Wednesday, July 04, 2012

દાળ-ભાતઃ ખુશ્બુ ગુજરાતકી


ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે  અમિતાભ બચ્ચનને રાખવામાં આવ્યા તેની સદીઓ પહેલાંથી દાળ-ભાત એ મોભાદાર સ્થાન ભોગવી રહ્યાં છે- અને તે પણ કોઇ સરકારી ટેકા કે પ્રચારખર્ચ વિના. ‘ગુજરાત’ અને ‘દાળ-ભાત’નો પ્રાસ મળતો હોવા છતાં, હજુ સુધી ‘જય જય ગરવી ગુજરાત’ પ્રકારનાં પ્રશસ્તિકાવ્યોમાં દાળ-ભાતનો સમાવેશ કેમ નથી થયો, એ નવાઇની વાત છે. ‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ દાળભાત’- જેવી ધ્રુવપંક્તિ ધરાવતું કાવ્ય કોઇ ઓજસ્વી રચયિતાની રાહ જુએ છે. પરંતુ એ રચાય કે ન રચાય, એનાથી દાળ-ભાતના દરજ્જામાં કશો ફરક પડતો નથી.

દાળ-ભાત ગુજરાતની ઓળખ છે, એમ કહેવામાં જોખમ છે. ઘણા લોકો ગુજરાતીઓને ઠપકાના ભાવથી ‘દાળભાતખાઉ’ તરીકે ઓળખાવે છે. હિંદી-ઉર્દુ ઉચ્ચારોમાં, બકૌલ દિલીપકુમાર, ‘દાલભાતકી બૂ’ આવવી એ મોટી ગેરલાયકાત ગણાય છે. બને કે નવી પેઢીના ગુજરાતીઓ આઘુનિકતા સાથે કદમ મિલાવવા માટે, દાળ-ભાત સાથે પહેલાં જેટલો એકાત્મભાવ અનુભવી શકતા ન હોય. ગુજરાતીઓને ગાંધી જેવા ગાંધી સાથે છેડો ફાડતાં વાર ન લાગતી હોય, તો દાળ-ભાતની શી વિસાત? છતાં, ગુજરાતને અલગ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે તો તેના રાષ્ટ્રિય ખોરાકનો દરજ્જો વિના વિવાદે દાળ-ભાતને જ મળી શકે, એટલાં ઊંડાં તેનાં સાંસ્કૃતિક મૂળીયાં છે.

પંજાબી ભાષામાં કદી એવી કહેવત સાંભળી છે કે ‘દાલફ્રાય બગડી તેનો દિવસ બગડ્યો?’ એ કહેણી ગુજરાતમાં જ છે. તેમાં ઉલ્લેખ ભલે એકલી દાળનો થયો હોય, પણ રાધા-કૃષ્ણ અને શિવ-પાર્વતીની જેમ દાળ-ભાત અભિન્ન છે. તેમનું અસ્તિત્ત્વ એકમેકથી સંપૂર્ણ સ્વતંત્ર હોવા છતાં, એકબીજા થકી જાણીતું અને શોભીતું છે. રાધા-કૃષ્ણની કવિતાઓમાં સઘળી કલ્પનાશક્તિ ઠાલવી નાખનાર ઘણા ગુજરાતી કવિઓનું ઘ્યાન દાળ-ભાતની જોડી  તરફ કદી કેમ નહીં ગયું હોય? ‘આ ભાત ચડ્યો તે કાનજી ને દાળ ઢળી તે રાધા’- એવું કોઇ કવિને ગાવાનું કદી  સૂઝ્‌યું જ નહીં? કાનુડાની રાસલીલાની જેમ ભાતની દાળલીલાને તેમણે કાવ્યમાં સ્થાન આપ્યું હોત તો વાસ્તવિકતાની ઉપેક્ષા કરીને રાધાકૃષ્ણની પાછળ મચ્યા રહેવાનો તેમની પરનો આરોપ થોડો હળવો ન બન્યો હોત?

આપણી આસપાસ એવાં ઘણાં જોડાં જોવા મળે છે, જેમની વચ્ચે કોઇ જાતનું સામ્ય ન હોય, છતાં તેમની જોડી બરાબર જામી હોય. દાળ-ભાત પણ એ પ્રકારની જોડીમાં આવે છે. માત્ર દેખાવની કે દબદબાની ફુટપટ્ટીથી માપતાં એ કજોડું લાગે, પરંતુ જોડી જમાવવા માટે સામ્ય હોવું અનિવાર્ય નથી. બલ્કે, વૈષમ્ય ઘણી વાર પૂરક અને ઉપકારક સિદ્ધ થાય છે. દાળ-ભાતનું યુગલ એ હકીકતનું ઉત્તમ ઉદાહરણ છે. ગુજરાતીઓને જેની એલર્જી છે તે વ્યાકરણની દિશામાં ફક્ત પહેલું પગલું માંડતાં જોઇ શકાશે કે બીજી કોઇ પણ જોડીની જેમ, આ જોડી પણ સ્ત્રીલિંગ- પુલ્લિંગની બનેલી છે. એટલું જ નહીં, તેમનાં કેટલાંક લક્ષણોની સરેરાશ સ્ત્રી અને પુરુષનાં લક્ષણો સાથે સરખામણી થઇ શકે એમ છે.

દાળ-ભાતના યુગ્મમાં નારીવાચક દાળને જેટલાં લાડ લડાવી શકાય છે અને તેના જેટલા શણગાર કરી શકાય છે, એ પુરુષવાચક ભાતના કિસ્સામાં શક્ય નથી. રાજસ્થાની સન પૂર્વેના- એટલે કે રાજસ્થાની રસોઇયાઓએ ગુજરાતી ભોજન પર આક્રમણ કર્યું તે પહેલાંના- જમાનામાં ગુજરાતી દાળનો દમામ કોઇ રજવાડાની મહારાણી જેવો હતો. આંબલીની ચટાકેદાર ખટાશ, સૂરણની ઘટ્ટતા, સૂકાં મરચાનો છમકાર- આ બધા શણગારથી સજ્જ દાળમાં ઉપરથી સિંગ-ખારેકનું ઉમેરણ થાય - અને મોટા તપેલામાં ઉકળતી એવી દાળની સુગંધ જેણે લીધી હોય તેને ખબર પડે કે ‘ખુશ્બુ ગુજરાતકી’ એટલે શું.

નારીવાદી સાહિત્યની નાયિકાની જેમ, જ્ઞાતિભોજનની દાળનાં સ્વાદ અને જાદુ એવાં હોય કે કોઇના ટેકા વિના તેનું અસ્તિત્ત્વ સર્વાંગસંપૂર્ણ લાગે. ભાત સાથે તેની જોડી ઉત્તમ હોવા છતાં, કોઇ ઇચ્છે તો રોટલી-પુરી સાથે કે એની પણ મદદ વિના ચમચીથી દાળ-પાન કરી શકે. અરે, ચટાકા-તમતમાટ વગરની ‘મોળી દાળ’નો પણ સફેદ વસ્ત્રો ધારણ કરતી સાદગીપૂર્ણ છતાં ગરીમાયુક્ત અભિનેત્રીઓ જેવો મોભો પડતો. ‘મોળી દાળ’ની ‘ગ્રેસ’ના પ્રેમીઓ પણ મોટી સંખ્યામાં હતા. મોળી કે સામાન્ય, પણ જ્ઞાતિભોજનની દાળ એવી ઘટ્ટ રહેતી કે આપણા વડવાઓને દાળ ‘ખાવા’ માટે કદી ચમચીની જરૂર પડી ન હતી. તેની સરખામણીમાં સાદો ભાત, વી.શાંતારામની ફિલ્મોના નાયક જેવો, ફિક્કો-બેરંગ લાગે. ભાતમાં શણગાર કરવા હોય તો પણ કેટલા થાય? પહેલાંના વખતમાં પુરૂષો માટે શણગાર એટલે અત્તર-પરફ્‌યુમ અને બહુ તો શર્ટની બાંયોમાં નાખવાનાં કફ લિન્ક. એવી જ રીતે ભાતમાં શણગાર એટલે સુગંધીદાર ચોખા, કફલિન્કની નાની પ્રતિકૃતિ જેવાં લવિંગ અને ઘી. એનાથી આગળ જે કંઇ કરવામાં આવે તેનાથી એ પુલાવ કે બિરીયાની બની શકે, પણ દાળ સાથે જોડી જમાવી શકે એવો ભાત તો ન જ રહે.

ઉજળા વાન પ્રત્યે સાહજિક પક્ષપાત હોવાને કારણે ઘણા ગુજરાતીઓ દાળની સરખામણીમાં કઢીને ચઢિયાતી ગણવાની માનસિકતા ધરાવે છે.  તેની પાછળ સ્વાદરસિકતા કરતાં, ક્યારેક બનતી કઢી માટેની નવાઇ વધારે જવાબદાર છે. કઢી એ કઢી છે. તેનું માહત્મ્ય જુદું છે. અમુક પ્રકારનાં મિષ્ટાન્નની સાથે દાળ ‘જતી નથી’ એવું ઘણાને લાગે છે. પરંતુ આ બાબત મહદ્‌ અંશે પરંપરાનો હિસ્સો છે અને પરંપરા માટે હંમેશાં ઔચિત્ય કારણભૂત હોય એવું જરૂરી નથી.  પરંપરાને આગળ ધરીને, દાળને કઢી કરતાં નીચી સાબીત કરવામાં દાળનું દેખીતું અપમાન છે. અત્યારની ફેશન પ્રમાણે તેને ગુજરાતનું અપમાન કહેવામાં પણ વાંધો નથી.

કેટલીક ફિલ્મોમાં જેમ અંતથી શરૂઆત થાય છે અને ફિલ્મ પૂરી થાય ત્યારે અંત ફરી વાર આવે છે. એવું જ જ્ઞાતિભોજનોમાં ભાત વિશે બનતું હતું. પહેલાં બધી વાનગીઓ સાથે ‘અપોષણ’નો ભાત પીરસાઇ જતો અને ભોજનના અંતે તેનો વધારે વિગતવાર રાઉન્ડ આવતો. ‘હું ભાત ખાતો નથી’ એમ કહેવું ત્યારે ફેશનેબલ ન હતું. બલ્કે, તે લગભગ ખાનારની અઘૂરપની- અસંસ્કારીતાની નિશાની ગણાતું. ‘ભાત ખાધા પછી ઉંઘ આવે છે’ એવી દલીલ પણ ત્યારે અસ્થાને હતી. કારણ કે જેમની પાસે પંગતમાં બેસીને, વાનગીઓ પીરસાય તેની અનંત કાળ સુધી રાહ જોવાનો સમય હોય, તે ભાત આરોગ્યા પછી નિરાંતે ઉંઘવાનો સમય ન કાઢી શકે? દાળ-ભાત ખાઇને હાથ ધોઇ નાખ્યા પછી પણ એકાદ દિવસ સુધી હાથમાં તેમની સુગંધ રહી જાય, એવો જમાનો હવે બદલાઇ ગયો છે. ચમચી વડે દાળ-ભાત આરોગતા લોકોના હાથમાં દાળની સુગંધ કેવી રીતે રહે એ સવાલ તો ખરો જ, પણ મુખ્ય પ્રશ્ન દાળના સ્વાદ અને માહત્મ્યનો છે.

અત્યારના વૈભવી ભોજન સમારંભોમાં અડાબીડ ગોઠવાયેલી વાનગીઓથી છેવાડે, ખૂણેખાંચરે દાળ-ભાતનું ટેબલ ગોઠવાયેલું જોઇને દાળપ્રેમીઓના હૃદયમાંથી ઉનો નિઃસાસો નીકળી જાય છે. જ્ઞાતિભોજનોમાં બટાટાના ટુકડાના ટેકે ઊભેલા ત્રાંસા પડિયામાંથી જેનો મહિમા છલકછલક થતો હતો એ દાળની આવી ઉપેક્ષા? ‘સગાં મેં દીઠાં શાહઆલમનાં....’ જેવો વિષાદ મનમાં જાગે છે. સાથોસાથ, પાંચસો-સાતસો-હજાર રૂપિયાની ડીશમાંથી દાળ-ભાતનો એકડો સાવ નીકળી ગયો નથી, એટલું આશ્વાસન દાળભાતપ્રેમી ગુજરાતી આત્માઓને હૈયાધારણ આપનારું બની રહે છે.

Tuesday, July 03, 2012

ત્રાસવાદ, ઇસ્લામ અને શબ્દોઃ અર્થના અનર્થ


મુંબઇ પરના ત્રાસવાદી હુમલાનો એક આરોપી ગયા અઠવાડિયે (સાઉદી અરબસ્તાનના સહકારથી) ઝડપાયો. તેનું નામ: ઝબિઉદ્દીન અન્સારી ઉર્ફે અબુ હમ્ઝા ઉર્ફે અબુ જંદલ. પરંતુ પ્રસાર માઘ્યમોમાં તેનો ઉલ્લેખ જિંદાલ, જુંદાલ, જુંદલ જેવાં જુદાં જુદાં નામે થતો રહ્યો છે. અપરિચિત ભાષા કે પ્રદેશનાં નામોના સાચા ઉચ્ચારનું કામ થોડો પ્રયાસ માગી લે એવું હોય છે. એમાં પણ અંગ્રેજી સ્પેલિંગનો સહારો લીધો તો ખલાસ. ભૂલ પડવાની પૂરેપૂરી સંભાવના. અંગ્રેજી Jundal ના આધારે ઉચ્ચાર કરવા જતાં જુંદાલ કે જુંદલ થાય એમાં શી નવાઇ? ‘બ્રેકિંગ ન્યૂઝ’ના યુગમાં ચેનલો અને તેમના વાદે બીજાં પ્રસાર માઘ્યમો ‘અમે બોલીએ તે સાચું’- એવો સાદો નિયમ અપનાવે એટલે ગુંચવાડા ઓર વધે. પરંતુ અરબી શબ્દોની બાબતમાં અમેરિકનો કરતાં વધારે પરિચિત એવા ભારતીયો ધરાર ખોટાં ઉચ્ચારણ કરે ત્યારે થોડી ચચરાટી થાય.

શેક્સપિયરને ટાંકીએ નહીં, તો પણ બધા જાણે છે કે જંદલને બદલે જિંદાલ થઇ જાય તેથી એના ગુનાની ગંભીરતામાં કશો ફરક પડતો નથી. પરંતુ આરોપી ખતરનાક પ્રકારના ત્રાસવાદી હુમલા સાથે સંકળાયેલો હોય ત્યારે, એકંદર ચીવટના ભાગરૂપે નામ અંગે થોડી ચીકાશ કરવાનું લાજિમ છે. (ગુજરાતી ભાષામાં ભળી ગયેલા અરબી શબ્દ ‘લાજિમ’નો અર્થ છેઃ છાજે એવું)

નામ અને અર્થ
અરબી શબ્દ ‘જંદલ’નો ગુજરાતીમાં અર્થ છેઃ મોટો પથ્થર, શિલા. ‘અબુ’ના ઘણા અર્થ છેઃ માલિક, પિતા, સાહેબ..ઉપરાંત તે પેગંબરસાહેબનું અને ચોથા ખલીફાનું પણ ઉપનામ છે. એટલે પોતાની ધાર્મિક કટ્ટરતા અને અડીખમપણું દર્શાવવા ઇચ્છતા ત્રાસવાદીઓને ઉપનામ તરીકે ‘અબુ જંદલ’ બહુ અનુકૂળ લાગે છે. એવી જ રીતે, ‘હમ્ઝા’નો અર્થ છેઃ સિંહ, વાઘ. એટલે ઓસામાના બોડીગાર્ડથી માંડીને અનેક પ્રકારના ત્રાસવાદીઓનાં વધારાનાં નામ એકસરખાં (અબુ જંદલ કે અબુ હમ્ઝા) કેમ હોય છે, તે સમજી શકાય એવું છે.

અબુ જંદલની ધરપકડ પછી ‘લશ્કરે તોઇબા’ના પ્રચલિત નામે ઓળખાતું ત્રાસવાદી સંગઠન ફરી ચર્ચામાં આવ્યું છે. તેનું અસલી નામ શું હોઇ શકે? અરબીમાં ‘તૈયબ’ એટલે પવિત્ર. દુનિયાભરની ત્રાસવાદી કાર્યવાહી કરનાર ટુકડીએ પોતાનું નામ રાખ્યું છેઃ પવિત્ર સૈન્ય- લશ્કરે તૈયબ. તેમનાં કારનામાંથી પવિત્રતાની વ્યાખ્યા બદલાઇ જતી હોય તો એમાં ખુદ એમના સિવાય બીજા કોનો વાંક કાઢી શકાય?

એવાં બીજાં કેટલાંક ત્રાસવાદી સંગઠનોનાં મૂળીયાં પણ ધર્મ અને ધાર્મિકતાની તેમની (ખોટી) સમજણમાં રહેલાં છે. જેમ કે, ‘હિઝ્‌બુલ મુજાહિદીન’. હિઝ્‌બ એટલે પક્ષ (પાર્ટી) અને મુજાહિદ એટલે વિધર્મી સાથે યુદ્ધ કરનાર, પરાક્રમી. તેનું બહુવચન છે મુજાહિદીન.

‘જૈશે મહંમદ’નો અર્થ છે મહંમદ (પેગંબર)ની ફોજ. પરંતુ મહંમદ પેગંબરની અસલી ફોજ નિર્દોષોની હત્યા કરવાનું ને આતંકવાદ ફેલાવવાનું કામ કરતી ન હતી, જ્યારે આઘુનિક જૈશે મહંમદ સત્તાધીશો અને ધર્મઝનૂનીઓના ઇશારે કંઇ પણ કરતાં ખચકાતી નથી.

