Thursday, June 23, 2011

ટચાકાઃ ફૂટે તેથી શું? ન ફૂટે તેથી શું?

કેટલાક ક્રિયાઓ નિર્દોષ છતાં ભારે સંતોષદાયી અને અર્થઘન હોય છે. જેમ કે, બગાસાં ખાવાં, ખંજવાળવું, ઉંઘી જવું...એવી એક ક્રિયા છેઃ ટચાકા ફોડવા.

ટચાકા ભલે શારીરિક ક્રિયા લાગે, પણ તેની ભાવસૃષ્ટિ બહુ વિશાળ છેઃ હાથથી કે કી-બોર્ડ પર લખતાં થાકેલો માણસ ટચાકા ફોડીને ‘છોટા સા બ્રેક’ની અથવા પોતે કેટલી નિષ્ઠાથી કામ કરી રહ્યા છે, તેની જાહેરાત કરી શકે છે. હટ્ટાકટ્ટા બાઉન્સરો હવામાં ગોળીબારની અવેજીમાં બે-ચાર ટચાકા ફોડીને ‘હુમલો શરૂ થવાની તૈયારીમાં છે’ એવું સૂચવી શકે છે. રવિવારની સવારે પથારીમાં સૂતેલા લોકો ફટાફટ ગિયર બદલતા હોય એમ કમર અને પીઠના બે-ચાર કડાકા બોલાવીને ‘હું હજુ ઉંઘવા માગું છું. મને જગાડશો નહીં.’ એવો પ્રજાજોગ સંદેશો પ્રસારિત કરી શકે છે.

થિયેટરમાં ફિલ્મ જોવા બેઠેલો પ્રેક્ષક અડધા કલાક પછી મોંને બદલે હાથ-પગ-કમરથી અવાજો કાઢીને ‘ફિલ્મ કચરો છે. ચાલો, જતા રહેવું છે?’ એવું જોડીદારને સૂચવી શકે છે. થર્ડ ડિગ્રીના રૂમમાંથી બહાર આવ્યા પછી પોલીસ અફસર ટચાકા બોલાવીને ‘મારી સામે આઘાપાછા થયા છો તો ખેર નથી...’ એવો ડારો દઇ શકે છે. કર્મચારી પાસેથી પગારવધારાની માગણી સાંભળ્યા પછી બોસ ટચાકાના માઘ્યમથી કહી શકે છે કે ‘ઉભરો ઠાલવી લીધો? તો હવે વિદાય થાવ. એમ થોડા પગાર વધતા હશે!’

ટચાકાના અનેક પ્રકાર છે. સામાન્ય કળાકારો જેમ પોસ્ટર કલરથી ચિત્રો દોરવામાં આખી જંિદગી કાઢી નાખે છે, તેમ ઘણા ટચાકાપ્રેમીઓ હાથ અને પગના ટચાકાથી કદી આગળ વધી શકતા નથી. કોઇની સામે કે એકલાં બેઠાં બેઠાં, બન્ને હાથની આંગળીઓ એકમેકમાં પરોવીને, હથેળીઓ સહેજ અવળી મરડી- ન મરડી, ત્યાં બે-ચાર વાર કટાકટ બોલી જાય, એટલે તેમના સંતોષનો ઘડો છલકાઇ જાય છે. આ ક્રિયા દ્વારા તે સામેવાળાને સૂચવી શકે છે કે ‘તમારી વાતો સાંભળીને હું કંટાળી ગયો છું, પણ બગાસું ખાવામાં તમારી શરમ નડે છે.’ તેમના ટચાકાનું જેટલી વાર પુનઃપ્રસારણ થાય, એટલી વાર ટચાકાનો અવાજ મોટો થઇ શકતો નથી, પણ તેમાં છૂપાયેલી ગર્ભિત ધમકી બળવત્તર બનતી જાય છે : ‘તમને ક્યારનો કહું છું કે હું ત્રાસ્યો છું. તોય સમજતા નથી. કેવા માણસ છો?’ આ લાગણીની પરાકાષ્ઠારૂપે પ્રસારિત થતો છેલ્લો સંદેશો હોય છે, ‘હવે તમે બંધ ન થાવ અને બન્ને હાથની ભીડાયેલી હથેળીઓ તમને કંઇક કરી બેસે તો મારી જવાબદારી નહીં.’

