Monday, September 17, 2018
મેઘાણી, 'નિરંજન'અને કલમ ૩૭૭
સર્વોચ્ચ અદાલતે એક ઐતિહાસિક ચુકાદા દ્વારા ૩૭૭મી કલમમાં ફેરફાર કર્યો અને બે પુખ્ત વ્યક્તિઓ વચ્ચે પરસ્પર સંમતિથી બંધાતા સજાતીય સંબંધને ગેરકાયદે ઠેરવતી જોગવાઈ રદ કરી. એ ઘટનાક્રમ સાથે વધુ એક વાર ઝવેરચંદ મેઘાણી અને તેમની પહેલી નવલકથા 'નિરંજન' (૧૯૩૬)ની યાદ તાજી થઈ.
અંગ્રેજોના જમાનામાં બનેલા અને આઝાદ ભારતમાં પણ ચાલુ રહેલા ઘણા કાયદાની જેમ ૩૭૭મી કલમની કેટલીક જોગવાઈઓ જૂનવાણી અને રૂઢિચુસ્ત હતી. એમ તો રાજદ્રોહના કાયદો પણ એવો જ છે-- અંગ્રેજોએ દેશી લોકો માટે બનાવેલો અને તેમના પછી દેશી સરકારોએ દેશી લોકો માટે ચાલુ રાખેલો. પરંતુ રાજદ્રોહના કાયદા બાબતે બધા પક્ષોની સરકારો એકમત છે. કોઈ એ સત્તા જતી કરવા તૈયાર નથી. તેની સરખામણીમાં, સજાતીય સંબંધો પર વાગેલો 'ગેરકાયદેસર'નો જૂનવાણી અને અન્યાયી ઠપ્પો આઝાદીના સાત દાયકા પછી દૂર તો થયો.
કોઈ પણ પ્રકારના સજાતીય સંબંધોને ગેરકાયદેસર ઠરાવતી જોગવાઈ ૧૮૬૦થી ભારતીય દંડસંહિતામાં દાખલ થઈ. ત્યાર પછી બ્રિટને ૧૯૬૭થી એ અન્યાય દૂર કરી નાખ્યો, પણ ભારતને ત્યાં સુધી પહોંચવામાં બીજા પાંચ દાયકા નીકળી ગયા. એ મુદ્દે રાજકીય પક્ષોનું વલણ પણ સાવચેતીપૂર્ણ રહ્યું. કારણ કે સજાતીય સંબંધોને રોગ ગણાવનારા બાબા રામદેવ કે જેનેટિક ડિસઓર્ડર (જનીનગત ખામી) ગણાવનાર સુબ્રમણ્યન્ સ્વામી જેવા ઘણા લોકો રાજકારણમાં છે. ઉપરાંત, સજાતીય સંબંધોને સ્વાભાવિક ગણવાનો ઉત્સાહ દર્શાવતાં, ક્યાંક પ્રચલિત લોકલાગણીને નારાજ કરી બેસવાની બીક પણ નેતાઓને લાગતી હશે.
તેની સરખામણીમાં ઝવેરચંદ મેઘાણી જેવા પ્રચંડ સર્જક યાદ આવે, જેમણે છેક ૧૯૩૬માં સજાતીય સંબંધોનું આલેખન તેમની પહેલી નવલકથા 'નિરંજન'માં કર્યું હતું. અત્યારે આ વિષય અંગે આટલી રૂઢિચુસ્તતાનો માહોલ છે, તો ત્રીસીના દાયકામાં સ્થિતિ કેવી હશે તે કલ્પી શકાય. એ વખતે મેઘાણીએ સજાતીયતાનો મુદ્દો છેડ્યો, એટલું જ નહીં, તેને સમભાવપૂર્વક આલેખ્યો. ૧૯૪૧માં પ્રગટ થયેલી પુસ્તકની બીજી આવૃત્તિમાં મેઘાણીએ લખ્યું હતું, ‘જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડતું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય છે. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો છે.’
