Wednesday, November 19, 2025

ઠંડીની ગરમ ચર્ચા

વાતાવરણમાંથી ઉકળાટને ધીમે ધીમે ખસેડીને ઠંડક તેનું સ્થાન જમાવે, તે ગાળો અહિંસક સત્તાપલટા જેવો હોય છેઃ પહેલાં લોકો આઘાત અને અસ્વીકારની લાગણી અનુભવે છે, પછી ધીમે ધીમે સ્વીકાર આવે છે અને આખરે, સૌ તે પરિવર્તનને અપનાવીને તેમાં મઝા કરવાના રસ્તા શોધે છે.

વહેલી સવારે કે મોડી સાંજે બહાર નીકળતા લોકોને એક દિવસ અચાનક ઠંડીના ચમકારાનો અનુભવ થાય છે. હજુ સુધી અંબાલાલે ઠંડીની આગાહી શરૂ કરી નથી, એટલે મોટા ભાગના લોકો શબ્દાર્થમાં ઉંઘતા, અને કેટલાક જાગ્રત લોકો જાગતા, ઝડપાય છે. ઉંઘનારા તો અડધી ઉંઘમાં પગ પાસે પડી રહેલું ઓઢવાનું ખેંચીને, તેને ઓઢી લઈને, સરેરાશ નાગરિકી જેમ વાસ્તવિકતાથી મોં ફેરવી લે છે, પણ જાગ્રત અવસ્થામાં હંમેશાં એવો વિકલ્પ હોતો નથી. આમ પણ ઘણા લોકો જાણે છે કે જાગ્રત હોય તેને બહુ મુશ્કેલી પડે છે. એટલે તેમની પહેલી પસંદગી ધરાર જાગ્રત ન થવાની હોય છે.

જાગ્રત જણને રસ્તા પર અચાનક ઠંડીનો અનુભવ થતાં, સૌથી પહેલી શંકા તેને પોતાની સ્વસ્થતા વિશે થાય છે. જાગ્રત જણની આ જ મુશ્કેલી હોય છે. ઊંઘી ગયેલાઓના આત્મવિશ્વાસનો પાર નથી હોતો, જ્યારે જાગતા ડગલે ને પગલે જાતને સવાલ કરે છે ને જાતની તપાસ કરે છે. મોસમમાં પહેલી વાર ઠંડી લાગતાં તે વિચારે છે,તાવ-બાવ આવવાનો છે કે શું? આમ તો એવું કંઈ કારણ નથી. પણ વડાપ્રધાનને (વિદેશ) જવા અને તાવને આવવા માટે ક્યાં કંઈ કારણની જરૂર હોય છે? આરામના અભાવથી તાવ આવે, તેમ વધુ પડતા આરામથી પણ તાવ આવતો હશે? ઠંડી લાગે છે, પણ મારું શરીર ગરમ નથી. બને કે આંતરિક તાવ હોય ને બહાર ખબર ન પડતી હોય.

આમ અનેક તર્કવિતર્ક લડાવતાં તે ઘરે કે ઓફિસે પહોંચે ત્યારે તેને ખ્યાલ આવે છે કે વાંક તેના શરીરનો નથી, ખરેખર ઠંડી શરૂ થઈ છે ને એવું બીજાને પણ લાગે છે. દરમિયાન, આગોતરા આયોજનના પ્રેમી હોય તેમણે તો તાવ આવ્યા પછી પડનારી માંદગીની રજામાં શું શું કરવું તે પણ વિચારી રાખ્યું હોય છે, પછી મામલો તાવનો નહીં, પણ ઠંડીનો છે તે સાંભળીને તેમને નવેસરથી, સંભાવિત રજા રદ થયાની, ટાઢ ચડી શકે છે.

