Saturday, May 30, 2009

હીરા અને હીરો

અંગ્રેજી ફિલ્મોમાં ડાયમન્ડ સાથે સંકળાયેલી બે ફિલ્મો ‘બ્લડ ડાયમન્ડ’ અને ‘ડાયમન્ડ્સ આર ફોર એવર’ યાદ આવે. પણ ગુજરાતીમાં અમુક જ પ્રકારની ફિલ્મો બને છે એવી સામાન્ય છાપને તોડતું પોસ્ટર આજે વાંચ્યું. એટલે તેની તસવીર અહીં મૂકી છે.

સાંપ્રત સમસ્યા પરથી અને આવું ઓફ્ફ બીટ નામ ધરાવતી ફિલ્મ ગુજરાતીમાં બને એ જોઇને સુખદ આશ્ચર્ય થયું. ‘રત્નકલાકાર’ તરીકે ઓળખાતા હીરા ઘસનારા કામદારોની બેકારી વર્તમાન ગુજરાતની મુખ્ય સમસ્યાઓમાંની એક છે. અનેક કામદારોના આપઘાતના સમાચાર છાપાંમાં આવે છે. એ વાંચીને એમ પણ સાંભરે કે હીરાવાળા બે જ રીતે સમાચારમાં હોયઃ માલિકોના ઘુમાડાબંધ જલસાથી કે કામદારોના આપઘાતથી! હીરાઉદ્યોગના કોઇ અગ્રણીએ આ મંદીમાં આપઘાત કર્યાનું જાણ્યું?

ભાઇ જયેશ અઘ્યારૂ, આ ફિલ્મ જોઇને એના વિશે અહીં લખવા અંગે શું વિચાર છે? કે પછી તમારા માટે તેનું તમિલમાં ડબિંગ કરાવવું પડશે?-)

ભગવતીકુમાર શર્માની આત્મકથાઃ સુરત, મુજ ઘાયલ ભૂમિ

આવતી કાલે ભગવતીકુમાર શર્મા (જન્મઃ૩૧-૫-૧૯૩૪)ને ૭૫ વર્ષ પૂરાં થશે. આ મહિનાની ૧૫મી તારીખે તેમની દળદાર આત્મકથા ‘સુરત, મુજ ઘાયલ ભૂમિ’નું વિમોચન થયું.

નવલકથા અને ગઝલથી માંડીને હાસ્ય સુધીનાં સ્વરૂપો સફળતાપૂર્વક સિદ્ધ કરનાર ભગવતીભાઇ વર્ષો સુધી ‘ગુજરાતમિત્ર’નો પર્યાય બનીને રહ્યા. તેમની લાંબી જીવનકથાનાં હજુ તો ફક્ત પાનાં ફેરવ્યાં છે. પણ લાંબી લેખણે, રસાળ ઢબે વિગતો અને શબ્દચિત્રો આપવાની તેમની શૈલીને કારણે આત્મકથા પણ સમૃદ્ધ લાગે છે. સુરતનો અતીત તેમાં બહુ વિગતે આલેખાયો હોય એવું પણ પહેલી નજરે લાગ્યું.

ગુજરાત રાજ્યની સ્થાપના થઇ, એ દિવસે ભગવતીભાઇ સમારંભમાં હાજરી આપવા માટે ખાસ અમદાવાદ આવ્યા હતા અને સાંજે ‘ગુજરાત ક્વિન’ની પહેલવહેલી સફરમાં સુરત પાછા ફર્યા. તેમના લખાણથી જ જાણ્યું કે મારા જેવા અનેક લોકોની ‘હૃદયરાણી’ :-) ‘ગુજરાત ક્વિન’ની શરૂઆત ૧ મે, ૧૯૬૦ના દિવસે થઇ હતી! શરૂઆતનાં વર્ષોમાં તે અમદાવાદથી સુરત વચ્ચે ચાલી. પછી વલસાડ સુધી લંબાઇ.

આત્મકથાની કિંમત કદાચ વધારે લાગે, પણ તેનાં પાનાંની સંખ્યા જોતાં તે વાજબી ભાવ છે અને સામગ્રી વાંચ્યા પછી પૈસા વસૂલ લાગે એવી પૂરી સંભાવના પણ ખરી.

સુરત મુજ ઘાયલ ભૂમિઃ ભગવતીકુમાર શર્મા
પ્રકાશક સાહિત્ય સંગમ, પંચોલી વાડી સામે, બાવા સીદી, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧
ફોન- ૦૨૬૧-૨૫૯૭૮૮૨
કિંમત રૂ. ૫૦૦
પાનાં (મોટા કદનાં) - ૩૬૮
(તસવીર સૌજન્યઃ જનક નાયક, સુરત)

Friday, May 29, 2009

જયંત ગાડીતની વિદાય

(૨૬ નવેમ્બર, ૧૯૩૮, મુંબઇ - ૨૯ મે, ૨૦૦૯, વડોદરા)

નવલકથાકાર, વિવેચક અને છેલ્લા થોડા સમયથી ગાંધીજીના જીવન વિશેની મહાનવલ લખી રહેલા જયંતભાઇનું આજે વહેલી સવારે લ્યુકેમિયા (બ્લડકેન્સર)ની બીમારીથી અવસાન થયું છે. ૪૦ વર્ષ પહેલાં, ૧૯૬૯માં પ્રગટ થયેલી પહેલી નવલકથા ‘આવૃત્ત’ પછી ‘ચાસપક્ષી અને કર્ણ’, ‘એક અસ્વપ્ન સુખી જીવન’, ‘બદલાતી ક્ષિતિજ’, ‘શીખંડી’ તેમની બીજી જાણીતી નવલકથાઓ છે. એમ.એ., પીએચ.ડી. થયેલા જયંતભાઇ વિદ્યાનગરની સરદાર પટેલ યુનિવર્સિટીમાંથી નિવૃત્ત થયા હતા.

સંખ્યાત્મક રીતે ઓછું, પણ ગુણવત્તાની રીતે નોંધપાત્ર પ્રદાન કરનાર જયંતભાઇ વડોદરામાં રહીને ગાંધીજીના જીવન વિશે ચાર ભાગમાં, ૧૧૦૦-૧૨૦૦ પાનાંની નવલકથા લખી રહ્યા હતા. તેનું મોટા ભાગનું લેખનકાર્ય પૂરૂં થઇ ચૂક્યું હતું. તેમની બીમારીની જાણકારી અને હવે તેમની પાસે સમય નથી, એનો પૂરો ખ્યાલ હોવાને કારણે ઇમેજ પ્રકાશનના મહેશ દવે સહિત અન્ય મિત્રો-સ્નેહીઓએ નવલકથા છપાવવા અંગે હિલચાલ કરી હતી. ઊંઝા જોડણીના પ્રખર સમર્થક જયંતભાઇ સાર્થ જોડણીકોશના પ્રેરક ગાંધીજીના જીવન વિશેની નવલકથા ઊંઝા જોડણીમાં પ્રસિદ્ધ કરવા ઇચ્છતા હતા, એ અંગે થોડો ચણભણાટ પણ હતો. આટલી દળદાર નવલકથા કોણ પ્રકાશિત કરે એવો વ્યવસાય સહજ અવરોધ પણ ખરો.

છતાં, નવલકથાનું લેખન પૂરૂં થાય એ પહેલાં જ જયંતભાઇ ઉપડી ગયા. ગાંધી વિશે મહાનવલ લખવાની તેમની ઇચ્છા, મંજુલાબહેન ગાડીતની મદદથી અને કોઇ પણ જોડણીમાં, ફળે એ જ જયંતભાઇને નક્કર અંજલિ ગણાશે.

(વિગતો-તસવીરઃ દિવ્યેશ વ્યાસ, બિનીત મોદી)

Thursday, May 28, 2009

...અને એક પત્ર જીતેલા ઉમેદવારોને

માનનીય સંસદસભ્યશ્રી,

તમારી આ જ તકલીફ છે.
તમે હાર્યા હોત તો તમને સહેલાઇથી ‘પ્રિય ભાઇ/બહેન’ના સંબોધનથી પત્ર લખી શકાયો હોત, પણ એક વાર તમે જીતો એટલે આગળ-પાછળ-ઉપર-નીચે ‘શ્રી’નો એવો ખડકલો થઇ જાય છે કે એમાં તમને શોધવાનું અઘરૂં થઇ પડે છે. આશા છે કે તમે પોતે તમારી જાતને- તમારા ‘આત્મા’ને એ ઢગલામાંથી ક્યારેક શોધી શકતા હશો.

ટ્યૂબના ખોખામાંથી બહાર નીકળેલી પેસ્ટ પાછી ટ્યૂબમાં નાખવાનું પ્રમાણમાં સહેલું છે, પણ જીતેલા માણસને સલાહ-શીખામણ આપવાનું અઘરૂં છે. આ સચ્ચાઇનો ખ્યાલ હોવાથી આ પત્ર તમને ઉપદેશ કે શીખામણ આપવા લખ્યો નથી. ફક્ત કેટલીક બાબતો યાદ કરાવવા લખ્યો છે.

વક્રતા તો જુઓ! વૈકલ્પિક રોજગારની જરૂર ચૂંટણી હારનાર ઉમેદવારને પડે, પણ એવી તકો જીતેલા લોકોને મળે છેઃ જીત પછી ફૂલનો એટલો ઢગ ખડકાય છે કે ફૂલની દુકાન શરૂ કરી શકાય. અભિનંદનનો એટલો વરસાદ થાય છે કે કૃત્રિમ વર્ષાના બીજા કોઇ પ્રયોગને આટલી સફળતા નહીં મળતી હોય. તમને હરાવવામાં નિષ્ફળ જનારા ઘણાખરા લોકો ખેલદિલીના નામે તમારી સાથે તૂટી ગયેલો પૂલ એમની તરફથી ફરી ઉભો કરવાનો પ્રયાસ કરે છે.

સીધાંસાદાં લગ્ન નહીં, પણ નાસીને લગ્ન કરનાર ધારેલા સ્થળે પહોંચ્યા પછી દુનિયા તરફ નજર નાખતાં જેવો વિજેતાભાવ અનુભવે (‘જખ મારે છે દુનિયા! મારી સામે પડનારાએ શું ઉખાડી લીઘું?’) કંઇક એ જ પ્રકારની લાગણી અત્યારે તમને થતી હશે એ કલ્પી શકાય છે. છતાં એક બાબતે મારી સહાનુભૂતિ તમારામાંથી ઘણા બધાની સાથે છે.

આ ચૂંટણી પહેલાં કેટકેટલાં અરમાન તમે સેવ્યાં હતાં! ઘણા ઉમેદવારોને એવાં સ્વપ્ન આવતાં હતાં કે એ ચૂંટણી જીતી ગયા પછીના દિવસોમાં માણસ મટીને ઘોડો બની ગયા છે! ત્રિશંકુ પરિણામોની અપેક્ષા હતી અને સરકાર બનાવવા માટે એકેએક જીતેલા ઉમેદવારની કિંમત ઉપજવાની હતી. ત્યાર પછીનું ‘હોર્સટ્રેડિંગ’ ચાલતું હોવાનાં મઘુર સ્વપ્નાં ઘણાને રોજ વહેલા પરોઢિયે આવવાં શરૂ થઇ ગયાં હતાં. એ સ્વપ્નમાં એવું પણ આવતું હતું કે જે ‘ઘોડો’ ન બને તે ‘ગધેડો’ ઠરે. આખી ચૂંટણીપ્રક્રિયામાં ન ખર્ચાઇ હોય એટલી રકમ હોર્સટ્રેડિંગના બે-ચાર દિવસમાં વિજેતાઓને મળવાની હતી. વિજેતાઓ આખરે હતા તો ભારતના જ. એટલે બીજી રીતે જોઇએ તો, સ્વિસ બેન્કમાંથી અને બીજી બેન્કોમાં સંઘરાયેલું ભારતીય નેતાઓનું અઢળક નાણું સ્વદેશ પાછું ઠલવાવાનું હતું. દિવાળી સિવાય આવી પડનારી આ ધનતેરસ ઉજવવા સૌ તલપાપડ હતા. પણ ભારતીય લોકશાહીનાં એવાં નસીબ ક્યાં કે નેતાઓએ આપેલા વાયદા આટલા ઝડપથી પૂરા થાય!

સાર એટલો કે જીતીને હારી જવાનું કે હારીને જીતી જવાનું ફક્ત સાહિત્યમાં નથી આવતું. આ ચૂંટણીમાં પણ ઘણા જીતેલા હાર્યા છે. કારણ કે એ લોકો સાંસદ તરીકે અમુક હજાર રૂપૈડીનો પગાર કે મફત ટિકીટોના આકર્ષણથી લડ્યા ન હતા. લૂંટારૂ મનોવૃત્તિ ધરાવતા સૈનિકો હારી ગયેલા દુશ્મનના શરીર પરથી ઘરેણાં ઉતારવાનું ઘ્યેય રાખે છે, પણ એવા સૈનિકો કદી રાજા નથી બની શકતા. રાજા બનવા ઇચ્છનારા પરાજિતોનાં ઘરેણાં પર નહીં, સામ્રાજ્ય પર નજર બગાડે છે. મહત્ત્વાકાંક્ષી ઉમેદવારો સાંસદ તરીકેનાં ભાડાંભથ્થાં-પગારથી કદી ઇતિશ્રી માનતા નથી. ‘સંતોષી નર સદા સુખી’ એ કહેવત રાજકારણના ધંધામાં કામની નથી.

ચૂંટણીયુદ્ધમાં જીતવાની સંભાવના ધરાવતા લોકોએ આ વખતે બહુ ઉંચાં નિશાન તાક્યાં હતાં. તેમાંથી જે હારી ગયા એમનો કોઇ સવાલ રહેતો નથી. કેમ કે તે હારી ગયા છે. પણ ખરી અફસોસજનક સ્થિતિ તમારામાંથી- જીતેલા ઉમેદવારોમાંથી- ઘણાબધાની થઇ છે. જીત પછી ઘણા ઉમેદવારો ઘોડાને બદલે બકરીમાં ફેરવાઇ ગયા હોય એવાં સ્વપ્ન હવે તેમને આવે છેઃ હોર્સટ્રેડિંગની- ખુલ્લેઆમ ખરીદવેચાણની સ્થિતિ પેદા થવાને બદલે જાણે બકરીઓ ડબ્બામાં આવી ગઇ.

લોકશાહી મૂલ્યવાન છે એ સૌ જાણે છે, પણ તેનું મૂલ્ય ખરેખર કેટલું છે એ હોર્સટ્રેડિંગની પ્રક્રિયા વખતે જ ખબર પડે છે. અઘ્યાત્મવાદી ભારતીયો લોકશાહીનું મૂલ્ય રૂપિયાપૈસામાં અંકાય તેની સામે નાકનું ટીચકું ચડાવે છે, પણ પાશ્ચાત્ય દેશોમાં ફૂટબોલ ખેલાડીઓના પગથી માંડીને ગાયકોના ગળાની અને હીરોઇનના દેખાવની કિંમત કરોડો ડોલરમાં અંકાય છે. એ પરંપરા મુજબ દર પાંચ વર્ષ એક વાર પ્રજાને લોકશાહીની કિંમત રૂપિયાપૈસામાં, ભલે હોર્સટ્રેડિંગ થકી, જાણવા મળે એમાં ખોટું શું છે? માણસની ગરીબી અને તેના સુખ જેવી ભાવવાચક ચીજોના આંક કાઢી શકાતા હોય તો લોકશાહીના આંક જેવા હોર્સટ્રેડિંગ સામે વિરોધ શા માટે?

હોર્સટ્રેડિંગનો કિમતી અને મૂલ્યવાન અનુભવ ગુમાવનારા હે વિજેતા સાંસદો! નિરાશ થશો નહીં. આ ચૂંટણીમાં નહીં તો આવતી, આવતી નહીં તો તેની પછીની ચૂંટણીમાં, ત્રિશંકુ પરિણામો જરૂર આવશે. આશા અમર છે અને હોર્સટ્રેડિંગ પણ એટલી ઝડપથી મરે એમ લાગતું નથી.

નવા ચૂંટાયેલા સાંસદોમાંથી ઘણાને સંસદમાં જઇને ખરેખર શું કરવાનું છે એ વિશે ચોક્કસ ખ્યાલ હોતો નથી. સમાચારો વાંચીને અને ટીવી પર જોઇને સંસદમાં જનારા લોકો પોતાનો અવાજ બરાબર ખુલે એ માટે મીઠાના પાણીના કોગળા કરવાથી વિશેષ કોઇ તૈયારી કરતા નથી. સંસદનું જીવંત પ્રસારણ જોઇ ચૂકેલા કેટલાક ઉમેદવારો પહેલી વાર પ્રસ્થાન કરતાં પહેલાં થોડા દિવસ જિમ્નેશ્યમમાં જઇને બાવડાં મજબૂત કરવા પ્રેરાય તો પણ નવાઇ નહીં.

