિટીને સમજાવવા માટે આઇન્સ્ટાઇનનાં સમીકરણો કામ લાગતાં નથી. તેના માટે ક્વોન્ટમ થિયરીની ‘માસ્ટર કી’ વાપરવાની થાય. પણ પાયાનો સવાલ એ છે કે નેકેડ સિંગ્યુલારિટીને સમજવાની શી જરૂર છે? બ્રહ્માંડમાં તેનું મહત્ત્વ શું છે? તેના ઘણા સંભવિત જવાબમાંનો એક જવાબ છેઃ નેકેડ સિંગ્યુલારિટીની અકળતા અને તેના વિશિષ્ટ ગુણધર્મો બાકીના બ્રહ્માંડને અસર પાડી શકે અને જે બ્રહ્માંડની ઘણી બધી બાબતો વિશે આપણે ‘જ્ઞાની’ અને નિશ્ચિંત થઇને બેઠા છીએ, તેમનો એકડો નવેસરથી ધૂંટવાનો થાય. જેમ કે, નેકેડ સિંગ્યુલારિટીનું અસ્તિત્ત્વ સાબીત થાય તો, સૂર્યની આસપાસ ફરતી પૃથ્વીને આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઓફ રિલેટીવીટી લગાડતી વખતે એક સંભાવના એ પણ વિચારવી પડે કે કોઇ નેકેડ સિંગ્યુલારિટીમાંથી છૂટેલો ગુરૂત્વાકર્ષણનો ધોધ પૃથ્વીને એક ધક્કો મારીને સૂર્યની ભ્રમણકક્ષાથી ક્યાંય દૂર ફેંકી શકે છે ! (ગભરાવાની જરૂર નથી. પૃથ્વીના કિસ્સામાં આવું બનવાની સંભાવના નહીંવત્ હોવાનું ડૉ. જોષી જણાવે છે.)

‘સાયન્ટિફિક અમેરિકન’ની કવરસ્ટોરીમાં તારાના વિકિરણોની થિયરી સંદર્ભે ડૉ. પંકજ જોષીએ ગુજરાતી ગણિતશાસ્ત્રી ડૉ.પ્ર.ચુ.વૈદ્યને પણ યાદ કર્યા છે. તારાનાં વિકિરણો બહાર કેવી રીતે જાય છે એ દર્શાવતી સાઠેક વર્ષ પહેલાંની ડૉ.વૈદ્યની થીયરીને ઉલટાવીને ડૉ.જોષીએ તેને તારાના ભંગાણના મામલે પ્રયોજી છે.

ડૉ.પંકજ જોષીની નેકેડ સિંગ્યુલારિટીની થિયરી દુનિયાભરના ખગોળરસિકો અને ખગોળશાસ્ત્રીઓમાં ચર્ચાઇ રહી છે. દરમિયાન, ડૉ. જોષી શું કરે છે? ગુજરાતીમાં ‘બ્રહ્માંડદર્શન’ જેવું માહિતીપ્રદ પુસ્તક લખી ચૂકેલા ડૉ. જોષી મુંબઇની ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચમાં કાર્યરત છે. તે અંગ્રેજીની ઘેલછા ધરાવતાં માતાપિતા-સ્કૂલસંચાલકો અને ગુજરાતની સરકારને સમજાવવાની કોશિશ કરે છે કે બાળકો અંગ્રેજીમાં પારંગત ભલે બને, પણ ગુજરાતીના ભોગે નહીં. આ હેતુ માટે તેમણે ગુજરાતના દરેક જિલ્લામાં નમૂનારૂપ નિશાળો બનાવવા માટે અને સરકારી શાળાઓનું સ્તર સુધારવા માટે તત્કાળ પગલાં લેવાની અપીલ કરી છે.

