Friday, November 30, 2018
જોતિરાવ ફુલે : ગાંધીજી પહેલાંના 'મહાત્મા'
વાજબી કારણોસર રોષનો સ્થાયી ભાવ ધરાવતા ડૉ. આંબેડકરે ભલે કહ્યું હોય કે મહાત્માઓ ધૂળ ઉડાડતા આવે ને જાય, તેનાથી સમાજને કશો ફરક નથી પડતો. વાસ્તવમાં, ફરક તો પડે છે. શરત એટલી કે 'મહાત્મા'તરીકે ઓળખાયેલા માણસો બધી માનવીય મર્યાદાઓ સાથે સન્નિષ્ઠ-સત્યનિષ્ઠ-લોકનિંદાથી અલિપ્ત અને જીવ હોડમાં મૂકીને લોકકલ્યાણનું કામ કરનારા હોવા જોઈએ. એવા નામમાં ગાંધીજીની સાથે અને કાળક્રમની દૃષ્ટિએ તેમની પહેલાં જોતિરાવ ફુલેનું નામ લેવું પડે.
ગાંધીજી કરતાં બે પેઢી (૪૨ વર્ષ મોટા) અને ગુજરાતી પાઠ્યપુસ્તકોમાં ન આવતા ફુલેએ જે જુસ્સાથી સમાજસુધારાનું કામ કર્યું, તે પાઠ્યપુસ્તકોમાં આવતા બંગાળના-મહારાષ્ટ્રના બધા સુધારકો ઝાંખા પાડી દે એવું હતું. ટ્વિટરના સીઈઓ જૅક ડોર્સીને ૨૦૧૮માં ત્રણ શબ્દોનું એક પોસ્ટર હાથમાં પકડવાનું કાઠું પડી ગયું ને સોશ્યલ મિડીયામાં રાજ કરતી ટ્વિટર જેવી કંપનીએ નાકલીટી તાણવી પડી. તેનાથી અનેક ગણાં આકરાં નિવેદનો જ નહીં, સુધારાનાં નક્કર કામ જોતિરાવ ફુલેએ પોણા બે સદી પહેલાં કર્યાં હતાં--અને એ પણ રૂઢિચુસ્તોના ગઢ ગણાતા પૂનામાં.
ઘડીયાળના કાંટા ઊંધા ફેરવી રહેલા વર્તમાન સમયમાં જોતિબાની કઠણાઈ વિશિષ્ટ છેઃ જન્મે માળી સમાજના જોતિબા દલિતોને સમાનતા અપાવવા ઝઝૂમ્યા, એટલે સ્ત્રીશિક્ષણની પહેલથી માંડીને ધર્મના નામે ચાલતા પાખંડના વિરોધ જેવાં તેમનાં અનેક કામ વિસારે પાડી દેવાયાં. તેમની ઓળખ 'દલિતોના નેતા'તરીકે સીમિત કરી દેવામાં આવી. બાકી, ભારતમાં જેમ ગાંધીજીની સરખામણી ભાગ્યે જ બીજા કોઈની સાથે થઈ શકે, તેવું જોતિબા માટે પણ કહી શકાય. એ બંને પ્રત્યેના પ્રેમાદરને કારણે, તેમની વચ્ચેનાં મારીમચડીને નહીં, પણ સહજતાથી તરી આવતાં સામ્ય પણ નોંધવાનું મન થાય.
ગાંધીજી જેના માટે જીવનભર મથતા રહ્યા એ, તેમના જીવનનું કેન્દ્રબિંદુ એટલે સત્ય. ગાંધીજીના એક અભ્યાસી ટી. કે. મહાદેવને એટલે સુધી લખ્યું હતું કે અનેક વિષયો પરના ગાંધીવિચારને એકસૂત્રે પરોવનાર સત્ય છે. એ ન હોય તો ગાંધીજીના અનેકવિધ વિચાર માળામાંથી છૂટા પડીને વેરવિખેર થઈ ગયેલા મણકા જેવા લાગી શકે. જાહેર જીવનમાં અને પોતાના વર્તનમાં સત્યની પ્રતિષ્ઠા કરવામાં જોતિબા(૧૧ એપ્રિલ, ૧૮૨૭-૨૮ નવેમ્બર,૧૮૯૦) ગાંધીજીના સિનિયર હતા. ગાંધીજી મોહન તરીકે ભાંખોડિયાં ભરતા હશે, ત્યારે જોતિબાએ આચરણમાં તો ખરું જ, પણ પોતાના લેટરહેડના મથાળે 'સત્યમેવ જયતે’નું સૂત્ર મૂક્યું હતું.
ભારતીય પ્રજાજનોની સાચી સ્થિતિ દર્શાવવા માટે ગાંધીજી બ્રિટનના શહેનશાહને મળવા પોતાના રાબેતા મુજબના પોશાકમાં ગયા, તેના ચારેક દાયકા પહેલાં જોતિબા ફુલે શાહી પરિવાર સમક્ષ ગામઠી પોશાકમાં રજૂ થયા હતા. માર્ચ, ૧૮૮૮માં ડ્યુક અને ડચેસ ઑફ કૉનોટ ભારતની મુલાકાતે આવ્યાં ત્યારે પૂનામાં તેમના માનમાં ભવ્ય મેળાવડો યોજાયો. તેમાં ભપકાદાર માહોલની વચ્ચે જોતિબા ગામઠી પોશાકમાં પહોંચ્યા, ત્યારે તેમને દરવાજે રોકવામાં આવ્યા. દરવાન સાથે રકઝક થઈ. પછી કોઈનું ધ્યાન પડતાં તેમને માનપૂર્વક અંદર લાવવામાં આવ્યા.
બીજા આમંત્રિતો અંગ્રેજભક્તિમાં મશગુલ હતા, ત્યારે જોતિબાએ ડ્યુકને સંબોધીને કહ્યું હતું, ‘અહીં બેઠેલાં લોકો રાણી વિક્ટોરિયાશાસિત ભારતના નાગરિકોના ખરા પ્રતિનિધિ નથી. ખરું ભારત ગામડાંમાં વસે છે, જ્યાં સેંકડો લોકો પાસે શરમ ઢાંકવા પૂરતાં પણ કપડાં નથી, ખાવા માટે અન્ન નથી, રહેવા માટે છાપરું નથી ને ગજવામાં ફૂટી કોડી નથી...આપનાં માતાજી રાણી વિક્ટોરિયાને કહેજો કે તેમની પ્રજા અત્યંત ગરીબીમાં જીવી રહી છે અને તેને શિક્ષણની બેહદ જરૂર છે.’ ‘ખરું ભારત ગામડાંમાં વસે છે’ એવું જોતિબાએ અંગ્રેજ શાસકોને કહ્યું હતું. ગાંધીજીના ભાગે એ જ વાત પોતાના દેશવાસીઓને સમજાવવાનું આવ્યું.
ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે મીર આલમ નામના એક પઠાણે અધકચરી સમજણ અને ઉશ્કેરાટમાં તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સાચી સ્થિતિ સમજાતાં એ જ માણસ ગાંધીજીનો સાથી બન્યો. એક સભામાં ગાંધીજી પર હુમલો થવાની સંભાવના હતી, ત્યારે મીર આલમ ખુલ્લી સભામાં 'ગાંધીભાઈ'ના બચાવમાં ઊભો રહી ગયો. તેના થોડા દાયકા પહેલાં જોતિબાએ સત્યનારાયણની કથાના નામે ચાલતી પાખંડી પ્રવૃત્તિની ટીકા કરતું એક નાટક લખ્યું હતું. તેનાથી પૂનાના કેટલાક બ્રાહ્મણો એટલા ઉશ્કેરાયા કે તેમણે ગરીબ અને નીચલી ગણાતી જ્ઞાતિના બે જણને રૂપિયાની લાલચ આપીને જોતિબાની હત્યાનું કામ સોંપ્યું.
હત્યારાઓ મધરાતે જોતિબાના ઘરમાં દાખલ થયા, પણ ખખડાટ થતાં જોતિબાની આંખ ખુલી ગઈ. તેમણે નિર્ભયતાથી પૂછ્યું, એટલે હત્યારાઓએ કહ્યું કે એ લોકો તેમને મારવા આવ્યા છે ને બદલામાં તેમને રૂપિયા મળવાના છે. મારવા આવનારા નીચલી ગણાતી જ્ઞાતિના છે, એ જાણ્યા પછી જોતિબાએ સામેથી પોતાની ગરદન ઝુકાવી અને કહ્યું, ‘મારા મૃત્યુથી તમને ફાયદો થતો હોય તો મારું માથું હાજર છે.’ એ સાંભળીને બંને મારાઓ ખોડાઈ ગયા. પછી જોતિબાના પગમાં પડ્યા અને કહ્યું કે 'તમે હુકમ આપો. અમે કામ સોંપનારાને જ ખતમ કરી નાખીએ.’ ત્યારે જોતિબાએ આપેલો જવાબ પછીના દાયકાઓના ગાંધીજીની યાદ તાજી કરાવે એવો છે. તેમણે કહ્યું, ‘એ લોકો શું કરી રહ્યા છે એની તેમને ખબર નથી. ભગવાન તેમને લાંબું આયુષ્ય આપે. અત્યારની ઘટના વિશે એ લોકોને તમે કંઈ કહેશો નહીં.’
પત્નીને સાથે રાખવાની બાબતમાં જોતિબા ગાંધીજી કરતાં પણ બે ડગલાં આગળ રહ્યા. તેમણે પત્ની સાવિત્રીબાઈને ભણાવ્યાં, સમાજનો વિરોધ વેઠીને સ્ત્રીઓ તથા દલિતો માટેની નિશાળના કામમાં સાથે રાખ્યાં, એ માટે પિતાનું ઘર છોડવાનો વારો આવ્યો તો એ પણ વિના ખચકાટે છોડ્યું. કસ્તુરબાની જેમ (અને તેમના કરતાં વધારે સક્રિયતાથી) સાવિત્રીબાઈ આજીવન પતિનાં સહચરી બની રહ્યાં.
ગાંધીજી ધીમી ધારે અને રૂઢિચુસ્તો પર ઉગ્રતાપૂર્વક પ્રહાર કરવાને બદલે સમજાવટથી સુધારામાં માનતા હતા, જ્યારે જોતિબા લેખન અને વર્તન દ્વારા બ્રાહ્મણવાદી માનસિકતા પર સીધા અને આકરા પ્રહારો કરતા હતા. ડૉ. આંબેડકરની જેમ જોતિબાના મિત્રો-શુભેચ્છકોમાં રૂઢિચુસ્ત-ભેદભાવગ્રસ્ત માનસિકતાથી મુક્ત એવા બ્રાહ્મણો પણ હતા. ફુલે-આંબેડકરનો વિરોધ બધા બ્રાહ્મણો સામે નહીં, બ્રાહ્મણોની સર્વોપરિતામાં રાચતી ને બીજા લોકોને નીચા ગણતી માનસિકતા ધરાવનારા સામે હતો. એમ તો ગાંધીજીએ પોતાની પૂરેપૂરી ધાર્મિકતા જાહેર કર્યા પછી એકેય જાહેર કામમાં મુહુર્ત-ચોઘડિયાં જોવડાવ્યાં હોય કે વિધિવિધાન-કથાઆખ્યાન કરાવ્યાં હોય કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પોષી હોય એવું જાણમાં નથી.
જોતિબાને કે આંબેડકરને ગાંધીજીની સામે મૂકીને છેદ ઉડાડવાને બદલે, તેમને સાથે મૂકીને ભેદભાવના વિરોધનો સરવાળો કે ગુણાકાર ન થઈ શકે?
Labels:
dalit,
Gandhi/ગાંધી
Monday, November 19, 2018
ગાંધીજી : બે નવાં વિશિષ્ટ પુસ્તકોની આંખે
દેશમાં જ નહીં, દુનિયામાં પણ જેમના વિશે વરસોવરસ સતત લખાતું રહેતું હોય, એવાં કેટલાંક પાત્રોમાં ગાંધીજીનો સમાવેશ થાય. આદરભાવે કે ટીકાભાવે, સમજવા કે ઝાટકવા કે પછી સસ્તા વિવાદો પ્રેરીને ધંધો કરી લેવા માટે ગાંધીજી વિશે પુસ્તકો પર પુસ્તકો લખાયા જ કરે છે. એવા સંજોગોમાં સ્વાભાવિક સવાલ થાય કે હવે કોઈએ ગાંધીજી વિશે નવું શું લખવાનું હોય? અને એ પણ આખેઆખું જીવનચરિત્ર?
પરંતુ રામચંદ્ર ગુહા/Ramchandra Guhaએ લખેલું અને ગયા મહિને પ્રગટ થયેલું ગાંધીજીનું જીવનચરિત્ર જોયા પછી એ સવાલનો સુખદ આશ્ચર્ય ઉપજાવતો જવાબ મળે છે. ગુહાના કામથી પરિચિત લોકોને એવો જવાબ અપેક્ષિત પણ હોય. કારણ કે અગાઉ તે આઝાદી પછીના ભારતનો સળંગસૂત્ર ઇતિહાસ લગભગ ૮૦૦ પાનાંના દળદાર ગ્રંથ 'ઇન્ડિયા અાફ્ટર ગાંધી’માં લખી ચૂક્યા છે, તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનાં વર્ષો વિશે તેમણે 'ગાંધી બીફોર ઇન્ડિયા’ નામનું વિગતસમૃદ્ધ પુસ્તક લખ્યું છે. હિંદુત્વના સંકુચિત રાજકારણનો વિરોધ કરતાં કેટલાંક લખાણો ટાંકીને ગુહાને વિભાજનકારી પરિબળો ભેગા મૂકી દેનારાની અક્કલની દયા ખાવી રહી અને એવી અક્કલવાળાઓ તેમના નિર્ણયો આપણા પર ઠોકી બેસાડી શકે છે, તેના માટે ઘેરો શોક કરવો રહ્યો. બાકી, ગુહાને વિભાજનકારી બળો સાથે સાંકળવા ઉત્સાહી સ્વઘોષિત દેશપ્રેમીઓ રાજકારણ તો ઠીક, પર્યાવરણ કે ક્રિકેટ વિશેના ગુહાના લેખ વાંચે તો પણ તેમને ખ્યાલ આવે કે ગુહા કેવા પ્રખર છતાં સરળ બૌદ્ધિક છે અને એવા બૌદ્ધિકોની દેશને કેટલી જરૂર છે. ગુહાનું લેટેસ્ટ પુસ્તક ‘ગાંધીઃ ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ, ૧૯૧૪-૧૯૪૮’ એ હકીકતને ફરી એક વાર ઘુંટી આપે છે. લગભગ સવાસો પાનાંમાં પથરાયેલી સંદર્ભસૂચિઓ સહિત ૧૧૨૯ પાનાંનો આ દળદાર ગ્રંથ ગાંધીજીનાં જીવનચરિત્રોમાં જુદી ભાત પાડે છે.
