Wednesday, June 01, 2011
અન્નાને ‘ખાનગી-ખાનગી’ પત્રો
અન્ના હજારેએ અગાઉ ગુજરાતના મુખ્ય મંત્રી અને તેના વિકાસ વિશે આનંદ વ્યક્ત કર્યો, ત્યારે આભારવશ મુખ્ય મંત્રીએ સવારના પાંચ વાગ્યે ઉઠીને અન્નાને એક પત્ર લખ્યો હતો. તેમાં મુખ્ય મંત્રીએ અન્ના પ્રત્યે નતમસ્તકે, સઘળી નમ્રતા નીચોવી નાખીને, આભાર વ્યક્ત કર્યો હતો અને ત્યાર પછી સઘળી વાક્પટુતા નીચોવીને ‘ગુજરાતવિરોધી ટોળકી’ને ભાંડી હતી. પ્રસાર માઘ્યમોમાં પ્રગટ થયેલો એ પત્ર વાંચીને એક ઉત્સાહીએ ‘ગુજરાતવિરોધી ટોળકી’નાં નામ-સરનામાંની વિગત માહિતી અધિકાર હેઠળ માગતાં, સત્તાવાર રીતે મુખ્ય મંત્રીના પત્રને ‘ખાનગી જાહેર’ કે ‘જાહેર ખાનગી’ ગણાવવામાં આવ્યો હતો.
આ તો જૂની વાત થઇ. હવે અન્નાની અમદાવાદ મુલાકાત અને ‘ગુજરાતમાં ગોટાળા છે... દૂધ કરતાં દારૂ વધારે મળે છે’ એવા તેમના લાક્ષણિક ઉદ્ગાર પછી મુખ્ય મંત્રી શું વિચારતા હશે? અને સવારે ચાર વાગ્યે તેમની ઉંઘ ઉડી ગયા પછી અન્નાને બીજો પત્ર લખવાનો થાય તો? થોડી અટકચાળી અટકળોના આધારે લખાયેલા કાલ્પનિક પત્રોઃ
***
આદરણીય અણ્ણાજી,
સાદર પ્રણામ.
આપના માટે મારો આદર દાયકાઓ જૂનો છે. આપના પ્રેરણારૂપ કાર્યની વિગતોની મારા મન પર ઊંડી અસર હતી. ગુજરાત અને મારી બાબતે જે ભાવ વ્યક્ત કરીને આપે જાહેરમાં જે દૃઢતાપૂર્વક હિમત બતાવી તે બદલ આખું ગુજરાત આપનું આભારી છે. આપની આ હંિમતમાં આપની સત્યનિષ્ઠા અને સૈનિક જેવી પ્રતિબદ્ધતા વ્યક્ત થઇ છે અને તેના કારણે આપના મંતવ્યો વ્યાપક સ્વીકૃત બન્યાં છે.
પ્રભુ આપને શક્તિ આપે. ઇશ્વર આપને ખૂબ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે જેથી મારા જેવા અનેકાનેકને આપનું માર્ગદર્શન મળતું રહે...
(આ પત્ર પર છેકો મરાયેલો છે. તેમાં લખાયેલાં બધાં વાક્યો મુખ્ય મંત્રીના અગાઉના પત્રનાં જ છે, પણ તેનો સંદર્ભ બદલાઇ જતાં તેમને રદબાતલ ગણવામાં આવ્યાં હોય એવું લાગે છે. કારણ કે આ વાક્યો લખાયાં ત્યારે અન્નાએ મુખ્ય મંત્રીનાં ને ગુજરાતના વિકાસનાં વખાણ કર્યાં હતાં. હવે તેમણે ટીકા કરતાં દોઢ મહિના પહેલાંના આ વાક્યો બૂમરેન્ગની જેમ પાછાં ફર્યાં છે.)
***
આદરણીય અણ્ણાજી,
સાદર પ્રણામ.
તમે પણ શું જોયા વિના ઠોકાઠોક કરો છો? એટલે કે, એક વાર ભલે તમે એવું કર્યું, પણ ક્યારેક તો વિચારીને બોલો. આજ સુધી મારા શાસનમાં કોઇએ - એટલે કે મારા વિરોધી ન હોય એવા કોઇએ- મારી પર ગોટાળાનો આરોપ મૂક્યો નથી ને તમે સીધા ઉપરથી ટપકી પડીને, ગુજરાતવિરોધી ટોળકી સાથે દૂધમાં સાકર ભળી જાય એમ ભળી જઇને, તમારા આ નરેન્દ્રના રાજ વિશે આવું એલફેલ બોલી બેઠા! તમે મને કહ્યું હોત તો હું અમદાવાદના સારામાં સારા ડોક્ટર પાસે તમારું ચેક-અપ કરાવત. પેલી ગુજરાતવિરોધી ટોળકીથી તમારો છૂટકારો કરાવત, તમને લેવા માટે મારો વીસ-પચીસ ગાડીઓનો કાફલો મોકલત, તમને બતાવી દેત કે તમારા પ્રમાણપત્રનું મારે માટે કેટલું મહત્ત્વ છે. પણ તમે તો સાવ ... (પત્ર અહીંથી અઘૂરો છૂટેલો જણાય છે.)
***
આદરણીય અણ્ણાજી,
સાદર પ્રણામ.
મા જગદંબાની કૃપાથી આજે સવારે ચાર વાગ્યે ઉંઘ ઉડી ગઇ. (ના, મા જગદંબાની કૃપાથી મને ખરાબ સ્વપ્નો આવતાં નથી. હા, ક્યારેક વાસ્તવિકતાનો વિચાર આવી જાય ખરો.) મા જગંદબાની કૃપાથી બ્રશ કર્યું અને તેમની કૃપાથી ચા પીને તમને આ પત્ર લખવા બેઠો છું.
આસામામાં ચૂંટણીપ્રચાર વખતે મા કામાક્ષીદેવીનાં દર્શન કરવાનું સદ્ભાગ્ય પ્રાપ્ત થયું, છતાં એ પ્રચારની કશી અસર ન થઇ અને મારા પ્રચાર છતાં મારો પક્ષ હારી ગયો, ત્યારથી મારા મનમાં અવનવા ભાવ પ્રગટતા હતા. (એમાંનો એક ભાવ હતોઃ કામાક્ષીદેવી પણ ગુજરાતવિરોધીઓની ટોળકીમાં ભળી ગયાં હશે?) પરંતુ તેમાં પણ કોઇ સદ્શક્તિના આશીર્વાદ હશે તેમ હું માનતો હતો અને મા જગદંબાને પ્રાર્થના કરતો હતો કે તમને સ્વસ્થ રાખે અને હવે પછી તમે જે કંઇ પણ બોલો તે મારા વિશે બોલ્યા હતા એ રીતે નહીં, પણ વિચારીને બોલો.
તમને ગુજરાત બોલાવવા માટે હું આતુર હતો. મને ખબર હતી કે મારે તમને ગુજરાતમાં શું બતાવવાનું છે અને તમને શું જોવું ગમશે. તમારી ઉંમરે માણસે લોકોના કાયમી કકળાટો સાંભળીને લોહી બાળવાનું હોય કે કોઇનું સારું જોઇને સુખી થવાનું હોય? હું તમને બિલકુલ દુઃખી કરવા ઇચ્છતો ન હતો. એ માટે મેં મા જગદંબાને પ્રાર્થના પણ કરી કે તમને મારા ગુજરાતમાંથી દુઃખી થવાય એવું કોઇ દૃશ્ય જોવા ન મળે.
પણ ગુજરાતવિરોધીઓની ટોળકી એવી મજબૂત છે કે તે કોઇને ગાંઠતી નથી. મારું ચાલે તો હું કાળા પાણીની સજા ફરી ચાલુ કરાવું અને આ ટોળકીને મોકલી આપું ત્યાં. મારું સાવ નથી ચાલતું એવું પણ નથી. એ ટોળકીમાંથી કેટલાકને મારાં પ્રસાર માઘ્યમોએ કાળા પાણીની સજા આપેલી જ છે. મા જગદંબાની કૃપા હશે તો કદીક મારી ઇચ્છા પણ પૂરી થશે.
હું એ કહેતો હતો કે જો તમે મારા મહેમાન બન્યા હોત તો ગુજરાતનો વિકાસ બતાવીને હું તમને ખુશખુશાલ કરી દેત. તમારી સમક્ષ દારૂ માગતાં... એટલે કે.. પાણી માગતાં દૂધ હાજર કરી દેત. તમારે રિવરફ્રન્ટમાં જવું હતું, તો મને જરા જાણ તો કરવી હતી! આપણે વર્ષમાં અનેક વાર રિવરફ્રન્ટમાં અમનચમનના ઉત્સવો કરીએ છીએ. આખું ગામ ગાંડું થાય છે. રિવરફ્રન્ટની એ શાન જોઇ હોત તો તમે પણ બોલી ઉઠત કે ગરીબલક્ષી વિકાસ તો આને જ કહેવાય. હું તમને રિવરફ્રન્ટ પર જ નહીં, કાંકરિયા લેકફ્રન્ટ પર જ લઇ જાત. હું જોડે હોઉં પછી તમારે દસ રૂપિયાની પ્રવેશટિકિટ લેવાની હોય, અણ્ણાજી? એ તો ત્યાં ‘ગમે તેવા લોકો’ ન આવી જાય, એટલા પૂરતી જ રાખી છે.
કાંકરિયામાં તમને હું બલૂનમાં બેસાડીને અમદાવાદ-દર્શન કરાવત, તો તમને મોટાં મકાનો પણ નાનાં ઝૂપડાં જેવાં દેખાત અને નાનાં ઝૂપડાં તો દેખાત જ નહીં. પછી બોલો, તમારે કોઇની ફરિયાદ કરવાની રહેત?
પણ ગુજરાતવિરોધી ટોળકીએ તમને હવામાં ઉડાડવાને બદલે જમીન પર ફેરવ્યા. તેમના અ અક્ષમ્ય અપરાધ બદલ હું તેમને કદી માફ નહીં કરી શકું.
આદરણીય અણ્ણાજી, મને હજુ પણ ડર છે કે આ ટોળકી આપને આફતમાં મુકશે જ . પ્રભુ આપને શક્તિ આપે અને શક્તિ નહીં તો છેવટે ભક્તિ તો આપે જ.
Tuesday, May 31, 2011
ભ્રષ્ટાચારવિરોધી ઝુંબેશનું ‘ગુજરાત મોડેલ’
અન્ના હજારેની ગુજરાત-મુલાકાત એકંદરે સુખદ રીતે પૂરી થઇ.
ગુજરાતના મુખ્ય મંત્રીના ચાહકોની છાવણી એ વાતે રાજી થઇ કે જાહેરસભામાં- લોક સુનાવણીમાં અન્નાએ મુખ્ય મંત્રીનું નામ પાડીને ટીકા ન કરી.
અન્નાએ કરેલાં ગુજરાતના ‘વિકાસ’નાં વખાણથી ક્ષુબ્ધ થનારા એ વાતે ખુશ થયા કે અન્નાએ ગુજરાતના બહુપ્રચારિત ‘વિકાસ’ની બીજી બાજુ સાંભળી, એ ક્ષેત્રમાં કામ કરતા લોકોને મળ્યા અને તેમની લાક્ષણિક શૈલીમાં કહ્યું કે આ તો ‘ગોટાળા’ છે.
ગુજરાતના વિકાસ અંગે અન્નાનો ‘યુ-ટર્ન’ ઠીક ઠીક ચર્ચાનો વિષય બન્યો. ‘મુખ્ય મંત્રી એટલે ગુજરાત એટલે ગુજરાતની પ્રજા’ એવા સમીકરણમાં રાચતા ઘણા લોકોને, ગુજરાતમાં ગોટાળાની વાત કરતા અન્નાના નિવેદનથી ચચરાટ થયો. ‘કોઇ મુખ્ય મંત્રીનાં વખાણ કરે ત્યારે એનું પ્રમાણપત્ર ગળે લટકાવવું ને ટીકા કરે ત્યારે એને ગુજરાતવિરોધી/ ડામાડોળ માનસિકતા ધરાવનારનો શિરપાવ આપવો’- આવી વિશિષ્ટ માનસિકતા છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં પાંગરી છે. તેમાં ‘કોઇ’ તરીકે ‘ઇંગ્લિશ મીડિયા’ પણ હોય ને અન્ના હજારે પણ હોઇ શકે.
અન્નાએ ગુજરાતનાં વિકાસકાર્યો સંદર્ભે કરેલું ‘ગોટાળા’વાળું નિવેદન બેશક ઉતાવળીયું અને અધકચરું છે. એક જનસુનાવણી સાંભળીને કે સ્વૈચ્છિક સંસ્થાના થોડા પ્રતિનિધિઓને મળીને એકદમ આત્યંતિક પ્રકારનું નિવેદન બહાર પાડી દેવામાં અન્નાના પક્ષે ઠરેલપણાની ખોટ કે બિનજરૂરી ઉતાવળ વરતાઇ આવે છે. મઝા એ વાતની છે કે અગાઉ અન્નાએ આથી પણ વધારે ઉભડક રીતે- વગર વિચાર્યે- કેવળ મીડિયાના અહેવાલોના આધારે- ગુજરાતના મુખ્ય મંત્રીની પ્રશંસા ફટકારી દીધી, ત્યારે અન્નાના વર્તમાન ટીકાકારોને તેમના ઠરેલપણા કે ઉતાવળ વિશે શંકા જાગી ન હતી.
ગાડી ચલાવતાં આવડતું ન હોય એવો માણસ પૂરપાટ ગાડી હંકારીને, આપણા અળખામણા પાડોશીના કમ્પાઉન્ડની દીવાલ તોડીફોડી નાખે ત્યારે આપણે હરખાઇએ, પણ એ જ ગાડી આપણા કમ્પાઉન્ડ ભણી ધસી આવતી દેખાય, ત્યારે આપણે ડ્રાઇવરની માનસિક સ્વસ્થતા વિશે કકળાટ કરીએ- એવી આ વાત છે. તેમાં પ્રાથમિક પ્રશ્ન આપણી પોતાની માનસિક સ્વસ્થતા અને વિવેકબુદ્ધિ વિશે ન થવા જોઇએ?
અન્નાનાં આડેધડ નિવેદનનો સીધો અર્થ એટલો જ થાય કે એ સારા ચળવળકાર હોઇ શકે છે- સારા વ્યૂહકાર નહીં. તે ચળવળનો ચહેરો (‘મેસ્કોટ’) બની શકે, પણ આંદોલનના પ્રવક્તા નહીં. કદાચ એ જ કારણથી તેમને હવે પત્રકારો સાથે સીધા સંપર્કમાં આવતા રોકવામાં આવે છે. સાથાસાથ, હકીકત એ પણ છે કે અન્ના વિનાનું આંદોલન એકડા વગરનું મીંડું બની જાય એમ છે. એ એક એવી પરિસ્થિતિ છે, જે ગમે કે ન ગમે, પણ તેનો સ્વીકાર કર્યા વિના છૂટકો નથી.
