Tuesday, June 14, 2011
બેજવાબદાર નેતાગીરીની હરિફાઇ અને થોડું ‘રિવિઝન’
બાબા રામદેવ અને તેમના ટેકેદારોને રામલીલા મેદાનમાંથી મધરાતે બળપૂર્વક સરકારી નિર્ણય અને તેની પ્રતિક્રિયાઓથી ઘણી બાબતો પર ફરી એક વાર અજવાળું પથરાઇ ગયું.
તેમાં સૌથી પહેલા ક્રમે આવીને ઉભી સરકારની નમાલી અવઢવ અથવા કુટિલ ચાલબાજી અથવા બન્ને. પાંચ હજાર માણસોની યોગશિબિરની પરવાનગી લીધા પછી બાબા રામદેવે ઘણા વઘુ ટેકેદારો સાથે વિરોધ પ્રદર્શનની જાહેરાત બાબાએ પહેલેથી કરી દીધી હતી. પરંતુ સરકારે પહેલાં (ચાર મંત્રીઓ મોકલીને) લાલ જાજમ પાથરી અને પછી પગ તળેથી જાજમ ખેંચી લેવા પોલીસનાં ધાડાં મોકલ્યાં- જાણે એક મૂર્ખામીનું સાટું બીજીથી વાળવાનું હોય.
સરકારે દેખાવકારો સામે વાપરેલા બળમાં કેવળ મૂર્ખામી જ નહીં, જડતા, અધીરાઇ અને સરકારને ન છાજે એવા જુગારનું તત્ત્વ પણ હતું.
ધારો કે પોલીસ કાર્યવાહી દરમિયાન બાબા રામદેવે હિંમત બતાવીને સ્થળ છોડવાની ના પાડી હોત તો? આઝાદી પહેલાં બ્રિટિશ ઘોડેસવાર પોલીસ સામે જમીન પર બેસી જતાં ને ભારે ખુવારી વેઠતાં સત્યાગ્રહી દેખાવકારોની જેમ, બાબા રામદેવ અને તેમના ટેકેદારો પોતાની જગ્યા પર જ બેસી રહ્યા હોત તો? સરકારને અત્યારે મળી છે એના કરતાં પણ વધારે નામોશી મળી હોત.
બાબાના ટેકેદારો પાસે બેઝબોલ બેટ કે પથ્થર હોવાનો આરોપ પોલીસે મૂક્યો છે. આ બાબતોમાં પોલીસનાં નિવેદનો કેટલાં ભરોસાપાત્ર ગણવાં એ હંમેશનો પ્રશ્ન હોય છે. બાબા રામદેવના ટેકેદારો સજ્જ હોય કે નિઃશસ્ત્ર, એ હકીકત છે કે આટલી મોટી સંખ્યામાં અનુયાયીઓને ખસેડતી વખતે પોલીસને ટીયરગેસના ફક્ત આઠ શેલ વાપરવા પડ્યા. અખબારી અહેવાલો પ્રમાણે આશરે ૭૦ લોકો પોલીસ કાર્યવાહીમાં ઘાયલ થયા. આ લોકો પહેલી વાર ત્યાં ભેગા થઇ રહ્યા હતા, ત્યારે સરકારે તેમને અટકાવ્યા નહીં અને પછી તેમને એ જગ્યાએથી હાંકી કાઢવાનો હુકમ આપ્યો, એ બેવડી નીતિનું આ દુષ્પરિણામ હતું. પોલીસના બળપ્રયોગથી ઘાયલ થયેલાં નિર્દોષ લોકોને કારણે, ભ્રષ્ટાચારના મુદ્દે મીંઢું વલણ રાખીને બેઠેલી સરકાર વિશેનો રોષ બેવડાય એ સ્વાભાવિક અને યોગ્ય જ હતું.
