Wednesday, August 15, 2018

સ્વતંત્રતા અને સ્વરાજ વચ્ચેની ખાઈ

૧૯૪૭ની ૧૪મી ઓગસ્ટે દેશના મોટા હિસ્સામાં ઉજવણીનો માહોલ હતો, ત્યારે ગાંધીજી દિલ્હીથી દૂર, કોમી હિંસાથી ગ્રસ્ત કલકત્તામાં હતા. આઝાદીનો તેમને કશો ઉત્સવ મનાવવાનો ન હતો. રાષ્ટ્રપિતા તરીકેનો માનદ્ દરજ્જો ભોગવતા ગાંધીજીને એક પત્રકારે કંઈક સંદેશો આપવા માટે કહ્યું, ત્યારે તેમણે કહ્યું હતું કે 'મારા શબ્દો સુકાઈ ગયા છે.’ આઝાદીની 'ઉજવણી’ તેમણે ચોવીસ કલાકના ઉપવાસથી કરી.

વર્ષ ૨૦૧૮માં ગાંધીજીને તે પણ ઉદ્યોગપતિઓની નજીક હતા--એવાં સંદર્ભવિહોણાં છીછરાં કારણોથી યાદ કરવામાં આવે છે, પણ તેમણે આંકી આપેલી સ્વતંત્રતા અને સ્વરાજ વચ્ચેની ભેદરેખાની ચર્ચા થતી નથી. એ વાસ્તવમાં ભેદરેખા નહીં, ભેદ-દીવાલ કે ભેદ-ખાઈ હતી, જે તૂટવાને બદલે મજબૂત બનતી ગઈ છે. હવેની ૧૫મી ઑગસ્ટ કોઈ ઉપવાસ કરીને મનાવે એવી અપેક્ષા નથી. ઉપવાસના શસ્ત્રનો પણ પૂરતો દુરુપયોગ થઈ ચૂક્યો છે-- ચાહે તે કથિત સદભાવના માટે હોય કે પછી ભ્રષ્ટાચારના વિરોધ માટે.  હવેના દરેક સ્વતંત્રતા દિવસે અે જ અપેક્ષા રહે છે કે સ્વતંત્રતા અને સ્વરાજ વચ્ચેનો મસમોટો ભેદ નાગરિકો અંકે કરે--મનમાં ઉતારે. ત્યાર પછી તેને દૂર કરવાના પ્રયાસ કરી શકાય.

સ્વતંત્રતા બેશક મૂલ્યવાન છે, પણ ભગતસિંઘ હોય કે ગાંધીજી, સુભાષચંદ્ર બોઝ હોય કે પંડિત નહેરુ-સરદાર પટેલ—આ અને આવા ઘણા નેતાઓએ કેવળ અંગ્રેજોને હટાવવા માટે અનેક બલિદાનો આપ્યાં ન હતાં. એ બધાના રસ્તા જુદા હોઈ શકે છે, પણ તેમનું દર્શન એક જ હતુંઃ ફક્ત શાસનકર્તાઓ બદલાય એટલું પૂરતું નથી.  ભારતના લોકો સ્વરાજની અનુભૂતિ કરે.  પ્રચંડ વસતિ અને વૈવિધ્ય ધરાવતા ભારતમાં યુરોપ-અમેરિકાના સમૃદ્ધિવાળા હિસ્સા જેવી આર્થિક છત થઈ જાય અથવા 'ઘી-દૂધની નદીઓ વહેતી થઈ જાય'એવી અવાસ્તવિક અપેક્ષાની વાત નથી. સાથોસાથ, એવું પણ નથી કે સરકાર માઈબાપ બધું કરી આપે ને નાગરિકો અણવિકસિત સમજ ધરાવતા પુખ્ત જણની જેમ તેની સામે ટાંપીને બેઠા રહે. યાદ રહે, વાત સ્વ-રાજની છે, સરકાર-રાજની નહીં.