કાશ્મીરના ત્રાસવાદના સંદર્ભે ‘હરકત-ઉલ-અંસાર’ અને ‘અલ બદ્ર’ જેવાં સંગઠનોનાં નામ એકાદ દાયકા પહેલાં ઘણાં પ્રચલિત હતાં. અરબીમાં ‘અલ’ અંગ્રેજી આર્ટિકલ the ની જેમ વપરાય છે.(દા.ત. અલ-મસ્ત એટલે નશામાં-મોજમાં મસ્ત હોય એવું.) બદ્રનો સંદર્ભ ઇસ્લામના ઇતિહાસમાંથી મળે છે. ઇસ્લામની સ્થાપના થયાનાં ૧૩ વર્ષ પછી મક્કાના રૂઢિચુસ્ત કુરેશીઓ અને પેગંબરસાહેબની ફોજ વચ્ચે બદ્રની ખીણમાં યુદ્ધ થયું હતું. ઇસ્લામનું તે પહેલું ધર્મયુદ્ધ ગણાય છે. એટલે નવા જમાનામાં, પોતાની રૂઢિચુસ્ત-ઝનૂની સમજણ પ્રમાણે ‘ધર્મયુદ્ધ’  કરનારું સંગઠન એટલે અલ બદ્ર.

‘હરકત’ એટલે હિલચાલ અને ‘નસ્ર’ એટલે મદદ. નસ્રનું બહુવચન થાય છે અંસાર. ઇસ્લામમાં ‘અંસાર’નો અર્થ છે પેગંબરસાહેબને મદદ કરનાર. મહંમદ પેગંબર મક્કા છોડીને મદીના ગયા ત્યારે તેમને અને તેમના સાથીદારોને પોતાના ઘરમાં આશ્રય આપનારા ‘અંસાર’ તરીકે ઓળખાયા. પરંતુ હરકત-ઉલ-અંસાર માટે ‘હરકત’ શબ્દનો બીજો અર્થ (અડચણ, રુકાવટ) વધારે લાગુ પડે એવો હતો.

ઓસામા જીવતો હતો ત્યારે તેનાં ઓસ્મા કે ઉસામા જેવાં નામ પણ પ્રચલિત હતાં. એ અરસામાં પાકિસ્તાનની પ્રખ્યાત ફિલ્મ ‘ખુદાકે લિયે’/ Khuda Ke Liyeના હીરોને ખોટા આરોપસર અમેરિકાની જેલમાં પુરવામાં આવે છે ત્યારે શરૂઆતના દિવસોમાં તે કોટડીની દીવાલો પર I Love USA લખે છે. પરંતુ તેની નિર્દોષતાને કોઇ ગણકારતું નથી ત્યારે તે USA માં બે અક્ષર ઉમેરીને I Love USAMA કરી નાખે છે. હા, સાચો શબ્દ છેઃ ઉસામા. તેનો અર્થ પણ ‘હમ્ઝા’ જેવો જ થાય છેઃ સિંહ, વાઘ. (આ બન્ને પ્રાણીઓ માટે એક જ શબ્દ શા માટે વપરાતો હશે, એ વિશે જાણકારો પ્રકાશ પાડી શકે.)

ઇસ્લામના પવિત્ર પુરૂષ તરીકે ‘હજરત મહંમદ પેગંબર’ એ જાણે આખું નામ હોય એ રીતે જ મનમાં આવે છે. તેમાંથી ‘હજરત’ એ કોઇ પણ વ્યક્તિ માટેનું માનસૂચક સંબોધન છે અને ફારસી શબ્દ ‘પયગામ’ (સંદેશો) પરથી સંદેશો લાવનાર પયગામબર-પેગંબર તરીકે ઓળખાય છે. આ કિસ્સામાં પેગંબરનો અર્થ છેઃ દૈવી સંદેશો લાવનાર.

આ તો થઇ રૂઢ શબ્દો-નામ અને તેમના પ્રમાણમાં ઓછા જાણીતા અર્થની વાત. ફક્ત નામમાં આવી સ્થિતિ હોય, તો ધર્મના સિદ્ધાંતો કે દૈવી વાણીનાં અર્થઘટનોમાં કેટલી ‘વિવિધતા’ હશે, તે કલ્પી શકાય.

સગવડીયું  અનર્થઘટન
હિંદુ-મુસ્લિમ ખટરાગ સંબંધે સૌથી વઘુ ચર્ચાસ્પદ શબ્દોમાંનો એક છેઃ કાફિર. કેટલાક કટ્ટરપંથી મુસ્લિમો હિંદુઓને જ નહીં, ઉદારમતવાદી મુસ્લિમોને પણ કાફિર ગણતા હોય છે. આઝાદી પહેલાં મહંમદઅલી ઝીણા મુસ્લિમોના નિર્વિવાદ નેતા બન્યા ન હતા ત્યારે દિલ્હીના એક મુસ્લિમ આગેવાન હતાઃ હકીમ અજમલખાન. એક જમાનામાં દિલ્હી પ્રાંતની હિંદુ પરિષદના પ્રમુખ તરીકે પસંદ થયેલા હકીમસાહેબ સમક્ષ ગાંધીજીએ મુસ્લિમોના પ્રતિનિધિ બનવાનો પ્રસ્તાવ મૂક્યો ત્યારે તેમણે કહ્યું હતું,‘મુસલમાનોના પંચ તરીકે હું યોગ્ય નથી. તે મને માન્ય રાખે કે કેમ તેની મને શંકા છે...મુસલમાન પૈકી ઘણાઓએ મને ‘કાફર’નું ઉપનામ આપ્યું છે. (‘જીવનનાં ઝરણાં’, લેખકઃ રાવજીભાઇ પટેલ,બીજી આવૃત્તિ, ૧૯૫૯, પાના નં. ૨૭૭).

કાફરનો એક અર્થ અલ્લાહમાં ન માનનાર, વિધર્મી- એવો થાય છે. પરંતુ ઘણા ધર્મઝનૂનીઓ પોતાના જેવા અંધ ઝનૂની ન હોય એવા બધાને કાફર ગણી કાઢવા ઉત્સુક હોય છે. હકીકતમાં ‘કાફર’ શબ્દના બીજા અર્થ છેઃ ઇશ્વરે આપેલી બક્ષિસો બદલ તેનો આભાર ન માનનાર, સત્યને છુપાવનાર. સત્યને છુપાવનારને ‘કાફર’ ગણવામાં આવે તો ધર્મની ઓથ લઇને હિંસા-હિંસકતામાં રાચતા કેટલા બધા ધર્મઝનૂનીઓ પોતે એ અર્થમાં ‘કાફર’ પુરવાર થાય.

કાફર જેવો જ બીજો શબ્દ છેઃ જેહાદ. તેનો સીધોસાદો - અને ખોટો- અર્થ ‘બિનમુસ્લિમો સામેનું ધર્મયુદ્ધ’ એવો કરવામાં આવે છે અને એ ખોટા અર્થની રૂએ તમામ પ્રકારની ત્રાસવાદી કાર્યવાહીને ‘જેહાદ’ તરીકે ખપાવવાનો પ્રયાસ થાય છે. ઇસ્લામના ઐતિહાસિક ઘટનાક્રમ પ્રમાણે, શરૂઆતનાં વર્ષોમાં મક્કાના કુરેશીઓ તરફથી પેગંબરસાહેબના અનુયાયાઓને ઘણી કનડગત થતી હતી. નવા મુસ્લિમ બનેલા કેટલાક લોકો આ ત્રાસથી કંટાળીને પાડોશી દેશ ઇથિયોપિયા પહોંચ્યા. ત્યાંના ઉદાર ખ્રિસ્તી રાજાએ મુસ્લિમોને સમાવ્યા અને તેમને રક્ષણ આપ્યું. ધર્મના રક્ષણ ખાતર વતન છોડવાનું મુસ્લિમોનું આ પગલું ‘જેહાદ’ કહેવાયું. ‘જેહાદ’ શબ્દના અર્થ છેઃ ધર્મના નામે કોઇ પણ પ્રકારની કોશિશ કરવી- ગરીબોની સેવા, અનાથોનું પાલનપોષણ, નિયમિત નમાજ, દાનપુણ્ય વગેરે.

એ બધામાં સૌથી મોટી જેહાદ કઇ? ત્રાસવાદીઓનાં કરતૂત જોઇને એવું લાગે કે વિધર્મીઓની હત્યા કરવી, તેમની ભૂમિ પર ત્રાસવાદ ફેલાવવો અને ઇસ્લામના વિશ્વવિજયનાં સ્વપ્નાં જોવાં, એ જ સાચી જેહાદ ગણાતી હશે. પરંતુ હકીકત સાવ જુદી છે.

માણસ પોતાના મનોવિકાર અને ગુસ્સા પર વિજય મેળવે, તેને પેગંબરસાહેબે સૌથી મહાન જેહાદ (જેહાદે અકબર) ગણાવી છે. પોતાના રાજ્યમાં રહેતા ઇસ્લામવિરોધી ખ્રિસ્તીઓ સંબંધે હજરત પેગંબરના કેટલાક આદેશઃ તેમની સામે મુસ્લિમોએ હથિયાર ઉપાડવાં નહીં, બહારની કોઇ ખ્રિસ્તી સત્તા સાથે લડાઇ થાય ત્યારે આપણા દેશમાં વસતા કોઇ ખ્રિસ્તી સાથે, તે ફક્ત ખ્રિસ્તી છે એટલા કારણથી, અપમાનભર્યું વર્તન કરવું નહીં.

પોતાની જાતને ઇસ્લામના અનુયાયી ગણાવતા ઘણા લૂંટારા-હુમલાખોરોએ આખેઆખો ઇસ્લામ જાણે મૂર્તિઓ તોડવામાં સમાયેલો હોય, એવું વર્તન ભૂતકાળમાં કર્યું છે. પરંતુ હજરત પેગંબરે કરેલા મૂર્તિપૂજાના વિરોધ અને દયાનંદ સરસ્વતી જેવા સુધારાવાદીએ કરેલા મૂર્તિપૂજાના વિરોધમાં તાત્ત્વિક રીતે સામ્ય હતું. ઇસ્લામની સ્થાપના પહેલાં સદીઓથી મક્કામાં આવેલા કાબામાં જુદા જુદા આકાર અને પદાર્થોની બનેલી ૩૬૦ મૂર્તિઓ હતી. તેના કારણે આરબો વચ્ચે એકતા સ્થપાવાને બદલે કાયમ વિખવાદ અને અશાંતિ રહેતાં હતાં. પોતાનો સમાજ મૂર્તિપૂજામાં અટવાયેલો રહેવાને બદલે આગળ વધે એ હેતુથી પેગંબરસાહેબે મૂર્તિપૂજાની મનાઇ ફરમાવી. તેનો અર્થ ‘મુસ્લિમોએ દુનિયાભરનાં મંદિર-મૂર્તિ તોડી નાખવાં’ એવો કેવી રીતે થઇ શકે?

ઇ.સ.૬૨૯માં પેગંબરસાહેબ તેમના અનુયાયીઓ સાથે હજ કરવા મક્કા પહોંચ્યા ત્યારે ઇસ્લામ અને પેગંબર પ્રત્યે વેર રાખનાર કુરેશીઓ સાથે તેમની સુલેહ થઇ ચૂકી હતી. પેગંબરસાહેબ સહિત સૌ મુસ્લિમ અનુયાયીઓએ શાંતિપૂર્વક કાબાની પ્રદક્ષિણા અને બીજી રીતરસમો અદા કરી ત્યારે કાબામાં તમામ મૂર્તિઓ મોજૂદ હતી. મૂર્તિઓનું ખંડન બહાર નહીં, પણ પોતાના મનમાં કરવાનું હતું, જેથી અંધશ્રદ્ધા અને બાહ્યાચારમાંથી મુક્તિ મળે અને નિયંતા મનાતા એક જ ઇશ્વર-એક જ અલ્લાહમાં અનુયાયીઓનું ઘ્યાન પરોવાય.

- પરંતુ સત્તા અને રાજકારણ માટે ધર્મનો ઉપયોગ કરનારા  લોકો તથા તેમનાં પ્યાદાં જેવા જંદલો, હમ્ઝાઓ અને તૈયબોને આ બધી વિગતો સાથે શી લેવાદેવા?

(ઇસ્લામ અને પેગંબરસાહેબ વિશેની માહિતીનો સંદર્ભઃ ‘હજરત મહંમદ અને ઇસ્લામ’ લેખકઃ પંડિત સુંદરલાલ, નવજીવન પ્રકાશન, પહેલી આવૃત્તિનું વર્ષ ૧૯૪૫, છેલ્લું પુનઃમુદ્રણઃ ૨૦૦૯)

Sunday, July 01, 2012

‘રાજા હરિશ્ચંદ્ર’ના સર્જક દાદાસાહેબ ફાળકેઃ સિદ્ધિ અને સંઘર્ષ


દાદાસાહેબ ફાળકે/ dadasaheb phalke

ભારતીય ફિલ્મઉદ્યોગનાં સો વર્ષ નિમિત્તે તેના આદિપુરૂષ તરીકે દાદાસાહેબ ફાળકેનું નામ ઘણી વાર યાદ કરવામાં આવ્યું. ‘રાજા હરિશ્ચંદ્ર’ (૧૯૧૩)થી શરૂ થયેલી ભારતીય ફિલ્મોની સફરના જાણીતા પડાવ વઘુ એક વાર અહેવાલોમાં ચમક્યા. પરંતુ પુરાણકથાના રાજા હરિશ્ચંદ્ર જેવી દાદાસાહેબ ફાળકેની સંઘર્ષકથા અને તેનો કરુણાંત મોટે ભાગે અજાણ્યા જ રહ્યાં છે. 

ફિલ્મકાર દાદાસાહેબ- ઘુંડીરાજ ગોવિંદ- ફાળકેના ઘડતરમાં ગુજરાતનો, ખાસ તો વડોદરાનો, મોટો ફાળો હતો. જુવાનીનાં કિમતી ૧૬ વર્ષ (૧૮૮૫થી ૧૯૦૧) તેમણે વડોદરા અને ગોધરામાં ગાળ્યાં. અસલમાં તે ત્ર્યંબકેશ્વર-નાસિકના બ્રાહ્મણ (જન્મઃ ૩૦ એપ્રિલ, ૧૮૭૦), પણ તેમનો ઝોક કૌટુંબિક વ્યવસાય કરતાં કળા તરફ વધારે હતો. તેમના પિતાને નોકરી માટે મુંબઇ જવાનું થયું, એટલે દાદાસાહેબ પણ મુંબઇ ઉપડ્યા અને ત્યાંની જે.જે.સ્કૂલ ઓફ આર્ટ્‌સમાં એક વર્ષનો કોર્ષ કર્યો. એટલાથી સંતોષ ન થતાં, તે પહોંચ્યા વડોદરા. ગાયકવાડી રાજમાં, વિખ્યાત રસાયણશાસ્ત્રી ત્રિભુવનદાસ ગજ્જરના વડપણ હેઠળ સ્થપાયેલા ‘કલાભવન’માં તેમણે પાંચ વર્ષ અભ્યાસ કર્યો. એ જમાનામાં ‘કલાભવન’માં ચિત્રકળા ઉપરાંત ફોટોગ્રાફી અને લેબોરેટરીની સુવિધા હતી. ફાળકેએ તેનો બરાબર કસ કાઢ્‌યો. પહેલો સ્ટીલ કેમેરા પણ તેમણે વડોદરાનિવાસ દરમિયાન ૧૮૯૦માં ખરીદ્યો. એ વખતે તેમની ઉંમર હતીઃ વીસ વર્ષ.

કલાભવનમાં અભ્યાસ પૂરો થયા પછી તે વડોદરા રહી પડ્યા. થોડા સમય માટે ગોધરામાં ફોટો સ્ટુડિયો પણ કાઢ્‌યો. એ વખતે ઘણા લોકો માનતા હતા કે ફોટો પડાવવાથી જિંદગીનો થોડો હિસ્સો કેમેરા ખાઇ જાય છે. એટલે ફાળકેનો ધંધો ન ચાલતાં તે ફરી વડોદરા આવ્યા. એક જર્મન જાદુગર પાસેથી તાલીમ મેળવીને તેમણે જાદુના ખેલ પણ કર્યા. આ સમયગાળા વિશે આગળ જતાં તેમણે કહ્યું હતું, ‘એક સફળ ફિલ્મકાર બનવા માટે જરૂરી તમામ આવડતો મારામાં વિકસી, તેમાં વડોદરા અને કલાભવનનો ફાળો મહત્ત્વનો હતો.’

વડોદરા છોડ્યા પછી તેમણે પુરાતત્ત્વ વિભાગમાં ને રાજા રવિવર્માના પ્રેસમાં નોકરી જેવાં જુદાં જુદાં કામ કર્યાં. ૧૯૦૯-૧૦માં તેમણે પહેલાં પૂના અને પછી મુંબઇમાં પોતાનું પ્રિન્ટિંગ પ્રેસ શરૂ કર્યું. એ અરસામાં તેમને ફિલ્મ જોવાનો પ્રસંગ પડ્યો. એ ફિલ્મ હતીઃ ‘લાઇફ ઓફ ક્રાઇસ્ટ’. ફિલ્મ જોઇને આશ્ચર્યચકિત-પ્રભાવિત થયેલા ફાળકેના મનમાં ચક્રો ચાલવા લાગ્યાં :‘આપણાથી આવી ફિલ્મ ન બને? આપણા ભગવાન વિશે આવી ફિલ્મ બનાવી હોય તો?’ ફિલ્મના માઘ્યમ વિશે તેમને કશી ખબર નહીં, પણ જ્યાંત્યાંથી મળ્યું એટલું સાહિત્ય વાંચી કાઢ્‌યું. પછી લાગ્યું કે ઇંગ્લેન્ડ ગયા વિના મેળ નહીં પડે. એટલે પોતાની જીવનવીમા પોલીસી પર રૂ.૧૦ હજારની લોન લઇને તે ઇંગ્લેન્ડ ઉપડ્યા. એ વખતે ચાલતા સામયિક ‘બાયોસ્કોપ’ના તંત્રીની ઓળખાણથી ફાળકેને ઇંગ્લેન્ડના વોલ્ટન સ્ટુડિયોમાં ફિલ્મ કેવી રીતે બને અને તેમાં કેવી પ્રક્રિયાઓ સંકળાયેલી હોય છે, તેનો અભ્યાસ કરવાની તક મળી. પહેલો મૂવી કેમેરા પણ ફાળકેએ ત્યાં ખરીદ્યો અને તેનો ટ્રાયલ લીધો.