માનો કે ન માનો, પણ ટચાકા ફોડવા એ ચિત્રકળા કે રમૂજવૃત્તિ જેવી કુદરતી બક્ષિસ છે. ઘણા લોકો એવા હોય છે, જે હાથ-પગથી માંડીને શરીરનાં વાળી શકાય એટલાં બધાં અંગ વાળી જુએ છે. છતાં તેમાંથી સમ ખાવા પૂરતો પણ ‘કટ’ અવાજ નીકળતો નથી. એવા લોકો ભાગ્યમાં માનતા હોય તો તે ભાગ્યને દોષ દેવા સિવાય બીજું કંઇ કરી શકતા નથી. હા, નવા જમાનામાં ટચાકા ફોડવાની એક્શનની સાથેસાથે, પ્લે-બેક પદ્ધતિ પ્રમાણે ટચાકાના અવાજવાળી સીડી વગાડવામાં આવે તો જુદી વાત છે.

પીઢ ટચાકાફોડુઓ હાથ-પગની આંગળીઓમાંથી ટચાકા ફોડવા જેવાં કામમાં પડતાં નથી. એ કામ તે નવોદિતો માટે છોડીને પોતે વધારે જટિલ પ્રકારના ટચાકામાં મહારત હાંસલ કરે છે. જેમ કે, બેઠાં બેઠાં સ્થાનભ્રષ્ટ થયા વિના કે સુરૂચિનો ભંગ કર્યા વિના કમરમાંથી કે ડોકીમાંથી ટચાકા ફોડવા અથવા સામેવાળાને ધમકીનો અહેસાસ ન થાય એ રીતે બાવડાંમાંથી, ઢીંચણમાંથી કે પગની પાનીમાંથી ટચાકા ફોડવા. આમ કરવા પાછળ તેમનો ભાવાર્થ કંઇક અંશે દલપતરામની પંક્તિ જેવો હોય છેઃ ‘આંગળાં-અંગૂઠાં ફોડવાં તેમાં કરી મેં શી કારીગરી, ડોક-કમર ને ઢીંચણ જો હું ફોડું તો તમે જાણો’.

પોતાના ટચાકા ફોડી ન શકતા લોકો બીજાને જાહેરમાં ટચાકા ફોડતા જુએ ત્યારે તેમના આંતરબાહ્ય તંત્રમાં અનેક લાગણીઓ એકસામટી ઉદ્‌ભવે છે. આંતરિક લાગણી એવી હોય છે કે ‘હું પ્રયત્ન કરીને મરી ગયો, તો પણ મારા ટચાકા ન ફૂટ્યા, જ્યારે આના ટચાકા કેવા ટેટીઓની લૂમની પેઠે ફટાફટ ફૂટે છે! ‘ઉસકી સાડી મેરી સાડીસે સફેદ કૈસે’- એ સિન્ડ્રોમ તેના મનનો કબજો લઇ લે છે. પરંતુ બહાર એવું થોડું કહેવાય? એટલે તે જાહેર નિવેદનમાં અસંતોષને દબાવીને, તુચ્છકાર સાથે કહે છે, ‘આ લોકોને ફટાકડા ફોડવામાં શી મઝા આવતી હશે? મને તો કદી સમજાતું નથી.’

કેટલાક લોકો ‘સિરીયલ-ટચાકાબાજ’ હોય છે. એક વાર તે હાથની કે પગની આંગળીઓનો કે ધૂંટીનો કે કમરનો કે ડોકનો કેસ હાથમાં લે, એટલે સતત અવિરતપણે બે-ચાર મિનીટ સુધી ટચાકા ફોડ્યા જ કરે. એમાં પણ તેમને યોગ્ય દર્શકો મળી ગયા, તો તે ઓલિમ્પિકમાં દસમાંથી દસ માર્ક લઇ આવતા જીમ્નાસ્ટની છટામાં આવી જશે અને ‘જોયા ભાયડાના ભડાકા- એટલે કે ટચાકા!’ એવી મુદ્રા સાથે, ટચાકા ફોડવાનું ચાલુ રાખશે. સામેવાળાને એ હંમેશાં જીમ્નાસ્ટ લાગે એ જરૂરી નથી. ઘણા દર્શકોને તે અકારણ ગળીબારો કરતા ટપોરી જેવા પણ લાગી શકે છે. પરંતુ આ અભિપ્રાય જાહેર થતો નહીં હોવાથી ટચાકા ફોડનારની અને ટચાકાની પણ આબરૂ રહી જાય છે.

ટચાકા ફોડવા એ કસરત છે કે કળા, એ વિશે ગંભીર મતભેદ હોવાનું નોંધાયું નથી. કોણ નોંધે? બધા નોંધનારા નોંધવાનું છોડીને કાં ટચાકા ફોડવામાં, કાં બીજાના ટચાકા સાંભળવામાં વ્યસ્ત હશે. હકીકત એ છે કે કોઇ પણ કળામાં વેઠ ઉતારવામાં આવે, ત્યારે તે કસરત બનીને રહી જાય છે અને કોઇ પણ કસરત દિલથી કરવામાં આવે ત્યારે તે કળાનો દરજ્જો હાંસલ કરી શકે છે.

