Wednesday, June 01, 2011

અન્નાને ‘ખાનગી-ખાનગી’ પત્રો

અન્ના હજારેએ અગાઉ ગુજરાતના મુખ્ય મંત્રી અને તેના વિકાસ વિશે આનંદ વ્યક્ત કર્યો, ત્યારે આભારવશ મુખ્ય મંત્રીએ સવારના પાંચ વાગ્યે ઉઠીને અન્નાને એક પત્ર લખ્યો હતો. તેમાં મુખ્ય મંત્રીએ અન્ના પ્રત્યે નતમસ્તકે, સઘળી નમ્રતા નીચોવી નાખીને, આભાર વ્યક્ત કર્યો હતો અને ત્યાર પછી સઘળી વાક્‌પટુતા નીચોવીને ‘ગુજરાતવિરોધી ટોળકી’ને ભાંડી હતી. પ્રસાર માઘ્યમોમાં પ્રગટ થયેલો એ પત્ર વાંચીને એક ઉત્સાહીએ ‘ગુજરાતવિરોધી ટોળકી’નાં નામ-સરનામાંની વિગત માહિતી અધિકાર હેઠળ માગતાં, સત્તાવાર રીતે મુખ્ય મંત્રીના પત્રને ‘ખાનગી જાહેર’ કે ‘જાહેર ખાનગી’ ગણાવવામાં આવ્યો હતો.

આ તો જૂની વાત થઇ. હવે અન્નાની અમદાવાદ મુલાકાત અને ‘ગુજરાતમાં ગોટાળા છે... દૂધ કરતાં દારૂ વધારે મળે છે’ એવા તેમના લાક્ષણિક ઉદ્‌ગાર પછી મુખ્ય મંત્રી શું વિચારતા હશે? અને સવારે ચાર વાગ્યે તેમની ઉંઘ ઉડી ગયા પછી અન્નાને બીજો પત્ર લખવાનો થાય તો? થોડી અટકચાળી અટકળોના આધારે લખાયેલા કાલ્પનિક પત્રોઃ

***

આદરણીય અણ્ણાજી,

સાદર પ્રણામ.

આપના માટે મારો આદર દાયકાઓ જૂનો છે. આપના પ્રેરણારૂપ કાર્યની વિગતોની મારા મન પર ઊંડી અસર હતી. ગુજરાત અને મારી બાબતે જે ભાવ વ્યક્ત કરીને આપે જાહેરમાં જે દૃઢતાપૂર્વક હિમત બતાવી તે બદલ આખું ગુજરાત આપનું આભારી છે. આપની આ હંિમતમાં આપની સત્યનિષ્ઠા અને સૈનિક જેવી પ્રતિબદ્ધતા વ્યક્ત થઇ છે અને તેના કારણે આપના મંતવ્યો વ્યાપક સ્વીકૃત બન્યાં છે.

પ્રભુ આપને શક્તિ આપે. ઇશ્વર આપને ખૂબ ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ આપે જેથી મારા જેવા અનેકાનેકને આપનું માર્ગદર્શન મળતું રહે...

(આ પત્ર પર છેકો મરાયેલો છે. તેમાં લખાયેલાં બધાં વાક્યો મુખ્ય મંત્રીના અગાઉના પત્રનાં જ છે, પણ તેનો સંદર્ભ બદલાઇ જતાં તેમને રદબાતલ ગણવામાં આવ્યાં હોય એવું લાગે છે. કારણ કે આ વાક્યો લખાયાં ત્યારે અન્નાએ મુખ્ય મંત્રીનાં ને ગુજરાતના વિકાસનાં વખાણ કર્યાં હતાં. હવે તેમણે ટીકા કરતાં દોઢ મહિના પહેલાંના આ વાક્યો બૂમરેન્ગની જેમ પાછાં ફર્યાં છે.)

***

આદરણીય અણ્ણાજી,

સાદર પ્રણામ.

તમે પણ શું જોયા વિના ઠોકાઠોક કરો છો? એટલે કે, એક વાર ભલે તમે એવું કર્યું, પણ ક્યારેક તો વિચારીને બોલો. આજ સુધી મારા શાસનમાં કોઇએ - એટલે કે મારા વિરોધી ન હોય એવા કોઇએ- મારી પર ગોટાળાનો આરોપ મૂક્યો નથી ને તમે સીધા ઉપરથી ટપકી પડીને, ગુજરાતવિરોધી ટોળકી સાથે દૂધમાં સાકર ભળી જાય એમ ભળી જઇને, તમારા આ નરેન્દ્રના રાજ વિશે આવું એલફેલ બોલી બેઠા! તમે મને કહ્યું હોત તો હું અમદાવાદના સારામાં સારા ડોક્ટર પાસે તમારું ચેક-અપ કરાવત. પેલી ગુજરાતવિરોધી ટોળકીથી તમારો છૂટકારો કરાવત, તમને લેવા માટે મારો વીસ-પચીસ ગાડીઓનો કાફલો મોકલત, તમને બતાવી દેત કે તમારા પ્રમાણપત્રનું મારે માટે કેટલું મહત્ત્વ છે. પણ તમે તો સાવ ... (પત્ર અહીંથી અઘૂરો છૂટેલો જણાય છે.)