ઘણા નવોદિતોને માત્ર એટલો ખ્યાલ હોય છે કે સંસદમાં ફક્ત આપણા (સાંસદોના) પગારવધારા પર ચર્ચા કરવાનું અને તેનો ખરડો પસાર કરવાનું કામ થાય છે. તો કેટલાકને એવું હોય છે કે સંસદમાં જવાથી આપણા નામનાં બસસ્ટેન્ડ અને બાંકડા મુકાવી શકાય છે. સંસદભવનમાં આવેલા ભવ્ય અને સમૃદ્ધ પુસ્તકાલય વિશે ઘણા સભ્યો અનેક મુદતો પછી પણ સાવ કોરાધાકોર હોય છે. એ બધાની સમજણને દાદ આપવી પડેઃ શહેરમાં લાયબ્રેરી ઓછી છે તે દિલ્હીમાં જઇને લાયબ્રેરીમાં જવું? અને એથી પણ વધારે અગત્યનો મુદ્દોઃ થોથાંમાં રસ પડતો હોત તો રાજકારણમાં શું કામ આવત?

છેલ્લે તમને સૌને એટલું જ કહેવાનું કે રાજકારણમાં હાર કાયમી નથી, એમ જીત પણ કાયમી નથી. અહીં અમરત્વની કોઇ યોજના નથી. બસસ્ટેન્ડનાં પાટિયાં કે બાંકડા પર પોતાનું નામ વાંચીને એવો ભ્રમ ન સેવતા કે અશોકના શિલાલેખોની જેમ સદીઓ પછીના સંશોધકો આ બાંકડા ને આ બસસ્ટેન્ડ ખોળી કાઢશે અને તેની પરનાં નામ વાંચીને કહેશે,‘ઓહોહો! ભારતવર્ષમાં કેવા પ્રજાવત્સલ રાજવીઓ થઇ ગયા!’

દિલ્હી જઇને તબિયત સાચવજો. ગરમી બહુ પડે છે. ક્યાંક માથે ન ચડી જાય.
તમારો શુભેચ્છક

Tuesday, May 26, 2009

ગૂગલ ગુજરાતી

એક દાયકા પહેલાં આવું મથાળું હોત, તો ગઝલપ્રેમીઓ મનોમન વિચારતા હોત,‘આવા કોઇ શાયરનું નામ સાંભળ્યું નથી. કોઇ નવોદિત લાગે છે.’

હવેના જમાનામાં એવી ચોખવટોની જરૂર નથી. મિત્ર પ્રણવ અઘ્યારૂએ ગૂગલની ટ્રાન્સલિટરેશન સર્વિસ તરફ ઘ્યાન દોર્યું. એ બીજી કેટલીક ભાષાઓમાં ઉપલબ્ધ હોવાનો આછો ખ્યાલ હતો, પણ ગુજરાતી વિશે હમણાં ખબર પડી. એટલે થયું કે એટલી વાત અહીં મૂકું. કદાચ કોઇને કામ લાગે.

નેટ કનેક્શનના વાંધા ન હોય એવા લોકો સીધા આ લિન્ક પર જાય http://www.google.com/transliterate/indic

ભાષા (ગુજરાતી કે હિંદી) પસંદ કરે અને અંગ્રેજી લિપીમાં શબ્દો લખે.

શબ્દ લખીને સ્પેસ આપતા જાવ તેમ શબ્દ પસંદ કરેલી ભાષામાં ફેરવાતો જશે. કહેવાની ભાગ્યે જ જરૂર હોય કે આ ફોન્ટ યુનિકોડ છે.

આ સેવાની મર્યાદા અત્યારે એટલી જ છે કે ઓફ લાઇન કશું ટાઇપ કરીને, તેને ટ્રાન્સલિટરેશન બોક્સમાં પેસ્ટ કરવાથી આખા મેટરનું ટ્રાન્સલિટરેશન થતું નથી. ટૂંકમાં નેટ હાથવગું હોય એમના માટે (જ) કામનું છે.

આ સેવા વિશે મને બહુ મોડી ખબર પડી હોય, તો વીર રસિક ‘ટેકી’ (techie) જનોએ ઠપકો આપવાની તસ્દી લેવી નહીં:-)

http://www.google.com/transliterate/indic

Monday, May 25, 2009

બ્લેકહોલનાં રહસ્યો જેટલો જ રસ ગુજરાતીના ભવિષ્યમાં ધરાવતા ભાષાપ્રેમી વૈજ્ઞાનિકઃ ડૉ.પંકજ જોષી

ફિલ્મના હીરોની જેમ વૈજ્ઞાનિકની પણ આપણા મનમાં એક છબી/ઇમેજ હોય છેઃ ન્યૂટન કે આઇન્સ્ટાઇન જેવાં જટીયાં (વાળ), ડાર્વિન જેવી દાઢી, ભૂલકણા પ્રોફેસરની સુધરેલી (કે બગડેલી) આવૃત્તિની માફક દુનિયાદારી અને દુનિયાના વાસ્તવિક સવાલો વિશેનું અજ્ઞાન અને એમની ભાષા? ગુજરાતી સિવાયની કોઇ પણ!

વૈજ્ઞાનિકો વળી ગુજરાતીમાં વાત કરતા હશે? અને ગુજરાતીમાં વાત કરે એમનો વૈજ્ઞાનિક તરીકે પ્રભાવ પડતો હશે? કંઇક આવું વિચારીને, એક સ્કૂલના સંચાલકોએ પંકજ જોષીને સહેજ ટોક્યા હતા. કહ્યું કે ‘તમે ગુજરાતીમાં બોલો ને અમારા ઈંગ્લીશ મીડિયમનાં છોકરાંને બહુ મઝા ભલે પડતી હોય, પણ ભાઇસા’બ, અમારી અને ભેગી તમારી આબરૂનો તો થોડો ખ્યાલ કરો!’

આયોજકોએ મોટા ઉપાડે, સ્ટીફન હોકિંગ જેવા સેલિબ્રિટી વૈજ્ઞાનિકની પંગતમાં મુકાતી હસ્તી તરીકે ડૉ.પંકજ જોષીને બોલાવ્યા હોય અને પંકજભાઇ શુદ્ધ છતાં માસ્તરીયા નહીં એવા, કાઠિયાવાડી છાંટ ધરાવતા ગુજરાતીમાં ખગોળશાસ્ત્રની વાતો શરૂ કરી દે, તો એમને બીજું શું કહેવાય? જ્ઞાનને બદલે જ્ઞાનના માઘ્યમ (ઈંગ્લીશ મીડિયમ)ના મોહમાં પડેલાં વાલીઓ અને સ્કૂલસંચાલકો એ સ્વીકારી શકતાં નથી કે આત્મીયતાના અમીસ્પર્શવાળું ગુજરાતી બોલનાર કોઇ માણસ વિજ્ઞાનમાં આંતરરાષ્ટ્રિય નામના ધરાવતો હોય. પરંતુ ડૉ. પંકજ જોશીના મનમાં એવી કોઇ અવઢવ નથી. એટલે જ તે બ્લેકહોલ અને ‘નેકેડ સિંગ્યુલારિટી’ જેટલી જ સહજતાથી માતૃભાષાના મહત્ત્વ વિશે વાત કરી શકે છે.

વૈજ્ઞાનિક આલમમાં ભારે પ્રતિષ્ઠા ધરાવતા, દોઢસો વર્ષથી પણ વઘુ જૂના સામયિક ‘સાયન્ટિફિક અમેરિકન’ના ફેબ્રુઆરી, ૨૦૦૯ના અંકમાં ડૉ. પંકજ જોષીનો નેકેડ સિંગ્યુલારિટી વિશેનો લેખ કવરસ્ટોરી તરીકે પ્રગટ થયો. ભારતીય નામ ભાગ્યે જ વાંચવા મળતાં હોય - કદીક હોય તો પણ એ એન.આર.આઇ.નાં- ત્યાં ડૉ.પંકજ જોષી જેવા નખશીખ ગુજરાતીનો અંગ્રેજી લેખ કવરસ્ટોરી બને, એ ઘટના ‘સમાચાર’ ગણાઇ હતી. સમાચારસંસ્થા પીટીઆઇએ તેના સમાચાર જારી કર્યા હતા.

એવું તે શું હતું એ લેખમાં? ‘સ્કોપ’-‘સફારી’ જેવા સામયિકોના વાચક રહી ચૂકેલા લોકો માટે બ્લેકહોલ અજાણ્યો વિષય નહીં હોય. સૂર્યની જેમ તેનાથી અનેક ગણું મોટું કદ ધરાવતા તારા હાઇડ્રોજનના બળતણના જોરે ‘દિવાળી’ (કે હોળી) મનાવતા હોય છે. લાખો વર્ષ પછી એક સમય એવો આવે છે, જ્યારે હાઇડ્રોજનનું બળતણ ખૂટે છે. પોતાના પ્રચંડ ગુરૂત્વાકર્ષણ હેઠળ તારો સંકોચાય છે, ભીંસાય છે અને એ પ્રક્રિયા આગળ વધતાં છેવટે એક તબક્કો એવો આવે છે, જ્યારે તારો મહાપ્રચંડ ગુરૂત્વાકર્ષણ ધરાવતા એક ટપકામાં સમેટાઇ જાય છે. ભીષણ ગુરૂત્વાકર્ષણ ધરાવતું એ ટપકું ‘સિંગ્યુલારિટી’ કહેવાય તરીકે ઓળખાય છે.

અત્યાર સુધી એવી માન્યતા હતી કે દરેક સિંગ્યુલારિટીરૂપી ટપકું ‘ઇવેન્ટ હોરિઝોન’ તરીકે ઓળખાતું ‘આવરણ’ ધરાવે છે. સિંગ્યુલારિટી અને તેની ફરતે આવેલી ઇવેન્ટ હોરિઝોનની ‘વાડ’ મળીને બ્લેકહોલ બને છે.

બ્રહ્માંડના રબરીયા ચાદર જેવા પોતમાં તારા અને ગ્રહોની સાથે ઠેકઠેકાણે બ્લેકહોલ પણ અસ્તિત્ત્વ ધરાવતા હોવાનું મનાય છે. નામ પ્રમાણે કામ અને લક્ષણ ધરાવતા બ્લેકહોલ પોતે, કુખ્યાત ગેંગસ્ટરની માફક, કદી દેખા દેતા નથી. તેમના વિવિધ પ્રકારના પ્રભાવ-દુષ્પ્રભાવ પરથી તેમની હાજરી જણાતી રહે છે.

બ્લેકહોલરૂપી વિલનના અડ્ડાનો દરવાજો છે‘ ઇવેન્ટ હોરિઝોન’. ‘અહીંથી બ્લેકહોલની હદ શરૂ થાય છે’ એવું ચેતવણીસૂચક પાટિયું ત્યાં ખરેખર મારવું જોઇએ. એવી કોઇ ચેતવણીના અભાવે એક વાર કોઇ પણ પદાર્થ ઇવેન્ટ હોરિઝોનમાંથી દાખલ થયો, એટલે ખલાસ! ઇવેન્ટ હોરિઝોનમાં એક વાર ગયેલાં કદી પાછાં આવતાં નથી. એટલું જ નહીં, ઇવેન્ટ હોરિઝોનમાં ધુસ્યા પછી એ પદાર્થનું બહારની દુનિયા માટે અસ્તિત્ત્વ સમાપ્ત થઇ જાય છે. બ્લેકહોલમાં એન્ટ્રી પછી સિંગ્યુલારિટીરૂપી ઠોસ ઠળિયા સુધી પહોંચ્યા પછી ભીષણ ગુરૂત્વાકર્ષણ વચ્ચે પદાર્થની શી વલે થાય છે, તે બહારથી દેખાતું નથી. એક રીતે ઇવેન્ટ હોરિઝોનને લીધે ખગોળશાસ્ત્રીઓને નિરાંત પણ છેઃ એની પેલી બાજુ શું થાય છે એ દેખાતું જ નથી, એટલે દેખવું નહીં ને દાઝવું પણ નહીં. ત્યાં શું થાય છે એ બાબતે વૈજ્ઞાનિકોનું અજ્ઞાન ઢંકાયેલું રહે છે.

ખગોળશાસ્ત્રીઓને દઝાડે તો નહીં, પણ ચચળાવે એવી બાબત એ છે કે સમગ્ર બ્રહ્માંડમાં લાગુ પાડી શકાતા ભૌતિકશાસ્ત્રના અડીખમ નિયમો બ્લેકહોલમાં- સિંગ્યુલારિટીની આસપાસ લાગુ પાડી શકાતા નથી.

ભૌતિકવિજ્ઞાનમાં બ્રહ્મવાક્ય ગણાતી આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઓફ રિલેટીવીટી કહે છે કે મહાકાય તારાનું બળતણ ખૂટે એટલે તેમાં ભંગાણ પડે અને આખરે તે અનિવાર્યપણે સિંગ્યુલારિટીમાં ફેરવાય. પરંતુ તેની સાથે ‘ઇવેન્ટ હોરિઝોન’ રૂપી વાડ રચાય કે નહીં, એ વિશે આઇન્સ્ટાઇને ફોડ પાડ્યો નથી. તેની કસર પુરી કરવા ત્રણેક દાયકા પહેલાં પેનરોસ અને ત્યાર પછી સ્ટીફન હોકિંગ જેવા વૈજ્ઞાનિકોએ ગણતરી માંડીને જાહેર કરી દીઘું કે મહાકાય તારામાં ભંગાણને કારણે સિંગ્યુલારિટી રચાય, તેની સાથે ઇવેન્ટ હોરીઝોન બને, બને અને બને જ.

પરંતુ ડૉ.પંકજ જોષી જેવા કેટલાક સંશોધકોએ, આઇન્સ્ટાઇનની જનરલ થીયરીનો ભંગ કર્યા વિના, તેની અંદર રહીને જ વિવિધ મોડેલના આધારે ગણતરીઓ માંડી. તેના આધારે તેમણે દર્શાવ્યું કે ભીંસાતા તારાના પ્રચંડ ગુરૂત્વાકર્ષણને લીધે સિંગ્યુલારિટી તો બનવાની જ છે, પણ તેની ફરતે ઇવેન્ટ હોરિઝોનનું ‘આવરણ’ રચાતું નથી. એટલે કે, અનાવૃત્ત- આવરણ વગરની- ‘નેકેડ’ સિંગ્યુલારિટી રચાય છે. ડૉ. જોષી અને આ વિષય પર સંશોધન કરનારા જાપાની, ઇટાલિયન અને બીજા કેટલાક સંશોધકો પણ માને છે કે આવી અનાવૃત્ત/નેકેડ સિંગ્યુલારિટી બ્રહ્માંડમાં અસ્તિત્ત્વ ધરાવતી હોય એવી પૂરી શક્યતાઓ છે.

બ્લેકહોલમાં પદાર્થની સફર હંમેશાં ‘વન વે’ હોય છે. બ્લેકહોલ બઘું હજમ કરી જાય છે, પણ તેમાંથી કંઇ બહાર નીકળતું નથી. તેમની સરખામણીમાં નેકેડ સિંગ્યુલારિટી પ્રચંડ ગુરૂત્વાકર્ષણથી પદાર્થોને અંદર ખેંચે છે, તેમ પદાર્થોને બહાર પણ ફેંકી શકે છે. સૌથી રોમાંચક શક્યતા તો એ છે કે સિંગ્યુલારિટી આવરણ વગરની- નેકેડ હોય તો તેની તરફ ખેંચાતા પદાર્થનું સિંગ્યુલારિટી નજીક પહોંચ્યા પછી શું થાય છે, તેનું અવલોકન કરવા મળી શકે છે. ઇવેન્ટ હોરિઝોનની અભેદ્ય દીવાલ ધરાવતા બ્લેકહોલના કિસ્સામાં એ શક્ય બનતું નથી.

સિંગ્યુલારિટીને સમજાવવા માટે આઇન્સ્ટાઇનનાં સમીકરણો કામ લાગતાં નથી. તેના માટે ક્વોન્ટમ થિયરીની ‘માસ્ટર કી’ વાપરવાની થાય. પણ પાયાનો સવાલ એ છે કે નેકેડ સિંગ્યુલારિટીને સમજવાની શી જરૂર છે? બ્રહ્માંડમાં તેનું મહત્ત્વ શું છે? તેના ઘણા સંભવિત જવાબમાંનો એક જવાબ છેઃ નેકેડ સિંગ્યુલારિટીની અકળતા અને તેના વિશિષ્ટ ગુણધર્મો બાકીના બ્રહ્માંડને અસર પાડી શકે અને જે બ્રહ્માંડની ઘણી બધી બાબતો વિશે આપણે ‘જ્ઞાની’ અને નિશ્ચિંત થઇને બેઠા છીએ, તેમનો એકડો નવેસરથી ધૂંટવાનો થાય. જેમ કે, નેકેડ સિંગ્યુલારિટીનું અસ્તિત્ત્વ સાબીત થાય તો, સૂર્યની આસપાસ ફરતી પૃથ્વીને આઇન્સ્ટાઇનની જનરલ થિયરી ઓફ રિલેટીવીટી લગાડતી વખતે એક સંભાવના એ પણ વિચારવી પડે કે કોઇ નેકેડ સિંગ્યુલારિટીમાંથી છૂટેલો ગુરૂત્વાકર્ષણનો ધોધ પૃથ્વીને એક ધક્કો મારીને સૂર્યની ભ્રમણકક્ષાથી ક્યાંય દૂર ફેંકી શકે છે ! (ગભરાવાની જરૂર નથી. પૃથ્વીના કિસ્સામાં આવું બનવાની સંભાવના નહીંવત્ હોવાનું ડૉ. જોષી જણાવે છે.)