તાલીમ અને કેમેરાથી સજ્જ ફાળકે ભારત પાછા તો આવ્યા, પણ પોતાની ફિલ્મ માટે નાણાં ધીરનાર ક્યાંથી શોધવા? અને તેમને પોતાની આવડતની ખાતરી શી રીતે આપવી? નમૂના ખાતર ફાળકેએ વટાણાના વૃદ્ધિ પામતા છોડનું દોઢ-બે મહિના સુધી તબક્કાવાર શૂટિંગ કર્યું અને તેની બે મિનીટની ડોક્યુમેન્ટરી બનાવી. તેમાં ફક્ત બે મિનીટમાં વટાણાનો છોડ મોટો થતો જોઇને લોકોને આશ્ચર્ય થયું અને ફાળકેની આવડત પર ભરોસો પણ પડ્યો. મિત્ર યશવંત નાડકર્ણીએ ફિલ્મ માટે રૂપિયા ધીરવાનું કબૂલ્યું. (જનીનશાસ્ત્ર-જિનેટિક્સ-ના ઉદ્‌ભવ અને વિકાસના પાયામાં પણ વટાણાના છોડ હતા. પાદરી ગ્રેગર મેન્ડેલે વટાણાના છોડના અભ્યાસથી આનુવંશિકતાનાં લક્ષણો તારવ્યાં હતાં.)

સ્ટુડિયોની સ્થાપના ફાળકેએ પોતાના ત્રણ માળના ઘરમાં જ કરી. પહેલી ફિલ્મ રાજા હરિશ્ચંદ્ર વિશે બનાવવાનું નક્કી કર્યું. તેમાં હરિશ્ચંદ્રના પાત્ર માટે તો ડી.બી.ધાબકે મળી ગયા, પણ તારામતી કોણ બને? કોઠાવાળી બાઇઓ પણ એટલી ‘આબરૂદાર’ હતી કે તે ફિલ્મોમાં કામ કરવા તૈયાર ન થાય. છેવટે સાળુંકે નામના એક યુવાનને ફાળકેએ તારામતી બનાવ્યો. (એક કથા પ્રમાણે, ફાળકે હોટેલમાં ગયા ત્યારે તેમણે સાળુંકેને ત્યાં કામ કરતો જોયો. એટલે વધારે પગારની ઓફર આપીને તે ભારતની પહેલી ‘હીરોઇન’ને ખેંચી લાવ્યા.)

પહેલી ફિલ્મ હતી. એટલે ફિલ્મના ડાયરેક્ટર ઉપરાંત મેક અપ મેનથી એડિટર સુધી જે ગણો તે બઘું ફાળકે પોતે જ હતા. મહેનત અને ધીરજથી તેમણે છ મહિનામાં ૩૭૦૦ ફીટ લાંબી ફિલ્મ તૈયાર કરી. ફિલ્મના ટાઇટલ હિંદી અને અંગ્રેજી બન્ને ભાષામાં મૂકવામાં આવ્યા. એપ્રિલ ૨૧, ૧૯૧૩ના રોજ મુંબઇના ખાસ પ્રેક્ષકો માટે અને મે ૩, ૧૯૧૩ના રોજ સામાન્ય પ્રેક્ષકો માટે ‘રાજા હરિશ્ચંદ્ર’ના શો શરૂ થયા.

ફિલ્મ જોવા લોકો તૂટી પડ્યા હોય એવું માની લેવાની જરૂર નથી. આખી રાત ચાલતા અને પૈસાવસૂલ મનોરંજન આપતા નાટકની સરખામણીમાં ૪૦ મિનીટની ફિલ્મ જોવા માટે ટિકિટના ડબલ પૈસા કોણ ખર્ચે? શરૂઆતમાં ફિલ્મને મળેલો નબળો પ્રતિસાદ જોઇને ફાળકેએ ફિલ્મ પહેલાં ડાન્સના લાઇવ શો શરૂ કર્યા. યોગ્ય પ્રચારપ્રસાર માટે ફિલ્મનો ‘પ્રેસ શો’ રાખ્યો. લોકોને ૪૦ મિનીટ ઓછી લાગતી હતી એટલે ફાળકેએ પ્રચારમાં ફિલ્મની ફ્રેમની સંખ્યા ચમકાવવાનું શરૂ કર્યું : ‘૫૦ હજાર સ્ટીલ ફોટોગ્રાફ્‌સની બનેલી, રસ્તા પર પાથરો તો સળંગ બે માઇલ સુધી પહોંચે એટલી લાંબી ફિલ્મ.’

પ્રચારના નુસ્ખા ફળ્યા. ‘રાજા હરિશ્ચંદ્ર’માંથી ફાળકે કમાયા, પણ ફિલ્મોની કમાણી ફિલ્મોમાં નાખવાની વૃત્તિને લીધે એ કાયમી સુખસમૃદ્ધિ  ન પામ્યા. ‘રાજા હરિશ્ચંદ્ર’ની સફળતા પછી તે મુંબઇને બદલે  નાસિકમાં સ્થાયી થયા. કારણ કે ત્યાં જંગલ, નદી, ઐતિહાસિક સ્થળો જેવાં લોકેશન એકદમ હાથવગાં હતાં. તેમણે બનાવેલી ફિલ્મો ‘ભસ્માસુર મોહિની’ અને ‘સાવિત્રી સત્યવાન’ હિટ થઇ.  ૧૯૧૮માં તેણે ભાગીદારીમાં ‘હિંદુસ્તાન ફિલ્મ કંપની’ સ્થાપી. તેની ફિલ્મો ‘કાલિયમર્દન’ અને ‘શ્રીકૃષ્ણજન્મ’ સફળતા પામી, પણ ખટરાગને કારણે ફાળકે કંપની છોડીને જતા રહ્યા. ૧૯૨૨માં તે કંપનીમાં ડાયરેક્ટર નહીં, પણ કેવળ ટેકનિકલ સલાહકાર તરીકે પાછા ફર્યા ત્યારે  ફિલ્મોની નવાઇ ઓસરી ચૂકી હતી. બીજી કંપનીઓ પૂરા જોશથી ફિલ્મનિર્માણમાં ઝંપલાવી ચૂકી હતી. પહેલી ફિલ્મ બનાવવાનો જશ એની જગ્યાએ, પણ વ્યવસાયમાં તેનાથી ફાળકેને કશો ફાયદો થાય એમ ન હતો.

૧૯૩૧માં બોલતી ફિલ્મોનો યુગ શરૂ થયા પછી તેમણે બે ‘ટોકી’બનાવીઃ સેતુબંધન (૧૯૩૪) અને ગંગાવતરણ (૧૯૩૭). ૬૭ વર્ષની ઉંમરે હિંદી અને મરાઠી એમ બે ભાષામાં બનાવેલી ‘ગંગાવતરણ’ દાદાસાહેબ ફાળકેની છેલ્લી ફિલ્મ હતી.
'ગંગાવતરણ'માં ચિટણીસ અને લીલા મિશ્રા/ Chitnis & Leela Mishra in 'Gangavataran'
બે- અઢી દાયકાની ફિલ્મી કારકિર્દીમાં આશરે ૧૦૦ ફીચર ફિલ્મો અને ત્રીસેક ટૂંકી ફિલ્મો બનાવનાર ફાળકેનું ફેબ્રુઆરી ૧૬, ૧૯૪૪ના રોજ નાસિકમાં અવસાન થયું, ત્યારે  એ ઉગતા સૂરજને પૂજતી દુનિયા અને ફિલ્મઉદ્યોગમાં સદંતર વિસરાઇ ચૂક્યા હતા. એક કથા પ્રમાણે, પાછલાં વર્ષોમાં તેમને  કેમેરા સાફ કરવાની નોકરી આપવાનો પણ એક સ્ટુડિયોમાલિકે ઇન્કાર કર્યો હતો. ફિલ્મઉદ્યોગની કરુણાંત કથાઓમાં જોકે દાદાસાહેબ ફાળકે ‘પિતામહ’ ન હતા. મૂંગી ફિલ્મો પછી બોલતી ફિલ્મોનો યુગ આવ્યો ત્યારે મૂંગી ફિલ્મોના ઘણા સ્ટાર અવદશાગ્રસ્ત થયા હતા. 

દાદાસાહેબ ફાળકેની જન્મશતાબ્દિન નિમિત્તે ૧૯૬૯માં ભારત સરકારે તેમની સ્મૃતિમાં ફિલ્મઉદ્યોગનું સર્વોચ્ચ સન્માન શરૂ કર્યું. નાસિકમાં દાદાસાહેબ ફાળકેનું સ્મારક પણ પાછલાં વર્ષોમાં ઊભું કરવામાં આવ્યું છે. ‘રાજા હરિશ્ચંદ્ર’ની ચારમાંથી બચેલી બે રીલ - ૧૧ મિનિટ, ૧૯ સેકન્ડની ફિલ્મ- હવે ‘યુટ્યુબ’ પર જોઇ શકાય છે. એ ફિલ્મ ૧૯૧૩ની મૂળ ફિલ્મ છે કે ૧૯૧૭માં બનેલી તેની ‘રીમેક’ એ વિશે મતમતાંતર છે. પરંતુ એ ફિલ્મના સર્જક દાદાસાહેબ ફાળકેનાં સિદ્ધિ, સંઘર્ષ અને કરુણાંત વિશે કોઇ મતભેદ નથી.

Wednesday, June 27, 2012

ચલણી નોટો પર ચિત્ર અંગે ગાંધીજીનો ઇન્ટરવ્યુ


ભારતમાં શબ્દાર્થમાં અને ઘ્વન્યાર્થમાં સિક્કા અનેક નેતાઓના પડ્યા છે, પણ જેમનું ચિત્ર ચલણી નોટ પર આવ્યું હોય એવા એક માત્ર નેતા છેઃ ગાંધીજી. ગાંધીજીના સિદ્ધાંતોની ગડી કરીને ગજવે ઘાલીને ફરવાની ભારતીયોને પૂરતી પ્રેક્ટિસ હતી. ગાંધીજીના ચિત્રવાળી ચલણી નોટો એ જ પ્રક્રિયાના ભૌતિક સ્વરૂપ જેવી હોવાથી, લોકોને તેમાં કશું અજુગતું ન લાગ્યું. ઘણા લોકોએ તેને રાષ્ટ્રપિતાના બહુમાન તરીકે જોયું. એમાં લોકોનો પણ શો વાંક? રાષ્ટ્રપિતાના બહુમાન માટે કરાતી મોટા ભાગની પ્રવૃત્તિઓ- પૂતળાં, હારતોરા, ઉજવણાં, ઉત્સવો- એક યા બીજી રીતે તેમના સિદ્ધાંતોનું અપમાન કરનારી હોય તો આ એક વધારે.

ગાંધીજીના ચિત્રને કારણે ‘ગાંધીછાપ’ તરીકે ઓળખાતી નોટો ભ્રષ્ટાચારીઓમાં ભારે લોકપ્રિય બની. વ્યવહારમાં ગીતાના સોગંદ કરતાં ગાંધીછાપ નોટોના સોગંદ વધારે વિશ્વસનીય ગણાવા લાગ્યા. હવે, સરકાર ચલણી નોટો પર બીજા નેતાઓનાં પણ ચિત્ર મૂકવાનું વિચારી રહી છે. એ સમાચાર જાણીને અને અત્યાર સુધી ચલણી નોટ પર મુકાયેલું પોતાનું ચિત્ર જોઇને ગાંધીજી શું વિચારતા હશે?

તુક્કા લડાવવાને બદલે ખુદ બાપુને જ પૂછવું જોઇએ, એમ વિચારીને એમને ફોન જોડ્યો. (તેમનો મોબાઇલ નંબર માગીને શરમમાં  ન નાખવા વિનંતી.)

પ્રઃ હલો, બાપુ?

ગાંધીજીઃ ના, ભાઇ. રોંગ નંબર.

પ્રઃ તો તમે કોણ બોલો છો?

ગાંધીજીઃ  હું મો.ક. ગાંધી છું.

પ્રઃ મૉક ગાંધી? બનાવટી ગાંધી? એ તો અહીં ગાંધીનગરમાં ને ગુજરાતમાં ને ભારતમાં હોય. મેં તો ઉપરનો નંબર લગાડ્યો છે.

ગાંધીજીઃ ‘મૉક’ નહીં, મો.ક.- મોહનદાસ કરમચંદ.

પ્રઃ અરે, તમે ગાંધીબાપુ બોલો છો, તો પછી રોંગ નંબર કેમ કહો છો? વાત ન કરવી હોય તો સીધી રીતે ના પાડી દેવી જોઇએ. ‘સત્યના પ્રયોગો’ના લેખક થઇને આવી નાની નાની બાબતોમાં જૂઠું બોલો છો? તમને દૂર રહીને પણ ચિંતાજનક ચિંતકોનો ચેપ લાગવા માંડ્યો?

ગાંધીજીઃ ભાઇ, ગુજરાતમાં લોકોને આજકાલ ‘બાપુ’ કહેતાં મોરારીબાપુનું કામ વધારે પડે છે. હું પર્વો-બર્વો યોજતો નથી ને લોકોને પરદેશ ફરવા લઇ જતો નથી. મારું કામ લોકોને અળખામણી લાગે એવી, પણ સાચી વાતો કહેવાનું છે. હું મોરારીબાપુ નહીં, પણ ગાંધીબાપુ છું - એ જાણ્યા પછી ઘણા લોકો ‘સોરી, રોંગ નંબર’ કહીને ફોન મૂકી દે છે. એટલે હું સમજ્યો કે તમારું પણ એવું જ હશે.

પ્રઃ ના, મારે તો અસલી બાપુનું કામ છે.

ગાંધીજીઃ જાણીને રાજી થયો. પણ હિંદનો કોઇ માણસ આવું કહે ત્યારે મને ધ્રાસ્કો પડે છે. સરદારે એક વાર મને સમજાવ્યું હતું કે ‘અત્યારના ભારતમાં અસલી ગાંધી એટલે પાંચસો રૂપિયાની નોટ.’ મને થયું કે સરદાર એમની પ્રકૃતિ પ્રમાણે ટીખળ કરતા હશે. પછી એમના કહેવાથી મહાદેવે મને છાપાનું એક કતરણ વંચાવ્યું. એમાં પાંચસો રૂપિયાની નોટ માટે ‘ગાંધીછાપ’ શબ્દ વાપર્યો હતો. હું ધારું છું કે તારે ગાંધીછાપનું નહીં, પણ ગાંધીનું જ કામ હશે.

સરદારઃ (બીજા રિસીવર પરથી) ગાંધીછાપનું કામ હોય તો એક મિનીટ ચાલુ રાખ. હું મહાદેવને કહી દઉં છું. એ તને ઇંદુનો (ઇંદિરા ગાંધીનો) ફોન નંબર આપી દેશે.

પ્રઃ અરે, સરદાર. તમે ક્યાંથી લાઇન પર? કે પછી તમે બાપુના ફોન પર જાપ્તો રાખો છો?

સરદારઃ ના રે, મારે ક્યાં વડાપ્રધાન બનવું છે તે એવા બધા ધંધા કરવા પડે? આ તો કેટલાક ડોબાઓએ બાપુ સાથે ફોન પર વાત કર્યા પછી, એમના નામે ગમે તેવું છાપી માર્યું હતું. ત્યારથી મેં ને મહાદેવે નક્કી કર્યું કે બાપુ ફોન પર ઇન્ટરવ્યુ આપવાના હોય ત્યારે બીજા રિસીવર પર મારે વાત સાંભળવી. પાછળથી કોઇ માથાકૂટ ન જોઇએ.

પ્રઃ ઓકે. બાપુ, મેં તમને જેના માટે ફોન કર્યો હતો એ મુદ્દો તમે સામેથી જ છેડી દીધો છે. મારે તમને એ જ પૂછવું હતું કે સો-પાંચસો રૂપિયાની ચલણી નોટો પર તમારું ચિત્ર જોઇને તમને કેવું લાગે છે?

ગાંધીજીઃ મારા જેવા બુઢ્ઢાને બદલે દેશના દરિદ્રનારાયણનું કોઇ પ્રતીક મૂક્યું હોત તો મને વધારે ગમત.

પ્રઃ હં, પણ એમાં મારા સવાલનો જવાબ મળતો નથી. અત્યારે તમારું ચિત્ર છે એનાથી તમને કેવું લાગે છે?

ગાંધીજીઃ મને થાય છે કે હું પાછો પૃથ્વી પર-ભારતમાં આવું અને આફ્રિકામાં જેમ પરવાનાની હોળી કરી હતી, એમ મારા ચિત્રવાળી નોટોની પ્રતિકૃતિ તૈયાર કરાવીને તેની હોળી કરું...

પ્રઃ એટલે તમે નકલી નોટો છાપશો? ખબર નથી, નકલી નોટો છાપવી એ ગુનો છે?

સરદાર (વચ્ચે પડીને) : એ ભાઇ, ફક્ત નકલી નોટો જ નહીં, નકલી ક્વોટો (અવતરણો) છાપવાની પણ મનાઇ છે. ખબર છે કે નહીં?  આ હું, ભારતનો પહેલા માહિતી-પ્રસારણ મંત્રી તને કહી રહ્યો છું.

પ્રઃ ઓહો, સરદાર, તમે લાઇન પર છો, નહીં? હું તો ભૂલી જ ગયો. સારું થયું તમે આવ્યા. તમને ખબર છે, ચલણી નોટો પર તમારું ચિત્ર મૂકવાની ઝુંબેશ ચાલે છે?

સરદારઃ અરે વાહ, દેશમાં હજુ ઝુંબેશો ચાલે છે? સરસ. કેટલા મર્યા, કેટલા ઘવાયા ને કેટલા જેલમાં ગયા?

પ્રઃ (ગૂંચવાઇને) એટલે? સમજ્યો નહીં.

સરદારઃ તે કહ્યું ને કે નોટો પર મારું ચિત્ર મૂકાવવાની ઝુંબેશ ચાલે છે. તો એ ઝુંબેશ કરતાં કેટલા લોકોએ રસ્તા પર અહિંસક દેખાવો કર્યા? સવિનય કાનૂનભંગ કર્યો? અને ધરપકડ વહોરી? કેટલાંનાં માથાં પોલીસના મારથી રંગાયાં?

