Friday, January 30, 2009

જગન મહેતાના તસવીર પ્રદર્શન નિમિત્તે

જેનો ત્રીજો માળ મોટે ભાગે ખાલી હોય છે, એવી ગુજરાતની લલિત કળા અકાદમીના ગ્રાઉન્ડ ફ્લોર પર ગઇ કાલે જગન મહેતાની તસવીરોનું પ્રદર્શન ખુલ્લું મુકાયું. ૧૦૦ વર્ષના તસવીરકાર પ્રાણલાલ પટેલ, ૮૪ વર્ષના નારાયણ દેસાઇ, શિલ્પકાર કાંતિ પટેલ અને બીજા કળાકારો-કળાપ્રેમીઓ એ પ્રસંગે હાજર રહ્યા. ગાંધીજીની તસવીરોથી દેશવિદેશમાં ખ્યાતિ મેળવનાર જગન મહેતા ૯૩ વર્ષની વયે ૨૦૦૩માં અવસાન પામ્યા. પ્રેસનોટ પૂરી થઇ.

હા, પ્રેસનોટમાં તો આટલું જ આવે. એમાં એવું થોડું આવે કે જગન મહેતા ત્રીસીના દાયકામાં વિયેના (ઓસ્ટ્રિયા) ભણવા ગયા, ત્યારે ત્યાં જ રહેતા સુભાષચંદ્ર બોઝના પરિચયમાં આવ્યા હતા. તેમની તસવીરો પણ પાડી હતી. એ જ સુભાષચંદ્ર જ્યાં વાજતેગાજતે કોંગ્રેસપ્રમુખ બન્યા, તે સુરત નજીક આવેલા હરિપુરા કોંગ્રેસ અધિવેશન (૧૯૩૮?)માં પણ જગનદાદા કેમેરા લઇને પહોંચી ગયા હતા. વિયેનામાં હિમવર્ષા વચ્ચે સુભાષચંદ્ર બોઝ બીમાર જગન મહેતાની ખબર કાઢવા આવે છે અને ભાવનગરથી તેમણે આણેલી બદામપુરી પહેલાં ખચકાતા ખાય છે અને પછી ખૂબ ભાવતાં એક પોતાની સેક્રેટરી (પ્રેયસી) માટે લઇ જાય છે, એ દૃશ્યથી રજનીકુમાર પંડ્યાએ જગન મહેતાના શબ્દચિત્રની શરૂઆત કરી છે. પત્રકાર બનતાં પહેલાં રજનીકુમાર થકી જગનદાદા સાથે પરિચય થયો હતો.

‘જગન મહેતા ક્લિક્સ વન્સ’ એ તેમની ખુમારી અને એ તેમનો આત્મવિશ્વાસ. એકસાથે ધડાધડ ક્લિક કરવાના ડિજિટલ યુગમાં ફ્લેશ વિના ઉત્તમ તસવીરો લેનાર જગનદાદા બહુ યાદ આવે. ઝવેરીલાલ મહેતાથી વિવેક દેસાઇ સુધીની તસવીરકારોની બે-ત્રણ પેઢી સાથે દાદાને સરસ ભળે. દાદા મૂળે વ્યાવસાયિક નહીં. એટલે દામ ઉપજાવતાં કે કામ કઢાવતાં આવડે નહીં. સરકારોની, પ્રધાનોની કે સચિવોની દાઢીમાં હાથ નાખવાનું ગમે નહીં. એવોર્ડ માટે અરજી કરવામાં તેમને અપમાન લાગે. (ખરેખર તો કોઇને પણ લાગવું જ જોઇએ.)

નોઆખલીનાં તોફાનો પછી બિહારમાં ફાટી નીકળેલી કોમી આગ ઠારવા ગાંધીજી બાદશાહખાન સાથે પહોંચ્યા, ત્યારે જગનદાદા પણ તેમની યાત્રામાં જોડાયા. મૃદુલા સારાભાઇ પણ સાથે હતાં. એ યાત્રાની જગનદાદાની તસવીરો વિના કોઇ પણ ગાંધી સંગ્રહાલય અઘૂરૂં ગણાય. ગાંઠના ખર્ચે સાહિત્યકારોની અદ્ભૂત તસવીરો પાડવાનો દાદાને જબરો ઉત્સાહ. તેમના અને રમેશ ઠાકર (રાજકોટ)ના ઉત્સાહ વિના ગુજરાતી સાહિત્યકારોના ઠેકાણાસરના ફોટોગ્રાફ્સ ધરાવતા પુસ્તક ‘ગુજરાતના પ્રતિનિધિ સાહિત્યકારો’નું પ્રકાશન અશક્ય હતું. યાદ આવે છે ત્યાં સુધી, પાંચ-છ વર્ષ પહેલાં પરિષદના મેદાનમાં ભરાયેલા પુસ્તકમેળામાં પરિષદના સ્ટોલમાં જગનદાદાએ પાડેલી સાહિત્યકારોની તસવીરો હતી. તેમાં જગનદાદાની ક્રેડિટ ન હતી, એ પણ યાદ છે.