‘સાયન્ટિફિક અમેરિકન’ની કવરસ્ટોરીમાં તારાના વિકિરણોની થિયરી સંદર્ભે ડૉ. પંકજ જોષીએ ગુજરાતી ગણિતશાસ્ત્રી ડૉ.પ્ર.ચુ.વૈદ્યને પણ યાદ કર્યા છે. તારાનાં વિકિરણો બહાર કેવી રીતે જાય છે એ દર્શાવતી સાઠેક વર્ષ પહેલાંની ડૉ.વૈદ્યની થીયરીને ઉલટાવીને ડૉ.જોષીએ તેને તારાના ભંગાણના મામલે પ્રયોજી છે.

ડૉ.પંકજ જોષીની નેકેડ સિંગ્યુલારિટીની થિયરી દુનિયાભરના ખગોળરસિકો અને ખગોળશાસ્ત્રીઓમાં ચર્ચાઇ રહી છે. દરમિયાન, ડૉ. જોષી શું કરે છે? ગુજરાતીમાં ‘બ્રહ્માંડદર્શન’ જેવું માહિતીપ્રદ પુસ્તક લખી ચૂકેલા ડૉ. જોષી મુંબઇની ટાટા ઇન્સ્ટિટ્યુટ ઓફ ફન્ડામેન્ટલ રીસર્ચમાં કાર્યરત છે. તે અંગ્રેજીની ઘેલછા ધરાવતાં માતાપિતા-સ્કૂલસંચાલકો અને ગુજરાતની સરકારને સમજાવવાની કોશિશ કરે છે કે બાળકો અંગ્રેજીમાં પારંગત ભલે બને, પણ ગુજરાતીના ભોગે નહીં. આ હેતુ માટે તેમણે ગુજરાતના દરેક જિલ્લામાં નમૂનારૂપ નિશાળો બનાવવા માટે અને સરકારી શાળાઓનું સ્તર સુધારવા માટે તત્કાળ પગલાં લેવાની અપીલ કરી છે.

થોડા સમય પહેલાં અમદાવાદ આવેલા ડૉ.જોષી ગુજરાતી માઘ્યમની નિશાળો અને ગુજરાતીની ઉપેક્ષાથી એટલા ચિંતિત છે કે તેમની સાથેની અંગત વાતચીતમાં મોટા ભાગનો સમય નેકેડ સિંગ્યુલારિટીને બદલે ગુજરાતીની ‘નેકેડ રીઆલીટી’/નગ્ન વાસ્તવિકતાની ચર્ચામાં જ જાય છે!
(photos : urvish kothari)

Friday, May 22, 2009

હારેલા ઉમેદવારને પત્ર

પ્રિય ભાઇશ્રી/બહેનશ્રી,

તમે જોયું હશે કે કોઇ સ્વજન ગુજરી જાય ત્યારે આપણે ઓળખતા ન હોઇએ એવા ઘણા લોકોના કાગળ પણ આપણી પર આવે છે. એમાં શરૂઆતની લીટીઓમાં ખરખરો કર્યા પછી પોતાની સંસ્થાની વિગત સાથે જણાવ્યું હોય છે કે જે ગયા એમને સારા ઠેકાણે મોકલવા હોય અથવા એ તો જ્યાં ગયા ત્યાં, પણ તમારે ભવિષ્યમાં સારી જગ્યાએ જવું હોય તો અમારી સંસ્થામાં દાન કરો.

આ કાગળ તમને અજાણ્યા તરફથી આવેલો લાગશે, પણ એમાં આવી કોઇ સ્કીમ નથી. ‘તમે હાર્યા છો છતાં મતદારોનો આભાર માનવા માગો છો? તો વાજબી ભાવમાં તમારી જાહેરાત છાપી આપીશું’ એવી કોઇ દરખાસ્ત પણ આ પત્ર સાથે નથી. માત્ર ને માત્ર આશ્વાસન આપવાના અને તમારૂં દિલ હળવું કરવાના હેતુથી તમને આ પત્ર લખ્યો છે.

સૌથી પહેલાં તો, થવાકાળ થઇ ગયું. આ વખતે નસીબમાં ફક્ત પક્ષના જ પૈસા લખેલા હશે. એટલે ચૂંટણીપ્રચાર માટે ઉઘરાવેલા અને પક્ષે આપેલા ભંડોળમાંથી જેટલી બચત થઇ એટલી ખરી. મંદીના આ જમાનામાં સંતોષી રહેવું અને યાદ રાખવું કે એ મૂડી પર પાંચ વર્ષ ચલાવવાનું છે ને આવતી વખત માટે ટિકીટ પણ લેવાની છે.

ઘણા લોકો તમને કહેવા આવશે કે હાર અને જીત એક સિક્કાની બે બાજુઓ છે. એ વખતે મહેરબાની કરીને એવું ન પૂછશો કે ‘ક્યાં છે સિક્કો?’ એમનો કહેવાનો મતલબ તમને આશ્વાસન આપવાનો છે. આવા લોકોથી તમને કંટાળો આવતો હોય તો છાપામાં ‘દુઃખદ સમાચાર’ના મથાળા હેઠળ, બેસણાવિભાગમાં એક જાહેરખબર આપી દેજો. તેનું લખાણ કેવું હોઇ શકે તેનો એક નમૂનોઃ

‘તા.૧૬ મેના રોજ જાહેર થયેલાં ૧૫મી લોકસભાની ચૂંટણીનાં પરિણામોમાં અમારી ભવ્ય હાર થઇ છે. મતદારેચ્છા આગળ આપણે સૌ લાચાર છીએ. તેમની લીલા લીલા અકળ છે. કાળચક્રની ગતિ કોણ રોકી શક્યું છે? લૌકિક ક્રિયા રાખી નથી. કાણ-મોંકાણ બંધ છે. બેસણું પણ રાખવામાં આવ્યું નથી.’

હાર વખતે અસ્વસ્થ થવું નહીં. એવું ભગવાને ગીતામાં કહ્યું હોય કે ન કહ્યું હોય, પણ હાઇકમાન્ડે હુકમમાં તો કહ્યું જ છે. જાહેરમાં મોં હસતું રાખવાનો પણ ઉપરથી આદેશ મળતો હોય છે. આવી વખતે હાઇકમાન્ડનો આદેશ પાળવો. કેમ કે, તુલસી ‘હાય’ કમાન્ડકી કભુ ન ખાલી જાય!

લોકસભા જેવી ચૂંટણી હારી જઇએ અને દિલ્હીથી દૂર રહેવાનો વારો આવે ત્યારે ઘરમાં મોટી સાઇઝની, સંસદમાં હોય છે એ પ્રકારની એક ખુરશી અને તેની આગળ માઇક ધરાવતું એક ટેબલ સુપરસ્ટોરમાંથી- અથવા આર્થિક સ્થિતિ પ્રમાણે ગુજરી બજારમાંથી - ખરીદી લાવવાં. જ્યારે પણ બેચેની જેવું લાગે અને દિલ્હીની યાદ સતાવે, ત્યારે આંખ બંધ કરીને એ ખુરશી પર બેસી જવું. એટલે કે, એ ખુરશી પર બેસીને આંખ બંધ કરી દેવી. આમ કરવાથી દિલ્હીમાં બેઠા હોવાનો અહેસાસ થશે.

આયુર્વેદના પ્રખર પ્રેમીઓ પણ હાર પચાવવા માટેની ફાકી શોધી શક્યા નથી. પચવામાં એ ઘી કરતાં પણ વધારે કઠણ છે, એવું અનુભવીઓ કહે છે. તમારે તો એમ વિચારીને રાજી થવું જોઇએ કે તમારી ગણતરી હવે અનુભવીમાં થશે. થોડા વખતથી બાબા રામદેવ બધાં દર્દોની દવા આપે છે. એમની પાસે કદાચ હાર પચાવવા માટેનું કોઇ આસન મળી જાય. જોકે, બાબા રામદેવનું એકેય આસન ચાર પાયાવાળા ‘આસન’ની જગ્યા લઇ શકે એમ નથી.

હાર થાય અને જગતનો અંત નજીક લાગે ત્યારે યાદ રાખવું: કેવા કેવા લોકો હાર્યા છે? દેશના ગૃહપ્રધાન જેવા ગૃહપ્રધાન હારી જાય તો પછી આપણું શું ગજું? એવા વિચારો કરવાથી વિષાદ હળવો બને છે અને ભવિષ્યમાં ગૃહમંત્રીપદ સુધી પહોંચવાની આશા ઉજ્જવળ બને છે.

વિષાદ પરથી વિષાદયોગ અને અર્જુન યાદ આવ્યો. આપણી પરંપરામાં વનવાસનું આગવું મહત્ત્વ છે. પાંડવોએ વનવાસ વેઠ્યો હતો ને રામ-સીતા-લક્ષ્મણે પણ વનમાં જવું પડ્યું હતું. હારનારે એમ માનવું કે ચૂંટણીની હારે તેમને વનમાં જવાની અને પાંડવોની કે પ્રભુની સમકક્ષ થવાની તક પૂરી પાડી છે. ‘તેમાં હવે પછીના અઘ્યાય કે કાંડ ઉમેરવાની જવાબદારી હારનારની પોતાની રહેશે’ એટલી ચેતવણી રામાયણ-મહાભારતના કર્તાઓ તરફથી ઉમેરી શકાય.

હાર્યા પછી ઘણા લોકો ડીપ્રેશનમાં સરી પડે છે. પણ કેટલાક લોકો એટલા આનંદી રહે છે કે તેમની સામે જીતેલો ઉમેદવાર ડીપ્રેશનમાં સરી પડે! આ વખતે અનેક પક્ષો વચ્ચે બેઠકો વહેંચાઇ ગઇ હોત, તો જીતનારની દશા એવી ભૂંડી થાત કે તેમને આશ્વાસન આપવા માટે આવા પત્રો લખવા પડત. પણ લોકોનો સ્પષ્ટ ચુકાદો આવ્યો છે એટલે પત્ર મેળવવામાં તમારો નંબર લાગ્યો છે. તમારે એમ વિચારીને રાજી થવું જોઇએ અને ગૌરવપૂર્વક જાહેર કરવું જોઇએ કે જે ચૂંટણીમાં ભારતના પ્રજાજનોએ સ્પષ્ટ શબ્દોમાં જનાદેશ આપ્યો અને પંડિતો, પોલમ્પોલવાળા અને જ્યોતિષીઓ બધાને ખોટા પાડ્યા, એ ચૂંટણીનો હું હિસ્સો હતો.

ચૂંટણીમાં પરાજય થાય ત્યારે લોકશાહી પરંપરાની અને લોકોનો ચુકાદો માથે ચડાવવાની વાતો કરવાની જૂની અને જાણીતી પરંપરા છે. ખરેખર, ચુકાદો માથે ચડાવવાનો સવાલ નથી હોતો! જે લમણે અફળાય, એ માથે ચડાવ્યા વિના છૂટકો છે? પણ એવા વિચારો કરીને જીવને મૂંઝવવો નહીં અને સુખમાં રહેવું.

ચૂંટણી કંઇ શારીરિક યુદ્ધ નથી. શારીરિક યુદ્ધમાં હારનારાને બીજી તક નથી હોતી. ચૂંટણી તો આત્માનું યુદ્ધ છે. શરીર એક ચૂંટણી હારી જાય તો પણ આત્મા તો બીજી ચૂંટણી લડવા તત્પર હોય છે. હાઇકમાન્ડ જ્યાં સુધી ટિકીટ આપ્યા કરે ત્યાં સુધી આત્મા કદી પરાજિત ભાવ અનુભવતો નથી. કારણ કે તે અમર છે. પરાજય તેને ડગાવી શકતો નથી ને અપમાન તેને ચળાવી શકતું નથી.

પત્ર કંઇક વઘુ પડતો લાંબો થઇ ગયો. પણ આશ્વાસન આપવાની એવી મઝા આવતી હોય છે કે લંબાઇનું ભાન રહેતું નથી. તમે બીજાને આશ્વાસનો આપ્યાં હશે એટલે તમને પણ ખ્યાલ હશે જ.

જીતેલા ઉમેદવારોનો ‘પ્રસાદયોગ’ ચાલતો હોય ત્યારે ઝાઝો સમય તમારૂં વિષાદયોગમાં રહેવું રાષ્ટ્રહિત અને લોકશાહીના હિતમાં પણ નથી. ઉઠો, જાગો અને આગામી વિધાનસભાની તૈયારી કરવા મચી પડો.
તમારો શુભેચ્છક

Thursday, May 21, 2009

પ્રભાકરન વિશેનો ન ચૂકવા જેવો લેખ

http://www.tehelka.com/story_main41.asp?filename=Ne230509coverstory.asp

પ્રભાકરનના અંત સાથે એલટીટીઇનો ખેલ પૂરો થયો છે. એલટીટીઇ વિશે તેના કેમ્પમાં અવરજવર ધરાવતાં પત્રકાર અનિતા પ્રતાપ લખતાં હતાં- એમણે એક પુસ્તક પણ લખ્યું હતું- એ યાદ આવે છે. પણ આ વખતના તહલકામાં ફોટોજર્નાલિસ્ટ શ્યામ ટેકવાણીએ લખેલો લેખ કોઇ પણ દૃષ્ટિએ જોતાં અદ્ભૂત છે. એમાં પ્રભાકરનનાં કદી ન જોયેલાં-જાણેલાં પાસાં જોવા મળે છે. એલટીટીઇની કે પ્રભાકરનની સ્ટોરીમાં કોઇ પણ પ્રકારનો રસ ધરાવતા સૌએ આ લેખ ચૂકવા જેવો નથી.

http://www.tehelka.com/story_main41.asp?filename=Ne230509coverstory.asp

તેમાં શ્યામે લખેલો એક મુદ્દો ખાસ ઘ્યાન ખેંચે એવો છેઃ આ પ્રકારના લોકો દ્વારા થતો પત્રકારોનો ઉપયોગ. પ્રભાકરને અપરાજેય યોદ્ધા તરીકેની પોતાની છબી ઉપસાવવામાં પત્રકારોનો બખૂબી ઉપયોગ કર્યો હોવાનું શ્યામે લખ્યું છે. એક્સક્લુઝીવ સ્ટોરીની લાલચમાં પત્રકારો ક્યારે પ્રભાકરનો અને દાઉદોને જાણ્યે અજાણ્યે હીરો બનાવી દે છે, તેની સરત રહેતી નથી અને ખ્યાલ આવે છે ત્યારે બહુ મોડું થઇ જાય છે.

Monday, May 18, 2009

ચૂંટણી પરિણામો ૩ # સાવ ખોટી અને તદ્દન સાચી આગાહી

ચૂંટણીનાં અણધાર્યાં પરિણામો વિશે રાજકીય પત્રકારો-લેખકો-સમીક્ષકોએ કઇ હદે ધારી લીધાં હતાં તેના ત્રણ નમૂના, પરિણામોના બીજા દિવસે દિવ્ય ભાસ્કર, સંદેશ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટનાં અખબારો (જન્મભૂમિ-ફૂલછાબ-કચ્છમિત્ર)ની રવિપૂર્તિમાં જોવા મળ્યા. કોઇ પણ પ્રકારના અંગત દ્વેષ કે દુર્ભાવ વિના, કેવળ અભ્યાસ લેખે, આ રહ્યાં એ લખાણઃ

‘દડો હવે રાષ્ટ્રપતિ પ્રતિભાના કોર્ટમાં’ - ‘પોઇન્ટ ઓફ ઓર્ડર’- અજય ઉમટ (દિવ્ય ભાસ્કર)

૧૫મી લોકસભામાં ફરી એક વાર ત્રિશંકુ સંસદનું નિર્માણ થયું છે. ૧૯૮૪માં ઇન્દિરાજીની હત્યા પછી ભારતીય લોકશાહીમાં છેલ્લાં ૧૫ વર્ષના ઇતિહાસમાં કોઇ પણ રાજકીય પક્ષ ૨૭૨નો જાદુઇ આંક પોતાની તાકાત પર મેળવવામાં નિષ્ફળ નીવડ્યો છે, ત્યારે આવનારા દિવસોમાં કોણ વડાપ્રધાન બનશે તે અંગે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલના નિર્ણય પર દેશની નજર છે.