પ્રઃ સરદારસાહેબ, તમને જાણીને બહુ આનંદ થશે કે બાપુની અહિંસાને પ્રજાએ બરાબર આત્મસાત્‌ કરી છે. હવે ઘણી ઝુંબેશો અને ઘણાં આંદોલન ઓનલાઇન થાય છે. હિંસાનું નામોનિશાન નહીં. શરીરબળનું કોઇ પ્રદર્શન નહીં. બસ, એક આંગળીથી માઉસ ક્લિક કરીને સત્યાગ્રહી બની શકાય છે. અંગુઠાથી મોબાઇલનાં બટન દબાવીને, મિસ્ડ કોલ કરીને રાષ્ટ્રવ્યાપી ચળવળમાં ભાગ લઇ શકાય છે. બાપુ સૂતરના તાંતણે આઝાદીની વાત કરતા હતા ને. આ તો એનાથી પણ બે ડગલાં આગળ છે. ભવિષ્યમાં સત્યાગ્રહીનાં પેન્શન લેવાનાં થાય ત્યારે પણ કોઇ ગોટાળા નહીં. બસ, જોઇ લેવાનું કે કેટલા લોકોએ લિન્ક ક્લિક કરી હતી ને કેટલાએ મિસ્ડકોલ કર્યા હતા.

ગાંધીજીઃ આવી ચળવળોમાં ભાગ લેવા માટે કેટલું બલિદાન આપવાની તૈયારી રાખવી પડે?

સરદારઃ કેટલું નહીં, શાનું...આ ચળવળોમાં ભાગ લેવા માટે સામાન્ય બુદ્ધિનું બલિદાન આપવાની પૂરેપૂરી તૈયારી રાખવી પડે, બાપુ. નવા જમાનામાં સત્યાગ્રહી થવું સહેલું નથી.

પ્રઃ સરદારસાહેબ, મને એમ કે તમે રાજી થશો- તમારું ચિત્ર મૂકવાની વાતથી અને તમને થયેલો અન્યાય થોડો હળવો થશે.

સરદારઃ અલ્યા, અમે નોટો પર ચિત્રો મૂકાવવા માટે બાપુ સાથે જોડાયા હતા? મારા ચિત્ર માટે કોણ ઝુંબેશ ચલાવે છે? કોને પૂછીને ચલાવે છે? અને શાનો અન્યાય?

પ્રઃ (અવાજમાં ખચકાટ સાથે) એ તો...ગાંધીજીએ તમને વડાપ્રધાન બનાવ્યા નહીં.

સરદારઃ (ખડખડાટ હસતાં) તે એનું આટલા વર્ષે શું છે? અને તને ખબર ન હોય તો કહી દઉં. મારા ખભે બાપુ પર બંદૂક ફોડનારાને તો હું પેલા ગોડસે કરતાં પણ ગયેલા ગણું છું...એમને એટલી પણ ખબર પડતી નથી કે સેનાપતિને નીચો પાડીને સિપાઇને મોટો ન બનાવાય...બોલ, બીજું કંઇ પૂછવાનું છે બાપુને?

પ્રઃ ચલણી નોટો પર મૂકવાના ચિત્ર વિશે તો થોડો પ્રકાશ પાડો.

સરદારઃ નોટો પર ચિત્ર છાપવું જ હોય તો હસતા બાપુનું નહીં, પણ ઉપવાસ પર બેઠેલા ગમગીન બાપુનું ચિત્ર છાપજો. જેથી લોકોને ખબર પડે કે પ્રામાણિકતાને બદલે કેવળ પૈસાની બોલબાલાથી બાપુ કેટલા દુઃખી છે અને એ ભારતમાં હોત તો તેમણે કૌભાંડો સામે અચૂક ઉપવાસ કર્યા હોત.

પ્રઃ અન્ના હજારેની જેમ?

સરદારઃ ના, બાપુને પ્રસિદ્ધિ પચાવતાં આવડે છે. એટલે ખોટી સરખામણીઓ કરીને તમે લોકો એમને વધારે બદનામ ન કરશો. બસ, હવે સવાલજવાબ બહુ થઇ ગયા. બાપુનો પ્રાર્થનાનો સમય થઇ ગયો છે.

(ફોન કપાઇ જાય છે અને તેના કર્કશ અવાજને બદલે ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ’ સંભળાતું હોય એવો ભાસ થાય છે.)

Tuesday, June 26, 2012

રૂપિયાનું અવમૂલ્યનઃ ચિંતા કે રાહત?


ગયા સપ્તાહે ભારતના ચલણ તરીકે રૂપિયાએ નવો વિક્રમ સ્થાપિત કર્યો. શુક્રવારના રોજ તેનું મૂલ્ય થયું ઃ ૧ અમેરિકન ડોલર બરાબર ૫૭.૩૩ રૂપિયા. ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આટલું નીચું અગાઉ કદી ઉતર્યું ન હતું.
 હકીકત એ પણ છે કે છેલ્લા ઘણા સમયથી ‘રૂપિયો અત્યાર સુધીની સૌથી નીચી સપાટીએ’ - એ મથાળું વારંવાર વાંચવા મળે છે. મહિનાઓથી ચાલતું રૂપિયાનું ‘દક્ષિણાયન’- તેની અધોગતિ અવિરતપણે ચાલુ છે- અને સંભવ છે કે આ લેખ તમારા સુધી પહોંચે ત્યારે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ૫૭.૩૩થી પણ આગળ વધી ચૂક્યું હોય. કેટલાક લોકો રમૂજમાં કહે છે તેમ, રૂપિયો હવે ‘સિનિયર સિટિઝન’ બનવાની તૈયારીમાં છે. એટલે કે ૧ ડોલર બરાબર ૬૦ રૂપિયાનો વિનિમય દર હવે હાથવેંતમાં છે.

 આંતરરાષ્ટ્રિય બજારમાં રૂપિયાના ભાવ ગગડતા જાય, એટલે પ્રાથમિક પ્રતિક્રિયા અરેરાટી, ચિંતા અને ટીકાની આવે. ‘એક ડોલર બરાબર રૂ.૪૦-૪૫ની સપાટીએથી ડૂબકી લગાવીને રૂપિયો છેક સિનિયર સિટિઝન બનવાની નજીક પહોંચી ગયો. કેટલું ખરાબ કહેવાય? ભારતનું અર્થતંત્ર સાવ ખાડે ગયું છે.’ એ પ્રકારના ઉદ્‌ગાર ઘણી વાર સાંભળવા મળે છે.

‘ડોલરની સામે રૂપિયો મજબૂત રહેવો જોઇએ. એમાં ભારતની મજબૂતી દેખાય અને તેનો વટ પડે’ એવું પણ અર્થશાસ્ત્ર સાથે સંબંધ ન ધરાવતા ઘણા લોકો માનવા પ્રેરાય છે. પરંતુ ઘરનું અર્થતંત્ર અને દેશનું અર્થતંત્ર જુદી બાબતો છે. મૂળભૂત સિદ્ધાંતો સરખા હોવા છતાં, દેશના  વિશાળ અર્થતંત્ર પર સીધી અને આડકતરી રીતે અસર કરતાં પરિબળોની સંખ્યા એટલી મોટી હોય છે કે તેમાં એક ને એક બે જેવા સીધા હિસાબ બેસાડી શકાતા નથી.

મજબૂતીના માપદંડ

રૂપિયાના અવમૂલ્યનની જ વાત કરીએ તો, ઘણા નિષ્ણાતો માને છે કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય ઘટે તે અર્થતંત્ર માટે (અમુક મર્યાદા સુધીમાં) સારું ગણાય. ગયા મહિને લગભગ આ જ તારીખોમાં એક ડોલરનો ભાવ હતોઃ ૫૬.૪૦ રૂપિયા. એ વખતે કેટલાક અભ્યાસીઓ અને આર્થિક અખબારોના લેખકોએ  અવમૂલ્યનને આવકારદાયક ગણાવ્યું.

ફક્ત એક જ વર્ષ પહેલાં, એક ડોલર બરાબર ૪૫ રૂપિયાની આસપાસનો ભાવ ચાલતો હતો. એ વધીને (એટલે કે, ડોલરની સરખામણીમાં ઘટીને) રૂ.૫૫ની આસપાસ ભલે પહોંચ્યો. તેમાં ખાસ ચિંતા કરવાપણું નથી- એવું ભારપૂર્વક કહેવામાં આવ્યું. તેના માટે અપાયેલું એક કારણઃ વિશ્વનાં કેટલાંક ચલણોની સરખામણીમાં રૂપિયો અપ્રમાણસરનો ‘મજબૂત’ હતો. એટલે કે તેની મજબૂતી અવાસ્તવિક અને ફુગાવાથી પ્રેરિત હતી.

ડોલરની સામે રૂપિયો મજબૂત હોય તો દેશની આયાત-નિકાસ પર અને દેશના ચાલુ ખાતાના- કરન્ટ એકાઉન્ટના- સરવૈયા પર તેની કેવી અસર થાય? સમજૂતી ખાતર ધારો કે ૧૦૦૦ ડોલરનો માલ આયાત કરવાનો છે. ડોલર સામે રૂપિયાનો દર ૪૫ હોય તો એ માલ ૪૫ હજાર રૂપિયામાં પડે અને ૫૫ હોય તો એ માલ રૂ.૫૫ હજારમાં પડે. આમ, રૂપિયો મજબૂત હોય તો આયાત કરવાનું ફાયદેમંદ નીવડે.

એ જ સમીકરણ નિકાસમાં લગાડીએ તો? આંતરરાષ્ટ્રિય બજારમાં ૧ હજાર ડોલરનો માલ વેચતાં, એક ડોલર દીઠ રૂપિયાનો દર ૪૫ હોય તો નિકાસ કરનારને રૂ.૪૫ હજાર મળે અને રૂપિયાનો દર ૫૫ હોય તો એ જ માલ પેટે નિકાસ કરનારને પ૫ હજાર રૂપિયા મળે.

પરિણામે થાય એવું કે ડોલર સામે રૂપિયો મજબૂત હોય ત્યારે  આયાતને પ્રોત્સાહન મળે અને નિકાસમાં એટલો કસ ન રહે. એમાં થતો ફાયદો ઘટે. આમ, રૂપિયો મજબૂત હોય ત્યારે એકંદરે ખરીદી વધે અને વેચાણ ઘટે. જાવક વધે અને આવક ઘટે. એટલે વેપારક્ષેત્રે સરવૈયામાં ખાધ ઊભી થાય, જે દેશના અર્થતંત્ર પર અવળી અસર કરે.

ખાધ પર અને આયાત-નિકાસ (આવક-જાવક)ની આર્થિક અસમતુલા પર કાબૂ મેળવવા માટે દેશો ચલણનું અવમૂલ્યન કરવાનો - કે એ થવા દેવાનો- રસ્તો અપનાવે છે. ભારતની વાત કરીએ તો ડોલર દીઠ રૂપિયાનો દર ૪૫માંથી ૫૫ થાય એટલે માલની આયાત મોંઘી પડવા લાગે અને નિકાસમાં મળતર વધી જાય. તેના લીધે આડેધડ આયાત પર અંકુશ આવે અને નિકાસને પ્રોત્સાહન મળે. એટલે, વધારે જાવક-ઓછી આવક વચ્ચેની ખાઇ પુરાવા લાગે.

એ દૃષ્ટિએ વિચારતા ઘણા નિષ્ણાતોને રૂપિયાનું વર્તમાન અવમૂલ્યન ‘જરૂર કરતાં થોડું વધારે ખરું, પણ જરાય ચિંતાજનક નહીં’- એવું લાગે છે. ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે પણ જાહેર કર્યું છે કે રૂપિયાના અવમૂલ્યથી ભારતના રેટિંગ પર કોઇ અવળી અસર નહીં પડે. એ માટે તેણે આપેલું કારણઃ સરકારના કુલ દેવામાંથી ફક્ત ૭ ટકા દેવું વિદેશમાં છે. વિદેશી દેવાની મુશ્કેલી એ છે કે ૧૦૦ ડોલરનું દેવું હોય ને ડોલર સામે રૂપિયાનો દર ૪૫ હોય તો એ દેવું ૪૫ હજાર રૂ. થાય, પણ રૂપિયાનો દર ૫૫ થાય તો એ જ દેવું ૫૫ હજાર રૂ. થઇ જાય.

અર્થતંત્રમાં સંતુલન જાળવવા માટે ચલણનું માપસરનું અવમૂલ્યન કેટલું જરુરી છે, તે સમજાવવા માટે ગ્રીસનો દાખલો આપવામાં આવે છે. ગ્રીસમાં આર્થિક અસમતુલાનો પાર નથી. પરંતુ ગ્રીસે પોતાનું ચલણ છોડીને યુરોઝોનનું સહિયારું ચલણ ‘યુરો’ અપનાવ્યું છે. તેનું અવમૂલ્યન ગ્રીસ પોતાની મુન્સફી પ્રમાણે કરી શકતું નથી.  એટલે ચલણના અવમૂલ્યન દ્વારા સંતુલન સ્થાપવાનો મોટો વિકલ્પ ગ્રીસ પાસે રહ્યો નથી. પરિણામે, તેને વધારે આકરાં લાગે અને સામાન્ય નાગરિકોને સીધાં સ્પર્શે એવાં કરકસરનાં વ્યાપક પગલાં લેવા પડે છે. એમ કરવાથી લોકોનો રોષ વહોર્યા પછી પણ અર્થતંત્ર ઠેકાણે આવતું નથી.

વધઘટના વહીવટ

આખી ચર્ચામાં પ્રાથમિક સવાલ એ થાય કે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં વધઘટ શી રીતે થાય છે? ગૌહત્તીના એક વાસ્તુશાસ્ત્રીએ  કહ્યું છે કે ‘રૂપિયાના નવા પ્રતીકની ડીઝાઇનમાં બે કાપા છે, એ બરાબર નથી. તેમના પાપે રૂપિયાની અને અર્થતંત્રની દશા બેઠી છે.’ આવું  હવાઇ કારણ બાજુ પર રાખીએ તો, રૂપિયાની મજબૂતી પર અસર કરતું એક મુખ્ય પરિબળ છેઃ વિદેશી મૂડીરોકાણ.

ભારતમાં કંપનીઓ દ્વારા કે વ્યક્તિગત રીતે થતું વિદેશી મૂડીરોકાણ જેટલું વધારે, એટલી ભારત પાસે ડોલરની છત. ભારતની તિજોરીમાં ડોલર જેટલા વધારે એટલો રૂપિયો મજબૂત. એપ્રિલ, ૨૦૧૨માં એન.આર.આઇ. દ્વારા થયેલા મૂડીરોકાણનો આંકડો ૩ અબજ ડોલરને આંબી ગયો હતો, જે એપ્રિલ, ૨૦૧૧ની સરખામણીમાં આશરે આઠ ગણો વધારે હતો. છતાં, વિદેશી રોકાણકારોએ પાછી ખેંચી લીધેલી મૂડીને કારણે અને આયાત-નિકાસ વચ્ચે પડતી મોટી ઘટને કારણે એન.આર.આઇ. ડીપોઝીટની ધારી અસર પડી નથી.

વિદેશી રોકાણકારો ક્યારે રોકાણ કરે છે અને ક્યારે પાછું ખેંચી લે છે તેનો આધાર વૈશ્વિક પરિબળો અને રેટિંગ એજન્સીઓના અહેવાલોથી માંડીને ‘સેન્ટીમેન્ટ’ (બજારની હવા) જેવી અમૂર્ત બાબતો પર હોય છે. બે રેટિંગ એજન્સીઓએ આ મહિને ચીમકી આપી છે કે ભારતની આર્થિક સ્થિતિમાં સુધારો નહીં આવે તો તેનું રેટિંગ નીચું ઉતારવામાં આવશે.  રેટિંગ નીચું ઉતરે એટલે વિદેશી રોકાણકારો ભારતમાં રોકાણ કરતાં ખચકાય અથવા કરેલું રોકાણ પાછું ખેંચી લે. વિદેશી રોકાણ ઘટે એટલે સ્થિતિ વધારે કથળે અને બજારની હવા ખરાબ થાય.

ડોલરની સરખામણીમાં રૂપિયાનું મૂલ્ય સતત ઘટતું હોય, ત્યારે રીઝર્વ બેન્ક પર ‘કંઇક’ કરવાનું ઘણું દબાણ હોય છે. એમાં પણ રૂપિયાનું અવમૂલ્યન રાજકીય કે દેશની શાનને લગતો મુદ્દો બને ત્યારે કાગારોળ મચે છે. એવા વખતે રીઝર્વ બેન્ક પોતાની પાસે રહેલા ડોલરના રીઝર્વ (અનામત) ભંડોળમાંથી થોડા ડોલર છૂટા કરે. બજારમાં ડોલરની છત થતાં તેનું મૂલ્ય ઘટે છે અને તેની સરખામણીમાં રૂપિયો ઊંચો આવે છે. પરંતુ આ લખાય છે ત્યાં સુધી રીઝર્વ બેન્કે રૂપિયાની અધોગતિ અટકાવવા એવાં કોઇ પગલાં લીધાં નથી. કારણ કે ડોલરનું અનામત ભંડોળ કિમતી હોય છે અને યોગ્ય-અનિવાર્ય કારણો વિના એ ભંડોળને અડવાનું રીઝર્વ બેન્ક પસંદ કરતી નથી.

રૂપિયાના વર્તમાન -અને હદ વટાવતા- અવમૂલ્યનને કાબૂમાં રાખવાના એક પ્રયાસ તરીકે રીઝર્વ બેન્કે સરકારી ઓઇલ કંપનીઓની મદદ માગી છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ અને હિંદુસ્તાન પેટ્રોલિયમ- એ ત્રણે ઓઇલ કંપનીઓને દર મહિને ક્રુડ ઓઇલની આયાત માટે આશરે ૮ અબજ ડોલરની જરૂર પડે છે. ડોલરનું ચલણ વાજબી ભાવે મેળવવા માટે આ કંપનીઓ ઘણી બેન્કો પાસેથી ભાવ મંગાવે છે. કંપનીને જરૂર હોય ૧ કરોડ ડોલરની અને એ ૧૦ બેન્કો પાસેથી ભાવ મંગાવે, એટલે બજારમાં ૧૦ કરોડ ડોલરની માગ હોય, એવું વાતાવરણ ઊભું થાય. એ હવાને કારણે પણ ડોલરની મજબૂતી અને રૂપિયાની નબળાઇમાં વધારો થઇ શકે છે.