નવાઈ લાગે એવી બીજી વાત એ છે કે એ સમયગાળામાં મરાઠીમાં પણ 'નિરંજન' નામની એક નવલકથા લખાઈ હતી, જેમાં મુખ્ય પાત્ર પ્રોફેસર નિરંજન પર જાતીય વિકૃતિના આરોપ લાગે છે. મેઘાણીએ નોંધ્યું છે તેમ, મરાઠી નિરંજનના લેખક માધવ જ્યુલિયન એક કોલેજમાં પ્રોફેસર હતા ત્યારે તેમની પર આ પ્રકારના આરોપ થયા હતા અને 'કાયદાની અદાલતેથી કલંકમુક્ત થયા છતાં લોકદૃષ્ટિમાંથી પદભ્રષ્ટ જ રહ્યા હતા.’ માધવ જ્યુલિને મેઘાણીની 'નિરંજન'વાંચી હતી અને બહુ વખાણી હતી, એવી પણ નોંધ છે.
અનિવાર્ય નથી, પણ સામાન્ય રીતે એવું મનાય છે કે લેખકની પહેલી નવલકથામાં તેના જીવનના કોઈ હિસ્સાની ઝાંખી હોઈ શકે. સાથોસાથ, (હજુ પણ બને છે તેમ) સજાતીય સંબંધોને સમભાવપૂર્વક જોનાર પોતે આ પ્રકારના સંબંધ ધરાવતા હશે એવું ધારી લેવાય નહીં. છતાં, ઇતિહાસની એક પાદટીપ તરીકે એટલું નોંધવું જોઈએ કે મેઘાણીને પત્રકારત્વમાં લાવનાર અને શરૂઆતનાં વર્ષોમાં મેઘાણીએ જેમની સાથે નિકટતાથી કામ કર્યું હતું, તે અમૃતલાલ શેઠ પર સજાતીય સંબંધો સહિતના ગંભીર આરોપો મુકાયા હતા.
સૌરાષ્ટ્રના રાણપુરમાં રહીને દેશી રજવાડાં વિશે બહાદુરીભર્યા અહેવાલો લખનાર અમૃતલાલ શેઠ સામે કાર્ટૂનિસ્ટ 'શનિ' (કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી)એ ૪૮ પાનાંની પુસ્તિકાસ્વરૂપે આરોપનામું પ્રગટ કર્યું હતું. તેમાં મુખ્ય ધરી શોષણ અને બળજબરીની હતી. એ પુસ્તિકાના મુદ્રક અને પ્રકાશક તરીકે 'મહંમદઅલી જે.વીરાણી, વીરાણી પ્રીન્ટરી, પ્રીન્સેસ સ્ટ્રીટ, કરાંચી'નું નામ હતું. પુસ્તિકાના અંતે 'શનિ’એ અમૃતલાલ શેઠને બદનક્ષીનો કેસ કરવાનો પડકાર ફેંક્યો હતો. તેનું શું થયું એ જાણવા મળતું નથી. પણ મેઘાણીએ 'નિરંજન'માં કરેલું સજાતીય સંબંધોનું સંવેદનસભર અને નજાકતભર્યું નિરૂપણ આજે પણ સ્પર્શે એવું છે.
સમાજની દૃષ્ટિએ દુર્જન ગણાયેલું એક પાત્ર સજાતીય આવેગો અનુભવતા નાયકને એક પુસ્તક વાંચવા આપે છે. તેમાં નાયક વાંચે છે, 'ભય ન પામો. પ્રકૃતિ તમને અનેક સૂરોમાં સાદ કરે છે. છુપાવતા નહીં, પણ તમારી આસપાસના સર્વેને મોટે સ્વરે જાણ કરજો. ગોપનતા (ગુપ્તતા) જ તમારો ભયાનક રિપુ (દુશ્મન) છે. તમે જેઓને કહેશો, તેમાંથી ઘણાય તમને સામે આવી આવી જણાવશે કે અમારેય આવું બન્યું હતું, ને પછી એની ખોટી રહસ્યમયતા ચાલી જશે. ઝીણી ચિરાડો વાટે તાકતી આંખો અટકી જશે. તમારા અનુભવોના આગલા દ્વારેથી જ સર્વ જિજ્ઞાસુઓ પ્રવેશ કરશે.’
