Sunday, August 30, 2026
લાઇટ જાય ત્યારે...
ગુજરાતનાં ઘણાં ગામ એવાં છે, જ્યાં વરસાદની સીઝનમાં લાઈટ જતી નથી--તે સિવાય પણ વારંવાર જાય છે. લાઇટ જવી તે પ્રચલિત શબ્દપ્રયોગ છે. તેની અસરો એટલી જીવનસ્પર્શી હોય છે કે તેના અર્થવિચલનની પંચાતમાં કોઈ પડતું નથી. ખરેખર તો એમ કહેવું જોઈએ કે વીજપ્રવાહ રુંધાય છે અથવા ખોટકાય છે. કારણ કે, ‘લાઇટ જાય’ ત્યારે ફક્ત લાઇટ જ નહીં, પંખો, ફ્રિજ, એસી બધું જતું રહે છે. તો પછી ફક્ત લાઇટ પર જ જવાનું આળ શા માટે? પણ પ્રચલિત પ્રયોગો શબ્દકોશોને કે નિયમોને ગાંઠતા નથી. એટલે, ઘરની લાઇટ (બત્તો) જ્યાંની ત્યાં જ રહેતી હોવા છતાં, કહેવાય તો એમ જ છે કે લાઇટો ગઈ.
ઘણા લોકો લાઇટો જાય તેનાથી દુઃખી થઈને સરકારી વીજકંપનીઓની ટીકા કરે છે. એવા લોકો દેશદ્રોહી છે ને તેમણે પાકિસ્તાન જતા રહેવું જોઈએ—એવું હજુ સુધી કહેવાયું નથી, પણ કહેવાય તો નવાઈ ન લાગવી જોઈએ. કારણ કે આવાં વિધાનો ગામોમાં લાઇટ જવા જેટલાં જ સામાન્ય છે. લાઇટ પહેલાં પણ જતી હતી. તે આ સરકારની વિશેષ સિદ્ધિ નથી. ફરક એટલો કે પહેલાં લાઇટો જતી હતી ત્યારે લોકો તે માટે વીજકંપનીનો અને સરકારનો દોષ કાઢી શકતા હતા. હવે સૌ જાણે છે કે વર્ષ 2014 પછી દેશમાં જે કંઈ ન થવાનું થાય તેમાં સરકારની કોઈ જવાબદારી હોતી નથી. કુશાસન, દુશાસન ને અશાસનથી સરકાર જે હદે અલિપ્ત રહે છે તે જોતાં, આ સરકારને જલકમલવત્ અથવા ખરેખર તો ‘જલ-કમલમ્-વત્’ પણ કહી શકાય. વારેવારે લાઇટ જવા પાછળ (પણ) તે જવાહરલાલ નહેરુનો વાંક કાઢે તો તેની વાત હોંશે હોંશે માની લે, એવો એક સમુદાય તેણે પાળેલો છે. પહેલી નજરે એવું લાગે કે એ સમુદાયની વિચારપ્રક્રિયા શરીરના જે ખંડમાં ચાલવી જોઈએ, ત્યાંની લાઇટ જતી રહી હશે, પણ થોડા વધારે અનુભવે સમજાય કે ત્યાં તો વાયરિંગ જ થયું નથી. એટલે લાઇટ આવવાની કોઈ સંભાવના નથી.
એટલું નોંધવું જોઈએ કે લાઇટ જાય તેને હંમેશાં ખરાબ કે નકારાત્મક ન કહી શકાય. સૂર્ય જેવો સૂર્ય, આટલી બધી ઊર્જા સાથે, ઉગે છે તેમ આથમી પણ નથી જતો? અને ચોમાસામાં તો દિવસ દરમિયાન ગમે ત્યારે વાદળો ચડી આવે ત્યારે સૂર્યની ‘લાઇટ’ જતી રહેતી નથી? તો પછી માનવસર્જિત લાઇટની શી વિસાત? તેનું આવવું-જવું એ તો સંસારનું ચક્ર અટકી પડ્યું નથી, તેની નિશાની છે.