હજુ ગયા મહિને જ જાણીતા ગાંધીઅભ્યાસી ત્રિદીપ સુહૃદે / Tridip Suhrud ગાંધીજીની આત્મકથાની સમીક્ષાત્મક આવૃત્તિ આપી. ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશનસંસ્થા 'નવજીવન'દ્વારા પ્રગટ થયેલી એ આવૃત્તિમાં ઝીણી ઝીણી અનેક બાબતોના બહુ ઉપયોગી સંદર્ભો છે. જેમ કે, ગાંધીજીના લખાણમાં કોઈ પાત્રનો, ઘટનાનો, કાયદાનો કે સ્થળનો ઉલ્લેખ આવતો હોય તો હાંસિયામાં તેના વિશે ટૂંકમાં માહિતી આપેલી હોય. અસલમાં 'ગાંધીજીના અક્ષરદેહ'માં થયેલા આ કામમાં ત્રિદીપ સુહૃદે બીજા ઘણા ઉમેરા કરીને અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં 'સત્યના પ્રયોગો'ની આવૃત્તિ તૈયાર કરી છે. હવે કોઈને આત્મકથા વાંચવી હોય તો આ જ આવૃત્તિ સૂચવવાનું મન થાય.
૧૯૨૦ના દાયકામાં પહેલી વાર બહાર પડેલી 'સત્યના પ્રયોગો'ની લગભગ એક સદી પછી રામચંદ્ર ગુહાએ આપેલા ગાંધીજીના ચરિત્ર વચ્ચે ગાળામાં ગાંધીસાહિત્યનો ભંડાર ખડકાયેલો છે. પરંતુ ગુહાએ લખેલા ચરિત્રમાં એવી ઘણી બાબતો છે, જે પહેલી વાર આવી હોય. તેમણે નોંધ્યા પ્રમાણે, ગાંધીજીના અંતેવાસી અને છેલ્લાં વર્ષોમાં તેમના સચિવ બનેલા પ્યારેલાલ (નાયર) પાસે એવી અઢળક સામગ્રી હતી, જે 'અક્ષરદેહ'ના સંપાદકો સુધી પહોંચી ન હતી. એ સિવાય દેશવિદેશના માહિતીખજાનામાંથી તથા સરકારી અહેવાલો-ખાનગી રીપોર્ટ અને અગાઉ કોઈને જોવા ન મળ્યા હોય તેવા પત્રવ્યવહારોમાંથી પણ ગુહા ઘણું નવું લઈ આવ્યા છે.
ગાંધીજીનાં ઘણાંખરાં ચરિત્રોમાં તેમના સચિવ મહાદેવ દેસાઈનો ઉલ્લેખ હોવા છતાં, ગુહાએ તેમનો મહિમા બરાબર ઉભારી આપ્યો છે. ગયા વર્ષે બૅંગ્લોરમાં ગુહાને મળવાનું થયું ત્યારે તેમણે ગાંધીચરિત્રનું કામ પૂરું કર્યું હતું. એ વખતે તેમણે યાદ કરેલી પુસ્તકની વિશેષ ઉપલબ્ધિઓમાં મહાદેવભાઈની ભૂમિકા અગ્રસ્થાને હતી. મહાદેવભાઈ સાથીદારો સાથેના સંપર્કસૂત્ર ઉપરાંત દેશવિદેશના અનેક પ્રવાહોથી પણ ગાંધીજીને માહિતગાર રાખતા હતા. ગુહાએ એટલી હદે કહ્યું હતું કે છેલ્લાં વર્ષોમાં મહાદેવભાઈની ખોટ ગાંધીજીને ખૂબ લાગી. પંડિત નહેરુ અને સરદાર વચ્ચેના સંબંધોમાં પણ મહાદેવભાઈ હોત તો ઘણો ફરક પાડી શક્યા હોત, એવું તેમનું માનવું હતું. એવી જ રીતે, છેલ્લાં વર્ષોમાં કોમી હિંસા પછી ગાંધીજીએ બ્રહ્મચર્યની કસોટી માટે વિવાદાસ્પદ પ્રયોગ કર્યો, તેની ઘણી અજાણી વિગતો ગુહાએ આપી છે. તેના વિશે થયેલા મસાલેદાર વિવાદો અને અટકળબાજીથી તે દૂર રહ્યા છે અને ગાંધીજી જે કરે તે બધું વાજબી ઠરાવવાનો ઉત્સાહ પણ તેમના લખાણમાં નથી. એ પ્રકરણનું મથાળું જ છેઃ ધ સ્ટ્રેન્જેસ્ટ અૅક્સપરીમૅન્ટ (સૌથી વિચિત્ર પ્રયોગ) ગાંધીજીની કેટલા નિકટના લોકોએ તેનો વિરોધ કર્યો અને ગાંધીજીએ એ બાબતે શું મનોમંથન અનુભવ્યું, એ પણ તેમણે નોંધ્યું છે.
પરંતુ ગાંધીજીના જીવનચરિત્રમાં ને તેમની સફળતાઓ-નિષ્ફળતાઓમાં મનુબહેનના પ્રયોગ કે સરલાદેવીવાળા પ્રેમપ્રકરણથી આગળ વધીને ઘણું જાણવાસમજવા જેવું છે, તે ગુહાલિખિત ચરિત્રમાંથી પસાર થતાં કોઈને પણ સમજાય. (અત્યારે તો એ અંગ્રેજીમાં છે, પણ આગળ જતાં ભારતીય ભાષાઓમાં આવી શકે છે-આવવું જોઈએ.) ગાંધી-આંબેડકરના વિવાદાસ્પદ સંબંધોને તેમણે નિરાંતે અને તબક્કાવાર આલેખ્યા છે.તે ઘણી જાણીતી ઘટનાઓની જાણીતી વિગતોમાં ગયા નથી. પણ તેની આસપાસની ઝીણીઝીણી વિગતો દ્વારા નકશીદાર શિલ્પ ઊભું કર્યું છે અને માહિતીના છૂટાછવાયા ટુકડા વચ્ચે સંબંધ જોડીને અટકળો કરવાની લાલચમાં પડ્યા નથી. (બાકી, જૉસેફ લેલીવૅલ્ડ જેવા ચરિત્રકારે છૂટીછવાયી માહિતીનું મનઘડંત વેલ્ડિંગ કરીને કેવો કેર વર્તાવ્યો હતો, એ બહુ જૂની વાત નથી.)
ગુહાના આગળ જણાવેલાં પુસ્તકોની જેમ, તેમના ગાંધીચરિત્રમાં પ્રકરણોનું આયોજન સરસ છે. આખું પુસ્તક મુખ્ય પાંચ ખંડમાં વહેંચાયેલું છે. દરેકમાં પ્રકરણો અને પ્રકરણોમાં વળી પેટાવિભાગ છે. એટલે વાંચનારને જરાય ભાર ન પડે, છતાં એટલી બધી વિગતો અને નવા દૃષ્ટિકોણ જાણવા મળે કે ઇતિહાસનું નહીં, કથાનું પુસ્તક વાંચતા હોઈએ એવું લાગે. ભારતમાં ગાંધીજીનાં શરૂઆતનાં વર્ષો આલેખતાં તેમણે નોંધ્યું છે કે એક તરફ ભારતબહાર તેમની નોંધ ગંભીરતાથી લેવાવા લાગી અને બીજી બાજુ, એ જ્યાં વકીલાતનું ભણ્યા હતા તે ઇનર ટૅમ્પલે તેમને ગેરલાયક ઠરાવીને તેમનું નામ પોતાના દફ્તરમાંથી કાઢી નાખ્યું. કારણ કે એ વખતે તેમને રાજદ્રોહની કલમ હેઠળ છ વર્ષની સજા થઈ હતી.
જ્ઞાતિવાદના મુદ્દે ગાંધીજીની હળહળતી ટીકા કરનાર અરુંધતિ રૉય તથા આંબેડકરની એવી જ ટીકા કરનાર અરુણ શૌરીને યાદ કરીને ગુહાએ ઉપસંહારમાં લખ્યું છે કે આ બંને જણ (રૉય-શૌરી) ઇતિહાસને હીરો અને વિલનની રીતે જુએ છે. વાસ્તવમાં તેમાં અનેક રંગછટાઓના તાણાવાણા હોય છે. વાચકોના સદભાગ્યે ગુહાએ ગાંધીજીને દેવતાઈ ચીતરવાના લોભમાં પડ્યા વિના, માણસ તરીકે તેમની વિશિષ્ટતા અને મહાનતા ઉભારી આપી છે. ગાધીજીની દોઢસોમી જન્મશતાબ્દિની આ ઉજવણી યાદગાર ગણવી રહી.
પરંતુ રામચંદ્ર ગુહા/Ramchandra Guhaએ લખેલું અને ગયા મહિને પ્રગટ થયેલું ગાંધીજીનું જીવનચરિત્ર જોયા પછી એ સવાલનો સુખદ આશ્ચર્ય ઉપજાવતો જવાબ મળે છે. ગુહાના કામથી પરિચિત લોકોને એવો જવાબ અપેક્ષિત પણ હોય. કારણ કે અગાઉ તે આઝાદી પછીના ભારતનો સળંગસૂત્ર ઇતિહાસ લગભગ ૮૦૦ પાનાંના દળદાર ગ્રંથ 'ઇન્ડિયા અાફ્ટર ગાંધી’માં લખી ચૂક્યા છે, તો દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીનાં વર્ષો વિશે તેમણે 'ગાંધી બીફોર ઇન્ડિયા’ નામનું વિગતસમૃદ્ધ પુસ્તક લખ્યું છે. હિંદુત્વના સંકુચિત રાજકારણનો વિરોધ કરતાં કેટલાંક લખાણો ટાંકીને ગુહાને વિભાજનકારી પરિબળો ભેગા મૂકી દેનારાની અક્કલની દયા ખાવી રહી અને એવી અક્કલવાળાઓ તેમના નિર્ણયો આપણા પર ઠોકી બેસાડી શકે છે, તેના માટે ઘેરો શોક કરવો રહ્યો. બાકી, ગુહાને વિભાજનકારી બળો સાથે સાંકળવા ઉત્સાહી સ્વઘોષિત દેશપ્રેમીઓ રાજકારણ તો ઠીક, પર્યાવરણ કે ક્રિકેટ વિશેના ગુહાના લેખ વાંચે તો પણ તેમને ખ્યાલ આવે કે ગુહા કેવા પ્રખર છતાં સરળ બૌદ્ધિક છે અને એવા બૌદ્ધિકોની દેશને કેટલી જરૂર છે. ગુહાનું લેટેસ્ટ પુસ્તક ‘ગાંધીઃ ધ યર્સ ધૅટ ચેન્જ્ડ ધ વર્લ્ડ, ૧૯૧૪-૧૯૪૮’ એ હકીકતને ફરી એક વાર ઘુંટી આપે છે. લગભગ સવાસો પાનાંમાં પથરાયેલી સંદર્ભસૂચિઓ સહિત ૧૧૨૯ પાનાંનો આ દળદાર ગ્રંથ ગાંધીજીનાં જીવનચરિત્રોમાં જુદી ભાત પાડે છે.
હજુ ગયા મહિને જ જાણીતા ગાંધીઅભ્યાસી ત્રિદીપ સુહૃદે / Tridip Suhrud ગાંધીજીની આત્મકથાની સમીક્ષાત્મક આવૃત્તિ આપી. ગાંધીજીએ સ્થાપેલી પ્રકાશનસંસ્થા 'નવજીવન'દ્વારા પ્રગટ થયેલી એ આવૃત્તિમાં ઝીણી ઝીણી અનેક બાબતોના બહુ ઉપયોગી સંદર્ભો છે. જેમ કે, ગાંધીજીના લખાણમાં કોઈ પાત્રનો, ઘટનાનો, કાયદાનો કે સ્થળનો ઉલ્લેખ આવતો હોય તો હાંસિયામાં તેના વિશે ટૂંકમાં માહિતી આપેલી હોય. અસલમાં 'ગાંધીજીના અક્ષરદેહ'માં થયેલા આ કામમાં ત્રિદીપ સુહૃદે બીજા ઘણા ઉમેરા કરીને અંગ્રેજી તેમ જ ગુજરાતીમાં 'સત્યના પ્રયોગો'ની આવૃત્તિ તૈયાર કરી છે. હવે કોઈને આત્મકથા વાંચવી હોય તો આ જ આવૃત્તિ સૂચવવાનું મન થાય.
![]() |
| 'આત્મકથા'ની સમીક્ષિત આવૃત્તિનું એક પાનું |
ગાંધીજીનાં ઘણાંખરાં ચરિત્રોમાં તેમના સચિવ મહાદેવ દેસાઈનો ઉલ્લેખ હોવા છતાં, ગુહાએ તેમનો મહિમા બરાબર ઉભારી આપ્યો છે. ગયા વર્ષે બૅંગ્લોરમાં ગુહાને મળવાનું થયું ત્યારે તેમણે ગાંધીચરિત્રનું કામ પૂરું કર્યું હતું. એ વખતે તેમણે યાદ કરેલી પુસ્તકની વિશેષ ઉપલબ્ધિઓમાં મહાદેવભાઈની ભૂમિકા અગ્રસ્થાને હતી. મહાદેવભાઈ સાથીદારો સાથેના સંપર્કસૂત્ર ઉપરાંત દેશવિદેશના અનેક પ્રવાહોથી પણ ગાંધીજીને માહિતગાર રાખતા હતા. ગુહાએ એટલી હદે કહ્યું હતું કે છેલ્લાં વર્ષોમાં મહાદેવભાઈની ખોટ ગાંધીજીને ખૂબ લાગી. પંડિત નહેરુ અને સરદાર વચ્ચેના સંબંધોમાં પણ મહાદેવભાઈ હોત તો ઘણો ફરક પાડી શક્યા હોત, એવું તેમનું માનવું હતું. એવી જ રીતે, છેલ્લાં વર્ષોમાં કોમી હિંસા પછી ગાંધીજીએ બ્રહ્મચર્યની કસોટી માટે વિવાદાસ્પદ પ્રયોગ કર્યો, તેની ઘણી અજાણી વિગતો ગુહાએ આપી છે. તેના વિશે થયેલા મસાલેદાર વિવાદો અને અટકળબાજીથી તે દૂર રહ્યા છે અને ગાંધીજી જે કરે તે બધું વાજબી ઠરાવવાનો ઉત્સાહ પણ તેમના લખાણમાં નથી. એ પ્રકરણનું મથાળું જ છેઃ ધ સ્ટ્રેન્જેસ્ટ અૅક્સપરીમૅન્ટ (સૌથી વિચિત્ર પ્રયોગ) ગાંધીજીની કેટલા નિકટના લોકોએ તેનો વિરોધ કર્યો અને ગાંધીજીએ એ બાબતે શું મનોમંથન અનુભવ્યું, એ પણ તેમણે નોંધ્યું છે.