એ સમયની તાસીર પ્રમાણે મેઘાણીએ સજાતીય આવેગોને ઉંમરસહજ અને વચગાળાની ગણાવતાં પાત્રના મનોભાવ તરીકે લખ્યું હતું : આ તે કયા પ્રકારની લાગણી છે? હાઇસ્કૂલ અને કોલેજનાં જે દસ-અગીયાર વર્ષો, જે કટોકટીનાં વર્ષો, જે વર્ષોના સમયગાળામાં આવી સ્નેહવેદના રમણ કરે છે, તે વર્ષોમાં એક પણ સ્થળે આ વિષય પરનું રસ્તો દેખાડનારું સાહિત્ય કાં ન મળે?...રાજારાણીઓનાં ને નવરા ધનિકોના એ આવેશની ઘેલછાઓ ખડકનારાઓએ ક્યાંયે, કોઈ એકાદ પંક્તિમાંયે કેમ ન સૂચન કર્યું, કેમ ન ખબર આપી, કેમ ન લાલબત્તી બતાવી, કે પુરુષ-પુરુષ વચ્ચેનો આવો ઊર્મિયોગ શાથી બને છે, ને કેવા પ્રકારનો બને છે?
૧૯૩૬માં આટલી સ્પષ્ટતા અને ઉત્કટતાથી વિચારી શકનાર મેઘાણી કલમ ૩૭૭નો ચુકાદો સાંભળીને કેવા રાજી થયા હોત, એવો વિચાર તેમના ચાહક તરીકે અવશ્ય આવે. સાથે તેમની એ ટીપ્પણી પણ સાંભરે કે અદાલતે કલંકમુક્ત કે ગુનામુક્ત કર્યા પછી સમાજે સજાતીય સંબંધો પ્રત્યે સંવેદનસભર સમદૃષ્ટિ કેળવવાની બાકી રહે છે.
અંગ્રેજોના જમાનામાં બનેલા અને આઝાદ ભારતમાં પણ ચાલુ રહેલા ઘણા કાયદાની જેમ ૩૭૭મી કલમની કેટલીક જોગવાઈઓ જૂનવાણી અને રૂઢિચુસ્ત હતી. એમ તો રાજદ્રોહના કાયદો પણ એવો જ છે-- અંગ્રેજોએ દેશી લોકો માટે બનાવેલો અને તેમના પછી દેશી સરકારોએ દેશી લોકો માટે ચાલુ રાખેલો. પરંતુ રાજદ્રોહના કાયદા બાબતે બધા પક્ષોની સરકારો એકમત છે. કોઈ એ સત્તા જતી કરવા તૈયાર નથી. તેની સરખામણીમાં, સજાતીય સંબંધો પર વાગેલો 'ગેરકાયદેસર'નો જૂનવાણી અને અન્યાયી ઠપ્પો આઝાદીના સાત દાયકા પછી દૂર તો થયો.
કોઈ પણ પ્રકારના સજાતીય સંબંધોને ગેરકાયદેસર ઠરાવતી જોગવાઈ ૧૮૬૦થી ભારતીય દંડસંહિતામાં દાખલ થઈ. ત્યાર પછી બ્રિટને ૧૯૬૭થી એ અન્યાય દૂર કરી નાખ્યો, પણ ભારતને ત્યાં સુધી પહોંચવામાં બીજા પાંચ દાયકા નીકળી ગયા. એ મુદ્દે રાજકીય પક્ષોનું વલણ પણ સાવચેતીપૂર્ણ રહ્યું. કારણ કે સજાતીય સંબંધોને રોગ ગણાવનારા બાબા રામદેવ કે જેનેટિક ડિસઓર્ડર (જનીનગત ખામી) ગણાવનાર સુબ્રમણ્યન્ સ્વામી જેવા ઘણા લોકો રાજકારણમાં છે. ઉપરાંત, સજાતીય સંબંધોને સ્વાભાવિક ગણવાનો ઉત્સાહ દર્શાવતાં, ક્યાંક પ્રચલિત લોકલાગણીને નારાજ કરી બેસવાની બીક પણ નેતાઓને લાગતી હશે.