આ પરિસ્થિતિ નીવારવા માટે રીઝર્વ બેન્કે સરકારી ઓઇલ કંપનીઓને આદેશ આપ્યો છે કે જેટલા ડોલરની જરૂર હોય તેમાંથી અડધા ડોલર જાહેર ક્ષેત્રની કોઇ એક બેન્ક પાસેથી જ ખરીદવા. એમ કરવાથી બજારમાં ડોલરની માગ અંગેનું અતિશયોક્તિભર્યું વાતાવરણ સર્જાતું અટકે. અલબત્ત, રિલાયન્સ અને એસ્સાર જેવી, ક્રુડ ઓઇલની કુલ આયાતમાં ૪૦ ટકા હિસ્સો ધરાવતી કંપનીઓને આ નિયમ લાગુ પડતો નથી. એટલે, તેનાથી ‘સેન્ટીમેન્ટ’ (હવા) સિવાયનો નક્કર ફરક કેટલો પડશે, એ જોવાનું રહે છે.

આ ઉપરાંત વિવિધ ક્ષેત્રોમાં સીધા વિદેશી મૂડીરોકાણ-ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ-થી રૂપિયાની અને અર્થતંત્રની પરિસ્થિતિ સુધરે એમ છે, પરંતુ એ રાજકીય મુદ્દો છે. એટલે સુષુપ્ત સરકાર અને તેનાં મમતા બેનરજી જેવ સાથીદારોને કારણે એ દિશામાં પ્રગતિ થઇ શકે એવું અત્યારે લાગતું નથી.

આશ્વાસન અને આશા

રૂપિયાના રેકોર્ડબ્રેક અવમૂલ્યન ટાણે આંતરરાષ્ટ્રિય બજારમાં ક્રુડ ઓઇલનો ભાવ બેરલ દીઠ ૧૧૦-૧૧૫ ડોલરને બદલે ૯૦ ડોલર જેટલો નીચો ચાલે છે. તેના લીધે ખરેખર તો ઓઇલ કંપનીઓને ફાયદો થાય અને તેની અસર પેટ્રોલિયમ પેદાશોના ભાવમાં ઘટાડા તરીકે ગ્રાહકોને મળી શકે. પરંતુ રૂપિયાના અવમૂલ્યનને કારણે એક ડોલરના વધારે રૂપિયા ચૂકવવા પડે છે. એટલે ક્રુડના ભાવઘટાડાથી થતા ફાયદાનો ખાસ્સો છેદ ઉડી જાય છે. આશ્વાસન હોય તો એટલું કે અત્યારે ક્રુડનો ભાવ વધારે નથી. એવું થાય તો ક્રુડ અને ડોલર એમ બેવડા ભાવવધારાને કારણે ગ્રાહકોને બમણો માર વેઠવાનો આવે.

રૂપિયાનું અવમૂલ્યન અંકુશિત રહેવાને બદલે સમગ્ર અર્થતંત્રની નબળી સ્થિતિનું સૂચક બને ત્યારે એમાં ચિંતા કરવાપણું થાય છે. એ દિશામાં ગતિ આરંભાઇ ચૂકી હોવા છતાં ગંભીર ચિંતાનો તબક્કો હજુ દૂર છે. ત્યાં સુધીમાં તત્કાળ અને લાંબા ગાળાનાં નીતિવિષયક- એમ બન્ને પ્રકારનાં પગલાં લઇને અર્થતંત્રને પાટે ચડાવવાનો રીઝર્વ બેન્ક અને નાણાં મંત્રાલય પાસે સમય છે. જરૂર છે એ સમયનો યોગ્ય ઉપયોગ કરવાની.

Sunday, June 24, 2012

જૈન ધર્મની પ્રાચીનતા સિદ્ધ કરનાર બહુમુખી પ્રતિભાવાન પુરાતત્ત્વવિદ્‌ : ભગવાનલાલ ઇન્દ્રજી


ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indraji

પુરાતત્ત્વ જેવી ‘શુષ્ક’ વિદ્યાશાખા અને તેના અભ્યાસીઓ સાથે સામાન્ય માણસને શી લેવાદેવા? એવી માન્યતા પ્રચલિત છે. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજી  (૧૮૩૯-૧૮૮૮) જેવા અભ્યાસી-સંશોધકના કામ વિશે જાણ્યા પછી એ ખ્યાલ કેટલો ખોટો છે તે સમજાય. 

ઉદાહરણ તરીકે જૈન ધર્મના ઇતિહાસની વાત કરીએ. ધર્મપ્રેમી જૈનોમાંથી કેટલા જાણતા હશે કે જૈન ધર્મ એક સમયે બૌદ્ધ ધર્મની શાખા ગણાતો હતો? ભગવાનલાલના સમકાલીન અભ્યાસીઓ માનતા હતા કે જૈન ધર્મ ઇસુ પૂર્વે બે સદીથી વધારે જૂનો નથી. પરંતુ ભગવાનલાલે ઉદયગિરિ (ઓરિસ્સા)ની જૈન ગુફાઓ અને મથુરાના જૈન સ્તૂપના અભ્યાસ પછી દર્શાવી આપ્યું કે શરૂઆતનાં વર્ષોમાં જૈન અને બૌદ્ધ ધર્મોની ઘણી બાબતો મળતી આવતી હતી. બૌદ્ધોની જેમ જૈનો પણ સ્તૂપની પૂજા કરતા હતા. તેને કારણે ઘણા જૈન સ્તૂપોને બૌદ્ધ સ્તૂપ માની લેવામાં આવતા હતા. એવી જ રીતે ઉદયગિરિની ગુફાઓમાં રહેલા રાજા ખારવેલના લેખને પણ વિદ્વાનો સાચી રીતે વાંચી શક્યા ન હતા.

ભગવાનલાલે સ્તૂપ સાથેના લખાણની મદદથી અને ખારવેલનો લેખ યોગ્ય રીતે વાંચીને જૈન ધર્મની પ્રાચીનતા દર્શાવી આપી. આ વિગતો ‘ભગવાનલાલ ઇન્દ્રજીઃ પુરાતત્ત્વ વિદ્યાના ભારતીય આદ્યપુરૂષ’ એ પુસ્તકમાં નોંધતાં વીરચંદ ધરમસીએ લખ્યું છેઃ ‘જૈન ઇતિહાસ લખનારા હાલના મોટા ભાગના વિદ્યાવંતો એ વાતથી અજાણ દેખાય છે કે ભગવાનલાલ જૈન અઘ્યયના અગ્રિમ વિદ્યાવંત હતા.’

ભગવાનલાલની અભ્યાસનિષ્ઠા કોઇ ધર્મ-સંપ્રદાય કે વિસ્તાર-પ્રદેશ પૂરતી મર્યાદિત ન હતી. ૧૮૭૩-૭૪માં પાંચ મહિના માટે તે નેપાળ ગયા હતા. ત્યાં જવાનો હેતુ બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરીને શક્ય એટલી વિગતો મેળવવાનો- શોધી કાઢવાનો હતો. એ માટે તે નેપાળી ભાષા પણ શીખ્યા હતા. નેપાળમાં તેમણે કેટલાંક પ્રાચીન સ્મારકો શોધી કાઢ્‌યાં. તેમાં ચાંગુનારાયણનો ગરુડ-સ્તંભ મુખ્ય છે. બૌદ્ધ ધર્મની ગુપ્ત ગણાતી હસ્તપ્રતો ત્યાંના ધર્માચાર્યો કોઇને બતાવતા નહીં, પણ ભગવાનલાલની વિદ્વત્તાથી પ્રભાવીત થયેલા ધર્માચાર્યોએ તેમને એ હસ્તપ્રતો બતાવી.

નેપાળમાં ભગવાનલાલે પ્રાચીન સ્મારકો અને હસ્તપ્રતોથી માંડીને સાંપ્રત સમાજ અને જીવન વિશેની ઘણી નોંધો કરી. તેને કારણે નેપાળના ઇતિહાસમાં પણ ભગવાનલાલ ઇંદ્રજીનું પાયાનું પ્રદાન સર્વસ્વીકૃત બન્યું. વીરચંદ ધરમસી લિખિત ભગવાનલાલના ચરિત્રની ગુજરાતી આવૃત્તિમાં લગભગ સવા સો છપાયેલાં પાનાંમાં તેમણે નેપાળ સહિતના વિવિધ પ્રવાસો દરમિયાન કરેલી નોંધો સમાવવામાં આવી છે. પુસ્તકની દળદાર અંગ્રેજી આવૃત્તિની સરખામણીમાં ગુજરાતી ચરિત્ર પ્રમાણમાં ટૂંકું હોવા છતાં, ભગવાનલાલની નોંધોને કારણે તે અત્યંત મૂલ્યવાન બન્યું છે.

જૂના લેખો વાંચવાનું કામ કેટલું કઠણ હતું અને ભગવાનલાલ તેમાં કેટલા નિષ્ણાત હતા તેનો એક જ નમૂનોઃ મોહેં-જો-દડોના શોધક રાખાલદાસ બેનરજી અને મુનિ જિનવિજયજી- આ બન્નેએ (ભગવાનલાલના મૃત્યુના દાયકાઓ પછી) ખારવેલનો લેખ ઉકેલવા માટે પૂરી સાધનસુવિધા સાથે પોતપોતાની રીતે પ્રયાસ કર્યા હતા. બેનરજીની મદદે બે કુશળ કલાકારો અને એક વિદ્વાન ઉપરાંત સરકારી સંસાધનો હતાં, જ્યારે મુનિ જિનવિજયજી પટના મ્યુઝિયમમાં એક અભ્યાસી સાથે રોજ ત્રણ-ચાર કલાક એમ એક અઠવાડિયા સુધી એ લેખના અક્ષરો બેસાડવા પ્રયાસ કરતા હતા. આ બન્ને મહાનુભાવોએ ભગવાનલાલ પ્રત્યે અપાર આદર સાથે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું હતું કે પૂરતી સુવિધા વિના, સ્થળ પર જઇને નરી આંખે ફક્ત બે જ દિવસમાં ભગવાનલાલ આ લેખની આટલી ઉત્તમ નકલ શી રીતે ઉતારી શક્યા હશે?

પુરાતત્ત્વવિદ્‌ તરીકે ખ્યાતિ મેળવનાર ભગવાનલાલે પોતાની અભ્યાસી દૃષ્ટિથી ઇતિહાસમાં કરેલું કામ ઇતિહાસકારો પણ યાદ કરતા નથી. જે સમયે ઇતિહાસના નામે અભ્યાસીઓ દંતકથા અને મૌખિક ઇતિહાસથી કામ ચલાવી લેતા હતા, ત્યારે ભગવાનલાલે જૂના અભિલેખો, સ્થાપત્યો-સ્મારકો અને સિક્કા જેવી નક્કર સામગ્રીના આધારે ગુજરાતનો આરંભિક ઇતિહાસ રજૂ કર્યો. ‘અર્લી હિસ્ટરી ઓફ ગુજરાત’ તેમનો પહેલો વ્યવસ્થિત અભ્યાસગ્રંથ હતો.

ભગવાનલાલ ભારતીય સંસ્કૃતિના પ્રેમી હોવા છતાં, તથ્યોના અર્થઘટનની બાબતમાં તે સંસ્કૃતિના મિથ્યાભિમાનથી દોરવાતા નહીં. ભારતીય માનસની મર્યાદાઓથી તે બરાબર પરિચિત હતા. એ માનસને રૂચે અને પચે એવાં તારણો કાઢી આપતા સરકારી કે લોકપ્રિય ઇતિહાસકારો જેવો ધંધો ભગવાનલાલે કદી ન કર્યો. ગુજરાતના અને કાઠિયાવાડનાં ઘણાં રજપૂત કુટુંબોનું પગેરું સાધારણ અથવા અજાણ્યા કુળ સુધી પહોંચતું હોવાનું તેમણે સાફ શબ્દોમાં જણાવ્યું હતું. (તેમના ચરિત્રકાર વીરચંદ ધરમસીએ લખ્યું તેમ, જુદાં જુદાં જૂથો પોતાને જાણીતાં કુળ સાથે જોડતાં હોય ત્યારે ભગવાનલાલનું આ વિધાન ઘણું હિંમતભર્યું ગણી શકાય.) ૧૮૬૨માં તે અજંટાની ગુફાઓના અભ્યાસ માટે ગયા ત્યારે સ્થાનિક રહેવાસીઓ ગુફાને પાંડવની ગુફા તરીકે ઓળખતા હતા. એ સમયે ભગવાનલાલે નોંઘ્યું હતું કે ‘જેટલે ઠેકાણે ગુફાઓ છે તેને લોકો ઘણું કરીને પાંડવોના ગુફા જ કેહે છે.’ 


સિદ્ધરાજ જયસિંહે બાબરા ભૂતને વશ કરેલો એવી કથા વિશે ભગવાનલાલે લખ્યું હતું કે ‘બર્બરોનો એક સમુદાય દક્ષિણ સૌરાષ્ટ્રમાં વસેલો. એ વિસ્તાર આજે બાબરિયાવાડ તરીકે જાણીતો છે. તેની પર સિદ્ધરાજે જીત મેળવી હતી.’ સિદ્ધરાજના યુગમાં ચાલેલી ગાદીના વારસા માટેની ખટપટની પણ તેમણે નોંધ લીધી હતી. ધાર (મઘ્ય પ્રદેશ)ની એક મસ્જિદમાં ૨૪ ફૂટ લાંબો અને ૧૧ ઇંચનો ચોરસ એવો લોઢાનો સ્તંભ હતો. એ સ્તંભ વિશે એવી દંતકથા હતી કે સ્તંભ બહાર કરતાં જમીનમાં ઘણો લાંબો છે અને તેનો છેડો દોઢ માઇલ દૂર એક વાવમાં નીકળે છે. સ્થાનિક અમલદારો સુદ્ધાં આ વાત માનતા હતા, પણ ભગવાનલાલે જઇને સ્તંભ ખોદાવ્યો ત્યારે ખબર પડી કે જમીનમાં તે ફક્ત દોઢ ફૂટ ઊંડો જ હતો.

પ્રાચીન સ્મારકો-શિલાલેખો-સિક્કા જેવી નિર્જીવ સામગ્રી સાથે કામ પાડનાર ભગવાનલાલ સામાજિક રીતરિવાજો અને તેના ઇતિહાસમાં પણ જીવંત રસ ધરાવતા હતા. ૧૮૭૧-૭૨માં પ્રવાસ દરમિયાન, ઉત્તર પ્રદેશના સહારનપુર -કાલસી નજીક આવેલી પહાડીમાં તે ગયા હતા. ત્યાં બધા સગા ભાઇઓ એક જ સ્ત્રીને પરણે એવો રિવાજ હતો. એ વિશે ભગવાનલાલે વિગતે નોંધ કરી હતી. તેમણે લખ્યું હતું,‘દીકરીનાં માબાપ પણ શાદી કરતી વખતે મુખ્ય કરીને તપાસે છે કે તેઓ કેટલા ભાઇઓ છે. જો એકલો હોય તો તે ને દીકરી દેવાનું કોઇ પસંદ કરતું નથી. તેનું મુખ્ય કારણ એ બતાવે છે કે તેને રાંડવું પડશે...ચાર કે પાંચ ભાઇ હોય તેમાંથી  જે ઓલાદ થાય તે સઘળી મોટા ભાની કહેવાય. તેઓમાંયના કોઇને પુછીએ કે તારા બાપનું નામ શું? તો તેના બાપો માંહેલા મોટા ભાઇનું નામ લે, પણ બોલવામાં સઘળાને બાપ કહે છે અને બધાને બાપની પ્રમાણે માન આપે છે.’ (જોડણી-ભાષા અસલ પ્રમાણે)

મુંબઇમાં ‘શેઠ અને ગુરુ’ ડૉ. ભાઉ દાજી ઉપરાંત અનેક અંગ્રેજ અફસરો-અભ્યાસીઓએ ભગવાનલાલના કામની કદર કરી. ભાઉ દાજીના મૃત્યુ પછી સ્વતંત્ર અભ્યાસી તરીકે ભગવાનલાલના નામ અને કામની, તેમના ગુજરાતી અભ્યાસલેખોના અંગ્રેજી અનુવાદની ઘણી પ્રશંસા થઇ. યુરોપના ઘણા વિદ્વાનો સાથે ભગવાનલાલની મિત્રાચારી થઇ હતી. તેમની વચ્ચે પત્રવ્યવહાર પણ ચાલતો. ભગવાનલાલ મુંબઇના વાલકેશ્વરમાં જે ઘરમાં રહેતા હતા, એ તેમને ભાટિયા અને વાણિયા લોકોએ ભેટમાં આપ્યું હતું. જન્મે પ્રશ્નોરા નાગર એવા ભગવાનલાલને વૈદકનું જ્ઞાન કુટુંબ પરંપરામાંથી મળ્યું હતું. એમાં પણ તેમણે વિકાસ સાઘ્યો હતો. નેપાળ ગયા ત્યારે તે રક્તપિત અને કોઢના રોગ માટે ઓસડિયાં લાવ્યા હતા. વિખ્યાત વનસ્પતિશાસ્ત્રી જયકૃષ્ણ ઇન્દ્રજી ભગવાનલાલના શિષ્ય હતા. નાસિકની ગુફાઓના અભ્યાસ વખતે જયકૃષ્ણ ભગવાનલાલની સાથે જોડાયા હતા.

