Monday, May 18, 2009

ચૂંટણી પરિણામો ૩ # સાવ ખોટી અને તદ્દન સાચી આગાહી

ચૂંટણીનાં અણધાર્યાં પરિણામો વિશે રાજકીય પત્રકારો-લેખકો-સમીક્ષકોએ કઇ હદે ધારી લીધાં હતાં તેના ત્રણ નમૂના, પરિણામોના બીજા દિવસે દિવ્ય ભાસ્કર, સંદેશ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં અખબારો (જન્મભૂમિ-ફૂલછાબ-કચ્છમિત્ર)ની રવિપૂર્તિમાં જોવા મળ્યા. કોઇ પણ પ્રકારના અંગત દ્વેષ કે દુર્ભાવ વિના, કેવળ અભ્યાસ લેખે, આ રહ્યાં એ લખાણઃ

‘દડો હવે રાષ્ટ્રપતિ પ્રતિભાના કોર્ટમાં’ - ‘પોઇન્ટ ઓફ ઓર્ડર’- અજય ઉમટ (દિવ્ય ભાસ્કર)

૧૫મી લોકસભામાં ફરી એક વાર ત્રિશંકુ સંસદનું નિર્માણ થયું છે. ૧૯૮૪માં ઇન્દિરાજીની હત્યા પછી ભારતીય લોકશાહીમાં છેલ્લાં ૧૫ વર્ષના ઇતિહાસમાં કોઇ પણ રાજકીય પક્ષ ૨૭૨નો જાદુઇ આંક પોતાની તાકાત પર મેળવવામાં નિષ્ફળ નીવડ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં કોણ વડાપ્રધાન બનશે તે અંગે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના નિર્ણય પર દેશની નજર છે.

(આ ઇન્ટ્રો ધરાવતા લેખનું એક વાક્ય)

હવે ૧૫મી લોકસભાનું પરિણામ આવી ચૂક્યું છે ત્યારે પ્રથમ દૃષ્ટિએ ખંડિત જણાતા જનાદેશમાં રાષ્ટ્રપતિની ભૂમિકા મહત્ત્વની સાબીત થશે...

‘અંડર કરન્ટ’- રાજેશ શર્મા (સંદેશ)

લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ગયાં છે અને ધારણા પ્રમાણે જ કોઇ એક રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી નથી. અત્યારે જે ચિત્ર ઉપસ્યું છે તે જોતાં આગામી એક અઠવાડિયું તડજોડનું રાજકારણ પૂરજોશમાં ચાલશે તે સ્પષ્ટ છે.

હવે કસોટી રાષ્ટ્રપતિની - રાજકીય પ્રવાહો- કુન્દન વ્યાસ

કુન્દનભાઇના લેખમાં મથાળા સિવાય બીજે ક્યાંય ખોટી પડે એવી અટકળ નથી. ‘પક્ષો કોને ખેંચી શકાશે તેની ગણતરીમાં હતા ત્યારે રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઇનો અભ્યાસ કરી રહ્યાં હતાં’ એવી સલામત ભાષામાં આખો લેખ છે.)

આનાથી સાવ સામા છેડાનો દાખલો સુરજિત ભલ્લાનો છે. ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’માં કોલમ લખતા અને એનડીટીવીની બિઝનેસ ચેનલ પર શો કરતા ભલ્લાએ તેમની કોલમ ‘નો પ્રૂફ રિક્વાયર્ડ’માં ‘મિડલ ક્લાસ એન્ડ ડેમોક્રેસી’ શીર્ષક હેઠળ બે લેખો લખ્યા હતા. તેમાંનો બીજો લેખ બરાબર પરિણામોના દિવસે છપાયો.

એ લેખમાં ભલ્લાએ ‘મિડલ ક્લાસ એન્ડ ડેમોક્રેસી’ થીસિસના આધારે, આખા ગામ કરતાં જુદી વાત કરતાં કહ્યું કે, બે મુખ્ય પક્ષો બાકીના પક્ષોને હાંસિયામાં ધકેલી દેશે. તેમણે અભ્યાસપૂર્વકનું ભારે જોખમ લઇને કહ્યું કે ૨૦૦૯ની ચૂંટણી ભારતમાં પ્રાદેશિક રાજકારણના અંતના આરંભ માટે ઇતિહાસમાં યાદગાર બની રહેશે. તેમની થિયરી એવી હતી કે ચૂંટણીમાં પ્રભાવી બની રહેલા મઘ્યમ વર્ગની આકાંક્ષાઓને કોમવાદ, પ્રાંતવાદ, ધાર્મિક કટ્ટરતા - આ બઘું તોફાન ખપતું નથી.

