Tuesday, January 13, 2009

બત્રીસ કોઠે હાસ્ય અને મોક કોર્ટની પડદા પાછળની વાતો - 1

‘યે શાદી નહીં હો સકતી’ (પાછળ ‘ઢેનટેણેન’ જેવું ધમાકેદાર મ્યુઝિક)- એ ડાયલોગ હિંદી ફિલ્મોના સૌથી જાણીતા સંવાદોમાંનો એક છે. એ ચવાઇ ગયેલો ડાયલોગ ‘મોક કોર્ટ’ના આયોજન પહેલાં અમને પણ સાંભળવા મળ્યો- અલબત્ત, ‘ઢેનટેણેન’ને બદલે અમારે ‘ભાઇકાકા હોલ’ના મુખ્ય વહીવટકર્તા યાદવભાઇની કારણ વગરની કરડાકીથી ચલાવી લેવું પડ્યું.

બન્યું એવું કે ભાઇકાકા હોલનું બુકિંગ કરાવતી વખતે ભાઇ બિનીતે વિગતે પૂછપરછ કરી હતી. પોલીસ પરમિશન વિશે પણ પૂછ્યું હતું. એ વખતે હાજર ભાઇએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે પોલીસ પરમિશનની જરૂર નથી. કાર્યક્રમના એક અઠવાડિયા પહેલાં અમે બન્ને હોલ પર આમંત્રણ કાર્ડ આપવા અને હોલ પર એક નજર નાખી આવવા માટે પહોંચ્યા, ત્યારે ત્યાં બેઠેલા યાદવભાઇ સાથે થોડી વાતચીત થઇ. એમનો અંદાજ એવો હતો જાણે ‘ક્યાંથી હાલ્યા આવો છો.’ અમે કોઇક ‘ઇનડીસન્ટ પ્રપોઝલ’ સાથે આવ્યા હોઇએ એવી રીતે વાતચીતની શરૂઆત થઇ. અરજદારની મુદ્રામાં ઊભા રહેવાનું. કોઇ બેસવાનું પણ કહે નહીં. ઊંચા સૂરમાં પૂછાયેલા સવાલોના જવાબ આપવાના. આ બધું એટલા માટે કે આપણે હોલ નોંધાવવાનો ફોજદારી ગુનો કર્યો છે.

ગ્રાહકોના અધિકાર બાબતે અત્યંત ઉત્સાહી બિનીતને તેમની સાથે તત્કાળ ‘ઠેરી ગઇ’. આમંત્રણ કાર્ડ વાંચીને યાદવભાઇએ કહ્યું,’આવો પ્રોગ્રામ અહીં થઇ શકે નહીં. તમે તો કહ્યું હતું કે આ પુસ્તકનો કાર્યક્રમ છે ને આ તો હાસ્યનો કાર્યક્રમ છે. એમાં તો પોલીસ પરમિશન જોઇએ.’ આ બધી માહિતી એટલા ડેસિબલમાં અપાતી હતી કે કાર્યક્રમનાં કાર્ડ ન વહેંચાઇ ગયાં હોત તો એક વાર એવો પણ વિચાર આવી જાત કે ‘મારો ગોળી કાર્યક્રમને, જો આવા જ માણસો જોડે કામ પાડવાનું હોય તો.’ પણ મને નજર સામે કાર્ડ દેખાતાં હતાં. મેં એમને પૂછ્યું,’તમારો પ્રોબ્લેમ શું છે? કાર્યક્રમ નહીં થાય એવું હવે પછી કહેશો નહીં. તમારે પોલીસ પરમિશન જોઇએ છે? તો મળી જશે.’