ગરીબ દર્દીઓને મફત દવા આપનારા આ પુરાતત્ત્વવિદ્‌ના એક મિત્ર-ચાહક હતાઃ બોમ્બે ગેઝેટીયરના સંપાદક જેમ્સ કેમ્પબેલ. તેમણે  ગેઝેટીયરનું કામ કરતા ભીમભાઇ કિરપારામ અને ઝવેરીલાલ યાજ્ઞિકને ભગવાનલાલનાં સ્મરણોની નોંધ કરવાનું સૂચવ્યું હતું. પરંતુ એ કામ માંડ શરૂ થયું ત્યાં ૪૯ વર્ષની વયે, થોડી બિમારી પછી ભગવાનલાલના સભર-સમૃદ્ધ-સાર્થક જીવનનો અંત આવ્યો. છેલ્લા દિવસોમાં તેમણે કહ્યું હતું,‘મને મરણનો કોઇ ભય નથી. મારું મોટા ભાગનું જીવન એક સુંદર, પ્રામાણિક અને સત્ત્વશીલ કાર્યને મેં અર્પણ કર્યું છે.’ કેમ્પબેલે તેમને મૃત્યુનાં ત્રણ અઠવાડિયાં પહેલાં એક પત્રમાં લખ્યું હતું, ‘તમારું જીવન હવે લગભગ પૂરું થવામાં છે એ વિચારે ખિન્ન થઇ જવાય છે.આટલાં બધાં વર્ષોથી ગરીબોની માંદગી પાછળ તમે જે સમય અને નાણાં ખર્ચ્યાં છે, એ તમને તમારી કામગીરીનાં છપાયેલાં પરિણામો (અભ્યાસ-સંશોધન લેખો) કરતાં વધારે આશ્વાસન આપનારાં થઇ પડશે.’

કેમ્પબેલને શંકા હતી કે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીની પાછળ તેમની વિદ્વત્તા અને બૌદ્ધિક પ્રદાનની થોડી વિગતો સિવાય બાકી બઘું ભૂંસાઇ જશે. ગુજરાતના અને ભારતના અભ્યાસી સહિતના લોકોએ  કેમ્પબેલની આશંકાથી આગળ વધીને, ભગવાનલાલના બૌદ્ધિક પ્રદાનને પણ વિસારે પાડી દીઘું હતું. એક સદી પછી ભગવાનલાલનું જીવન-કાર્ય ગુજરાતી અને અંગ્રેજી બન્ને ભાષામાં, પૂરા કદના પુસ્તક તરીકે ઉપલબ્ધ બન્યું છે, એ દર્શક ઇતિહાસ નિધિ અને વીરચંદ ધરમસીએ ભગવાનલાલ ઇન્દ્રજીને આપેલી સાચી અંજલિ છે.



ભગવાનલાલ ઇન્દ્રજીની અજંતા નોંધપોથીનું પાનું

Thursday, June 21, 2012

ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ' : તાજગીદાયક અનુભવ

ફિલ્મો વિશે લખવાનું આમ તો ઘણા વખતથી બંધ કર્યું છે. મુખ્ય કારણ એ કે ફિલ્મોનું શાસ્ત્ર હોવા છતાં, કોઇ ફિલ્મ ગમવી કે ન ગમવી ઘણી વાર અંગત બાબત હોય છે.

બીજું એ પણ ખરું કે ફિલ્મનું શાસ્ત્ર હોવા છતાં,  તેના વિશે આક્રમક પ્રચારથી દોરવાઇને કે ખદબદતી આકાંક્ષાઓથી પ્રેરાઇને કે અધૂરી વાસનાઓથી પીડાઇને કે પોતાની ધારી લીધેલી આવડતથી જાતે જ અંજાઇને થતી ચર્ચાઓમાં વખત બગાડવા જેવો હોતો નથી. લખનારા માટે બીજા સેંકડો વધારે મહત્ત્વના મુદ્દા રાહ જોતા હોય છે. 

તેમ છતાં, આજે અપવાદ કરીને ફિલ્મ વિશે લખવાનું કારણ છેઃ અભિષેક જૈન/Abhishek Jain ની ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે જઇશ.' / Kevi Rite Jaish

Kevi Rite Jaish/ 'કેવી રીતે જઇશ'નાં હીરો-હીરોઇન

ગુજરાતી ફિલ્મો વિશે સામાન્ય રીતે થતો પ્રશ્ન હોય છેઃ 'કેવી રીતે જોઇશ?'  મોટે ભાગે તેમાં જોનારની સહનશક્તિના પ્રશ્નો હોય છે અને આશિષ કક્કડ જેવા મિત્ર ધારદાર વિષય પર ધારદાર કથા ધરાવતી 'બેટરહાફ' જેવી ગુજરાતી ફિલ્મ બનાવે ત્યારે, 'એ જોવા ક્યાં મળે?' એવો સવાલ થતો હોય છે. આ બન્ને પ્રશ્નો 'કેવી રીતે જઇશ'ને નડ્યા નથી. ફિલ્મ અમદાવાદ, સુરત, વડોદરા, મુંબઇ સહિત બીજાં અનેક ઠેકાણે મલ્ટીપ્લેક્સમાં ચાલી રહી છે. 

થોડા મહિના પહેલાં મિત્ર અભિષેક (શાહ, આકાશવાણી વડોદરા) પાસેથી પહેલી વાર 'કેવી રીતે જઇશ' વિશે સાંભળવા મળ્યું હતું. અભિષેકની પત્ની તેજલ પંચાસરાનો ફિલ્મમાં નાનકડો (ભાભી તરીકેનો) રોલ હતો એ નિમિત્તે અભિષેક શાહે અભિષેક જૈન વિશે વાત કરી હતી. સરસ ગુજરાતી ફિલ્મ બનાવવાની તેમની તાલાવેલી અને ઇચ્છા વિશે જાણીને આનંદની સાથોસાથ ઉત્સુકતા પણ હતી કે જોઇએ, કેવી બને છે. છેવટે, જાહેરખબરોમાં કહે છે તેમ, 'આતુરતાનો અંત' આવ્યો અને ફિલ્મ જોવાનો મેળ પડી ગયો. 


સૌથી પહેલાં મુખ્ય વાતઃ ફિલ્મ સરસ બની છે. તેને 'ગુજરાતી' ગણીને ગ્રેસ માર્ક આપવાની જરૂર નથી. એ સિવાય પણ તે પોતાના જોરે ફર્સ્ટ ક્લાસ લાવી શકે એમ છે. તેનાં વખાણ કરવા માટે તેને 'હિંદી જેવી જ છે' - એવી અંજલિ આપવાની પણ જરૂર નથી. એ નીતાંત ગુજરાતી છે, છતાં કોઇ પણ ભાષામાં સારી રીતે બનતી ફિલ્મો જેવી સારી છે. ફિલ્મનો પૂર્વાર્ધ - પહેલો હાફ- એકદમ મસ્ત મજાનો, ચુસ્ત, પંચલાઇનોથી ભરપૂર અને જકડી રાખે એવો છે. ફિલ્મ જોતી વખતે, આગળ કહ્યું તેમ, મોટે ભાગે એવી સભાનતા રહેતી નથી કે આપણે ગુજરાતી ફિલ્મ જોઇ રહ્યા છીએ. એક જ મલ્ટીપ્લેક્સમાં 'ફેરારીકી સવારી' અને 'કેવી રીતે જઇશ' બન્ને ફિલ્મો ચાલતી હોય, તો 'કેવી રીતે જઇશ' માં શા માટે જવું જોઇએ? એવા અઘરા સવાલ પહેલાં થયા હોય, તો પણ ફિલ્મ જોવાનું શરૂ કર્યા પછી એ સવાલ શમી જાય છે.

પટેલોની અમેરિકાઘેલછા જેવા વિષય પર બનેલી આ ફિલ્મમાં અમદાવાદનો રૂપાળો ચહેરો સરસ રીતે આવ્યો છે. મોટા ભાગનાં પાત્રો બહુ સ્વાભાવિક લાગે એવાં છે. તેમાંથી કેટલાંકની વર્તણૂંકમાં તાર્કિકતાના પ્રશ્નો થાય, તાલમેલીયા સિચ્યુએશનો પણ લાગે. છતાં કશા દાવા વગરની મનોરંજક ફિલ્મમાં એ સહેલાઇથી માફ થઇ શકે એવાં હોય છે. ગુજરાતી સંવાદો ક્યાંક ક્યાંક હિંદી છાંટને બાદ કરતાં સરસ છે. કૃત્રિમ લાગતા નથી. કથા મૂળ મેહોણા (મહેસાણા)ના પટેલ પરિવારની હોવાથી થોડી મેહોણવી ગુજરાતીનો લાભ મળશે એવી ધારણા હતી. પણ એકાદ સંવાદને બાદ કરતાં મુખ્યત્વે અમદાવાદની - અને થોડી અમેરિકાની- ગુજરાતીમાં જ ફિલ્મ ચાલે છે.

ફિલ્મનાં અનેક મજબૂત પાસાંમાં સંગીત ખાસ ધ્યાન ખેચે એવું છે. મેહુલ સુરતી અને વિશ્વેશ પરમારે ગીતો અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક સરસ બનાવ્યાં છે. ગીતોની સિચ્યુએશનો દરેક વખતે આવશ્યક ન લાગે, છતાં ગીત મઝાંના છે એટલે વાંધો આવતો નથી. રૂપકુમાર રાઠોડે ગાયેલું ટાઇટલ સોંગ 'કેવી રીતે જઇશ' તો ફિલ્મ જોયાના કલાકો પછી પણ મનમાં ગુંજતું રહે એવું છે.

Kevi Rite Jaish/ કેવી રીતે જઇશ

ફિલ્મના ડાયરેક્ટર અભિષેક જૈન સાથે ગપ્પાંગોષ્ઠિ કર્યા પછી ફરી ક્યારેક લખવાનું થાય તો ખરું. બાકી, જે મિત્રોને અનુકૂળ હોય તેમણે આ ફિલ્મ જોવા જેવી છે- અને એટલું કહેવા માટે આટલું લખાણ પૂરતું છે:-))
***
તા.ક. સલીલભાઇ, હજુ કેનેડામાં આ ફિલ્મ આવી નથી. ત્યાં સુધી અથવા ફિલ્મની સીડી બહાર પડે ત્યાં સુધી તમારે http://keviritejaish.com/index1200.html પર તેનું ટ્રેલર જોઇને અને ગીતો સાંભળીને ધીરજ ધરવી પડશે.

Wednesday, June 20, 2012

કોંગ્રેસી- ભાજપી કાર્યકરોની ટી-પાર્ટી


ભાજપમાં ખટરાગની આ સીઝનમાં ચાની કીટલી પાસે કોંગ્રેસ અને ભાજપના થોડા રાજકીય કાર્યકરો ભેગા મળ્યા હોય, તો તેમની વચ્ચે કેવી વાતો થાય? (વાર્તાલાપમાં ‘કોંગ્રેસી’ લખ્યું છે ત્યાં ‘કોંગ્રેસી કાર્યકર’ અને ‘ભાજપી’ લખ્યું છે ત્યાં ‘ભાજપી કાર્યકર’ વાંચવું)

***

કોંગ્રેસી ૧ :  છોકરા, છ-સાત ‘કટિંગ’ આપજે.

ભાજપી ૧ : ના, મારે નહીં, હોં.

ભાજપી ૨ : મારે પણ નહીં.

ભાજપી ૩ : આપણે કોઇથી ભયભીત નથી. આપણી એક આખ્ખી. આદુ-મસાલો નાખીને.

કોંગ્રેસી ૨ : કેમ ભાઇ, તમે લોકો ચા નથી પીતા? કે પછી કોંગ્રેસની ચા અગરાજ છે?

કોંગ્રેસી ૩ : એ શું બોલ્યા? આ લોકો કોંગ્રેસી કેન્દ્ર સરકારની ગ્રાન્ટોની ગ્રાન્ટો પી જાય છે, તો પ્યાલો ચાનો શો
હિસાબ? પણ કારણ કંઇક બીજું લાગે છે. કહી દો..કહી દો... ભયભીત ન થશો.

ભાજપી ૧ : જુઓ, આપણે મિત્રો છીએ એ બઘું બરાબર, પણ અમારા આંતરિક મામલામાં તમે દખલ ન કરો તો સારું.

કોંગ્રેસી ૧ : (કોંગ્રેસી ૨-૩ તરફ જોઇને) લો, બોલ્યા મોટા, ‘આંતરિક મામલામાં દખલ ન કરોે.’ જાણે એ પાકિસ્તાન હોય ને આપણે એમની પાસેથી દાઉદ ઇબ્રાહિમનું સરનામું માગ્યું હોય. અલ્યા ભાઇ, અમે બીજા કોઇના નહીં, તમારા સાહેબના ભયની વાત કરીએ છીએ.

ભાજપી ૨ : ખબરદાર, અમારા સાહેબનું નામ લીઘું છે તો...

ભાજપી ૩ : એમનું નામ લેવાની તપાસપંચો સિવાય બીજા કોઇની તાકાત છે?

કોંગ્રેસી ૧ :  ઠીક છે, તમે ના કહો છો તો નામ નહીં લઇએ, બસ? પણ ચા તો પીઓ.

કોંગ્રેસી ૨ :  એમને બીક લાગે છે કે કોઇ એમના પર સંજયદૃષ્ટિ રાખતું હશે તો?

ભાજપી ૧ :  તમે કહેતા હો તો અમે જતા રહીએ. નાહકના ‘સંજય’ને વચ્ચે શા માટે લાવો છો? અમને પક્ષમાંથી કઢાવવાનો વિચાર છે?

કોંગ્રેસી ૧ : કહો, ન કહો, પણ તમે ભયભીત તો જ છો. નહીંતર, સંજયના નામ માત્રથી આમ આઘાપાછા શું કરવા થાવ?

ભાજપી ૨ : એમાં  ભયનો નહીં, શિસ્તનો સવાલ છે. તમે તો જાણો છો, અમારો પક્ષ શિસ્તને વરેલો છે.

ભાજપી ૩ : એ લોકો તો જાણે જ છે, આપણાવાળા નથી જાણતા. એટલે તો પક્ષની શિસ્ત જાળવવાને બદલે, પોતાનું ધાર્યું કરાવવા માટે ત્રાગાં કરે છે. પક્ષની રાષ્ટ્રિય કારોબારીમાં જવા માટે શરતો મૂકે છે અને શિસ્ત-બિસ્ત બાજુ પર મૂકીને પોતાની ધોરાજી હંકારે છે.

ભાજપી ૧ : જુઓ, જુઓ, આને જ શિસ્તભંગ કહેવાય. અમે તો શિસ્ત પાળીએ જ છીએ, તમે લોકો સાહેબ વિરુદ્ધ જાહેરમાં ગમે તેમ બોલીને શિસ્તભંગ કરો છો.

ભાજપી ૨ : લપોડશંખ, પોલો ઢોલો, રાક્ષસ, રાવણ...ઓ બાપ રે, આવું તો આપણે કોંગ્રેસી વડાપ્રધાન માટે પણ કદી બોલ્યા નથી...

ભાજપી ૩ : ...અને અમે જેના માટે બોલ્યા છીએ એ કદી વડાપ્રધાન થવાના પણ નથી. અમને બાજુ પર રાખીને તો નહીં જ. લખી રાખજો.

ભાજપી ૧ : સતી શાપ આપે નહીં...

ભાજપી ૩ : અને શંખણીના શાપ લાગે નહીં...ખબર છે એ કહેવત, પણ સંજય જોષીને શાપ આપવા નીકળેલા તમારા સાહેબને સંભળાવજો. જેથી એમના પણ ખ્યાલમાં રહે.

કોંગ્રેસી ૧ : શાંતિ...શાંતિ...તમે લોકો તો અંદરોઅંદર ચડચાસડસીમાં ઉતરી પડ્યા.  લો, ચા આવી ગઇ.

ભાજપી ૧-૨ : પણ અમે તો ના પાડી હતી.

કોંગ્રેસી ૨ : અરે, હોય કંઇ? રાજકારણમાં આવું તો બઘું ચાલ્યા કરે. એનાથી ચાનો બહિષ્કાર થોડો કરાય?

ભાજપી ૩ : (આખી ચામાંથી સબડકો ભરતાં) અત્યારે આટલી પણ મોકળાશ છે. પી લો. પછી એવા દિવસ આવશે કે ચા પીતાં પહેલાં  તમારે સાહેબની રજા લેવી પડશે, શિસ્તબદ્ધ સૈનિકો.

કોંગ્રેસી ૩ : જોયું, તમને અમે કહેતા હતા ને કે પાણી પણ હાઇકમાન્ડને પૂછીને પીવું પડે. ત્યારે તમે અમારી મશ્કરી કરતા હતા. હવે તમારે પ્યાલા સામે જોવું હોય તો પણ સાહેબથી બીવું પડે છે.

ભાજપી ૧ : (કોંગ્રેસી ૩ની વાત સાંભળી-ન સાંભળી કરીને, ભાજપી ૨ તરફ જોઇને) આપણે અહીં ચા પીશું તેમાં કોઇ પણ રીતે સંજય જોષીની તરફેણની તો નહીં ગણાઇ જાય ને?

ભાજપી ૨ : (થોડું વિચારીને) ખબર નથી. આપણે આજુબાજુ જોઇ લેવું જોઇએ. ક્યાંય સંજય જોષીનાં પોસ્ટર લાગ્યાં નથી ને? અથવા ભવિષ્યમાં પણ આજુબાજુ સંજય જોષીનાં પોસ્ટર લાગે એવી સંભાવના નથી ને? એવું થાય તો આપણે નાહકના પક્ષદ્રોહના પાપમાં પડીએ.

ભાજપી ૩ : પક્ષદ્રોહ શાનો? સંજય જોષી આપણા પક્ષમાં નથી?

કોંગ્રેસી ૧-૨-૩ : હા, સંજય જોષી તો તમારા પક્ષમાં છે. પછી શી ચિંતા?

ભાજપી ૧ : (ધીમેથી) સંજય જોષી અમારા પક્ષમાં છે, પણ અમારા સાહેબ અમારા પક્ષની ઉપર છે એનું શું?

ભાજપી ૨ : ગમે તે કહો, પણ એ અમારા વડાપ્રધાનપદના ઉમેદવાર છે.

ભાજપી ૩ : તો બનાવી દો એમને વડાપ્રધાન....પાકિસ્તાનના. કોણ ના પાડે છે? ત્યાં ઇમરાનખાન સિવાય બીજા કોઇની હરીફાઇ પણ નહીં નડે.

કોંગ્રેસી ૧ : અને પેલાં મિંયા મુશર્રફવાળાં જૂનાં પ્રવચનો સીધેસીધાં પાકિસ્તાનની ચૂંટણીમાં કામ પણ લાગી જશે.

