Wednesday, January 21, 2009

એમઓયુઃ ગુજરાતનો ‘નવો વેપાર’

ભૂકંપ અને કોમી હિંસા પછી ગુજરાતમાં એમઓયુ માટે ચર્ચામાં છે. અખબારો બીબાંથી છપાતાં નથી એટલું સારૂં છે. નહીંતર, વાઇબ્રન્ટ ગુજરાતમાં થયેલા એમઓયુના આંકડા છાપવા માટે મીંડાનાં બીબાં ખૂટી પડત અને બીબાં બનાવતી કંપનીઓ સાથે અખબારોએ અમુક હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરવા પડત.

કોમી હિંસા અને તેની પહેલાં ભૂકંપ પોતપોતાના સમયમાં એવાં છવાયાં હતાં કે બાકીની બધી -સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આર્થિક અને પરચૂરણ- વાતો તેમના સંદર્ભે જ થાય. વાઇબ્રન્ટ ગુજરાતમાં આ સાલ થયેલા અમુક લાખ કરોડ રૂપિયાના એમઓયુ પછી બાકીનાં તમામ ક્ષેત્રોમાં એમઓયુ-ચાળો ફેલાય તો?

***
છોકરીને જોવા માટે મુરતિયો તેનાં માતા-પિતા સાથે આવ્યો છે. છોકરો-છોકરી એક રૂમમાં વાતો કરે છે. બહાર છોકરાના પપ્પા (પપ્પા ૧)ની છોકરીના પપ્પા (પપ્પા ૨) સાથે ચર્ચા કરી રહ્યા છે.
પપ્પા ૧: શું લાગે છે?
પપ્પા ૨: હવેનાં છોકરાંનું કંઇ કહેવાય નહીં.
પપ્પા ૧: પણ એ લોકો વાતો કરે ત્યાં સુધી આપણે એમઓયુ તો કરી નાખીએ! એમાં બન્નેના ગમવાની રાહ જોવાની ક્યાં જરૂર છે? તમે અહીં આટલે સુધી આવ્યા ને સાવ ખાલી હાથે જાવ એ કેમ ચાલે?
પપ્પા ૨: બરાબર છે. આપણે દસ લાખ રૂપિયાનો એમઓયુ કરીએ.
પપ્પા ૧: શ્શ્શ્શ્શ્...ધીમેથી બોલો. કોઇ સાંભળી જશે તો આપણા બન્નેની આબરૂ જશે. આ તે કંઇ એલઆઇસીનો વીમો લેવાનો છે કે તમે લાખમાં વાત કરો છો? એમઓયુ કરવાનો છે, એમઓયુ! બસો-પાંચસો કરોડ રૂપિયાનો ન કરીએ તો દેશ ને દુનિયા આગળ આપણું ને આપણા ગુજરાતનું કેવું લાગે?
પપ્પા ૨: હું તો તમારી પરીક્ષા કરતો હતો. સાતસો કરોડનો એમઓયુ કરી નાખીશું?
પપ્પા ૧: હવે લીટી ભેગો લસરકો. હજાર-બારસો કરોડ રાખી દો. અત્યાર સુધી આ છોકરા માટે બાવીસ હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરી ચૂક્યા છીએ, પણ એનું હજુ ગોઠવાતું નથી.
પપ્પા ૨: હશે. ધીરજ રાખવી. ના, ના કહેતાં અમારે પણ આ છોકરી માટે સત્તર હજાર કરોડ રૂપિયાના એમઓયુ કરવા પડ્યા છે. સંસાર છે. એમઓયુ તો ચાલ્યા કરે.