જમીની વાસ્તવિકતા
‘ગાંધીના ગુજરાતમાં દૂધ કરતાં દારૂ વધારે મળે છે’ એવું અન્નાનું અવતરણ મથાળા તરીકે ચટાકેદાર લાગે, પણ તેનાથી અનેક ગણી વધારે ગંભીરતા તેમની સમક્ષ રજૂ થયેલા જમીનના પ્રશ્નની હતી. મહારાષ્ટ્રમાં સ્થાનિક ગ્રામસભા પરવાનગી ન આપે ત્યાં સુધી રાજ્ય સરકાર જમીન સંપાદિત કરી શકે નહીં, એવો કાયદો લાવવાની ફરજ પાડનાર અન્ના ગુજરાતમાં એવા કાયદાના અભાવે સર્જાતી સ્થિતિ ઝડપથી સમજી શક્યા. લોકસુનાવણીમાં થયેલી રજૂઆતો અન્ના જેવા તૃણમૂલ (ગ્રાસરૂટ) સ્તરે કામ કરી ચૂકેલા કાર્યકર્તાને દ્રવિત કરવા માટે પૂરતી હતી. તેમણે રાબેતા મુજબના ઉત્સાહથી જાહેર કરી દીઘું કે જનલોકપાલનું કામ પૂરું થાય, એટલે સરકારની જમીન સંપાદન (અ)નીતિ અંગેનો મુદ્દો હાથ પર લઇશું અને એ આંદોલનની શરૂઆત ગુજરાતથી કરીશું.
ગુજરાતમાં કોઇ પણ મુદ્દાની ચર્ચાને મુખ્ય મંત્રીની તરફેણ કે વિરોધના સંદર્ભે જોવા-મૂલવવામાં આવે છે. એને કારણે વ્યાપક મુદ્દો અને તેમાં રહેલી શક્યતાઓ ઘણી વાર ચૂકી જવાય છે. (આ મુશ્કેલી તેમના પ્રશંસકોની જ નહીં, ટીકાકારોની પણ છે.)
સરકારના ઘણા નિર્ણયો એવા હોય, જેમાં મુખ્ય મંત્રી તરીકે ગમે તે હોય- ગમે તે પક્ષનો હોય, સરકારી તંત્રના વડા તરીકે તેમની ટીકા કરવાની થાય. લોકશાહીમાં આ બાબત બહુ સામાન્ય ગણાય. દસ વર્ષથી એક જ મુખ્ય મંત્રી હોય, ત્યાં સત્તાધીશવિરોધી વલણ અને મુખ્ય મંત્રીની નીતિરીતિની ટીકા પુનરોક્તિ કે પુનરાવર્તનમાં ખપી જવાની આશંકા રહે છે. ગુજરાતમાં મુખ્ય મંત્રીની ટીકા આપોઆપ રાજ્યની અને તેના અમુક કરોડ પ્રજાજનોની ટીકા બની જાય છે અને એ કરનારને ‘ગુજરાતવિરોધી ટોળકી’માં ખપાવી દેવામાં આવે છે.
અન્ના હજારે અમદાવાદ આવ્યા, રીવરફ્રન્ટની મુલાકાતે ગયા અને જમીનના પ્રશ્ને લોકસુનાવણી સાંભળી, એ માટે પણ રાબેતામુજબ ‘ગુજરાતવિરોધી ટોળકી’ની વાતો ઉછાળવામાં આવી રહી છે. ‘અન્ના સારા માણસ છે, પણ તે ગુજરાતવિરોધીઓથી ઘેરાઇ ગયા’ એવો પ્રચાર જોરમાં છે. આખી ચર્ચાને એકાદ સાથીદારની પ્રસિદ્ધિભૂખ-અંગત ગેરરીતિના સાચાખોટા આક્ષેપોમાં કે મુખ્ય મંત્રીના વિરોધ તરીકે ઉતારી પાડવામાં, કેટલીક નવી-નોંધપાત્ર સંભાવનાઓ ચૂકી ન જવાય તે જોવું રહ્યું. કોઇ એક વ્યક્તિ પ્રત્યેના ગમે તેટલા વાજબી અણગમાને લીધે સમગ્ર ચિત્ર પર કાળો કુચડો ફેરવી દેવાનું યોગ્ય નથી. અન્નાએ ગુજરાતમાં ગોટાળાની અને જમીનનું આંદોલન ગુજરાતમાંથી શરૂ કરવાની જાહેરાત કરી, તેમાંથી અન્નાસહજ આવેગનું મોટું ડિસ્કાઉન્ટ કાપી લઇએ, તો પણ કેટલીક નવી હકીકતો-શક્યતાઓ ઘ્યાન ખેંચે એવી જણાય છે.
સ્થાનિક (છતાં) રાષ્ટ્રિય આંદોલન
શક્ય છે કે અન્નાને જમીનના મુદ્દાથી પરિચિત કરાવવા પાછળ આયોજકોનો આશય ગુજરાતના મુખ્ય મંત્રી પ્રત્યેનો તેમનો અભિપ્રાય બદલવાનો હોય. છતાં જમીનના પ્રશ્નની રજૂઆતનું અંતીમ ઘ્યેય કેવળ મુખ્ય મંત્રીને નીચા પાડવા જેટલું સીમિત કે સંકુચિત ન હોઇ શકે. કારણ કે મૂળભૂત મુદ્દો વંચિતતા વધારે એવા વિકાસના મોડેલનો છે- અને એ બાબતે કોંગ્રેસ કે ભાજપ, મુખ્ય મંત્રી કે વડાપ્રધાન- સૌ એક નાવમાં સવાર છે.
અત્યાર સુધી ભ્રષ્ટાચાર સામે જનલોકપાલની માગણી અંગેની અન્નાની લડત વિશે અનેક સવાલ થતા રહ્યા છે- ખાસ કરીને, એ લડતમાં રહેલા વ્યાપક દર્શનના અભાવ અંગે. ભ્રષ્ટાચારનો મુદ્દો અગત્યનો છે, પરંતુ તે કેવળ રાજકીય કે વહીવટી (નેતાઓ-અફસરોને સ્પર્શતો) નહીં, સામાજિક પ્રશ્ન પણ છે. ભ્રષ્ટાચારનો વિરોધ કરતા નાગરિકોમાંથી પણ કેટલા પોતે ભ્રષ્ટાચારમાંથી બાકાત હોવાનો દાવો કરી શકશે? આ પરિસ્થિતિમાં જનલોકપાલ જેવી સંસ્થાથી થોડોઘણો ફરક પડી શકે, પણ દેશના લાખો સામાન્ય લોકોના અસ્તિત્ત્વ સાથે તેને કેટલી લેવાદેવા હોય એ સવાલ.
પરંતુ અન્ના જેવા લોકોને આંદોલિત કરવાની ક્ષમતા ધરાવતા આગેવાન રાજ્ય કે પક્ષના બાધ વિના, દેશભરના લોકોના વર્તમાન અને ભવિષ્યને સ્પર્શતો જમીનનો મુદ્દો હાથ ધરે તો?
અને એ તરફ આંગળી ચીંધવાનો જશ અન્નાની અમદાવાદ મુલાકાતને મળે તો ?
આ રીતે વિચારતાં, જમીનમુદ્દામાં અન્નાએ લીધેલો રસ આંદોલનના ભટકાવ તરીકે નહીં, પણ વિસ્તાર તરીકે જોઇ શકાય - અને ગુજરાત ફરી એક વાર ભ્રષ્ટાચારવિરોધી આંદોલનને નવી, વ્યાપક જનહિત ભણીની દિશા આપનારું રાજ્ય બની રહે એવી આશા પણ સેવી શકાય. કેમ કે, અમદાવાદ મુલાકાતમાંથી ફૂટેલા નવા ફણગાના પરિણામે, ભ્રષ્ટાચારવિરોધની આખી ઝુંબેશમાં પહેલી વાર વંચિતોના સીધા હિતનું તત્ત્વ ઉમેરાય એમ છે. કેવળ એક (કેન્દ્ર) સરકારના વિરોધ પર અટકી ગયેલું આંદોલન ત્યાર પછી રાજ્યોમાં ફેલાય, જમીનને લગતા સ્થાનિક સવાલો હાથમાં લે અને ખરા અર્થમાં તે પ્રજાકીય આંદોલન બની રહે. એ આંદોલન માટે મનમોહન, માયાવતી કે મોદી- બધાં સરખાં જ હોય. કારણ કે તેની નિસબત આડેધડ વિકાસનો ભોગ બનતા લોકો પ્રત્યે હોય.
અત્યારે આ શક્યતા દીવાસ્વપ્ન કે આશાવાદ જેવી લાગી શકે, પણ તેને વાસ્તવિક સ્વરૂપ આપવાનું કામ એકલા અન્ના હજારે કે સાથીદારોનું નથી. વઘુ ને વઘુ લોકો આંદોલન સાથે સંકળાય, અત્યાર લગી સંકળાયેલા લોકોમાંથી સ્વચ્છ-નિર્વિવાદ છબી ધરાવતા લોકો મોખરે રહીને વઘુ લોકોને -વઘુ સમુદાયોને- કેટલીક બાબતોમાં મતભેદ ધરાવતા લોકોને પણ જમીનહકના મુદ્દે આંદોલનમાં સાંકળવા પ્રયાસ કરે, તો અન્નાનું આંદોલન નવા, વિસ્તરેલા સ્વરૂપે ફક્ત ગુજરાતના જ નહીં, બીજાં ઘણાં રાજ્યોના વંચિતોનું, સ્થાનિક છતાં રાષ્ટ્રિય આંદોલન બની રહે.
નવું નવનિર્માણ
ભ્રષ્ટાચારવિરોધી આંદોલન દ્વારા નવી દિશા પૂરી પાડવાની ભૂમિકા અગાઉ પણ એક વાર ગુજરાત ભજવી ચૂક્યું છે. ૧૯૭૪માં થયેલું નવનિર્માણ વિદ્યાર્થી આંદોલન ભલે ધાર્યાં પરિણામ ન લાવી શક્યું, પણ તમામ મર્યાદાઓ સહિત, જયપ્રકાશ નારાયણ જેવા દિગ્ગજ નેતાને તે આંદોલને નવી દિશા-નવી આશા પૂરી પાડી હતી. ખુદ જયપ્રકાશ નારાયણે નોંઘ્યું હતું, ‘ ગુજરાતના આ (નવનિર્માણ) આંદોલને મને પ્રકાશ દેખાડ્યો. દેશની પરિસ્થિતિ વિશે હું ભારે ચિતિત હતો. પણ મને કોઇ માર્ગ સૂઝતો ન હતો. હું અંધારામાં ખંખોળતો હતો, ત્યારે ગુજરાતના વિદ્યાર્થીઓએ આ આંદોલનની મશાલ ચેતાવી અને તેમાંથી મને પ્રકાશ મળ્યો. પછીથી દેશમાં જે નવી જાગૃતિ આવી, તેનો આરંભ કરવાનું શ્રેય ગુજરાતના વિદ્યાર્થીઓને છે.’
એવી તો કઇ ખૂબી હતી ગુજરાતના આંદોલનની? જેપીના જ શબ્દોમાં : ‘ગુજરાતના આ આંદોલને ભારતમાં પ્રથમ વાર લોકશાહી તંત્રમાં લોકોનું મહત્ત્વ પ્રસ્થાપિત કર્યું અને તેય સંગઠિત એવા તમામ રાજકીય પક્ષોની ઉપરવટ જઇને, સામાન્ય લોકોની ઇચ્છાનું પ્રતિપાદન તેણે કર્યું. આમાં સૌથી મુખ્ય વાત એ હતી કે જનશક્તિ રાજ્યશક્તિ કરતાં સર્વોપરી છે, રાજ્યશક્તિ જનશક્તિને આધીન છે.’
ચારેક દાયકા પહેલાં ગુજરાતને મળી હતી- કે ગુજરાતે લીધી હતી- એવી તક ફરી એક વાર અન્નાની મુલાકાતના પગલે ગુજરાત પાસે આવીને ઉભી છે. જરૂર છે ‘રાજ્યશક્તિ’ની વ્યક્તિવાદી-સાંકડી વ્યાખ્યામાંથી નીકળીને, તેની સામે પ્રજાશક્તિની વ્યાપક-વિશાળ વ્યાખ્યાને અપનાવવાની.
Sunday, May 29, 2011
ઘરઆંગણે અમેરિકાના આતંકની યાદ તાજી કરતું ‘ઓપરેશન જરોનિમો’

Geronimo with other Indian chiefs
ઓસામા સામેની લશ્કરી કાર્યવાહીને ‘ઓપરેશન જરોનિમો’ નામ અપાતાં અમેરિકાના ‘ઇન્ડિયન’- આદિવાસી સમુદાયમાં વિરોધોની લાગણી જાગી. કારણ કે જરોનિમો ઘાતકી, લાલચુ અને કપટી માનસિકતા ધરાવતા ધોળા લોકો સામે આઝાદીનો જંગ જારી રાખનાર છેલ્લા ઇન્ડિયન યોદ્ધાઓમાંનો એક હતો.
ઇન્ડિયન સમુદાય સામેના ભેદભાવ હવેના અમેરિકામાં દેખીતી રીતે જણાતા નથી. અમેરિકાના સૈન્ય સહિત બધાં ક્ષેત્રોમાં ઇન્ડિયન લોકોનું પ્રતિનિધિત્વ છે. વિદેશી ભૂમિ પર લડતી અમેરિકન ટુકડીઓમાં પણ આદિવાસી-ઇન્ડિયન સૈનિકો હોય છે. અમેરિકી લશ્કરમાં આક્રમક હેલિકોપ્ટરનો એક પ્રકાર ‘અપાચી’ તરીકે ઓળખાય છે, જે આદિવાસીઓના એક લડાયક કબીલાનું નામ છે. તેમ છતાં, પોતાના સમાજની આઝાદી માટે ઝઝૂમનાર જરોનિમો જેવા લોકોને હજુ ખલનાયક ગણવામાં આવે, તે એકવીસમી સદીના ઘણા ઇન્ડિયન અમેરિકનોને વસમું લાગ્યું.
ફરિયાદની પૂરેપૂરી પરંતુ ઇન્ડિયન લોકો માટેના કાયદા કે જોગવાઇ જાણે ભંગ થવા માટે જ સર્જાતાં હતાં. કારણ ગમે તે હોયઃ સોનું મળી આવવાને કારણે ઇન્ડિયન વિસ્તારોમાં ઉતરી પડતાં ધોળા લોકોનાં ધાડાં હોય કે મેક્સિકો સાથેના યુદ્ધને કારણે ઇન્ડિયનોની હદમાંથી પસાર થતા અમેરિકાના સિપાહી, કાયમી સરહદનો ભંગ લગભગ કાયમી બાબત બની ગઇ.
