Tuesday, September 18, 2018

વાર્તા માટે ફોટોશૂટ : એક અનોખા પ્રયોગની શતાબ્દી

ગુજરાતી પત્રકારત્વમાં હાજી મહંમદ અલ્લારખિયા શિવજીનું નામ બહુ આદર અને કંઈક કરુણતા સાથે લેવાય છે. તેમણે શરૂ કરેલું માસિક 'વીસમી સદી' આજે પણ, આજના કોઈ પણ ગુજરાતી સામયિકની સાથે હરીફાઈમાં મૂકી શકાય એવી રજૂઆત અને સાજસજ્જા ધરાવે છે. ૧૯૧૬થી ૧૯૨૧ દરમિયાન, માંડ પાંચ વર્ષ આ માસિક ચાલ્યું. પણ તેણે એવો ભવ્ય વારસો મૂક્યો કે આજે પણ 'વીસમી સદી' અને તેના અધિપતિ હાજીને યાદ કરતાં રોમાંચ થાય.
Visami Sadi, November 2018
વીસમી સદી, નવેમ્બર, ૧૯૧૮
Haji / હાજી
જે જમાનામાં છપાઈ મોંઘી, અઘરી અને અટપટી હતી, તસવીરો ભલભલા લોકો માટે લક્ઝરી ગણાતી હતી, એ સમયમાં હાજીએ આર્થિક ખુવારી વેઠીને પણ 'વીસમી સદી'ને સજાવ્યું. તેમને એક જ લગની હતી કે કેમ કરીને ગુજરાતી વાચકોને ઉત્તમ આપવું. કેમ કરીને તેમને નવી દુનિયા દેખાડવી. એ માટે તેમણે 'વીસમી સદી'માં અનેક પ્રયોગ કર્યા. કેટલાક એવા, જે આજે પણ તરોતાજા લાગે, કેટલાક એવા જે અત્યારે જૂનવાણી લાગે પણ ત્યારે નવા હોય. જેમ કે, લેેેેખની સાથે લેખકનો ફોટો મુકવાનો રિવાજ હાજીએ શરૂ કર્યો. તેમનો આશય લેખકોનું ગૌરવ વધારવાનો હતો. કવિતાઓને તે એક પાનામાં સાંકડમાંકડ, જગ્યાબચાવ ઝુંબેશની જેમ છાપી દેવાને બદલે, એક કવિતાને એક પાનામાં પૂરી સાજસજ્જા અને ડીઝાઈન સાથે છાપતા હતા. આગળ જતાં ગુજરાતના કળાગુરુ તરીકે જાણીતા બનેલા રવિશંકર રાવળે તેમની વ્યાવસાયિક કારકિર્દીની શરૂઆત હાજીની નિશ્રામાં કરી હતી. એ સિવાય પણ મુંબઈના બીજા ચિત્રકારો અને તારાપોર જેવા ફોટોગ્રાફરો હાજીશેઠનું કામ હોંશે હોંશે કરતા હતા.

મેગેઝીનમાં એક પાના પર સેલિબ્રિટી સાથે સવાલજવાબ આવતા. એ વિભાગનું નામ હતું 'દિલનો એકરાર'. તેમાં સેલિબ્રિટીનો ફોટો, છાપેલા સવાલ અને સેલિબ્રિટીનાઅક્ષરમાં તેના જવાબ તથા છેલ્લે સેલિબ્રિટીના હસ્તાક્ષર--એવું છાપવામાં આવતું હતું. બ્લૉકના જમાનામાં આ રીતે છાપવામાં કેવી જહેમત પડતી હશે, એ વિચારવા જેવું છે. અને તેનાથી કેવું કામ થયું તેનો એક નમૂનોઃ આ જ વિભાગમાં એ સમયના મુંબઈના અગ્રણી વકીલ અને નેતા મહંમદઅલી ઝીણાના ગુજરાતી હસ્તાક્ષરમાં જવાબો છપાયા હતા અને છેલ્લે ઝીણાએ 'માહમદઅલી ઝીણા' તરીકે સહી કરી હતી. ઝીણાના કદાચ આ એકમાત્ર ગુજરાતી હસ્તાક્ષર હશે.