પરંતુ ગાંધીજીના જીવનચરિત્રમાં ને તેમની સફળતાઓ-નિષ્ફળતાઓમાં મનુબહેનના પ્રયોગ કે સરલાદેવીવાળા પ્રેમપ્રકરણથી આગળ વધીને ઘણું જાણવાસમજવા જેવું છે, તે ગુહાલિખિત ચરિત્રમાંથી પસાર થતાં કોઈને પણ સમજાય. (અત્યારે તો એ અંગ્રેજીમાં છે, પણ આગળ જતાં ભારતીય ભાષાઓમાં આવી શકે છે-આવવું જોઈએ.) ગાંધી-આંબેડકરના વિવાદાસ્પદ સંબંધોને તેમણે નિરાંતે અને તબક્કાવાર આલેખ્યા છે.તે ઘણી જાણીતી ઘટનાઓની જાણીતી વિગતોમાં ગયા નથી. પણ તેની આસપાસની ઝીણીઝીણી વિગતો દ્વારા નકશીદાર શિલ્પ ઊભું કર્યું છે અને માહિતીના છૂટાછવાયા ટુકડા વચ્ચે સંબંધ જોડીને અટકળો કરવાની લાલચમાં પડ્યા નથી. (બાકી, જૉસેફ લેલીવૅલ્ડ જેવા ચરિત્રકારે છૂટીછવાયી માહિતીનું મનઘડંત વેલ્ડિંગ કરીને કેવો કેર વર્તાવ્યો હતો, એ બહુ જૂની વાત નથી.)
ગુહાના આગળ જણાવેલાં પુસ્તકોની જેમ, તેમના ગાંધીચરિત્રમાં પ્રકરણોનું આયોજન સરસ છે. આખું પુસ્તક મુખ્ય પાંચ ખંડમાં વહેંચાયેલું છે. દરેકમાં પ્રકરણો અને પ્રકરણોમાં વળી પેટાવિભાગ છે. એટલે વાંચનારને જરાય ભાર ન પડે, છતાં એટલી બધી વિગતો અને નવા દૃષ્ટિકોણ જાણવા મળે કે ઇતિહાસનું નહીં, કથાનું પુસ્તક વાંચતા હોઈએ એવું લાગે. ભારતમાં ગાંધીજીનાં શરૂઆતનાં વર્ષો આલેખતાં તેમણે નોંધ્યું છે કે એક તરફ ભારતબહાર તેમની નોંધ ગંભીરતાથી લેવાવા લાગી અને બીજી બાજુ, એ જ્યાં વકીલાતનું ભણ્યા હતા તે ઇનર ટૅમ્પલે તેમને ગેરલાયક ઠરાવીને તેમનું નામ પોતાના દફ્તરમાંથી કાઢી નાખ્યું. કારણ કે એ વખતે તેમને રાજદ્રોહની કલમ હેઠળ છ વર્ષની સજા થઈ હતી.
Labels:
Gandhi/ગાંધી
Friday, November 02, 2018
રામચંદ્ર ગુહા અને અમદાવાદ યુનિવર્સિટી : એ દેશની ખાજો દયા...
રામચંદ્ર ગુહા/ Ramchandra Guha હવે અમદાવાદ યુનિવર્સિટીની વિન્ટર સ્કૂલના ગાંધીકેન્દ્રમાં જોડાવાના નથી. ગઈ કાલે તેમણે ટ્વીટ કર્યું અને આજે અખબારોમાં સમાચાર છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રામચંદ્ર ગુહા પર અવનવા આરોપ મૂકીને અમદાવાદ યુનિવર્સિટીના કુલપતિને પત્ર લખ્યો અને તેમની નિમણૂંક તત્કાળ કેન્સલ કરવા અનુરોધ કર્યો. એવું નહીં થાય તો ઉગ્ર આંદોલન કરવાની ધમકી પણ આપી.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનો આખો પત્ર અહીં મૂકું છું. તેમની દલીલો કેટલી વાહિયાત છે અને આવા લોકો દેશનું, દેશની અખંડિતતાનું કે દેશની સંસ્કૃતિનું રક્ષણ કરવાના હોય, તો દેશને કેમ અલગથી દુશ્મનોની જરૂર નહીં પડે, તે આ પત્ર વાંચીને સમજાઈ જશે.
આ કહેવાતી વિદ્યાર્થી પરિષદની સમજનો અંદાજ તેની પરથી આવી જશે કે રામચંદ્ર ગુહા માટે તે 'કહેવાતા ઇતિહાસકાર' જેવો શબ્દપ્રયોગ કરે છે. આખા પત્રમાં 'મેકર્સ ઑફ મૉડર્ન ઇન્ડિયા'માંથી બે-ચાર વસ્તુઓ કાઢીને, ચાર-પાંચ લેખો ને ટ્વીટ ને એવું બધું જોડીને આ વિદ્યાર્થી પરિષદ ગુહાને કેવા ખલનાયક ચીતરે છે, એ તેમની માનસિક રુગ્ણતાના અંદાજ તરીકે જોવા જેવું છે. ગુહાનાં બીજાં અનેક પુસ્તકોનો કે તેમની સ્કોલરશિપનો સ્વાભાવિક રીતે જ કશો ઉલ્લેખ નથી.
વિદ્યાર્થી પરિષદ તો જે છે તે છે, પણ અમદાવાદ યુનિવર્સિટીથી માંડીને બીજા બધા (આ પત્રની નકલ જેમને મોકલવામાં આવી છે તે મહાનુભાવો સહિતના) લોકો આવી વાહિયાત ધમકીઓને તાબે થઈ જાય અથવા તેને સાંખી લે, ત્યારે મકરંદ દવેએ અનુદિત કરેલી ખલીલ જિબ્રાનની પંક્તિઓ જ યાદ આવે...એ દેશની ખાજો દયા...

નવા રાજાને કહે વાજાં વગાડીને જિયો!
જાય તો પાછળ ઉડાડી ધૂળ બોલે હૂડિયો,
ને છતાં એ કોઈ બીજાને ફરી સત્કારવા,
એ જ નેજા ! એ જ વાજાં! એજ ખમ્મા, વાહ વા!
જાણજો એવી પ્રજાના ખીલડા ખૂટલ થયા,
દોસ્તો, સફરના સાથીઓ, એ દેશની ખાજો દયા.
Labels:
education/શિક્ષણ
Tuesday, October 30, 2018
આખરે, Ph. D. અને થોડી અંગત વાતો
'આથી જાહેર કરવામાં આવે છે કે....' એવી રીતે શરૂ થતું ગુજરાત વિદ્યાપીઠનું સત્તાવાર જાહેરનામું ગઈ કાલે મળ્યું. એ સાથે મારી Ph. D. થવાની સફર સફળતાપૂર્વક પૂરી થઈ.
***
Ph. D.માં કુલ ત્રણ વર્ષ વીત્યાં, પણ આ પ્રક્રિયાની શરૂઆત છ વર્ષ પહેલાં થઈ હતી. એક દિવસ મિત્ર લલિત લાડ (મન્નુ શેખચલ્લી) સાથે 'ગુજરાત સમાચાર'ની ઑફિસની નીચે ચા પીતા-ગપ્પાંગોષ્ઠિ કરતા ઊભા હતા. ત્યારે ગુજરાતી પત્રકારત્વ વિશે ચર્ચા નીકળી. વાત ફંટાતી ફંટાતી એવા મુકામે પહોંચી, જ્યાં ચોક્કસ સંદર્ભે એવું લાગ્યું કે કંઈક કરવું જોઈએ. ત્યારે એવો તરંગ આવ્યો કે Ph. D. કરવું જોઈએ.
પણ હું રહ્યો B. Sc. અને એ પણ રસાયણશાસ્ત્રનો. તેમાંથી પત્રકારત્વમાં Ph. D. કેવી રીતે થવાય? 'માસ્ટર કી' જેવા મિત્ર હસિત મહેતાને પૂછ્યું. તેમણે કહ્યું કે થવાય, પણ એ પહેલાં માસ્ટર્સ થવું પડે. એટલે માસ્ટર્સનાં બે ને Ph. D.નાં ઓછામાં ઓછાં બે વર્ષ. આ તો પહેલા જ પગલે વિધ્ન. પછી તપાસ કરી કે માસ્ટર્સ ક્યાં થાય? અને કૉલેજ ગયા વિના ક્યાં થઈ શકે? પત્રકારત્વનાં અધ્યાપક મિત્રદંપતિ અશ્વિન ચૌહાણ અને સોનલ પંડ્યાને પૂછ્યું. એક-બે ઠેકાણાં શોધ્યાં. નવું વર્ષ શરૂ થવાની તૈયારી હતી. એટલે ફાઇનલ તપાસ માટે ગુજરાત યુનિવર્સિટીનાં પત્રકારત્વ વિભાગનાં અધ્યક્ષ તરીકે સોનલ પંડ્યાને મળ્યો. તેમણે એક-બે ઠેકાણાં બતાવીને કહ્યું કે એ તો છે જ, પણ તમે અહીં પત્રકારત્વ શા માટે નથી કરતા?
ગુજરાત યુનિવર્સિટીમાં પત્રકારત્વની કૉલેજ છે ને ત્યાં માસ્ટર્સના બે કોર્સ ચાલે છે, એ ખ્યાલ હતો જ. ત્યાં લેક્ચર્સ લીધેલાં. એકાદ વાર પેપર પણ કાઢ્યું હતું. પરંતુ મેં સાચું કારણ કહ્યું : 'તમારે ત્યાં તો પ્રવેશપરીક્ષા આપવી પડે… ને એમાં પ્રવેશ ન મળે તો?’ સવાલ અહમ્ ઘવાવાનો નહીં, વાસ્તવિક હતો. જે આશયથી માસ્ટર્સ કરવાનું નક્કી કર્યું છે તેમાં પહેલા જ પગથીયે ઠેસ આવે તો પછી આગળનું બધું ડગમગી જાય. પણ સોનલબહેને સમજાવ્યો એટલે મેં યુનિવર્સિટીના પત્રકારત્વ વિભાગમાં પ્રવેશપરીક્ષા આપવાનું નક્કી કર્યું. સલામતીના પગલારૂપે મેં બંને કોર્સની પ્રવેશપરીક્ષા આપી. સવારે MMCJ ની અને બપોરે MDCની.
પરિણામની સવારે કૉલેજ ફોન કર્યો અને જરા આતુરતાથી પૂછ્યું કે 'શું છે? પાસ?’ સામેથી હસવાનો અવાજ સંભળાયો ('શું તમે પણ!’ પ્રકારનો). બંને કોર્સમાં પ્રવેશ મળી ગયો હતો. મેં MMCJ – માસ્ટર ઇન માસ કમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ પસંદ કર્યું. (બાય ધ વે, મારી પત્રકારત્વની પરીક્ષાનું પ્રવેશ ફૉર્મ લાવી આપનાર આદિમિત્ર બિનીત મોદીએ MMCJનું આખું નામ બહુ 'ઝેરી' બનાવ્યું છે : Master in Mass Carnage and Justification)
***
ત્યાર પછી બે વર્ષ માટે નવેસરથી કૉલેજકાળ શરૂ થયો, ૪૧ વર્ષની ઉંમરે. મારા ક્લાસમાં મોટા ભાગનાં છોકરા-છોકરીઓ હું B.Sc. થયો તે પછી જન્મેલાં હતાં. મોટા ભાગનાંને વાંચવાની કુટેવ ન હતી. એ વખતે હું ગુજરાત સમાચારમાં અઠવાડિયાની ત્રણ કોલમ અને રોજનો એક તંત્રીલેખ લખતો હતો. તેમાંથી ક્યારેક કોઈ લેખ વિશે નરેશ મકવાણાએ વાત કરી હશે. શૈલી ભટ્ટ શરૂઆતમાં જ આવીને મળી હતી અને મારા ક્લાસમાં હોવા વિશે આનંદ વ્યક્ત કર્યો હતો. બાકી બીજાં બધાં મારા લખાણ વિશે નિસ્પૃહ હતાં ને મારે પણ એમની પાસેથી માન્યતાની જરૂર ન હતી. પ્રવેશ લીધો ત્યારથી એક વાતની ગાંઠ વાળી હતી કે પત્રકાર તરીકેની મારી ઓળખ કૉલેજના ઝાંપાની બહાર રહેશે. અહીં હું વિદ્યાર્થી તરીકે આવીશ, ભણીશ, બધા જ નિયમો પાળીશ, કશો વિશેષાધિકાર નહીં માગું અને Ph. D. થવા માટે જરૂરી પંચાવન ટકા લાવીને ચાલતી પકડીશ.
પહેલા છ મહિના બધું સામાન્ય ચાલ્યું. મહેમદાવાદથી આવવાનું. એટલે પહેલું લેક્ચર ચુકાઈ જાય. પછીનાં એક કે બે લેક્ચર ભરવાનાં. બાકાયદા બૅન્ચ પર બેસવાનું. (હા, નોટ નહીં બનાવવાની). આડાઅવળા સવાલ નહીં પૂછવાના. પહેલા સૅમેસ્ટર પછી આવ્યું બીજું સૅમેસ્ટર. તેમાં હતી જુદી જુદી વર્કશૉપ. તેમાંથી (હવે દિવંગત) નિમેષ દેસાઈએ પંદર દિવસ માટે કરાવેલી નાટકની વર્કશૉપ ટર્નિંગ પૉઇન્ટ બની. ક્લાસનાં વિદ્યાર્થીઓ વચ્ચેનો બરફ ઓગળ્યો અને પછી એ ઓગળેલો જ રહ્યો. વીસ વર્ષ નાનાં છોકરાછોકરીઓ સાથે દોસ્તી થઈ. તેમને દોસ્ત બનાવ્યાં. એ અઘરું હતું, છતાં મારે મન પંચાવન ટકા લાવવા પછીનો બીજો એજેન્ડા આ ઊભો થયો હતો. એ સમજવું હતું કે આપણાથી વીસ વર્ષ નાનાં લોકો કેવી રીતે વિચારે છે, તેમની શક્તિઓ શી છે, મર્યાદાઓ શી છે. (એ બધાં મને 'સર' કહેતાં હતાં, પણ તેમને સમજાવવાની જરૂર ન લાગી. કારણ કે દોસ્તી થયા પછી એ શબ્દનો ભાર ખરી પડ્યો હતો)
નાટકના અનુભવ વિશે તો અલગથી બ્લોગ લખ્યો હતો. તેની લિન્ક મૂકું છું. http://urvishkothari-gujarati.blogspot.com/2013/02/blog-post_22.html મારા બંને હેતુ સિદ્ધ થયા. પંચાવન ટકા ઉપર માર્ક આવી ગયા અને મારાથી વીસ વર્ષ નાનાં લોકો સાથે દોસ્તી કરતાં આવડ્યું. પણ મૂળ કાર્યક્રમ તો Ph. D.નો હતો.
