Thursday, December 25, 2025

વજનનો ‘વિકાસ’

પહેલી વાર ડોક્ટર કહે કે ‘તમારું વજન વધારે છે’, ત્યારે મોટા ભાગના લોકો મૂછમાં હસીને મનોમન વિચારે છે, ‘ખબર છે. અત્યાર સુધી એના માટે તો આટલી મહેનત ને દોડાદોડ કરી છે. હવે નહીં વધે તો ક્યારે વધશે?’ આ જવાબ બોલાય નહીં તો પણ હોંશિયાર ડોક્ટરોને તે સંભળાઈ જતો હોય છે. એટલે તે કહે છે,’વજન એટલે તમારા મોભાની વાત નથી કરતો—એ તો વધ્યો જ છે ને એની સાથે મારે કોઈ લેવાદેવા નથી. હું તો તમારા શારીરિક વજનની વાત કરું છું.’

મોટા ભાગનાં માતાપિતાને તેમનું સંતાન ક્યારે મોટું થઈ જાય, તેની ખબર પડતી નથી. તે વિચારે છે કે હજુ હમણાં તો આપણે એને તેડીને ફરતા હતા, એકડીયું-બગડીયું શીખવાડતા હતા, સાયકલ તો હમણાં શીખવાડી, ને આ હવે પ્રેમમાં પડવાની ને પરણવાની વાત કરે છે? જેમ સંતાનો ધીમે ધીમે મોટાં થવા છતાં, તે અચાનક મોટાં થઈ ગયાં હોય એવું લાગે છે, તેમ શારીરિક વજન પણ ધીમે ધીમે વધવા છતાં, તે અચાનક વધ્યું હોય એમ લાગે છે. વજનધારકને તો એમ જ થાય છે કે હજુ તો મારા લગ્ન વખતનાં શર્ટ હું આરામથી પહેરી શકું છું. એવું કંઈ વજન વધી ગયું નથી. હા, થોડું શરીર ભરાયું છે ને ગાલ થોડા વધારે ભરાયા છે, પણ એ તો સુખની નિશાની. એને કંઈ વજન વધ્યું ન કહેવાય. આ ડોક્ટરો તો અમથા...
ડોક્ટરો અને એલોપથી પ્રત્યેની અશ્રદ્ધા જાહેર કરીને થોડા સમય સુધી વજનવધારા પ્રત્યે આંખ આડા કાન કરી શકાય છે, પરંતુ મન કોને કહ્યું છે? એક વાર ડોક્ટરે ‘વહેમ ઘાલ્યો’, પછી અરીસામાં જોતી વખતે વધેલા વજનના છૂટાછવાયા પુરાવા નજરે પડવા લાગે છે. ખ્યાલ આવે છે કે શરીર ફક્ત ભરાયું નથી, ઠીક ઠીક ભરાયું છે. લગ્ન વખતે લીધેલું શર્ટ જરા ખુલતું હતું, એટલે હવે આવી રહે છે. પણ વચ્ચેનું બટન ક્યારેક આપમેળે ખુલી જાય છે. પહેલાં લાગતું હતું કે તેનો ગાજ ઢીલો થઈ ગયો હશે, પણ ડોક્ટરની ટકોર પછી સમજાય છે કે ગાજ ઢીલો નથી થયો, શર્ટ ફીટ થયું છે. પહેલાં પેટ ટેકરી જેવું હતું, તે ધીમી પણ મક્કમ ગતિએ વધીને ડુંગરા જેવું થયું છે અને ડોક્ટરને ચિંતા છે કે તે પહાડ જેવું ન થઈ જાય.
ડોક્ટરો ખોટેખોટું ભડકાવે છે, એવું આશ્વાસન ઘણા દિવસો સુધી લીધા પછી પણ, બધી વખત મન માનતું નથી. ક્યારેક અંતરાત્માનો અવાજ આવે છે કે ‘હે જીવ, ક્યાં સુધી તું જાતને છેતર્યા કરીશ? અત્યાર લગી તે વધતા વજનની સતત અવગણના કરી છે, પણ તારું પેટ હવે પોકારી પોકારીને કહે છે કે મને વધતું રોકો, મને અટકાવો.’ સંદર્ભ ભલે જુદો હોય, પણ ‘જેને કોઈ ન પહોંચે, તેને તેનું પેટ પહોંચે’—એ વાત વજનવધારાની બાબતમાં પણ સાચી પુરવાર થાય છે. અત્યાર લગી કુટુંબીજનો, હિતેચ્છુઓ, ડોક્ટરો અને સ્વઘોષિત