થોડા સમય પહેલાં અમદાવાદ આવેલા ડૉ.જોષી ગુજરાતી માઘ્યમની નિશાળો અને ગુજરાતીની ઉપેક્ષાથી એટલા ચિંતિત છે કે તેમની સાથેની અંગત વાતચીતમાં મોટા ભાગનો સમય નેકેડ સિંગ્યુલારિટીને બદલે ગુજરાતીની ‘નેકેડ રીઆલીટી’/નગ્ન વાસ્તવિકતાની ચર્ચામાં જ જાય છે!
(photos : urvish kothari)

4 comments:

 1. પંકજ જોશી એટલે એકદમ સજ્જન પ્લસ વિદ્વાન વિજ્ઞાની. સહજતાથી વાત કરે અને ના ખબર હોય એ વાતની નિખાલસતાથી ના પાડે. એક વખત વિદેશમાં કામ કરતા ગુજરાતી વિજ્ઞાનીઓની સ્ટોરી કરવાની હતી ને સાહેબે કહ્યું કે શોધીકાઢો ગુજરાતી વિજ્ઞાનીઓ. ક્યાંથી શોધવા? હું તો એ વખતે ભાસ્કરમાં નવો નવો, એટલે શું કરવું એ પણ ખબર ન પડે. એમાં કોઈએ કહ્યું કે પંકજ જોશી ને પૂછો એને ખબર હશે. પંકજ જોશીના નંબર દીપક સોલિયા પાસેથી મળશે એમ પણ સુચના મળી. દીપક સોલિયા ને ફોન કર્યો ને પંકજ જોશીનો સંપર્ક મેળવ્યો. એ મારી દીપક્બાબુ સાથે કોઈ પણ પ્રકારે પહેલી વખત વાત હતી! પછી તો પંકજ જોશીનો સંપર્ક કર્યો ને વાત માં ખબર પડી ક એ સોમવારે અમદાવાદ આવે છે. મેં કહ્યું કે તમારી મુલાકાત લેવી છે.. એમેના સહજતાથી હા પાડી. એમની પાસેથી નમબર્ લેવાના હતા પણ એમની પાસે બહુ હતાં નહિ એટલે એ વાત પડતી મૂકી. એમને મળવા ગયો એ એક રોમાંચક ઘટના હતી. વિજ્ઞાની આટલા સરળ હોય ને આપણી સાથે ચા પીવે ને અલક -મલક ની વાતો કરે ખરાં? પંકજ જોશી કરે! મેં એમની મુલાકાત લીધી, એકાદ કલાક વાતો કરી. સ્ટેફન હોકીન્ગથી લઇ ને ચંદ્રયાન સુધીની ચર્ચાઓ થઇ. એ મુલાકાત કળશ માં તો તુરંત લઇ શકી નહિ પણ પછીથી તેયાર થયેલા ઉત્સવ માં છાપી. એ પછી તો સાયન્ટ્ફિક અમેરિકન માં એમની કવર સ્ટોરી આવી ત્યારે પણ એમના વિશે કળશ માં લખ્યું...

  ReplyDelete
 2. I wish this great personality impresses our children to be what he has been, knowing that he has progressed so high coming from one of the most interior but fertile city of Gujarat-Bhavnagar...a great city to give birth to such great personality! Kudos.
  When I said, we have some more and good expectations from you, better than wasting time and energy for politicians....I meant this.

  ReplyDelete
 3. ઉર્વીશભાઈનો આ સરસ લેખ વાંચી પંકજભાઈનો મૂળ લેખ વાંચવાની ઈચ્છા થાય તો http://www.sciam.com/sciammag/ ટાઈપ કરી ‘સાયન્ટિફિક અમેરિકન’ની સાઈટ પર જઈ એ લેખ વાંચી શકાશે.

  જો કોઈને વધુ જિજ્ઞાસા થાય અને આલ્બર્ટ આઈન્સ્ટાઈનનું મૂળ પુસ્તક RELATIVITY : The Special and General Theory વાંચવું હોય તો તેને મારી સાઈટ http://www.mavjibhai.com પરથી ‘ઈ-ચોપડી’ વિભાગમાંથી ડાઉનલોડ કરી શકાય છે.

  ReplyDelete
 4. બહુ સુંદર માહિતી, આભાર.

  ReplyDelete