સવાલ ફક્ત ધૂસણખોરીનો નહીં, પણ આદિવાસીઓ પ્રત્યે ધોળા લોકોના ઘાતકીપણાનો હતો. અમેરિકી લશ્કરના જનરલ ફિલિપ શેરીડન માનતા હતા કે કોઇ આદિવાસી પર ગોળી છોડવામાં આવે અને તે વળતો હુમલો કરે, તો એ જંગલી ગણાય અને તેને મારી નાખવામાં કશો વાંધો નહીં. તેમણે કહ્યું હતું કે ‘ધ ઓન્લી ગુડ ઇન્ડિયન્સ આઇ સો વેર ડેડ.’ (મને તો ફક્ત મરેલા આદિવાસી જ સારા લાગ્યા છે.) ઇન્ડિયન લોકોના ઇતિહાસમાં કાળા અક્ષરે લખાયેલું આ વાક્ય છેવટે ‘ધ ઓન્લી ગુડ ઇન્ડિયન ઇઝ એ ડેડ ઇન્ડિયન’ (આદિવાસી તો મૂએલો જ સારો) એ સ્વરૂપે અમેરિકામાં પ્રચલિત બન્યું. આ જાતની માન્યતા ધરાવતા અમેરિકનોની પેશકદમીને કારણે ઇન્ડિયન લોકો માટે અલાયદા કરાયેલા ‘અભયારણ્ય’માં પણ શાંતિ જળવાઇ નહીં. ઉલટું, સરકારે તેમના માટે ફાળવેલા વિસ્તારમાં ધોળાઓનું દબાણ સતત વધતું રહ્યું.
કેલિફોર્નિયામાં ઇ.સ.૧૮૪૮માં સોનું મળી આવવાને કારણે થયેલો લોકધસારો ‘ગોલ્ડ રશ’ તરીકે જાણીતો છે. પરંતુ ઇન્ડિયન લોકો માટે ગોલ્ડ રશ ભારે નુકસાનકારક સાબીત થયો. સોનાની લ્હાયમાં સેંકડો અમેરિકનો કાયદાની બીક તજીને આદિવાસીઓના અભયારણ્યમાં પહોંચી ગયા, ત્યારે અમેરિકાની સરકારે તેમને સજા કરવાને બદલે નવું તૂત કાઢ્યું. તેનું નામ હતું ઃ ‘મેનિફેસ્ટ ડેસ્ટિની’. આ સરકારી અને સગવડીયા ‘સિદ્ધાંત’નો મતલબ હતોઃ યુરોપ અને અમેરિકાના લોકો ચડિયાતી જાતિના હોવાથી તે આખા અમેરિકા પર રાજ કરવા સર્જાયેલા હતા. એટલું જ નહીં, મૂળનિવાસી ઇન્ડિયન લોકોના જીવ, જમીન, જંગલો અને કુદરતી સંપદા- આ બધાનું રક્ષણ કરવાની જવાબદારી પણ ધોળા લોકોની હતી. બલ્કે, સિદ્ધાંત પ્રમાણે એ તેમની જવાબદારી નહીં, (કુદરતસર્જીત) નિયતિ/ડેસ્ટિની હતી. પોતાની ખોરી નીયતને નિયતિનો ફેંસલો ગણાવી દેવાની ધોળા લોકોની બેશરમ ચેષ્ટાથી ઇન્ડિયન લોકો સામેનું જોખમ અનેક ગણું વધી ગયું. તક અને ગુંજાશ હોય તો તે અમેરિકાના ધોળા લોકોના નહીં, પણ આદિવાસી-ઇન્ડિયન લોકોના પક્ષે હોય. કારણ કે દોઢ સદી પહેલાંના અમેરિકાના સત્તાધીશો, લશ્કરી અફસરો અને નફાખોર વેપારીઓએ તેમની પર વીતાડવામાં કશું બાકી રાખ્યું ન હતું. તેમના સત્તાવાર ભેદભાવના થોડા નમૂનાઃ
અમેરિકાના સાતમા પ્રમુખ એન્ડ્ર્યુ જેક્સન (સમયગાળોઃ ૧૮૨૯-૧૮૩૭) દૃઢપણે માનતા હતા કે ધોળા અમેરિકનો અને ઇન્ડિયન આદિવાસી લોકો સંપીને રહી શકે નહીં. તેમણે ૧૮૩૦માં એવો કાયદો પસાર કરાવ્યો કે મિસિસિપી નદીની પશ્ચિમ તરફનો વિસ્તાર ઇન્ડિયન લોકો માટે અમેરિકાના સૈન્યના હાથે ઇન્ડિયન લોકોનો સફાયો થવાનો કે તેમને પકડી પકડીને રીઝર્વેશન તરીકે ઓળખાતી જેલોમાં જાપ્તા હેઠળ રાખવાનો છેલ્લો તબક્કો ચાલતો હતો, ત્યારે અમેરિકાની સર્વોચ્ચ અદાલતે પણ આશ્ચર્યજનક ચુકાદો આપ્યો. માર્ચ, ૧૮૮૩માં સર્વોચ્ચ અદાલતે ઠરાવ્યું કે અમેરિકન ઇન્ડિયન જન્મજાત રીતે પારકો જણ/એલિયન અને પરાધીન/ડીપેન્ડન્ટ છે. સ્વાધીનતાની ભાવના માટે જાણીતા દેશની સર્વોચ્ચ અદાલત પોતાના જ દેશના મૂળનિવાસીને જન્મજાત રીતે પરાધીન જાહેર કરે, એ ફક્ત વક્રતા જ નહીં, ઇન્ડિયન લોકો માટે ઘેરી કરુણતા હતી.
આદિવાસી માટે સરકાર અને લશ્કરી અધિકારીઓ પાસે બે જ વિકલ્પ હતાઃ વિના શરતે શરણે આવો- ‘રીઝર્વેશન’ તરીકે ઓળખાતી સરકારી છાવણીઓમાં રહો અથવા ભાગેડુ બનીને સરકારી સૈન્યની ગોળીનો શિકાર બનો. (થોડા વખત પહેલાં અમદાવાદ આવેલા છત્તીસગઢના કાર્યકર હિમાંશુકુમારે કંઇક આ જ પ્રકારની વાત કરી હતીઃ ત્યાંની સરકારે સ્થાનિક લોકોને કહ્યું હતું કે ‘જે લોકો પોતપોતાનાં ઘરબાર છોડીને સરકારી છાવણીઓમાં રહેવા નહીં આવે તેમને માઓવાદી તરફી ગણી લેવામાં આવશે.’)
લેફ્ટનન્ટ વ્હીટમેન અને જનરલ ક્રૂક જેવા કેટલાક સહૃદયી અમેરિકન લશ્કરી અધિકારીઓએ ઇન્ડિયન લોકો પર વિશ્વાસ મૂકીને તેમની સાથે માયાળુ રીતે કામ લીઘું, ત્યારે તેમની વિરુદ્ધ ઘણી કાગારોળ મચી. યુદ્ધખોરીમાંથી કમાણી કરતા કોન્ટ્રાક્ટરથી માંડીને છાપાંએ કકળાટ કરી મૂક્યો. એકલદોકલ અધિકારીઓની સારપ સિવાય બાકીની દિશામાંથી અત્યાચાર ચાલુ હોય અને ઇન્ડિયનો મગજ ગુમાવે એટલે સારા અધિકારીઓની હાલત કફોડી બનતી હતી. આ બન્ને અધિકારીઓને છેવટે ઠપકા સાંભળીને-હેરાનગતિ વેઠીને નોકરી છોડવાનો વારો આવ્યો.
સરકાર અને લશ્કરી અધિકારીઓના ક્રૂર વલણનું પરિણામ એ આવ્યું કે જરોનિમો, તેના પૂર્વસૂરિઓ અને સમકાલીનોએ શક્ય બન્યું ત્યાં સુધી લડાઇ ચાલુ રાખી. શસ્ત્રો, તોપગોળા અને આયોજનબદ્ધ સૈન્ય સામે ભૂખથી પીડાતા, ટાંચાં શસ્ત્રો ધરાવતા અને પોતાની ભૂમિમાં પારકાપણાનો શાપ વેઠતા આદિવાસીઓની લડાઇ બિલકુલ બરાબરીની ન હતી. એટલે જરોનિમો જેવા છેલ્લી પેઢીના ઇન્ડિયન નાયકો માટે શરણે આવવાનો અને સરકારી ‘રીઝર્વેશન’માંથી ભાગી છૂટવાનો સિલસિલો ચાલુ રહ્યો. જરોનિમોની ટુકડીએ છેલ્લી વખત શરણે આવતાં પહેલાં ઘણા સમય સુધી અમેરિકન સૈનિક ટુકડીઓને હંફાવી અને હાથતાળી આપી. લશ્કરી હુમલામાં પોતાનાં પત્ની-બાળકો ગુમાવનાર જરોનિમોએ આદિવાસીઓને ત્રાસ આપવામાં અમેરિકાના સહભાગી મેક્સિકોમાં પણ ઘણા હુમલા કર્યા. તેને કારણે અમેરિકાના સૈન્ય, સરકાર અને પ્રસાર માઘ્યમોમાં જરોનિમોનું નામ આતંકનો પર્યાય બનાવી દેવામાં આવ્યું. સૈનિકો પર કરેલો કોઇ પણ હુમલો જરોનિમોના નામે ચડી જાય એવી તેની છાપ ઉભી કરવામાં આવી. કાયમી ધોરણે અલાયદો- પરમેનન્ટ ઇન્ડિયન ફ્રન્ટીઅર- રાખવામાં આવે. ઇન્ડિયનો રહે ત્યાં સુધી તે આ વિસ્તારનું રક્ષણ કરે. ઇન્ડિયનોના વિસ્તારમાં ધોળા લોકોને વેપારધંધો કરવો હોય તો સરકારી લાયસન્સ લેવું પડે અને ત્યાં વસવાનો તો એમને હક જ નહીં.
શસ્ત્રબળ, સંખ્યાબળ અને સંસાધનો ખૂટી જવાને કારણે ચોતરફથી ભીંસમાં આવેલો જરોનિમો આખરે શરણે આવ્યો. જીવનના છેલ્લા બે દાયકા સરકારી જેલો-રીઝર્વેશનોમાં અને પ્રદર્શનની જણસ તરીકે વીતાવ્યા. જરોનિમોનું નામ એટલું જાણીતું થઇ ચૂક્યું હતું કે વિવિધ મેળામાં તેને જોણા તરીકે રજૂ કરવામાં આવતો હતો. તેણે આત્મકથા પણ લખાવી, જે ‘જરોનિમોઝ સ્ટોરી ઓફ હિઝ લાઇફ’ નામથી ૧૯૦૬માં પ્રકાશિત થઇ. ઓક્લાહોમા રાજ્યના સુપ્રીટેન્ડન્ટ ઓફ એજ્યુકેશન બેરેટે અપાચી દુભાષિયાની મદદથી જરોનિમોની વાતો સાંભળીને આ પુસ્તક તૈયાર કર્યું હતું. જરોનિમોનું ૧૯૦૯માં ઘોડા પરથી પડી જવાથી મૃત્યુ થયું, પણ ધોળા લોકોના અત્યાચાર સામે ઇન્ડિયન સમાજની સંઘર્ષકથાના એક પાત્ર તરીકે તેનું નામ લોકસ્મૃતિમાંથી હજુ ભૂંસાયું નથી.
(માહિતીનો મુખ્ય આધારઃ ‘બરી માય હાર્ટ એટ વુન્ડેડ ની’, લેખક : ડી બ્રાઉન)
Labels:
history/ઇતિહાસ,
us
Saturday, May 28, 2011
ડોન્ટ 'ટેક' ફોટોગ્રાફ્સઃ પ્રશાંત પંજિયાર

prashant panjiar
જેમનું જોઇ-વાંચીને (ઉંમરમાં) મોટા થયા હોઇએ- અમુક પ્રકારની સમજણો ઘડાવામાં જેમના કામે મદદ કરી હોય, એવાં કેટલાંક નામોમાં એક નામ તસવીરકાર પ્રશાંત પંજિયારનું. કાલે એ અમદાવાદ એક સન્માન સમારંભ અને તસવીરી પ્રદર્શન માટે આવ્યા હતા. ઔપચારિક સમારંભ પછી તેમણે પોતાના છેલ્લા કામનો સ્લાઇડ શો બતાવીને થોડી વાતો કરી. મારી અપેક્ષા કદાચ વધારે ઊંચી હશે, એટલે જબરદસ્ત કે યાદગાર કહેવાય એવો અનુભવ ન રહ્યો. છતાં એમની વાતો ધ્યાનથી સાંભળી.
ફોટોગ્રાફીને 'મોસ્ટ ડેમોક્રેટિક આર્ટ ફોર્મ' ગણાવતાં એમણે કહ્યું કે તેમાં ધ્યાન એ રાખવાનું કે બહુ એવરેજ અને મીડિયોકર કામ પણ મોટા પાયે થઇ રહ્યું છે. માધ્યમના બદલાયેલા પ્રવાહ વિશે તેમણે ધ્યાન દોર્યું કે હવે સામયિકોમાં ફોટોફીચર કે ફોટો-એસે માટેની જગ્યા સાવ સંકોચાઇ ગઇ છે. તેના માટેનો સ્કોપ બહુ ઓછો થઇ ગયો છે. તેની સામે ઇન્ટરનેટનો વિકલ્પ નવો ખુલ્યો હોવાનું આશ્વાસન પણ તેમણે વ્યક્ત કર્યું.
પોતાની પારંગતતાના વિષય અંગે તેમણે સૂત્રાત્મક રીતે કહ્યું, ડોન્ટ 'ટેક' ફોટોગ્રાફ્સ. અને વિચારવિસ્તાર કર્યો કે, સારા તસવીરકારો કેવળ તસવીર 'લેતા' નથી, પણ એ તસવીર દ્વારા સમાજને કંઇક 'આપે' છે. ફોટોજર્નાલિઝમના ઇતિહાસમાં યાદગાર બની ગયેલી કેટલીક બહુ જાણીતી તસવીરો (વિયેતનામમાં નેપામ બોમ્બની અસરથી સડક પર ઉઘાડી દોડતી બાળકી, રઘુ રાયનું 'ભોપાલ ચાઇલ્ડ') તેમણે યાદ કરી અને એ તસવીરોથી ચોક્કસ બાબતો અંગે સમાજના અભિપ્રાય પર કેવી પ્રચંડ અસર પડી એ કહ્યું. ડિજિટલ ટેકનોલોજી પછી અમે બધા વધારે પડતી ક્લિકો કરવા માંડ્યા છીએ એ પણ તેમણે કબૂલ્યું. (પ્રશાંત પંજિયારની 'વધારે પડતી'ની વ્યાખ્યા કેટલી હશે? કારણ કે મેં સાંભળેલી દંતકથા પ્રમાણે 'ઇન્ડિયા ટુડે' જેવાં સામયિકો જ્યારે ફક્ત ટીપી (ટ્રાન્સપરન્સી) પર જ ફોટા પડાવતાં હતાં, ત્યારે એક ફોટોની જરૂર હોય તો બે-ચાર રોલ ટીપી પાડવાનું ફોટોગ્રાફરો માટે સામાન્ય ગણાતું હતું.)
