Tuesday, January 13, 2009

બત્રીસ કોઠે હાસ્ય અને મોક કોર્ટની પડદા પાછળની વાતો – 2


photoline 1 (L to R) : Kartikey Bhatt, Pranav Adhyaru, Ashwin Chauhan, Urvish. Photo 2 : Urvish, Pranav, Hasit Maheta, Chandrashekhar Vaidya, Biren Kothari in Gymkhana Library.
(એક સીન)
સમયઃ કાર્યક્રમની બપોરે એક વાગ્યાની આસપાસ.
સ્થળઃ એલિસબ્રીજ જિમખાનામાં આવેલી વડીલ મિત્ર ચંદ્રશેખર વૈદ્યની લાયબ્રેરી

લેપટોપની બેટરી ઉતરી ગઇ હોવાથી એ ચાર્જિંગમાં મુક્યું છે. ત્યાં બીજો પ્લગ નથી. એટલે ડિજિટલ કેમેરાના સેલ ચાર્જ કરવા માટે શેખરભાઇ બીજે ક્યાંક મુકી આવ્યા છે. હું ભાઇ બીરેનના પરિવાર સાથે બેઠો છું. પ્રણવ થોડા કલાક પછી વકીલ તરીકે પહેરવાનો કોટ ખુરશી પર ટાંગીને બેઠો છે. મહેમદાવાદથી અમદાવાદ સુધી બીરેનની ગાડીમાં આવતાં મેં કરેલો સ્ક્રીપ્ટનો ફાઇનલ ડ્રાફ્ટ પ્રણવ જુએ છે. વચ્ચે થોડી વાતચીત થતી રહે છે.
બીજા ‘વકીલ’ હસિત મહેતા ઠેઠ કીમ (સુરત)થી રતિલાલ બોરીસાગર અને પ્રકાશ ન. શાહને વહેલી સવારે લઇને નીકળેલા, એ બન્ને જણને ઘરે ઉતારીને, ગાડીમાં રહી ગયેલી બોરીસાગરસાહેબની દવાઓ આપવા માટે ફરી એક વાર એમને ઘેર જઇ આવ્યા પછી સેવામાં હાજર છે. સવારે સાત-સાડા સાત વાગે કીમથી નીકળીને, ડ્રાઇવિંગ કરીને સાડા બાર વાગ્યે અમદાવાદ પહોચેલા માણસનો હોય એવો એમનો ચહેરો છે. મોબાઇલની સીસ્ટમ અમુક જગ્યાએ સતત ટાવર શોધતી હોય, એવી રીતે એમનો ચહેરો શાંતિ અને આરામ ઝંખી રહ્યો છે. પણ એની વચ્ચે ‘મૈં હું ના’ વાળો ભાવ સંતાઇ ગયો નથી. કાર્યક્રમ સાંજે સાડા પાંચે છે ને બપોરે એક વાગ્યે એમણે અડધી અડધ ‘ટેન્ટેટીવ’ સ્ક્રીપ્ટ વાંચી નથી. નાટકના સ્પેશ્યાલિસ્ટ અને મિત્ર તરીકે ‘પ્રોફેસર’ તરીકે ઓળખાતા કાર્તિકેય ભટ્ટ હાજર છે. આખી સ્ક્રીપ્ટની પ્રિન્ટ અને તેની નકલો કઢાવવા માટે મિત્ર પત્રકાર કેતન રૂપેરાની કુમક માગવામાં આવે છે. કેતન આવી પહોંચે છે અને પેનડ્રાઇવમાં ફાઇલ લઇને રવાના થાય છે. રસ્તામાં નડિયાદથી સાથે લીધેલા કુટુંબને ભોજનભેળું કરીને હસિત કહે છે,’હું અડધો કલાક ગાડીમાં આડો પડી લઉં.’

