Wednesday, November 12, 2025

ત્રાસવાદ, ધર્મ અને પ્રતિકાર

ધર્મ એટલે ફરજ-નૈતિકતા-સદાચારનો સરવાળો. ટૂંકમાં, પોતે છીએ તેના કરતાં વધુ સારા બનવા માટે શું કરવું જોઈએ તેની વાત. તેમાં ઝનૂન નથી હોતું. બીજા માટેનો વેરભાવ બિલકુલ નહીં. ધર્મની આ એવી વ્યાખ્યા છે, જેના બહુ લેવાલ નથી.

ધર્મની બીજી વ્યાખ્યા છે ક્રિયાકાંડો-રીતરિવાજો-અંધશ્રદ્ધાઓ-ધર્મગુરુઓ. આ અર્થઘટન સૌથી પ્રચલિત છે. તેમાં મુક્ત વિચાર, વિવેકબુદ્ધિ, તર્ક વગેરેને ઓછું સ્થાન હોય છે કે જરાય સ્થાન હોતું નથી. ઉપરાંત, તેમાં તાર્કિક ટીકા કરનારા સામે બધાને નહીં, પણ થોડાઘણાને ગુસ્સો હોઈ શકે છે અને તેમાંથી કેટલાક હિંસક પણ બની શકે છે. આ સમુદાય સૌથી મોટો છે, પણ તેમાં બધા ગુસ્સાવાળા કે હિંસક હોતા નથી. તેમને એ રસ્તે લઈ જવા માટે તેમની ચાવી ટાઇટ કરવી પડે. તે રાજકીય સ્તરે રૂપિયાથી થાય કે ધાર્મિક સ્તરે ઉશ્કેરણીથી થાય કે બંનેના મિશ્રણથી પણ થાય.
ધર્મની ત્રીજો ફાંટો છે નેતાઓ દ્વારા થતો તેનો સગવડીયો ઉપયોગ. મુસલમાનોને કહો કે ઇસ્લામ ખતરામાં છે ને હિંદુઓને કહો કે 'વિધર્મીઓ'થી હિંદુ ધર્મને ખતરો છે. આ ફાંટામાં ધર્મના એકેય તત્ત્વનો સમ ખાવા પૂરતો પણ સમાવેશ થતો નથી. તેમાં બીજા માટેનો ધિક્કાર એ જ પોતાના ધાર્મિક હોવાની એકમાત્ર કે મુખ્ય સાબિતી છે. ધર્મના આ ફાંટાનું અસ્તિત્વ ધિક્કાર પર ટકેલું છે. આ ફાંટાવાળા બીજા પ્રકારના બહોળા સમુદાયામાંથી લોકોને પકડે છે, પલોટે છે અને તેમને ત્રાસવાદી બનાવે છે.
દિલ્હીના બોમ્બવિસ્ફોટના આરોપીમાં મુસલમાન ડોક્ટરો પણ છે. કોઈ માણસ ફક્ત ડોક્ટર હોવાને કારણે તેના વિશે ઊંચો અભિપ્રાય બંધાઈ જાય, એવું તો દાયકાઓથી થતું નથી. પણ ડોક્ટર થયેલો માણસ ધર્મના ઝનૂનમાં લોકોને મારવા કે તેમાં સાથ આપવા તૈયાર થઈ જાય, એ ભયંકર બાબત છે. અને તેને આ રસ્તે ચડાવવામાં કે તેના આ રસ્તાને બળ આપવામાં ધર્મની--એટલે કે તેની વિકૃત સમજની-- ભૂમિકા નજરઅંદાજ કરી શકાય એવી ન હોય.