છેલ્લે તેમણે ફોટોગ્રાફર દિનેશ ખન્ના સાથે મળીને દિલ્હીમાં શરૂ કરેલા ફોટોગ્રાફી ફાઉન્ડેશનની વાત કરી અને આ વર્ષથી એ લોકો બાકાયદા દિલ્હીમાં ફોટોગ્રાફી ફેસ્ટિવલ શરૂ કરવાના છે એની વિગતો આપી.
દિનેશ ખન્નાનું નામ સાંભળીને યાદ આવ્યું કે પંદરેક વર્ષ પહેલાં મુંબઇમાં તેમની તસવીરોનું પ્રદર્શન હતું, ત્યારે તેમનો ઇન્ટરવ્યુ કર્યો હતો, જે 'અભિયાન'માં તો નહીં, પણ તેના સાંધ્ય દૈનિક 'સમાંતર પ્રવાહ'માં મિત્ર કેતન મિસ્ત્રીએ 'પાથરીને' પ્રેમપૂર્વક છાપ્યો હતો.
આ સમારંભમાં પ્રાણલાલ પટેલ જેવા મહાવડીલ મિત્રથી માંડીને 'ગુજરાત સમાચાર'ના સન્માનિત તસવીરકાર-મિત્ર સુરેશ મિસ્ત્રી અને ફેસબુક પરથી પરિચયમાં આવેલા પારસ જેવા મિત્રો મળ્યા, તેનો વધારાનો આનંદ.
Labels:
media,
photo,
pranlal patel,
Urvish Kothari/ઉર્વીશ કોઠારી
Thursday, May 26, 2011
અમે બરફના ગોળા, ચુસ્કીએ ચુસ્કીએ ઓગળ્યા
કાળઝાળ ઉનાળો ચાલતો હોય ત્યારે બરફનો ગોળો ન ખાવો, એ ઘણાને આગ્રા જઇને તાજમહાલ ન જોવા જેવી વાત લાગે છે. ઉનાળામાં દિવસે આગના ગોળાની (સૂરજની) અને સાંજે-રાત્રે બરફના ગોળાની આણ વર્તે છે. ઉનાળાની બપોર વિશે અનેક વાર નિબંધો પૂછાયા અને લખાયા છે, પણ ઉનાળાની રાત વિશેનો નિબંધ પૂછવા જેટલી મૌલિકતા પરીક્ષકો બતાવી શક્યા નથી. એવું થયું હોત તો ઉનાળાની બપોરના નિબંધમાં જે મહત્ત્વ વૃક્ષના છાંયડાને મળ્યું, તે ઉનાળાની રાત્રે બરફગોળાની લારીને મળ્યું હોત.
ઉનાળામાં કોઠો ટાઢો કરવા માટે આઇસક્રીમ અને ઠંડાં પીણાં જેવી બારમાસી ચીજો ઉપરાંત શેરડીનો કે કેરીનો રસ, તરબૂચ જેવા સિઝનલ વિકલ્પ મોજૂદ છે. એ બધામાં બરફગોળાનું સ્થાન સૌથી વિશિષ્ટ છે. સુવાક્ય-શૈલીમાં કહી શકાય કે કઠોર પરિશ્રમની જેમ બરફગોળાનો પણ કોઇ વિકલ્પ નથી. અલબત્ત, બરફગોળો ખાવા માટે સારો એવો પરિશ્રમ કરવો પડે છે. આઇસક્રીમ કે તરબૂચની જેમ તેને ચમચીએ ચમચીએ ઝાપટી શકાતો નથી કે રસની જેમ પ્યાલો મોંએ માંડીને તેને પી શકાતો નથી. એટલે જ, બરફ ખાવાના પરિશ્રમથી કાયર થતા લોકો બરફગોળાને બદલે તેનું શરબત પીને સંતોષ માની લે, ત્યારે બરફભક્તોનું હૃદય પોકારી ઉઠે છેઃ ‘ગોળાનો મારગ છે શૂરાનો, નહીં કાયરનું કામ જો ને.’
લોકલાજથી, હાઇજિનની ચિતાથી કે કાલ્પનિક પ્રતિષ્ઠાના ખ્યાલથી પીડાતા લોકો માટે સૌથી પહેલો પડકાર લારી સુધી જવાનો હોય છે. ‘હું અને લારી પર ઉભો રહું? કોઇ જુએ તો કેવું લાગે?’
બીજા લોકો તેમને આશ્વાસન આપે છે,‘ચિતા ન કરો. કોઇ તમને બરફની લારીવાળા નહીં ગણીને ‘ચાર ઓરેન્જ’ એવો ઓર્ડર નહીં આપે. કોઇને એવું પણ નહીં લાગે કે તમે તમારો મૂળ ધંધો છોડીને બરફની લારી શરૂ કરી છે. તમે કંઇ છેક એવા નથી લાગતા. ચાલો, એમ ઢીલા ન પડાય.’
સમજાવટ પછી પણ મનનું સમાધાન ન થતાં એ કહે છે, ‘એક કામ કરો. તમે લોકો ગોળો ખાઇ આવો અને મારા માટે ઘેર લઇ આવજો.’
પરંતુ ગોળાના પ્રેમીઓ આવાં છાનગપાતિયાંને પ્રોત્સાહન આપતા નથી. છાશ લેવા જવું ને દોણી શા માટે સંતાડવી? બરફગોળો ખાવા જવું ને જાત શા માટે સંતાડવી?
સામાજિક કારણો નિષ્ફળ જતાં વાંધો પાડનાર પાટો બદલીને આરોગ્યના રસ્તે વળે છે. ‘એમ મને બહાર ગોળો ખાવાનો વાંધો નથી, પણ બહારના ગોળા કેવા હોય? એમાં વપરાતો બરફ કેવો હોય? મેં તો સાંભળ્યું છે કે એ લોકો ગટરના પાણીનો બરફ બનાવે છે.’
આવી દલીલ સાંભળીને બરફપ્રેમીઓનું જૂથ ઘણુંખરું વળતી દલીલ કરવાને બદલે, ‘અત્યાર લગી ખોટો સમય બગાડ્યો. એટલી વારમાં એક ગોળો ખાઇ લીધો હોત.’ એવા ભાવ સાથે મોં મચકોડીને, પગ પછાડીને તે ગોળાની લારી તરફ ડગ માંડે છે. હકીકતે એ પગલાં વિશ્વશાંતિ તરફનાં હોય છે. કારણ કે ગોળાપ્રેમીઓ સાથે હાઇજિનની ચર્ચા વિશ્વયુદ્ધને નિમંત્રણ આપવા બરાબર છે.
ઉનાળાની રાતે બરફની લારી જ્યાં ઉભી હોય તે જગ્યા ‘ફરવાલાયક સ્થળ’નો દરજ્જો પામે છે. લારીની આજુબાજુ પથરાયેલી ખુરશીઓ પર, આડાઅવળાં પાર્ક થયેલાં વાહનો સાથે અને સડક પર નાનાં જૂથોમાં ટોળે વળેલા લોકોને જોઇને એવું લાગે, જાણે ચૂંટણીનાં પરિણામોની કે કોઇ મસ્તમોટો ઝઘડો પૂરો થઇ ગયા પછીની રસિક ચર્ચા ચાલી રહી છે. પેરિસની સડકો પર ચર્ચા માટે વિખ્યાત કાફે હશે, પણ આઘ્યાત્મિક પ્રકાશની જેમ બરફના ગોળાની લારીઓ માટે ભારતના શરણે આવ્યા વિના ઉદ્ધાર નથી.
લારી પર પડેલા બરફના આખા ચોસલા અને બરફના ગોળા વચ્ચે નવલકથા અને વિવેચન જેટલો ફરક હોય છે. કહેવાય બન્ને એક જ પદાર્થનાં (કે ‘પદારથ’નાં) સ્વરૂપ, પણ એક ટાઢુંબોળ, અક્કડ, ભારેખમ પહાણા જેવું, રસ વગરનું, સંપર્કમાં આવનારને સંવેદનબધિર કરી નાખવાની ‘ક્ષમતા’ ધરાવતું અને બીજું? રસસભર, પ્રજાને આદત પાડી દેવાની ખૂબી ધરાવતું, આમજનતા જેનો આનંદ માણી શકે એવું... બરફના આખા ચોસલાને (કે વિવેચનને) બચકાં ન ભરાય, તેની ચુસ્કીઓ ન લેવાય. બહુ તો તેને કંતાન(માં) બાંધીને સાચવી રાખી શકાય.
નવલકથાની જેમ બરફનો ગોળો પણ રસપ્રધાન હોય છે. સાહિત્યની પરિભાષામાં કહીએ તો, તેમાંથી રસનિષ્પત્તિ કે રસાનુભૂતિ થવી આવશ્યક છે. ઘણી નવલકથાઓની જેમ, બરફમાં પોતાનો કોઇ રસ હોતો નથી. એ કેવળ રસ વહન કરવાનું માઘ્યમ છે. રસાનુભૂતિ સિદ્ધ કરવા માટે તેમાં ઉપરથી વિવિધ રસ રેડવામાં આવે છે- મસાલો છાંટવામાં આવે છે. સદ્ભાગ્યે, બરફના ગોળાના કે નવલકથાના બહુમતી ભાવકોને ઉપરથી રેડાયેલા રસ કે ભભરાવેલા મસાલા સામે વાંધો હોતો નથી.
બરફના ગોળાનો ઓર્ડર આપ્યા પછી ગોળો હાથમાં આવતાં સુધીનો સમય કસોટીનો હોય છે. એ વખતે રાહ જોનારને એવું લાગે છે, જાણે આખા જગતમાં બધા લોકો બરફગોળો ચૂસી રહ્યા છે, ચોતરફ તેમના સીસકારાનો કર્ણમંજૂલ ઘ્વનિ સંઘ્યાકાળે મંદિરમાં થતા ઘંટારવની જેમ ગુંજી રહ્યો છે અને આપણો જ ગોળો હજુ આવ્યો નથી. વાતચીતમાં મન પરોવાઇ જાય તો જુદી વાત છે. બાકી એક વાર આ ખ્યાલ મનનો કબજો લે, પછી તેના પીડિતોને ચેન પડતું નથી. વારંવાર એ બરફ બનતો હોય ત્યાં- ‘ગ્રાઉન્ડ ઝીરો’ પર- ધસી જઇને તપાસ કરે છે. તેનાથી ગોળો બનવામાં ઝડપ થાય કે ન થાય, પણ ‘કોશિશ તો કી’ એવું આશ્વાસન મળે છે.
બરફના ગોળા હવે પડિયામાં કે બાઉલમાં મૂકીને આપવામાં આવે છે. આ વ્યવસ્થા નાનાં બાળકોની સાયકલ સાથે જોડવામાં આવતાં વધારાનાં બે પૈડાં/પોગો વ્હીલ્સ જેવી છે. બાકી બરફનો અસલી રોમાંચ કોઇ ‘બેક-અપ સીસ્ટમ’ (પડિયો-બાઉલ) વિના, કમરેથી સહેજ આગળની તરફ ઝૂકીને રસટપકતો બરફનો ગોળો ચૂસવામાં છે. એ પદ્ધતિમાં કેટકેટલા પડકાર સમાયેલા છેઃ રસનું ટીપું પણ એળે ન જાય એ જોવું, ચોતરફ પથરાયેલા રસને સરખો ન્યાય આપવો, ગોળો ચૂસવાની પ્રક્રિયામાં કોઇ ઠેકાણેથી ગચ્ચું નીકળી ન જાય તે જોવું, રસલીન અવસ્થામાં ગોળાને ભૂલથી બચકું ભરાઇ જાય તો પણ તેની ‘એકતા અને અખંડિતતા’ જાળવી રાખવી, ગોળો સળીનો સાથ છોડી ન દે એનું ઘ્યાન રાખવું, રસહીન થયેલા બરફ પર નવેસરથી- અને મફતમાં- રસ છંટાવવો...આ પડકારો વિના, રસભરેલા બાઉલમાં ટેકવાયેલો બરફનો ગોળો ખાવાનું કામ અરેન્જ્ડ મેરેજ કરવા જેવું- આનંદદાયક છતાં પરાક્રમના રોમાંચ વિનાનું- હોય છે. ‘હવે શું થશે?’નો દિલધડક અહેસાસ તેમાં મળતો નથી.
હવે તો જાણે ગોળાને રોમાંચરહિત કરવાની હોડ જામી છે. હવે મોંઘીદાટ ક્લબો, મલ્ટિપ્લેક્સ અને દુકાનોમાં પણ બરફના હાઇજેનિક (ગુજરાતી અર્થ : મોંઘા) ગોળા મળે છે. ક્યાંક વળી બરફગોળા પર કાજુ નાખવામાં આવે છે, પણ તેની ટીકા ન કરાય. સમૃદ્ધ ગુજરાતીઓ પીવાના પાણીમાં કાજુ નાખતા નથી, એ બદલ તેમનાં સંયમ અને સાદગીની પ્રશંસા કરવી રહી.
હાઇજિનના હાથી પર સવાર સજ્જનો-સન્નારીઓ મિનરલ વોટરમાંથી બનેલા બરફનો આગ્રહ રાખે છે. મિનરલ વોટર પૂરતું મોંધું આવતું હોવાથી તેની ગુણવત્તા વિશે શંકા કરવાની એમને જરૂર લાગતી નથી.
- અને ‘મોંઘી વસ્તુ સારી જ હોય’ એવી માન્યતાનાં ચોસલાં છીણે એવા રંધા બજારમાં મળતા નથી.
(શીર્ષક પંક્તઃ કવિ અનિલ જોશીની ક્ષમા સાથે)
Tuesday, May 24, 2011
અહોભાવનો હો વિષય તો પુરાવાની શી જરૂર?
મહાન વિજ્ઞાની તરીકે પ્રતિષ્ઠિત આલ્બર્ટ આઇન્સ્ટાઇને આપેલા બે સિદ્ધાંત વઘુ એક કસોટીમાંથી પાર ઉતર્યા હોવાનું આ મહિને જાહેર થયું. સાપેક્ષવાદના હિસ્સા જેવા એ સિદ્ધાંતોની ખરાઇ સામે અત્યાર સુધી અનેક વાર શંકા વ્યક્ત થઇ છે. એ સાચા છે કે ખોટા તેની આકરી અને અહોભાવ વગરની ચકાસણી કરવામાં આવી છે. છતાં, આ મુદ્દે કોઇ ‘વિજ્ઞાનવાળા’ની લાગણી દુભાઇ હોય એવું જાણવા મળ્યું નથી.