ટચાકા ફોડવામાં સૂક્ષ્મ હંિસા થઇ ગણાય કે નહીં? એવો તાત્ત્વિક સવાલ કોઇને થઇ શકે. ટચાકા ફોડવા કે ફોડાવવાની ક્રિયામાં દેખીતી રીતે હિંસાનું તત્ત્વ નથી. ચંપી-માલિશ કરનારા ડોકું, ડોકી કે પીઠ પર જે રીતે પ્રહારો કરે છે તે જોતાં આ પ્રક્રિયા હિંસક લાગે ખરી, તે ઘણી વાર ટચાકાને બદલે કડાકા બોલાવવા તત્પર હોય એવું લાગે. (ટચાકા અને કડાકા વચ્ચે સ્વામી વિવેકાનંદના હિંદુત્વ અને વિશ્વ હિંદુ પરિષદના હિંદુત્વ જેટલો - કે કુરાનના ઇસ્લામ અને ઓસામાના ઇસ્લામ જેટલો તફાવત છે.) પરંતુ ચંપીવાળાનો મુખ્ય આશય ટચાકા ફોડવાનો નહીં, ગ્રાહકને ટચાકા ફૂટે છે તેમ બતાવવાનો હોય છે. એ લોકો ઘણી વાર પોતાની બે હથેળીઓ ભેગી કરીને તેને એવી રીતે પછાડે છે કે જેથી ટચાકો ફૂટવાનો અવાજ થાય. આવો ‘સ્યુડો-ટચાકો’ સાંભળીને ગ્રાહકને લાગે છે : ‘વાહ, આપણો ટચાકો ફૂટ્યો. માણસ બરાબર માલીશ કરે છે.’

ટચાકા જેવી નિર્દોષ ક્રિયામાં ઘણી વાર ‘બાળમજૂરી’ના અણસાર પણ જોવા મળી જાય છે. ઘણા આરામપ્રિય વડીલો ઘરના એકાદ કહ્યાગરા બાળકને સમજાવીને હાથ-પગની આંગળીઓના ટચાકા ફોડવા બેસાડી દે છે. આવાં દૃશ્યો સંયુક્ત કુટુંબના જમાનામાં સામાન્ય હતાં: જમ્યા પછી એકાદ બાળક વડીલના ટચાકા ફોડતું હોય અને વડીલ એ તરફ ઘ્યાન સુદ્ધાં આપ્યા વિના, સામંતશાહી સ્ટાઇલમાં બીજા લોકો જોડે ગામગપાટા મારતા હોય. પરંતુ હવે સંયુક્ત કુટુંબ અને કહ્યાંગરાં બાળકો બન્નેનો મોટા પ્રમાણમાં લોપ થતાં, કમ સે કમ, ટચાકા-મજૂરીમાંથી બાળકો ઉગરી ગયાં છે

- અને એ સિવાયની મજૂરીમાંથી તેમના છૂટકારાની માગણી થાય ત્યારે સરકાર ટચાકા ફોડવા બેસી જાય છે.

3 comments:

 1. Anonymous8:38:00 AM

  જેમ અભણને કાળા અક્ષર ભેંસ બરાબર હોય, ઔરંગઝેબને abstract art લીટાળા સમાન હોય એમ, બધા માટે ટચાકા માત્ર એક અવાજ સમાન હોય છે, પરંતુ આપ જેવા ટચાકા-રસિક જ દરેક ટચાકાની અલગ અલગ અભિવ્યક્તિ સમજી શકે છે.

  કોઈકે સાચું જ કહ્યું છે:

  જુદી જીંદગી છે મિજાજે મિજાજે,
  જુદી બંદગી છે નમાજે નમાજે,
  છે એક જ અવાજ થયું એટલે શું?
  જુદી અભિવ્યક્તિ છે ટચાકે ટચાકે.

  ReplyDelete
 2. એક પછી એક લિંક થકી અહીં આવી,એ પણ આપની શબ્દો ની લપડાક માટે શાબાશી આપવા. એક મહાન ગણાતા વ્યક્તિ માટે ઉભા કરેલ સવાલો માટે શાબાશી આપવી ઘટે.અને જો કમેંટ ન આપું તો છતી આંખે આંધળી કહેવાઉં. વેલડન

  ReplyDelete
 3. utkantha5:46:00 PM

  પરંતુ હવે સંયુક્ત કુટુંબ અને કહ્યાંગરાં બાળકો બન્નેનો મોટા પ્રમાણમાં લોપ થતાં, કમ સે કમ, ટચાકા-મજૂરીમાંથી બાળકો ઉગરી ગયાં છે

  nice. :)

  ReplyDelete