સ્થળ પર હાજર એક એનઆરજી સંબંધી આંખો અને મોં પહોળાં કરીને આ બઘું સાંભળી રહ્યા છે. અંતે ન રહેવાતાં એ પૂછે છે,‘પણ આ છોકરો-છોકરી એકબીજાને જુએ એમાં એમઓયુ કરવાની શી જરૂર?’'
છોકરાના પપ્પાઃ જુઓ, બન્ને જણ એકબીજાને પસંદ પડે તો પછી એ સંસાર માંડવાના કે નહીં? સંસાર માંડે તો એમને ખર્ચ થવાનો કે નહીં? પતિ-પત્ની અને તેમનાં બે બાળકોનો આ મોંઘવારીના જમાનામાં ખર્ચ ગણો અને એમનો સંસાર પચાસ વર્ષ ટકશે એવો અંદાજ બાંધો તો કુલ ખર્ચ કેટલો થાય? એવો જાડો અંદાજ બાંધીને તેમાં બે-ચાર મીંડા ઉમેરીને એટલી રકમનો એમઓયુ અત્યારથી બન્ને પાર્ટીઓ કરી નાખે તો...
એનઆરજીઃ પણ એનો અર્થ શો? હજુ લગ્ન નક્કી ન હોય ને હજારો કરોડની વાતો... અને લગ્ન થઇ જાય તો પણ શું? જે રકમ આવતાં પચીસ કે પચાસ વર્ષમાં ખર્ચાવાની છે એનાથી અનેક ગણી વધારે રકમના આંકડા અત્યારે ઉછાળીને હરખાવાનો શો મતલબ?
છોકરાના પપ્પાઃ ‘તમને અહીંના રિવાજમાં ખબર ન પડે. ગુજરાત પ્રગતિના પંથે છે ને એની પ્રગતિ લોકોથી ખમાતી નથી. એવા લોકો જ આવી દલીલો કરે છે. તમે ગુજરાતવિરોધી છું?
એનઆરજીઃ ના, પણ તમે સામાન્ય બુદ્ધિના વિરોધી છો?
છોકરીના પપ્પાઃ દલીલબાજીનો કશો અર્થ નથી.
એનઆરજીઃ ઓ.કે., હવે પાછો જઇને હું એરલાઇન્સ સાથે હન્ડ્રેડ મિલિયન પાઉન્ડના એમ ઓયુ કરીશ- મારી આવતી પેઢીઓની વિદેશયાત્રાઓના ખર્ચા પેટે. ગ્રોસરી સ્ટોર સાથે સેવન હન્ડ્રેડ મિલિયન પાઉન્ડના અને હોસ્પિટલ સાથે વન બિલિયન પાઉન્ડના એમઓયુ પણ કરી નાખીશ.
છોકરાના પપ્પાઃ હવે તમે ગુજરાતના મુખ્ય મંત્રીને ગૌરવ થાય એવી વાઇબ્રન્ટ વાત કરી. જુઓ, તમારે દર વર્ષે ત્યાં એક મોટી પાર્ટી રાખવાની. એમાં આવી બધી કંપનીઓવાળા ને એ ન મળે તો સ્ટોરવાળાને બોલાવવા, જલસાપાણી કરવાં, એ બધામાં જે ખર્ચો થાય તેને ઇન્વેસ્ટમેન્ટ ગણવો અને એ લોકોની સાથે મિલિયન્સ ઓફ પાઉન્ડના એમઓયુ સાઇન કરવા. પછી જુઓ, તમારો કેવો વટ પડે છે. લોકો કહેશે, આ તો બહુ મોટી પાર્ટી છે. બે વર્ષ પહેલાં વન બિલિયન ડોલરના એમઓયુ સાઇન કર્યા હતા અને આ વર્ષે ફોર બિલિયન ડોલરના એમઓયુ સાઇન કર્યા છે...
એનઆરજીઃ બસ. હવે હું છું, કંપનીઓ છે ને એમઓયુ છે.