(આ ઇન્ટ્રો ધરાવતા લેખનું એક વાક્ય)

હવે ૧૫મી લોકસભાનું પરિણામ આવી ચૂક્યું છે ત્યારે પ્રથમ દૃષ્ટિએ ખંડિત જણાતા જનાદેશમાં રાષ્ટ્રપતિની ભૂમિકા મહત્ત્વની સાબીત થશે...

‘અંડર કરન્ટ’- રાજેશ શર્મા (સંદેશ)

લોકસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ગયાં છે અને ધારણા પ્રમાણે જ કોઇ એક રાજકીય પક્ષને સ્પષ્ટ બહુમતિ મળી નથી. અત્યારે જે ચિત્ર ઉપસ્યું છે તે જોતાં આગામી એક અઠવાડિયું તડજોડનું રાજકારણ પૂરજોશમાં ચાલશે તે સ્પષ્ટ છે.

હવે કસોટી રાષ્ટ્રપતિની - રાજકીય પ્રવાહો- કુન્દન વ્યાસ

કુન્દનભાઇના લેખમાં મથાળા સિવાય બીજે ક્યાંય ખોટી પડે એવી અટકળ નથી. ‘પક્ષો કોને ખેંચી શકાશે તેની ગણતરીમાં હતા ત્યારે રાષ્ટ્રપતિ બંધારણીય જોગવાઇનો અભ્યાસ કરી રહ્યાં હતાં’ એવી સલામત ભાષામાં આખો લેખ છે.)

આનાથી સાવ સામા છેડાનો દાખલો સુરજિત ભલ્લાનો છે. ‘બિઝનેસ સ્ટાન્ડર્ડ’માં કોલમ લખતા અને એનડીટીવીની બિઝનેસ ચેનલ પર શો કરતા ભલ્લાએ તેમની કોલમ ‘નો પ્રૂફ રિક્વાયર્ડ’માં ‘મિડલ ક્લાસ એન્ડ ડેમોક્રેસી’ શીર્ષક હેઠળ બે લેખો લખ્યા હતા. તેમાંનો બીજો લેખ બરાબર પરિણામોના દિવસે છપાયો.

એ લેખમાં ભલ્લાએ ‘મિડલ ક્લાસ એન્ડ ડેમોક્રેસી’ થીસિસના આધારે, આખા ગામ કરતાં જુદી વાત કરતાં કહ્યું કે, બે મુખ્ય પક્ષો બાકીના પક્ષોને હાંસિયામાં ધકેલી દેશે. તેમણે અભ્યાસપૂર્વકનું ભારે જોખમ લઇને કહ્યું કે ૨૦૦૯ની ચૂંટણી ભારતમાં પ્રાદેશિક રાજકારણના અંતના આરંભ માટે ઇતિહાસમાં યાદગાર બની રહેશે. તેમની થિયરી એવી હતી કે ચૂંટણીમાં પ્રભાવી બની રહેલા મઘ્યમ વર્ગની આકાંક્ષાઓને કોમવાદ, પ્રાંતવાદ, ધાર્મિક કટ્ટરતા - આ બઘું તોફાન ખપતું નથી.

આ થિયરીના આધારે તેમણે પરિણામો પહેલાં કરેલી છ આગાહીઓઃ

૧) કોંગ્રેસ-ભાજપને સંયુક્ત રીતે ૧૯૯૮માં ૩૨૩ બેઠકો મળી હતી. આ વખતે એ બન્નેની બેઠકોનો સરવાળો ૩૨૩ની નજીક પહોંચી જશે.

૨) ડાબેરીઓને ૩૫ની આસપાસ બેઠોક મળશે. કદાચ ૩૦થી ઓછી પણ મળે.

૩) ઉત્તર પ્રદેશમાં મુલાયમ અને માયાવતીના જ્ઞાતિવાદી પક્ષોનો સફાયો તશે. બન્ને મળીને માંડ ૫૦ બેઠક મળે. કદાચ અડધે સુધી (૪૦ બેઠક સુધી) પણ માંડ પહોંચે.

૪) બિહારમાં જ્ઞાતિવાદી પક્ષો કાઠું કાઢી નહીં શકે.

૫) આસામથી કેરળ સુધીના પ્રાદેશિક, જ્ઞાતિવાદી અને વિચારધારાકીય (આઇડીઓલોજિકલ) પક્ષો માર ખાશે.

૬) તામિલનાડુમાં પ્રાદેશિક પક્ષોનો સફાયો થવો જોઇએ, પણ ૨૦૦૯માં એ શક્ય લાગતું નથી.

ભાજપને આકરો પરાજય મળ્યો તે પહેલાં ભલ્લાએ લખ્યું છે કે ભાજપે તેનાં ફ્રીન્જ એલીમેન્ટ્સ (તોફાની તત્ત્વો)થી દૂર જવું પડશે. મત ખેંચવામાં અને કકળાટ મચાવવામાં ભલે એ બહુ ઉપયોગી હોય. અમેરિકાના રીપબ્લિકન પક્ષમાંથી ભાજપ બોધપાઠ લઇ શકે છે. રીપબ્લિકનોએ ફ્રીન્જ એલીમેન્ટ્સ પર વઘુ પડતો આધાર રાખ્યો, એમાં ધોવાઇ ગયા.

ચૂંટણી પરિણામો 2 # અંગત આનંદ

ગુજરાતના મુખ્ય મંત્રી મોદી પોતે અને તેમના ભક્તોએ ઉભી કરેલી પ્રચારછબીથી વડાપ્રધાનપદના ઉમેદવાર ગણાવા લાગ્યા હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાઓથી ગુણવંત શાહો સુધીના સૌને તેમનામાં ભાવિ વડાપ્રધાનનાં દર્શન થતાં હતાં. તેમના માટે એ પદ વેંતછેટું હોય એવું છેલ્લા એકાદબે મહિનાના કવરેજ પરથી લાગતું હતું. પરંતુ પરિણામો પછી તેમનો રથ ભોંયમાં ઉતરી ગયો છે અને રાષ્ટ્રિય સ્તરે મોદીબ્રાન્ડના રાજકારણનો અસ્વીકાર થયો છે, તેનાથી મને બહુ આનંદ થયો છે.

મુખ્ય મંત્રી સાથે અંગત સ્તરે મારે શું વેર હોવાનું? પણ ગુજરાતની પ્રજા તેમની પર મોહી ગઇ છે તેનું મુખ્ય કારણ વિકાસ છે, એવું જ્યારે સાંભળું છું ત્યારે હસવું આવે છે. સાદી વાત એટલી જ છે કે મુખ્ય મંત્રી ‘એવો મરદ માણસ છે, જેણે મુસલમાનોને મારવાની છૂટ આપી.’ મોદી વિશેના મોટા ભાગના ગુજરાતીઓનાં વખાણને તર્કના તાપમાં ઉકાળો, તો છેવટે એક લીટીનો અર્ક આ જ નીકળશે.

મોદીની વહીવટી ક્ષમતા બીજા ઘણા નેતાઓ કરતાં સારી છે, પણ તેમના માટે પોતાની છબી અને પોતાની મહત્ત્વાકાંક્ષાની સરખામણીમાં બાકીનું બઘું ગૌણ છે. એ વાત તેમના પ્રશંસકો સમજી શકતા નથી અથવા સમજવા માગતા નથી.

મોદી ખાતા નથી ને ખાવા દેતા નથી એવું માનનારા લોકોએ શિક્ષણજગતના કોઇ પરિચિત પાસેથી આનંદીબહેન એન્ડ કંપનીનાં કારનામાં વિશે જાણવા જેવું છે. ગુજરાતમાં મોદી જશે તો નેતા તરીકે કોણ આવશે? એવી ચિંતાનો અર્થ એવો કે મોદીના પહાડ જેવડા દોષ નજરઅંદાજ કર્યે રાખવાના?

પરિણામો પછી ગુજરાતની પ્રજાની ‘બુદ્ધિ’નાં વખાણ કરતા એસએમએસ પણ વાંચવા મળ્યા. ‘ફૂલછાબ’માં એ મતલબનો લેખ પણ જોયો કે ગુજરાતીઓ કેટલા ડાહ્યા! રાજ્યમાં મોદીને અને કેન્દ્રમાં મનમોહનને મત આપ્યો! આ વાત સદંતર ખોટી છે. ગુજરાતીઓએ મનમોહનને મત આપ્યો છે, એમ કહેવું આંખમાં ઘૂળ નાખવા બરાબર અને ‘ગુજરાતીઓ કદી ખોટું કરે જ નહીં’ એવું મિથ્યાભિમાન સેવવા બરાબર છે. આવું મિથ્યાભિમાન ચડયા પછી અહિત કરવા માટે દુશ્મનની જરૂર રહેતી નથી.

Saturday, May 16, 2009

હાશ!

‘ચાલતા યંત્રે’ કેટલુંકઃ

  • શરદ પવાર, જયલલિતા, લાલુપ્રસાદ યાદવ, માયાવતી, મુલાયમસિંઘ યાદવ, પ્રકાશ કરાત- આ લોકોમાંથી કોઇ વડાપ્રધાન નહીં બને. માયાવતી વડાપ્રધાન બને તે એક રીતે એવું લાગે કે સારૂં, પણ પછી થાય કે તેમનાં લક્ષણ સમાનતા માટેનાં લડવૈયાનાં નથી. બીજા કોઇ પણ મહાભ્રષ્ટ અને સત્તાનો દુરૂપયોગ કરનારા નેતા જેવાં જ એ છે.
  • નરેન્દ્ર મોદી દિલ્હી જશે પછી ગુજરાતમાં કોનો વારો? એમ વિચારનારા અને પોતાના વારાની રાહ જોઇને બેઠેલા સૌએ હવે વઘુ રાહ જોવાની થઇ છે. ચાલુ શબ્દોમાં કહીએ તો, ઝાડ રહ્યું ને જગ્યા ગઇ!
  • વડાપ્રધાન બનવાની અડવાણીની ઇચ્છા અઘૂરી જ લઇને અડવાણીને સન્યાસ લેવો પડશે. અડધાપડધા કવિ વાજપેયી એમના કરતાં નસીબવાળા નીકળ્યા એમ કહેવા કરતાં, ભારતની તાસીર એ વધારે સમજ્યા એમ કહેવું પડે. કટ્ટરતાનું રાજકારણ ખેલનારા અડવાણીની સ્વીકૃતિ કદી એક હદથી વધી નહીં અને મોદી એમના જ પંથે ચાલી રહ્યા છે. મોદીને પીએમ-ઇન-વેઇટિંગ જાહેર કર્યા તે ભૂલ હતી, એવો ભાજપી એકરાર પણ સાંભળવા મળ્યો છે.
  • કોંગ્રેસે અને ભાજપે એક થઇ જવું જોઇએ એવી થીયરી ચલાવનારા ચિંતકો-સમીક્ષકો અને તેમના અનુયાયીઓને હવે પાંચ વર્ષ આરામ મળશે.
  • ટાઇમ્સ ઓફ ઇન્ડિયા અઠવાડિયાથી ‘મિસાઇલ મોદી’ લખી લખીને ભક્તિમાર્ગે ચઢી ગયું હતું. હવે આવતી કાલે એમાં શું મથાળું હશે? ‘મિસાઇલ મોદી બેકફાયર્ડ?’

Friday, May 15, 2009

ગિરીશભાઇ પટેલનો સન્માન સમારંભઃ કેટલીક આડવાતો

‘ફર્સ્ટ થિંગ ફર્સ્ટ’ ન્યાયે ગઇ કાલે સન્માન સમારંભનો વિગતવાર - કદાચ અત્યાર સુધીનો સૌથી લાંબો- અહેવાલ આપ્યા પછી આજે સમારંભને લગતી કેટલીક બીજી વાતોઃ
  • ગિરીશભાઇની પ્રવૃત્તિથી સતત વાકેફ હોય એવા મિત્રો પાસેથી જાણવા મળ્યું કે તે ‘એનજીઓ સંસ્કૃતિ’ના ખાસ્સા વિરોધી રહ્યા છે. તેમણે પોતે લોક અધિકાર સંઘને એનજીઓ બનવા દીધી નથી અને એનજીઓની નીતિરીતિથી સલામત અંતર રાખ્યું છે. એ જોતાં, ૭૫ વર્ષના ગિરીશભાઇના સન્માનની વાત ઉપાડનારા લોકોમાં ઘનશ્યામ શાહ જેવા બૌદ્ધિકો ઉપરાંત હનીફ લાકડાવાળા જેવા સ્વૈચ્છિક સંસ્થાના ક્ષેત્રનાં નામ હોય એ નોંધપાત્ર વક્રતા ન કહેવાય? પ્રકાશભાઇ (શાહ) કહે છે તેમ, એનજીઓની તમામ મર્યાદાઓ સહિત એમના સિવાય બીજું કોઇ પગ મુકવા ઠેકાણું- કોઇ જગ્યા જ ન રહી હોય, એ પણ એક વાસ્તવિકતા ખરી.
  • ગુણવત્તાની દૃષ્ટિએ સારી, પણ કાર્યક્રમમાં અપ્રસ્તુત એવી કવિતાઓ અને એવાં ગીતમાં એટલો સમય જાય કે છેલ્લે જેના માટે આ કાર્યક્રમ છે એ ગિરીશભાઇ બોલતા હોય ત્યારે ઝડપથી આટોપવા તેમને ચિઠ્ઠી મોકલવી પડે- એ ખટકે એવું હતું. લાંબા પટે બોલનારા ગિરીશભાઇએ બે દિવસ પહેલાં ‘ગુજરાતની રોયવાદી ચળવળનાં ૭૫ વર્ષ’ એ પુસ્તકના વિમોચન નિમિત્તે અછડતો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે ‘મારા સમારંભમાં હું જે બોલ્યો એ તો ફક્ત શરૂઆત જ હતી. પછીનું બઘું બાકી રહી ગયું.’ તેમણે થોડી અતિશયોક્તિ સાથે કહ્યું હોય તો પણ વાતમાં તથ્ય છે. જેનું સન્માન કરવાનું હોય એ વ્યક્તિ અને તેનું પ્રદાન આખા કાર્યક્રમમાં કેન્દ્રસ્થાને રહે એ જ ઇચ્છનીય છે. ‘ભાષણો સાંભળીને લોકો કંટાળી જશે’ એવી દલીલ સાચી પણ અસ્થાને છે. કારણ કે આવનારા મનોરંજનની અપેક્ષાએ નથી આવ્યા.
  • મહેશ ભટ્ટ જેવા ગિરીશભાઇના સમકાલીનને ચાર મિનીટ બોલવા મળે, ઘનશ્યામ શાહ જેવા વિદ્વાન અને આયોજકોમાંના એકને સાંભળવાની અપેક્ષા હોય, પણ તેમને સાંભળવાનો લાભ જ ન મળે, ત્યારે બીજા કાર્યક્રમોમાં ‘ખવાઇ’ ગયેલો સમય વધારે ખટકતો લાગે.
  • આવનારા પરથી યાદ આવ્યું. આવા કાર્યક્રમોમાં પોતાનું ઓડિયન્સ લઇને પહોંચી જતા લોકોના ઉત્સાહને જરા અંકુશમાં રાખવો જોઇએ. કારણ કે ‘એમના’ ઓડિયન્સને પોતાના નેતા સિવાય બીજા કશામાં રસ નથી હોતો. એટલે બાકીનો સમય એ ઓડિયન્સ દ્વારા થતો કલબલાટ બીજાએ સહન કરવો પડે છે. વાણીસ્વાતંત્ર્યમાં કલબલાટ-સ્વાતંત્ર્યનો સમાવેશ થતો નથી. કારણ કે તેનાથી બીજાનું શ્રવણ-સ્વાતંત્ર્ય જોખમાય છે.
  • કિશોરાવસ્થામાં ટીવી પર ક્રિકેટમેચ જોતો હતો ત્યારે એક વાતનું ભારે કૂતુહલ થતું હતું: અડધી પીચે ભેગા થતા બે બેટ્સમેન એકબીજા સાથે શાની વાતો કરતા હશે? કંઇક એવું જ કૂતુહલ ગિરીશભાઇના કાર્યક્રમમાં પણ થયું: મિત્ર આનંદ યાજ્ઞિક દર ત્રીજી કે પાંચમી મિનીટે મંચ પર બેઠેલા એક આયોજક હનીફ લાકડાવાળાના કાનમાં શું કહેતા હશે?

કાંકરિયાની એકાદ રેલીમાં આનંદભાઇને જ હું પૂછી લઇશ- અને એ કહેશે તો તમને પણ જણાવીશ.