આવી ફાલતુ બાબતમાં અડધો-પોણો કલાક વાગ્યુદ્ધ કરવાનું થાય તેનો કેવો ત્રાસ પડે. એ પડ્યો. પછી હોલ જોવાની વાત થઇ એટલે એ ભાઇ અમને લઇને હોલમાં આવ્યા અને એમનું ભેદી લોજિક સમજાવ્યું, જે ભાઇકાકા હોલ સાથે કોઇ પણ રીતે સંકળાયેલા સૌ કોઇના લાભાર્થે હું રજૂ કરું છું. યાદવભાઇ ખાલી હોલની એક સીટ પર બેઠા અને અભિનય સાથે સમજાવ્યું કે હાસ્યના કાર્યક્રમમાં લોકોનું ધ્યાન હસવામાં હોય. એ વખતે કોઇ સીટ નીચે બોમ્બ મુકીને ચાલતું થાય (અભિનય) અને લોકો હસતા હોય (અભિનય) તો કોઇને ખ્યાલ આવે નહીં. પણ સાદો ચોપડીનો કાર્યક્રમ હોય ને ભાષણો ચાલતાં હોય ત્યારે લોકો સીટ પર આમથી તેમ થતા હોય (અભિનય). એટલે એમાં કોઇ સીટ નીચે બોમ્બ મુકે (અભિનય) તો ખબર પડી જાય. એટલે હાસ્યના કાર્યક્રમમાં પોલીસ પરમિશન જોઇએ.

એ વખતે હાસ્યનું લખવા બદલ હું લગભગ અપરાધભાવ અનુભવવાની તૈયારીમાં હતો. પણ એ વખતે વ્યવસ્થાભાવ સિવાય બીજા કોઇ ભાવ માટે જગ્યા ન હતી. એટલે હોલની બહાર નીકળીને પોલીસ પરમિશનની તૈયારીમાં પડી ગયા. મિત્ર અને ‘અભિયાન’ના સજ્જ પત્રકાર લાલજી ચાવડાએ જવાબદારીપૂર્વક, ધક્કા ખાઇને પરમિશનની વિધી પૂરી કરી. પણ ‘ભાઇકાકા’ હોલના યાદવભાઇની, સરેરાશ ભારતીય સંસ્થાઓના સ્ટાફની વર્તણૂંક જેવા વ્યવહારે કંઇ પણ કરતાં પહેલાં કડવો સ્વાદ છોડી દીધો. આવી સંસ્થાઓમાં કાઉન્ટર પર બેઠેલા લોકોના સુખદ અનુભવ ઓછા અને કડવા અનુભવો વધારે હોય છે. કહીએ કે ‘અહીં ઉપરી કોણ છે?’ એટલે આવા લોકો ઊંચા સ્વરને વધુ ઊંચો કરીને કહેતા હોય છે,’બોલો ને તમે. શું કામ છે? હું જ છું.’ અથવા ‘તમારે જેને કહેવું હોય તેને કહો. કશો ફરક નહીં પડે.’

કેવી રીતે કશો ફરક નહીં પડે? સીધી તરકીબ છે. સાહેબ સમક્ષ આખી સમસ્યાને જુદા સ્વરૂપે રજૂ કરવાની. જેમ કે, ‘સાહેબ, આ લોકો અત્યાર સુધી પોલીસ પરમિશન લાવ્યા નથી. વચ્ચે રજાઓ આવે છે ને સાહેબ પરમિશન ન આવે તો તકલીફ પડે’ વગેરે...

કોણ કહે છે, અસહકારના આંદોલનનો મિજાજ ગાંધી સાથે મરી પરવાર્યો છે?

1 comment:

  1. અસહકારી સરકારી સિસ્ઙમ!
    સામાન્ય રીતે અને અસામાન્ય રીતે પણ આવું જ બનતું ોય છે. તમારો અનુભવ ોલ ભાડે રાખવાનો તો, એ રીતે બીજા લોકોને બીજા અનુભવો થતાં રહેતા ોય છે. જ્યાં જ્યાં જાહેર લાગું પડે ત્યાં ત્યાં આવી સમસ્યાઓ (આવી એઙલે અતિ વાયાિત વર્તન કરનારો સ્ઙાફ, આપણા ઉપર ઉપકાર કરતા ોય એવી વર્તણૂક, આપણે તેમની સેવા લઈને દેશદ્રોહનો અપરાધ કરતાં ોય એવા સવાલો ... વગેરે વગેરે...) ઉભી જ ોય. મોઙે ભાગે એવું બનતું ોય કે આપણે સાર્વત્રિક સમસ્યા માટે સિસ્ઙમ ફેઈલ્યોરની વાત કરતાં ોઈએ છીએ પણ કીકતમાં સિસ્ઙમ કરતાં સિસ્ઙમ ચલાવનારા લોકો વધુ વાયાિત ોય છે.

    ReplyDelete