***
વાઇબ્રન્ટ ગુજરાતમાં મીંડાના વરસાદ પછી પણ કોરાકટ રહ્યા હોય એવા લોકો કહે છે, ‘કેટલા એમઓયુ વાસ્તવિક પ્રોજેક્ટમાં ફેરવાય છે એ તો જુદી વાત છે. પણ એમઓયુ પછી ખરેખર પ્રોજેક્ટ થાય તો મોટો ફાયદો ઉદ્યોગપતિઓને છે ને પ્રોજેક્ટ થાય કે ન થાય, મુખ્ય મંત્રીને ફાયદો જ ફાયદો છે. એમાં આમજનતાને શું?’
આવા લોકોને ચૂપ કરવા માટે અને વાઇબ્રન્ટ ગુજરાતનો મિજાજ છેવાડાના માણસની જિંદગીમાં કેવો ફરક પાડી શકે, એ બતાવવા માટે અહીં આમજનતા કોની કોની સાથે એમઓયુ કરી શકે, તેની અછડતી, નમૂનારૂપ યાદી અહીં આપી છે. તેમાં સૌ પોતપોતાની સમજણ પ્રમાણે ઉમેરા કરી શકે છે.
દાતણવાળા (એગ્રીકલ્ચર સેક્ટર)
અગાઉ ભાખરી-રોટલીના સાટામાં કે હવે રૂપિયો-બે રૂપિયાની કિંમતમાં દાતણની ઝૂડી વેચનારા લોકો છેવાડાના ગણાય કે નહીં? ગણાય! તો એમને એક દિવસ ઝડપી લો અને તેમની સાથે આખી પોળ વતી આજીવન દાતણ ખરીદવા માટે પચીસ કરોડ રૂપિયાનો એમઓયુ કરી નાખો. પછી જુઓ, રોજ કેવાં તાજાં દાતણ આવે છે, વૈશ્વિક મંદીના વાતાવરણમાં ગુજરાતનો દાતણઉદ્યોગ કેવો તેજીમાં આવે છે ને તેમાં કેટલા ગ્લોબલ પ્લેયર પ્રવેશે છે!
બસ-રીક્ષા-છકડા-ટ્રેન (ટ્રાન્સપોર્ટ/ગ્રીન ટેકનોલોજી સેક્ટર)
અમદાવાદના લોકો એએમટીએસ સાથે કે વડોદરાના લોકો ‘વીટકોસ’ સાથે આજીવન ભાડા પેટે માથા દીઠ પચાસ-સો કરોડ રૂપિયાના એમઓયુ કરી શકે છે. ટ્રેનમાં અપ-ડાઉન કરતા લોકો કેન્દ્ર સરકાર સાથે એવી જ રકમના એમઓયુ કરી શકે છે. સામાન્ય સંજોગોમાં ટિકીટ ન લેતા હોય એવા લોકો પણ એમઓયુ માટે ઉલટભેર તૈયાર થશે. આ રીતે સામાન્યમાં સામાન્ય નાગરિક પણ ઉન્નત મસ્તકે ફરી શકશે અને ટિકીટ માગતાં તુચ્છ ટિકિટ કે સીઝન ટિકીટને બદલે અમુક સો કરોડ રૂપિયાના એમઓયુનો કાગળ બતાવશે.
ફીનાઇલવાળા ( કેમિકલ સેક્ટર)
શેરીમાં કે સોસાયટીમાં સાયકલ કે લારી લઇને ફીનાઇલ વેચવા આવનારને ઓછા આંકવા નહીં. તેમની સાથે પણ પચીસ-પચાસ કરોડના એમઓયુ કરી શકાય અને ટાર્ગેટમાં ફીગર ખૂટતી હોય તો આ બધે એક-બે મીંડાં ઉમેરી દેવાના. ઘી ઢળ્યું તો ખીચડીમાં ને મીંડાં પડ્યાં તો એમઓયુમાં!
છાપાનો ફેરિયો (મીડિયા સેક્ટર)
દર મહિને સો-બસો રૂપૈડીનું બિલ આપવા-લેવાનું વાઇબ્રન્ટ ગુજરાતના નાગરિકોને શોભે? એને બદલે છાપાંવાળા સાથે સાગમટા છાપાં અને પસ્તી માટે પચાસ-સો કરોડ રૂપિયાના એમઓયુ કરી નાખ્યા હોય તો?

ગુજરાતનાં કોમી રમખાણોમાં સરકાર પાસેથી ન્યાય, રાજધર્મ અને ‘અન્ડરસ્ટેન્ડિંગ’ની અપેક્ષા રાખતા લોકોએ હવે મુખ્ય મંત્રીની ટીકા કરવાનું છોડીને આવતા વાઇબ્રન્ટ ગુજરાત માટે એક સ્ટોલ રાખવો જોઇએ. મેમોરેન્ડમ કરવાથી સરકાર પાસેથી ‘અન્ડરસ્ટેન્ડિંગ’ની આશા રહેતી હોય તો એ રસ્તો અજમાવી જોવામાં શું વાંધો?

2 comments:

  1. Very true Urvishbhai,

    every year we witness this extravegant business show, which hardly gets any business! Aankh aada kaan karva ke tathya tapaasya vagar vikas na model par vishvas karvo, e koi gujrat ni 5 karod janta pase sikhe!

    ReplyDelete
  2. Kya baat hai, Urvishbhai!

    Saras lekh. Majja Padi. I know one young architect, whose father is a small time builder. They will have some land worth 5 crores in Ahmedabad. They also took a plunge and signed the MOU worth 100 crores...
    but people like you and me are Anti-gujarat, Anti-development, Anti-national! We can not bear the growth of Gujarat. I get into arguments everyday and it is surprised to see some well-educated people being so ignorant about many facts. Most vibrant newspaper in Ahmedabad who compels us (only Gujaratis) to be proud twice a day, adds to this hoax.

    ReplyDelete