Friday, May 15, 2009
ગિરીશભાઇ પટેલનો સન્માન સમારંભઃ કેટલીક આડવાતો
‘ફર્સ્ટ થિંગ ફર્સ્ટ’ ન્યાયે ગઇ કાલે સન્માન સમારંભનો વિગતવાર - કદાચ અત્યાર સુધીનો સૌથી લાંબો- અહેવાલ આપ્યા પછી આજે સમારંભને લગતી કેટલીક બીજી વાતોઃ
- ગિરીશભાઇની પ્રવૃત્તિથી સતત વાકેફ હોય એવા મિત્રો પાસેથી જાણવા મળ્યું કે તે ‘એનજીઓ સંસ્કૃતિ’ના ખાસ્સા વિરોધી રહ્યા છે. તેમણે પોતે લોક અધિકાર સંઘને એનજીઓ બનવા દીધી નથી અને એનજીઓની નીતિરીતિથી સલામત અંતર રાખ્યું છે. એ જોતાં, ૭૫ વર્ષના ગિરીશભાઇના સન્માનની વાત ઉપાડનારા લોકોમાં ઘનશ્યામ શાહ જેવા બૌદ્ધિકો ઉપરાંત હનીફ લાકડાવાળા જેવા સ્વૈચ્છિક સંસ્થાના ક્ષેત્રનાં નામ હોય એ નોંધપાત્ર વક્રતા ન કહેવાય? પ્રકાશભાઇ (શાહ) કહે છે તેમ, એનજીઓની તમામ મર્યાદાઓ સહિત એમના સિવાય બીજું કોઇ પગ મુકવા ઠેકાણું- કોઇ જગ્યા જ ન રહી હોય, એ પણ એક વાસ્તવિકતા ખરી.
- ગુણવત્તાની દૃષ્ટિએ સારી, પણ કાર્યક્રમમાં અપ્રસ્તુત એવી કવિતાઓ અને એવાં ગીતમાં એટલો સમય જાય કે છેલ્લે જેના માટે આ કાર્યક્રમ છે એ ગિરીશભાઇ બોલતા હોય ત્યારે ઝડપથી આટોપવા તેમને ચિઠ્ઠી મોકલવી પડે- એ ખટકે એવું હતું. લાંબા પટે બોલનારા ગિરીશભાઇએ બે દિવસ પહેલાં ‘ગુજરાતની રોયવાદી ચળવળનાં ૭૫ વર્ષ’ એ પુસ્તકના વિમોચન નિમિત્તે અછડતો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘મારા સમારંભમાં હું જે બોલ્યો એ તો ફક્ત શરૂઆત જ હતી. પછીનું બઘું બાકી રહી ગયું.’ તેમણે થોડી અતિશયોક્તિ સાથે કહ્યું હોય તો પણ વાતમાં તથ્ય છે. જેનું સન્માન કરવાનું હોય એ વ્યક્તિ અને તેનું પ્રદાન આખા કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રહે એ જ ઇચ્છનીય છે. ‘ભાષણો સાંભળીને લોકો કંટાળી જશે’ એવી દલીલ સાચી પણ અસ્થાને છે. કારણ કે આવનારા મનોરંજનની અપેક્ષાએ નથી આવ્યા.
- મહેશ ભટ્ટ જેવા ગિરીશભાઇના સમકાલીનને ચાર મિનીટ બોલવા મળે, ઘનશ્યામ શાહ જેવા વિદ્વાન અને આયોજકોમાંના એકને સાંભળવાની અપેક્ષા હોય, પણ તેમને સાંભળવાનો લાભ જ ન મળે, ત્યારે બીજા કાર્યક્રમોમાં ‘ખવાઇ’ ગયેલો સમય વધારે ખટકતો લાગે.
- આવનારા પરથી યાદ આવ્યું. આવા કાર્યક્રમોમાં પોતાનું ઓડિયન્સ લઇને પહોંચી જતા લોકોના ઉત્સાહને જરા અંકુશમાં રાખવો જોઇએ. કારણ કે ‘એમના’ ઓડિયન્સને પોતાના નેતા સિવાય બીજા કશામાં રસ નથી હોતો. એટલે બાકીનો સમય એ ઓડિયન્સ દ્વારા થતો કલબલાટ બીજાએ સહન કરવો પડે છે. વાણીસ્વાતંત્ર્યમાં કલબલાટ-સ્વાતંત્ર્યનો સમાવેશ થતો નથી. કારણ કે તેનાથી બીજાનું શ્રવણ-સ્વાતંત્ર્ય જોખમાય છે.
- કિશોરાવસ્થામાં ટીવી પર ક્રિકેટમેચ જોતો હતો ત્યારે એક વાતનું ભારે કૂતુહલ થતું હતું: અડધી પીચે ભેગા થતા બે બેટ્સમેન એકબીજા સાથે શાની વાતો કરતા હશે? કંઇક એવું જ કૂતુહલ ગિરીશભાઇના કાર્યક્રમમાં પણ થયું: મિત્ર આનંદ યાજ્ઞિક દર ત્રીજી કે પાંચમી મિનીટે મંચ પર બેઠેલા એક આયોજક હનીફ લાકડાવાળાના કાનમાં શું કહેતા હશે?
કાંકરિયાની એકાદ રેલીમાં આનંદભાઇને જ હું પૂછી લઇશ- અને એ કહેશે તો તમને પણ જણાવીશ.
Labels:
function,
ngo,
society- trends/સમાજ-પ્રવાહો
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment