Tuesday, August 28, 2018
કુદરતી આફત કે કુદરતનો કોપ?
કેરળમાં આવેલું વિનાશક પૂર ફક્ત જાનમાલની તબાહી અને લોકોને પડેલી કારમી આપદાની જ કહાણી નથી. બીજી કેટલીક કઠણાઈઓ પણ તેની સાથે જોડાયેલી છે. જેમ કે, ભૂતપૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીના લાંબી બિમારી પછી થયેલા અવસાન પછી થોડો સમય જાણે કેરળ ભૂલાઈ જ ગયું. આ બાબતને અંગ્રેજી કાર્ટૂનિસ્ટ સંદીપ અધ્વર્યુએ માર્મિક રીતે દર્શાવતાં એવું કાર્ટૂન બનાવ્યું, જેમાં પ્રસારમાધ્યમોનું બધું ધ્યાન આકાશમાં રહેલા વાજપેયી તરફ છે અને વાજપેયી પોતે આંગળી ચીંધીને નીચે કેરળની કરુણ સ્થિતિ બતાવી રહ્યા છે.
કુદરતી આપત્તિના પ્રસંગે સોશ્યલ મિડીયા હકારાત્મક ભૂમિકા ભજવી શકે છે, તેમ તે ધીક્કારની આગ પણ ફેલાવી શકે છે, ભલે ને જમીન પર પાણી જ પાણી હોય. કેરળ ડાબેરીઓનું વર્ચસ્વ ધરાવતું હોવાથી કેટલાક નમૂનાઓએ જે તબાહી થઈ તેને લગભગ વાજબી ઠરાવી અથવા 'લો, લેતા જાવ'ના અંદાજમાં રજૂ કરી. કેટલાકે કેરળમાં મુસ્લિમો અને ખ્રિસ્તીઓનું મોટું પ્રમાણ હોવાથી ત્યાં મદદ ન કરવી જોઈએ, એવી દ્વેષીલી અપીલો પણ ક્યાંક જોવા મળી. દરેક મુદ્દો જ્યાં રાજકીય ધ્રુવીકરણનો રંગ પકડી લે છે એવા સમયમાં હજુ આવા ધીક્કારને ઝાઝા લેવાલ મળ્યા નહીં તે આશ્વાસન ગણી શકાય.
આ બધાની વચ્ચે, હજુ આ મહિને કેન્દ્ર સરકાર દ્વારા રીઝર્વ બૅન્કના પાર્ટટાઇમ નૉન-ઑફિશ્યલ ડાયરેક્ટર તરીકે નીમાયેલા એસ. ગુરુમૂર્તિ કેરળના પૂર વિશે ટ્વિટર પર મોં ખોલ્યું, ત્યારે પૈસા પડી ગયા. એક સમયના આક્રમક પત્રકાર અને વર્ષોથી સ્વદેશી જાગરણ મંચ- આરએસએસની વિચારધારા સાથે સંકળાયેલા, જમણેરી વિચારક તરીકેની ખ્યાતિ ધરાવતા ગુરુમૂર્તિએ લખ્યું, ‘સબરીમાલામાં જે કંઈ થઈ રહ્યું છે તે (જળપ્રલય) અને (મંદિરપ્રવેશ અંગેના) કેસ, આ બંને વચ્ચે કશો સંબંધ છે કે નહીં, એ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશોને કદાચ તપાસી શકે. બંને વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ હોવાની શક્યતા લાખોમાં એક હોય તો પણ, લોકો અયપ્પન (ભગવાન)ની મરજી વિરુદ્ધ કેસનો ચુકાદો આવે એમ નહીં ઇચ્છે.’
ટીકા થાય ત્યારે 'મૈંને ઐસા તો નહીં કહા થા' જેવો ઉલાળીયો કરી શકાય, એવા આ શબ્દોનો સાદો અર્થ આટલોઃ કેરળમાં આવેલા સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની સ્ત્રીઓ માટે મંદિરપ્રવેશ પ્રતિબંધિત હતો. આ ભેદભાવયુક્ત પરંપરાને અદાલતમાં પડકારવામાં આવી અને હવે મામલો સર્વોચ્ચ અદાલતમાં છે, ત્યારે આ વિચારક મહાશય એવી શંકા પ્રેરવા માગે છે કે ન કરે નારાયણ ને આ કેસથી કદાચ ભગવાન નારાજ થયા હોય એવું તો નથી ને?
કોઈ પણ વિચારધારા પ્રત્યેની જડ પ્રતિબદ્ધતા માણસની સ્વતંત્ર વિચારશક્તિને કઈ હદે રુંધી શકે છે, તેનો આ ઉત્તમ નમૂનો છે-- પછી તે વિચારધારા જમણેરી હોય કે ડાબેરી. સામ્યવાદને વરી ચૂકેલા લોકો વર્ષો સુધી રશિયામાં સામ્યવાદના નામે ચાલેલી સરમુખત્યારશાહી નજરઅંદાજ કરતા હતા. કદાચ હજુ પણ એ તેની ઉજળી બાજુઓ બતાવવાની કોશિશ કરતા હશે.