***

આદરણીય અણ્ણાજી,

સાદર પ્રણામ.

મા જગદંબાની કૃપાથી આજે સવારે ચાર વાગ્યે ઉંઘ ઉડી ગઇ. (ના, મા જગદંબાની કૃપાથી મને ખરાબ સ્વપ્નો આવતાં નથી. હા, ક્યારેક વાસ્તવિકતાનો વિચાર આવી જાય ખરો.) મા જગંદબાની કૃપાથી બ્રશ કર્યું અને તેમની કૃપાથી ચા પીને તમને આ પત્ર લખવા બેઠો છું.

આસામામાં ચૂંટણીપ્રચાર વખતે મા કામાક્ષીદેવીનાં દર્શન કરવાનું સદ્‌ભાગ્ય પ્રાપ્ત થયું, છતાં એ પ્રચારની કશી અસર ન થઇ અને મારા પ્રચાર છતાં મારો પક્ષ હારી ગયો, ત્યારથી મારા મનમાં અવનવા ભાવ પ્રગટતા હતા. (એમાંનો એક ભાવ હતોઃ કામાક્ષીદેવી પણ ગુજરાતવિરોધીઓની ટોળકીમાં ભળી ગયાં હશે?) પરંતુ તેમાં પણ કોઇ સદ્‌શક્તિના આશીર્વાદ હશે તેમ હું માનતો હતો અને મા જગદંબાને પ્રાર્થના કરતો હતો કે તમને સ્વસ્થ રાખે અને હવે પછી તમે જે કંઇ પણ બોલો તે મારા વિશે બોલ્યા હતા એ રીતે નહીં, પણ વિચારીને બોલો.

તમને ગુજરાત બોલાવવા માટે હું આતુર હતો. મને ખબર હતી કે મારે તમને ગુજરાતમાં શું બતાવવાનું છે અને તમને શું જોવું ગમશે. તમારી ઉંમરે માણસે લોકોના કાયમી કકળાટો સાંભળીને લોહી બાળવાનું હોય કે કોઇનું સારું જોઇને સુખી થવાનું હોય? હું તમને બિલકુલ દુઃખી કરવા ઇચ્છતો ન હતો. એ માટે મેં મા જગદંબાને પ્રાર્થના પણ કરી કે તમને મારા ગુજરાતમાંથી દુઃખી થવાય એવું કોઇ દૃશ્ય જોવા ન મળે.

પણ ગુજરાતવિરોધીઓની ટોળકી એવી મજબૂત છે કે તે કોઇને ગાંઠતી નથી. મારું ચાલે તો હું કાળા પાણીની સજા ફરી ચાલુ કરાવું અને આ ટોળકીને મોકલી આપું ત્યાં. મારું સાવ નથી ચાલતું એવું પણ નથી. એ ટોળકીમાંથી કેટલાકને મારાં પ્રસાર માઘ્યમોએ કાળા પાણીની સજા આપેલી જ છે. મા જગદંબાની કૃપા હશે તો કદીક મારી ઇચ્છા પણ પૂરી થશે.

હું એ કહેતો હતો કે જો તમે મારા મહેમાન બન્યા હોત તો ગુજરાતનો વિકાસ બતાવીને હું તમને ખુશખુશાલ કરી દેત. તમારી સમક્ષ દારૂ માગતાં... એટલે કે.. પાણી માગતાં દૂધ હાજર કરી દેત. તમારે રિવરફ્રન્ટમાં જવું હતું, તો મને જરા જાણ તો કરવી હતી! આપણે વર્ષમાં અનેક વાર રિવરફ્રન્ટમાં અમનચમનના ઉત્સવો કરીએ છીએ. આખું ગામ ગાંડું થાય છે. રિવરફ્રન્ટની એ શાન જોઇ હોત તો તમે પણ બોલી ઉઠત કે ગરીબલક્ષી વિકાસ તો આને જ કહેવાય. હું તમને રિવરફ્રન્ટ પર જ નહીં, કાંકરિયા લેકફ્રન્ટ પર જ લઇ જાત. હું જોડે હોઉં પછી તમારે દસ રૂપિયાની પ્રવેશટિકિટ લેવાની હોય, અણ્ણાજી? એ તો ત્યાં ‘ગમે તેવા લોકો’ ન આવી જાય, એટલા પૂરતી જ રાખી છે.

કાંકરિયામાં તમને હું બલૂનમાં બેસાડીને અમદાવાદ-દર્શન કરાવત, તો તમને મોટાં મકાનો પણ નાનાં ઝૂપડાં જેવાં દેખાત અને નાનાં ઝૂપડાં તો દેખાત જ નહીં. પછી બોલો, તમારે કોઇની ફરિયાદ કરવાની રહેત?