***
મારે Ph. D. ગુજરાત વિદ્યાપીઠમાંથી, અશ્વિનભાઈના વિદ્યાર્થી તરીકે કરવું હતું. અશ્વિન ચૌહાણ જૂના મિત્ર, અચ્છા હાસ્યકાર, સરળ, પ્રેમાળ, ક્યારેક વાંક કાઢવાનું મન થાય એટલા સજ્જન, સતત વાંચતાલખતા. પણ એક જ મુશ્કેલી હતી. ૨૦૧૪માં હું માસ્ટર્સ થયો ત્યારે અશ્વિનભાઈને Ph. D.ની ગાઇડશીપ મળી ન હતી. પ્રક્રિયા ચાલુ હતી. આથી મેં એક વર્ષ જવા દીધું. બીજા વર્ષે ૨૦૧૫માં મેં ગુજરાત વિદ્યાપીઠની પ્રવેશપરીક્ષા આપી. પરીક્ષાર્થીઓ વધારે ને બેઠકો ઓછી--એવું હતું. પણ પ્રવેશ મળ્યો અને Ph. D.ની યાત્રા શરૂ થઈ.
પહેલો સવાલ આવ્યો : વિષય કયો રાખવો? લગભગ ૨૦૦૧થી હું જ્યોતીન્દ્ર દવે વિશે છૂટુંછવાયું પણ સતત કામ કરું છું, એ જાણતા મિત્રોએ ધાર્યું હતું કે હું જ્યોતીન્દ્ર દવે પર જ કામ કરીશ. પણ પરીક્ષામાં પાસ થયા પછી મારો વિચાર બદલાયો. છેલ્લા અઢી-ત્રણ દાયકાથી ગાંધીજી વિશે સતત કંઈક વાંચવાનું-સમજવાનું અને પત્રકારત્વમાં આવ્યા પછી લખવાનું થયું હતું. એટલે થયું કે જ્યોતીન્દ્ર પર તો હું વગર ભણ્યે કામ કરવાનો જ છું, તો ગાંધીજીને લગતા કોઈ વિષય પર કામ કરવું. તેથી એક વધારાનું કામ પણ થાય. તેમાં ગાંધીજી અને પર્યાવરણ જેવા નિર્દોષ વિષયો હતા, પણ મને થયું કે હિંદુ-મુસ્લિમ સંબંધોમાં ગાંધીજીના વલણ વિશે અભ્યાસ કરીએ તો રસ પડે ને ઘણું જાણવાનું પણ મળે.
વિદ્યાપીઠમાં વિદ્યાર્થી બનવાનું એટલે વિદ્યાપીઠના અનુભવી મિત્ર કેતન રૂપેરાને સાથે લઈને ખાદીનો ઝભ્ભો-લેંઘો ખરીદ્યા. (સત્તાવાર કામ માટે જ્યારે પણ જવાનું થાય ત્યારે ખાદી પહેરવી પડે.) પહેલી વાર વિદ્યાપીઠનાં પત્રકારત્વનાં અધ્યાપકો સાથે વિષય નક્કી કરવા અંગે મળવાનું થયું ત્યારે પુનિતાબહેને (પુનિતા હર્ણેએ) અનુભવના આધારે કહ્યું કે વિષય સારો છે, પણ તેનો વ્યાપ થોડો ઓછો કરો. નહીંતર પહોંચી નહીં વળાય. તેમની વાત સાચી હતી. એ સ્વીકારીને વિષય રાખ્યો 'નવજીવન'માં ગાંધીજીના લેખોમાં હિંદુ-મુસ્લિમ સંબંધોનું નિરૂપણ.
ઓછામાં ઓછાં બે વર્ષ લેવાનાં હતાં. પણ મારે અઢી વર્ષ થયાં. વચ્ચે બીજાં અનેક કામ ચાલુ જ હતાં. છેવટે અૅપ્રિલમાં, સાર્થક જલસો-૧૦ના અંકના થોડા દિવસ પહેલાં, થિસીસ જમા કરાવી, થોડા વખત પહેલાં વાઇવા થયો અને ગઈ કાલે નૉટિફિકેશન આવતાં Ph. D.નું કામ પૂરું થયું. (સાર્થક જલસો-૧૧નો અંક આ અઠવાડિયે આવી જશે.)
***
Ph. D. ની એકંદર, સરેરાશ કક્ષા વિશે હું કોઈ ભ્રમમાં નથી. Ph. D.માં લોકો કેવા ગોરખધંધા કરે છે ને કેવા હાથીના હાથી નીકળી જાય છે, એ તો સાર્થક જલસોના એક લેખનો (ઑલરેડી સોંપાયેલો) વિષય છે. ગુજરાતીમાં Ph. D. થયેલા દસ લીટી સાચું-સારું ગુજરાતી લખી ન શકે, તે જોયું છે ને એવું બીજા વિષયોમાં પણ હોય છે, એવું વિશ્વસનીય મિત્રો-વડીલો પાસેથી જાણ્યું છે. ઘણા લખનારાને એવો ભ્રમ હોય છે કે 'આપણું તો કામ જ એવું છે કે લોકો એની પર Ph. D. કરે.’ આવા ફાંકામાં પણ કશો દમ નથી. કેમ કે, કેવળ Ph. D. કરી નાખવાથી કે Ph. D. નો વિષય બનવાથી કશું સિદ્ધ થતું નથી.
મને સંતોષ એ વાતનો છે કે મારા Ph. D.ના કામમાં મને ઘણું જાણવા-સમજવાનું મળ્યું. અમુક બાબતોમાં સમજ વધારે બારીક-વધારે ઊંડી બની અને એ બહાને 'નવજીવન'ના ૧૯૧૯થી ૧૯૩૨ના અંક સળંગ જોવાના મળ્યા. સાથે મને એવું પણ લાગ્યું કે મારો થીસીસ પુસ્તકસ્વરૂપે પ્રગટ ન કરવો જોઈએ. વાચક તરીકે હું એવી અપેક્ષા રાખું કે મને ગાંધીજીના હિંદુ-મુસલમાન સંબંધો પરના વલણનો આખો આલેખ મળે. મારા થિસીસમાં એ ૧૯૧૯થી ૧૯૩૨ સુધીનો અને તે પણ 'નવજીવન'નાં લખાણ પૂરતો છે. તે સરસ છે, પણ પૂરતો નથી.
છેલ્લી વાત : છ વર્ષ પહેલાં Ph. D. કરવાનું વિચાર્યું અને વિચાર અમલમાં મૂક્યો, ત્યારથી નક્કી કર્યું હતું કે હું નામની આગળ અનિવાર્ય જરૂરિયાત નહીં હોય ત્યાં સુધી 'ડૉ.’ નહીં લખું. જે લખે છે તેની સામે મને કશો વાંધો નથી, પણ મારા મનમાં પહેલેથી એવું છે કે ડૉક્ટર તો મૅડિસીનના જ કહેવાય. એ મારી માન્યતા છે અને કશી ચર્ચા કે શાસ્ત્રાર્થ કર્યા વિના, મારા કિસ્સામાં તો હું એ પાળી જ શકું. એટલે અનિવાર્ય નહીં હોય ત્યાં સુધી પાળવાનો છું.
પરિવાર અને મિત્રોના અવિરત, અખૂટ પ્રેમ વિના બધું વ્યર્થ છે ને એના થકી બધું સાર્થક છે. એમના પ્રત્યેનો કાયમી ઋણભાવ અને સૌ શુભેચ્છકોનો આભાર.
Labels:
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Tuesday, October 02, 2018
રાફેલ સોદો : રાજકારણથી આગળ...
કોઈ પણ મુદ્દે રાજકારણ ભળે, એટલે એ જ થાય, જે રાફેલ/Rafael ના સોદામાં થઈ રહ્યું છે : સંતોષકારક માહિતી મળે નહીં અને ઉપલબ્ધ માહિતીનું પોતપોતાનાં વલણ પ્રમાણે અર્થઘટન થાય. જુદા જુદા મુદ્દાની એકબીજામાં ભેળસેળથી એવો ખીચડો થાય કે સ્પષ્ટતાને બદલે ગુંચવાડો વધે. રાફેલ યુદ્ધવિમાનના મુદ્દે સરકાર કહે છે કે બધું ધારાધોરણ પ્રમાણે થયું છે. વિપક્ષોનો, ખાસ કરીને કૉગ્રેસનો, આરોપ છે કે રાફેલની ખરીદીમાં ગેરરીતિ થઈ છે. આવી સ્થિતિમાં રાફેલ સોદા વિશે કશો આખરી નિર્ણય આપવાની ઉતાવળમાં પડવાને બદલે, પહેલાં તો વિવાદના મુદ્દા સમજવા જેવા છે.
મુદ્દાની યાદી ટૂંકમાં : ૧) સરકારે રાફેલ વિમાનોને ગેરવાજબી કહેવાય એવી ઊંચી કિંમતે ખરીદ્યાં છે કે કિંમત બરાબર છે? ૨) અનિલ અંબાણીની રિલાયન્સને રફાલની ઉત્પાદક દસો/Dassault કંપનીએ પાર્ટનર તરીકે લીધી, તેમાં ભારત સરકારની કોઈ ભૂમિકા ખરી? ૩) વર્તમાન સરકારે કરેલા રાફેલ સોદા અંતર્ગત અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાર્ટનર બની. તો અગાઉ યુપીએની સરકારમાં જે કૉન્ટ્રાક્ટની વાટાઘાટો ચાલતી હતી, તેમાં મુકેશ અંબાણની રિલાયન્સે પણ દસો સાથે ભાગીદારી કરી હતી. આ બંને વચ્ચે કોઈ તફાવત ખરો? ૪) રાફેલની પસંદગી યોગ્ય છે? સરકારે ૩૬ વિમાનનો ઑર્ડર આપ્યો છે. વિમાનોની આટલી સંખ્યા હવાઈ દળ માટે પૂરતી છે? ૫) આ સોદો કરનાર વડાપ્રધાન પારદર્શક ધોરણે વર્ત્યા છે? ૬) આ સોદામાં હિંદુસ્તાન અૅરોનૉટિક્સ લિમિટેડ (HAL) ને તડકે મૂકીને અનિલ અંબાણીની રિલાયન્સને લાભ ખટાવવામાં આવ્યો છે? ૭) આ સોદામાં 'મેક ઇન ઇન્ડિયા'નું શું થયું? અને ભારતને ફ્રાન્સ તરફથી ટૅકનોલોજીની ટ્રાન્સ્ફર (એટલે કે તૈયાર વિમાન ઉપરાંત વિમાન બનાવવાની કારીગરીની જાણકારી) મળશે? ૮) ભારતના વડાપ્રધાને આ સોદો કર્યો ત્યારે ફ્રાન્સના પ્રમુખ રહેલા ઓલાંદેએ એવું કેમ કહ્યું કે અનિલ અંબાણીનું નામ ભારત સરકારે આપેલું હતું? અને આવું બોલ્યા પછી તે ફરી ગયા? ૯) આ સોદામાં વડાપ્રધાને અને સરકારે નીતિનિયમોનો ભંગ કર્યો છે?
સૌથી પહેલી વાત રાફેલની કિંમતની. રાહુલ ગાંધીનો દાવો છે કે 'યુપીએ સરકારે રાફેલ સાથે સોદાની વાટાઘાટો કરી ત્યારે એક વિમાનની કિંમત રૂ. ૫૨૬ કરોડની આસપાસ હતી, પણ આ સરકારે એક એક વિમાન લગભગ ત્રણ ગણી કિંમતે રૂ.૧,૬૦૦ કરોડની આસપાસ ખરીદ્યું. એટલે આ ગોટાળો છે. ઇતિ સિદ્ધમ્.‘ સરકારનો પક્ષ રજૂ કરનારા કહે છે કે વિમાનમાં ખાસ ભારત માટે કેટલીક જરૂરી સાધનસામગ્રી અને ચીજવસ્તુઓ બેસાડવામાં આવશે. ઉપરાંત દસો કંપની લાંબા ગાળા સુધી સર્વિસ અને મેઇન્ટેનન્સને લગતો ટેકો પૂરો પાડશે. તેના કારણે ભાવ વધ્યા છે. જૂના ભાવ ૨૦૦૭ના અને ૧૨૬ નંગ રાફેલના હતા. આ ભાવ ૨૦૧૬ના અને ૨૮ બધી રીતે તૈયાર રાફેલના છે.
યાદ રહે, જુદી જુદી કંપનીનાં છ અલગ અલગ યુદ્ધવિમાનોમાંથી કયું ખરીદવું, એ મુદ્દે લાંબી પ્રક્રિયા ચાલી. વાયુસેનાએ પાંચેય વિમાનોનું પરીક્ષણ કરીને દસોના 'રાફેલ' અને યુરોફાઇટરનું 'ટાયફૂન' પસંદ કર્યાં. તેમાંથી જે સસ્તું પડે તેનાં ૧૨૬ નંગ ખરીદવાનાં હતાં. (કારણ કે ભારતીય વાયુસેનામાં એકાદ દાયકામાં યુદ્ધવિમાનોની મોટા પાયે ઘટ પડવાની હતી.) 'ટાયફૂન' અને 'રાફેલ' વચ્ચેના આખરી મુકાબલામાં યુપીએ સરકારે રાફેલ પસંદ કર્યું. પરંતુ સંરક્ષણવિષયક બાબતોના નિષ્ણાત અજય શુક્લાએ લખ્યું હતું તેમ, રાફેલની પસંદગી કરવામાં સરકારે થાપ ખાધી હોય એવું લાગે છે. ધીમે ધીમે ખબર પડી કે પહેલી નજરે સસ્તું લાગતું એ વિમાન સરવાળે ખાસ્સું મોંઘું પડે એમ છે. અને એ કિંમતે ૧૨૬ નંગ ખરીદી શકાય કે કેમ.
યુપીએ સરકાર વખતે દસો કંપની ૧૮ રાફેલ સીધાં ઉડાડી શકાય એવી રીતે (ફ્લાય અવે કન્ડિશનમાં) આપવાની હતી. અને બાકીનાં હિંદુસ્તાન અૅરોનૉટિક્સ (HAL)માં દસોની ટૅકનોલોજી થકી બનવાનાં હતાં. આ વ્યવસ્થામાં પણ કેટલીક ગુંચ હતી, એવું જણાય છે. દસો કંપનીએ HALમાં બનતાં રાફેલની ગુણવત્તાની ખાતરી આપવા તૈયાર ન હતી. આવાં બધાં કારણસર, રાફેલ ખરીદવાનું નક્કી કર્યા પછી પણ, એ સોદો કાંઠે પહોંચી શક્યો નહીં.