બીજા ક્રમે આવીને ઉભી પ્રમાણભાન ભૂલી ગયેલા વિપક્ષી - ખાસ કરીને ભાજપી- નેતાઓની બખાળાબાજી. ઘાયલ થયેલા લોકોના ખભે બંદૂક મૂકીને સરકાર પર ભડાકા કરવાના ઉત્સાહમાં કેટલાક ભાજપી નેતાઓ ભાન ભૂલી ગયા. તેમણે પોતાનો વિરોધ કેવળ બિનલોકશાહી પગલાં પૂરતો મર્યાદિત ન રાખ્યો. પણ સરકારની પોલીસ કાર્યવાહીને તે જલિયાંવાલા બાગ અને કટોકટી સાથે સરખાવી બેઠા. સ્કૂલના કોઇ વિદ્યાર્થીએ આવી સરખામણી કરી હોય તો તેને પચાસ ઉઠબેસ કે એક પિરીયડ સુધી અંગુઠા પકડવાની સજા થાય, પણ આ તો રાષ્ટ્રિય - અને રાષ્ટ્રિય બનવા થનગની રહેલા- નેતાઓનો શંભુમેળો! તેમની મોં-માથા વગરની સરખામણીઓ સાથે સંમત થનારા અને તેમને ટેકો આપનારા પણ મળી રહ્યા.
બીજો એક વર્ગ એવો છે, જે ભ્રષ્ટાચારના વિરોધના ઉત્સાહમાં તેના ‘બ્રાન્ડ એમ્બેસેડર’ બાબા રામદેવ વિશેની વાસ્તવિકતા સ્વીકારવા તૈયાર નથી. એ માને છે કે બાબા રામદેવની નીતિરીતિનો કે કાર્યપદ્ધતિનો, તેમના હેતુઓનો કે આશયોનો વિરોધ કરનારા બધા ભ્રષ્ટાચારી સરકારની તરફેણ કરે છે! આવી કાલીઘેલી-સંકુચિત સમજણમાં રાચનારા હોય, ત્યાં સુધી સત્યાગ્રહના નામે બાબાની નૌટંકીને ખાસ વાંધો નહીં આવે.
વાંધો ન હોય તો દાતણ કરી લઉં?
બાબાના સત્યાગ્રહ માટે ‘નૌટંકી’ જેવો શબ્દ બિલકુલ સભાનતાપૂર્વક વાપર્યો છે. કારણ કે સત્યાગ્રહ કોને કહેવાય, એ બાબા પાસેથી કે તેમના ટેકેદારો, ભોળા ભક્તો અને મુગ્ધ-માનદ્ વકીલો પાસેથી શીખવાની જરૂર નથી.
અડધી રાત્રે સત્યાગ્રહી નેતા પર ચડી આવેલાં પોલીસનાં ધાડાંની સિચ્યુએશન પરથી ભાજપી નેતાઓને ભલે કંઇ યાદ ન આવે, પરંતુ આપણે દાંડીકૂચ જેવા વિખ્યાત સત્યાગ્રહનો ઘટનાક્રમ ભૂલી જવાની જરૂર નથી. એ યાદ કર્યા પછી બાબા રામદેવ કેમ ધોળા ધરમે પણ સત્યાગ્રહી ન હોઇ શકે, એ અંગે વઘુ કહેવાની જરૂર નહીં રહે.
દાંડીકૂચના એકાદ મહિના પછી પાંચમી મે, ૧૯૩૦ની મધરાતે કરાડીમાંથી ગાંધીજીની ધરપકડ કરવામાં આવી હતી. એ ઘટનાના સાક્ષી, ગુજરાતી સાહિત્યકાર કૃષ્ણલાલ શ્રીધરાણીએ ધરપકડ વખતના માહોલનું તાદૃશ વર્ણન કર્યું છે, જે રામદેવ મંડળી અને તેમના ભક્તો-વકીલોએ જ નહીં, સત્યાગ્રહની વાતો કરનાર- તેમને ટેકો આપનાર સૌ કોઇએ વાંચવા જેવું છે.
***
‘(રાત્રે) પોણા વાગે બે મોટી મોટર-બસ આવીને બારણે ઊભી રહી. ક્ષણવારમાં તો એક પછી એક ૨૫-૩૦ સિપાઇઓ કૂદી પડ્યા. સૂરતના પેલા ગોરા ન્યાયમૂર્તિ (!) સૌથી આગળ દોડ્યા. પાછળ પોલીસ ઉપરી અને આંટિયા અને તેમની પાછળ ૨૫ પોલીસો બંદૂકના કુંદા ઝાલી દોડ્યા. જાણે ધાડ પાડવા આવ્યા હોય!..