સદીઓની લોકશાહી પરંપરા ધરાવતા બ્રિટન-અમેરિકા જેવા દેશોની સરખામણીમાં ભારતની લોકશાહીએ હજુ 'માંડ’ સિત્તેર વટાવ્યાં છે. હજુ ઘણો રસ્તો કાપવાનો છે.  મૂલ્યાંકનમાં આટલી ઉદારતા દર્શાવ્યા પછી પણ લોકશાહીની દિશા અને ગતિનો સવાલ તો રહે છે. ગાંધીજી દૃઢપણે માનતા હતા કે હિંદીઓ રાજ કરવા દે છે, એટલે અંગ્રેજો રાજ કરે છે. જો હિંદીઓ ઇચ્છે તો હમણાં સ્વરાજ મળી જાય.

પરંતુ એ ઇચ્છવું એ કંઈ ખુરશી-ટેબલ પર કે ગામના ચોરે કે ઘરના ઓટલે બેસીને 'ઇચ્છવું'થોડું હતું?  તેના માટે દરેકે નાગરિક બનવું પડે. સામાન્ય રીતે ભારતીયો રાજાનવાબોની 'રૈયત'ની ભૂમિકામાં સદીઓથી ગોઠવાયેલા હતા. એ માનસિકતા એટલી હદે હાડમાં ઉતરી ગઈ હતી કે આઝાદી આવ્યા પછી ઘણા લોકો માનતા હતા કે જવાહરલાલ નહેરુ ભારતના નવા રાજા છે અને ગાંધીજીએ તેમને એ ગાદીએ બેસાડ્યા છે.

રાજકીય વ્યવસ્થામાં જેમ રૈયતપણું કોઠે પડી ગયું હતું ('હશે, રાજા કે સરકાર માઈબાપને જે ગમ્યું તે ખરું...ધણીનો ધણી કોણ?’)  એવી જ રીતે ધાર્મિક વ્યવસ્થામાં 'સંભવામિ યુગે યુગે'ના સગવડિયા અર્થઘટનમાંથી પેદા થયેલું આશ્વાસન હતું, 'આપણે શા માટે કંઈ કરવું જોઈએ? કોઈ ઉદ્ધારક આવશે અને જાદુઈ લાકડી ફેરવીને આપણો ઉદ્ધાર કરી નાખશે.’

એટલે આપણે લોકશાહીથી ચૂંટીને મોકલેલા નેતાઓમાં સેવકને બદલે રાજા અને ઉદ્ધારક શોધતા રહ્યા. કોઈમાં જરા ભલી વાર દેખાય, કોઈ જરા સારું કામ કરે, એટલે તેને સીધા ઉદ્ધારકની ભૂમિકામાં જ ગોઠવી દેવાના. 'બસ, હવે એ આવે એટલી વાર છે...પછી જુઓ, કેવો ચમત્કાર થઈ જાય છે.’ -- આવી માનસિકતા ક્યારેક કોઈની તરફેણમાં ને ક્યારેક કોઈના વિરોધમાં કામ કરતી રહી. (એક વાર આ જાય એટલી વાર... પછી જુઓ, દેશની સિકલ કેવી ફરી જાય છે.’) બંને પરિસ્થિતિમાં એક વાત નક્કી હતીઃ આપણે ઉદ્ધારકની રાહ જોવાથી વધારે કશું કરવાના નથી.

દરેક સ્વતંત્રતા દિવસ ઢંઢોળીને યાદ અપાવે છે કે જાગો, રૈયતમાંથી નાગરિક બનવાનો સમય થઈ ગયો છે, ભક્તહૃદયે ઉદ્ધારકની રાહ જોવાનું છોડીને સ્વસ્થ ચિત્તે સેવકો પાસેથી કામ લેવાનું છે, તેમને જવાબદાર બનાવવાના છે અને ઉત્તરદાયી પણ. નેતાઓ બીજા ગ્રહ પરથી નથી આવતા. એ આ જ સમાજમાંથી આવે છે. તે સમાજની મર્યાદાઓનો કસ કાઢીને, તેની નબળાઈઓને બરાબર નીચોવીને પોતાનો સ્વાર્થ સાધે, ત્યારે તેને દુષ્ટતાને બદલે 'ચાણક્યબુદ્ધિ'નું લેબલ લાગે છે. એ રાજકારણ જેટલી જ સમાજનાં બદલાયેલાં મૂલ્યોની તાસીર છે.

