Tuesday, October 02, 2018

રાફેલ સોદો : રાજકારણથી આગળ...

કોઈ પણ મુદ્દે રાજકારણ ભળે, એટલે એ જ થાય, જે રાફેલ/Rafael ના સોદામાં થઈ રહ્યું છે : સંતોષકારક માહિતી મળે નહીં અને ઉપલબ્ધ માહિતીનું પોતપોતાનાં વલણ પ્રમાણે અર્થઘટન થાય. જુદા જુદા મુદ્દાની એકબીજામાં ભેળસેળથી એવો ખીચડો થાય કે સ્પષ્ટતાને બદલે ગુંચવાડો વધે. રાફેલ યુદ્ધવિમાનના મુદ્દે સરકાર કહે છે કે બધું ધારાધોરણ પ્રમાણે થયું છે. વિપક્ષોનો, ખાસ કરીને કૉગ્રેસનો, આરોપ છે કે રાફેલની ખરીદીમાં ગેરરીતિ થઈ છે. આવી સ્થિતિમાં રાફેલ સોદા વિશે કશો આખરી નિર્ણય આપવાની ઉતાવળમાં પડવાને બદલે, પહેલાં તો વિવાદના મુદ્દા સમજવા જેવા છે.

મુદ્દાની યાદી ટૂંકમાં : ૧)  સરકારે રાફેલ વિમાનોને ગેરવાજબી કહેવાય એવી ઊંચી કિંમતે ખરીદ્યાં છે કે કિંમત બરાબર છે? ૨) અનિલ અંબાણીની રિલાયન્સને રફાલની ઉત્પાદક દસો/Dassault કંપનીએ પાર્ટનર તરીકે લીધી, તેમાં ભારત સરકારની કોઈ ભૂમિકા ખરી? ૩)  વર્તમાન સરકારે કરેલા રાફેલ સોદા અંતર્ગત અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાર્ટનર બની. તો અગાઉ યુપીએની સરકારમાં જે કૉન્ટ્રાક્ટની વાટાઘાટો ચાલતી હતી, તેમાં મુકેશ અંબાણની રિલાયન્સે પણ દસો સાથે ભાગીદારી કરી હતી. આ બંને વચ્ચે કોઈ તફાવત ખરો? ૪) રાફેલની પસંદગી યોગ્ય છે? સરકારે ૩૬ વિમાનનો ઑર્ડર આપ્યો છે.  વિમાનોની આટલી સંખ્યા હવાઈ દળ માટે પૂરતી છે? ૫) આ સોદો કરનાર વડાપ્રધાન પારદર્શક ધોરણે વર્ત્યા છે? ૬) આ સોદામાં હિંદુસ્તાન અૅરોનૉટિક્સ લિમિટેડ (HAL) ને તડકે મૂકીને અનિલ અંબાણીની રિલાયન્સને લાભ ખટાવવામાં આવ્યો છે? ૭) આ સોદામાં 'મેક ઇન ઇન્ડિયા'નું શું થયું? અને ભારતને ફ્રાન્સ તરફથી ટૅકનોલોજીની ટ્રાન્સ્ફર (એટલે કે તૈયાર વિમાન ઉપરાંત વિમાન બનાવવાની કારીગરીની જાણકારી) મળશે? ૮) ભારતના વડાપ્રધાને આ સોદો કર્યો ત્યારે ફ્રાન્સના પ્રમુખ રહેલા ઓલાંદેએ એવું કેમ કહ્યું કે અનિલ અંબાણીનું નામ ભારત સરકારે આપેલું હતું? અને આવું બોલ્યા પછી તે ફરી ગયા? ૯) આ સોદામાં વડાપ્રધાને અને સરકારે નીતિનિયમોનો ભંગ કર્યો છે?

સૌથી પહેલી વાત રાફેલની કિંમતની. રાહુલ ગાંધીનો દાવો છે કે 'યુપીએ સરકારે રાફેલ સાથે સોદાની વાટાઘાટો કરી ત્યારે એક વિમાનની કિંમત રૂ. ૫૨૬ કરોડની આસપાસ હતી, પણ આ સરકારે એક એક વિમાન લગભગ ત્રણ ગણી કિંમતે રૂ.૧,૬૦૦ કરોડની આસપાસ  ખરીદ્યું. એટલે આ ગોટાળો છે.  ઇતિ સિદ્ધમ્.‘ સરકારનો પક્ષ રજૂ કરનારા કહે છે કે વિમાનમાં ખાસ ભારત માટે કેટલીક જરૂરી સાધનસામગ્રી અને ચીજવસ્તુઓ બેસાડવામાં આવશે. ઉપરાંત દસો કંપની લાંબા ગાળા સુધી સર્વિસ અને મેઇન્ટેનન્સને લગતો ટેકો પૂરો પાડશે. તેના કારણે ભાવ વધ્યા છે. જૂના ભાવ ૨૦૦૭ના અને ૧૨૬ નંગ રાફેલના હતા. આ ભાવ ૨૦૧૬ના અને ૨૮ બધી રીતે તૈયાર રાફેલના છે.