‘આઇન્સ્ટાઇનને પડકારનાર તમે કોણ? તમને એનાથી પણ વધારે ખબર પડે? આખી દુનિયા જેની પ્રચંડ પ્રતિભા આગળ માથું નમાવતી હોય, વીસમી સદીના ‘ટોપ ૧૦૦’ મહાનુભાવોની દરેક યાદીમાં જેનો બિનચૂક સમાવેશ થતો હોય, તેની કોઇ વાત અંગે શંકા કરી જ કેવી રીતે શકાય? આ આઇન્સ્ટાઇનનું જ નહીં, વિજ્ઞાનજગતનું અને સમસ્ત બ્રહ્માંડનું અપમાન છે...’ આવો ઉકળાટ કદી સાંભળવા મળ્યો નથી.
જરા કલ્પી જુઓઃ આઇન્સ્ટાઇનના સિદ્ધાંતને બદલે કોઇ ‘સિદ્ધપુરૂષ’ના ચમત્કારોને ચકાસવાની હિલચાલ થઇ હોત તો? ખરેખર તો કલ્પના કરવાની પણ જરૂર નથી. ચમત્કારના મોટા દાવા કરનારાઓને ભૂતકાળમાં અનેક વાર તેમના ચમત્કારો સાબીત કરવા અથવા તેની તટસ્થ ચકાસણી માટે કહેવાયું છે. પરંતુ બહાનાં કાઢીને કે અમુક કિસ્સામાં નકરી ઉદ્ધતાઇથી એવી દરખાસ્તો ફગાવી દેવામાં આવી છે. ચકાસણીની વાત કરનારાઓને ચમત્કારી બાવાઓના અનુયાયીનો રોષ વહોરવો પડ્યો હોય તે અલગ.
આઇન્સ્ટાઇન જેવા વિજ્ઞાની અને વિવિધ ધર્મો-સંપ્રદાયોના બાવાબાપુઓ વચ્ચેનો આ તફાવત યાદ રાખવા જેવો અને ગાંઠે બાંધવા જેવો છે ઃ ધર્મ-અઘ્યાત્મના ધંધામાં શંકા અને ચકાસણી પ્રત્યે તિરસ્કાર સેવવામાં આવે છે, જ્યારે એ જ બાબતો વિજ્ઞાનમાં ક્ષમ્ય નહીં, જરૂરી અને લગભગ અનિવાર્ય ગણાય છે.
દસ મહાન સિદ્ધાંત આપનાર વિજ્ઞાની અગિયારમો સિદ્ધાંત આપે ત્યારે તેના મૂલ્યાંકનમાં આગળના દસ સિદ્ધાંત થકી મળેલી પ્રતિષ્ઠા કે મોભો કામ લાગતાં નથી. પ્રત્યેક સિદ્ધાંતની ખરાઇ સ્વતંત્ર રીતે, વિજ્ઞાની પ્રત્યે અહોભાવ રાખ્યા વિના કે એ ભાવને બાજુ પર મૂકીને કરવાનો વિજ્ઞાનનો તકાદો છે- અને એમ કરવાથી વિજ્ઞાનીના માનમાં ઘટાડો થતો નથી. વિજ્ઞાનમાં સંશય અને જિજ્ઞાસા એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલાં છે. સંશય વિનાની જિજ્ઞાસા ઘણી વાર મુગ્ધતાથી આગળ વધી શકતી નથી અને જિજ્ઞાસા વિનાનો સંશય ઘણે ભાગે વાંકદેખાપણું નોતરે છે.
સંશય અને સજ્જતા
‘પણ લોકો બિચારા અહોભાવ ન રાખે તો શું કરે? બધા લોકો પાસે ક્યાં એવો વિચારવાનો સમય કે એ માટેની સજ્જતા હોય છે!’ એવી દલીલ ઘણી વાર અહોભાવના બચાવમાં નહીં તો, તેની સમજૂતી આપવા માટે પણ થાય છે.
વિશિષ્ટ જ્ઞાન-જાણકારી-માહિતી માગતા અનેક વિષયોમાં જાતે વિચારીને અભિપ્રાય બાંધી શકાય, એટલી સજ્જતા થોડા લોકો પાસે જ હોય છે એ ખરું. પણ સવાલ ફક્ત ક્ષમતાના અભાવનો હોય તો એનો રસ્તો કાઢવો અશક્ય નથીઃ લોકો આંખ મીંચીને બઘું માની લેવાને બદલે સંશય અને ચકાસણીનું મહત્ત્વ સમજે-સ્વીકારે, તેને ‘નકારાત્મક અભિગમ’માં ખપાવી ન દે, તથ્ય અંગે કરાયેલી શંકાને વ્યક્તિગત આરોપ ન ગણે અને લાગણીદુભાવની આળી માનસિકતાથી દૂર રહે... આ બઘું કરવા માટે વિશિષ્ટ જ્ઞાનની નહીં, સામાન્ય સજ્જતાની જરૂર પડે છે, જેનો પ્રયોગ ભાવતાલની રકઝકથી માંડીને સામાજિક વ્યવહારોમાં છૂટથી થતો હોય છે.
પરંતુ મુખ્ય પ્રશ્ન અભિપ્રાય બાંધવાની ક્ષમતાનો નહીં, એ માટે જરૂરી વૃત્તિનો પણ છે. અંગત સ્વાર્થ કે વેર વિના, સમાજના વ્યાપક હિત કે સાચી જાણકારી માટે શંકા કરવી હોય, તો વિચારવાનું કષ્ટ લેવું પડે. ઘણા લોકો પોતાની વિચારી શકવાની શક્તિથી અજાણ હોય છે અથવા સુવિધાપૂર્વક અજાણ રહે છે. (‘આપણે ક્યાં માથાકૂટમાં પડવું! એ બઘું આપણને ના ફાવે.’) હવામાં તરતો અહોભાવ વગર વિચાર્યે અપનાવી લેવાનો ટૂંકો રસ્તો ઘણાખરાને માફક આવી જાય છે. તેમાં વિચારવાનું કષ્ટ લીધા વિના ગાડરિયા પ્રવાહની સાથે વહેવાની અને તેના જોરે ઊંચે ચડવાની સુવિધા મળી રહે છે.
લોકોને તેમની પોતાની વિચારશક્તિની યાદ અપાવવાની- વિચારતા કરવાની જેમની ફરજ છે, એવા વિચારકો પ્રચારક બનીને સાર્થકતા અનુભવતા હોય, ત્યારે શંકા, તપાસ અને ચકાસણીનું મહત્ત્વ ઘણું વધી જાય છે. જાહેર બાબતોમાં તેનો અભાવ ઘણો સાલે છે પણ ખરો.
સેલિબ્રિટી માર્કેટિંગ માટે, માર્કેટિંગ દ્વારા
કોઇના વિશેનો અહોભાવ હવામાંથી પકડી લેવો કે એક ક્ષેત્રમાં કુશળ વ્યક્તિને બાકીની બાબતોમાં નિષ્ણાત ધારી લેવી, એને પણ એક જાતની અંધશ્રદ્ધા ગણી શકાય. માર્કેટિંગના ધોધમાર આક્રમણમાં અંધશ્રદ્ધાનો આ બિનધાર્મિક પ્રકાર વઘુ ને વઘુ વકરી રહ્યો છે. એક ક્ષેત્રની મહાન વ્યક્તિને કેવળ ‘સેલિબ્રિટી’ના દરજ્જે લાવી દેવાની રીત પણ આ અંધશ્રદ્ધાનું પરિણામ છે.
એક ચોટદાર વ્યાખ્યા પ્રમાણે, સેલિબ્રિટી એટલે એવી વ્યક્તિ જે (પોતાના કામ કે પ્રદાનથી નહીં પણ ફક્ત) જાણીતી હોવા બદલ જાણીતી હોય. પહેલાં આ વ્યાખ્યા ‘પેજ-૩’ નાં પાત્રોને લાગુ પડતી હતી. કારણ કે તેમના ચહેરા અને સમાચાર અવારનવાર જોવા મળે, પણ એ લોકો ખરેખર શું કામ કરે છે અને શા માટે પ્રસિદ્ધિમાં ચમકે છે, એ બહુ ઓછા લોકો જાણતા હોય. એ હરોળમાં ક્રિકેટરો અને ફિલ્મી સિતારાનો પણ સમાવેશ થતો હતો. તેમની સિદ્ધિઓ નક્કર હોવા છતાં, મોટા ભાગના લોકો તેમની સિદ્ધિ કરતાં પ્રસિદ્ધિથી વઘુ અંજાતા હતા. એ અર્થમાં તે સેલિબ્રિટી ગણાતા હતા. (દા.ત. ‘સેલિબ્રિટી’ સચિનથી અંજાતા લોકોને કરોડો કમાતા અને જાહેરખબરોમાં છવાતા સચિનની જેટલી અપીલ હોય છે, એટલી ઉત્તમ ખેલાડી બનવા માટે અને એ સ્થાને ટકી રહેવા માટે મહેનત કરતા સચિનની કદર હોતી નથી.) હવે પ્રસાર માઘ્યમો અને ટીવી ચેનલોની કૃપાથી કોઇ પણ ક્ષેત્રની વ્યક્તિ અચાનક ઉંચકાઇને સેલિબ્રિટી બની જાય છે. તેમના વિશેનો અહોભાવ જાણે હવામાં ઓક્સિજનની જેમ ભળી જાય છે અને લોકોના દિલોદિમાગનો કબજો લઇ શકે છે. આ બાબતમાં ભ્રષ્ટાચારવિરોધી લડતમાં અન્ના હજારેનાં સાથી, નિવૃત્ત મહિલા પોલીસ અધિકારી કિરણ બેદીનું ઉદાહરણ લઇએ.
કિરણ બેદીએ પોતાના ક્ષેત્રમાં નક્કર કામગીરી કરીને ચોક્કસ ઊંચાઇ હાંસલ કરી છે, પરંતુ છેલ્લાં થોડાં વર્ષોમાં જાહેર ક્ષેત્રમાં પથરાયેલો તેમનો પ્રભાવ જોઇને સહેજે સવાલ થાય કે તેમના પ્રત્યે અહોભાવ અનુભવતા લોકોમાંથી કેટલા તેમની કામગીરીથી પરિચિત હશે? અને કેટલા લોકોએ ‘કિરણ બેદી? એ તો બહુ જોરદાર છે બાકી.’ એવો અભિપ્રાય, ઝાઝી પડપૂછમાં પડ્યા વિના કે વઘુ જાણવાની પરવા કર્યા વિના, હવામાંથી ડાઉનલોડ કરી લીધો હશે? આવું થાય એમાં કિરણ બેદીનો દોષ કેટલો (અથવા એમનો દોષ ખરો કે નહીં?) એ વળી જુદો સવાલ છે, પણ વાત આવીને ઉભી રહે છે લોકોમાં રહેલા સંશય અને ચકાસણીના અભાવ ઉપર.
પોતાનો ઉદ્ધાર બીજું કોઇ કરી નાખશે એવી આશા રાખતા લોકો સંશયથી અસુખ અનુભવે છે. ‘શ્રદ્ધાળુ’ બનીને છેતરાવાનું તેમને વઘુ ફાવે છે. એટલે જ, એકના ડબલ કરી આપનારા ગઠિયાઓથી માંડીને અસ્મિતાની વાત કરનારા નેતાઓ સુધી અનેક જાતના ઉદ્ધારકો તેમને છેતરે છે. બહુમતી લોકો પણ એટલી હોંશથી છેતરાય છે, જાણે છેતરાવું એ તેમનો જન્મસિદ્ધ અધિકાર હોય અને કોઇ પણ હિસાબે એનો ભોગવટો કરવાની તેમણે પ્રતિજ્ઞા લીધી હોય.
‘હું બધામાં ચાલું’
વ્યક્તિની એક ક્ષેત્રની આવડતને બાકીનાં ક્ષેત્રોમાં ‘પ્રસિદ્ધિની રૂએ’ લાગુ પાડવી, એ સેલિબ્રિટી-પૂજકોની સૌથી મોટી ખાસિયત હોય છે. સરસ કપડાં સીવનારને સીવણના એસોસિએશનનો પ્રમુખ બનાવી શકાય. એ બહુ પામતો-પહોંચતો હોય તો તેને ફેશન ડિઝાઇનરોના સમારંભમાં મંચ પર બેસાડી શકાય, પણ તેને સાહિત્ય, સંગીત કે સમાજકારણના મંચ પર મોખરાના સ્થાને શી રીતે સ્થાપી શકાય?
એવી જ રીતે, સફળ કથાકાર અને સફળ યજમાનના ગુણધર્મો ધરાવનારને સાહિત્ય પરિષદના મંચ પર, ફિલ્મઉદ્યોગના સમારંભમાં કે એવા બીજા કોઇ પણ સમારંભના મંચ પર કેવી રીતે બેસાડી શકાય? પરંતુ સેલિબ્રિટી-ઇફેક્ટને કારણે મોટા ભાગના લોકોને તેમાં કશું અજૂગતું લાગતું નથી. ઉલટું, ‘(લોકપ્રિયતા અને સમૃદ્ધિને કારણે) સેલિબ્રિટીને તો આપીએ એટલું માન ઓછું છે’ એવો અહોભાવ સતત વહેતો કરવામાં આવે છે.
સેલિબ્રિટી બની ગયેલા લોકોમાંથી ઘણા સિદ્ધિને બદલે પ્રસિદ્ધિના ચાળે ચડે એટલે તે સ્વધર્મ અને પોતાની મર્યાદાઓ ભૂલી જાય છે. સેલિબ્રિટીને લાયકાતના કોઇ માપદંડ લાગુ પડતા નથી. તે દરેક ક્ષેત્રમાં ચંચુપાત કરી શકે છે અને કોઇ પણ સ્થાન શોભાવી શકે છે. ‘હું આમાં ન ચાલું’ એવું કહેવા જેટલું વિવેકભાન તેમનામાંથી જતું રહે છે અને જો એ રહે તો પણ ‘મારું કોઇ સાંભળતું નથી’ એવી ભવ્ય મજબૂરી તરીકે જ હોય છે. સામે પક્ષે, ઔચિત્ય જોયા વિના સેલિબ્રિટીને આગળ કરનારા લોકોને પણ, તેમનો ઉપયોગ કરીને પોતાનો ધંધો કરવામાં રસ હોય છે. એટલે બન્નેનું ગાડું સુખેથી ગબડતું રહે છે
- અને અકારણ અહોભાવ સામે ઔચિત્ય- પ્રમાણભાનની વાત કરનાર માટે ‘વિઘ્નસંતોષી’, ‘વાંકદેખા’ જેવાં વિશેષણોની ક્યાં ખોટ છે?
Sunday, May 22, 2011
ઓસામાને ખતમ કરવાનું ‘ઓપરેશન જરોનિમો’ :અમેરિકાના આદિવાસી હીરોને વિલન ગણવાનો વિવાદ
લંડનની ભૂગર્ભ રેલવેમાં બોમ્બવિસ્ફોટ કરનાર ત્રાસવાદીઓને શોધીને સાફ કરી દેવાની કાર્યવાહીને બ્રિટિશ સૈન્ય ‘ઓપરેશન તાત્યા ટોપે’ જેવું નામ આપે તો?
