Sunday, June 05, 2011
ત્રાસવાદીઓથી ખદબદતા પાકિસ્તાનનો પરમાણુ શસ્ત્રભંડાર કેટલો સલામત?
પાકિસ્તાન વિશેના બે-ત્રણ સમાચાર બહુ ટૂંકા ગાળામાં આવ્યા : પાકિસ્તાનના લશ્કરી મથકની સાવ બાજુમાં છુપાયેલા ઓસામા પર અમેરિકન કમાન્ડોનો હુમલો (જેને કેટલાક મતલબી અબુધો ‘ફેક એન્કાઉન્ટર’ ગણાવે છે), પરમાણુ શસ્ત્રોના મામલે પાકિસ્તાનની ચિંતાજનક આગેકૂચ અને પાકિસ્તાનના નૌકાસૈન્યના મથક પીએનએસ મહેરાન પર હુમલો કરીને લગભગ ૧૭ કલાક સુધી મથકને બાનમાં લેતા ત્રાસવાદીઓ.
ઓસામા પર હુમલા સિવાય બાકીના બન્ને સમાચારમાં નવાઇ પામવા જેવું કશું નથી. પરમાણુ શસ્ત્રોના મામલે પાકિસ્તાન સ્વાવલંબી અને નિશ્ચિંત થઇ ચૂક્યું હોવાની વાત જૂની છે. ભારત તેને પરમાણુ શસ્ત્રોની દાટી ભીડાવી શકે તેમ નથી, એ પણ ઉઘાડું સત્ય છે. એવી જ રીતે, ઓસામાના મૃત્યુના પગલે અલ કાઇદા, તાલિબાનો અને બીજાં ત્રાસવાદી જૂથો જંપીને બેસવાનાં નથી, એ પણ અપેક્ષિત હતું.
પરંતુ આ ત્રણે સમાચારોને એક સાથે જોતાં, ભારત અને અમેરિકા જેવા દેશોના પેટમાં તેલ રેડાય તે સ્વાભાવિક છે. કારણ કે, એક તરફ પાકિસ્તાન પોતાની પરમાણુશસ્ત્ર ક્ષમતા અને તેના માટે જરૂરી કાચી સામગ્રીનું ઉત્પાદન વધારી રહ્યું હોય અને બીજી તરફ, ઓસામાનો બદલો લેવા થનગનતા ત્રાસવાદીઓ કોઇ પણ હદનું દુઃસાહસ કરવા તૈયાર હોય, ત્યારે સૌથી મોટી ચિંતા પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રભંડાર વિશે થાય. તેમાં પણ અદ્યતન સાધનસરંજામ તથા નૌકામથકના ‘જાણભેદુ’ઓની મદદથી ૧૭ કલાક સુધી નૌકામથક પર કબજો જમાવતા ત્રાસવાદીઓ વિશે જાણ્યા પછી મનમાં ફાળ જ પડે.
બ્રેડફર્ડ યુનિવર્સિટીના ‘પાકિસ્તાન સિક્યોરિટી રીસર્ચ યુનિટ’ના ડાયરેક્ટર પ્રો. શોન ગ્રેગરીએ તો કહ્યું પણ ખરું કે ‘ત્રાસવાદીઓએ હવે નવી વ્યૂહરચના વિકસાવી છે : આગોતરી માહિતી, સૈન્યનાં યુનિફોર્મનો ઉપયોગ, એક સાથે અનેક પ્રવેશમાર્ગ પર હુમલા...તેને કારણે નૌકામથક જેવી ભારે ચોકીપહેરો ધરાવતી જગ્યાએ ત્રાસવાદીઓ ધૂસી શક્યા. એટલું જ નહીં, લાંબા સમય સુધી તેની પર કબજો જમાવી શક્યા.’
મતલબ? પ્રો. ગ્રેગરીના જ શબ્દોમાં : ‘આ તો કોઇ પરમાણુ મથક પર હુમલાની બ્લુ-પ્રિન્ટ/યોજના છે.’
તેમના અનુમાનમાં વાસ્તવિક ચિંતાની સાથે અતિશયોક્તિની સેળભેળ હોઇ શકે છે. ‘પાકિસ્તાનનો પરમાણુ શસ્ત્રભંડાર સુરક્ષિત અને ત્રાસવાદી હુમલાથી પ્રૂફ છે’ એવું આશ્વાસન પાકિસ્તાની સરકાર કે અમેરિકા પોતે આપી શકે છે. પરંતુ આ મુદ્દે ‘સબ સલામત’ માનીને બેસી જવામાં ભયંકર મૂર્ખામી છે.