પહેલાં તો સિપાઇઓએ અમને સૌને ઘેરી લીધા હતા. મેં ધાર્યું કે અમને પણ પકડશે, એટલે બિસ્તરો સંકેલવો શરૂ કર્યો. પણ ત્યાં તો જોયું કે એ લોકો બાપુજીની કુટીર તરફ ધસી રહ્યા છે. એટલે મેં પણ દોટ મૂકી...ક્ષણ બે ક્ષણમાં તો સૌ બાપુજી પાસે દોડી ગયા અને આસપાસ વંિટળાઇ ગયા....
એટલામાં તો ન્યાયમૂર્તિ અને આંટિયા આવી પહોંચ્યા. એક જંગલીની માફક બાપુ ઉપર ટોર્ચ ફેંકી. બાપુએ મોં ફેરવ્યું.
‘આઇ એરેસ્ટ યુ.’ ગોરો બોલ્યો. બાપુ હસ્યા. જીવનમાં આ બીજી વાર મૌન તોડ્યું.
‘ડુ યુ વોન્ટ મી?’ બાપુજી બોલ્યા.
‘યસ, સર.’ ગોરાએ જવાબ આપ્યો. ‘તમારું નામ મોહનદાસ કરમચંદ ગાંધી?’
‘હા.’ બાપુએ જવાબ આપ્યો. ત્યાં તો સિપાઇઓ આવીને ફરી વળ્યા...
‘જો તમને કશો વાંધો ન હોય તો હું દાતણ કરી લઉં?’ બાપુએ પૂછ્યું.
‘ખુશીથી.’ જવાબ મળ્યો. બાપુએ દાતણ મંગાવ્યું. જાણે કંઇ જ બન્યું ન હોય- જાણે હંમેશની માફક ચાર વાગ્યાની પ્રાતરોપાસના માટે તૈયાર થતા હોય તેમ સ્વસ્થતાથી દાતણ કરવા લાગ્યા.
‘કાન્તિ’ બાપુ બોલ્યા, ‘મારાં કપડાં તૈયાર કર.’ બાપુ તો દાતણ કરતા જાય અને કહેતા જાય, ‘વાલજી, યંગ ઇન્ડિયા માટે અઘૂરું લખેલું પડ્યું છે. સંભાળી લેજો અને મોકલી દેજો.’ સામે અમલદારો સ્તબ્ધ ઉભેલા.
‘મિ.મેજિસ્ટ્રેટ, મને જણાવશો કે મને કયા સેક્શન નીચે પકડવામાં આવે છે?’ બાપુજીએ ન્યાયમૂર્તિને પૂછ્યું.
ન્યાયમૂર્તિએ ઘુ્રજતાં ઘુ્રજતાં આખું વોરંટ વાંચ્યું. (એક અંગ્રેજી લેખમાં શ્રીધરાણીએ નોંઘ્યું છે કે સીઘુંસાદું વોરન્ટ વાંચવામાં મેજિસ્ટ્રેટને ત્રણ વાર ભૂલ પડી હતી.)
ત્યાં તો આનંદ પત્રોની ફાઇલ લઇને આવી પહોચ્યો. બાપુ એક એક પત્ર લેતા જાય અને સમજ પાડતા જાય...
‘વખત છે ને?’ બાપુએ પૂછ્યું, ‘ના જી’ આંટિયાએ જવાબ આપ્યો, ‘આપને એક વાગ્યા પહેલાં પકડી લેવાના છે.’
‘ત્યારે પાંચ મિનિટ વધારે. એક ભજન ગાઇ લઇએ. પંડિતજી છે કે?’ મહાવીર દોડ્યો અને એકતારો લઇ આવ્યો.
બાપુજી ઉઠ્યા. સૌ એકઘ્યાન થયા. પંડિતજીએ (પંડિત ખરેએ) શરૂ કર્યું. ‘વૈષ્ણવજન તો તેને રે કહીએ...’
ગામલોક આવી પહોંચ્યુ. પાછલી વાડમાંથી પ્રવેશ કરે ત્યાં તો પોલીસો ગોઠવાઇ ગયા અને તેમને અંદર આવતા અટકાવ્યા. ત્યાં તો ગામની સ્ત્રીઓ આવી અને ગાવા લાગીઃ ‘દાતણ કરતા જાવ રે ગાંધીજી...’
...નવસારી સ્ટેશનથી બે માઇલ દૂર એક સલૂન ઊભું રાખવામાં આવ્યું હતું. કોઇને જાણ ન થાય માટે તેમાં બત્તી પણ નહોતી કરવામાં આવી. બાપુને લાવીને તેમાં બેસાડી દેવામાં આવ્યા.