અથવા ગુજરાતમાં કોઇ સાચા ત્રાસવાદીને પૂરો કરવાના મિશનનું નામ ‘ઓપરેશન જોગીદાસ ખુમાણ’ આપવામાં આવે તો?

ઓસામાનો અંત આણનાર ‘ઓપરેશન જરોનિમો’માં કંઇક એવું જ કાચું કપાયું હોવાના સમાચાર, જીતની ખુશાલીમાં ખૂણે હડસેલાઇ ગયા, પરંતુ અમેરિકાની ‘ઇન્ડિયન’ (રેડ ઇન્ડિયન/આદિવાસી) પ્રજામાંથી કેટલાકે તેમના હીરો જરોનિમોને ઓસામા સાથે સરખાવવા બદલ ખેદ અને રોષની લાગણી વ્યક્ત કરી. વધારે દુઃખ તેમને એ વાતનું હતું કે એક-દોઢ સદી પહેલાં પોતાની આઝાદી જાળવવા યુદ્ધે ચડેલા જરોનિમો અને બીજા અનેક ‘ઇન્ડિયન’ને અમેરિકા હજુ દુશ્મન ગણે છે- દુશ્મન તરીકે જુએ છે.
લાગણીનું દુભાવું લગભગ લધુઉદ્યોગ બની ચૂક્યો હોય, ત્યારે ‘ઓપરેશન જરોનિમો’ બાબતે અમેરિકાના ઇન્ડિયનની દુભાયેલી લાગણી કદાચ ગળે ન ઉતરે. ‘નામમાં શું બળ્યું છે?’ એવાં ફિલસૂફી વચનો પણ સાંભરે. એ વખતે લેખના આરંભે મૂકેલા બે સવાલ વિશે વિચારી જોવાથી ‘ઇન્ડિયન’ લોકોનો વાંધો કદાચ સમજાય.
આદિવાસી ‘ઇન્ડિયન’ અને અમેરિકન સહિતના ધોળા લોકો વચ્ચેના સંઘર્ષનો લગભગ ચાર સદીનો ઇતિહાસ ‘સુધરેલી’ માનવજાતના ઇતિહાસનાં સૌથી કાળાં પ્રકરણોમાં સ્થાન પામે એવો છે. (ભારતમાં સદીઓથી દલિતો સાથે થયેલા ભયાનક દુર્વ્યવહાર સામે એ ઝાંખો પડી જાય, એ વળી જુદી વાત થઇ.)
ભારત જવા નીકળેલો સ્પેનનો ક્રિસ્ટોફર કોલંબસ ભૂલથી અમેરિકા પહોંચ્યો અને ૧૨ ઓક્ટોબર, ૧૪૯૨ના રોજ સાન સાલ્વાડોરના કિનારે ઉતર્યો, ત્યારથી ધોળા લોકોનાં શરમજનક અને અમાનવીય કારનામાંનો સિલસિલો શરૂ થયો. અમેરિકાની મૂળનિવાસી નિષ્કપટ આદિવાસી પ્રજાએ કોલંબસને મહેમાન ગણીને આવકાર આપ્યો. બદલામાં સ્વાર્થી કોલંબસ મિત્રતાભર્યો વ્યવહાર કરનાર દસ આદિવાસીઓને છેતરીને, તેમનું અપહરણ કરીને પોતાની સાથે સ્પેન લઇ ગયો. ત્યાં આદિવાસીઓને ‘સંસ્કારી માણસ’ બનાવવાના ભાગરૂપે તેમને ખ્રિસ્તી ધર્મમાં દાખલ કરવામાં આવ્યા.
પણ ધોળા લોકોના સંસ્કારના પરચા આદિવાસીઓને ઝડપથી મળવા લાગ્યા. લોભીયા અને ઘાતકી લોકો આવીને આદિવાસીઓની સુખી-સંતોષી જિંદગીને ખેદાનમેદાન કરવા લાગ્યા. કિંમતી ધાતુઓ કે ચીજવસ્તુઓના લોભે ચડી આવવું, જે હાથ લાગે તે ઉશેટી જવું અને પાછળ બચે તેને સળગાવી દેવું- આ હતાં ‘સુધરેલા’ ધોળાઓનાં લક્ષણ. અભ્યાસીઓએ નોંઘ્યું છે કે કોલંબસના આગમનના એક જ દાયકામાં ધોળાઓનાં ધાડાંએ સમૃદ્ધિના લાલસા ખાતર સેંકડો-હજારો નિર્દોષ આદિવાસીઓને બેરહમીથી મોતને ઘાટ ઉતારી દીધા.
સંઘર્ષની, બલ્કે આદિવાસી જાતિઓના માથે આવનારી આફતની, આ શરૂઆત હતી, જેનો અંત ૧૯મી સદીના અંત અને ૨૦મી સદીના શરૂઆતના ભાગમાં આવ્યો. જરોનિમો (૧૮૨૯-૧૯૦૯) પોતાની સ્વતંત્રતા અને છેવટે અસ્તિત્ત્વ માટે ઝઝૂમનારા છેલ્લા આદિવાસી નાયકોમાંનો એક હતો.

Geronimo
પંડિત સુંદરલાલ લિખિત ‘ભારતમાં અંગ્રેજી રાજ’ના બે દળદાર ભાગ વાંચનાર કોઇ પણ વ્યક્તિને એક જ લાગણી થાયઃ ભારતમાં સામ્રાજ્ય સ્થાપવા અને વિસ્તારવાની અંગ્રેજોની પદ્ધતિ કેટલી સાદી અને એકધારી હતી! પ્રકરણોમાં પાત્રોનાં નામ ભલે જુદાં હોય, પણ દગાફટકા, વિશ્વાસઘાત, જૂઠાં વચનો, ખોટી લાલચ- આ બઘું દરેક પ્રકરણમાં જાણે એકસરખું જ લાગે.
એવી જ લાગણી અમેરિકાના ‘વાઇલ્ડ વેસ્ટ’ તરીકે ઓળખાતા - અને હોલિવુડની ફિલ્મોમાં કાઉબોય કલ્ચરથી જાણીતા બનેલા- પ્રદેશના ઇતિહાસ પર નજર ફેરવતી વખતે થાય. વિશાળ વિસ્તારમાં ફેલાઇને કુદરતના ખોળે સુખેથી જીવતી જુદી જુદી આદિવાસી જાતિઓ, તેમના લડાયક યોદ્ધા અને તેમનાં કુટુંબપરિવારો સાથે અમેરિકાના અફસરોનો વ્યવહાર, ભારતમાં અંગ્રેજોની કુટિલતા કરતાં જરાય જુદો ન હતો. અંગ્રેજો ભારતીયોને અસંસ્કારી અને ગુલામીને લાયક ગણતા હતા. એ રીતે અમેરિકાના ધોળા લોકો પણ મૂળનિવાસી ‘ઇન્ડિયન’ પ્રજાને માણસમાં ગણતા ન હતા.
આદિવાસીઓ સદીઓથી પરંપરાગત રીતે જ્યાં રહેતા હતા, એ જમીન, તેમાંથી મળી આવતી કિમતી ધાતુઓ અને કુદરતી સંપત્તિ- આ બઘું ધોળાઓને સુધરેલા હોવાની રૂએ પોતાની બાપીકી મિલકત જેવું લાગતું હતું. આદિવાસીઓ આ જમીન પર ગેરકાયદે કબજો જમાવીને બેસી ગયા હોય અને તેમને હાંકી કાઢવા એ પરમ ધર્મ કે ઇશ્વરી આદેશ હોય, એવા ઝનૂનથી તેમણે આદિવાસીઓનો સફાયો કરવા માંડ્યો. કોઇ પ્રાણીને મારતાં થાય એટલો ખચકાટ પણ એક આદિવાસીને કે તેના સ્ત્રી-બાળકને મારી નાખતાં મોટા ભાગના ધોળાઓને થતો ન હતો. આદિવાસીઓને જંગલી ગણીને તેમની પર ધોળા લોકોએ કરેલા અત્યાચારની કથની વાંચતાં હૃદય હચમચી ઉઠે અને એક જ સવાલ થાયઃ ઇતિહાસ આ જ હોય, તો ખરેખરા જંગલી કોણ કહેવાય? જંગલમાં રહીને, શાંતિભર્યું જીવન જીવતા આદિવાસીઓ કે ટૂંકા સ્વાર્થ ખાતર તેમને પશુવત્ ગણીને રહેંસી નાખનારા- તેમને ગુલામીભર્યું બંધિયાર જીવન જીવવાની ફરજ પાડનારા ધોળાઓ?

‘ઇન્ડિયન’ લોકો પરના અત્યાચાર વિશે ચાર સદી પછી અને એ પણ ફક્ત વાંચીને દઝારો લાગતો હોય, તો એ વખતે આ પરિસ્થિતિમાંથી પસાર થનારા બહાદુર અને ખુમારીવાળા આદિવાસીઓ કેવી રીતે શાંત રહી શકે? જરોનિમો અને તેની પહેલાં મંગસ કોલોરાડો જેવા અપાચી કબીલાના આદિવાસીઓ સહિત બીજાં અનેક આદિવાસી જૂથોએ અમેરિકા અને મેક્સિકોની સૈનિક ટુકડીઓને હંફાવી. તેમના અફસરોને નિષ્ફળતાનો અહેસાસ કરાવ્યો અને આદિવાસીઓની આઝાદીની આશા જીવતી રાખી.
ભારતના ૧૮૫૭ના સંગ્રામમાં જેમ કાનપુરમાં થયેલી અંગ્રેજ સ્ત્રી-બાળકો-પુરૂષોની હત્યાને સતત આગળ ધરીને, અંગ્રેજોના અનેક ગણા વધારે પ્રમાણમાં અને વધારે ઘાતકી અત્યાચારોને સંતાડવામાં આવે છે, એવું જ જરોનિમો જેવા અનેક ‘ઇન્ડિયન’ નાયકોના મામલે પણ જોવા મળે છે. અમેરિકનોને મારી નાખનારા ઘાતકી હત્યારા તરીકેની તેમની છબી ઉભી કરવામાં કોઇ કસર છોડવામાં આવી નથી. છતાં, જેમ એ સમયે, તેમ પછીનાં વર્ષોમાં પણ કેટલાક ધોળા લોકોએ આદિવાસીઓને મદદ કરવાના અને તેમના ઇતિહાસની અધિકૃત નોંધ રાખવાના નક્કર પ્રયાસ કર્યા. તેના પરિણામે, આદિવાસીઓનું નિકંદન કાઢી નાખવાની ધોળા લોકોની ક્રૂર કાર્યવાહી વિશે તથા આદિવાસીઓની રહેણીકરણી અને તેમના સંઘર્ષ વિશે અનેક અધિકૃત દસ્તાવેજો અને પુસ્તકો ઉપલબ્ધ બન્યાં છે. માત્ર જરોનિમો વિશે જ ડઝનબંધ પુસ્તકો લખાયાં છે. જરોનિમો તથા અમેરિકાના આદિવાસીઓના સંઘર્ષ અને તેમની અવદશા વિશે દસ્તાવેજી અને ફીચર ફિલ્મો પણ બની છે.
ઓસામાને ખતમ કરવાના ઓપરેશન સાથે જરોનિમોનું નામ સાંકળવાને કારણે વિવાદ થયા પછી કેટલાક ખુલાસા કે સુધારા પણ કરવામાં આવ્યા. એક સ્પષ્ટતા એવી થઇ છે કે આ કાર્યવાહીનું સત્તાવાર નામ ‘ઓપરેશન નેપ્ચુયન સ્પીઅર’ હતું અને જેરોનિમોનું સાંકેતિક નામ ઓસામા માટે નહીં, પણ તેની ધરપકડ કે મૃત્યુ સૂચવવા વપરાયું હતું. અબોટાબાદમાં ઓસામાને ખતમ કર્યા પછી અમેરિકાના કમાન્ડોએ મોકલેલો સાંકેતિક સંદેશો હતોઃ ‘જરોનિમો ઇકેઆઇએ’ (એનીમી કિલ્ડ ઇન એક્શન). ગુંચવાડામાં અટવાયેલી હકીકત જે હોય તે, પણ જરોનિમોના નામોલ્લેખે અમેરિકાના ઇતિહાસની અળખામણી યાદો તાજી કરી દીધી.
જીવનના છેલ્લા બે દાયકાનો મોટો હિસ્સો ‘રિઝર્વેશન’ તરીકે ઓળખાતી સરકારી છાવણીઓમાં કે જેલમાં ગાળનાર જરોનિમો અને બીજા ‘ઇન્ડિયન’ યોદ્ધાઓની આઝાદી માટેની લોહિયાળ સંઘર્ષકથાના કેટલાક પ્રસંગ આવતા સપ્તાહે.
Labels:
Geronimo,
history/ઇતિહાસ,
us
Saturday, May 21, 2011
Thursday, May 19, 2011
ઓપરેશન ઓસામા, ગુજરાતના સત્તાવાર અંદાજમાં
અમેરિકાએ પાકિસ્તાનમાં ધૂસી જઇને ખૂંખાર ત્રાસવાદી ઓસામાને ખતમ કર્યો, તેનાથી ઘણાની કલ્પનાશક્તિ જાગી અને ખીલી ઉઠી છે. કોઇ કાળે અસહકારની ભૂમિ તરીકે જાણીતું ગુજરાત છેલ્લાં થોડાં વર્ષથી એન્કાઉન્ટરની ભૂમિ તરીકે ખ્યાતિ પામ્યું છે. તેની છ કરોડ જનતામાં એક લાગણી એવી પણ છે કે અમેરિકાએ ઓસામાને ખતમ કરવા માટે ગુજરાતના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટોની સેવા લેવાની જરૂર હતી.
ધારો કે એવું થયું હોત તો? અને મિશન સફળ થયા પછી શું કરવું એના માર્ગદર્શન માટે ઓબામાએ ગુજરાતના મુખ્ય મંત્રીનો સંપર્ક સાઘ્યો હોત તો?
ગુજરાતના મુખ્ય મંત્રી ઉદાર છે. ઓબામા તેમને ન પૂછે, તો પણ અમેરિકાને સલાહ આપવા તે આતુર હોય છે. તેમની સલાહ લેવા માટે ઓબામાએ વિઝા મંજૂર કરવાની પણ જરૂર નથી. ગાંધીનગરમાં બેસીને વિડીયો કોન્ફરન્સિગથી અમેરિકામાં ભાષણ આપવાનું મુખ્ય મંત્રીશ્રીને સરસ રીતે ફાવી ગયું છે.
- તો કલ્પનાની પાંખે, ઓપરેશન ઓસામા, ગુજરાત સરકારના અંદાજમાં!
***
પત્રકારોથી ખીચોખીચ ભરેલી વ્હાઇટ હાઉસની લોનમાં પત્રકાર પરિષદ- જેને લાડમાં પત્તરફાડ પરિષદ પણ કહેવાય છે- શરૂ થવામાં છે. પ્રમુખ ઓબામા અને તેમના અમેરિકન અફસરોની સાથે બે-ત્રણ ગુજરાતી પોલીસ અફસરો દેખાય છે.