વ્યક્તિગત કે પારિવારિક અન્યાયનો ભોગ બનેલો માણસ ત્રાસવાદી કૃત્ય કરે, તે માફ ન થાય એવું હોવા છતાં, તેનું કંઈક કારણ આપી શકાય એવું તો હોય છે. પરંતુ ભારત જેવા દેશમાં સામુદાયિક અન્યાયનો મુકાબલો કરવા કે એવો અન્યાય કરનારને પાઠ ભણાવવાના હેતુથી કરાતા ત્રાસવાદી હુમલા સાવ નકામા પુરવાર થાય છે, એટલું જ નહીં, તે આવો અન્યાય કરનારાના હાથ મજબૂત કરે છે. તેનાથી અન્યાય કરનાર પોતે કરેલા ભૂતકાળના તમામ અન્યાયોને અને ભવિષ્યમાં કરનારા તમામ અન્યાયોને વાજબી ચેષ્ટા તરીકે ખપાવીને, ઘણા લોકોનાં બ્રેઇનવોશ કરી શકે છે.
મને હંમેશાં એવું લાગતું હતું કે લાદેન અને જ્યોર્જ બુશ જુનિયર એકબીજાના વિરોધી નહીં, પૂરક હોય છે--અને આપણા જેવા લોકો એ બંનેના વિરોધી અને એ બંનેથી પીડિત. એટલે, ત્રાસવાદી હુમલો થાય ત્યારે ભોગ બનેલા પ્રત્યે સંપૂર્ણ લાગણી રાખીને, ત્રાસવાદને અક્ષમ્ય ગણીને, તેનો પ્રતિકાર કરવો પડે. પણ પ્રતિકાર એટલે શું?
પ્રતિકારનું એક સ્તર સત્તાવાર છે. વહીવટી તંત્રની કામગીરી અને પક્ષીય હિત વિનાની સરકારી કામગીરી. તે અનિવાર્ય હોવું જોઈએ. બીજું સ્તર રાજકીય (પક્ષીય) છે--એટલે કે, ત્રાસવાદની ઘટનાનો પણ પોતાના ફાયદામાં મહત્તમ રાજકીય કસ કાઢીને પોતાનો એજન્ડા આગળ ચલાવવો. સમાજમાં ફેલાયેલા ધ્રુવીકરણને દૃઢ બનાવવું. આ સ્તર ત્રાસવાદી હુમલા જેટલું જ ખતરનાક હોય છે. કારણ કે, તે માણસને અંતિમવાદી બનાવવાની દિશામાં પ્રેરી શકે છે અને સમાજમાં અસુખ-અજંપો ફેલાવે છે તે અલગ.
ત્રીજું સ્તર આપણા જેવા સામાન્ય લોકોનું છે. તેમણે બીજા સ્તરની જાળમાં આવી ગયા વિના, પહેલા સ્તરે બરાબર કામ થાય અને તામઝામભર્યું જોણું કરવામાં પહેલા સ્તરની જવાબદારીનો ઉલાળીયો ન થઈ જાય, તેનું ધ્યાન રાખવું પડે. સાથોસાથ, એ પણ વિચારવું પડે કે ત્રાસવાદની ઇમારત જે પાયા પર ખડી કરવામાં આવી તે ધાર્મિક ધિક્કારથી આપણે છેટા રહેવું કે તેને હોંશે હોંશે અપનાવી લેવો.
આપણા હાથમાં આપણો પ્રતિભાવ છે. તેમાં પહેલા, સત્તાવાર સ્તરે સખ્તાઈથી કામ લેવાય તેને સમર્થન અને બીજા સ્તર સાથે તેની ભેળસેળ ન થાય તેની સાવચેતી--એ બંને જરૂરી છે. થોડા મુસલમાન ધર્મના નામે હિંસા કે ત્રાસવાદ આચરે તેમાં ઇસ્લામની બદનામી થવી અનિવાર્ય છે, જેમ રાજકીય હિંદુત્વમાં સરવાળે હિંદુ ધર્મની બદનામી થાય છે. એવા સંજોગોમાં સૌ પોતપોતાના ધર્મનું સાચું, લખાણના આરંભે ઉલ્લેખેલું સ્વરૂપ સાચવે, એ જ પ્રાથમિકતા લાગે છે.

No comments:

Post a Comment