તેની સરખામણીમાં ઝવેરચંદ મેઘાણી જેવા પ્રચંડ સર્જક યાદ આવે, જેમણે છેક ૧૯૩૬માં સજાતીય સંબંધોનું આલેખન તેમની પહેલી નવલકથા 'નિરંજન'માં કર્યું હતું. અત્યારે આ વિષય અંગે આટલી રૂઢિચુસ્તતાનો માહોલ છે, તો ત્રીસીના દાયકામાં સ્થિતિ કેવી હશે તે કલ્પી શકાય. એ વખતે મેઘાણીએ સજાતીયતાનો મુદ્દો છેડ્યો, એટલું જ નહીં, તેને સમભાવપૂર્વક આલેખ્યો. ૧૯૪૧માં પ્રગટ થયેલી પુસ્તકની બીજી આવૃત્તિમાં મેઘાણીએ લખ્યું હતું, ‘જાતીય વિકૃતિનો એક અણછેડાયેલ ખૂણો અજવાળે આણવા બદલ આ પુસ્તકને ધન્યવાદ મળ્યો છે, તેમ કેટલાક તરફથી ઠપકો પણ મળેલ છે. મેં જે કર્યું છે તેનો પસ્તાવો થવાનું કારણ મને આજે ફરી વાર પણ શોધ્યું જડતું નથી. નિરંજન જાતીય વિકૃતિનો ભોગ થઈ પડ્યો છે એવું નહીં, પણ એ આવા પ્રકારનાં માનસિક મંથનો અનુભવી રહેલ છે અને છેવટે પોતાના વિકારનું ઊર્ધ્વીકરણ સાધે છે, એવું આલેખવાનો મારો આશય છે. હું માનું છું કે મેં એમ જ આલેખ્યું છે. છતાં વાચકોને એવી છાપ ન પડે તો તે દોષ મારી આલેખનકલાની અશક્તિનો છે.’
Zaverchand Meghani/ ઝવેરચંદ મેઘાણી |
અનિવાર્ય નથી, પણ સામાન્ય રીતે એવું મનાય છે કે લેખકની પહેલી નવલકથામાં તેના જીવનના કોઈ હિસ્સાની ઝાંખી હોઈ શકે. સાથોસાથ, (હજુ પણ બને છે તેમ) સજાતીય સંબંધોને સમભાવપૂર્વક જોનાર પોતે આ પ્રકારના સંબંધ ધરાવતા હશે એવું ધારી લેવાય નહીં. છતાં, ઇતિહાસની એક પાદટીપ તરીકે એટલું નોંધવું જોઈએ કે મેઘાણીને પત્રકારત્વમાં લાવનાર અને શરૂઆતનાં વર્ષોમાં મેઘાણીએ જેમની સાથે નિકટતાથી કામ કર્યું હતું, તે અમૃતલાલ શેઠ પર સજાતીય સંબંધો સહિતના ગંભીર આરોપો મુકાયા હતા.
સૌરાષ્ટ્રના રાણપુરમાં રહીને દેશી રજવાડાં વિશે બહાદુરીભર્યા અહેવાલો લખનાર અમૃતલાલ શેઠ સામે કાર્ટૂનિસ્ટ 'શનિ' (કેશવલાલ ધનેશ્વર દ્વિવેદી)એ ૪૮ પાનાંની પુસ્તિકાસ્વરૂપે આરોપનામું પ્રગટ કર્યું હતું. તેમાં મુખ્ય ધરી શોષણ અને બળજબરીની હતી. એ પુસ્તિકાના મુદ્રક અને પ્રકાશક તરીકે 'મહંમદઅલી જે.વીરાણી, વીરાણી પ્રીન્ટરી, પ્રીન્સેસ સ્ટ્રીટ, કરાંચી'નું નામ હતું. પુસ્તિકાના અંતે 'શનિ’એ અમૃતલાલ શેઠને બદનક્ષીનો કેસ કરવાનો પડકાર ફેંક્યો હતો. તેનું શું થયું એ જાણવા મળતું નથી. પણ મેઘાણીએ 'નિરંજન'માં કરેલું સજાતીય સંબંધોનું સંવેદનસભર અને નજાકતભર્યું નિરૂપણ આજે પણ સ્પર્શે એવું છે.
