Tuesday, December 02, 2025

કેટલાક ઇન્ટર્નશીપ આઇડિયા

સરકારી જાહેરાતોના શબ્દો જોઈને તેમની પર ફિદા થવું એ નેતાઓની મુલાકાત વખતે ઝૂંપડાંને ઢાંકતા લીલા પટ્ટા જોઈને લીલોતરી વિશે રાજી થવા જેવું છે. સરકાર જેને નવી શિક્ષણનીતિ કહે છે, તે પણ આવી જ એક બાબત છે. વાંચવામાં ઉત્તમ લાગે એવી વાતો અમલની ચિંતા કર્યા વિના મુકી દેવાય, તેને કવિતા ગણીએ તો નવી શિક્ષણનીતિ એ સરકારનું ખંડકાવ્ય છે—તેની લંબાઈ ઉપરાંત, વાસ્તવિકતા વિચાર્યા વિના (વાતાનુકૂલિત) ખંડમાં બેસીને રચાયેલા કાવ્યના અર્થમાં પણ. તેનો વાસ્તવિક અર્થ વૈશ્વિક સ્તરનો દાવો કરવાની સાથે હકીકતમાં શિક્ષણની રહીસહી ગુણવત્તા પર બુલડોઝર ફેરવી દેવાનો લાગે છે. નવી શિક્ષણનીતિ વાસ્તવમાં અનેક કરુણ હાસ્યલેખોનો વિષય છે, પરંતુ તેમાંથી આજે વાત ફક્ત ઇન્ટર્નશીપની.

પહેલાં જાહેરાત કરવી અને પછી તેના અમલનું માળખું તથા અમલથી સર્જાનારી અરાજકતા વિશે વિચાર કરવો, એ વર્તમાન સરકારની વિશેષતા છે. તે વિશેષતા આગળ ધપાવતાં, નવી શિક્ષણનીતિમાં વિજ્ઞાનપ્રવાહ ઉપરાંત આર્ટ્સ અને કોમર્સમાં ભણતા કોલેજિયન વિદ્યાર્થીઓ માટે ઇન્ટર્નશીપ ફરજિયાત કરવામાં આવી છે, આટલા બધા વિદ્યાર્થીઓ ઇન્ટર્ન તરીકે કેવી રીતે, ક્યાં જશે અને શું કરશે, તેનું કશું આયોજન નથી. એટલે નવી શિક્ષણનીતિની સાથે જૂની વહીવટી નીતિનું મિશ્રણ કરીને, સરકારે જાહેર કરવું પડ્યું છે કે વિદ્યાર્થી તેના પિતાની દુકાનમાં કે બ્યુટી પાર્લરમાં કામ કરશે અને પ્રમાણપત્ર લઈ આવશે તો પણ ચાલશે.

સરકારની આવી ઉદાર જાહેરાત વાંચીને ઇન્ટર્નશિપ માટેના કેટલાક મૌલિક વિચાર આપવાનું મન થયું, જેનાથી સરકાર નવી શિક્ષણનીતિના અમલનો (રાબેતા મુજબ, લોકહિતના ભોગે મળતો) આનંદ લઈ શકે અને જેમને માથે ઇન્ટર્નશિપ આવી પડી છે, તેમને કંઈક રસ્તો સૂઝે. ભરાઈ પડેલી સરકાર કોઈ પણ બાબતને ઇન્ટર્નશીપ તરીકે ગણી લેવા તૈયાર છે—બસ, પ્રમાણપત્ર હોવું જોઈએ.

ઇન્ટર્નશીપ આઇડિયા 1

દૈનિક ક્રિયાઓ કરવી તે પણ ઇન્ટર્નશીપનો જ એક પ્રકાર છે. તેના પ્રમાણપત્ર અને અહેવાલમાં સામેલ કરી શકાય એવા કેટલાક મુદ્દાઃ સવારે સૌથી પહેલાં મોંની, દાંતની, જીભની સફાઈ કરી. પછી પથારીની સફાઈ કરી. પછી પેટની અને સમગ્ર શરીરની સફાઈ કરી. ત્યાર પછી મોબાઇલ ફોનનાં રોજ ખડકાઈ જતા ડેટાની થોડી સફાઈ કરી. પછી વાહનમાંથી પેટ્રોલની સફાઈ કરી. બપોરે સમય થયે થાળીમાંથી ખાદ્યપદાર્થોની સફાઈ કરી. બપોરે થોડા કલાક વધારાના હતા. એટલે દિવસના કુલ કલાકોમાંથી તેમની સફાઈ કરી. સાંજે બીજા સહપાઠીઓ મળ્યા. તેમને પણ તેમની કોલેજમાંથી ઇન્ટર્નશીપ કરવા કહ્યું હતું. એટલે અમે સાથે મળીને, અમારા કેટલાક મિત્રો, શિક્ષકો, કોલેજ, પાડોશીઓ, ઇન્ફ્લુએન્સરો વગેરેની સામુહિક ધોરણે ધૂળ ખંખેરીને, તેમની થોડી સફાઈ કરી. આમ, ઇન્ટર્ન તરીકે આખો દિવસ વ્યસ્તતામાં વીત્યો. આ વ્યસ્ત આયોજનને રાષ્ટ્રીય સફાઈ અભિયાનમાં મારી ઇન્ટર્નશીપ તરીકે માન્ય રાખવામાં આવશે અને વડાપ્રધાનના પ્રિય અભિયાનને આગળ ધપાવવાના વિદ્યાર્થીઆલમના પ્રયાસોને હતાશા નહીં સાંપડે એવી આશા.