બકુલ ટેલર ગુજરાત એક્સપ્રેસમાં છે. રાત્રે એમના પેટમાં તોફાન ફાટી નીકળ્યું હતું. 'ગોળી’બાર જેવાં આકરાં પગલાંથી તેને દાબીને તે નીકળી ચૂક્યા છે. ટ્રેનમાં સિગ્નલની અવરજવર થાય છે. એટલે એ હોલ પર પહોંચે પછી જ તેમની સાથે વાત કરવી, એવું નક્કી થાય છે. બકુલભાઇએ સ્ક્રીપ્ટનાં દર્શન સુદ્ધાં કર્યાં નથી. એનો કોઇ ઉચાટ પણ નથી. એવામાં એક સાક્ષી, પત્રકારત્વના અધ્યાપક અશ્વિન ચૌહાણ આવે છે. ‘અરે, આવો આવો’ના ઉત્સાહભર્યા પોકારથી તેમનું સ્વાગત થાય છે અને પ્રણવ એમને એક બાજુ પર બેસાડીને સ્ક્રીપ્ટ પકડાવી દે છે. એમનો ભાગ અમને સૌથી ફૂલપ્રૂફ લાગે છે. કારણ કે તેમાં સ્યુડો-કવિતાની પંક્તિઓ તૈયાર છે.
પંક્તિઓ લલકારવાની પ્રેક્ટિસ ચાલે છે, એવામાં એ દિવસે સવારે મુંબઇથી સજોડે આવેલા દીપક સોલિયા અત્યારે એકલા દાખલ થાય છે. ફરી હર્ષનાદો. પ્રણવ તેમની સાથે થોડી ચર્ચા કરવાનો પ્રયાસ કરે છે. એક સાક્ષી અને ઇતિહાસનાં અધ્યાપક ફાલ્ગુની પુરોહિતનો ફોન આવે છે. તેમને શારીરિક સમસ્યા છે. એટલે આવી શકાય એમ નથી. આગલા દિવસે હર્ષલે કહ્યું હતું કે તેને બહાર જવાનું હોવાથી આવી શકશે નહીં. પ્રશાંત તેની સ્ટાઇલ પ્રમાણે કંઇ પણ કહ્યા-કારવ્યા વિના ગુમ છે. એટલે આપણે ધારી લેવાનું રહે છે કે એ નહીં આવે. અને હવે ફાલ્ગુની. એમનું કારણ સૌથી નક્કર છે. દુરાગ્રહનો સવાલ નથી. છતાં એ પોતાની જાતને આશ્વાસન આપતાં હોય એમ કહે છે,’હજુ હું સાડા ત્રણે તમને ફાઇનલ કહીશ.’

એક વાર પ્રિન્ટ કઢાવીને તેની નકલો લઇને કેતન આવે છે. તેની પર અશ્વિનભાઇને સાક્ષીઓના ક્રમ લખવાનું કામ સોંપવામાં આવે છે. પ્રણવ એક બંચ હાથમાં લઇને જુએ છે. પછી પૂછે છે,’આમાં સલિલભાઇનું ક્યાં છે? પૂર્વી ક્યાં છે? પ્રકાશભાઇ નથી.’ હું જોઉં છું અને થાય છેઃ ‘ગાડીમાં અનેક ફાઇલમાંથી એક ફાઇલ કરવામાં કેટલાકનું રહી ગયું છે. હવે?’ ઘડિયાળના કાંટા ત્રણની નજીક છે. હું કમ્પ્યુટર પર બેસી જાઉં છું. ઉતાવળે બાકી રહી ગયેલી સ્ક્રીપ્ટો ગોઠવું છું. એક ફાઇલ તૈયાર થાય છે. પુનરપિ કેતન રૂપેરા. પુનરપિ પેન ડ્રાઇવ. મિત્ર અને કસ્ટમ-એક્સાઇઝ ઇન્સ્પેક્ટર બીરેન મહેતા દાખલ થાય છે. એ રતિલાલ બોરીસાગરને હોલ પર ઉતારીને આવ્યો છે. અગાઉ ફાલ્ગુની પ્રકાશભાઇને લઇને આવવાનાં હતાં. હવે બીરેનને પ્રકાશભાઇનો હવાલો સોંપવામાં આવે છે.

દરમિયાન સલિલ દલાલના બે ફોન આવી ચૂક્યા છે. એક રસ્તામાંથી અને બીજો અમદાવાદમાં પ્રવેશ્યા પછી. હવે ત્રીજો ફોન હોલ પરથી આવે છે. બકુલ ટેલર પણ હોલ પર પહોંચ્યા છે. ‘બસ તમે ત્યાં જ રહો. અમે આવ્યા.’ આદર્યાં અધૂરાં રાખીને અમે હોલ પર પહોંચીએ છી્એ. ત્યાં કેતન રૂપેરાનો ફોન આવે છે. ‘પેન ડ્રાઇવમાં વાઇરસ છે. આ ભાઇ પ્રિન્ટ કાઢવાની ના પાડે છે.’ હું એ ભાઇ સાથે વાત કરું છું. સમજાવું છું કે જે સંદેશો આવે છે તે વાઇરસનો નહીં, પણ ‘વાઇરસ ડીલીટેડ’નો છે. અડધા કલાક પહેલાં એ જ પેનડ્રાઇવમાંથી પ્રિન્ટ કાઢનાર ભાઇ આ વખતે સ્પષ્ટ શબ્દોમાં ના પાડીને કહે છે,’પેનડ્રાઇવ ના નંખાય. સર્વરમાં લોચો પડે.‘ કેતન કહે છે, ‘ચિંતા ન કરો. હું બીજેથી પ્રિન્ટ કઢાવીને પહોંચું છું.’