સમાજની દૃષ્ટિએ દુર્જન ગણાયેલું એક પાત્ર સજાતીય આવેગો અનુભવતા નાયકને એક પુસ્તક વાંચવા આપે છે. તેમાં નાયક વાંચે છે, 'ભય ન પામો. પ્રકૃતિ તમને અનેક સૂરોમાં સાદ કરે છે. છુપાવતા નહીં, પણ તમારી આસપાસના સર્વેને મોટે સ્વરે જાણ કરજો. ગોપનતા (ગુપ્તતા) જ તમારો ભયાનક રિપુ (દુશ્મન) છે. તમે જેઓને કહેશો, તેમાંથી ઘણાય તમને સામે આવી આવી જણાવશે કે અમારેય આવું બન્યું હતું, ને પછી એની ખોટી રહસ્યમયતા ચાલી જશે. ઝીણી ચિરાડો વાટે તાકતી આંખો અટકી જશે. તમારા અનુભવોના આગલા દ્વારેથી જ સર્વ જિજ્ઞાસુઓ પ્રવેશ કરશે.’
એ સમયની તાસીર પ્રમાણે મેઘાણીએ સજાતીય આવેગોને ઉંમરસહજ અને વચગાળાની ગણાવતાં પાત્રના મનોભાવ તરીકે લખ્યું હતું : આ તે કયા પ્રકારની લાગણી છે? હાઇસ્કૂલ અને કોલેજનાં જે દસ-અગીયાર વર્ષો, જે કટોકટીનાં વર્ષો, જે વર્ષોના સમયગાળામાં આવી સ્નેહવેદના રમણ કરે છે, તે વર્ષોમાં એક પણ સ્થળે આ વિષય પરનું રસ્તો દેખાડનારું સાહિત્ય કાં ન મળે?...રાજારાણીઓનાં ને નવરા ધનિકોના એ આવેશની ઘેલછાઓ ખડકનારાઓએ ક્યાંયે, કોઈ એકાદ પંક્તિમાંયે કેમ ન સૂચન કર્યું, કેમ ન ખબર આપી, કેમ ન લાલબત્તી બતાવી, કે પુરુષ-પુરુષ વચ્ચેનો આવો ઊર્મિયોગ શાથી બને છે, ને કેવા પ્રકારનો બને છે?
૧૯૩૬માં આટલી સ્પષ્ટતા અને ઉત્કટતાથી વિચારી શકનાર મેઘાણી કલમ ૩૭૭નો ચુકાદો સાંભળીને કેવા રાજી થયા હોત, એવો વિચાર તેમના ચાહક તરીકે અવશ્ય આવે. સાથે તેમની એ ટીપ્પણી પણ સાંભરે કે અદાલતે કલંકમુક્ત કે ગુનામુક્ત કર્યા પછી સમાજે સજાતીય સંબંધો પ્રત્યે સંવેદનસભર સમદૃષ્ટિ કેળવવાની બાકી રહે છે.
Labels:
Gujarati literature/ગુજરાતી સાહિત્ય,
media
Subscribe to:
Post Comments (Atom)
અદાલતના ચુકાદા સામે મોટાભાગના લોકોને કોઈ વાંધો નહિ હોય પણઆગળ ઉપર ઘણા નવા મુદ્દા ઊભા થઈ શકે છે અથવા થશે જેવાકે સંમતિથી થતા સજાતીય સંબંધોની જેમ સંમતિથી થતા વિજાતીય સંબંધો (વેશ્યાવૃત્તિ)પણ કેમ સ્વીકારવા ન જોઈએ?વળી તકલીફ તો ત્યારે ઊભી થશે જયારે બીજા દેશોની જેમ અહીં પણ સજાતીય સંબંધો ધરાવતું યુગલ તેમના સંબંધને લગ્નનું નામ પાડવાની છૂટ માગી લગ્નની નોંધણી કરાવવાની માગણી કરશે,કુટુંબ તરીકેના હક્કો માગશે અને બાળકો દત્તક લેવાની છૂટ માગશે.આ ચુકાદો Pandora's box ખોલી શકે છે.
ReplyDelete