અપેક્ષા મુજબ ગુરુમૂર્તિના વિધાનની ટીકા થઈ, ત્યારે વિચારબદ્ધતા સાથે સંકળાયેલી ધૂર્તતાનો પરિચય આપતાં ગુરુમૂર્તિ લાજવાને બદલે ગાજ્યા અને કહ્યું, 'મેં મારી વાત ક્યાં કરી હતી? હું તો લોકોની વાત કરતો હતો કે લોકોને આવું નહીં ગમે. બાકી હું તો અયપ્પાનો ભક્ત નથી.’ અને જમણેરી વિચારધારાની પિન જ્યાં અટકી ગઈ છે તે ટ્રેક પર આવીને ભારતીય બૌદ્ધિકોને ભાંડ્યા. કહ્યું કે 'દંભી બૌદ્ધિકો લોકોની ધાર્મિક આસ્થાને નકારી કાઢે છે.’ ટૂંકમાં, તેમના ટ્વિટની ટીકા કરનારા લોકવિરોધી. જમણેરી વિચારધારાનાં પ્રિય ધીક્કારપાત્રો એવા ઉદારમતવાદી, બિનસાંપ્રદાયિક બૌદ્ધિકોને પણ તેમણે લપેટી માર્યા.
અને આ બધું ત્યારે, જ્યારે કેરળ સૌથી ગંભીર કુદરતી આફતનો ભોગ બન્યું હોય. મૃતદેહો પર જ્યાફતો ઉડાડવાની રાજકારણની રીત નવી નથી કે કોઈ એક પક્ષનો ઇજારો પણ નથી. છતાં, કહેવાતા વિચારકો પોતાની મનોરુગ્ણતાનું આવું પ્રદર્શન કરે અને એની ટીકા થાય ત્યારે તેમના કાયમી દુશ્મન એવા ઉદારમતવાદી, બિનસાંપ્રદાયિક બૌદ્ધિકોને ભાંડવાની તક ઊભી કરી લે, ત્યારે શું કહેવું-- સિવાય કે ગૅટ વૅલ સૂન. આશા રાખીએ કે તમારું ઝટ ઠેકાણે આવે.
ગુરુમૂર્તિ કેરળના મામલે કેવી ભીંત ભૂલ્યા અને તેમની વાત કેવી વાહિયાત છે, તેનો સરસ જવાબ એક સમયે 'આઉટલૂક'ના પ્રકાશક રહી ચૂકેલા મહેશ્વર પેરીએ આપ્યો. તેમણે ટ્વિટર પર લખ્યું, ‘પ્રિય ગુરુમૂર્તિ, રીઝર્વ બૅન્કમાં તમારી નિમણૂકથી લક્ષ્મીદેવી બહુ નારાજ લાગે છે. એટલે ડૉલરની સામે રૂપિયાનો ભાવ ગગડી રહ્યો છે. આ પાપનું પ્રાયશ્ચિત આપણે કરી શકીએ?’
કુદરતી આફતો માટે ઇશ્વરનો કોપ કારણભૂત ગણવાની માન્યતા રાખવા બદલ ગાંધીજી અંગે પણ વિવાદ સર્જાયો હતો. તેમણે બિહારમાં આવેલા ભૂકંપ માટે અસ્પૃશ્યતાના પાપને જવાબદાર ગણાવ્યું હતું. ત્યારે ગાંધીજી માટે પ્રચંડ આદર હોવા છતાં રવીન્દ્રનાથ ટાગોરે તેમના આવા અવૈજ્ઞાનિક નિવેદનની ભારે ટીકા કરી હતી. ગાંધીજીનું નિવેદન બેશક અવૈજ્ઞાનિક હતું. ભૂસ્તરશાસ્ત્રી ન હોવા છતાં તેમને એટલી તો ખબર જ હોય કે અસ્પૃશ્યતાના કારણે ભૂકંપ આવતા હોત તો ભારતની જમીન કદી સ્થિર જ રહી શકતી ન હોત. ટાગોરે તેમની ટીકા કરી, ત્યારે તેમાં કાર્યકારણના વૈજ્ઞાનિક સિદ્ધાંતની વાત સાથે મક્કમ વિરોધ છતાં ગાંધીજી પ્રત્યે ભારોભાર આદર હતો. ગાંધીજીએ પણ ટાગોરની ટીકા પ્રેમથી ઝીલી અને પાટો બદલી નાખવાને બદલે પોતાની વાત પર અડગ રહ્યા. તેમાં અસ્પૃશ્યતા સામેના વિરોધ અને ધાર્મિક-આધ્યાત્મિક માન્યતાની દૃઢતા બંને દેખાતાં હતાં.
કેરળના સંદર્ભમાં આ કિસ્સો યાદ કરતી વખતે ખાસ યાદ રાખવું જોઈએ કે ગાંધીજી અને ટાગોર બંને અસ્પૃશ્યતાના અનિષ્ટનો વિરોધ કરતા હતા. ગાંધીજીની પહેલથી શાંતિનિકેતનમાં બધી જ્ઞાતિના વિદ્યાર્થીઓ સાથે જમવા બેસે એવી પરંપરા શરૂ થઈ હતી. ગાંધીજીની ભૂકંપવાળી વાતમાં ધાર્મિક માન્યતાની અંધશ્રદ્ધા બેશક હતી, જે કેરળના મુદ્દે ઇશ્વરીય કોપની દલીલ કરનારાની વાતમાં છે. પણ મોટો ફરક એ વાતનો છે કે અત્યારે ઇશ્વરના કોપની વાત કરનારા મંદિરમાં મહિલાઓનો પ્રવેશ અટકાવવા ઇચ્છે છે. પૂરની કારુણીને તે ભેદભાવ અને અન્યાયી રિવાજની તરફેણમાં વટાવી ખાવા ઇચ્છે છે.

Labels:
Gandhi/ગાંધી
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment