Tuesday, December 30, 2025

(વજન)કાંટા લગા..

કોઈ પણ સમસ્યાની જેમ વધેલું વજન ઉતારવા માટેનું પહેલું પગથીયું, વધેલા વજનના સ્વીકારમાં છે. ઘણા લોકો તે બાબતે બીજાને અને ખાસ તો જાતને છેતરવામાં રાચે છે. કોઈ સહેજ ટકોર કરે કે તરત તે કહેશે, ના રે, મારું તો સિમેટ્રિકલ બોડી છે. સામેવાળી વ્યક્તિ કહે કે હું તમારું બોડી શેમિંગ નથી કરતી, ફક્ત તમારું ધ્યાન દોરું છું. તો તે કહેશે,વાંધો નહીં. પણ હું જે હકીકત છે એ કહું છું. મારું શરીર જરા સરખું છે. હકીકતમાં, મારો બાંધો એવો છે. ક્યારેક આ બધી દલીલોને બદલે તે એક જ નિવેદન આપીને ચર્ચાનો અંત આણી દે છે,મારું વજન પહેલેથી આટલું જ છે. એ મને ખબર હોય કે તમને?’ જમણા પગમાં દુઃખાવો હોવા છતાં ડાબા પગે ઓપરેશન શરૂ કરતા ડોક્ટર છાંછિયું કરીને ડોક્ટર હું છું કે તમે?’ પૂછે, એવી આ વાત છે.

તેમ છતાં, કોઈ એક ચોઘડિયે વજન વધ્યાની વાત જોર પકડે, એટલે સૌથી પહેલાં વિવાદાસ્પદ માળખાનું સાચું વજન, અને ખાસ તો, તેમાં થઈ રહેલી વૃદ્ધિ માપવા માટે વજનકાંટો ખરીદવાનો નિર્ણય લેવાય છે. મૂળ યોજના તો દર અમુક દિવસે ઓળખીતા ડોક્ટરને ત્યાં જઈને વજન કરવાની હોય છે, પણ તેમાં નિયમિતતા જળવાતી ન હોવાથી, ચાઇનીઝ બનાવટના વજનકાંટાનું બજેટ મંજૂર કરવામાં આવે છે અને એક દિવસ ઘરમાં નવા સભ્યનું આગમન થાય છે,

ગામમાં ચોમેર સ્વદેશીનાં હોર્ડિંગ વાગ્યાં હોય ત્યારે ઘરમાં ચાઇનીઝ વજનકાંટો આણવાથી દેશદ્રોહ તો નહીં થાય? એવો વિચાર આવી જાય છે, પણ જીવનજરૂરી ન હોય એવી ચીજો પણ વિદેશી બનાવટની વાપરતા વડાપ્રધાનને જોઈને થોડું સાંત્વન મળે છે. વજનકાંટો ચાઇનીઝ હોવાથી, કેટલાક ચાઇનીઝ ભોજનપ્રેમી સભ્યો એવી આશા રાખે છે કે ખોખામાંથી કાંટાની સાથે સોયા સોસની એકાદ બોટલ પણ નીકળે તો સારું. પરંતુ તેમને સોસ નહીં, નિરાશા મળે છે. કેમ કે, વજનકાંટો આણવાનું અંતિમ પ્રયોજન ભોજનની માત્રા વધારવાનું નહીં, પણ ઘટાડવાનું હોય છે.

વજનકાંટાને બેટરી નાખીને ચાલુ કર્યા પછી, પહેલી વાર વજનકાંટા પર ઊભા રહેવાની ક્ષણ મોમેન્ટ ઓફ ટ્રુથ—સચ્ચાઈનો સામનો કરવાની ક્ષણ હોય છે. દિલની ધડકન વધી જાય છે. ઇશ્વરમાં ન માનનારાના મનમાં પણ ઘડીક ઇશ્વરસ્મરણનો ઝબકારો આવી જાય છે. છેવટે, યાહોમ કરીને પડવાના જુસ્સા સાથે કાંટા પર બડે અરમાનસે પહેલો પગ અને પછી બીજો પગ મુકવામાં આવે છે. તે સાથે જ કાંટો ધનુષ્યમાંથી છૂટેલા તીરની જેમ, શૂન્યના આંકડાથી અપાકર્ષણ અનુભવતો હોય તેમ, તેના સામા છેડે જઈને ઊભો રહે છે. વજન કરાવનાર અને આસપાસ ઊભેલાં કુટુંબીજનો ઉચ્ચકજીવે કાંટો ક્યાં જઈને ઠરે છે તેની રાહ જુએ છે. ઘણાખરા કિસ્સામાં કાંટો અપેક્ષા કરતાં થોડે આગળ જ પહોંચ્યો હોય છે. એટલે, વજન કરાવનાર કાંટો તૈયાર કરનારની ઉલટતપાસ કરે છે. તેં કેલિબરેશન તો કર્યું હતું ને? મારો પગ મુકાવતાં પહેલાં કાંટાને ઝીરો પર તો આવવા દીધો હતો ને? કાંટો ડીફેક્ટિવ-બગડેલો તો નહીં હોય ને?’ પરંતુ બધી શક્યતાઓને એક પછી એક નાબૂદ કર્યા પછી, કાંટાએ ચીંધેલું વજન, કોઈ ઋષિમુનિએ આપેલા શ્રાપની જેમ, ન છૂટકે સ્વીકારવું પડે છે.

નામને સાર્થક કરતા કાંટાએ દર્શાવેલા વજનના આંકડાની અણી એવી ભોંકાય છે કે તેની અસર હેઠળ આકરા સંકલ્પ લેવાય છે. સૌથી પહેલાં, વજન પર ચાંપતી નજર રાખવા માટે રોજ વજન કરવાનું ઠરે છે, પણ પછી કોઈ સમજાવે છે કે મહિને એક વાર વજન કરવાનું પૂરતું છે—બાકીના દિવસોમાં યાદ રાખવાનું કે મહિને એક વાર વજનનો દિવસ આવવાનો છે.

એકાદબે મહિના આ રીતે વજન કર્યા પછી, ધીમે ધીમે વજન કરવાનો દિવસ કયામતના દિવસ જેવો લાગવા માંડે છે. વજન કરવાનું હોય તેના આગલા દિવસે ઉપવાસ કરીને કાંટાની સાન ઠેકાણે લાવવાનું મન થાય છે, પણ એવું શક્ય બનતું નથી. બીજા દિવસની સવાર પડે અને કાંટા પર વજન કરવાનું આવે, એટલે માણસ વિચારે છે કે કાંટાને શી રીતે મહાત કરવો? શરીરની અંદરનું વજન ઓછું કરવાના વિકલ્પે, તે એટલા સમય પૂરતું શરીરની ઉપર રહેલું વજન ઘટાડવાના પ્રયાસ કરે છે. શરીર જાણે ડૂબતી નાવ હોય એમ, તે ઓછુંવત્તું વજન ધરાવતી તમામ વસ્તુઓને ફગાવવા માંડે છે. જીન્સના પેન્ટને બદલે સુતરાઉ લેંઘો પહેરીને, ચશ્મા કાઢીને, પટ્ટો ઉતારીને, ભૂલથી ખિસ્સામાં પેન કે મોબાઇલ ન રહી જાય તેની ચીવટ રાખીને, તે કાંટાનું આરોહણ કરે છે. પરંતુ કાંટો પોતાની નિર્જીવતા પુરવાર કરતાં, અગાઉની એકેય ચેષ્ટાથી પ્રભાવિત થતો નથી અને વજનના અણગમતા આંકડે જઈને ઊભો રહે છે.

આવું દરેક વખતે થતાં, વજન કરાવનાર કાંટાની બેવફાઈથી હતાશા અનુભવે છે અને વિચારે છે કે હવે આ કાંટાનો કાંટો શી રીતે કાઢવો? કાંટામાં કિલોગ્રામ ઉપરાંત બીજા એકમોમાં વજન માપવાનો વિકલ્પ હોય છે. છતાં, તેનાથી આશ્વાસન મળતું નથી. ભારતના નાગરિકો એવું પણ શોધી જુએ છે કે કાંટામાં ક્યાંય છૂપો સ્લોટ (ખાંચો) છે, જેમાંથી રૂપિયા અંદર સેરવીને કાંટા પાસેથી વજનનો ધાર્યો આંકડો મેળવી શકાય?

પરંતુ જેમ કફનને ખિસ્સાં હોતાં નથી, તેમ કાંટાને ખાંચા હોતા નથી. એ ફક્ત કાંટાનું નહીં, વજનનું—અને જીવનનું--પણ સત્ય છે. તે કાંટા પાસેથી સમજવા મળે તો, ગમે તેટલા વાંધા છતાં, કાંટા માટે ખર્ચેલા રૂપિયા વસૂલ લાગે છે. 

No comments:

Post a Comment