પણ ગુજરાતવિરોધી ટોળકીએ તમને હવામાં ઉડાડવાને બદલે જમીન પર ફેરવ્યા. તેમના અ અક્ષમ્ય અપરાધ બદલ હું તેમને કદી માફ નહીં કરી શકું.

આદરણીય અણ્ણાજી, મને હજુ પણ ડર છે કે આ ટોળકી આપને આફતમાં મુકશે જ . પ્રભુ આપને શક્તિ આપે અને શક્તિ નહીં તો છેવટે ભક્તિ તો આપે જ.

6 comments:

  1. વાહ કોઠારી સાહેબ..તમારો પત્ર તો...તલવારની ધાર જેવો નીકળ્યો...જોઈએ...આમા જે અનુમાનો વ્યંગ તરીકે રજુ કર્યા..એ વાસ્તવમા કેટલા ખરા પડવા તત્પર છે...?
    મસ્ત લેખ..!

    ReplyDelete
  2. Anonymous10:21:00 PM

    આર્થીક સમ્ભંધી ભ્રષ્ટાચાર વિરુધ જ્હુમ્બેશ માં ૧ પ્રકારની ખાસ સાત્વિકતાનો અનુભવ થતો હશે. ગુજરાતના નિર્દોષ હિંદુ અને મુસ્લિમ માનવો ના મડદા પર રાજકીય રોટલા શેકતી રાજ્કીયો શેતરંજ રમનારા વિષે અન્ના સાહેબ વિષે કૈંક સ્તાતેમેન્ત આપ્યું હોય આવું ધ્યાન માં નથી.

    ReplyDelete
  3. વાહ ઉર્વિશભાઇ, મજા પડી.. પણ થોડું એવુ લાગે છે કે, આ વાંચી ને 'જે જાણે છે તે જ સમજશે. ને નબળો પોતાનો અર્થ કાઢશે.'

    મજાકમાં પણ્ અમુક શબ્દ પ્રયોગો કરી ને આપણે ગોબેલ્સ પ્રચાર રીતીને પોષણ નથી આપતા?
    મારી જાહેર વિનંતિ છે કે, હવેથી "ગુજરાત પ્રેમી નાગરીકો" અને "રાજાશાહી પ્રજાજનો"નો પ્રયોગ કરવો..

    ReplyDelete
  4. ઉર્વિશભાઇ,
    સરસ લેખ.
    પરંતુ યાદ રહે કે નરેન્દ્ર મોદી અને અણ્ણા બંને રાજકારણીઓ છે. (અણ્ણાને રાજકારણી ન માનતા હોય એ લોકો થોડા વરસો રાહ જુએ, પ્લીઝ. ) અને મે અગાઉ પણ કહેલુ તેમ રાજકારણીઓ પોતાના હિત સિવાય આંગળી પણ હલાવાતા નથી.. હા, સામાન્ય માનવી તરીકે આપણે ઘણી વખત એ લોકોને સમજી શકતા નથી અને એમ માની લઇએ છીએ કે એ લોકો માત્ર જન-હીત માટે જ બધુ કરી રહ્યા છે!
    જય હો!

    ReplyDelete
  5. અન્ના હજારેએ અગાઉ ગુજરાતના મુખ્ય મંત્રી અને તેના વિકાસ વિશે આનંદ વ્યક્ત કર્યો, BJP ના પ્રવક્તા શ્રી જયનારાયણ વ્યાસ તરતજ press conference બોલાવી ને મુખ્ય મંત્રી ની આરતી ઉતારી અને ગુજરાત વિરોધ ટોળકી પર પ્રહાર કાર્ય કે આ લોકો ગુજરાત ને બદનામ કરે છે .ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત ની સાડા પાંચ કરોડ જનતા નો sapport આ રીતે ચમચાગીરી કરી પણ અન્નાની અમદાવાદ મુલાકાત અને ‘ગુજરાતમાં ગોટાળા છે... દૂધ કરતાં દારૂ વધારે મળે છે’ એવા તેમના લાક્ષણિક ઉદ્‌ગાર સાંભળી ને BJP ના પ્રવક્તા શ્રી જયનારાયણ વ્યાસ તરતજ ભૂગર્ભ માં જતા રહ્યા, ના press conference બોલાવી ના કોઈ કાયમી રદિયો આપ્યો.
    જો ભારતીય જનતા પાર્ટી ને ગુજરાત ની સાડા પાંચ કરોડ જનતા નો sapport હોય તો બાકીના બીજા પક્ષો ને માનતા કે તેનું અસ્તિત્વ સ્વીકારતા બીજા એક ૧.૫ કરોડ ગુજરાતી હશે તો ગુજરાત ની કુલ વસ્તી કેટલી હશે?

    ReplyDelete
  6. utkantha6:41:00 PM

    Great...

    ReplyDelete