Thursday, May 14, 2009

ગિરીશભાઇ પટેલનું સન્માન

(ડાબેથી) નિવૃત્ત ન્યાયાધીશ મહેતા, કુસમબહેન પટેલ, ગિરીશભાઇ પટેલ, અરૂણા રોય


છેવાડાના જણનો વ્યૂ

(ડાબેથી) નિવૃત્ત ન્યાયાધીશ મહેતા, નિવૃત્ત ન્યાયાધીશ રવાણી, ગિરીશભાઇ-કુસુમબહેન, અરૂણા રોય (સૌજન્યઃ બિનીત મોદી)

રવિવાર, તા. ૧૦-૫-૦૯, અમદાવાદ. આ દિવસે સવારે કોઇ આગંતુકે અમદાવાદના રેલવે સ્ટેશને, બસ સ્ટેન્ડે કે વિમાનઘરેથી બહાર નીકલીને કોઇ રિક્ષાવાળાને પૂછ્યું હોત કે ‘ભાઇ! અમદાવાદમાં સિવિલ સોસાયટી ક્યાં આવી?’
તો સંભવ છે કે જાણકાર રિક્ષાવાળો આઝાદ સોસાયટી કે બ્રાહ્મણ મિત્રમંડળ સોસાયટી જેવી કોઇ સોસાયટીનો વિચાર કરવાને બદલે અમદાવાદના ટાઉન હોલ પર લઇ આવ્યો હોત. કારણ કે એ દિવસે જેમને ‘અમદાવાદની સિવિલ સોસાયટી’ તરીકે ઓળખવામાં આવે છે, એવો મોટા ભાગનો સમુહ ત્યાં હાજર હતો. પ્રસંગ હતોઃ ધારાશાસ્ત્રી ગિરીશભાઇ પટેલનું સન્માન.
ગુજરાતના દલિતો-વંચિતો-આદિવાસીઓ-વિસ્થાપિતો-ખેતમજૂરો-શેરડી કામદારો-ફૂટપાથ પર રહેનારાં આવા અનેક અસીલોના કેસ હાઇકોર્ટમાં લડતાં લડતાં ગિરીશભાઇ પટેલ ૭૫ વર્ષના થયા.
ગિરીશભાઇનો ઉલ્લેખ પંદરેક વર્ષ પહેલાં પહેલી વાર અશ્વિનીભાઇ (ભટ્ટ)ના મોઢેથી સાંભળ્યો હતો. નર્મદા બચાવો આંદોલનમાં તે સાથે હતા અને જૂના મિત્ર પણ ખરા. ત્યારથી ગિરીશભાઇ વિશે એક અંતરથી પણ સતત જાણતા રહેવાનું થયું છે. તેમના પ્રત્યેના આદરને કારણે મારા જેવા અનેક લોકો રવિવારની સવારની લક્ઝરી છોડીને દસ -સાડા દસ વાગ્યે ટાઉન હોલ પર હાજર થઇ ગયા હતા.
સમારંભ લગભગ ત્રણ કલાકનો હતો. તેમાં વિનય-ચારૂલનાં ગીત અને નીરવ પટેલ-સાહિલ પરમાર-રાજુ સોલંકી-સરૂપ ઘુ્રવની કવિતાઓ પણ હતી. બે નિવૃત્ત ન્યાયાધીશો (જસ્ટીસ મહેતા અને જસ્ટીસ રવાણી) તો ખરા, પણ મુખ્ય મહેમાન તરીકે મેગ્સેસે પુરસ્કારથી સન્માનિત અરૂણા રોય હતાં. (એમને ‘મેગ્સેસે પુરસ્કાર વિજેતા’ ન કહેવાય! ફિલ્મફેર અને મેગ્સેસે પુરસ્કારમાં એટલો ફરક છે.)
નિવૃત્ત ન્યાયાધીશ રવાણીઃ ભારતનું બંધારણ ભૂખ્યું સૂતાં શીખી ગયું છે
કાર્યક્રમના આરંભે ગિરીશભાઇની બીજી-ત્રીજી પેઢીએ ‘પપ્પા’ અને ‘દાદા’ વિશે થોડી વાત કરી, થોડાં ગીત થયાં. પછી મહેમાનો ઉપર આવ્યા. ગિરીશભાઇનું સ્ટેન્ડિંગ ઓવેશનથી સ્વાગત થયું. ત્યાર પછી નિવૃત્ત જસ્ટિસ રવાણીએ કહ્યું કે ‘હું અહીં સંકોચ-શરમ સાથે આવ્યો છું. કારણ કે મેં ગિરીશભાઇને સક્રિય સાથસહકાર નથી આપ્યો.’ એક બાજુથી જોતાં રૌદ્ર તો બીજા બાજુથી જોતાં કરૂણામય ભાવ દેખાય એવી અજંતાની એક મૂર્તિ સાથે તેમણે ગિરીશભાઇને સરખાવતાં કહ્યું કે એમના રૌદ્ર સ્વરૂપનો લાભ મોટે બાગે તેમના શિષ્યોને મળ્યો છે. જ્યારે તેમને એવું લાગે કે ‘મેં આપેલા શિક્ષણનો કોઇ અર્થ નથી રહ્યો’ ત્યારે એ રૌદ્ર સ્વરૂપ પ્રગટ્યું છે.
ગિરીશભાઇના અભિવાદન સાથે રવાણીસાહેબે વર્તમાનની કઠોર વાસ્તવિકતાનો પણ ઉલ્લેખ કર્યો. ‘નવનીત સમર્પણ’માં અમૃતલાલ વેગડના લેખમાંથી એક આદિવાસી માતાનો કિસ્સો તેમણે ટાંક્યો. એ માતા પોતાનાં બાળકોને ભૂખ્યાં રહેવાની ટેવ પાડી રહી હતી. રવાણીસાહેબે કહ્યું,‘ભારતનું બંધારણ હવે આદિવાસી માતાનો પાઠ ભજવે છે. તે આક્રંદ કરતું મટી ગયું છે ને ભૂખ્યું સૂતાં શીખી ગયું છે.’
અદાલતના એસી ઓરડામાં કરૂણાનો અવાજ દબાઇ ગયો હોવાની વાત કરીને રવાણીસાહેબે સાવ નિરાશાપૂર્વક કહ્યું કે ‘સૂતેલાંને જગાડી શકાય, પણ જાગતાં સૂતાંને કેમ જગાડાય?’
ગિરીશ પટેલઃ કુટુંબ, કારકિર્દી અને સન્માન
દલિત પેન્થર ફેઇમ રમેશચંદ્ર પરમારે સન્માનપત્રનું વાચન કર્યું. તેમાંથી મળતી જાણકારી પ્રમાણે, અમદાવાદની મ્યુનિસિપલ સ્કૂલમાંથી ભણીને હાર્વર્ડમાંથી એલએલએમ થયેલા ગિરીશભાઇ માર્ક્સઅને ગાંધી, જેપી અને લોહિયાના રંગે રંગાયેલા રહ્યા, પણ કોઇ રાજકીય કંઠી ન બાંધી. લો કોલેજના આચાર્ય, સેનેટ-સિન્ડીકેટના સભ્ય અને લો કમિશનના સભ્ય પણ તે બન્યા. ૧૯૭૫થી હાઇકોર્ટમાં વકીલાત શરૂ કરનાર ગિરીશભાઇ લાખો કમાવાને બદલે ‘લોક અધિકાર સંઘ’ના નેજા હેઠળ વંચિતોના અધિકાર માટેના કેસ લડતા રહ્યા.
તેમને ૭૫ વર્ષ નિમિત્તે ગિરીશ પટેલ સન્માન સમિતિ તરફથી રૂ. ૩ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો. લોકજાગૃતિ ટ્રસ્ટ તરફથી રૂ.૧ લાખનો ચેક તેમને આપવામાં આવ્યો. એ ઉપરાંત આ સમારંભના સંચાલક સહિત ઘણા ખરા લોકો જેને ‘મોમેન્ટો’ કહે છે તે ‘મેમેન્ટો’ (સ્મૃતિચિહ્ન) પણ ખરાં. ચેક અરૂણા રોયે ગિરીશભાઇને અર્પણ કર્યો.
નર્મદા બચાઓ આંદોલનનાં નંદિનીબહેને ગિરીશભાઇનાં પત્ની અને તેમનાં સક્રિય સહયોગી કુસુમબહેન વિશે થોડી વાત કરીઃ ‘ફેરકુવામાં કડકડતી ઠંડીમાં આદિવાસીઓ સાથે અને મિલમજૂરોની ગેટમીટિંગમાં લડત આપતાં તથા એટલી જ સફળતાથી ઘરની જવાબદારી નિભાવતાં- કર્મશીલ સાથીદારોના અંગત જીવનની ચિંતા કરતાં મેં કુસુમબહેનને જોયાં છે. ઘણા કર્મશીલો માટે ગિરીશભાઇનો ફ્લેટ ઘર સિવાયનું બીજું આદર્શ ઘર- આઇડીયલ હોમ અવે ફ્રોમ હોમ- બની રહ્યું છે તેમાં કુસુમબહેનનો મોટો ફાળો છે.’ કુસુમબહેનને પણ સ્ટેન્ડિંગ ઓવેશન દ્વારા માન આપવામાં આવ્યું.
પુસ્તકો-કવિતા-ગીત
આ પ્રસંગે ગિરીશભાઇનાં અંગ્રેજી ચર્ચાપત્રો અને તેમની લડતો અંગેનાં ત્રણ પુસ્તકો પ્રકાશિત થયાં. (પુસ્તકો વિશે અલગથી લખીશ.) ત્યાર પછી ગિરીશભાઇ સન્માન સમિતિના સભ્ય અને સમારંભના સંચાલક હનીફ લાકડાવાળાએ સરૂપ ઘુ્રવને હવાલો સોંપ્યો. સરૂપબહેને થોડી ભૂમિકા બાંધીને વારાફરતી નીરવ પટેલ-સાહિલ પરમાર-રાજુ સોલંકીને કવિતાપાઠ માટે બોલાવ્યા. સરૂપબહેને પણ કવિતા વાંચી. કવિતાઓ સરસ હતી, પણ આ પ્રસંગ સાથે તેની પ્રસ્તુતતા (રેલેવન્સ)ના પ્રશ્નો થાય. ખાસ કરીને કાર્યક્રમ આટલો લાંબોલસરક (ભરઉનાળે ત્રણ કલાકનો) થયો હોય ત્યારે કવિતા અને ગિરીશભાઇની પસંદગીના- તેમની લડતને અનુરૂપ સાંસ્કૃતિક કાર્યક્રમ અલગ થાય તો બધાને ન્યાય થઇ શકે.
આ કાર્યક્રમમાં થયું એવું કે કવિઓની કવિતાઓ, વિનય-ચારૂલનાં ગીત બઘું સરસ હતું, પણ ગિરીશભાઇના ગુણાનુવાદની સભામાં વઘુમાં વઘુ હિસ્સો ગિરીશભાઇની કામગીરી, તેમની સાથેનાં સંસ્મરણો વગેરેનો હોય એવું અપેક્ષિત હતું. તેને કારણે મહેશ ભટ્ટ જેવા ગિરીશભાઇના સાથી ધારાશાસ્ત્રીને બોલવા માટે માંડ ચાર મિનીટ મળી હતી! એ ચાર મિનીટમાં પણ મહેશભાઇએ ગિરીશભાઇની કામગીરી પ્રત્યે પૂરેપૂરા આદર સાથે કહ્યું કે ગિરીશભાઇએ ૨૦૦૯માં કામ શરૂ કર્યું હોત તો એમને આવી સફળતા ન મળી હોત. એ ગિરીશભાઇ માટેની નહીં, પણ મોટા પાયે બદલાયેલી સ્થિતિ વિશેની નુક્તચીની હતી.
ગિરીશભાઇ સાથે કેસ તરીકે સંપર્કમાં આવેલા કેટલાક લોકો પણ થોડું બોલ્યા. વિનય-ચારૂલે લડતનાં કેટલાંક ગીત ગાયાં. મુખ્ય મહેમાન અરૂણા રોય બોલવા ઉભાં થયાં ત્યારે ૧૨ઃ૪૦ થઇ હતી.
માહિતી અધિકાર ઝુંબેશનાં અરૂણા રોયઃ હર લોકતાંત્રિક ઢાંચેકો નિશાના બનાકર ધૂસના પડેગા
આઇએએસની નોકરી છોડીને જાહેર ક્ષેત્રે ઝંપલાવનાર અને યુપીએની સરકારમાં સલાહકાર રહી ચૂકેલાં, માહિતી અધિકારના કાયદા માટેની લડતમાં મોટો હિસ્સો લેનાર અરૂણા રોયે કહ્યું કે ‘અમારા રાજસ્થાનમાં ગુજરાતનું નામ આવે એટલે મોદીનું નામ લેવાય છે, ગિરીશ પટેલનું નહીં! ગુજરાતનો વિચાર કરતાં મોદી નહીં, પણ ગિરીશ પટેલ યાદ આવે એવું ક્યારે બનશે?’
અહિંસક આંદોલનકારીઓ માટે રસ્તા વઘુ ને વઘુ સાંકડા થઇ રહ્યા છે, એમ કહીને અરૂણા રોયે લોક આંદોલનમાં વકીલોનું સ્થાન મહત્ત્વપૂર્ણ ગણાવ્યું. તેમણે સંઘર્ષ સાથે સંવાદની અને લોકતાંત્રિક જગ્યાઓને ઘેરવાની- તેમાં જોડાવાની વાત કરી. તેમણે એમ પણ કહ્યું કે દિલ્હીમાં જંતરમંતર સિવાય બીજે ક્યાંય અમને દેખાવો કરવાની પરવાનગી મળતી નથી અને જયપુરમાં તો અમને શહેરની બહાર ધકેલી રહ્યા છે. અમારો અવાજ પણ સરકારને સાંભળવો નથી.
ન્યાયતંત્ર વિશે તેમણે કહ્યું કે ‘જબ બાડ હી ખેત કો ખાયે’ (વાડ જ ચીભડાં ગળે) ત્યારે પારદર્શીતા ક્યાંથી આવે? ગિરીશભાઇ જેવા લોકોએ આપણને આગળ પણ લઇ જવાના છે ને રસ્તો અને રણનીતિ પણ બતાવવાનાં છે. ‘હરેક ઢાંચેકો નિશાના બનાકર ધૂસના પડેગા’ એ વાત પર અરૂણા રોયે બહુ ભાર મૂક્યો. તેમણે કહ્યું કે માહિતી અધિકારના કાયદાએ મઘ્યમ વર્ગને થોડો હલબલાવ્યો છે. છતાં કાંકરિયા જેવા મુદ્દે લોકોના મતથી ચૂંટાયેલી સરકાર લોકોને પૂછ્યા વિના નિર્ણય લઇ લે છે. તેમણે કહ્યું,‘હું મારા છોકરાને દસ રૂપિયા આપીને દુકાને મોકલું તો એની પાસેથી પૂરો હિસાબ માગું છું. તો મારા નામે કરોડો-અબજો રૂપિયા વાપરનારા પાસેથી હિસાબ કેમ ન માગું?’
નોકર જોઇ શકે એટલું માલિક જોઇ શકે
માહિતી અધિકારના કાયદાને કાનૂની પરિભાષામાં મુકવાની બહુ માથાકુટ ચાલતી હતી-શું આવરી લેવું ને શું બાકાત રાખવું એની ખેંચતાણ હતી ત્યારે અરૂણા રોયનાં ચાર ધોરણ ભણેલાં બહેન સુશીલાએ સમસ્યાનો અંત આણી દેતાં કહ્યું હતું,‘જે નોકર જોઇ શકે, એ બઘું જ માલિક જોઇ શકે. એટલે કે, સાંસદો-વિધાનસભ્યો જેટલું જોઇ શકે, એ બઘું જ પ્રજા જોઇ શકે.’
‘હું માહિતી અધિકાર ઝુંબેશની નેત્રી નથી. જે કંઇ છું તે ગરીબોની વાત સાંભળીને બની છું. એમણે મને સંઘર્ષનો રસ્તો શીખવ્યો છે.’ એવું પણ અરૂણા રોયે કહ્યું. એ તેમના સાથીદારો સાથે આઇએએસ અધિકારીઓને માહિતી અધિકારની તાલીમ આપવા જાય છે. એવા એક કાર્યક્રમમાં, દેખાવે અસલ ગામઠી ખેડૂત લાગતા અને દરી (ચાદર) લપેટીને ગયેલા લાલસિંઘે માંડ બે-ત્રણ વાક્યોમાં માહિતી અધિકારનું મહત્ત્વ સમજાવ્યું હતું, એવું ભાગ્યે જ બીજું કોઇ સમજાવી શકે. લાલસિંઘે કહ્યું,‘હમ સોચતે હૈં કે સૂચનાકા અધિકાર નહીં મિલેગા તો ક્યા હમ જિયેંગે યા નહીં જિયેંગે? આપ સોચતે હૈં કિ સૂચનાકા અધિકાર મિલેગા તો કુરસી રહેગી યા નહીં રહેગી? સવાલ યે હૈ કે સૂચનાકા અધિકાર નહીં મિલા તો ક્યા દેશ રહેગા યા નહીં રહેગા?’એક અંગ્રેજી અવતરણ સાથે તેમણે પ્રવચન પૂરૂં કર્યું.
Democracy is -
speaking truth to power
Making truth powerful
and power truthful
ગિરીશભાઇનો પ્રતિભાવ
ગિરીશભાઇએ તેમના એક અસીલ સેંધાભાઇ મકવાણાને સાથે રાખીને તેમના વિલક્ષણ કેસથી પોતાના વક્તવ્યની શરૂઆત કરી. વારંવારના અદાલતી આદેશો છતાં સેંધાભાઇને તેમના તોડી નખાયેલા ઘરના બદલામાં ઘર કે જમીન મળતાં નથી. અદાલતે તેમને વાજબી દરે જમીન આપવાનો આદેશ કર્યો હતો એન હવે એમને અપાયેલી નકામી જમીનનો ‘વાજબી દર’ ટાટાને જે ભાવે નેનો માટે જમીન અપાઇ તેના કરતાં ઘણો વધારે છે!
સમય ઘણો થઇ ગયો હતો. ગિરીશભાઇએ કહ્યું,‘તમને બધાને ભૂખ લાગી હશે, પણ હું ઇચ્છું છું કે ભૂખ લાગે. કારણ કે ભૂખ નહીં લાગે તો ક્રાંતિ નહીં થાય. તમારી ભૂખ પ્રજ્વલિત કરવા માટે ૧૦ મિનીટ લઇશ.’
‘મને મળેલું માન દેશની સામાન્ય જનતાના જીવન જીવનના સંઘર્ષને મળેલા માન તરીકે હું સ્વીકારૂં છું. પહેલી વાર ઘનશ્યામભાઇ શાહ, હનીફ લાકડાવાળા મને મળવા આવ્યા ત્યારે હું મૂંઝવણમાં મૂકાયો. મુંઝવણમાં એટલા માટે કે આ લોકો આવ્યા તો છે, પણ પછી માન આપવાનું ભૂલી જાય તો મારાથી યાદ કરાવાય નહીં!’
‘હવે પાછલી બેન્ચમાં બેસવાનો સમય આવી ગયો છે, પણ જીવન હશે ત્યાં સુધી અન્યાય સામે લડવાની ખાતરી આપું છું. એક સમયે હું એન્ગ્રી યંગમેન તરીકે ઓળખાતો હતો. એ ઊંમર તો જતી રહી છે, પણ અન્યાય સામેનો ગુસ્સો નહીં જાય.’
૨૧મી સદીનું દુઃસ્વપ્ન- હૃદયરોગની બીમારીનો ડોક્ટરે ધુસાડેલો અંદેશો હતો ત્યારે ૧૫ વર્ષ જીવીને દેશ કેવી રીતે ૨૧મી સદીમાં જાય છે એ જોવાની મને બહુ ઈંતેજારી હતી. મને થતું હતું કે નેતાઓ, સાઘુ-સાઘ્વીઓ-મૌલવીઓ આ બધા ૨૧મી સદીમાં જશે, પણ સામાન્ય માણસ નહીં જાય. મોડર્ન સાધનો બગડી ગયાં હશે. એ બધાં બળદગાડાંમાં મૂક્યાં હશે. એ બળદગાડાંને ધક્કો મારવા માટે હજારો ગરીબો હશે. તેમની બન્ને બાજુ ઉભું રહેલું લશ્કર ગરીબોને મારતું હશે અને કહેતું હશે, ‘હમ તુમ્હારે સાથ હૈ’ અને લોકો કહેતા હશે,‘અમારે ૨૧મી સદીમાં નથી જવું...’
‘એક વખત એવો આવશે, જ્યારે ગરીબો કહેશે કે અમારે બીજું કશું જોઇતું નથી. બસ, ૧૯૪૭ની ગરીબી પાછી આપો દો!’ આવું એસ.આર.ભટ્ટનું વાક્ય પણ ગિરીશભાઇએ યાદ કર્યું. અદાલતો પર ભરોસો રાખવા જેવો નથી, એવું કહીને તેમણે હરૂભાઇ મહેતાને પણ યાદ કર્યા. કોઇએ હરૂભાઇને કહ્યું કે ‘આજે કોર્ટમાં રજા છે.’ ત્યારે હરૂભાઇનો જવાબ હતો,‘સારૂં. આજે અન્યાય ઓછો થશે!’
પીતે હૈં ઉસકો પાની કહેતે હૈં
શેરડી કાપવાનું સાધન ‘કોઇતો’ કહેવાય છે, પણ શેઠો મજૂરોને જ ‘કોઇતા’ તરીકે ઓળખે છે. (દા.ત.કેટલા કોઇતા રાખ્યા છે?) એવા એકને ગિરીશભાઇએ તપાસ દરમિયાન પૂછ્યું કે ‘આપકો પાની મિલતા હૈ?’ ત્યારે એ ભાઇએ કહ્યું હતું,‘જો પીતે હૈં ઉસકો હમ પાની કહેતે હૈં.’
લોકો પાસે મોબાઇલ આવી ગયા એટલે પ્રગતિ થઇ ગઇ, એવી માન્યતા અંગે ગિરીશભાઇએ કહ્યું,‘માણસને બે ટંક ભોજનનાં અને પાણીનાં ફાંફાં હોય ત્યાં મોબાઇલ પર એ શું વાતો કરશે? હું કેટલા દિવસથી ભૂખ્યો છું, એ પૂછશે?’
તેમણે છેલ્લે ત્રણ મુદ્દા કહ્યાઃ
૧. દેશમાં પીપલ્સ પોલિટિક્સ કેન્દ્રમાં લાવવું
૨. માત્ર રાજકીય પક્ષો કે સંસ્થાઓ બનાવવી નહીં, પણ સામાન્ય માણસના પ્રશ્નો પોલિટીસાઇઝ કરવા, જેથી સરકારો તેની અવગણના કરી શકે નહીં.
૩. અદાલતો તરફ ઘ્યાન ન રાખતા. ત્યાંથી ઘણું મળ્યું છે. ત્યાં જિંદગી કાઢી છે. ત્યાંનો પહેલો દાયકો સૌથી સારો હતો. અદાલત સૌથી લીબરલ હતી. પછી આંદોલનોના પ્રશ્ને અદાલતમાં જવામાં નુકસાન એ થયું કે આંદોલન થાય-કોર્ટમાં દોડી જઇએ - કોર્ટમાં કેસ ઝોલાં ખાય ને આંદોલન અટકી પડે. છેલ્લા દસ વર્ષમાં જેટલું ગરીબવિરોધી કામ સરકાર નથી કરી શકે એટલું અદાલતોએ કર્યું છે. દેશનું બંધારણ ગ્લોબલાઇઝેશનને અનુરૂપ બનાવવાનું કામ થઇ રહ્યું છે.
તેમણે પોતાના મિત્ર અને ‘જીવનમાં પરિવર્તન લાવનાર- એ ન હોત તો મારી આટલી બુદ્ધિ ન હોત’ એવા પીરઝાદાસાહેબને અને મેધા પાટકર જેવા બીજા સાથીદારોને પણ યાદ કર્યાં હતાં.
( આ પોસ્ટ બહુ લાંબી થઇ છે. એટલે કાર્યક્રમ વિશેનાં થોડાં લખવાં પડે એવાં નિરીક્ષણો, થોડી વાતો બીજી પોસ્ટમાં મુકીશ.)