બે-એક વર્ષમાં યુપીએની બીજી મુદત પૂરી થઈ અને ચૂંટણી પછી એનડીએની સરકાર બની. તેના રાજમાં પણ દોઢેક વર્ષ એમ જ વીતી ગયું અને રાફેલનો સોદો ફાઇનલ ન થઈ શક્યો. એ અરસામાં દસો કંપનીના અધ્યક્ષે એવું નિવેદન પણ કર્યું કે સોદો ૯૫ ટકા ફાઇનલ છે. એ અગાઉની શરતે જ થવાનો હતો કે કેમ (મોટા ભાગનાં વિમાન HALમાં બનવાનાં હતાં કે કેમ) એ જાણવા મળતું નથી. પરંતુ તેમની આ જાહેરાતનાં બે અઠવાડિયામાં પછી વડાપ્રધાન મોદી ફ્રાન્સ ગયા અને ત્યાં જઈને તેમણે ધડાકો કર્યો કે અગાઉનો ૧૨૬ રાફેલનો અને તેમાંથી મોટા ભાગનાં ભારતમાં બનાવવાનો સોદો રદ થાય છે. તેને બદલે આપણે એકદમ તૈયાર એવાં ૩૬ રાફેલ ખરીદીશું અને તે પણ અગાઉની કિંમત કરતાં ઓછી કિંમતે.
મુશ્કેલી એ છે કે પહેલાં એક રાફેલનો શો ભાવ હતો, તે સત્તાવાર રીતે આપણે જાણતા નથી. પછી એક રાફેલ કેટલાનું પડ્યું, તેની વિગત જાહેર કરવામાં સરકારે બહાનાં લાગે એવાં કારણ આપીને ઠાગાઠૈયા કર્યા. એવું જ વિમાનમાં ભારત માટે ખાસ ગોઠવેલી વ્યવસ્થાઓ પાછળ ખર્ચાયેલી રકમના મામલે પણ થયું.
વિમાનની કિંમત બાબતે એટલા મતભેદ છે કે ખાતરીપૂર્વક કશું કહેવું અઘરું છે, પણ એ મુદ્દે રાહુલ ગાંધીના આરોપોમાં તથ્ય કરતાં રાજકીય આવેશ વધારે લાગે છે. સરકારે પારદર્શકતા રાખીને, કિંમતોનો મુદ્દો ઠેકાડવાને બદલે પત્તાં ખુલ્લાં રાખ્યાં હોત તો દેશને કશું નુકસાન થઈ જવાનું ન હતું. પણ સરકારે જિદ પકડી અને પછી તેને વળગી રહી.
કિંમતમાં ગોટાળો થયો ન હોય તો, ગોટાળો નથી એવી ખાતરી પ્રતીતિજનક રીતે આપવાની જવાબદારી સરકારની છે. પોતાના ઉત્તરદાયિત્વને ઉદ્ધતાઈ કે વધુ પડતા આત્મવિશ્વાસ તળે કચડીને ચાલવાનાં જે પરિણામ આવે, તે સરકાર અત્યારે વેઠી રહી છે.

bjp,
congress,
Narendra Modi/નરેન્દ્ર મોદી,
rahul gandhi
Tuesday, September 18, 2018
વાર્તા માટે ફોટોશૂટ : એક અનોખા પ્રયોગની શતાબ્દી
ગુજરાતી પત્રકારત્વમાં હાજી મહંમદ અલ્લારખિયા શિવજીનું નામ બહુ આદર અને કંઈક કરુણતા સાથે લેવાય છે. તેમણે શરૂ કરેલું માસિક 'વીસમી સદી' આજે પણ, આજના કોઈ પણ ગુજરાતી સામયિકની સાથે હરીફાઈમાં મૂકી શકાય એવી રજૂઆત અને સાજસજ્જા ધરાવે છે. ૧૯૧૬થી ૧૯૨૧ દરમિયાન, માંડ પાંચ વર્ષ આ માસિક ચાલ્યું. પણ તેણે એવો ભવ્ય વારસો મૂક્યો કે આજે પણ 'વીસમી સદી' અને તેના અધિપતિ હાજીને યાદ કરતાં રોમાંચ થાય.
જે જમાનામાં છપાઈ મોંઘી, અઘરી અને અટપટી હતી, તસવીરો ભલભલા લોકો માટે લક્ઝરી ગણાતી હતી, એ સમયમાં હાજીએ આર્થિક ખુવારી વેઠીને પણ 'વીસમી સદી'ને સજાવ્યું. તેમને એક જ લગની હતી કે કેમ કરીને ગુજરાતી વાચકોને ઉત્તમ આપવું. કેમ કરીને તેમને નવી દુનિયા દેખાડવી. એ માટે તેમણે 'વીસમી સદી'માં અનેક પ્રયોગ કર્યા. કેટલાક એવા, જે આજે પણ તરોતાજા લાગે, કેટલાક એવા જે અત્યારે જૂનવાણી લાગે પણ ત્યારે નવા હોય. જેમ કે, લેેેેખની સાથે લેખકનો ફોટો મુકવાનો રિવાજ હાજીએ શરૂ કર્યો. તેમનો આશય લેખકોનું ગૌરવ વધારવાનો હતો. કવિતાઓને તે એક પાનામાં સાંકડમાંકડ, જગ્યાબચાવ ઝુંબેશની જેમ છાપી દેવાને બદલે, એક કવિતાને એક પાનામાં પૂરી સાજસજ્જા અને ડીઝાઈન સાથે છાપતા હતા. આગળ જતાં ગુજરાતના કળાગુરુ તરીકે જાણીતા બનેલા રવિશંકર રાવળે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત હાજીની નિશ્રામાં કરી હતી. એ સિવાય પણ મુંબઈના બીજા ચિત્રકારો અને તારાપોર જેવા ફોટોગ્રાફરો હાજીશેઠનું કામ હોંશે હોંશે કરતા હતા.
મેગેઝીનમાં એક પાના પર સેલિબ્રિટી સાથે સવાલજવાબ આવતા. એ વિભાગનું નામ હતું 'દિલનો એકરાર'. તેમાં સેલિબ્રિટીનો ફોટો, છાપેલા સવાલ અને સેલિબ્રિટીનાઅક્ષરમાં તેના જવાબ તથા છેલ્લે સેલિબ્રિટીના હસ્તાક્ષર--એવું છાપવામાં આવતું હતું. બ્લૉકના જમાનામાં આ રીતે છાપવામાં કેવી જહેમત પડતી હશે, એ વિચારવા જેવું છે. અને તેનાથી કેવું કામ થયું તેનો એક નમૂનોઃ આ જ વિભાગમાં એ સમયના મુંબઈના અગ્રણી વકીલ અને નેતા મહંમદઅલી ઝીણાના ગુજરાતી હસ્તાક્ષરમાં જવાબો છપાયા હતા અને છેલ્લે ઝીણાએ 'માહમદઅલી ઝીણા' તરીકે સહી કરી હતી. ઝીણાના કદાચ આ એકમાત્ર ગુજરાતી હસ્તાક્ષર હશે.
આવો જ એક પ્રયોગ હાજીએ નવેમ્બર, ૧૯૧૮ના અંકમાં કર્યો. ગુજરાતીની પહેલી ટૂંકી વાર્તા 'મલયાનિલ'ની 'ગોવાલણી' ગણાય છે. હાજીએ તેને પૂરા વજન સાથે છાપવાનું નક્કી કર્યું અને વિખ્યાત ફોટોગ્રાફર જહાંગીર તારાપોરને એ કામ સોંપ્યું. તારાપોરે વાર્તાનાં બે મુખ્ય પાત્રોને પસંદ કર્યાં અને વાર્તાની સિચ્યુએશન પ્રમાણે તેમની તસવીરો લીધી. એ જમાનામાં એક વાર જગદીશચંદ્ર બોઝ મુંબઈ આવ્યા ત્યારે હાજીએ તેમની મુલાકાત લઈને, બીજા જ દિવસે બોઝબાબુને તેમની તસવીરોની પ્રિન્ટ આપી, ત્યારે બોઝ નાના બાળકની જેમ પોતાની તસવીરો જોવા લાગ્યા હતા. તસવીરોની એવી નવાઈ હતી, એ જમાનામાં હાજીએ નવેમ્બર, ૧૯૧૮ના 'વીસમી સદી'ના અંકમાં સાડા ચાર પાનાંની ગોવાલણી સાથે ચાર તસવીરો છાપી અને એ પણ આખા-આખા પાનામાં પાથરીને. એટલે કુલ સાડા આઠ પાનાંમાં આખી વાર્તા છપાઈ.
આ ઘટનાના દાયકાઓ પછી 'ગુજરાત સમાચાર'માં ઝવેરીલાલ મહેતા અને જી.એચ.માસ્ટર જેવા ઉત્તમ તસવીરકારો રવિવારની પૂર્તિમાં નવલકથાના હપ્તાની સાથે સાચાં પાત્રોની ફોટોગ્રાફી કરતા હતા.એ તસવીરોએ પણ એક ઓળખ અને આકર્ષણ ઊભું કર્યું હતું. હાલમાં 'દિવ્ય ભાસ્કર'માં શરૂ થયેલી મિત્ર આશુ પટેલની દૈનિક નવલકથા માટે પણ સાચાં પાત્રોની (ગુજરાતી ફિલ્મના કેટલાક કલાકારો) ફોટોગ્રાફી કરવામાં આવી છે અને રોજના હપ્તા સાથે સાચાં પાત્રોનો એક ટચૂકડો ફોટો પણ પ્રગટ થાય છે.
આ બધા પ્રયોગોની સાખે જોતાં સો વર્ષ પહેલાં હાજીએ કરેલા પ્રયોગનું મૂલ્ય વધી જાય છે અને હાજી માટેનો આદર નવેસરથી તાજો થાય છે.
| Visami Sadi, November 2018 વીસમી સદી, નવેમ્બર, ૧૯૧૮ |
![]() |
| Haji / હાજી |

media
Monday, September 17, 2018
મેઘાણી, 'નિરંજન'અને કલમ ૩૭૭
સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદા દ્વારા ૩૭૭મી કલમમાં ફેરફાર કર્યો અને બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચે પરસ્પર સંમતિથી બંધાતા સજાતીય સંબંધને ગેરકાયદે ઠેરવતી જોગવાઈ રદ કરી. એ ઘટનાક્રમ સાથે વધુ એક વાર ઝવેરચંદ મેઘાણી અને તેમની પહેલી નવલકથા 'નિરંજન' (૧૯૩૬)ની યાદ તાજી થઈ.
અંગ્રેજોના જમાનામાં બનેલા અને આઝાદ ભારતમાં પણ ચાલુ રહેલા ઘણા કાયદાની જેમ ૩૭૭મી કલમની કેટલીક જોગવાઈઓ જૂનવાણી અને રૂઢિચુસ્ત હતી. એમ તો રાજદ્રોહના કાયદો પણ એવો જ છે-- અંગ્રેજોએ દેશી લોકો માટે બનાવેલો અને તેમના પછી દેશી સરકારોએ દેશી લોકો માટે ચાલુ રાખેલો. પરંતુ રાજદ્રોહના કાયદા બાબતે બધા પક્ષોની સરકારો એકમત છે. કોઈ એ સત્તા જતી કરવા તૈયાર નથી. તેની સરખામણીમાં, સજાતીય સંબંધો પર વાગેલો 'ગેરકાયદેસર'નો જૂનવાણી અને અન્યાયી ઠપ્પો આઝાદીના સાત દાયકા પછી દૂર તો થયો.
કોઈ પણ પ્રકારના સજાતીય સંબંધોને ગેરકાયદેસર ઠરાવતી જોગવાઈ ૧૮૬૦થી ભારતીય દંડસંહિતામાં દાખલ થઈ. ત્યાર પછી બ્રિટને ૧૯૬૭થી એ અન્યાય દૂર કરી નાખ્યો, પણ ભારતને ત્યાં સુધી પહોંચવામાં બીજા પાંચ દાયકા નીકળી ગયા. એ મુદ્દે રાજકીય પક્ષોનું વલણ પણ સાવચેતીપૂર્ણ રહ્યું. કારણ કે સજાતીય સંબંધોને રોગ ગણાવનારા બાબા રામદેવ કે જેનેટિક ડિસઓર્ડર (જનીનગત ખામી) ગણાવનાર સુબ્રમણ્યન્ સ્વામી જેવા ઘણા લોકો રાજકારણમાં છે. ઉપરાંત, સજાતીય સંબંધોને સ્વાભાવિક ગણવાનો ઉત્સાહ દર્શાવતાં, ક્યાંક પ્રચલિત લોકલાગણીને નારાજ કરી બેસવાની બીક પણ નેતાઓને લાગતી હશે.
તેની સરખામણીમાં ઝવેરચંદ મેઘાણી જેવા પ્રચંડ સર્જક યાદ આવે, જેમણે છેક ૧૯૩૬માં સજાતીય સંબંધોનું આલેખન તેમની પહેલી નવલકથા 'નિરંજન'માં કર્યું હતું. અત્યારે આ વિષય અંગે આટલી રૂઢિચુસ્તતાનો માહોલ છે, તો ત્રીસીના દાયકામાં સ્થિતિ કેવી હશે તે કલ્પી શકાય. એ વખતે મેઘાણીએ સજાતીયતાનો મુદ્દો છેડ્યો, એટલું જ નહીં, તેને સમભાવપૂર્વક આલેખ્યો. ૧૯૪૧માં પ્રગટ થયેલી પુસ્તકની બીજી આવૃત્તિમાં મેઘાણીએ લખ્યું હતું, ‘જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડતું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય છે. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો છે.’
નવાઈ લાગે એવી બીજી વાત એ છે કે એ સમયગાળામાં મરાઠીમાં પણ 'નિરંજન' નામની એક નવલકથા લખાઈ હતી, જેમાં મુખ્ય પાત્ર પ્રોફેસર નિરંજન પર જાતીય વિકૃતિના આરોપ લાગે છે. મેઘાણીએ નોંધ્યું છે તેમ, મરાઠી નિરંજનના લેખક માધવ જ્યુલિયન એક કોલેજમાં પ્રોફેસર હતા ત્યારે તેમની પર આ પ્રકારના આરોપ થયા હતા અને 'કાયદાની અદાલતેથી કલંકમુક્ત થયા છતાં લોકદૃષ્ટિમાંથી પદભ્રષ્ટ જ રહ્યા હતા.’ માધવ જ્યુલિને મેઘાણીની 'નિરંજન'વાંચી હતી અને બહુ વખાણી હતી, એવી પણ નોંધ છે.
અનિવાર્ય નથી, પણ સામાન્ય રીતે એવું મનાય છે કે લેખકની પહેલી નવલકથામાં તેના જીવનના કોઈ હિસ્સાની ઝાંખી હોઈ શકે. સાથોસાથ, (હજુ પણ બને છે તેમ) સજાતીય સંબંધોને સમભાવપૂર્વક જોનાર પોતે આ પ્રકારના સંબંધ ધરાવતા હશે એવું ધારી લેવાય નહીં. છતાં, ઇતિહાસની એક પાદટીપ તરીકે એટલું નોંધવું જોઈએ કે મેઘાણીને પત્રકારત્વમાં લાવનાર અને શરૂઆતનાં વર્ષોમાં મેઘાણીએ જેમની સાથે નિકટતાથી કામ કર્યું હતું, તે અમૃતલાલ શેઠ પર સજાતીય સંબંધો સહિતના ગંભીર આરોપો મુકાયા હતા.