ભાજપી ૧ :  હં...પહેલી વાર મને તમારી વાત વિચારવા જેવી લાગે છે.

ભાજપી ૨ : સાહેબને વડાપ્રધાન થવું છે, પણ કયા દેશના, એનો એમણે ક્યાં ફોડ પાડ્યો છે? વાત તો સાચી...

ભાજપી ૩ :  અરે પાકિસ્તાનના જ નહીં, અમેરિકાના વડાપ્રધાન -એટલે કે પ્રમુખ- થવું હોય તો પણ વાંધો નહીં આવે. અમેરિકાના રાજકારણની ચોટલી અમારા પટેલોના જ હાથમાં છે. એક વાર સાહેબ અવાજ કરે એટલી વાર. સાહેબને પ્રમુખપદું તો શું, અમેરિકાના વિઝા પણ અપાવી દઇશું. ‘ન્યૂ યોર્ક ટાઇમ્સ’ના પહેલા પાને સાહેબનો ફોટો આવી જશે અને જાહેરખબરનો ભાવ પણ નહીં આપવો પડે. પછી?

કોંગ્રેસી ૧ :  તમારા સાહેબને કાનમાં સહેજ ફૂંક મારી દેવી પડે કે અમેરિકામાં કોંગ્રેસનો અર્થ સંસદ થાય છે. એટલે ત્યાં ‘કોંગ્રેસ’નો ઉલ્લેખ સાંભળીને અહીંની માફક બખાળા કાઢવા ન બેસી જાય.

કોંગ્રેસી ૨ : અમેરિકામાં આ સાલ થાય એવું ન હોય તો તમારા સાહેબ પાકિસ્તાનના પ્રમુખ બની જાય અને અમારા કુંવર પાકિસ્તાનના વડાપ્રધાન. કેવી મઝા આવે?

ભાજપી-૧-૨-૩, કોંગ્રેસી ૧-૨-૩ :  ભારતમાં કોઇ સમસ્યા જ ન રહે.

ભાજપી ૧ :  એય છોકરા, લે આ કપ અને રૂપિયા પેલા ત્રિરંગા ખેસવાળા સાહેબ જોડેથી લેવાના છે.

કોંગ્રેસી ૧ : કેમ ભાઇ? કઇ ખુશીમાં? સરકાર તમારી છે ને રૂપિયા અમે શું કરવા ચૂકવીએ?

ભાજપી ૨ : સરકાર ભલે અમારી હોય, પણ કામ કોનાં થાય છે?

કોંગ્રેસી ૨ : સારું, સારું યાર. તમે ચાના પૈસા જેવી બાબતમાં ધંધાની વાતો ક્યાં લઇ આવો છો?

(ચાના કપના ખખડાટ અને ખિસ્સામાંથી નોટોની સાથે છૂટા પૈસાના ખણખણાટ સાથે ટી-પાર્ટી સમાપ્ત થાય છે.)

Tuesday, June 19, 2012

લધુમતી માટે પેટા-અનામતઃ ગૂંચવાડા અને ગેરસમજણ


સરકારી શિક્ષણસંસ્થાઓમાં અને સરકારી નોકરીઓમાં અન્ય પછાત જાતિઓ - અધર બેકવર્ડ કાસ્ટ્‌સ (ઓબીસી) OBC માટે ૨૭ ટકા બેઠકો અનામત રાખવાની સરકારી નીતિ છે. ડિસેમ્બર ૨૨, ૨૦૧૧ના રોજ  ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી માથે હતી ત્યારે, કેન્દ્ર સરકારે નવું ગતકડું કાઢ્‌યું : ઓબીસી માટેની ૨૭ ટકા અનામતમાંથી ૪.૫ ટકા (પેટા)અનામત લધુમતી માટે રાખવામાં આવશે.

મે ૨૮,૨૦૧૨ના રોજ આંધ્ર પ્રદેશની હાઇકોર્ટે લધુમતી માટે પેટા અનામતની સરકારી જાહેરાત રદબાતલ ઠરાવી. આવા સંવેદનશીલ મુદ્દે કશા આધારપુરાવા વિના, કેવળ ધર્મના આધારે નિર્ણય લેવા બદલ હાઇકોર્ટની ડિવિઝન બેન્ચે સરકારની કડક ટીકા પણ કરી.

તેનાથી શરમાયા વિના સરકાર સુપ્રીમ કોર્ટમાં ગઇ. સરકાર પક્ષની દલીલ હતી કે હાઇકોર્ટના ચુકાદા પર સુપ્રીમ કોર્ટ હાલતુરત મનાઇહુકમ આપે. એવું નહીં થાય તો ૪.૫ ટકા પેટા અનામતના ધોરણે આઇ.આઇ.ટી. માટે પસંદ કરાયેલા ૩૨૫ વિદ્યાર્થીઓનું ભાવિ લટકી પડશે.

પરંતુ સુપ્રીમ કોર્ટે સરકારની દલીલ ફગાવી દીધી, ૪.૫ ટકા પેટા અનામતને કામચલાઉ ધોરણે સ્વીકારવાની ના પાડી દીધી અને સરકારે કયા આધારે લધુમતી માટે ૪.૫ ટકા અનામતનો નિર્ણય લીધો  તેનાં કાગળીયાં રજૂ કરવા જણાવ્યું.

સુપ્રીમ કોર્ટના કડક વલણ પછી સરકારે આશરે ૮૦૦ પાનાંના વિવિધ દસ્તાવેજો- મુખ્યત્વે મંડલ પંચ, સાચર સમિતિ અને રંગનાથ મિશ્ર પંચના અહેવાલ- અદાલતમાં રજૂ કર્યા. તેનો અભ્યાસ કરીને સુપ્રીમ કોર્ટ વેકેશન પછી કેસ આગળ ચલાવશે. પરંતુ આટલા ઘટનાક્રમમાં પૂરતા ગુંચવાડા અને ગેરસમજણો પેદા થઇ ચૂક્યાં છે. તે વારાફરતી સમજવા-ઉકેલવાનો પ્રયાસ કરીએ.    
  
ગેરસમજણ ૧: લધુમતી એટલે મુસ્લિમ

ડિસેમ્બર ૨૦૧૧માં કેન્દ્ર સરકારે ઓબીસી અનામતના ૨૭ ટકામાં લધુમતી માટે ૪.૫ ટકા પેટા અનામતની જાહેરાત કરી, ત્યારે તેના મનમાં મુસ્લિમોને પટાવવાનો જ ખ્યાલ હતો. ઉત્તર પ્રદેશના ચૂંટણી પ્રચારમાં સલમાન ખુર્શીદ જેવા કેન્દ્રીય મંત્રી કૂદી કૂદીને લધુમતી માટેની પેટા અનામતનો બચાવ કરતા હતા. એ માટે ચૂંટણી પંચનો રોષ વહોરી લેતાં પણ તે ખચકાયા ન હતા. કારણ કે ત્યારે કોંગ્રેસને ઉત્તર પ્રદેશના મુસ્લિમ મતો અંકે કરવાની લાલચ હતી. પરંતુ ચૂંટણીનાં પરિણામે દર્શાવી આપ્યું કે લઘુમતી માટે પેટા અનામતનું ગાજર કારગત નીવડ્યું નહીં. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ કશું ઉકાળી ન શકી અને લધુમતી અનામત માટે ‘શહીદી’ વહોરવા તૈયાર થઇ ગયેલા સલમાન ખુર્શીદ તેમનાં પત્નીને પણ જીતાડી ન શક્યા.

લધુમતી માટે પેટા અનામતના ચૂંટણીલક્ષી પ્રચાર અને તેના ચૂંટણીલક્ષી વિરોધમાં પાયાનો મુદ્દો બાજુ પર રહી ગયોઃ સરકારે ફક્ત મુસ્લિમો માટે નહીં, સમસ્ત લધુમતી માટે ૪.૫ ટકા પેટા અનામત જાહેર કરી હતી. ‘લધુમતી’ની વ્યાખ્યામાં મુસ્લિમો ઉપરાંત શીખ, પારસી, બૌદ્ધ, ખ્રિસ્તી વગેરેનો પણ સમાવેશ થઇ જાય. અદાલતે આ હકીકત ભણી ઘ્યાન દોરીને પૂછ્‌યું છે કે પારસીઓ લધુમતી હોવા છતાં તેમણે કદી અનામત માગી નથી. તો કેન્દ્ર સરકારે કયા આધારે પેટા અનામતના લાભાર્થીઓમાં પારસીઓનો સમાવેશ કરી દીધો?
 એટલે, પહેલી સ્પષ્ટતાઃ સરકાર વિરુદ્ધ અદાલતનો કાનૂની જંગ અત્યારે મુસ્લિમોની પેટા અનામત માટે નહીં, પણ બધી લધુમતીની પેટા અનામત અંગેનો છે. ઉત્તર પ્રદેશમાં ખત્તા ખાધા પછી પણ કોંગ્રેસની સાન ઠેકાણે આવી ન હોય અને હજુ તે મુસ્લિમોને પેટા અનામતથી રીઝવવાનાં ખ્વાબ જોતી હોય, તો તેણે પોતાની જાહેરાતમાં ‘લધુમતી’ શબ્દ કાઢીને ‘મુસ્લિમ’ શબ્દ મૂકવો પડે.

ગેરસમજણ ૨: પેટા અનામતમાં બધા મુસ્લિમો લાભાર્થી બનશે


‘મુસ્લિમો માટે ૪.૫ ટકા પેટા અનામત’ જેવી જ બીજી ગેરસમજણ છેઃ ૪.૫ ટકા પેટા અનામતનો લાભ બધા મુસ્લિમોને મળશે.   કોઇ પણ જ્ઞાતિનો ઓબીસીની યાદીમાં સમાવેશ તેના આર્થિક અને સામાજિક પછાતપણાના આધારે કરવામાં આવે છે. ધર્મ આધારિત ભેદભાવને કારણે કોઇ જ્ઞાતિ પછાત રહી હોય એવું બની શકે. છતાં, ઓબીસીની યાદીમાં તેના સમાવેશ વખતે તેનો ધર્મ ગૌણ અને પછાતપણું મુખ્ય પરિબળ બની જાય છે. ઓબીસીની યાદીમાં કઇ કઇ જ્ઞાતિ અને જાતિનો સમાવેશ થાય છે, તેની રાજ્યવાર યાદીઓ બહાર પડે છે. નેશનલ બેકવર્ડ કાસ્ટ કમિશન દ્વારા તેમાં સમયાંતરે સુધારાવધારા- મુખ્યત્વે ઉમેરા- નું કામ ચાલુ રહે છે. ઓબીસીની યાદીમાં છેલ્લો ફેરફાર ગયા વર્ષે થયો હતો.

ગુજરાતમાં પછાત (ઓબીસી)ની યાદીમાં કુલ ૧૦૪ જ્ઞાતિ-જાતિઓનો સમાવેશ થાય છે. તેમાં મકરાણી, મિંયાણા, પિંજારા, સંધી, ખલીફા, મિરાસી, ખાટકી, જત, ઘાંચી જેવી પચીસેક મુસ્લિમ જ્ઞાતિ-જાતિઓ છે. ગયા વર્ષે આરબ અને સુમરા મુસ્લિમોનો તેમાં ઉમેરો થયો છે. ડફેર અને વાઘેર જેવી જ્ઞાતિઓ હિંદુ અને મુસ્લિમ બન્ને ધર્મોમાં જોવા મળે છે અને તે ઓબીસી ગણાય છે.

ઓબીસી માટેની ૨૭ ટકા અનામતમાંથી ૪.૫ ટકાનો એક ટુકડો ધારો કે ફક્ત મુસ્લિમો માટે અનામત રાખવામાં આવે, તો પણ તેનો લાભ ફક્ત એ જ મુસ્લિમ જ્ઞાતિઓને મળે, જેમનાં નામ ઓબીસીની યાદીમાં છે. આ યાદીની બહાર રહેલા બહુ મોટા મુસ્લિમ સમુદાયને ૪.૫ ટકા અનામત સાથે કશી લેવાદેવા ન હોય.

એટલે, સ્પષ્ટતા બીજીઃ ૪.૫ ટકા પેટા અનામત લધુમતીને બદલે ફક્ત મુસ્લિમો માટે હોય તો પણ મુસ્લિમોનો બહુ મોટો સમુદાય તેનો લાભાર્થી બનવાનો નથી. આ જોગવાઇનો લાભ લેવા ઇચ્છતા સમુદાયોએ સૌ પહેલાં પોતાની જ્ઞાતિનું આર્થિક-સામાજિક પછાતપણું પુરવાર કરવું પડે. એ માન્ય થાય તો જ ઓબીસીની યાદીમાં એ જ્ઞાતિનું નામ ઉમેરાય. એટલે પ્રચલિત ગેરમાન્યતા પ્રમાણે, ફક્ત મુસ્લિમ હોવાથી કોઇ પેટા અનામતનું લાભાર્થી બની જતું નથી. તેનું પછાત હોવું સૌથી મહત્ત્વનું છે.

ગેરસમજણ ૩: પેટા અનામતો પાડવાથી અનામત નીતિનો અસરકારક અમલ કરી શકાશે

અત્યારની સ્થિતિ પ્રમાણે, પછાત વર્ગો (ઓબીસી) માટેની ૨૭ ટકા અનામત માટે સંખ્યાબંધ પછાત વર્ગો વચ્ચે ખુલ્લી અને જોરદાર હરીફાઇ ચાલે છે. સ્વાભાવિક છે કે બધા પછાત વર્ગો એકસરખા પછાત ન હોય. તેમાંથી કેટલાક બાકીના કરતાં વધારે સંપન્ન- વધારે પામતાપહોંચતા રહેવાના. શિક્ષણ અને નોકરીમાં ૨૭ ટકા બેઠકો માટેની હરીફાઇમાં સ્વાભાવિક રીતે જ, પછાતમાં ‘ઉપલા’ કહેવાતા વર્ગોનું વર્ચસ્વ રહેવાનું. તેના કારણે બીજા વર્ગોનો સમાવેશ ઓબીસીમાં થતો હોવા છતાં અને કાગળ પર તેમને ૨૭ ટકા અનામત મળેલી હોવા છતાં,   આંતરિક હરીફાઇમાં તે અનામતનો પૂરતો લાભ નહીં મેળવી શકવાના.

પછાત વર્ગોમાં અંદરોઅંદરની આર્થિક-સામાજિક અસમાનતાને કારણે પેટા અનામતનો મુદ્દો ઊભો થયો. સરકારને લાગ્યું કે ૨૭ ટકામાંથી પણ પછાત મુસ્લિમોને તેમનો એક અલગ ટુકડો આપી દઇએ તો કેવું? એ ૪.૫ ટકા માટે પછાત મુસ્લિમોએ બીજા સમુદાયો જોડે હરીફાઇ કરવાની ન રહે. એથી મુસ્લિમોનો દહાડો વળે કે નહીં એ બીજી વાત છે, પણ સરકાર તો મુસ્લિમોના ઉદ્ધારક તરીકેનો દાવો કરીને મત માગી શકે. સરકારોની બુદ્ધિની પહોંચ કેટલી? કોઇ પણ સમુદાયને વોટબેન્ક ગણવા જેટલી.

પરંતુ વોટબેન્કથી આગળ વિચારતાં જણાશે કે પછાત મુસ્લિમો પણ એકસરખો સમુદાય નથી. તેમાં ચડિયાતા અને ઉતરતા, થોડા સદ્ધર અને બાકીના નબળા છે. એટલે પછાત મુસ્લિમોને સુવાંગ ૪.૫ ટકા પેટા અનામત આપી દીધા પછી પણ, જેમને સૌથી વધારે જરૂર છે એવા પછાત મુસ્લિમ સમુદાયો સુધી અનામતના લાભ પહોંચવા અંગે શંકા રહે છે.

પછાત મુસ્લિમો અંગેનું એક સર્વેક્ષણ ‘સોશ્યો-ઇકોનોમિક ડિસએબિલિટી એન્ડ અનએમ્પ્લોયમેન્ટ પ્રોબ્લેમ્સ એમંગ મુસ્લિમ્સ ઓફ અધર બેકવર્ડ ક્લાસીસ’ આયોજન પંચને સુપ્રત કરવામાં આવ્યું હતું. ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હરિયાણા- એ ત્રણ રાજ્યોનાં ૭૨ ગામનાં વિગતવાર સર્વેક્ષણમાં નોંધાયું હતું કે એ વિસ્તારોના કસાઇ અથવા કુરેશી, અન્સારી અથવા જુલાહા અને મલિક- પછાત મુસ્લિમોમાં ગણાતા હોવા છતાં, તેમની સ્થિતિ ઘણા ખરા બિનપછાત મુસ્લિમો કરતાં સારી હતી.

‘ક્રીમી લેયર’ (અમુકથી વઘુ આવક ધરાવતા પરિવારો)ને ઓબીસી અનામતનો લાભ મળતો નથી એ ખરું, પણ ૨૦૦૮માં ઠરાવાયેલી રકમ પ્રમાણે, જેના વાલીની વાર્ષિક આવક રૂ.૪.૫ લાખ કે વઘુ હોય એવા લોકો ક્રીમી લેયરમાં ગણાય છે. એથી થોડી ઓછી આવક ધરાવતા પરિવારો બીજાં પછાત પરિવારો કરતાં ઘણાં સુખી હોવા છતાં, ઓબીસી અનામતના હકદાર બને છે.

આમ, અસમાન વહેંચણીની સમસ્યા પેટા અનામત પાડ્યા પછી પણ ઊભી જ રહે છે. ફરક એટલો કે પહેલાં મુસ્લિમ અને બિનમુસ્લિમો વચ્ચે અસમાન વહેંચણીની હોય, તો પેટા અનામત પછી તે મુસ્લિમોમાં અંદરોઅંદરની વહેંચણીની બને છે. પરંતુ અનામતનો આશય ધર્મઆધારિત નહીં, પછાતપણા આધારિત હકારાત્મક પગલાંનો છે અને તે જળવાતો નથી.