Wednesday, May 13, 2009

અશ્વિની ભટ્ટની કલમ ઇશ્વરની લાકડી જેવી છે ?

હવે હું અશ્વિનીભાઇની આગામી કૃતિઓ વિશે કોઇ વાયદો કે જાહેરાત કરવાનો નથી. કારણ કે આગળ કરેલા વાયદાના સંતોષકારક ખુલાસા હજુ કરવાના બાકી છેઃ-)

એમની એક તગડા પ્લોટવાળી નવલકથાનાં પાંચ પ્રકરણ વાંચ્યા પછી ને કસબ-કરામત-કમઠાણ સીરીઝની ‘કડદો’ નાં ઘણાં પાનાં વાંચ્યા-સાંભળ્યા પછી એ બે નવલકથાઓ વિશે વાત કરવાની હિંમત થતી નથી. લગભગ અડધે પહોંચેલી ‘કડદો’ ચૂંટણીનાં પરિણામો પછી આગળ વધે એવી સંભાવના છે.

આજકાલ ભારતમાં-અમદાવાદમાં અશ્વિનીભાઇનો લખવામાં જીવ ચોંટતો નથી. એનો અર્થ એવો નથી કે એ લખતા નથી. એમણે ‘કડદો’ ચાલુ મૂકીને એ જ સીરીઝની નવી કથા ‘કોરટ’ ચાલુ કરી છે. નડિયાદનો લોકાલ ધરાવતી એ સીરીઝમાં ‘કોરટ’નાં હાથે લખેલાં 80-90 પાનાં અશ્વિનીભાઇ લખી ચૂક્યાં છે. કથામાં આવતાં પાટણવાડીયા સમાજનાં પાત્રોની થોડી પ્રસાદી (ઇન ઓલ સેન્સ) અશ્વિનીભાઇએ સંભળાવી. ખરૂં પૂછો તો, અશ્વિની ભટ્ટની નવલકથામાં નડિયાદ અને ડાકોરમાં બધી ઘટનાઓ બનતી હોય, હીરોના પિતા ડાકોરથી ભક્તાણી લોકલ પકડતા હોય, એ વિચારીને જ કેવી મઝા આવે!

દરમિયાન, પૂર્વાશ્રમમાં એમણે કરેલો એલિસ્ટર મેકલીનની ‘ધ ગન્સ ઓફ નેવેરોન’નો નવેસરથી સુધારેલો અનુવાદ ટૂંક સમયમાં ‘નવભારત’ તરફથી પ્રકાશિત થશે.

અશ્વિનીભાઇ પાસે એટલું બધું લખવાનું છે અને એમના ચાહકો એવા ટાંપીને બેઠા છે કે તેમને આશ્વાસન આપવા ખાતર પણ કહેવું પડેઃ ઇશ્વરની લાકડીની જેમ અશ્વિની ભટ્ટની કલમ ધીમી ચાલતી હશે, પણ તે અટકી ગઇ નથી. ઇંતજાર ઔર અભી...

Monday, May 11, 2009

શાણપણ સામે સત્તાધીશોની આડોડાઇ-અકડાઇની મિસાલ: ડૉ.વિનાયક સેનની અજબ કહાણી


છત્તીસગઢમાં નક્સલવાદના પ્રતિકારના નામે ડૉ. વિનાયક સેનને જેલમાં ગોંધી રાખવાનું ભાજપ અને કોંગ્રેસનું સહિયારૂં પાપ છાપરે ચડીને આખી દુનિયામાં પોકારે છે, પણ તેમને કશી શરમ નથી
ગુજરાતની કોમી હિંસાના મુદ્દે સર્વોચ્ચ અદાલત સળવળી એટલે કેટલાક વર્તુળોમાં ફરી કાગારોળનું સમૂહગાન શરૂ થઇ ગયું. ‘સેક્યુલરિસ્ટો-માનવ અધિકારવાદીઓ ફક્ત ગુજરાતમાં જ કેમ ઉતરી પડે છે’ એવી લૂલી અને લપટી દલીલો ફરી થવા લાગી છે. એવી દલીલો રસથી કે રમૂજથી સાંભળનારા સૌ માટે ડૉ.વિનાયક સેનનો કિસ્સો આંખ ઉઘાડનારો અને મગજ ખુલ્લું હોય તો નવી દિશા ચીંધનારો બની શકે છે.
છત્તીસગઢના પાટનગર રાયપુરની જેલમાં બબ્બે વર્ષથી જામીન આપ્યા વિના જેમને ગોંધી રાખવામાં આવ્યા છે, એ ડૉ. વિનાયક સેન છે કોણ? શા માટે સલમાન ખાનો અને સંજય દત્તોને, પપ્પુ યાદવો અને શહાબુદ્દીનોને છૂટથી જામીન મળતા હોય- અરે, જામીન ન મળે તો જેલમાં રજવાડાં ભોગવવાં મળતાં હોય- એ દેશમાં એક બાળરોગનિષ્ણાત અને પીપલ્સ યુનિયન ફોર સિવિલ લીબર્ટી (પીયુસીએલ)ના ઉપપ્રમુખ ડૉ. સેનને જામીન મળતા નથી? શા માટે તેમનાં પરિવારજનો- પત્ની ઇલિના અને બે દીકરીઓને- અઠવાડિયે માત્ર અડધા કલાક માટે ડૉ. સેનને મળી શકે છે? જેલમાં પુરાઇ રહેવું ન પડે એટલા ખાતર ગુંડાઓ તરત હોસ્પિટલભેગા થઇ શકે છે, પણ હૃદયની ગંભીર બીમારીના દર્દી એવા આ ડૉક્ટરને તબીબી સારવાર આપવા માટે બે વર્ષ જેટલી ખતરનાક ઢીલ કરવામાં આવે છે - સર્વોચ્ચ અદાલતના ફેંસલાની રાહ જોવામાં આવે છે?
છત્તીસગઢની રાજ્ય સરકાર પાસે લાખ સવાલના એક જવાબ જેવો ઉત્તર છેઃ ડૉ. સેન નક્સલવાદીઓના સાથીદાર છે. તેમણે જેલમાં રહેલા નક્સલવાદી કહેવાતા નેતા નારાયણ સન્યાલને સંદેશા પહોંચાડવામાં મદદ કરી છે અને તેમની તબીબી સારવાર કરી છે.
દેખીતું છે કે આ જવાબ બહારની દુનિયા માટેનો, છાપેલો સરકારી જવાબ છે. કારણ કે -
૧) ડૉ. સેન પીયુસીએલના ઉપપ્રમુખ અને એક તબીબની હેસિયતથી જેટલી પણ વાર નારાયણ સન્યાલને જેલમાં મળ્યા, એ બધી વાર તેમણે યથાયોગ્ય સરકારી પરવાનગી લીધેલી છે. નારાયણ સન્યાલ જેવા ‘ખતરનાક નક્સલવાદી’ માટે છત્તીસગઢની રાજ્યસરકાર- ખાસ તો તેના ઉત્સાહી મુખ્ય મંત્રી રમણસિંઘ- ઝાઝી છૂટછાટ આપે અથવા સન્યાલને રેઢા મુકે એવું માનવાને કારણ નથી.
૨) છત્તીસગઢની સરકારને અસલી વાંધો ડૉ. સેનની ગરીબો-આદિવાસીઓ સાથેની કામગીરી માટે છે. પરંતુ હવે સરકારો અને સત્તાધીશો જ નહીં, ‘વિકાસપ્રેમી’ મઘ્યમ વર્ગીય પ્રજા પણ ગરીબોની વાત કરનારા માટે ‘સામ્યવાદી’, ‘નક્સલવાદી’ જેવા શબ્દો છૂટથી વાપરે છે. એટલે પોતાને અળખામણા લાગતા હોય એવા લોકોને ‘નક્સલવાદીઓના સાગરીત’ તરીકે ઓળખાવવાનું સત્તાધીશોનું કામ સહેલું બની જાય છે.
૩) ડૉ. સેનનો વાંધો રાજ્ય સરકારો સામે નહીં, પણ સરકારી ટેકાથી ચાલતી ‘સાલ્વા જુડુમ’ ઝુંબેશ સામે છે. સ્થાનિક ગૌંડી ભાષામાં સાલ્વા જુડુમનો એક અર્થ છેઃ શાંતિ માટેની ઝુંબેશ. પણ નક્સલવાદીઓની હિંસા સામે રાજ્ય સરકાર પ્રોત્સાહિત સાલ્વા જુડુમની હિંસા હજુ સુધી રાજ્યમાં શાંતિ સ્થાપિત કરી શકી નથી.
સાલ્વા જુડુમની ટૂંકી, નિર્દોષ અને સ્વચ્છ સમજૂતી આપવી હોય તો કહી શકાય કે ’નક્સલવાદીઓની હિંસાએ માઝા મુકી ત્યારે આદિવાસીઓએ તેમનો પ્રતિકાર શરૂ કર્યો. શરૂઆતમાં પોલીસ તંત્રએ પોતાના શરણમાં આવેલા આદિવાસીઓને નક્સલવાદીઓ સામે રક્ષણ આપવાનું શરૂ કર્યું, જે આગળ જતાં રાજ્યની નીતિ તરીકે અમલી બન્યું. ૨૦૦૫થી ચાલતી ‘સાલ્વા જુડુમ’ ઝુંબેશ હેઠળ આગળ જતાં રાજ્ય સરકારે એસપીઓ તરીકે ઓળખાતા સ્પેશ્યલ પોલીસ ઓફિસરની નિમણૂંકો કરી.તેમાં આદિવાસી યુવકોની ભરતી કરવામાં આવી.’
સરકાર એવો દાવો કરે છે કે નક્સલવાદનો અસરકારક મુકાબલો કરવા માટે સાલ્વા જુડુમ થકી આદિવાસીઓનું સશક્તિકરણ- ખરેખર તો સશસ્ત્રીકરણ- કરવામાં આવ્યું છે. આ દલીલ સાવ ખોટી નથી, પણ તેનું બીજું ભયંકર પાસું એ છે કે લોકોના હાથમાં હથિયારો આવી જતાં કાયદો-વ્યવસ્થા જેવું કશું રહ્યું નહીં. અંદરોઅંદરની તકરારો અને હિંસાએ માઝા મૂકી અને એ બઘું નક્સલવાદના મુકાબલાના બહાને થતું હોવાથી રાજ્ય સરકારે હાથ પર હાથ જોડીને તમાશો જોવાનું, બલ્કે એવી હિંસાને આડકતરૂં કે સીઘું પ્રોત્સાહન આપવાનું વલણ અપનાવ્યું, પરિણામ એ આવ્યું કે અત્યાર લગી નક્સલવાદીઓનો ભોગ બનતા ગરીબો- આદિવાસીઓ હવે સરકારી સાલ્વા જુડુમની હિંસાનો પણ શિકાર બનવા લાગ્યા.
ડૉ. વિનાયક સેન જેવા માનવ અધિકાર કાર્યકર્તાનું વલણ બહુ સ્પષ્ટ હતું. ગયા મહિને એક અખબારને આપેલી મુલાકાતમાં તેમણે પોતાના વિચારોનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું,‘હું તમામ પ્રકારની હિંસાનો વિરોધી છું.’ રાજ્ય સરકારને આ વાત આકરી લાગે છે. કારણ કે ‘તમામ પ્રકારની હિંસા’માં નક્સલવાદી હિંસા ઉપરાંત સરકારી સાલ્વા જુડુમની હિંસાનો પણ સમાવેશ થઇ જાય છે!
નક્સલવાદના મુકાબલાના ઉત્સાહમાં પાપડી ભેગી જ નહીં, પાપડી કરતાં વધારે ઇયળો બફાતી હોય એવું ડૉ. વિનાયક સેન સહિત અનેક નિષ્પક્ષ કાર્યકર્તાઓને જણાયું. સાલ્વા જુડુમનો વિરોધ કરીને રાજ્ય સરકારની આંખે ચડેલા ડૉ. સેનને લાગ જોઇને જેલમાં ખોસી દીધા. ટાડા-પોટા પ્રકારના ‘અનલૉફુલ એક્ટિવિટિઝ’ અટકાવવા માટે રચાયેલા કાળા કાયદાની કમાલ એ હોય છે કે તેમાં પકડાયેલી વ્યક્તિએ પોતે નિર્દોષ છે એવું સાબીત કરવાનું રહે છે. એટલે જ, અત્યાર સુધી અદાલતી કાર્યવાહીમાં ૬૦થી પણ વધારે સાક્ષીઓની તપાસ પછી ડૉ. સેનની નક્સલવાદ સાથેની સંડોવણીના કોઇ પુરાવા મળ્યા નથી, છતાં તેમને જામીન મળતા નથી. તબીબી ક્ષેત્રે ઉત્તમ પ્રદાન બદલ અપાતા જોનાથન માન એવોર્ડ માટે ડૉ. સેનની પસંદગી થયા પછી, ૨૦ નોબેલ પુરસ્કાર વિજેતાઓની વિનંતી ઠુકરાવીને, ડૉ. સેનને સમારંભમાં હાજરી આપવાની પરવાનગી મળતી નથી. હૃદયની બીમારી માટે સારવાર પણ સર્વોચ્ચ અદાલતના ૪ મે, ૨૦૦૯ના આદેશથી શક્ય બની છે.
એક તરફ છત્તીસગઢની ભાજપી સરકાર એક નિષ્ઠાવાન ડોક્ટરને વિરોધનો સૂર કાઢવા બદલ બધા નીતિનિયમો નેવે મૂકીને અથવા બધા નીતિનિયમો નેવે મૂકી શકતા એક કાળા કાયદાના જોરે જેલમાં ગોંધી શકે છે, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની આગેવાની હેઠળ ચાલતી સરકાર શું કરે છે? ચૂંટણીપ્રચાર વખતે લાંબી જીભ ધરાવતા કોંગ્રેસી અને ભાજપી નેતાઓ ડૉ. સેનના મુદ્દે ચૂપ છે.
વીસથી વધારે નોબેલ પુરસ્કાર વિજેતાઓ, બૌદ્ધિકો અને આંતરરાષ્ટ્રિય પ્રતિષ્ઠા ધરાવતાં જર્નલ-સામયિકોએ ડૉ. સેન સાથે ન્યાયી વર્તણૂંક કરવામાં આવે અને તેમને મુક્ત કરવામાં આવે, એવી માગણી કરી છે. એ જ હેતુથી દર સોમવારે છત્તીસગઢના પાટનગર રાયપુરમાં સત્યાગ્રહ યોજાય છે, જેમાં ગુજરાતના કેટલાક કર્મશીલો સહિત દેશભરના કર્મશીલો અને અગ્રણીઓ ભાગ લે છે- ધરપકડ વહોરે છે.
આ લડાઇ અને આ સવાલ ફક્ત ડૉ. સેનની મુક્તિનો નથી. દેખીતી રીતે એકબીજાનો વિરોધ કરતા રાજકીય પક્ષો જાગ્રત નાગરિકોનો અવાજ રૂંધવાના કામમાં કેવા એક થઇ જાય છે અને વૈશ્વિકીકરણના જમાનામાં વિશ્વમતને તે કઇ હદે અવગણી શકે છે, એ ડૉ.સેન પ્રકરણનું સૌથી ભયંકર પાસું છે. ન્યાયની માગણી કરતાં બિનરાજકીય સંગઠનોને-કર્મશીલોને રાજકીય પક્ષોના રવાડે ચડીને વખોડી કાઢતા ગુજરાતના બોલકા વર્ગે અને કાળા કાયદાઓના તરફદારોએ પણ આ બોધપાઠ ગાંઠે બાંધવા જેવો છે.