***
પોતાના ટેકેદારો-અનુયાયીઓને દોરવણી આપવાનું તો બાજુ પર, તેમના ક્ષેમકુશળની ચિંતા કર્યા વિના, મંચ પરથી કૂદકો મારીને ટોળામાં ભળી ગયેલા અને સ્ત્રી-વેશ પહેરીને નાસી છૂટવાનો પ્રયત્ન કર્યા પછી પણ પકડાઇ ગયેલા બાબા રામદેવને ‘સત્યાગ્રહ’ સાથે કશી લેવાદેવા હોઇ શકે ખરી?
સરકારે બીજું કંઇ પણ કર્યા વિના તેમને હવાઇ માર્ગે હરિદ્વાર પહોંચાડી દીધા, ત્યારે ‘સરકાર મારું એન્કાઉન્ટર કરાવવા ઇચ્છતી હતી’ એવો હાસ્યાસ્પદ આક્ષેપ બાબાએ કર્યો. હરદ્વાર પહોંચ્યા પછી પોતાના મૂળ વેશમાં આવી જવાને બદલે, જાણએ પોતાના પરાક્રમ બદલ પોરસાતા હોય એમ તેમણે સ્ત્રી-વેશનું નાટક ચાલુ રાખ્યું. એ જ વેશમાં તેમણે પત્રકારોને સંબોઘ્યા. આ રામદેવ જાહેર જીવનમાં પ્રામાણિકતાના અને ભ્રષ્ટ આચારની નાબૂદીના પ્રતિનિધિ બની રહેશે...એવું માનવા માટે મૂર્ખામીની હદનું ભોળપણ કે દૃષ્ટિહીનતાની હદનો આશાવાદ જોઇએ.
કહેતા ભી દીવાના...
રામલીલા મેદાનમાં પોલીસે કરેલા બળપ્રયોગને જલિયાંવાલા બાગ અને કટોકટી સાથે સરખાવવો, એ નિર્દોષતાની નહીં, પણ ગંભીરતાની રીતે, ગુમડા પર મુકાયેલા નસ્તરને બાયપાસ સર્જરી સાથે સરખાવવા બરાબર છે.
ક્યાં ૧૯ મહિનાની કટોકટી દરમિયાન નાગરિક સ્વતંત્રતાથી માંડીને પ્રસાર માઘ્યમો પર વીંઝાયેલો સરકારી સેન્સરશીપ તથા અત્યાચારોનો કોરડો અને ક્યાં એ જ દિવસે સરકારી વિમાનમાં હરદ્વાર પહોંચ્યા પછી, સ્ત્રી વેશમાં ટીવી કેમેરા સામે પ્રેસ કોન્ફરન્સ યોજતા બાબા રામદેવ!
ક્યાં જલિયાંવાલા બાગના મેદાનમાં જનરલ ડાયરના હુકમને પગલે પચીસેક હજાર નિર્દોષ નાગરિકો પર છોડવામાં આવેલાં ગોળીબારનાં ૧,૬૫૦ રાઉન્ડ - અને મૃત્યુ પામેલા ૧,૫૧૬ નાગરિકો! અને ક્યાં પોલીસે છોડેલા ૮ રાઉન્ડ ટીયરગેસ (ટાઇમ્સ ઓફ ઇન્ડિયા, ૬-૬-૧૧) તથા લાઠીચાર્જથી ઘાયલ થયેલા ૭૦ લોકો! ૭૦ નિર્દોષો કેમ ઘાયલ થયા એ સવાલ અને એની સાથે સંકળાયેલી નામોશી રહે છે, પણ અહીં વાત સરખામણીની છે.
આવી સરખામણીઓ કરનારા નેતાઓ પોતાનો ધંધો કરી રહ્યો છે. તે એવું પણ માની લે છે કે આવી ધડમાથા વગરની વાત સાંભળનારા જ નહીં, તેમાં હઇસો હઇસો કરનારા પણ મળી રહેશે.
કમનસીબે તે સાવ ખોટા નથી.