સૌરાષ્ટ્રના રાણપુરમાં રહીને દેશી રજવાડાં વિશે બહાદુરીભર્યા અહેવાલો લખનાર અમૃતલાલ શેઠ સામે કાર્ટૂનિસ્ટ 'શનિ' (કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી)એ ૪૮ પાનાંની પુસ્તિકાસ્વરૂપે આરોપનામું પ્રગટ કર્યું હતું. તેમાં મુખ્ય ધરી શોષણ અને બળજબરીની હતી. એ પુસ્તિકાના મુદ્રક અને પ્રકાશક તરીકે 'મહંમદઅલી જે.વીરાણી, વીરાણી પ્રીન્ટરી, પ્રીન્સેસ સ્ટ્રીટ, કરાંચી'નું નામ હતું. પુસ્તિકાના અંતે 'શનિ’એ અમૃતલાલ શેઠને બદનક્ષીનો કેસ કરવાનો પડકાર ફેંક્યો હતો. તેનું શું થયું એ જાણવા મળતું નથી. પણ મેઘાણીએ 'નિરંજન'માં કરેલું સજાતીય સંબંધોનું સંવેદનસભર અને નજાકતભર્યું નિરૂપણ આજે પણ સ્પર્શે એવું છે.
સમાજની દૃષ્ટિએ દુર્જન ગણાયેલું એક પાત્ર સજાતીય આવેગો અનુભવતા નાયકને એક પુસ્તક વાંચવા આપે છે. તેમાં નાયક વાંચે છે, 'ભય ન પામો. પ્રકૃતિ તમને અનેક સૂરોમાં સાદ કરે છે. છુપાવતા નહીં, પણ તમારી આસપાસના સર્વેને મોટે સ્વરે જાણ કરજો. ગોપનતા (ગુપ્તતા) જ તમારો ભયાનક રિપુ (દુશ્મન) છે. તમે જેઓને કહેશો, તેમાંથી ઘણાય તમને સામે આવી આવી જણાવશે કે અમારેય આવું બન્યું હતું, ને પછી એની ખોટી રહસ્યમયતા ચાલી જશે. ઝીણી ચિરાડો વાટે તાકતી આંખો અટકી જશે. તમારા અનુભવોના આગલા દ્વારેથી જ સર્વ જિજ્ઞાસુઓ પ્રવેશ કરશે.’
એ સમયની તાસીર પ્રમાણે મેઘાણીએ સજાતીય આવેગોને ઉંમરસહજ અને વચગાળાની ગણાવતાં પાત્રના મનોભાવ તરીકે લખ્યું હતું : આ તે કયા પ્રકારની લાગણી છે? હાઇસ્કૂલ અને કોલેજનાં જે દસ-અગીયાર વર્ષો, જે કટોકટીનાં વર્ષો, જે વર્ષોના સમયગાળામાં આવી સ્નેહવેદના રમણ કરે છે, તે વર્ષોમાં એક પણ સ્થળે આ વિષય પરનું રસ્તો દેખાડનારું સાહિત્ય કાં ન મળે?...રાજારાણીઓનાં ને નવરા ધનિકોના એ આવેશની ઘેલછાઓ ખડકનારાઓએ ક્યાંયે, કોઈ એકાદ પંક્તિમાંયે કેમ ન સૂચન કર્યું, કેમ ન ખબર આપી, કેમ ન લાલબત્તી બતાવી, કે પુરુષ-પુરુષ વચ્ચેનો આવો ઊર્મિયોગ શાથી બને છે, ને કેવા પ્રકારનો બને છે?
૧૯૩૬માં આટલી સ્પષ્ટતા અને ઉત્કટતાથી વિચારી શકનાર મેઘાણી કલમ ૩૭૭નો ચુકાદો સાંભળીને કેવા રાજી થયા હોત, એવો વિચાર તેમના ચાહક તરીકે અવશ્ય આવે. સાથે તેમની એ ટીપ્પણી પણ સાંભરે કે અદાલતે કલંકમુક્ત કે ગુનામુક્ત કર્યા પછી સમાજે સજાતીય સંબંધો પ્રત્યે સંવેદનસભર સમદૃષ્ટિ કેળવવાની બાકી રહે છે.
અંગ્રેજોના જમાનામાં બનેલા અને આઝાદ ભારતમાં પણ ચાલુ રહેલા ઘણા કાયદાની જેમ ૩૭૭મી કલમની કેટલીક જોગવાઈઓ જૂનવાણી અને રૂઢિચુસ્ત હતી. એમ તો રાજદ્રોહના કાયદો પણ એવો જ છે-- અંગ્રેજોએ દેશી લોકો માટે બનાવેલો અને તેમના પછી દેશી સરકારોએ દેશી લોકો માટે ચાલુ રાખેલો. પરંતુ રાજદ્રોહના કાયદા બાબતે બધા પક્ષોની સરકારો એકમત છે. કોઈ એ સત્તા જતી કરવા તૈયાર નથી. તેની સરખામણીમાં, સજાતીય સંબંધો પર વાગેલો 'ગેરકાયદેસર'નો જૂનવાણી અને અન્યાયી ઠપ્પો આઝાદીના સાત દાયકા પછી દૂર તો થયો.
કોઈ પણ પ્રકારના સજાતીય સંબંધોને ગેરકાયદેસર ઠરાવતી જોગવાઈ ૧૮૬૦થી ભારતીય દંડસંહિતામાં દાખલ થઈ. ત્યાર પછી બ્રિટને ૧૯૬૭થી એ અન્યાય દૂર કરી નાખ્યો, પણ ભારતને ત્યાં સુધી પહોંચવામાં બીજા પાંચ દાયકા નીકળી ગયા. એ મુદ્દે રાજકીય પક્ષોનું વલણ પણ સાવચેતીપૂર્ણ રહ્યું. કારણ કે સજાતીય સંબંધોને રોગ ગણાવનારા બાબા રામદેવ કે જેનેટિક ડિસઓર્ડર (જનીનગત ખામી) ગણાવનાર સુબ્રમણ્યન્ સ્વામી જેવા ઘણા લોકો રાજકારણમાં છે. ઉપરાંત, સજાતીય સંબંધોને સ્વાભાવિક ગણવાનો ઉત્સાહ દર્શાવતાં, ક્યાંક પ્રચલિત લોકલાગણીને નારાજ કરી બેસવાની બીક પણ નેતાઓને લાગતી હશે.
તેની સરખામણીમાં ઝવેરચંદ મેઘાણી જેવા પ્રચંડ સર્જક યાદ આવે, જેમણે છેક ૧૯૩૬માં સજાતીય સંબંધોનું આલેખન તેમની પહેલી નવલકથા 'નિરંજન'માં કર્યું હતું. અત્યારે આ વિષય અંગે આટલી રૂઢિચુસ્તતાનો માહોલ છે, તો ત્રીસીના દાયકામાં સ્થિતિ કેવી હશે તે કલ્પી શકાય. એ વખતે મેઘાણીએ સજાતીયતાનો મુદ્દો છેડ્યો, એટલું જ નહીં, તેને સમભાવપૂર્વક આલેખ્યો. ૧૯૪૧માં પ્રગટ થયેલી પુસ્તકની બીજી આવૃત્તિમાં મેઘાણીએ લખ્યું હતું, ‘જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડતું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય છે. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો છે.’
![]() |
| Zaverchand Meghani/ ઝવેરચંદ મેઘાણી |
અનિવાર્ય નથી, પણ સામાન્ય રીતે એવું મનાય છે કે લેખકની પહેલી નવલકથામાં તેના જીવનના કોઈ હિસ્સાની ઝાંખી હોઈ શકે. સાથોસાથ, (હજુ પણ બને છે તેમ) સજાતીય સંબંધોને સમભાવપૂર્વક જોનાર પોતે આ પ્રકારના સંબંધ ધરાવતા હશે એવું ધારી લેવાય નહીં. છતાં, ઇતિહાસની એક પાદટીપ તરીકે એટલું નોંધવું જોઈએ કે મેઘાણીને પત્રકારત્વમાં લાવનાર અને શરૂઆતનાં વર્ષોમાં મેઘાણીએ જેમની સાથે નિકટતાથી કામ કર્યું હતું, તે અમૃતલાલ શેઠ પર સજાતીય સંબંધો સહિતના ગંભીર આરોપો મુકાયા હતા.
સૌરાષ્ટ્રના રાણપુરમાં રહીને દેશી રજવાડાં વિશે બહાદુરીભર્યા અહેવાલો લખનાર અમૃતલાલ શેઠ સામે કાર્ટૂનિસ્ટ 'શનિ' (કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી)એ ૪૮ પાનાંની પુસ્તિકાસ્વરૂપે આરોપનામું પ્રગટ કર્યું હતું. તેમાં મુખ્ય ધરી શોષણ અને બળજબરીની હતી. એ પુસ્તિકાના મુદ્રક અને પ્રકાશક તરીકે 'મહંમદઅલી જે.વીરાણી, વીરાણી પ્રીન્ટરી, પ્રીન્સેસ સ્ટ્રીટ, કરાંચી'નું નામ હતું. પુસ્તિકાના અંતે 'શનિ’એ અમૃતલાલ શેઠને બદનક્ષીનો કેસ કરવાનો પડકાર ફેંક્યો હતો. તેનું શું થયું એ જાણવા મળતું નથી. પણ મેઘાણીએ 'નિરંજન'માં કરેલું સજાતીય સંબંધોનું સંવેદનસભર અને નજાકતભર્યું નિરૂપણ આજે પણ સ્પર્શે એવું છે.
સમાજની દૃષ્ટિએ દુર્જન ગણાયેલું એક પાત્ર સજાતીય આવેગો અનુભવતા નાયકને એક પુસ્તક વાંચવા આપે છે. તેમાં નાયક વાંચે છે, 'ભય ન પામો. પ્રકૃતિ તમને અનેક સૂરોમાં સાદ કરે છે. છુપાવતા નહીં, પણ તમારી આસપાસના સર્વેને મોટે સ્વરે જાણ કરજો. ગોપનતા (ગુપ્તતા) જ તમારો ભયાનક રિપુ (દુશ્મન) છે. તમે જેઓને કહેશો, તેમાંથી ઘણાય તમને સામે આવી આવી જણાવશે કે અમારેય આવું બન્યું હતું, ને પછી એની ખોટી રહસ્યમયતા ચાલી જશે. ઝીણી ચિરાડો વાટે તાકતી આંખો અટકી જશે. તમારા અનુભવોના આગલા દ્વારેથી જ સર્વ જિજ્ઞાસુઓ પ્રવેશ કરશે.’
એ સમયની તાસીર પ્રમાણે મેઘાણીએ સજાતીય આવેગોને ઉંમરસહજ અને વચગાળાની ગણાવતાં પાત્રના મનોભાવ તરીકે લખ્યું હતું : આ તે કયા પ્રકારની લાગણી છે? હાઇસ્કૂલ અને કોલેજનાં જે દસ-અગીયાર વર્ષો, જે કટોકટીનાં વર્ષો, જે વર્ષોના સમયગાળામાં આવી સ્નેહવેદના રમણ કરે છે, તે વર્ષોમાં એક પણ સ્થળે આ વિષય પરનું રસ્તો દેખાડનારું સાહિત્ય કાં ન મળે?...રાજારાણીઓનાં ને નવરા ધનિકોના એ આવેશની ઘેલછાઓ ખડકનારાઓએ ક્યાંયે, કોઈ એકાદ પંક્તિમાંયે કેમ ન સૂચન કર્યું, કેમ ન ખબર આપી, કેમ ન લાલબત્તી બતાવી, કે પુરુષ-પુરુષ વચ્ચેનો આવો ઊર્મિયોગ શાથી બને છે, ને કેવા પ્રકારનો બને છે?
૧૯૩૬માં આટલી સ્પષ્ટતા અને ઉત્કટતાથી વિચારી શકનાર મેઘાણી કલમ ૩૭૭નો ચુકાદો સાંભળીને કેવા રાજી થયા હોત, એવો વિચાર તેમના ચાહક તરીકે અવશ્ય આવે. સાથે તેમની એ ટીપ્પણી પણ સાંભરે કે અદાલતે કલંકમુક્ત કે ગુનામુક્ત કર્યા પછી સમાજે સજાતીય સંબંધો પ્રત્યે સંવેદનસભર સમદૃષ્ટિ કેળવવાની બાકી રહે છે.
Labels:
Gujarati literature/ગુજરાતી સાહિત્ય,
media
Thursday, September 06, 2018
ગાંધી-૧૫૦ : શું ન કરવું...
સઅાદત હસન મંટોની એક લઘુકથા હતીઃ ટોળું તોફાને ચઢ્યું. તેમાંથી એક જણે સર ગંગારામના પૂતળાનું મોં કાળું કર્યું. બીજાએ તેને જૂનાં ખાસડાંનો હાર પહેરાવ્યો. પોલીસ આવી. લાઠીચાર્જ અને ગોળીબાર થયો. તેમાં જૂતાંનો હાર પહેરાવનાર ઘાયલ થયો. એટલે સારવાર માટે તેને સર ગંગારામ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
બરાબર એક મહિના પછી સરકારી રાહે ગાંધીજીની દોઢસોમી જન્મજયંતિનાં ઉજવણાં શરૂ થશે. તેમાં ગાંધીજીની હાલત કંઈક અંશે ઉપરની કથામાં આવતા સર ગંગારામ જેવી થવાની પૂરી આશંકા છે. ગાંધીજીના મોઢે મેશ લગાડવાના પ્રયાસ કરનાર અને તેમના વિશે ધીક્કાર ફેલાવનારા પણ (ગાંધી-૧૫૦ને વટાવી ખાવા) ગાંધીના શરણે જશે. તેમના સતત કુપ્રચાર છતાં ગાંધીગાડી હજુ ચાલી રહી છે, એ જોઈને ચલતા પૂર્જા ચાલુ ગાડીમાં ચડી બેઠા છે. બાકી રહ્યો ગાંધીના નામે ચરી ખાવાનો ધંધો. એ તો ગાંધીની હયાતિમાં જ શરૂ થઈ ચૂક્યો હતો. આમ, બે બાજુથી વહેરાતી અસલી ગાંધીની સ્મૃતિનું તેમની દોઢસોમી જન્મજયંતિ નિમિત્તે સાવ પરચૂરણીકરણ થઈ જાય, એ સંભાવના ગંભીર છે. તેની શરૂઆત છેલ્લા થોડા સમયથી (સ્વચ્છતા અભિયાન જેવાં ગતકડાં સાથે ગાંધીને સાંકળીને) થઈ ચૂકી છે.
આ સંજોગોમાં ગાંધી-૧૫૦ નિમિત્તે શું ન કરવું જોઈએ તેની કેટલીક સ્પષ્ટતા ઉપયોગી નીવડી શકે છે. સાચા ગાંધીપ્રેમીઓ આ અધૂરી યાદીમાં પોતાના તરફથી ઉમેરા પણ કરી શકે છે. પરંતુ ધુમાડાબંધ રીતે થનારાં ઉજવણાંમાં ગાંધીનું હાર્દ ખોવાઈ ન જાય, એટલા પૂરતી આ એક શરૂઆત.