આવો જ એક પ્રયોગ હાજીએ નવેમ્બર, ૧૯૧૮ના અંકમાં કર્યો. ગુજરાતીની પહેલી ટૂંકી વાર્તા 'મલયાનિલ'ની 'ગોવાલણી' ગણાય છે.  હાજીએ તેને પૂરા વજન સાથે છાપવાનું નક્કી કર્યું અને વિખ્યાત ફોટોગ્રાફર જહાંગીર તારાપોરને એ કામ સોંપ્યું. તારાપોરે વાર્તાનાં બે મુખ્ય પાત્રોને પસંદ કર્યાં અને વાર્તાની સિચ્યુએશન પ્રમાણે તેમની તસવીરો લીધી. એ જમાનામાં એક વાર જગદીશચંદ્ર બોઝ મુંબઈ આવ્યા ત્યારે હાજીએ તેમની મુલાકાત લઈને, બીજા જ દિવસે બોઝબાબુને તેમની તસવીરોની પ્રિન્ટ આપી, ત્યારે બોઝ નાના બાળકની જેમ પોતાની તસવીરો જોવા લાગ્યા હતા. તસવીરોની એવી નવાઈ હતી, એ જમાનામાં હાજીએ નવેમ્બર, ૧૯૧૮ના 'વીસમી સદી'ના અંકમાં સાડા ચાર પાનાંની ગોવાલણી સાથે ચાર તસવીરો છાપી અને એ પણ આખા-આખા પાનામાં પાથરીને. એટલે કુલ સાડા આઠ પાનાંમાં આખી વાર્તા છપાઈ.





આ ઘટનાના દાયકાઓ પછી 'ગુજરાત સમાચાર'માં ઝવેરીલાલ મહેતા અને જી.એચ.માસ્ટર જેવા ઉત્તમ તસવીરકારો રવિવારની પૂર્તિમાં નવલકથાના હપ્તાની સાથે સાચાં પાત્રોની ફોટોગ્રાફી કરતા હતા.એ તસવીરોએ પણ એક ઓળખ અને આકર્ષણ ઊભું કર્યું હતું.  હાલમાં 'દિવ્ય ભાસ્કર'માં શરૂ થયેલી મિત્ર આશુ પટેલની દૈનિક નવલકથા માટે પણ સાચાં પાત્રોની (ગુજરાતી ફિલ્મના કેટલાક કલાકારો) ફોટોગ્રાફી કરવામાં આવી છે અને રોજના હપ્તા સાથે સાચાં પાત્રોનો એક ટચૂકડો ફોટો પણ પ્રગટ થાય છે.

આ બધા પ્રયોગોની સાખે જોતાં સો વર્ષ પહેલાં હાજીએ કરેલા પ્રયોગનું મૂલ્ય વધી જાય છે અને હાજી માટેનો આદર નવેસરથી તાજો થાય છે. 

2 comments:

  1. સ્મૃતિવન માં થી એક અમુલ્ય ભેટ !
    આભાર .

    ReplyDelete
  2. ઉર્વીશ ભાઈ કોઠારી, તમે હાજી અલારખીયા સાહેબ નો તેમના
    વીસમી સદી વિશેનો પરિચય આપતા તે સમયના છાપકામ
    વિશેની માહિતી અને ઈતર વાત પણ કરી.
    અગર તમે તમારો લેખ લંબાવીને હાજી સાહેબના જીવન
    વિષે કઈ પ્રકાશ ફેંક્યો હોત તો વાંચકોને હજી સાહેબ કેવા
    સાહસિક અને એક પત્રકાર/પ્રકાશક હતા તેની જાણ થઇ શકત.
    જૂની ગુજરાતી સાહિત્ય,પત્રકારિત્વ વિષે ની આવી માહિતી
    એકય બીજી રીતે તમે આપી વાંચકોને ચકિત કરતા રહો છો.
    આવ સંશોધિક કાર્ય માટે તમારે કેટલાય જુના પુસ્તકો ફંફોળવા પડતા હશે.
    આભાર.
    લિ.પ્રભુલાલ ભારદિઆ





    ReplyDelete