Friday, May 08, 2009

(આંગળીએ) તિલક કરાવતાં ૧૦૦ ગયાં...

મત આપવા માટે ‘આંગળીએ તિલક’નો શબ્દપ્રયોગ મને ગમતો નથી, પણ અખાના છપ્પા સાથે તેનો મેળ બેસતો હોવાને કારણે તેનો ઉપયોગ કર્યો છે. (અખાના છપ્પાનો ઉપયોગ તેમાં પ્રગટતી નિરર્થકતાની લાગણીને કારણે કરવો જરૂરી લાગ્યો.)

ઉત્તમ તસવીરકારને બદલે શતાયુ તસવીરકાર તરીકે વધારે પ્રમાણમાં ઓળખાઇ રહેલા ખરેખર ઉત્તમ તસવીરકાર પ્રાણલાલ પટેલે આ ચૂંટણીમાં પણ મતદાન કર્યું. આંગળી ઊંચી અને ઊંધી કરેલી તેમની તસવીર પણ છાપાંમાં છપાઇ હતી. છતાં નાની સાઇઝની તસવીરમાં દાદાનો ચહેરો માંડ દેખાતો હોય ત્યાં આંગળી પરનું ટપકું કેવી રીતે દેખાય? મને રસ હતો સો વર્ષની કરચલીગ્રસ્ત આંગળી પર મતદાનનો લાંબો લીટો જોવાનો- અને છાપાએ બોટી લીધેલી સ્ટોરીમાં ન આવી હોય એવી વાતો કરવાનો.

એટલે આ ‘ફોટોસ્ટોરી’ મુકી છે. દાદા વાતચીત દરમિયાન તેમની ‘લાક્ષણિક મુદ્રા’માં બે હાથ જોડીને બેઠા હતા, ત્યારની આ તસવીર છે. દાદાએ કહ્યું કે અત્યાર સુધીમાં સાજું-માંદું કે પ્રસંગોના અપવાદને બાદ કરતાં બધી ચૂંટણીમાં મત આપ્યા છે. આ ચૂંટણી વખતે તેમનું ઓળખપત્ર ખોવાઇ ગયું હતું. એટલે દાદા પાસપોર્ટ લઇને મત આપવા ગયા અને મત આપ્યો પણ ખરો. અત્યાર સુધીની ચૂંટણીમાં કયા કયા પક્ષોને મત આપ્યા હતા એ દાદાને બહુ યાદ નથી. આઝાદી પછીની પહેલી ચૂંટણીમાં તેમણે કોંગ્રેસને મત આપ્યો હતો ને લેટેસ્ટ ચૂંટણીમાં ભાજપને મત આપ્યો, એટલું ‘જિજ્ઞાસુઓ’ની જાણ માટે.
(આ માત્ર માહિતી છે. એનો આધાર બનાવીને કોઇ પણ પ્રકારની રાજકીય ચર્ચા છેડવી નહીં.)

Wednesday, May 06, 2009

વાંસદા, જયકિશન અને સ્વામી સચ્ચિદાનંદ

હિંદી ફિલ્મી ગીતોનો જાદુ એવો છે કે તેમાંથી કોઇ માણસ બાકાત ન રહી શકે. સ્વામી સચ્ચિદાનંદ, મોરારીબાપુ જેવાં ધાર્મિક-આઘ્યાત્મિક ક્ષેત્રનાં વ્યક્તિત્વો પણ ફિલ્મસંગીત પ્રત્યેનો પોતાનો પ્રેમાદર છૂપો રાખતાં નથી. સ્વામી સચ્ચિદાનંદ શંકર-જયકિશનના ચાહક. વર્ષો પહેલાં (૧૯૮૩માં) રજનીકુમાર પંડ્યાએ જયકિશન (પંચાલ)ના વતન વાંસદા જઇને એક વિગતવાર અને માહિતીસભર છતાં રસાળ લેખ લખ્યો હતો. એ નિમિત્તે સ્વામીને રજનીકુમાર સાથે વાત પણ થઇ હતી. જયકિશનનું ગુજરાતીપણું અને ગુજરાતમાં મહારાષ્ટ્ર-બંગાળની જેમ કલાકારોની-સાહિત્યકારોની કદર થતી નથી એ સ્વામીના મનમાં બેસી ગયું હતું.

થોડા સમય પહેલાં અમે (રજનીકુમાર સહિત પાંચ જણની સમિતિએ) મહાન ગાયિકા જુથિકા રોયનું સન્માન કર્યું- તેમની આત્મકથા ગુજરાતીમાં પ્રકાશિત કરી ત્યારે સમારંભમાં મંચ પર સ્વામી સચ્ચિદાનંદ પણ હતા. એ વખતે રજનીકુમારે જાહેરાત કરી કે સ્વામી ટૂંક સમયમાં જયકિશનના વતન વાંસદામાં જયકિશનની પ્રતિમા મુકશે.


એ સમય આવી પહોંચ્યો છે.
તા. ૨૧-૫-૦૯ના ગુરૂવારે સવારે ૯ વાગ્યે વાંસદા ગામમાં સ્વામી સચ્ચિદાનંદ પ્રેરિત સમારંભમાં સંગીતકાર જોડી કલ્યાણજી-આણંદજીના આણંદજીભાઇ જયકિશનની પ્રતિમા ખુલ્લી મુકશે. (સુરતના મિત્ર હરીશ રધુવંશીએ પ્રતિમાની તસવીર મેઇલ દ્વારા મોકલી આપી છે!) આ કામમાં સ્વામીને હસરત જયપુરીના ગુજરાતી મિત્ર-સંગીતપ્રેમી ચંદુ બારદાનવાલા અને શંકર-જયકિશન પર પુસ્તક લખનારા અભ્યાસી ડૉ.પદ્મનાભ જોષીનો પણ ભરપૂર સહકાર મળ્યો છે. ડૉ.પદ્મનાભ જોષીએ લખેલી પુસ્તિકા પણ આ પ્રસંગે પ્રગટ થશે.

આ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા સૌને અભિનંદન.

( જયકિશનનું સંગીત અને ‘એ પ્યાસે દિલ બેઝુબાં’ તો જોયું હશે. આ સાથે મુકેલી લિન્કમાં ‘શ્રી ૪૨૦’ માં જયકિશનનો અભિનય જુઓ! )
http://www.youtube.com/watch?v=gPkgtey0zCA

Monday, May 04, 2009

સ્વરૂપઃ ડોક્ટરનું અને સમાજનું # 2

It seems the original pages from Abhiyaan's article are not enlarged. Here is a larger file.


સ્વરૂપઃ ડોક્ટરનું અને સમાજનું

ત્રણ-ચાર દાયકાની લાંબી પ્રેક્ટિસ પછી 30-4-09ના રોજ ‘સ્વરૂપ સેક્સ ક્યોર’ થી જાણીતા ડૉ.આર.સ્વરૂપનું અવસાન થયું.
તેનું અહીં શું છે? એવો સવાલ થઇ શકે.
આ બ્લોગમાં અને મારાં તમામ લખાણોમાં કેટલાક વિષયોથી બાર ગાઉ છેટો રહીને હું સદંતર ‘વિક્ટોરિયન’ ધોરણ જાળવું છું, એ જાણતા લોકોને કદાચ આઘાત પણ લાગે.
એમને એટલું જ જણાવવાનું કે આ પોસ્ટ તેમાં અપવાદ નથી. વાત સ્વરૂપ સેક્સ ક્યોરની અને ઇરાદો ડૉ.સ્વરૂપની ‘અંજલિ’ લખવાનો છે. છતાં તેમાં ક્યાંય ગલગલિયાંવાળી ભાષા કે છીછરા શબ્દો – ‘એ’ સર્ટિફિકેટને લાયક લખાણ- નહીં આવે.

***
સંભવ છે કે ઘણા લોકોએ સ્વરૂપનું કે તેમના ક્લિનિકનું નામ ન સાંભળ્યું હોય. પણ અમદાવાદમાં - ખરેખર તો સિત્તેર-એંસી-નેવુના દાયકાના ગુજરાતમાં- થોડો સમય પણ રહ્યા હોય અને જેમને ગુજરાતી છાપાં વાંચવાની કુટેવ હોય એવા તમામ લોકો સ્વરૂપથી પરિચિત હશે.

ગુજરાતી વાચકોની બે-ત્રણ પેઢી રવિવારના અખબારોમાં પહેલા પાને સ્વરૂપની જાહેરખબરો જોઇને મોટી થઇ એમ કહેવામાં અતિશયોક્તિ નથી. અખબારોમાં તગડા ભાવે છપાતી જાહેરખબરોએ સ્વરૂપ માટે વિશ્વસનીયતા ઊભી કરી આપવાનું મોટું કામ કર્યું. જાતીય જીવનને લગતી સાચી કે ધારી લીધેલી સમસ્યાઓથી માંડીને ‘બગડી ગયેલા’ છોકરાઓની મજાક સુધી તમામ સ્તરે સ્વરૂપનું નામ એક પ્રતીક બની ગયું- છાપાંમાં છપાતી જાહેરખબરોના પ્રતાપે. ભણેલાગણેલા ડોક્ટર પ્રકાશ કોઠારી સાથે ગુજરાતી વાચકોનો પરિચય થયો, ત્યાર પહેલાં રૂઢિચુસ્ત અમદાવાદના ગુજરાતીઓ સ્વરૂપની જાહેરખબરોથી ટેવાઇ ગયા હતા.

અમદાવાદની ઓળખ જ્યારે નેહરુ બ્રિજ હતો, ત્યારે નેહરુ બ્રિજની ઓળખ હતી સ્વરૂપનું ક્લિનિક. પૂલ ઉતરતાં સામે મોટું બોર્ડ જોવા મળે. રાત્રે લાલ-ભૂરા રંગની નીઓન સાઇન પણ ખરી. માત્ર અમદાવાદની જ નહીં, આસપાસનાં ગામોમાંથી અમદાવાદ આવતી પ્રજા વાતવાતમાં કંઇક સંકેત કરવો હોય તો કહે,’ભઇ, નેહરુબ્રિજને છેડે જઇ આવજે.’ એવું પણ યાદ છે કે કોઇ કામસર ‘નોબેલ્સ’ની આસપાસ જવાનું હોય, તો તેનો ઉલ્લેખ જરા સંભાળીને કરવો પડે.

સ્વરૂપની જાહેરખબરોમાં ચાર-પાંચ ભેદી પ્રકારનાં પુસ્તકોની યાદી પણ આવતી હતી. મોંઘા ભાવનાં એ ગુજરાતી પુસ્તકો સ્વરૂપને ત્યાંથી કાળી કોથળીમાં પેક કરીને આપવામાં આવતાં હતાં. પ્રજાનું જાતીય બાબતો વિશેનું અજ્ઞાન સ્વરૂપ માટે બહુ જાળવવા જેવી બાબત હતી. લોકોના અજ્ઞાનને આધારે જ આટલાં વર્ષો સુધી સ્વરૂપનું સામ્રાજ્ય ચાલ્યું. અમદાવાદના શેઠિયા પાસે ગાડી કહેતાં એમ્બેસેડર હોય, ત્યારે સ્વરૂપ કાળી મર્સિડીઝ ફેરવતા હતા. ફક્ત જાદુગરો અને ફિલ્મી અભિનેતાઓ જ વિગ પહેરતા અને એ પણ કાળા વાળની વિગ, ત્યારે એક ડોક્ટર તરીકે સ્વરૂપ સફેદ વાળની વિગ પહેરતા હતા.