કેટલાક લોકો દરેક વાત વિગતવાર, ચોક્કસ આંકડા અને હકીકતો સાથે કરવાનો આગ્રહ રાખે છે. એવા કોઈ કહી શકે છે,જુઓ, આ સાલ તો હજુ લઘુતમ તાપમાન 26 ડિગ્રી છે. ગઈ સાલ તો નવેમ્બર મહિનામાં પારો 17 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. આ સાલ ઠંડી અગિયાર દિવસ મોડી છે. તેની પહેલાંના વર્ષે છેલ્લાં દસ વર્ષમાં સૌથી વધારે ઠંડી પડી હતી અને આ સાલ છેલ્લાં પચીસ વર્ષમાં સૌથી વધારે સમય સુધી ઠંડી ચાલે એવી આગાહી છે. પછી લા નીના ઇફેક્ટને લીધે કશો ફેરફાર થાય તો કહેવાય નહીં. તેમની વાત સાંભળીને એવું લાગે, જાણે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ ધરાવતા કોઈ એન્જિનને આપણે કેવી છે ઠંડી?’ એવો સવાલ પૂછી લીધો હોય.

ઠંડી શરૂ થયાની સત્તાવાર જાહેરાત તો હોતી નથી. એટલે તે ખરેખર શરૂ થઈ કે નહીં અને તેની સામે કેવાં પગલાં લેવાં, એ વિશે મતભેદ સર્જાય છે. એક જ પરિવારમાં એક જણને લાગે છે કે હજુ ઠંડી નહીં, ઠંડક શરૂ થઈ છે. એટલે પંખો તો કરવો પડે, પણ ઓઢવાનું રાખવાનું—અને કદાચ વહેલી સવારે પંખો બંધ કરવા જેવું લાગે તો કરી દેવાનો. બીજા સભ્યના મતે, વાતાવરણ ગાઇડના દેવ આનંદની જેમ, ન સુખ હૈ, ન દુઃખવાળી અવસ્થામાં પહોચ્યું છે. નથી ઠંડી, નથી ગરમી. નથી ઉકળાટ, નથી ઠાર. ભણતી વખતે ભૂગોળમાં આવતો ભદ્રંભદ્રીય શબ્દ કોઈને યાદ હોય તો એ પ્રયોજતાં તે કહે છે, આ સમશીતોષ્ણ વાતાવરણ છે. મતલબ, હજુ કશી ચર્ચા કરવાની જરૂર નથી. એક વાર સરખી ઠંડી પડવા દો. પછી જોઈશું.

કોઈ વળી વધારે વિશ્લેષણાત્મક અભિગમ અપનાવતાં કહે છે,આ તો પવનની ઠંડી છે. હજુ બેઠ્ઠી ઠંડી શરૂ થઈ નથી. એ પડશે ત્યારે કોઈને કહેવાની જરૂર નહીં પડે. મોસમના ફેરફારો પ્રત્યે વધુ સંવેદનશીલ હોય તો તે કહેશે,હવે શાના પંખા કરવા છે? આટલી તો ઠંડી લાગે છે. હજુ શું બરફ પડે એની રાહ જોવાની છે?’ તે તાત્કાલિક ધોરણે રાહતસામગ્રીની (ચોરસા, રજાઈ કાઢી આપવાની) માગણી કરે છે. એક જ ઘરમાં ઠંડી વિશે આટલા મતમતાંતર જોઈને લોકશાહીના પ્રેમીઓને ઘડીક તો લોકશાહીનું ભવિષ્ય ખતરામાં લાગે છે. પછી તેમને યાદ આવે છે કે લોકશાહી આમ જ ટકી છે અને લગ્નની જેમ લોકશાહીને ટકાવવા માટે પણ બાંધછોડ અનિવાર્ય છે.

આગળ વર્ણવેલા પ્રકાર ઉપરાંત એક વર્ગ વાંચો ત્યાંથી ઠાર પ્રકારનો હોય છે. તેમને ઠંડી વાતાવરણમાંથી નહીં, સમાચાર વાંચીને લાગે છે. પારો ગગડ્યો પ્રકારના સમાચાર અને તેમાં લખાયેલા તાપમાનના આંકડા વાંચીને તેમને પશ્ચાદવર્તી (પાછલી) અસરથી ઠંડી લાગે છે. પડેલી ઠંડી તે સહી જાય છે, પણ એ ઠંડીનો આંકડો બીજા દિવસે છાપામાં વાંચીને તેમની પર ઠંડીનો નવેસરથી હુમલો થાય છે.

એવા લોકો છે ત્યાં સુધી અખબારોનું ભવિષ્ય ઉજળું છે.

 

No comments:

Post a Comment