નૌકામથક પીએનએસ મહેરાન પર થયેલા હુમલામાં સૌથી પહેલી શંકા અંદરના માણસો પર વ્યક્ત કરવામાં આવી. ‘એમાંથી કોઇ ત્રાસવાદીઓ સાથે ભળે નહીં ત્યાં સુધી આવો હુમલો શક્ય ન બને’ એવો અભિપ્રાય ઘણા નિષ્ણાતોએ વ્યક્ત કર્યો. હુમલાની જવાબદારી લેનાર તાલિબાનોના પ્રવક્તા અહેસાનુલ્લાહ અહેસાને સમાચાર સંસ્થા ‘રોઇટર્સ’ને ફોન પર કહ્યું કે ‘કરાચીના અમારા સ્થાનિક મિત્રોએ અમને હુમલામાં મદદ કરી છે. એ લોકો નૌકામથકના હતા કે બહારના, એ હું નહીં કહું.’
પરમાણુ શસ્ત્રોના ભંડાર સામેનું એક મોટું જોખમ બહારના હુમલાનું નહીં, પણ અંદરના માણસો ફૂટી જાય કે ગાફેલ બને એનું હોય છે. આ જોખમની માત્રા ઓછીવત્તી હોઇ શકે, પણ પરમાણુ શસ્ત્રો સાથે કામ કરનારા લોકો આખરે માણસ છે. પરમાણુ શસ્ત્રોની સુરક્ષાની જવાબદારી સંભાળતી સંસ્થાઓ ‘માણસ માત્ર ભૂલને પાત્ર’ એ સૂત્રમાં માને છે, પણ તેનો ઉપયોગ એ ભૂલના બચાવ માટે નહીં, ભૂલને રોકવા માટે કરે છે. એટલે, પરમાણુ શસ્ત્રભંડાર અને તેના માટેની આવશ્યક સામગ્રી માટે શક્ય એટલી સુરક્ષા વ્યવસ્થા અને તાળાબંધી ગોઠવ્યા પછી પણ અમેરિકા જેવા દેશોને ધરપત થતી નથી. ત્યાં પરમાણુ મથકો અને પરમાણુ શસ્ત્રો સાથે પનારો પાડતા કર્મચારીઓ માટે ‘પર્સોનેલ રીલાયેબિલીટી પ્રોગ્રામ્સ’ (પીઆરપી) સ્થાપિત કરવામાં આવ્યા છે. તેમની પાછળનો આશય એ જ હોય છે કે પરમાણુ શસ્ત્રો વિકસાવતા, તેનો વહીવટ કરતા અને તેનું રક્ષણ કરતા તમામ લોકોની વિશ્વસનીયતા ટકોરાબંધ હોય. વિશ્વસનિયતાની ચકાસણી એક વાર થઇ જાય એટલું પૂરતું નથી. તેનું ઊંચું ધોરણ ટકી રહે એ માટે પણ સતત ઘ્યાન રાખવામાં આવે છે.
પરમાણુ મથક કે તેના શસ્ત્રભંડારને લગતી કામગીરી માટે પીઆરપીના ઝીણા ગળણે ગાળ્યા પછી જ કર્મચારીઓને નોકરી આપવામાં આવે છે. પીઆરપી અંતર્ગત કર્મચારીની અગાઉની કારકિર્દી, તેનો ઇતિહાસ, માનસિક-શારીરિક સજ્જતા વગેેરેની ભારે ઝીણવટથી તપાસ થાય છે. એ માટે કર્મચારીના લાંબા ઇન્ટરવ્યુથી માંડીને તે અગાઉ નોકરી કરતો હોય તો તે જગ્યાએથી પણ તેના વિશેના અહેવાલ મેળવવવામાં આવે છે. અમેરિકા જેવા દેશોમાં પરમાણુ શસ્ત્રો સાથે સંકળાયેલી સંવેદનશીલ નોકરી માટે ડ્રગ્સ કે નશાબાજીની ટેવોની ખાસ તપાસ થાય છે. એ સિવાય ઉમેદવારના રાજકીય વિચારો પણ ચકાસાય છે. ઉગ્ર કે અંતીમવાદી વિચાર ધરાવનાર પરમાણુ શસ્ત્રો સાથે સંકળાયેલી નોકરી માટે ગેરલાયક ઠરે છે. પહેલી ગળણીમાંથી પસાર થઇને નોકરી પામ્યા પછી પણ પીઆરપી અંતર્ગત કર્મચારીઓની કડક તાવણી ચાલુ રહે છે.
પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રભંડારમાં યાંત્રિક-ટેકનોલોજીકલ તાળાબંધીની પ્રાથમિક જોગવાઇ ઘણા સમયથી હતી, પણ તેની સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે પીઆરપી જેવી અમેરિકન વ્યવસ્થા નહીંવત્ અથવા બહુ ઢીલી હતી. ૯/૧૧ના હુમલા પછી ચિત્ર બદલાયું. અમેરિકાને વૈશ્વિક ત્રાસવાદની અને ઇસ્લામના નેજા હેઠળ આતંક ફેલાવતાં જૂથોની ચિંતા પેઠી. હુમલાના થોડા દિવસોમાં જ અમેરિકાએ પાકિસ્તાનના પરમાણુ શસ્ત્રોની સલામતી પર ઘ્યાન કેન્દ્રિત કર્યું. એ સંદર્ભે લેવાયેલાં ઘણાં પગલાંમાં કર્મચારીઓની વિશ્વસનીયતા અંગેના પીઆરપીનો સમાવેશ પણ થતો હતો.
વર્ષ ૨૦૦૮માં પ્રગટ થયેલા એક અહેવાલમાં ‘વોલસ્ટ્રીટ જર્નલ’ને ટાંકીને પાકિસ્તાનના પર્સોનલ રિલાયેબિલીટી પ્રોગ્રામના કેટલાક મુદ્દાની રૂપરેખા આપવામાં આવી હતી. એ માહિતી પ્રમાણે, કર્મચારીઓની વિશ્વસનીયતા માટે પાકિસ્તાને અપનાવેલાં પગલાં :મહત્તમ એકાદ વર્ષ જેટલા લાંબા ગાળા સુધી કર્મચારીના ‘ઇતિહાસ’ની તપાસ, તેના કુટુંબ અને સગાંસંબંધીઓની વિગત, કર્મચારીની ધાર્મિક માન્યતા અને તેનામાં રહેલા કટ્ટરતાના અંશ વિશે પૂછપરછ, નવા કર્મચારીઓને સંવેદનશીલ વિસ્તારમાં જવાની પરવાનગી આપતાં પહેલાં મહિનાઓ સુધી તેની પર સઘન દેખરેખ, સાથી કર્મચારીઓ દ્વારા રખાતો ચોકીપહેરો અને ઉપરીઓને અપાતો તેનો અહેવાલ, સમયાંતરે મનોવૈજ્ઞાનિક કસોટી, ટોચના અધિકારીઓના ફોન અને તેમના પ્રવાસની માહિતી, દર બે વર્ષે નવેસરથી ચકાસણી.
પાકિસ્તાનના પીઆરપી વિશેની આ વિગતો સાચી હોય કે અતિશયોક્તિ ભરેલી, પણ તેનો મુખ્ય આધાર અને તેની પાછળનું મુખ્ય પ્રેરકબળ અમેરિકા છે. પરંતુ કેટલાક નિષ્ણાતોને અમેરિકાના પીઆરપીની સફળતા વિશે શંકા છે. ‘વુડરો વિલ્સન સ્કૂલ’ના શાંતિ અને સુરક્ષા અંગેના એક પ્રોજેક્ટના ડાયરેક્ટરના જણાવ્યા પ્રમાણે, ૧૯૭૫ થી ૧૯૯૦ની વચ્ચે, પીઆરપીની કસોટીમાંથી પાસ થયેલા દર વીસ લોકોમાંથી એકને ડ્રગ્સ, નશાખોરી કે બેદરકારી જેવાં કારણોસર પરમાણુ શસ્ત્રોને લગતી કામગીરીમાંથી ફારેગ કરવામાં આવ્યા હતા. પાકિસ્તાનમાં ડ્રગ્સ કે દારૂ કરતાં અનેક ગણા વધારે ખતરનાક એવા ધર્મના નશાનો ભય છે. પરમાણુ શસ્ત્રભંડારમાં તાલીબાનોની વિચારધારામાં માનતો કોઇ ધર્માંધ માણસ આવી જાય તો?
(કર્મચારીઓની વિશ્વસનિયતા સતત ચકાસવા ઉપરાંત, પરમાણુ શસ્ત્રભંડારની સુરક્ષા માટે યોજાતા બીજા ઉપાયોની વિગતો આવતા સપ્તાહે.)
Labels:
nuclear disaster,
pakistan,
terrorism
Subscribe to:
Post Comments (Atom)
Good article about a whole in the system.
ReplyDeleteજગતના ઇતિહાસે જાપાન, અમેરિકા, નાતો ના દેશોએ દુનિયાને જે પરમાણું શક્તીઓનો દુરુપયોગ ના દ્રસ્થાન્તો નો અનુભવ કરાવ્યા છે જેથી જરી ને તેમની વિસ્વસ્નીયતા ઉપર ૧ મોટો પ્રશ્નાથ ઉભો થાય છે!!!