ઇન્ટર્નશીપ આઇડિયા 2

આજે સવારે ઉઠ્યો. ઊંડો શ્વાસ લીધો. પછી તે બહાર કાઢ્યો. ત્યારથી મારી ઇન્ટર્નશીપના વ્યસ્ત દિવસની શરૂઆત થઈ. સવારે ઉઠવાથી સ્નાન કરવા સુધી, તૈયાર થવાથી માંડીને મિત્રોને મળવા પહોંચતાં સુધી, મિત્રો સાથે ચર્ચાઓના વ્યસ્ત સમય દરમિયાન, ત્યાંથી નીકળીને એક મિત્રની હોસ્ટેલે પહોંચતાં સુધીમાં, બધા મિત્રો સાથે કીટલીએ અભ્યાસની ચર્ચા કરવા દરમિયાન, ત્યાંથી પાછા ઘરે પહંચીને જમવા સુધી અને જમીને સુઈ જવા સુધીમાં 23,395 વાર મેં શ્વાસ લીધો અને 23,390 વખત શ્વાસ (એટલે કે ઉચ્છવાસ) બહાર કાઢ્યો. પાંચેક વાર એવી કંઈક વાત થઈ હતી કે તત્કાળ મારો શ્વાસ અટકી ગયો. એટલે તે તાલ ખોરવાયો અને પાંચ ઉચ્છવાસ ઓછા નીકળ્યા.

આ પ્રકારના વિગતવાર અહેવાલ પાવર પોઇન્ટ અથવા બીજા કોઈ પણ સ્વરૂપે રોજ બનાવીને આપીશ અને હું ખરેખર, પ્રામાણિકતાપૂર્વક રોજ શ્વાસ લઉં છું-ઉચ્છવાસ કાઢું છું અને તેમાં કોઈ પ્રકારનાં ગાબડાં પાડતો નથી, તેનાં પ્રમાણપત્ર પણ પૂરાં પાડીશ. આશા છે કે મારી આ નિયમિત પ્રવૃત્તિને ઇન્ટર્નશીપ ગણીને તેની ચાર ક્રેડિટ આપવામાં આવશે.

ઇન્ટર્નશીપ આઇડિયા 3

સવારે ઉઠીને સ્વદેશી બ્રશ અને સ્વદેશી ટુથપેસ્ટનો ઉપયોગ કર્યો. પછી સ્વદેશી ચા પીને સ્વદેશી શેવિંગ ક્રીમથી દાઢી કરી, સ્વદેશી સાબુથી નાહ્યો અને સ્વદેશી ટુવાલથી શરીર લૂછ્યું. પછી સ્વદેશી બનાવટનું જિન્સ ધારણ કરીને સ્વદેશી બનાવટના દ્વિચક્રી પર બહાર નીકળ્યો, સ્વદેશી પેટ્રોલ પમ્પ પર સ્વદેશી બનાવટની ચલણી નોટો ન હોવાથી જી-પે કર્યું. ગુગલ વિદેશી કંપની છે એ સાચું, પણ આપણા માટે અમેરિકા વિદેશ થોડું કહેવાય? એ તો હમણાં જરા સખળડખળ ચાલે છે. બાકી, અમારો મમ્મીની સાઇડનો અડધો પરિવાર અમેરિકા છે. મામા-માસીનો દેશને સ્વદેશ ગણવો એ તો ભારતીય સંસ્કાર છે.

સ્વદેશી પેટ્રોલ પુરાવ્યા પછી રસ્તામાં એક ઠેકાણે ઊભા રહેવું પડ્યું. કારણ કે, મોટા સાહેબની ઇમ્પોર્ટેડ ગાડીઓનો કાફલો પસાર થઈ રહ્યો હોવાથી બધાને રોકી પાડવામાં આવ્યા હતા. પણ મને ખબર છે કે સાહેબો કરે એવું નહીં, તે કહે એવું કરવાનું હોય. એટલે મેં તો સ્વદેશીનો આગ્રહ ચાલુ રાખ્યો અને મારા દિવસનો અંત સ્વદેશી ગાદલા પર પાથરેલી સ્વદેશી ચાદર અને સ્વદેશી ઓશિકા પર સુઈને આવ્યો. બે મહિના દરમિયાન મેં આ રીતે કરેલી પ્રવૃત્તિને વોકલ ફોર લોકલ અથવા મેઇડ ઇન ઇન્ડિયા જેવા રાષ્ટ્રીય (સરકારી) કાર્યક્રમ અંતર્ગત કરેલી ઇન્ટર્નશીપ ગણીને, મને ચાર ક્રેડિટ માટે લાયક ગણવામાં આવે એવી વિનંતી.

 

No comments:

Post a Comment