Labels:
baba ramdev,
corruption,
history/ઇતિહાસ,
politics
Subscribe to:
Post Comments (Atom)
સુપર્બ લેખ , પુરા ઘટનાક્રમ નું સૌથી પરિપક્વ અને સચોટ વિશ્લેષણ..... ઉપવાસ પેહલા હાકલા - પડકારા તો એવા થતા હતા કે લાગતું હતું કે હવે દેશમાંથી ભ્રષ્ટાચાર જડમૂળમાંથી ગયો જ સમજો , ટેકેદારો ને છોડી ને ભર મંડપમાં થી કુદીને સ્ત્રી વેશે ભાગી જવું એ સત્યાગ્રહ નહિ, નરી બાલીશતા હતી, બાબા ને નૌટંકી ની તક મળી ....અને લટકામાં ઇન્કમટેક્ષ ની હેરાનગતિ માણવાની તક મળી, નિર્દોષો પર લાઠીઓ વીંઝીને સરકાર ને મુર્ખામી કરવાની તક મળી...વિપક્ષો ને ડફોળગીરી બતાવવાની તક મળી...ભોળા ભક્તોને મુગ્ધાવસ્થા પ્રગટ કરવાની તક મળી ....મીડીઆને મસાલો મળ્યો અને સરવાળે લાચાર પ્રજાને મળ્યું .........શકોરૂં
ReplyDeleteresult, experience of vacuum at all levels, that make sense of current politics.
ReplyDeleteSir, I want to add one more point here which I feel was really good answer. When somebody asked Anna Hazare (best of my knowledge) that don't you think Baba Ramdev Should focus on his Yoga and not on all these political issues? Then he replied why can't he do that since he is also a citizen of this country at the first place! I think this is the most accurate answer because we all are hearing one answer from congress and the government that all these people (and anybody who oppose them!) are nothing but masks of BJP and RSS. (I am not supporter of BJP and RSS but I surely hate congress from the bottom of my heart!)
ReplyDeleteVery Good Urvishbhai. Afrin chhun.
ReplyDeleteઉત્તમ લેખ,
ReplyDeleteઉર્વિશભાઇ. એક કહેવત છે, “યથા રાજા તથા પ્રજા”. નિશંક બાબા રામદેવ એક નાટકશાળા છે પરંતુ આ સરકાર પણ શુ નાટકબાજોનો શંભુમેળો નથી? આવી સરકાર માટે આવા બાબાઓ જ યોગ્ય છે.
ખેર, આખા એપિસોડ મા એક નવી જ વાત પણ બહાર આવી. પોતાને પ્રજાતંત્રનો અવાજ ગણાવતુ “મિડીયા” પણ કેટલી હદે વેંચાય ગયેલુ છે. ગંગા બચાવના પ્રયાસ કરતા શ્રી નિગમબાબા 112 ઉપવાસ પછી ગુજરી ગયા ત્યારે જ મિડીયા નુ ત્યા ધ્યાન ગયુ. (એ પણ કદાચ રામદેવબાબા એ જ હોસ્પિટલમા દાખલ થયેલા માટે.). રામદેવબાબાના કહેવાતા ઉપવાસ શરુ થયા પહેલા જ બે દિવસ થી તેની બધી જ ક્રિયા/પ્રક્રિયાઓનુ સંપુર્ણ ધ્યાન રાખીને ટેલિકાસ્ટ કરનાર મિડીયા કેટલી હદે રામદેવબાબાની શેહમા હતુ તે બતાવે છે. અને મિડીયા કઇ મફતમા કોઇની શેહમા નથી આવી જતુ. આ માટે અલગ-અલગ રીતે ખાસ્સી રકમ રામદેવબાબાએ મિડીયા-મેનેજ કરવા માટે વાપરી હશે.
ક્યાંક આ દેશની “ચોથી જાગીર” જાણ્યે-અજાણ્યે “પાંચમી-કતાર” તો નથી બની ગઇ ને? જો એમ હોય તો એ આ નપાવટ સરકાર કરતા પણ કધુ ખતરનાક હશે.
જય હો !
Urvish,
ReplyDeleteRequest to give identity/ies of our beloved earlier citizen 1516 who experienced martyrdom at Jalianwala Bagh, a common war (Jehad) against Imperialism.
Atleast, we could re-learn with examples for future healthy psyche.
ગાંધીજી અને બાબા રામદેવ ની સત્યાગ્રહ ની સરખામણી તો તમે કરી પણ સાથે અંગ્રેજો અને આજની સરકાર ની સરખામણી પણ કરી હોત તો તમારો રોષ હળવો જરૂર થયો હોત
ReplyDeleteThoughful article.
ReplyDelete