વૈષ્ણવજનનું આલ્બમીકરણઃ ગાંધીજીના હાર્દ સુધી પહોંચવાની પળોજણમાં ન પડવું હોય તો સહેલો રસ્તો તેમનાં પ્રતીકોને પકડવાનો છે-- જેમ સરકારી સ્વચ્છતા ઝુંબેશમાં ગાંધીના ચશ્માને સંડોવી દેવામાં આવ્યા (જે ગાંધીજીના નહીં, પણ 'તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા'ના લોગોની યાદ અપાવે છે) 'વૈષ્ણવજન'એવું જ એક પ્રતિક છે, જેનું સહેલાઈથી બજારીકરણ કરી શકાય છે. એક સમાચારમાં વાંચ્યું કે આ ભજન જુદા જુદા દેશના મોટા ગાયકો પાસે ગવડાવવાનું વિચારાઈ રહ્યું છે. પછી 'વૈષ્ણવજન'નું આલ્બમ બનશે. મૅડોના સફેદ સાડીને પહેરીને એ ભજન ગાશે કે શાકિરા પંજાબી ડ્રેસ પહેરીને, એ હજુ જાણવા મળ્યું નથી. પણ આવું આલ્બમ ધારો કે ધૂમ મચાવે, તો પણ તેમાં ગાંધી ક્યાં આવ્યા? તેમનાં મૂલ્યો ક્યાં આવ્યાં? એ આલ્બમના વેચાણમાંથી ગાંધીને લગતું કોઈ કામ કરીને માર્કેટિંગને વાજબી ઠરાવવાની કોશિશ કરવામાં આવે, એ તો માથું કાપ્યા પછી પાઘડી પહેરાવવા જેવું ન ગણાય? અને જે લોકોને આવા કામ વિશે 'આટલુંય કોણ કરે છે?’ એવો ભાવ થતો હોય, તેમને જણાવવાનું કે 'આટલું'જો આવું જ થવાનું હોય તો કશું ન થાય તે વધુ સારું.
ઘેલાઈભર્યા વિશ્વવિક્રમોઃ કામ કરનારા લોકો પોતાનું કામ કરે છે અને વિશ્વવિક્રમો નોંધાય છે, જ્યારે ધ્યાનભૂખ્યા, શોર્ટકટીયાઓ દરેક બાબતમાં વિક્રમો નોંધાવવા હડી કાઢીને છીછરી માનસિકતાનું પ્રદર્શન કરે છે. ઘણા સમયથી આવી માનસિકતાને રાજ્યાશ્રય પણ મળેલો છે. એટલે યોગ જેવી ભારતીય પરંપરાનું જે હદે સરકારીકરણ અને વિશ્વવિક્રમીકરણ કરવામાં આવ્યું છે, એવું ગાંધીના મામલે પણ થવાની પૂરી આશંકા છે. જેમ કે, ફલાણા ઠેકાણે એક સાથે વિક્રમી સંખ્યામાં લોકોએ 'વૈષ્ણવજન'ગાયું કે ઢીકણા ઠેકાણે વિક્રમી સંખ્યામાં લોકોએ ગાંધી મૅરેથૉન યોજી...
ગાંધીને ગાંધી બનવા માટે એકેય વિશ્વવિક્રમ નોંધાવવા પડ્યા ન હતા. તેમણે લખેલા પત્રોની સંખ્યા કદાચ એક જીવનમાં, એક માણસ દ્વારા લખાયેલા સૌથી વધુ પત્રોનો વિશ્વવિક્રમ હોઈ શકે, પરંતુ એ વિક્રમ ન હોય તો પણ તેનાથી શો ફરક પડે છે, જો તેમાં ગાંધીપણું ન હોય. એટલે સંખ્યાના કે નાણાંના જોરે વિશ્વવિક્રમો સ્થાપીને મોટાઈ અનુભવવાની લઘુતાગ્રંથિથી બચવું રહ્યું-- કમ સે કમ ગાંધીને અંજલિ આપવાની બાબતમાં તો ખરું જ.
ગાંધીમૂલ્યોના ધંધાદારી બ્રાન્ડ અૅમ્બેસેડરઃ ગાંધીમૂલ્યો એ જાહેરખબરોનો મામલો નથી કે જેટલો મોટો બ્રાન્ડ અૅમ્બેસેડર, એટલો વધારે પ્રભાવ. જેમાં ગાંધી કરતાં બ્રાન્ડ અૅમ્બેસડર પર વધારે ભાર હોય તે સંદેશો તો અપાતા પહેલાં જ ખોવાઈ ગયેલો કે આડા પાટે ચડી ગયેલો ગણાય. ગાંધીના ઉપદેશને અમિતાભ બચ્ચનના ચહેરાની કે રાજકુમાર હીરાણીના ડાયરેક્શનની જરૂર નથી. ગાંધી અને નવરત્ન તેલમાં કે ગાંધી અને સંજય દત્તમાં એ પાયાનો ફરક છે. ગાંધીના મામલે, મૂળ 'પ્રોડક્ટ'એવી નથી કે તેને તારી નાખવા માટે મોટા બ્રાન્ડ અૅમ્બેસેડરની જરૂર પડે. તેનો અર્થ એમ પણ નહીં કે બચ્ચન-હીરાણી ટાઇપના લોકોના પ્રયાસની ટીકા કરવી. સવાલ યોગ્ય તોલમાપ કરવાનો છે. ગાંધીની થોડીઘણી વાત કે વિચાર પહોંચાડવા માટે પણ પૅકેજિંગના મોહમાં પડ્યા, તો રસ્તો ચૂક્યા સમજવું. ગાંધીને સારા પૅકેજિંગ કરતાં પણ વધારે, પ્રામાણિક અને સાચકલા સ્વરૂપે રજૂ કરવાની જરૂર છે. ભેળસેળ વગરના, સો ટકા શુદ્ધ ગાંધી પોતે બધા બ્રાન્ડ અૅમ્બેસેડરના બાપ થાય એમ છે.
ધર્મ-અધ્યાત્મગુરુઓ અને ગાંધીઃ ધાર્મિક-આધ્યાત્મિક રજવાડાંથી ગાંધી દૂર જ રહ્યા અને લોકોના ધક્કે પણ પોતે એ ખાંચામાં ન સરી જાય તેની પૂરતી ચોંપ રાખી. ધર્મ-અધ્યાત્મની લાઇનમાં રહેલા લોકોના મોઢેથી ગાંધીની વાત એટલા માટે જ રુચતી નથી. ગીતા હોય કે કુરાન, ગાંધીએ ધર્મને માનવતાની ઉપર કદી સવાર થવા દીધો નહીં અને ધર્મગુરુઓને માથે ચડવા દીધા નહીં. કોમી તનાવના સમયમાં ધર્મ વિભાજન અને હિંસાનું કારણ બન્યો, ત્યારે પણ ગાંધીએ માનવધર્મનો મહિમા કર્યો અને બધા ધર્મગુરુઓથી ઉપર બની રહ્યા. પોતે લોકો પાસેથી જે ફાળો ઉઘરાવતા હતા, તેનો પૂરેપૂરો હિસાબ રાખ્યો. બારડોલી સત્યાગ્રહ કે પૂરરાહત વખતે એકઠાં થયેલાં નાણાંનો આના-પાઈનો હિસાબ તેમના સાપ્તાહિક ‘નવજીવન’નાં પાનાં ભરીને પથરાયેલો જોવા મળે છે. લોકસેવા અને ઉત્તરદાયિત્વનાં આવાં ગાંધીધોરણોથી વિપરીત આચરણ ધરાવતા અને સરકારો જોડેની સારાસારીમાં મહાલતા ધર્મગુરુઓ કે સ્યુડો-ધર્મગુરુઓ કયા મોઢે ગાંધીની વાત કરી શકે? એરણની ચોરી કર્યા પછી સોયનું દાન કરીને પોતાની સાત્વિકતા પર જાતે ને જાતે હરખાતા અથવા પ્રચાર માધ્યમોના જોરે છવાઈ જતા કહેવાતા ગુરુજીઓના મોઢેથી ગાંધીની વાત શોભશે?
વિચારવાનું આપણે છે.

Gandhi-150,
Gandhi/ગાંધી
Tuesday, August 28, 2018
કુદરતી આફત કે કુદરતનો કોપ?
કેરળમાં આવેલું વિનાશક પૂર ફક્ત જાનમાલની તબાહી અને લોકોને પડેલી કારમી આપદાની જ કહાણી નથી. બીજી કેટલીક કઠણાઈઓ પણ તેની સાથે જોડાયેલી છે. જેમ કે, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના લાંબી બિમારી પછી થયેલા અવસાન પછી થોડો સમય જાણે કેરળ ભૂલાઈ જ ગયું. આ બાબતને અંગ્રેજી કાર્ટૂનિસ્ટ સંદીપ અધ્વર્યુએ માર્મિક રીતે દર્શાવતાં એવું કાર્ટૂન બનાવ્યું, જેમાં પ્રસારમાધ્યમોનું બધું ધ્યાન આકાશમાં રહેલા વાજપેયી તરફ છે અને વાજપેયી પોતે આંગળી ચીંધીને નીચે કેરળની કરુણ સ્થિતિ બતાવી રહ્યા છે.
કુદરતી આપત્તિના પ્રસંગે સોશ્યલ મિડીયા હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે, તેમ તે ધીક્કારની આગ પણ ફેલાવી શકે છે, ભલે ને જમીન પર પાણી જ પાણી હોય. કેરળ ડાબેરીઓનું વર્ચસ્વ ધરાવતું હોવાથી કેટલાક નમૂનાઓએ જે તબાહી થઈ તેને લગભગ વાજબી ઠરાવી અથવા 'લો, લેતા જાવ'ના અંદાજમાં રજૂ કરી. કેટલાકે કેરળમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું મોટું પ્રમાણ હોવાથી ત્યાં મદદ ન કરવી જોઈએ, એવી દ્વેષીલી અપીલો પણ ક્યાંક જોવા મળી. દરેક મુદ્દો જ્યાં રાજકીય ધ્રુવીકરણનો રંગ પકડી લે છે એવા સમયમાં હજુ આવા ધીક્કારને ઝાઝા લેવાલ મળ્યા નહીં તે આશ્વાસન ગણી શકાય.
આ બધાની વચ્ચે, હજુ આ મહિને કેન્દ્ર સરકાર દ્વારા રીઝર્વ બૅન્કના પાર્ટટાઇમ નૉન-ઑફિશ્યલ ડાયરેક્ટર તરીકે નીમાયેલા એસ. ગુરુમૂર્તિ કેરળના પૂર વિશે ટ્વિટર પર મોં ખોલ્યું, ત્યારે પૈસા પડી ગયા. એક સમયના આક્રમક પત્રકાર અને વર્ષોથી સ્વદેશી જાગરણ મંચ- આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલા, જમણેરી વિચારક તરીકેની ખ્યાતિ ધરાવતા ગુરુમૂર્તિએ લખ્યું, ‘સબરીમાલામાં જે કંઈ થઈ રહ્યું છે તે (જળપ્રલય) અને (મંદિરપ્રવેશ અંગેના) કેસ, આ બંને વચ્ચે કશો સંબંધ છે કે નહીં, એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કદાચ તપાસી શકે. બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ હોવાની શક્યતા લાખોમાં એક હોય તો પણ, લોકો અયપ્પન (ભગવાન)ની મરજી વિરુદ્ધ કેસનો ચુકાદો આવે એમ નહીં ઇચ્છે.’
ટીકા થાય ત્યારે 'મૈંને ઐસા તો નહીં કહા થા' જેવો ઉલાળીયો કરી શકાય, એવા આ શબ્દોનો સાદો અર્થ આટલોઃ કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની સ્ત્રીઓ માટે મંદિરપ્રવેશ પ્રતિબંધિત હતો. આ ભેદભાવયુક્ત પરંપરાને અદાલતમાં પડકારવામાં આવી અને હવે મામલો સર્વોચ્ચ અદાલતમાં છે, ત્યારે આ વિચારક મહાશય એવી શંકા પ્રેરવા માગે છે કે ન કરે નારાયણ ને આ કેસથી કદાચ ભગવાન નારાજ થયા હોય એવું તો નથી ને?
કોઈ પણ વિચારધારા પ્રત્યેની જડ પ્રતિબદ્ધતા માણસની સ્વતંત્ર વિચારશક્તિને કઈ હદે રુંધી શકે છે, તેનો આ ઉત્તમ નમૂનો છે-- પછી તે વિચારધારા જમણેરી હોય કે ડાબેરી. સામ્યવાદને વરી ચૂકેલા લોકો વર્ષો સુધી રશિયામાં સામ્યવાદના નામે ચાલેલી સરમુખત્યારશાહી નજરઅંદાજ કરતા હતા. કદાચ હજુ પણ એ તેની ઉજળી બાજુઓ બતાવવાની કોશિશ કરતા હશે.
અપેક્ષા મુજબ ગુરુમૂર્તિના વિધાનની ટીકા થઈ, ત્યારે વિચારબદ્ધતા સાથે સંકળાયેલી ધૂર્તતાનો પરિચય આપતાં ગુરુમૂર્તિ લાજવાને બદલે ગાજ્યા અને કહ્યું, 'મેં મારી વાત ક્યાં કરી હતી? હું તો લોકોની વાત કરતો હતો કે લોકોને આવું નહીં ગમે. બાકી હું તો અયપ્પાનો ભક્ત નથી.’ અને જમણેરી વિચારધારાની પિન જ્યાં અટકી ગઈ છે તે ટ્રેક પર આવીને ભારતીય બૌદ્ધિકોને ભાંડ્યા. કહ્યું કે 'દંભી બૌદ્ધિકો લોકોની ધાર્મિક આસ્થાને નકારી કાઢે છે.’ ટૂંકમાં, તેમના ટ્વિટની ટીકા કરનારા લોકવિરોધી. જમણેરી વિચારધારાનાં પ્રિય ધીક્કારપાત્રો એવા ઉદારમતવાદી, બિનસાંપ્રદાયિક બૌદ્ધિકોને પણ તેમણે લપેટી માર્યા.
અને આ બધું ત્યારે, જ્યારે કેરળ સૌથી ગંભીર કુદરતી આફતનો ભોગ બન્યું હોય. મૃતદેહો પર જ્યાફતો ઉડાડવાની રાજકારણની રીત નવી નથી કે કોઈ એક પક્ષનો ઇજારો પણ નથી. છતાં, કહેવાતા વિચારકો પોતાની મનોરુગ્ણતાનું આવું પ્રદર્શન કરે અને એની ટીકા થાય ત્યારે તેમના કાયમી દુશ્મન એવા ઉદારમતવાદી, બિનસાંપ્રદાયિક બૌદ્ધિકોને ભાંડવાની તક ઊભી કરી લે, ત્યારે શું કહેવું-- સિવાય કે ગૅટ વૅલ સૂન. આશા રાખીએ કે તમારું ઝટ ઠેકાણે આવે.