અમે હોલ પર પહોંચીએ છીએ. કાર્તિકેય ભટ્ટે સેટ ગોઠવવાનો હવાલો સંભાળી લીધો છે. મુંબઇથી ખાસ આવેલો મિત્ર અને એક સમયે વર્લ્ડસ્પેસ રેડિયોની ગુજરાતી ચેનલ પર અનોખા મૌલિક કાર્યક્રમ આપનારો આર.જે. અજિંક્ય સંપટ પૂછતો નથી કે ‘કંઇ કામકાજ હોય તો કહેજો.’ એ બેનર લગાડવાના વહીવટમાં લાગી ગયો છે. હોલની બહાર પૂરા થયેલા પ્રોગ્રામનું ટાઇવાળાઓ અને વાળીઓનું ટોળું ઉભેલું છે. એટલે શરૂઆતમાં આવનારા મૂંઝાય છે. રતિલાલ બોરીસાગર હોલ પર આવી ગયા છે. ધીમે ધીમે બીજા લોકો આવે છે. પછી એક પછી એક વડીલો આવે છે. મિત્ર ઉષ્મા શાહ વિનોદભાઇ (ભટ્ટ)ને લઇને આવે છે. પૂર્વી –તેજસ (ગજ્જર) તારકભાઇ-ઇન્દુકાકી સાથે આવે છે. પ્રકાશભાઇ પહોંચે છે. અશ્વિનીભાઇની સગી ભાણીનું એ દિવસે લગ્ન છે. એટલે નીતીભાભીથી અવાય એમ નથી. પણ અશ્વિનીભાઇ સમયસર આવી પહોંચે છે.

સ્ટેજ પર ગોઠવેલા એક ટેબલ પર હસિત મહેતા એમના કેટલાક સાક્ષીઓ- સલિલભાઇ, બકુલ ટેલરને સ્ક્રીપ્ટનાં દર્શન કરાવી રહ્યા છે. લગે હાથ થોડી વાતચીત પણ. બીજી વાર પ્રિન્ટ કઢાવીને આવી ગયેલા કેતન રૂપેરા બંચ અલગ કરી રહ્યા છે, પણ સ્ટેપલર? પ્રણવ ભેદી રીતે તેની બેગમાંથી ટચૂકડું સ્ટેપલર કાઢે છે. હોલ ધીમે ધીમે ભરાઇ રહ્યો છે. એટલે મને થાય છે કે હવે તૈયારીમાંથી ધ્યાન હટાવીને થોડી વાર બધાને મળું. એટલે પંદર-વીસ મિનીટમાં હું ઓડિયન્સમાં બેસતા મિત્રો –વડીલોને મળી શકું છું અને ઓડિયન્સમાં અનેક પ્રિયજનોની હાજરીથી સંતુષ્ટ હૃદયે, આખા ભરાયેલા હોલના સુખદ દૃશ્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થાય છે.

3 comments:

  1. Sounds like a circus and you are the ring master.
    Good Job- Congratulations.
    Kim to Amdavad in 5 hrs.? That's news to me,

    ReplyDelete
  2. તૈયારી અને પૂર્વ તૈયારી
    ભવ્ય કાર્યક્રમ પાછળની તૈયારીઓ કેવીક તી? જાણવાની ઉત્સુકતા ઘણા સમયથી તી. વચ્ચે એમ વિચાર્યું કે તમે અહીં (દિવ્ય ભાસ્કર) આવો ત્યારે નિરાંતે વાતો કરશું. ત્યાં તો તમે ‘બીહાઈન્ડ ધ કોર્ટ’ વિગતો અહીં મૂકી એ વાંચવાની મજા આવી.
    ઓબામાની શપથવિધિમાં આખી દુનિયામાંથી મહાનુભાવો ઉમઙશે એ રીતે તમારી સૂનવણીમાં પણ પરદેશ (અશ્વની ભટ્ટ, પૂર્વી ગજ્જર, સલીલ દલાલ વગેરે), દેશ (ગુજરાત બહાર મુંબઈથી દીપકબાબુ) અને રાજ્યનાં ખુણેખાંચરેથી ગુજરાતી સાત્યિના આલા દરજ્જાના અને મે જેમને પહેલા ક્યારેય રૂબરૂ જોયા ન તા એવા (તારક મહેતા, સલીલ દલાલ, બકુલ ટેલર, રજનીકુમાર પંડયા વગેરે...) લોકોને જોઈ શક્યોમળી શક્યો. મારા માટે એ કાર્યક્રમ ઓબામાની શપથવિધિથી કમ ન તો!

    ReplyDelete
  3. Anonymous3:38:00 AM

    beat late in reading but... funny n cool !
    u r quite master of 'making parody of human behaviour'!!

    - prarthit

    ReplyDelete