યાદ રહે, જુદી જુદી કંપનીનાં છ અલગ અલગ યુદ્ધવિમાનોમાંથી કયું ખરીદવું, એ મુદ્દે લાંબી પ્રક્રિયા ચાલી. વાયુસેનાએ પાંચેય વિમાનોનું પરીક્ષણ કરીને દસોના 'રાફેલ' અને યુરોફાઇટરનું 'ટાયફૂન' પસંદ કર્યાં. તેમાંથી જે સસ્તું પડે તેનાં ૧૨૬ નંગ ખરીદવાનાં હતાં. (કારણ કે ભારતીય વાયુસેનામાં એકાદ દાયકામાં યુદ્ધવિમાનોની મોટા પાયે ઘટ પડવાની હતી.) 'ટાયફૂન' અને 'રાફેલ' વચ્ચેના આખરી મુકાબલામાં યુપીએ સરકારે રાફેલ પસંદ કર્યું. પરંતુ સંરક્ષણવિષયક બાબતોના નિષ્ણાત અજય શુક્લાએ લખ્યું હતું તેમ, રાફેલની પસંદગી કરવામાં સરકારે થાપ ખાધી હોય એવું લાગે છે. ધીમે ધીમે ખબર પડી કે પહેલી નજરે સસ્તું લાગતું એ વિમાન સરવાળે ખાસ્સું મોંઘું પડે એમ છે. અને એ કિંમતે ૧૨૬ નંગ ખરીદી શકાય કે કેમ.

યુપીએ સરકાર વખતે દસો કંપની ૧૮ રાફેલ સીધાં ઉડાડી શકાય એવી રીતે (ફ્લાય અવે કન્ડિશનમાં)  આપવાની હતી. અને બાકીનાં હિંદુસ્તાન અૅરોનૉટિક્સ (HAL)માં દસોની ટૅકનોલોજી થકી બનવાનાં હતાં. આ વ્યવસ્થામાં પણ કેટલીક ગુંચ હતી, એવું જણાય છે. દસો કંપનીએ HALમાં બનતાં રાફેલની ગુણવત્તાની ખાતરી આપવા તૈયાર ન હતી. આવાં બધાં કારણસર, રાફેલ ખરીદવાનું નક્કી કર્યા પછી પણ, એ સોદો કાંઠે પહોંચી શક્યો નહીં.

બે-એક વર્ષમાં યુપીએની બીજી મુદત પૂરી થઈ અને ચૂંટણી પછી એનડીએની સરકાર બની. તેના રાજમાં પણ દોઢેક વર્ષ એમ જ વીતી ગયું અને રાફેલનો સોદો ફાઇનલ ન થઈ શક્યો. એ અરસામાં દસો કંપનીના અધ્યક્ષે એવું નિવેદન પણ કર્યું કે સોદો ૯૫ ટકા ફાઇનલ છે. એ અગાઉની શરતે જ થવાનો હતો કે કેમ (મોટા ભાગનાં વિમાન HALમાં બનવાનાં હતાં કે કેમ) એ જાણવા મળતું નથી. પરંતુ તેમની આ જાહેરાતનાં બે અઠવાડિયામાં પછી વડાપ્રધાન મોદી ફ્રાન્સ ગયા અને ત્યાં જઈને તેમણે ધડાકો કર્યો કે અગાઉનો ૧૨૬ રાફેલનો અને તેમાંથી મોટા ભાગનાં ભારતમાં બનાવવાનો સોદો રદ થાય છે. તેને બદલે આપણે એકદમ તૈયાર એવાં ૩૬ રાફેલ ખરીદીશું અને તે પણ અગાઉની કિંમત કરતાં ઓછી કિંમતે.

મુશ્કેલી એ છે કે પહેલાં એક રાફેલનો શો ભાવ હતો, તે સત્તાવાર રીતે આપણે જાણતા નથી. પછી એક રાફેલ કેટલાનું પડ્યું, તેની વિગત જાહેર કરવામાં સરકારે બહાનાં લાગે એવાં કારણ આપીને ઠાગાઠૈયા કર્યા. એવું જ વિમાનમાં ભારત માટે ખાસ ગોઠવેલી વ્યવસ્થાઓ પાછળ ખર્ચાયેલી રકમના મામલે પણ થયું.

વિમાનની કિંમત બાબતે એટલા મતભેદ છે કે ખાતરીપૂર્વક કશું કહેવું અઘરું છે, પણ એ મુદ્દે રાહુલ ગાંધીના આરોપોમાં તથ્ય કરતાં રાજકીય આવેશ વધારે લાગે છે. સરકારે પારદર્શકતા રાખીને, કિંમતોનો મુદ્દો ઠેકાડવાને બદલે પત્તાં ખુલ્લાં રાખ્યાં હોત તો દેશને કશું નુકસાન થઈ જવાનું ન હતું.  પણ સરકારે જિદ પકડી અને પછી તેને વળગી રહી. 

કિંમતમાં ગોટાળો થયો ન હોય તો, ગોટાળો નથી એવી ખાતરી પ્રતીતિજનક રીતે આપવાની જવાબદારી સરકારની છે.  પોતાના ઉત્તરદાયિત્વને ઉદ્ધતાઈ કે વધુ પડતા આત્મવિશ્વાસ તળે કચડીને ચાલવાનાં જે પરિણામ આવે, તે સરકાર અત્યારે વેઠી રહી છે.  

2 comments:

  1. Anonymous6:24:00 PM

    Reliance is trapped in the race of black swan economy. This group, unlike other MNC are experiencing heavy NPA issue for not replying the Bank loans! Our politicians are merely delivering their role as jackpot in vicious circles of political economy instead of real economy.

    ReplyDelete
  2. Anonymous3:51:00 PM

    do we need rafael??

    ReplyDelete