ગેરસમજણ ૪ : અનામત ઓબીસીના પછાતપણાનો ઉત્તમ ઉકેલ છે

દલિતો-આદિવાસીઓ માટેની અનામત અને એમના સિવાયના- અન્ય- પછાત વર્ગો માટેની અનામત પહેલી નજરે સરખી લાગે, પણ બન્નેમાં પાયાનો તફાવત છે. દલિતો સદીઓથી ભેદભાવ અને આભડછેટનો ભોગ બનેલા હોવાને કારણે અને આદિવાસીઓ સમાજની મુખ્ય ધારાથી દૂર રહ્યા હોવાથી, તેમની જ્ઞાતિ તેમના પછાતપણાનું સૌથી મુખ્ય અને સૌથી મોટું કારણ છે.

ઓબીસીના મામલે, તેમની જ્ઞાતિ ઉલ્લેખનીય હોવા છતાં સૌથી મહત્ત્વનું તેમનું સામાજિક-આર્થિક પછાતપણું છે. મંડલ પંચે ૧૯૮૦માં ઠરાવ્યું હતું કે દેશની કુલ વસ્તીમાં અન્ય પછાત વર્ગોનું પ્રમાણ ૫૨ ટકા છે. વસ્તીવધારો અને ઓબીસીની યાદીમાં ઉમેરા પછી આ પ્રમાણ ઘટવાને બદલે વઘ્યું હોય એવી પૂરેપૂરી સંભાવના છે. તેનો સાદો અર્થ એ થયો કે દેશની અડધોઅડધ વસ્તી, દલિત કે આદિવાસી ન હોવા છતાં, સામાજિક-આર્થિક રીતે પછાત છે.

અનામતની સિદ્ધાંતચર્ચા બાજુ પર રાખીને એક સાદો સવાલ થાયઃ અડધાથી પણ વઘુ વસ્તી માટે સરકારી શિક્ષણ-સરકારી નોકરીમાં અનામત જેવું અધકચરું પગલું લઇને તેનું રાજકારણ લડાવ્યા કરવું એ સાચો ઉપાય છે? કે આટલી મોટી વસ્તી પછાત રહી ગઇ એ બદલ સરકારી નીતિઓની નિષ્ફળતા કબૂલીને, પછાતપણું પ્રેરતાં પરિબળો દૂર કરવાની દિશામાં કામ કરવું, એ યોગ્ય રસ્તો છે?

Monday, June 18, 2012

ઇતિહાસ-પુરાતત્ત્વ-કળા-સંસ્કૃતિની મહત્ત્વની કડીઓ જોડી આપનાર અભૂતપૂર્વ ગુજરાતી: ભગવાનલાલ ઇન્દ્રજી

શિલાલેખોનું વાચન, જૂના સિક્કાની ઓળખ, મૂર્તિઓનો અને સ્થાપત્યોનો અભ્યાસ, પ્રાચીન લિપી અને આંકડા ઉકેલવા- આ બધી પ્રવૃત્તિઓમાં ‘શું મળે?’ અથવા ‘એનાથી શો ફાયદો?’ એવા સવાલનો જવાબ આપવાનું અઘરૂં છે. પૂછનારના મનમાં ફાયદાની ગણતરી રૂપિયાપૈસાના કે સ્થૂળ પ્રસિદ્ધિના અર્થમાં થતી હોય ત્યારે તો ખાસ. પરંતુ અત્યારે સામાજિક મૂલ્ય ગણાતી વૈચારિક સંકુચિતતાની બહાર નીકળીને વિચારીએ તો, પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indrajiનું જીવનકાર્ય દંતકથા જેવું લાગે.
ભગવાનલાલ ઇન્દ્રજી/ Bhagwanlal Indraji


ભગવાનલાલ ઇન્દ્રજીની ગુજરાતી અને અંગ્રેજી સહી
જૂનાગઢનો એક ગુજરાતી જણ ફક્ત ૪૯ વર્ષના જીવનકાળમાં એવું માતબર કામ કરીને જાય કે એ થકી ફક્ત ગુજરાતના જ નહીં, ભારતના ઇતિહાસમાં રહેલાં ગાબડાં પુરાય, ભારતની અસલી સંસ્કૃતિના દસ્તાવેજ જેવાં અનેક શિલાલેખ-શિલ્પ-સ્થાપત્યો તેનાં અર્થઘટન અને તસવીરો સહિત પ્રકાશમાં આવે, પરદેશી અભ્યાસીઓ- યુનિવર્સિટીમાં તેના અભ્યાસ-સંશોધનોની ભરપૂર કદર થાય, લેઇડન યુનિવર્સિટી તેમને માનદ્‌ ડોક્ટરેટની પદવીથી સન્માને, પ્રિન્સેપ-કનિંગહામ-બર્જેસ-બ્યૂલર જેવા પરદેશી વિદ્વાનો-અફસરોની હરોળમાં અંગ્રેજી ભાષાથી અલ્પપરિચિત એવા ગુજરાતી ભગવાનલાલને બરાબરીનું અને ઘણી વાર ચડિયાતું સ્થાન મળે

 - અને આ બઘું થયા પછી પણ ગુજરાતમાં ‘ભગવાનલાલ ઇન્દ્રજી? એ કોણ?’ એવો સવાલ પૂછાતો હોય.

નર્મદના દેશાભિમાન-યુગથી લઇને ભાજપના સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ સુધીનાં સવાસો- દોઢસો વર્ષમાં, ભગવાનલાલ ઇન્દ્રજીની ઉપેક્ષા એકંદરે ગુજરાતનો સ્થાયી ભાવ રહ્યો છે. ઉમાશંકર જોશીએ ૧૯૩૯ના એક લેખમાં ‘ગુજરાતના સીમાડા ભેદીને જેમની કીર્તિ બીજા પ્રાંતો અને દેશોમાં પ્રસરી છે અને પ્રસરતી રહેશે એવા ગુજરાતી સપૂતો’માં મહાત્મા ગાંધી, જમશેદજી તાતા અને દાદાભાઇ નવરોજીની હરોળમાં પંડિત ભગવાનલાલ ઇન્દ્રજીનું નામ મૂક્યું હતું. ‘હૃદયમાં પડેલી છબીઓ’ પુસ્તકમાં ઉમાશંકરે પહેલી જ છબી ભગવાનલાલની આલેખી હતી. તેમાં એમણે લખ્યું હતું,‘જે પ્રજા સાચા પૂજાર્હોને (પૂજનીયોને) ઓળખી શકતી નથી તે ક્રમે ક્રમે પૂજ્ય પુરૂષોને પેદા કરવાની શક્તિ પણ ગુમાવી બેસે છે. પૂજ્યોમાંથી પ્રથમ કક્ષાનાઓને પડતા મૂકીને ઊતરતી કક્ષાના ઠીંગુજીઓને જે પ્રજા પૂજે, તે પોતાના આદર્શોને પણ એ ધોરણ પર લાવી મૂકે છે.’

ઉમાશંકરનું આ વિધાન ગુજરાતીઓ માટે ફક્ત નિદાન નહીં, સચોટ આગાહી પણ બન્યું છે. ભગવાનલાલ જેવાં વિરાટ વ્યક્તિત્ત્વોને વિસારે પાડીને ગુજરાતની અસ્મિતાનાં બણગાં ફૂંકવામાં કશો વિરોધાભાસ ગણાતો નથી. અત્યાર લગી ભગવાનલાલ વિશેની સામગ્રીમાં દુર્ગાશંકર શાસ્ત્રીએ લખેલું, ગુજરાત વિદ્યાસભાએ ૧૯૪૫માં પ્રકાશિત કરેલું ભગવાનલાલનું જીવનચરિત્ર (કિંમત રૂ.૧, ૧૮૦૦ નકલ) હતું. એ સિવાય ઉમાશંકરનો લેખ કે ધોરાજીના ડૉ.હસમુખ વ્યાસ લિખિત પુસ્તિકા ‘પૂર્વના પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી’ (૨૦૦૯) જેવી છૂટીછવાયી સામગ્રી ખાંખાખોળા કરવાથી મળતી હતી. પરંતુ ભગવાનલાલ ઇન્દ્રજીની પ્રતિભા અને તેમના પ્રદાનને પૂરો ન્યાય આપે એવું જીવનચરિત્ર તેમના મૃત્યુની એક સદી પછી પણ મળ્યું ન હતું.

એ મહેણું જાણીતા અભ્યાસી વીરચંદ ધરમસી અને ‘દર્શક ઇતિહાસ નિધિ’એ આખરે ભાંગ્યું છે. ૭૭ વર્ષના વીરચંદભાઇએ વીસ વર્ષની મહેનત પછી, ખંત અને અભ્યાસપૂર્વક  અંગ્રેજી અને ગુજરાતી બન્ને ભાષાઓમાં ભગવાનલાલ ઇન્દ્રજીનું ઉત્તમ જીવનચરિત્ર તૈયાર કર્યું છે. અંગ્રેજી ચરિત્ર પાંચસો પાનાંનું અને કેટલીક તસવીરો સાથેનું છે, જ્યારે ગુજરાતી ચરિત્ર કુલ ૨૯૬ પાનાંનું છે. પરંતુ ગુજરાતી ચરિત્રમાં સમાવાયેલી ભગવાનલાલ ઇન્દ્રજીની લગભગ સવા સો પાનાં જેટલી અસલ નોંધો એ પુસ્તકને અત્યંત મૂલ્યવાન અને ઐતિહાસિક રીતે મહત્ત્વનું બનાવે છે.

કોણ હતા ભગવાનલાલ ઇન્દ્રજી? સંસ્કૃતના વિદેશી વિદ્વાન તરીકે જાણીતા મેક્સમૂલરે તેમને મેક્સમૂલરે તેમના માટે ‘કોનશ્યન્શ્યસ સ્કોલર’ જેવું વિશેષણ વાપર્યું હતું. ઉમાશંકરે એ વિશેષણનું ગુજરાતી ‘પ્રામાણિક હૃદયબુદ્ધિના અભ્યાસી’ એવું કરીને લખ્યું હતું, ‘અભ્યાસીની કદર માટે આના કરતાં મોંઘો શબ્દ ભાગ્યે જ બીજો કોઇ હશે.’ જે સમયે ‘પંડિત’ શબ્દનો અર્થ ‘અંગ્રેજ સંશોધકો-પુરાતત્ત્વવિદોને મદદ કરનાર સહાયક-આસિસ્ટન્ટ’ થતો હતો, ત્યારે પંડિત ભગવાનલાલ ઇન્દ્રજી ખરા અર્થમાં પુરાતત્ત્વની વિવિધ શાખાઓના પંડિત તરીકે ઊભરી આવ્યા.   જૂનાગઢમાં નવેમ્બર ૯, ૧૮૩૯ના રોજ જન્મેલા ભગવાનલાલ ઇન્દ્રજી ભટ્ટે ફક્ત ૧૪ વર્ષની ઉંમરથી પડખે આવેલા ગિરનારના શિલાલેખો ઉકેલવાની મથામણ શરૂ કરી દીધી હતી.

ગિરનારના શિલાલેખ લાંબા સમયથી અભ્યાસીઓના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. વિદ્યાવ્યાસંગી અંગ્રેજ અફસરો કે મિશનરીઓ આ શિલાલેખોની નકલ કરાવીને તેની લિપિ ઉકેલવા પ્રયાસ કરતા હતા. તેમાં જેમ્સ પ્રિન્સેપ અને ‘લેન્ગ લાયબ્રેરી’ થકી હજુ રાજકોટમાં જાણીતા એવા કાઠિયાવાડના અંગ્રેજ પોલિટિકલ એજન્ટ કર્નલ વિલિયમ લેન્ગ મુખ્ય હતા. લેન્ગને પોતાને પુરાતત્ત્વમાં રૂચિ હોવાથી પ્રાચીન બ્રાહ્મી લિપિના મૂળાક્ષરોનો એક ચાર્ટ તેમણે જૂનાગઢની સંસ્કૃત પાઠશાળામાં મોકલી આપ્યો હતો. ભગવાનલાલ એ પાઠશાળાના વિદ્યાર્થી. એટલે મૂળાક્ષરોના ચાર્ટથી જાગ્રત થયેલી જિજ્ઞાસા તેમને ગિરનારના શિલાલેખો ભણી ખેંચી ગઇ. બે વર્ષમાં તેમનો અભ્યાસ એટલો આગળ વઘ્યો કે કર્નલ લેંગ તેમનો ઉલ્લેખ ‘નાનકડા પુરાતત્ત્વવિદ્‌’ તરીકે કરતા હતા.

સામાન્ય સંજોગોમાં ભગવાનલાલ તેમની બધી પ્રતિભા સહિત જૂનાગઢ-કાઠિયાવાડના મર્યાદિત વર્તુળમાં સીમિત બનીને રહી ગયા હોત. પણ એલેક્ઝાન્ડર ફાર્બસે ફરી એક વાર ગુજરાતની મોટી સેવા કરી. દલપતરામને પ્રોત્સાહન-આશ્રય આપનાર ફાર્બસ કાઠિયાવાડના પોલિટિકલ એજન્ટ તરીકે નિમાતાં તે જુવાન ભગવાનલાલના પરિચયમાં આવ્યા. ‘નાનકડો પુરાતત્ત્વવિદ્‌’ ત્યારે જુવાન બની ચૂક્યો હતો. ફાર્બસે તેમનો પરિચય મુંબઇના અગ્રણી ડો.ભાઉ દાજી સાથે કરાવ્યો. ડો.ભાઉ અને ભગવાનલાલનો વિશિષ્ટ સંબંધ એ બન્ને ઉપરાંત પુરાતત્ત્વવિદ્યાની અનેક શાખાઓ માટે ભારે ફળદાયી પુરવાર થયો.

કવિ નર્મદ જેમને પોતાના ‘વડીલભાઇ જેવા અને પરમ સ્નેહી’ ગણતા હતા એ ડો.ભાઉ (સાચું નામઃ રામકૃષ્ણ વિઠ્‌ઠલ) કળા-સાહિત્ય ઉપરાંત પુરાતત્ત્વના પણ અચ્છા અભ્યાસી હતા. ફાર્બસની ભલામણથી તેમણે ભગવાનલાલની ચકાસણી કરી લીધા પછી લખ્યું, ‘તમે મુંબઇ આવી જાવ અને મારી સાથે કામ કરો. પુરાતત્ત્વકીય સંશોધનના નવા ક્ષેત્રમાં તમને જે સગવડો જોઇશે એ મળી રહેશે.’ ભાઉનું આમંત્રણ સ્વીકારીને ભગવાનલાલ ૨૨ વર્ષની વયે, એપ્રિલ ૨૪, ૧૮૬૨ના રોજ મુંબઇ આવી ગયા. તેમનો અને ભાઉનો સાથ ભાઉના મૃત્યુ સુધી ટક્યો.
ડો.ભાઉ દાજી/ Bhau Daji 
ભાઉએ પૂરી પાડેલી સુવિધાઓનો ઉપયોગ કરીને ભગવાનલાલ અભ્યાસ કરે, લેખો ઉકેલે, પ્રવાસો કરે, નવી શોધો કરે અને ડો.ભાઉ તેના આધારે સંશોધનલેખો રજૂ કરે. આ જાતની ગોઠવણ  અત્યારે અજૂગતી લાગી શકે, પરંતુ એ સમયે ભગવાનલાલ એ ગોઠવણથી રાજી અને સંતુષ્ટ હતા. ૧૮૭૪માં લાંબી બિમારી પછી ડો.ભાઉનું અવસાન થયું, તેનાં ચાર વર્ષ પહેલાં ભાઉએ પહેલી વાર પોતાના શોધનિબંધમાં ભગવાનલાલના નામનો ઉલ્લેખ કર્યો હતો. પરંતુ એ ક્ષેત્રના જાણકારો ભાઉના લેખોમાં ભગવાનલાલના પ્રદાનથી બરાબર વાકેફ હતા. 
 અંગ્રેજ સરકારે ૧૮૬૧માં આર્કિઓલોજિકલ સર્વે ઓફ ઇન્ડિયાની સ્થાપના કરી. તેના પહેલા વડા કનિંગહામને મહિને રૂ.૨૦૦૦ પગાર મળતો હતો અને તેમની કામગીરીનું વાર્ષિક ખર્ચ રૂ.૫૪ હજાર આવ્યું હતું.

એવું જ કામ કરવા માટે ભગવાનલાલને મહિને રૂ.૨૦૦ મળતા હતા. આ રકમ જૂનાગઢના નવાબ તરફથી તેમને ડો.ભાઉ દાજીના ‘પંડિત’ તરીકે ચૂકવાતી હતી. કનિંગહામના પગારની સરખામણીમાં આ રકમ મામૂલી લાગે, પણ ૧૮૬૦ના દાયકાને ઘ્યાનમાં રાખતાં ભગવાનલાલને આ પગારમાં શોષણનો અહેસાસ ન થયો હોય, એ બનવાજોગ છે. ઉપરાંત, ડો.ભાઉ દાજીએ પોતાને તક આપી એ વાતનો ગુણ ભગવાનલાલના મનમાં છેવટ સુધી રહ્યો હતો. એટલે, પોતાનો હસ્તલિખિત ગ્રંથોનો સંગ્રહ મુંબઇની રોયલ એશિયાટિક સોસાયટીને આપતાં તેમણે એવી ઇચ્છા વ્યક્ત કરી હતી કે એ સંગ્રહને પોતાના ગુરૂ અને શેઠ ડો.ભાઉ દાજીનાં સંસ્કૃત પુસ્તકો જે કબાટમાં છે, તેની બાજુના કબાટમાં રાખવો અને તેની પર ‘ડો.ભાઉ દાજીના શિષ્ટ ભગવાનલાલ ઇન્દ્રજીનો સંગ્રહ’ એમ લખાવવું.

(મુંબઇ આવ્યા પછી ભગવાનલાલે મઘ્ય-ઉત્તર ભારતના ભ્રમણની સાથોસાથ, જૈન ધર્મના ઇતિહાસથી માંડીને ‘કામસૂત્ર’ની પહેલી આલોચનાત્મક આવૃત્તિ- તેના ગુજરાતી અનુવાદ સુધીનાં અનેક મહત્ત્વપૂર્ણ કામ કર્યાં. ઇતિહાસમાંથી દંતકથા ગાળીને તેનાં સ્વસ્થ-તટસ્થ અર્થઘટન આપ્યાં. તેની વિગતો આવતા સપ્તાહે.)