ઓબામાએ છેલ્લા થોડા વખતમાં ગુજરાતના મુખ્ય મંત્રીને દ્રોણાચાર્ય માનીને, અર્જુનભાવે કે એકલવ્યભાવે ઘણું ગ્રહણ કર્યું હોવાની જોરદાર હવા છે. તેની ખરાઇ તો કેમ કરવી? પણ ઓબામાની સ્ટાઇલમાં આવેલો બદલાવ નોંધપાત્ર છે. પરિષદ શરૂ થતાં પહેલાં બધા પત્રકારોને દસ-દસ વાર ‘ઓસામા’ લખવાનું લેસન આપવામાં આવ્યું છે, જેથી કોઇ ‘ઓસામા’ને બદલે ‘ઓબામા’ ન લખી નાખે.
પરિષદ શરૂ થતાં પહેલાં ઓબામાએ લશ્કરી ગણવેશ પહેરીને બાવડાં ફુલાવ્યાં હોય એવી તસવીરોનો એક પોર્ટફોલિયો ઉપસ્થિત તમામ પત્રકારોને વહેંચવામાં આવે છે. વ્હાઇટ હાઉસના જાણકારો કહે છે કે ઓબામાની નવી ‘શિષ્યવૃત્તિ’નું આ પરિણામ છે. એવું પણ જાણવા મળે છે કે આગલી રાતે ઓબામાએ વ્હાઇટ હાઉસમાં અરીસા સામે વારાફરતી ડાબા અને જમણા હાથનાં બાવડાં ફુલાવી જોયાં હતાં. તેમાંથી કયો પોઝ વઘુ સારો લાગે છે, એ નક્કી કર્યા પછી ફોટા રીલીઝ કરવામાં આવ્યા છે.
પરિષદના આરંભે ઓબામા લશ્કરી કાર્યવાહીની અને ઓસામાના મૃત્યુની જાહેરાત કરે છે. ઉપસ્થિત પત્રકારોમાં આનંદ અને ઉત્તેજના ફેલાય છે. ઓબામા કહે છે, ‘મારી સાથે ફોટો પડાવવા ઇચ્છતા પત્રકારો પરિષદ પૂરી થયા પછી મારા સચિવને મળીને ગોઠવણ કરી શકે છે.’
સત્તાવાર જાહેરાત પૂરી થયા પછી વઘુ વિગતો માટે ગુજરાતી જણાતા પોલીસ અફસરને આગળ કરવામાં આવે છે. પત્રકારોને અપાયેલા તેમના ટૂંક પરિચયમાં જણાવાયું છે કે એ ગુજરાત સરકારના ચાહીતા એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ છે અને આ ઓપરેશન ડીઝાઇન કરવામાં તેમની અગત્યની ભૂમિકા રહી છે.
ગુજરાતી અફસર માઇક સંભાળીને ઓપરેશન ઓસામા વિશે ‘મનોહર કહાનિયાં’નો આરંભ કરે છે. તેમના વર્ણન પ્રમાણે ઓપરેશન ઓસામા આ રીતે પાર પાડવામાં આવ્યું :
‘ઇન્ટેલીજન્સનો રીપોર્ટ હતો કે ઓસામા પાકિસ્તાનમાં બેસીને સાહેબને મારવાની યોજના ઘડી રહ્યો છે... સાહેબ એટલે અત્યારે ઓબામાની વાત થાય છે.’
‘સાહેબને મારવા આવતા ત્રાસવાદીઓને ખતમ કરવાનો અમને બહોળો અનુભવ છે- અહીં સાહેબ એટલે અમારા મુખ્ય મંત્રીશ્રીની વાત થાય છે- હા, એટલે અમારો અનુભવ એવું કહે છે કે ત્રાસવાદીને સામેથી મારવા જવાને બદલે, એ આપણી ધરતી પર આવે એની રાહ જોવી. એની પાછળની ભાવના એટલી જ કે કદાચ એ સફળ થઇ જાય તો!... આ તો જસ્ટ જોકિગ..હોં. મને સાહેબે કહ્યું હતું કે અમેરિકાના લોકોની સેન્સ ઓફ હ્યુમર સારી હોય છે. એટલે સાવ સરકારી ભાષામાં ન બોલતા.’
‘હું સેન્સ ઓફ હ્યુમરની વાત કરતો હતો. એ તો ઘણા લોકોમાં હોય, પણ અમારા ગુજરાતના લોકોની રીવર્સ સેન્સ ઓફ હ્યુમર બહુ સારી છે.’
ઓસામા વિશેના બ્રીફિગમાં સેન્સ ઓફ હ્યુમર અને એ પણ રીવર્સ. અમેરિકન પત્રકારો મૂંઝાયા. એક-બે જણે આંગળી ઉંચી કરીને પૂછ્યું, ‘રીવર્સ સેન્સ ઓફ હ્યુમર એટલે?’
ઓબામાએ સવાલ પૂછનાર પત્રકારો સામે જોઇને ડોળા કકડાવ્યા. અગાઉ એમણે આવું કદી કર્યું ન હતું. પણ એ પત્રકારો ગુજરાતના નહીં, અમેરિકાના હતા. એટલે તેમણે પ્રશ્ન દોહરાવ્યો. તેમને જવાબ આપતાં ગુજરાતી અફસરે કહ્યું, ‘મને ખબર જ હતી કે તમને ખબર નહીં હોય. રીવર્સ સેન્સ ઓફ હ્યુમર એટલે હસવા જેવી વાત ગંભીરતાથી લેવી તે.’
એ સાંભળીને અમેરિકાના પત્રકારો હસી પડ્યા. પણ બ્રીફિગ આગળ ચાલ્યું એટલે તે ફરી ગંભીર થઇ ગયા.
અફસરે આગળ ચલાવ્યું, ‘અમે સાહેબને કહ્યું કે કે ઓલો ઓસામો વાં બેઠો બેઠો તમને મારવાના કારસા ઘડી રહ્યો છે. એ સાંભળીને સાહેબ રંગમાં આવી ગયા. મુઠ્ઠી વાળીને હાથ ઉંચો કરીને કહે, અમેરિકાની ૩૦ કરોડ જનતા માટે હું જાનની બાજી લગાડવા તૈયાર છું. મને મારા જીવની નહીં, મારા ૩૦ કરોડ લોકોની ચિતા છે.’
‘અમે એમને કહ્યું કે સાહેબ, હજુ ચેનલવાળા આવ્યા નથી. આ બઘું એ લોકો આવે ત્યારે કહેવાનું છે. એટલે તરત એમણે મુઠ્ઠી ખોલી નાખી, હાથ મ્યાન કરી દીધો અને પોતાની સુરક્ષાવ્યવસ્થા વધારવાની ચિતામાં લાગી ગયા.’
‘ઓસામા જેવા ત્રાસવાદી પર હુમલાનું પાકું આયોજન કરવું પડે. અમે કોઇ ચાન્સ લેવા માગતા ન હતા. વળી અમેરિકાની લેટેસ્ટ શસ્ત્રસામગ્રી સાથે અમારે ગુજરાતની અહિસક પરંપરાનો પણ વિચાર કરવાનો હતો. એટલે અમે કેટલાક ગુજરાતી સંચાલકોને પણ સાથે રાખવાનું વિચાર્યું હતું. ઓસામા ઘેરાઇ ગયા પછી કોઇ રીતે શરણે ન આવે તો તેની પર જાહેર કાર્યક્રમોના સંચાલકોને છૂટા મૂકી દેવા. એમને સહન કરવા કરતાં શરણે આવવાનું ઓસામા વઘુ પસંદ કરશે, એવી અમારી ગણતરી હતી. પણ હેલિકોપ્ટરોમાં જગ્યા ન રહી, એટલે સંચાલકોવાળો આઇડિયા પડતો મૂકવો પડ્યો.’
‘ઝીણવટભર્યા આયોજન પછી અમે ઓસામાને અબોટાબાદથી ઉઠાવ્યો અને હેલિકોપ્ટરમાં અમદાવાદ લઇ આવ્યા. રસ્તામાં હેલિકોપ્ટર ઉતારીને અમે ઓસામાને પોલીસની જીપમાં બેસાડ્યો. અમારો કાફલો કોતરપુર (અમદાવાદ) હાઇ વે આગળથી પસાર થતો હતો એ વખતે ઓસામાએ હાથનું દોરડું છોડીને બાજુમાં બેઠેલા પોલીસ ઓફિસરની રિવોલ્વર ખેંચી લીધી અને ચાલુ જીપે કૂદકો માર્યો. તરત અમે બધાએ મોરચો સંભાળી લીધો. દસેક મિનિટ સુધી સામસામા ગોળીબાર થયા. એમાં અમારા બે કમાન્ડો ઘાયલ થયા અને ઓસામાનું મોત થયું.’
‘પણ તેના શરીરનું તમે શું કર્યું?’ એક પત્રકારે પૂછ્યું.
‘ધાર્મિક વિધિથી નિકાલ કરી નાખ્યો. માણસ જ ન રહે, પછી શરીરનો શો મોહ? આત્મા વિનાનું શરીર તો પક્ષી વિનાનું પિજરુ છે.’
‘પણ અમદાવાદમાં કોઇને આ વાતની ખબર પણ ન પડી?’ હજુ અસંતુષ્ટ પત્રકારે ફરી પૂછ્યું.
તરત બાજુમાં બેઠેલા ઓબામાએ ઉશ્કેરાઇને પેલા પત્રકારને પૂછ્યું,‘તમારા છાપાનું સર્ક્યુલેશન કેટલું છે?’
પત્રકારે આંકડો કહ્યો, એટલે ઓબામા કહે,‘આટલા સર્ક્યુલેશનમાં એક જ સવાલ પૂછાય.’
પત્રકારો દિગ્મૂઢ થઇને ઓબામાનું નવું સ્વરૂપ જોઇ રહ્યા અને આ જ્ઞાન તેમણે ક્યાંથી મેળવ્યું તેની અટકળ કરવા લાગ્યા, પણ સંશયાત્મા પત્રકારે ઓબામાને વળતો સવાલ પૂછ્યો, ‘અમે તમારા જૂઠાણાંની લિમિટ નક્કી કરીએ છીએ? એક પ્રેસ કોન્ફરન્સમાં કે ઇન્ટરવ્યુમાં અમુક વાર જ જૂઠું બોલાય- અમુક જ પ્રશ્નોના જવાબ ગુપચાવી દેવાય, એવું કહીએ છીએ?’
પરંતુ વાત વણસે તે પહેલાં સંશયનિવારણ નિષ્ણાત પોલીસ અફસરે જવાબ આપ્યો, ‘અમે એટલી સિફતથી ઓપરેશન પાર પાડ્યું કે અમારી સાથે આવેલા ઘણા કમાન્ડોને પણ તેની ખબર પડી નથી. ડાબો હાથ જે કરે તે જમણો હાથ પણ ન જાણે, એ અમારી સંસ્કૃતિ છે. જવા દો, તમને ધીમે ધીમે સમજાશે. નો મોર ક્વેશ્ચન્સ, પ્લીઝ.’
એ સાથે જ પત્રકાર પરિષદ પૂરી થઇ અને ત્રાસવાદવિરોધી લડતના ઇતિહાસમાં ઓપરેશન ઓસામા સુવર્ણ અક્ષરે લખાઇ ગયું.
Tuesday, May 17, 2011
માનવ અધિકારઃ અર્થનો અનર્થ, અનર્થનો અર્થ
શબ્દ અનેક કારણથી પોતાનો અર્થ ગુમાવી શકે છે.
‘પાણીચું’ એટલે પાણી ભરેલું નારિયેળ. કોઇને વિદાય આપતી વખતે શુકન તરીકે નારિયેળ આપવાનો રિવાજ હતો. તેની પરથી, કોઇને નોકરીમાંથી રવાના કરવા માટે ‘પાણીચું પકડાવવું’ એવો શબ્દપ્રયોગ પ્રચલિત બન્યો. ગુણ દર્શાવતા શબ્દ ‘પાણીચું’ પર આ રીતે નકારાત્મક અર્થનો સિક્કો વાગી ગયો.
‘અંતરિયાળ’નો મૂળ અર્થ છેઃ અધવચ્ચે, અરધે રસ્તે, નોંધારું. (દા.ત. એ ઓફિસે જતા હતા, ત્યારે પોલીસે તેમને અંતરિયાળ રોક્યા.) પરંતુ દૂરના-છેવાડાના પ્રદેશો માટે ‘અંતરિયાળ વિસ્તાર’ એ પ્રયોગ એટલો ચલણી બની ગયો છે કે હવે એ અર્થ સાચો લાગે અને અસલી અર્થને ક્યાંક ખૂણામાં શોધવો પડે.
કેટલાક શબ્દોના ખરા અર્થ વિવિધ છાવણીઓનાં સ્વાર્થ-સગવડ કે એજેન્ડા પ્રમાણે રહેંસાતા, પીંખાતા, વિકૃત થતા રહે છે. જેમ કે, માનવ અધિકાર, બિનસાંપ્રદાયિકતા, રેશનાલિઝમ, બૌદ્ધિકો, લોકશાહી...
એક વત્તા એક બરાબર એકવીસ
સરકાર પોતે એક યા બીજા પ્રકારનાં હિસા-દમન-કાનૂનભંગના બનાવોમાં આરોપી હોય, ત્યાં ‘માનવ અધિકાર’નો સરકારી અર્થ થાય છેઃ ‘સરકારનું અહિત ઇચ્છવું’.
ઘણી સરકારો માને છે કે એ પોતે જ દેશ (કે રાજ્ય) છે. કેટલાક સરકારી વડા થોડાં ડગલાં આગળ વધીને એવું માને-મનાવે છે કે ‘હું જ દેશ -કે રાજ્ય- છું.’ (‘ઇન્દિરા ઇઝ ઇન્ડિયા’ કે ‘મોદી એટલે ગુજરાત’ સિન્ડ્રોમ.) ગોટલો માને કે હું જ કેરી છું- એવી હાસ્યાસ્પદ અને સામાન્ય બુદ્ધિના અપમાન જેવી આ વાત છે. શાસક = સરકાર = રાજ્ય = પ્રજા, એટલે કે શાસક = પ્રજા. આવું તર્કવિકૃત સમીકરણ ચાલતું હોય ત્યાં માનવ અધિકારનો સત્તાવાર અર્થ છેઃ રાજ્યનો કે પ્રજાનો વિરોધ. આ પરિસ્થિતિ મજબૂત બનાવવા માટે ‘માનવ અધિકાર’ શબ્દ પ્રત્યે ભારે સૂગ, ચીડ, તુચ્છકાર અને તિરસ્કારની લાગણી ફેલાવવામાં આવે છે. માનવ અધિકારની વાત કરવી એ જાણે રાજદ્રોહ કે રાષ્ટ્રદ્રોહ હોય એવું શાસકોના આક્રમક બચાવ પરથી લાગે.