આ થિયરીના આધારે તેમણે પરિણામો પહેલાં કરેલી છ આગાહીઓઃ

૧) કોંગ્રેસ-ભાજપને સંયુક્ત રીતે ૧૯૯૮માં ૩૨૩ બેઠકો મળી હતી. આ વખતે એ બન્નેની બેઠકોનો સરવાળો ૩૨૩ની નજીક પહોંચી જશે.

૨) ડાબેરીઓને ૩૫ની આસપાસ બેઠોક મળશે. કદાચ ૩૦થી ઓછી પણ મળે.

૩) ઉત્તર પ્રદેશમાં મુલાયમ અને માયાવતીના જ્ઞાતિવાદી પક્ષોનો સફાયો તશે. બન્ને મળીને માંડ ૫૦ બેઠક મળે. કદાચ અડધે સુધી (૪૦ બેઠક સુધી) પણ માંડ પહોંચે.

૪) બિહારમાં જ્ઞાતિવાદી પક્ષો કાઠું કાઢી નહીં શકે.

૫) આસામથી કેરળ સુધીના પ્રાદેશિક, જ્ઞાતિવાદી અને વિચારધારાકીય (આઇડીઓલોજિકલ) પક્ષો માર ખાશે.

૬) તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષોનો સફાયો થવો જોઇએ, પણ ૨૦૦૯માં એ શક્ય લાગતું નથી.

ભાજપને આકરો પરાજય મળ્યો તે પહેલાં ભલ્લાએ લખ્યું છે કે ભાજપે તેનાં ફ્રીન્જ એલીમેન્ટ્સ (તોફાની તત્ત્વો)થી દૂર જવું પડશે. મત ખેંચવામાં અને કકળાટ મચાવવામાં ભલે એ બહુ ઉપયોગી હોય. અમેરિકાના રીપબ્લિકન પક્ષમાંથી ભાજપ બોધપાઠ લઇ શકે છે. રીપબ્લિકનોએ ફ્રીન્જ એલીમેન્ટ્સ પર વઘુ પડતો આધાર રાખ્યો, એમાં ધોવાઇ ગયા.

2 comments:

  1. રમેશ અમીન6:29:00 PM

    સાચી-ખોટી આગાહીઓ હવે દરેક ચૂંટણીનો ક્રમ બની ગઈ છે. યુપીની ચૂંટણી વખતે બધાએ હંગ વિધાનસભા ધારી હતી પણ માયાવતી સ્પષ્ટ બહુમત મેળવી ગઈ. ગુજરાતની વિધાનસભાની ચૂંટણી વખતેય કહેવાતા રાજકીય સમીક્ષકોની આગાહીઓ ખોટી પડી હતી. ઉપર અજય ઉમટનો ઉલ્લેખ છે. આ ભાઈના ઘણા લેખો તો ઈન્ડિયા ટુડે અને આઉટલુકના ફકરાઓની બેઠી ઉઠાંતરી હોય છે. ઉર્વીશભાઈ તમે ઉપર કોલમીસ્ટોના અવતરણ મૂક્યા છે પણ પત્રકારો તો તેમને ય ટપી ગયા હતા. મલ્લિકા સારાભાઈ અને સુરેશ પટેલ જાણે ગાંધીનગર જીતી જ જવાના હોય એવા રિપોર્ટ છાપવામાં ટાઈમ્સ ઓફ ઈન્ડિયાએ બધી હદ વટાવી દીધી હતી. ગુજરાત સમાચાર પણ અડવાણી હારવાના જ હોય એવુ રિપોર્ટીંગ સતત આપતું હતું.

    ReplyDelete
  2. Keyur Vasavada6:31:00 AM

    Well said Mr Ramesh,

    Actually I am looking for News paper which is not paid by Congress Party. What I heard this Guj News Paper like Sandesh-Guj Samachar-Divyabaskar are nothing more than Street thugs. See what happened in Asharam Bapu case, I seriously want Urvish Bahai Input on this, but what I heard that India TV took 10 Cr from him, and so these vulchers Gujarti News Papers.

    ReplyDelete