સાથે વિચારવા જેવું એ પણ છે કે જ્ઞાતિ, પેટાજ્ઞાતિ, ધર્મ-કોમ જેવી અસંખ્ય દીવાલો બર્લિનની દીવાલની જેમ બહારની જમીન પર ઊભી થયેલી નથી. એટલે જ, બર્લિનની દીવાલની જેમ તેને એક વારમાં ભોંયભેગી કરી શકાતી નથી.  નેતાઓ એ દીવાલોને મજબૂત બનાવી શકે છે, પણ તેને તોડવાનું કામ નાગરિકોએ શરૂ કરવાનું છે. નાગરિકો એક વાર નક્કી કરી લે કે આ દીવાલો તોડ્યા વિના આપણો છૂટકો નથી, તો પછી રાજકીય પક્ષોના ગમે તેટલા પ્રયાસ નહીં ફળે. પરંતુ ધર્મરક્ષા કે પરંપરા-સંસ્કૃતિના ગૌરવ જેવાં ઘણાં કારણે નાગરિકો એ દીવાલોની કેદમાં ભારે સુખ અને સલામતી અનુભવે છે. આવી દીવાલ તોડવાની કોશિશ કરનારા કે એ માટે સમજાવનારા તેમને ધર્મદ્રોહી ને દેશદ્રોહી લાગી શકે છે. જાણીતી વાર્તાની જેમ, લોકોને લાગે છે કે ભેદભાવની દીવાલોએ તેમને પકડી રાખ્યા છે અને એ દીવાલો તેમને છોડતી નથી.

સ્વરાજ એટલે આવી દીવાલોને અને તેને ટેકો આપીને પોતાનો ધંધો કરી લેનારા લોકોને ફગાવીને રૈયતમાંથી નાગરિક બનવું, એક યા બીજા રાજકીય પક્ષોના ભાડૂતી કે માનદ્ સિપાહી તરીકે વિચારશક્તિ ગીરવે મૂકવાને બદલે,  રોજબરોજના વાસ્તવિક પ્રશ્નોના ઉકેલ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું, રાજનેતાઓને બેફામ બનતાં રોકવાની સત્તા ધરાવતી બંધારણીય સંસ્થાઓ મજબૂત બને અને આઝાદી થકી ઉપલબ્ધ બનેલી મોકળાશ ધર્મ, સંસ્કૃતિ કે રાષ્ટ્રવાદના નામે છીનવાઈ ન જાય એ વિશે સતત સાવચેત રહેવું...આવા સ્વરાજ માટે શુભેચ્છા. 

2 comments:

  1. મુદ્દાની વાત. excellent. લક્ષ્યવેધી.

    ReplyDelete
  2. Dost Urvish ---સ્વરાજ એટલે આવી દીવાલોને અને તેને ટેકો આપીને પોતાનો ધંધો કરી લેનારા લોકોને ફગાવીને રૈયતમાંથી નાગરિક બનવું...excellentI---Freedom is more important than anything, even love. We earned freedom, but due to ‘master-slave’ mindsets for ages, so many are living in the same mode. New Maharajas are Ministers, Industrialists and Bureaucrats. Vast majority is still far from being healthy, educated and employed. Thus living standards overall is not to be proud of. All 4 pillars of democracy (Judiciary, Legislative/executive, Academia and Media ) are corroded and are in shambles. Good people are there, who silently keep on doing their good work. That is what keeps India on path of aspiration to be a developed nation same day. माना की अँधेरा बहोत घना है, पर अपना दिया तो जलाके के रख ही सकते हैं। Khuman

    ReplyDelete