ફક્ત શાસકો જ નહીં, તેમની આંખે જોનારા, તેમના તાલે ડોલનારા અને દેખીતા સ્વાર્થ વિના, કેવળ ‘કરપીણ મુગ્ધતા’ (સૌજન્યઃ જયંતિ દલાલ)ને કારણે શાસકોની ગાડીમાં ચડી બેઠેલા સૌ માનવ અધિકારના ઉલ્લેખમાત્રથી ભડકી ઉઠે છે. પ્રતિક્રિયારૂપે તે શેરીયુદ્ધોની શૈલી-કક્ષાની યાદ અપાવે એ રીતે માનવ અધિકાર સંગઠનો-કાર્યકરો-પ્રવૃત્તિ સામે બખાળા કાઢે છે- માઇબાપે બાવાની બીક બતાવીને ઉછેરેલું બાળક, બાવાના ઉલ્લેખમાત્રથી ભેંકડો તાણે એ રીતે.
જુદાં જુદાં સમજણ, આશય, હેતુ અને કક્ષાથી માનવ અધિકારની વાત કરનાર સૌને એક જ લાકડીએ હાંકવાં, તેમની પ્રવૃત્તિ સામે દ્વેષ ફેલાવવો અને ‘માનવ અધિકાર’ને દેશદ્રોહ સમકક્ષ ખરાબ શબ્દ બનાવી દેવો, એ શાસકો તથા તેમની ‘ટોળકી’ (સૌજન્યઃ ગુજરાતના મુખ્ય મંત્રી)નું એક જીવનકાર્ય બની જાય છે.
ક્યાં હતા? ક્યાં છો?
માનવ અધિકારનું કામ કરનાર વ્યકિત-સંસ્થાઓના પક્ષે ઘણા પ્રશ્નો હોય છે. ડોક્ટર, વકીલ, અઘ્યાપક કે પત્રકારની જેમ માનવ અધિકારનું કામ કરતા લોકોમાં પણ સારા, મઘ્યમ અને ખરાબ પ્રકાર હોય છે. બીજાં ક્ષેત્રોની જેમ ત્યાં પણ સારાનું પ્રમાણ ઓછું હોય છે. માનવ અધિકારનું કામ કરનારા સામેના મુખ્ય આરોપ છેઃ ન હોય ત્યાંથી માનવ અધિકારના મુદ્દા ઉભા કરવા, મુદ્દાને તેના આખરી અંજામ સુધી પહોંચાડવાને બદલે એ કામમાંથી પોતાની ખીચડી (કે ખીર) પકાવતા રહેવું, પોતે ઉપાડેલા મુદ્દાને ગાજતો રાખવા માટે સાધનશુદ્ધિની દરકાર રાખવી નહીં- કોઇ પણ હદનું જૂઠાણું બોલતાં-આચરતાં અચકાવું નહીં, વિદેશી ભંડોળના જોરે રૂપિયાના ઘુમાડા કરવા, આંતરરાષ્ટ્રિય સ્તરે એવોર્ડ-પ્રશંસા-ભંડોળ મેળવવા માટે પોતાના રાજ્ય-દેશનું ભૂંડું બોલવું, હંમેશાં લધુમતી (મુસ્લિમો-દલિતો-આદિવાસીઓ વગેરે)નું ઉપરાણું લેવું, માનવ અધિકારના બહાને વિકાસકાર્યોમાં રોડાં નાખવાં...
આરોપોની યાદી પર નજર નાખતાં જણાશે કે છેલ્લા બે આરોપ મુખ્ય અને સૌથી મહત્ત્વના છે. એ બન્ને બાબતો અંગે અસંતોષને કારણે બાકીના મુદ્દા છે એના કરતાં વધારે આંખે ચડે છે. લધુમતી અને ‘વિકાસ’ અંગે સમાજના સરેરાશ બોલકા વર્ગના મનમાં પૂર્વગ્રહની ફળદ્રુપ ભૂમિ તૈયાર હોય છે. શાસકીય કુપ્રચારનાં બીજથી એ ભૂમિમાં લૂમઝૂમ ફસલ લહેરાવા લાગે છે.
ઉદાહરણ તરીકે, બનાવટી એન્કાઉન્ટરમાં માર્ર્યા ગયેલા કે કોમી હંિસાનો ભોગ બનેલા મુસ્લિમોને ન્યાય મળવો જોઇએ, એવું કહેનારા વિશે અસંતોષ ફેલાવવામાં સરકારને બહુ મહેનત કરવી પડતી નથી. ‘કાશ્મીર વખતે તમે ક્યાં હતા?’ કે ‘દિલ્હીના શીખસંહાર વખતે તમે ક્યાં હતા?’ એવા સવાલ, જવાબની રાહ જોયા વિના વંિઝ્યે રાખનારાં ધાડાં તૈયાર હોય છે. એમને પૂછી શકાતું નથી કે ‘માનવ અધિકારની વાત કરનારા કાશ્મીર અને દિલ્હીમાં પણ સક્રિય હતા. એમને કામ કરતા જોવા માટે તમે ક્યાં હતા?’- અથવા પોતાનાં પોત ઢાંકવા જેમણે તેમને આવા સવાલ શીખવ્યા-ગોખાવ્યા છે, એવા નેતાઓના ધાડાં કદી પૂછતાં નથી કે ‘બીજાની વાત છોડો? કાશ્મીર-દિલ્હીમાં તમે ક્યાં હતા? અને તમે એ મુદ્દાના જોરે મત ઉઘરાવવા સિવાય, તેમને ન્યાય અપાવવા બીજું શું કર્યું?’
દલિતોના માનવ અધિકારની વાત આવે ત્યારે સરેરાશ બિનદલિતો ઉપરાંત પહોંચતા-પામતા વર્ગના દલિતો પણ નાકનું ટીચકું ચડાવે છે. પોતાની માનસિકતા છૂપાવવા માટે આ સૌ દલિતોના અધિકારની વાત કરનાર પર જાતજાતના આરોપ મૂકે છે. ‘હવે પહેલાં જેવું ક્યાં રહ્યું છે?’ અને ‘દલિતો ભણશે એટલે આપોઆપ બઘું બદલાઇ જશે’ એવો આભાસ પંપાળતા લોકોમાંથી ઘણામાં દલિત અધિકારની કામગીરી વિશેનો અણગમો એટલો સાહજિક હોય છે કે તેમને અણગમો વ્યક્ત કર્યાની સભાનતા સુદ્ધાં રહેતી નથી.
‘વિકાસ’ની વાત આવે ત્યારે તેનાથી પીડિત-તેનાં સારાં પરિણામથી વંચિત એવા લોકોને પોતાના હક માટે સરકાર સામે ઉભા કરવાના કિસ્સા વધી રહ્યા છે. સરકારો પ્રજાકીય હકની ચળવળોને ‘વિકાસવિરોધી’ તરીકે ખપાવી દે એટલે થયું. સમાજના બોલકા બહુમતી વર્ગમાંથી મોટા ભાગના લોકો એ ચળવળથી વિમુખ રહે છે અથવા સરકારી પ્રચારના ચશ્માથી તેને જુએ છે.
ખોળામાં માથું નહીં, હાથમાં હાથ
એનો અર્થ એવો બિલકુલ નથી કે માનવ અધિકારનું કામ કરનાર લોકો-સંસ્થાઓનાં હંમેશાં અને બિનશરતી વખાણ થવાં જોઇએ અથવા તેમની ટીકા ન કરવી જોઇએ. ઉલટું, માનવ અધિકારના મુદ્દે કામ કરતી સંસ્થાઓને અઘરા પ્રશ્નો પૂછવાનું, તેમની પાસેથી જવાબો માગવાનું અને તેમના ભટકાવને અંકુશમાં રાખવાનું કામ સમાજના જાગ્રત નાગરિકો તથા નાગરિક સંગઠનોનું છે. એ તેમનો હક પણ છે અને ફરજ પણ. યાદ એટલું રાખવાનું કે આ કામ શાસકોના ખોળામાં બેસીને, શાસકોના આશીર્વાદથી કે તેમનાં હિત જાળવવા માટે કરવાનું ન હોય. સમાજે-નાગરિકોએ સરકાર અને માનવ અધિકાર સંગઠનો બન્નેને ઉત્તરદાયી રાખવાનાં છે, પણ સરકારો-શાસકો પ્રત્યે વિશેષ કડકાઇ જાળવવાની રહે છે. કારણ કે તેમની પાસે ખોટું કરવાની વ્યાપક સત્તા હોય છે.
નાગરિક સમાજ આંખ મીંચીને કોઇના ખોળે બેસી શકે નહીં. માનવ અધિકાર સંગઠનોના ખોળે પણ નહીં. પ્રજાહિતમાં સરકાર પર દબાણ રાખવા માટે નાગરિક સમાજે માનવ અધિકાર સંગઠનો સાથે હાથ મિલાવવા પડે, પણ હાથ મિલાવવા અને ખોળે બેસવા વચ્ચેનો તફાવત સ્પષ્ટ રીતે સમજી લેવો જોઇએ.
માનવ અધિકારની કે ‘વિકાસ’કાર્યોને લગતી ઝુંબેશ ઘણી વાર આત્યંતિક વલણ ધરાવતી લાગે, ત્યારે ઝુંબેશને છેહ દઇને સામી પાટલીએ, સરકારના ખોળે બેસી જવાને બદલે, ચોક્કસ મુદ્દા પર વિરોધ ઉભો રાખીને બાકીના મોટા ભાગના વાજબી મુદ્દે ઝુંબેશને ટેકો આપવો,એ નાગરિક સમાજનો તકાદો છે. નર્મદા બચાવ આંદોલન સહિત અનેક ઝુંબેશો આત્યંતિક માગણીઓ માટે વગોવાઇ છે. ગુજરાતની કોમી હંિસા પછી પીડિતો માટે ન્યાય મેળવવાની લડત પણ બેદાગ રહી શકી નથી. તેની ટીકા ચોક્કસ કરીએ, પણ એટલું મનમાં રાખીને કે આટઆટલાં દબાણ પછી પણ સરકાર આ હદે નામકર જતી હોય, ન્યાયપ્રક્રિયામાં શક્ય એટલાં રોડાં નાખતી હોય અને વિસ્થાપિતોને ફરિયાદના મોકા પૂરા પાડતી હોય, તો કોઇ દબાણની ગેરહાજરીમાં તે કેટલી આપખુદ અને બેકાબૂ બને?
એટલે જ, માનવ અધિકાર સંગઠનો-કાર્યકરો વિશે શાસકો કે તેમના ટેકેદારો ટીકા કરે ત્યારે, એમાં સચ્ચાઇનો અંશ હોય તો પણ એ તેમના મોઢે શોભતી નથી. જાણે, દલપતરામની કવિતામાં આવતું ઉંટ બીજાં પ્રાણીઓની ટીકા કરતું હોય એવું લાગે છેઃ અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે.
ઓસામા અને માનવ અધિકાર
પાકિસ્તાનમાં ઘૂસીને ઓસામાને ઠાર મારવાની અમેરિકી કાર્યવાહીના પગલે ફરી એક વાર માનવ અધિકાર ચર્ચામાં છે. ‘ઓસામાના માનવ અધિકારનું શું?’ એવો સવાલ ક્યાંક પૂછાયો છે. એના કરતાં અનેક ગણા વધારે ઉત્સાહથી ‘ગુજરાતનાં એન્કાઉન્ટરો વખતે માનવ અધિકારોની વાત કરનારા ક્યાં ગયા?’ એવા સવાલ રાબેતા મુજબ ઉછળ્યા છે.
માનવ અધિકારની પ્રવૃત્તિ પ્રત્યેનો રાગદ્વેષ બાજુ પર રાખીએ તો કેટલાક મુદ્દા સ્પષ્ટ રીતે જોઇ શકાયઃ અનેક નિર્દોષોની હત્યાનાં સફળ કાવતરાં કરનાર ત્રાસવાદી ઓસામાએ પોતાના ભયંકર ગુના જાહેરમાં અને ગૌરવભેર સ્વીકાર્યા છે. માનવ અધિકારના નામે તેને જરાસરખી પણ તક આપવામાં આવે અને એ જીવતો છટકી જાય, તો અનેક નિર્દોષોની જિદગી માટે તે જોખમરૂપ બની શકે. વળી, ઓસામા છૂટોછવાયો, સોપારી લઇને ખૂન કરનારો ગુંડો નહીં, પણ અલ-કાઇદા જેવી સંસ્થાનો વડો હતો. તેના મોતથી ત્રાસવાદી પ્રવૃત્તિઓ બંધ ભલે ન થાય, પણ તેને સારો એવો ફટકો પડે. આ બાબતો ઘ્યાનમાં રાખતાં, ઓસામાને ઠાર મારવાનો કેસ એકદમ મજબૂત હતો. એવો જ મજબૂત કેસ મુંબઇ પર હુમલો કરનાર કસાબનો કહી શકાય. કસાબ મુંબઇમાં ફરતો હતો ત્યારે કોઇ પોલીસે તેને વીંધી નાખ્યો હોત તો કોઇ માનવ અધિકારવાળાએ તેનો વાંધો ન લીધો હોત. કસાબને માનવ અધિકારવાળાના કહેવાથી નહીં, પણ તેની પાસેથી કાવતરાની વઘુ માહિતી મેળવવા અને પાકિસ્તાનને ભીંસમાં આણવા જીવતો રાખવામાં આવ્યો છે, એ સહેલાઇથી ભૂલી જવાય છે.
ગુજરાતને સંબંધ છે ત્યાં સુધી, ગુંડા અને ત્રાસવાદી વચ્ચેનો, પોલીસઆશ્રિત ગુંડા અને ‘સ્વતંત્ર’ ગુંડા વચ્ચેનો તફાવત સમજવો, રાજકીય નેતાઓના ઇશારે કે ઇશારા વિના પોલીસ કાયદો હાથમાં લે તેનો વિરોધ કરવો અને સાબીત થયેલી-થયા વગરની, નાની-મોટી બધા પ્રકારની ગુંડાગીરી માટે એક જ સજા-મોતની સજા- ન હોઇ શકે એ સ્વીકારવું...આ વાત માનવ અધિકારની છે કે સામાન્ય બુદ્ધિની?
બાકી, અમેરિકાની કાર્યવાહી પરથી ધડો લેવા તલપાપડ લોકો માટે બીજો પણ એક બોધ રાહ જુએ છેઃ સોરાબુદ્દીન કરતાં સાવ જુદી જ કક્ષાના, અનેક ગણા મોટા અને ત્રાસવાદની ધરી જેવા ઓસામાને તેના ઘરમાં ઠાર કરતી વખતે, તેની પત્નીની હાલત કૌસરબી જેવી કરવામાં આવી નથી. તેને જીવતી રાખવામાં આવી છે.
શું કરીશું? બોધ લેવો છે? કે જવા દઇએ?
Subscribe to:
Posts (Atom)