ગુરુમૂર્તિ કેરળના મામલે કેવી ભીંત ભૂલ્યા અને તેમની વાત કેવી વાહિયાત છે, તેનો સરસ જવાબ એક સમયે 'આઉટલૂક'ના પ્રકાશક રહી ચૂકેલા મહેશ્વર પેરીએ આપ્યો. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘પ્રિય ગુરુમૂર્તિ, રીઝર્વ બૅન્કમાં તમારી નિમણૂકથી લક્ષ્મીદેવી બહુ નારાજ લાગે છે. એટલે ડૉલરની સામે રૂપિયાનો ભાવ ગગડી રહ્યો છે. આ પાપનું પ્રાયશ્ચિત આપણે કરી શકીએ?’
કુદરતી આફતો માટે ઇશ્વરનો કોપ કારણભૂત ગણવાની માન્યતા રાખવા બદલ ગાંધીજી અંગે પણ વિવાદ સર્જાયો હતો. તેમણે બિહારમાં આવેલા ભૂકંપ માટે અસ્પૃશ્યતાના પાપને જવાબદાર ગણાવ્યું હતું. ત્યારે ગાંધીજી માટે પ્રચંડ આદર હોવા છતાં રવીન્દ્રનાથ ટાગોરે તેમના આવા અવૈજ્ઞાનિક નિવેદનની ભારે ટીકા કરી હતી. ગાંધીજીનું નિવેદન બેશક અવૈજ્ઞાનિક હતું. ભૂસ્તરશાસ્ત્રી ન હોવા છતાં તેમને એટલી તો ખબર જ હોય કે અસ્પૃશ્યતાના કારણે ભૂકંપ આવતા હોત તો ભારતની જમીન કદી સ્થિર જ રહી શકતી ન હોત. ટાગોરે તેમની ટીકા કરી, ત્યારે તેમાં કાર્યકારણના વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત સાથે મક્કમ વિરોધ છતાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર હતો. ગાંધીજીએ પણ ટાગોરની ટીકા પ્રેમથી ઝીલી અને પાટો બદલી નાખવાને બદલે પોતાની વાત પર અડગ રહ્યા. તેમાં અસ્પૃશ્યતા સામેના વિરોધ અને ધાર્મિક-આધ્યાત્મિક માન્યતાની દૃઢતા બંને દેખાતાં હતાં.
કેરળના સંદર્ભમાં આ કિસ્સો યાદ કરતી વખતે ખાસ યાદ રાખવું જોઈએ કે ગાંધીજી અને ટાગોર બંને અસ્પૃશ્યતાના અનિષ્ટનો વિરોધ કરતા હતા. ગાંધીજીની પહેલથી શાંતિનિકેતનમાં બધી જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે જમવા બેસે એવી પરંપરા શરૂ થઈ હતી. ગાંધીજીની ભૂકંપવાળી વાતમાં ધાર્મિક માન્યતાની અંધશ્રદ્ધા બેશક હતી, જે કેરળના મુદ્દે ઇશ્વરીય કોપની દલીલ કરનારાની વાતમાં છે. પણ મોટો ફરક એ વાતનો છે કે અત્યારે ઇશ્વરના કોપની વાત કરનારા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ અટકાવવા ઇચ્છે છે. પૂરની કારુણીને તે ભેદભાવ અને અન્યાયી રિવાજની તરફેણમાં વટાવી ખાવા ઇચ્છે છે.

Friday, August 24, 2018
કુલપતિ મુનશીનું ઉત્તરાવસ્થાનું વિચારવિશ્વ
![]() |
| Kanaiyalal Munshi / કનૈયાલાલ મુનશી (courtesy : Life) |
ભારતીય વિદ્યા ભવનના કુલપતિ મુનશીને ૧૯૫૨માં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે અલાહાબાદ જવાનું થયું. ત્યાંથી ભવનના વિદ્યાર્થીઓ-સાથીઓને ઉદ્દેશીને અંગ્રેજીમાં પત્રો લખવાનો સિલસિલો તેમણે શરૂ કર્યો. ૧૯૬૧માં ‘સમર્પણ’ શરૂ થતાં કુલપતિના પત્રો ગુજરાતીમાં પણ છપાવા લાગ્યા. મોટા ભાગના પત્રોનો અનુવાદ ‘સમર્પણ’ના તત્કાલીન તંત્રી હરીન્દ્ર દવેએ કર્યો હોવાની નોંધ ઘનશ્યામ દેસાઇલિખિત પ્રસ્તાવનામાં છે. મુનશીના જાહેર પત્રોનું આ દળદાર પુસ્તક ૭૨૦ પાનાંમાં પથરાયેલું છે અને તેમાં ફક્ત આઠ વર્ષના (૧ ફેબ્રુઆરી, ૧૯૬૨થી ૧૧ ઓક્ટોબર, ૧૯૭૦)ગાળામાં મુનશીએ લખેલા ૧૬૦ પત્રો સમાવવામાં આવ્યા છે. મુનશીની વયના હિસાબે ગણીએ તો, તેમણે ૭૪ વર્ષથી ૮૨ વર્ષ સુધીની અવસ્થાએ લખેલા પત્રો. આ ઉંમર ભલભલા લોકો માટે જોખમી હોઈ શકે છે. કારણ કે નાનાભાઈ ભટ્ટ જેવા કેટલાક અપવાદોને બાદ કરતાં આ ઉંમરે વૈચારિક સ્પષ્ટતાઓમાં ગોટાળા વળે અને જીવનભરના રસ્તા કરતાં જુદા માર્ગે દોરવાઈ જવાય, એવા ઘણા કિસ્સા જોવા મળે છે.
મુનશીના કિસ્સામાં એવું બન્યું નથી. પરંતુ અગાઉ તેમનામાં જોવા મળેલાં કેટલાંક વલણ વધારે દૃઢ બન્યાં છે. પુસ્તકમાં રહેલાં સત્તાવાર લખાણોની ઓળખ પત્રો તરીકેની છે, પણ એ જાહેર પત્રો છે. એટલે સંબોધન-લિખિતંગ સિવાયની બાબતમાં એ તત્ત્વતઃ લેખ છે - એક કુલપતિએ વિદ્યાર્થીઓને-સંસ્થાના સાથીઓને સંબોધીને લખેલા લેખ. તેમાં પત્રોમાં અપેક્ષિત હોય એવી અંગતતા, ઉષ્મા કે અનૌપચારિકતા નથી. મનન, મતપ્રચાર અને ઉપદેશનો ખાસ્સો ભાર છે. આ પ્રકારમાં પત્ર લખનાર પોતે વ્યાસપીઠ પર હોય છે અને દરેક પત્ર દ્વારા તે સામે રહેલા અદૃશ્ય વાચકવર્ગ પર ચોક્કસ માન્યતાઓ-મૂલ્યોની છાપ પાડવા કોશિશ કરે છે.
ગ્રંથસ્થ પત્રોમાં વિષયનાં અને ઘણી વાર તો મુદ્દા-પેટામુદ્દાનાં પુનરાવર્તનનો પાર નથી. ઘણા પત્રોમાં અભ્યાસીના સ્વાધ્યાય કે વિશ્લેષકના નીરક્ષીરવિવેકને બદલે મઠાધીશનો મતપ્રચારોત્સાહ વધારે દેખાય છે. પત્રોમાં વારંવાર આવતા મુનશીના કેટલાક પ્રિય વિષય છેઃ ઇતિહાસપુરૂષ તરીકે શ્રીકૃષ્ણ, ગાંધીજીનું આધ્યાત્મિક દૃષ્ટિકોણથી નિરૂપણ, સનાતન ધર્મ, વર્ણાશ્રમનો મહિમા, મુસ્લિમ આક્રમણના સંદર્ભે જ્ઞાતિપ્રથા દ્વારા સંસ્કૃતિનું રક્ષણ, રાષ્ટ્ર કયા ઘટકોથી બને છે, પાશ્ચાત્ય સમાજની સરખામણીએ ભારતીય કુટુંબસંસ્થા-લગ્નસંસ્થાનો જયજયકાર, શ્રી અરવિંદ પ્રત્યેનો અહોભાવ, સત્ય સાંઇબાબા પ્રકારનાં વ્યક્તિત્વો વિશે ભરપૂર આદર, અંધશ્રદ્ધા ન લાગે એવી સભાનતાથી વ્યક્ત કરાતો ચમત્કારોનો સ્વીકાર-પુરસ્કાર, ‘નક્કર વિગતો’ના આધારે ભારતીય સંસ્કૃતિ અને સંસ્કૃત ભાષાની ઉત્તમતા સિદ્ધ કરવાનો પ્રયાસ, (જેમાં વિગતોની પસંદગી અને તેની ‘નક્કરતા’નો ખ્યાલ મુનશીનો પોતીકો હોય), ભારતમાં અહિંસાની નહીં પણ યુદ્ધની લાંબી-ઉજ્જવળ પરંપરા, ભાષાવાર વિભાજનને કારણે દેશની અખંડિતતા સામે ઊભો થયેલો ખતરો, દેશના રાજકીય તંત્રના પ્રશ્નો, બંધારણ અને સંસદીય લોકશાહીની આંટીઘૂંટી, બંધારણમાં કરાયેલા ફેરફાર, સામ્યવાદ અને સામ્યવાદીઓનો તીવ્ર વિરોધ, નાસ્તિકતાના પર્યાય જેવી બિનસાંપ્રદાયિકતા સામેનો વાંધો...
આ વિષયોમાં મુનશીના ઘણા વિચાર ચર્ચાસ્પદ છે, તેની સરખામણીમાં મુંબઈનાં અદાલતી જીવનનાં સંભારણાં, નવલકથાકાર તરીકેની કેફિયત- માન્યતાઓ તથા કેટલાંક વ્યક્તિચિત્રો અત્યંત રસપ્રદ છે. અલબત્ત, નર્મદના શબ્દચિત્ર જેવાં નિરાંત, સઘનતા અને વિશ્લેષણયુક્ત અવલોકનો બીજાં વ્યક્તિચિત્રોમાં ભાગ્યે જ જોવા મળે છે. જેમ કે, ‘નર્મદે પોતાને ભવ્ય લાગ્યા એવા પ્રસંગો અને વિષયોને ગાવા પ્રયત્ન કર્યો, પરંતુ કલાત્મક સૌંદર્ય હંમેશાં તેની પકડમાંથી છૂટી જતું અને તેનો અહંકેન્દ્રિત મિજાજ તેને કૃત્રિમ વીરત્વનાં વલણો ભણી દોરી જતો.,’ રાજગોપાલાચારી કે રાજેન્દ્રબાબુ જેવા સાથીદારો વિશે લખતી વખતે મુનશી પાસે જે પ્રકારની આંતર્દૃષ્ટિની અને અંદરની વાતોની અપેક્ષા હોય એ સંતોષાતી નથી. મૃતકોને અંજલિ તરીકે લખાયેલાં ઘણાં શબ્દચિત્રોમાં ઔપચારિકતાનો રંગ ઘાટો છે.
બાકી, મુનશી થોડા લસરકામાં પણ કેવું ચિત્ર ખડું કરી શકે એનો ખ્યાલ ભરૂચની હાઇસ્કૂલના આસિસ્ટન્ટ ઉત્તમરામ માસ્તરની વાત પરથી આવે છે. (જુલાઇ ૫, ૧૯૭૦) ઉત્તમરામ માસ્તરનો તકિયાકલામ ‘લે ભાઇ લે’, વિદ્યાર્થીની કાનની બૂટ પકડવાની તેમની રીત અને બાળક કનૈયાના વિકાસમાં તેમણે લીધેલો રસ મુનશીએ એવી રીતે આલેખ્યાં છે કે ઉત્તમરામ માસ્તરને પ્રત્યક્ષ મળ્યાનો અહેસાસ થાય. મુંબઇના ન્યાયાધીશો-વકીલોની લાક્ષણિકતા અને અદાલતી કાર્યવાહી વિશેનાં મુનશીનાં વર્ણન તેમની આત્મકથાના વાચન જેવો આનંદ આપે છે.
ગાંધીજીને ભલે ગમે તેટલી સાચી રીતે, પણ કેવળ અધ્યાત્મના ચોકઠામાં બેસાડવાનો તેમનો વારંવારનો ઉદ્યમ ગાંધીજીના બહુઆયામી વ્યક્તિત્વનો વ્યાપ ઓછો કરનારો લાગે છે. ગાંધીજીના મૃત્યુપ્રસંગનું તેમણે પહેલા પુરૂષ એકવચનમાં કરેલું વર્ણન (ફેબ્રુઆરી ૨, ૧૯૬૯) ઝીણી ઝીણી વિગતોથી સભર છે. તેમાં વાચકને એ પણ જાણવા મળે છે કે ગાંધીહત્યા પછી બિરલાહાઉસમાં કુટુંબનો કોઇ સભ્ય હાજર ન હોવાથી મુનશી ‘જાતે નિયુક્ત કરેલા વ્યવસ્થાપક’ બન્યા, ભવિષ્યમાં સ્મારક રચી શકાય એવું અગ્નિસંસ્કાર માટેનું સ્થળ પસંદ કરવા પણ એચ.એમ.પટેલ અને એક લશ્કરી અધિકારી સાથે એ ગયા હતા અને ‘અમે ગાંધીજીના દેહને ટ્રકમાં મૂક્યો.’
સરદાર સાથે મુનશીની નિકટતા બહુ જાણીતી હતી. છતાં, સરદાર વિશેના તેમના લખાણોમાં એવી એક પણ વધારાની કે અંતરંગ વાત જાણવા મળતી નથી, જે સરદારનું ચરિત્ર વાંચનાર ન જાણતા હોય. આ પ્રકારના લેખોમાં જાણીતી વિગતોની બાહ્યરેખાઓ મળે છે, પણ નવલકથાકાર મુનશીની ખાસિયત ગણાતું સબળ પાત્રાલેખન અને તેને ઉપસાવનારા ઓછા જાણીતા-અજાણ્યા પ્રસંગો-ઘટનાઓ મોટે ભાગે ગેરહાજર છે. એ માટે ઉંમર અને સમયની પ્રતિકૂળતાથી માંડીને ઘણાં પરિબળો કારણભૂત હોઈ શકે. તેમ છતાં, ભક્તિભાવપૂર્વક નહીં, પણ ખુલ્લા મને વાંચવાની અને એ અવસ્થાના મુનશીને જાણવાની સામગ્રી તરીકે આ પત્રસંગ્રહ વિશિષ્ટ છે. તેમાંથી મુનશીની ઉત્તરાવસ્થાના નહીં લખાયેલા જીવનચરિત્રના કેટલાક છેડા મળી રહે છે.
Subscribe to:
Comments (Atom)