અંધકાર અને પ્રકાશ એક સિક્કાની બે બાજુ છે, એવું કોઈકે તો કહ્યું જ હશે—જ્ઞાનની ઉચ્ચ અવસ્થામાં નહીં, તો લાઇટ ગયા પછી અંધારામાં બેઠાં બેઠાં પણ કહ્યું હશે. એટલે, લાઇટ જાય તો તેની બહુ હાય હાય કરવી ન જોઈએ. આપણો તો ચિંતકોનો પ્રદેશ છે. કોલમેકોલમે ને કલમેકલમે ચિંતકો લહેરાય છે. તેમનું વાચકવૃંદ સમજે છે કે જે આવે છે, તેનું જવાનું નક્કી છે. એટલું જ નહીં, તેનાથી પણ ઊચ્ચ ભૂમિકા એ છે કે આવવું એ પોતે જ જવાનું કારણ છે. તેને ટાઢા પહોરની ફિલસૂફી ગણી લેવાને બદલે વિચાર કરોઃ કોઈ ઘરમાં લાઇટ આવી જ ન હોય, વીજળીનું કનેક્શન જ ન હોય, તો ત્યાં કદી લાઇટ જવાની અગવડ પડે ખરી? કહેવત છે ને કે મડાને વીજળીનો ભો ન હોય. મૃતદેહ જોખમ શું ને સલામતી શું?
એ દૃષ્ટિએ જોતાં લાઇટ જવાની ફરિયાદ ભરેલા પેટના ચાળા લાગે. લાઇટ જવાની બૂમો પાડતા લોકોએ ખરેખર તો તેમની પાસે જઈ શકે એવી લાઇટ હોવા બદલ આનંદ મનાવવો જોઈએ અને સરકારમાઇબાપનો આભાર માનવો જોઈએ. આટલું કહ્યા પછી એ નોંધવું જોઈએ કે લાઇટ જવાની ફરિયાદની ગંભીરતા છેક કાઢી નાખવા જેવી પણ નથી. આધુનિક જીવનપદ્ધતિમાં માણસ લાઇટ પર એટલો આધારિત અને તેનો ગુલામ બની ગયો છે કે લાઇટ જતી રહે તો તેના જીવનમાં ધોળા દિવસે અંધારું સર્જાઈ શકે. ઘર કે ઓફિસ કે દુકાનમાં ભાગ્યે જ એવું કશું હોય છે, જે લાઇટ વિના ચાલતું હોય. એમાં પણ લાઇટ લાંબો સમય માટે જતી રહે અને મોબાઇલ ફોનનું ચાર્જિંગ થયેલું ન હોય તો, લાઇટ અને ચાર્જર વિના માણસની સ્થિતિ જલ બિન મછલી જેવી થઈ શકે છે અને માણસના મગજની બત્તી પણ ગુલ થઈ શકે છે.
એ જ તર્કને આગળ વધારતાં એવું પણ લાગે કે એક રીતે લાઇટ જાય તે આપણી સ્વતંત્રતા માટે સારું જ છે. લાઇટ જતાં નવરો પડી ગયેલો માણસ એ કરવા બેસે છે, જે કરવાનું તેણે છોડી દીધું છેઃ વિચાર. તે કંઈ પણ કર્યા વિના, પગ વાળીને શાંતિથી બેસે છે અને વિચારે છે કે પહેલાં લાઇટો ક્યાં હતી? છતાં માણસો જીવતા જ હતા ને? લાઇટે આવીને આપણને પરાધીન બનાવ્યા. હવે અંગ્રજોની ગુલામી ગઈ તો પણ લાઇટની ગુલામી ચાલુ છે અને તેનો અહેસાસ સુદ્ધાં આપણને થતો નથી. ભલું થજો ગયેલી લાઇટનું કે જેથી આપણી પરાધીનતાનું ભાન થયું અને લાઇટ જવાની ઘટનામાં સ્વતંત્રતા મળ્યાના આનંદનો અહેસાસ થયો.
આમ પણ,
સ્વતંત્રતાના અને લોકશાહી મૂલ્યોનો આનંદ હવે ઘણુંખરું બંધારણીય સંસ્થાઓ અને સરકાર
પાસેથી તો મળવાનો નથી, તો પછી એવા ક્ષણિક આનંદ માટે ગયેલી લાઇટ પણ શું ખોટી?
No comments:
Post a Comment