સાહિત્યકારો પ્રત્યે દાદાની મમતા અને દસ્તાવેજીકરણની ચીવટ એવી કે એક દિવસ કહે,‘મહેમદાવાદમાં એક ગઝલકાર રહે છે. હનીફ સાહિલ. એમનો ફોટો પાડવાનો રહી ગયો છે. તું પાડીને મને એની કોપી આપીશ?’ હનીફ સાહિલ ઉર્ફે પઠાણસાહેબ અમારા બાયોલોજીના શિક્ષક. રદીફ-કાફિયા ને મત્લા-મક્તાની દુનિયાનો પરિચય પણ એમના થકી જ થયેલો. એમની તસવીરો પાડવાનું કામ જગનદાદા સોંપે એ બેવડા ગૌરવની વાત હતી. મેં જ્યાં સુધી એ કામ ન કર્યું ત્યાં સુધી જ્યારે મળવાનું થાય ત્યારે દાદા યાદ કરાવે. છેવટે ચાર-પાંચ તસવીરો પાડી આપી ત્યારે દાદાને સંતોષ થયો.

દાદાની બે વર્ષગાંઠો યાદ રહી ગઇ છે. એક વર્ષગાંઠના બે-ચાર દિવસ પહેલાં મહેન્દ્રભાઇ મેઘાણી સાથેની મુલાકાતમાં વાત નીકળી અને મેં કહ્યું કે જગનદાદાને મળવા જવાનો છું એટલે મહેન્દ્રભાઇએ એમની લાક્ષણિક નિર્ભાર શૈલીમાં કહ્યું,‘મને લઇ જશો?’ ‘હમારા બજાજ’ પર મહેન્દ્ર મેઘાણીને પાછળ બેસાડીને હું જગનદાદાને ઘેર પહોંચ્યો. થોડી વારમાં બિનીત (મોદી) પણ આવી પહોંચ્યો. દાદા બહુ ખુશ હતા. અમારી સાથે ચા પીધી. ઉભા થઇને અંદર ગયા અને પોતે પાડેલું ઝવેરચંદ મેઘાણીનું પોટ્રર્ેટ લઇ આવ્યા. એ તેમણે મહેન્દ્રભાઇને યાદગીરી તરીકે ભેટ આપ્યું. એ પ્રસંગની એક-બે તસવીરો મહેન્દ્રભાઇને મોકલી એટલે તેમનો એવો જ જવાબ આપ્યો. તેમાંનું એક વાક્ય હતું,‘જગનભાઇ સાથે તસવીરમાં મારી જાતને જોઇને ધન્ય થયો.’

દાદાની ૯૨મી વર્ષગાંઠ (૧૧-૫-૦૧) વખતે હું કેમેરા લઇને મળવા ગયો હતો. એમના એકલાની અને પછી એમની પૌત્રવઘુ સાથે થોડી તસવીરો લીધી. તેમાંની બે તસવીરો આ પોસ્ટ સાથે મુકી છે.

ઘણા આયોજન પછી હેન્ડીકેમની ખરીદી કરી. પછી વિચાર આવ્યો કે જગનદાદાની મુવી લઊં. એક બપોરે એમને ઘેર ગયો, ત્યારે એમનાં પૌત્રવઘુએ કહ્યું,‘દાદા સૂતા છે.’ એટલે ‘ફરી આવીશ’ કહીને નીકળી ગયો. એના થોડા દિવસમાં ખબર આવ્યા કે દાદા ગયા. તેમનો દાંત વગરનો હસતો ચહેરો, રોષે ભરાઇને તંગ થતો ચહેરો, ભાવાવેશને કારણે સહેજ ઉંચો થતો અને ભરાઇ આવતો અવાજ... કશું ભૂલાયું નથી.

તેમની તસવીરોનું પ્રદર્શન જોઇને બઘું ફરી એક વાર તાજું થઇ આવ્યું. અમદાવાદમાં રહેતા મિત્રોએ આવતા મહિનાની દસમી તારીખ સુધી ચાલનારૂં આ પ્રદર્શન ચૂકવા જેવું નથી. તસવીરોની સાઇઝ નાની છે. ગોઠવણ પણ ગીચોગીચ છે. છતાં તેના ઐતિહાસિક મહત્ત્વની અને ગુણવત્તાની દૃષ્ટિએ એ જોવા જેવું છે. જગનદાદાને મળવાનો હવે એ જ એકમાત્ર રસ્તો છે.

2 comments:

  1. અહીં એટલાંટા બેઠા પ્રદર્શન જોવા જઈ શકાય એમ નથી. પણ, આ લેખ વાંચીને જેમને દાદાએ લીધેલી ગુજરાતી સાહિત્યકારોની વિરલ તસવીરો જોવાની ઈચ્છા થાય તો ... આ રહી લીંક.

    (આ લીંક ફાયરફોક્સમાં ચાલતી નથી. ઈંટરનેટ એક્સપ્લોરરમાં જ ચાલે છે.)

    ReplyDelete
  2. જગનભાઈની ફરી મુલાકાત કરાવા માટે ખુબ ખુબ આભાર.હું સમજણો થયો ત્યારથી તેમની સાથે દિલ્લગી.અમારો સબંધ મોટાભાઈ-નાનાભાઈનો.બસ છેલ્લા ડીસેમ્બર 28,1999એ સાથે જમ્યા અને જુની વાતો સંભારી,મારા બાપુ (રવિભાઈ) અને વાસુદેવ કાકા (જગનભાઈના પિતા)ને યાદ કરતાં આંસુ ના રોકાયા.મારા પત્ની ભારતિને વર્ષો પહેલાં દક્ષિણની હવે એક અલભ્ય મુર્તિનો ફોટો પાડી લાવેલા તે ભેટ આપ્યો.બાબો (ચિ.ઉપેંદ્ર) કહે "ફોટો જડતો ન્હોતો એટલે પપ્પા કાલે રાત્રે 12 વાગે માળિયે ચડીને શોધી લાવ્યા".પ્યારા જગનભાઈ ક્યારેય નહી ભુલાય

    ReplyDelete