રૂપિયાથી કાયદો-વ્યવસ્થા-મોટા ભાગના માણસો-ચોથી જાગીરો બધું જ ખરીદી શકાય છે, એ સ્વરૂપના ખાનગી જાહેર જીવનનું હાર્દ હતું. એ પોતાના ક્લિનિકથી ગાડીમાં ઘર તરફ (પાલડી તરફ) જવા નીકળે ત્યારે છેક નટરાજ સિનેમા આગળથી લાંબો યુ ટર્ન લઇને પાછા નેહરુબ્રિજ ચાર રસ્તે આવીને પાલડી તરફ જવું પડે, એવો ટ્રાફિક સિગ્નલનો તકાદો. પણ સાંભળ્યા પ્રમાણે સ્વરૂપે ટ્રાફિક પોલીસને રાજી કરીને એવી ગોઠવણ કરી લીધી હતી કે તેમની ગાડી ‘નોબેલ્સ’ બિલ્ડિંગમાંથી બહાર નીકળે ત્યારે બધો ટ્રાફિક થંભી જાય ને તેમની ગાડીને રોંગ સાઇડથી રસ્તો ક્રોસ કરીને સામેની તરફ રાઇટ લેનમાં જવા દેવામાં આવે. ‘હાથ પોલા તો જગ ગોલા’ એવી એક જૂની કહેવત સ્વરૂપે સાચી પાડી બતાવી. (‘ગોલા’ શબ્દ કામ કરનાર વ્યક્તિ માટે જ્ઞાતિસૂચક અને અપમાનજનક લાગે એવો છે, પણ અહીં એને વ્યાપક અર્થમાં લેવો.)
‘ગવર્ન્મેન્ટ રજિસ્ટર્ડ સાયન્ટિફિક સેક્સ ક્લિનિક’ ચલાવતા સ્વરૂપે દાયકાઓ સુધી બેરોકટોક પોતાની દુકાન ચલાવી. સરકારો આવી ને ગઇ. પણ સ્વરૂપની વિગનો વાળ પણ કોઇ વાંકો કરી શક્યું નહીં. આમજનતા અને વ્યાપક સમાજમાં પ્રસારની રીતે વિચારીએ તો સ્વરૂપના દવાખાનાનું ‘વ્યક્તિત્વ’ આઇકોનીક કહેવાય એવું રહ્યું. શહેરની વચ્ચોવચ, શહેરના નાક જેવી જગ્યાએ એક ઊંટવૈદ્યને આખા અમદાવાદે બેરોકટોક ચલાવી લીધો અને તેને ચલાવી લેનારાઓને – તેનો પ્રસાર કરનારાઓને પણ ચલાવી લીધા. એ રીતે સ્વરૂપ તેલગી અને હર્ષદ મહેતા જેવા ‘રાષ્ટ્રિય’ ચરિત્રોના પૂર્વસૂરિ હતા. મોટા ભાગનાં રાજકારણીઓ-અધિકારીઓ-પ્રસાર માધ્યમો અને પોલીસને રૂપિયાથી ખરીદી શકાય છે ને પ્રજાને રૂપિયાથી આંજી શકાય છે, એ સ્વરૂપના જીવનનો સાર, સ્વરૂપ કરતાં પણ વધારે સ્વરૂપને જગ્યા કરી આપનારા લોકો વિશે વધારે પ્રકાશ પાડે છે.

***
1995માં મુંબઇ ‘અભિયાન’માં જોડાયા પછી બીજા વર્ષે હું અમદાવાદ ઓફિસમાં આવ્યો. અશ્વિનીભાઇ (ભટ્ટ)ના બંગલામાં (65માં) ઓફિસ. સાથે પ્રશાંત દયાળ અને વડોદરાથી અનિલ દેવપુરકરની અવરજવર. ‘અભિયાન’ની ઉતરતી કળા હતી. છતાં ચમક અને પ્રભાવ ઓસરવાં બાકી હતાં.

સ્ટોરી માટેના વિષયોની શોધમાં એક વખત એવું નક્કી થયું કે ભળતાંસળતાં સેક્સ ક્લિનિકની જાહેરખબરો બહાર લગાડેલી હોય છે. તેમની અસલિયત અને મોડસ ઓપરન્ડી વિશે સ્ટોરી કરવી. પ્રશાંત અને હું સ્ટોરી કરવાના હતા. એ વખતે અમારા મનમાં એવી ધારણા હતી કે આ નકલી ડોક્ટરોને મળ્યા પછી છેલ્લે ‘ગવર્ન્મેન્ટ રજિસ્ટર્ડ’ સ્વરૂપને મળીને બીજા ડોક્ટરોની અસલિયત જાણીશું. પણ એકાદ વાર સ્વરૂપ સાથે ફોન પર થયેલી વાતમાં જણાયું કે તે અમને ટાળવા માગે છે. ‘સવાલો જે પૂછવા હોય તે લખીને મોકલી આપો. હું લખીને જવાબ આપીશ.’ એવું પણ કહ્યું. ત્યાર પછી અમને શંકા ગઇ કે સૌથી મોટો નકલી ડોક્ટર તો આ સ્વરૂપ જ લાગે છે. ઉંડા ઉતરતાં વધારે વાતો સાંભળવા મળી. એટલે નક્કી થયું કે હું અને પ્રશાંત સ્વરૂપના દવાખાને જઇએ અને હું ‘દર્દી’ બનીને સ્વરૂપની પદ્ધતિ જાણું.

એ ‘ઓપરેશન’ વખતનું બનાવટી નામ ધરાવતું કાર્ડ અહીં મુક્યું છે. વધારે વિગતો અભિયાનની સ્ટોરીમાં છે. તે પણ અહીં મુકી છે.

સ્વરૂપને મળ્યા પછી ચિનુભાઇ ટાવર્સમાં પ્રેક્ટિસ કરતા તેમની પહેલી પત્નીના પુત્ર કમલ સ્વરૂપને બાકાયદા મળ્યો, સલુકાઇથી તેમનો ઇન્ટરવ્યુ કર્યો - તેમની તરફેણની જ સ્ટોરી છપાશે એવો સંકેત આપીને.
સ્ટોરી લખાઇ. ‘અભિયાન’માં પહોંચી. દરમિયાન સ્વરૂપ અને કમલ સ્વરૂપ તરફથી પોતપોતાની રીતે ચક્કર ચાલુ થઇ ગયું હતું. કમલ સ્વરૂપે એક પરિચિત દ્વારા અભિયાનના આગામી અંકોમાં પોતાના ક્લિનિકની જાહેરખબરો આપવાનું કહેવડાવ્યું.

સ્વરૂપે તો આ સ્ટોરી જે અંકમાં જવાની હતી એ અંક માટે પોતાની એક પાનાની રંગીન જાહેરખબર મોકલી આપી. પણ ‘અભિયાન’ એ વખતે ખરેખર ‘અભિયાન’ હતું. મોટે ભાગે તેને મેનેજિંગ ડિરેક્ટર કેતન સંઘવીનું ધ્યાન પડ્યું. એટલે તેમણે મોંઘા ભાવની અને માંડ આવતી સ્વરૂપની જાહેરખબર ન છાપવાનો નિર્ણય લીધો. જે અંકમાં સ્વરૂપ વિશેની સ્ટોરી જતી હોય તેમાં આ જાહેરખબર ન છપાય એવો હવે ‘જૂનવાણી’ લાગે એવો વિચાર કરવા બદલ કેતનભાઇને અભિનંદન આપવાં પડે.

અંક છપાયા પછી વાચકોના પત્રોથી બે પાનાં ભરાઇ ગયાં. છતાં જગ્યા ઓછી પડી. એ વખતે આરોગ્ય મંત્રી ભૂલતો ન હોઉં તો, અશોક ભટ્ટ હતા. બજારમાં અંકની ચર્ચા ઘણી થઇ. પણ તેની પર નક્કર કામ ભાગ્યે જ થયું. પ્રશાંતના કહેવા પ્રમાણે, સ્ટોરીને કારણે બહુ લોકોએ સ્વરૂપ પાસેથી તગડી રકમો ખંખેરી લીધી અને બધું યથાવત્ રહ્યું.
બે-ચાર વર્ષ પછી કોઇ કારણસર (રૂપિયા ઓછા પડ્યા હશે એટલે?) સ્વરૂપ સામે નવેસરથી કાર્યવાહી શરૂ કરવામાં આવી. એ વખતે દાયકાઓ સુધી સ્વરૂપની જાહેરખબરો પહેલા પાને છાપનારાં અખબારોમાં પહેલા પાને સ્વરૂપની ધરપકડની તસવીર છપાઇ. સ્વરૂપની કેટલીક મિલકત પર ટાંચ આવી. જાહેરખબરોના બાકી બિલ માટે સ્વરૂપની કેટલીક ચીજો લઇ લેવામાં આવી. એ અરસામાં પ્રશાંત અને હું સંદેશમાં (જૂની લાલ દરવાજાની ઓફિસે) હતા. ત્યાં એક વાર લોબીમાં સ્વરૂપ મળી ગયા. તેમણે હાથનું ઘડિયાળ ઉતારીને આપવાની ચેષ્ટા કરતાં પ્રશાંતને કહ્યું,’હવે તો આ જ છે. એ લઇ લો ને જવા દો.’

ફરી સ્વરૂપ બેઠા થયા. નવા શરૂ થયેલા અખબારને સ્વરૂપની જાહેરખબરોનો લાભ આ નવી ઇનિંગ વખતે મળ્યો. એ વખતે સ્વરૂપે કાયદાનું શબ્દાર્થમાં પાલન કરવા માટે દવાખાનામાં એક એમ.ડી. રાખ્યા હતા. છેવટ સુધી તેમની પ્રેક્ટિસ ચાલુ રહી.

સ્વરૂપની કથામાં સ્વરૂપ વિલન જ હોય, પણ જમાનો બદલાઇ ગયો છે. હવે કોઇને ‘સ્વરૂપિઝમ’ શીર્ષક હેઠળ પુસ્તક લખવું હોય, સ્વરૂપે માર્કેટિંગની કઇ પદ્ધતિઓ અજમાવી તેની પર ડીઝર્ટેશન કરવું હોય કે ચાર દાયકા સુધી એક બ્રાન્ડને કેવી રીતે સસ્ટેઇન કરવી એ વિશે આઇઆઇએમમાં સ્વરૂપનો સબ્જેક્ટ દાખલ કરવો હોય, તો પણ કહેવાય નહીં. આપણો મતલબ ફક્ત સફળતાથી છે. નૈતિકતા જેવી આઉટડેટેડ વાતો માટે કોની પાસે ટાઇમ છે? એ હોત સ્વરૂપકાંડમાં સ્વરૂપ સિવાયના ગુનેગારોની યાદી પણ બહુ લાંબી હોત.

Friday, May 01, 2009

ગુજરાત દિન નિમિત્તે ખાસ

સાંજે તો સાંજે, પણ આટલું મુક્યા વગર ચાલે એમ ન હતું.

ગુજરાતની સ્થાપનાને પચાસમું વર્ષ બેઠું. એ વિશેના બે વિગતવાર લેખ લખી રહ્યો છું. તે અલગથી મુકીશ. પણ ગુજરાતની પચાસીને ‘સ્વર્ણિમ’ કહેનારા ટોળામાં હું નથી. એ સરકારી પ્રયોગ છે. એની ચર્ચા જવા દઇએ. સરકારી શબ્દાવલિઓની શીશી સૂંધ્યા કે સૂંઘાડ્યા વિના મુદ્દા પર આવીએ.

અનોખી ભેટ
ભગવદ્ગોમંડળની સીડી, વિના મૂલ્યે મારા તરફથી નથી, પણ છે બધાના માટે! જેમાં ભગવદ્ગોમંડળ જેવી એન્સાયક્લોપીડિક ડિક્શનેરીના તમામ ભાગ - ચિત્રો સહિત હોય અને એ સીડી, કોઇ પણ જાતની કુપનો ચોંટાડ્યા વિના, સાવ વિના મૂલ્યે મળે એવું સ્વપ્નમાં પણ કલ્પી શકાય?

છતાં સ્વપ્નમાં પણ જે ન કલ્પી શકાય, તેને વાસ્તવમાં સાકાર કરનારા લોકો છેઃ ભાષાપ્રેમી ઉદ્યોગપતિ રતિલાલ ચંદરિયા, તેમના ‘ગુજરાતી લેક્સિકન’ અને ચંદરિયા ફાઉન્ડેશનના સદા-સહયોગી, સ્નેહી અને હવે હું પણ જેમની સાથે દોસ્તીનો દાવો કરી શકું એવા ‘મેગ્નેટ ટેકનોલોજી’ના અશોક કરણીયા. આ કાર્ય અને સીડી વહેંચવાના વિચાર સાથે સંકળાયેલા સૌનો ગુજરાતી ભાષાના પ્રેમીઓ વતી આભાર માનવો જોઇએ. માનું છું.

ભગવદ્ગોમંડળની આખેઆખી સીડી, તદ્દન વિનામૂલ્યે નીચેના સરનામે સવારે ૯ વાગ્યાથી સાંજે ૭ વાગ્યા સુધી રૂબરૂ મળી શકશે.
Magnet Technologies
404-405, Soham-II, Near Navrang School Six Roads,
Navrangpura
Ahmedabad - 380 009
Tel: 079 6513 5400 / 01

મફત ડાઉનલોડ કરવા ઇચ્છતા મિત્રો માટે લિન્ક
http://www.gujaratilexicon.com/index.php?action=downloadshttp://www.bhagwadgomandal.com/index.php?action=download
રૂબરૂ ન આવી શકતા લોકો કુરિયરનો ચાર્જ મોકલીને ઘેરબેઠાં સીડી મેળવી શકે છે.
શું કહ્યું? કુરિયરનો ચાર્જ કેટલો થશે?
કમ ઓન, યાર! થોડી તસ્દી તો લો:-)

(આવા ઉમદા કામમાં આર્થિક સહયોગ કરવા ઇચ્છતા સજ્જનો પણ ગુજરાતી લેક્સિકન કે ભગવદ્ગોમંડળની સાઇટ પરથી અશોક કરણીયાનો સંપર્ક કરી શકે છે.)

દુર્લભ જાહેરખબરો
આજે વર્ષમાં એક દિવસ યાદ કરાતું નામ છેઃ ઇન્દુલાલ યાજ્ઞિક. વિલક્ષણ વ્યક્તિત્વ ધરાવતા ઇન્દુચાચા રાજકારણમાં આવતા પહેલાં ફિલ્મલાઇનમાં હતા. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના મિત્ર આશિષ વશીએ આજે એ સ્ટોરી પણ કરી છે. વઘુ રસ ધરાવતી ‘પાર્ટીઓ’ને ઇન્દુલાલની આત્મકથા વાંચી લેવા- કે પછી એ ન જ મળે તો આ બ્લોગ પર કહી જોવા- ભલામણ છે. પણ અહીં આજે જે બે ચીજો મૂકી છે, તે દુર્લભ કહેવાય એવી છે. એ ઇન્દુલાલ યાજ્ઞિકની બે ફિલ્મોની જાહેરખબરો છે. માણો!


- અને ફીફાં
શહીદોં કી ચિતા પર લગેંગે હર બરસ મેલે/ વતન પે મરનેવાલોં કા યહી બાકી નિશાં હોગા.
ખરેખર? ઘૂળ ને ઢેફાં.
આજે ગુજરાત દિન. મહાગુજરાતની ચળવળ પોલીસ ગોળીબારમાં વિદ્યાર્થીઓનાં મૃત્યુથી ઊભી થઇ હતી. વિદ્યાર્થીઓની ‘શહીદી’ મહાગુજરાત ચળવળનું સૌથી મોટું ઈંધણ બની. ગુજરાત સ્થપાયા પછી શહીદ સ્મારક કરવું એ ઇન્દુલાલ યાજ્ઞિકનો એક મુખ્ય એજેન્ડા હતો. પણ સ્મારક બની ગયા પછી શું?
સરદાર સ્મારક (ભદ્ર) પાસે આવેલા મહાગુજરાતના શહીદોના આ સ્મારકની આજે બપોરે ત્રણેક વાગ્યાની આસપાસ લીધેલી તસવીર છે. દેખાય છે સમ ખાવા પૂરતું એકેય ફૂલ? ભાજપ-કોંગ્રેસની ઓફિસ આ સ્મારકથી એકાદ કિલોમીટર કરતાં વધારે દૂર નહીં હોય. પણ આવે છે કોઇને યાદ? પચાસ વર્ષ પહેલાં મૃત્યુ પામેલાને યાદ ન કરી શકનારા ગૌરવની કથાવાર્તાઓ કયા મોઢે કરતા હશે? ને આપણે કયા કાને સાંભળતા હોઇશું?