આરોગ્યનિષ્ણાતો સહિતના લોકોના ટોકવા છતાં ન ગાંઠતો માણસ, છેવટે વધતા પેટમાંથી ઉઠતા અવાજ ભણી ધ્યાન આપવા પ્રેરાય છે. તેને થાય છે કે બીજી ચર્ચા જવા દઈએ તો પણ, પેટ અને વજન વધ્યાં છે એ તો હકીકત છે.
આટલો સ્વીકાર આવ્યા પછી પણ રસ્તો સહેલો નથી. ઘણા લોકોના મનમાં તો આ સ્વીકાર તે વ્યાપક નકારનો હિસ્સો હોય છે. કેમ કે, તે વિચારે છે, ‘જેમ સારો કોલેસ્ટેરોલ અને ખરાબ કોલેસ્ટેરોલ હોય છે, તેમ સારું વધેલું પેટ અને ખરાબ વધેલું પેટ પણ નહીં હોય?’ પછી ડોક્ટર હળવાશથી સમજાવે છે કે સગર્ભા સ્ત્રીઓ સિવાયના કિસ્સામાં બીજી સંભાવના જ લાગુ પડે છે. એટલે હવે પેટ તમને અટકાવી દે, એ પહેલાં તમે પેટને આગળ વધતું અટકાવો.
આરોગ્યને હળવાશથી લેનારા વિચારે છે,‘એમાં શી ધાડ મારવાની છે?’ અત્યાર સુધી જેટલી સહજતાથી તે વધ્યું, એટલી જ સહેલાઈથી તેને ઉતારી દઈશું. પણ ટ્રેકિંગ કરનારા લોકો જાણે છે કે સલામત રીતે ચડવા કરતાં સલામત રીતે ઉતરવાનું વધારે અઘરું નીવડી શકે છે. એવું જ પેટના મામલે થાય છે. તે વધતાં વધી તો જાય છે, પણ તેને ઉતારવાનું ભારે કામ છે. જેમ સંતાનપ્રાપ્તિ માટે, તેમ પેટ ઉતારવા માટે પણ લોકો ‘પથ્થર એટલા પૂજે દેવ’ કરે છે, કંઈક પાઉડરો ને પ્રવાહીઓ અજમાવે છે, અવનવા ટુચકા કરે છે ને ઓસડિયાં ખાય છે. વ્યાવસાયિક ચાલતાં કસરતાલયો (જીમ)ના સભ્ય બને છે. આ બધું તે એટલા માટે કરે છે, જેથી ડોક્ટરે જે કહ્યું છે તે કરવું ન પડે. ડોક્ટરો ખાવાપીવા પર ખાસ્સો અંકુશ મુકવાની અને નિયમિત કસરત કરવાની વાત કરે છે.
સામાન્ય માણસની ભાવના બને ત્યાં સુધી એવી હોય કે આવું કશું કર્યા વિના, થોડું આમતેમ કરવાથી, કસરત-બસરત કરવાથી કે જિમમાં જવાથી કે અમુક પાઉડરો પીવાથી વજન કાબૂમાં આવી જતું હોય તો પહેલાં એ પ્રયત્ન કરી જોવો જોઈએ. તેમાં ખાસ્સો સમય વીતે છે, પણ ધાર્યું પરિણામ મળતું નથી. બધી બાજુથી હાર્યા પછી તે ફરી એક વાર ડોક્ટરને મળે છે અને પહેલી વાર તેમણે શું કહ્યું હતું તે, આ વખતે અમલ કરવાના પવિત્ર ઇરાદા સાથે, સાંભળે છે.
પણ એ તો હિમાલય ચઢવા માટે ઘરેથી ટ્રેનમાં બેસવા જેવું પહેલું પગથીયું હોય છે.

No comments:

Post a Comment