Monday, June 27, 2011
ડિજિટલ મ્યુઝિકના યુગમાં ‘થાળી’ - રેકોર્ડનું પુનરાગમન
કેટલીક યુગપ્રવર્તક અને યુગનો અંત આણનારી ઘટનાઓ ચૂપચાપ બની જતી હોય છે. ભારતમાં ૧૯૯૭માં ‘દિલ તો પાગલ હૈ’ની લોંગપ્લે (એલ.પી.) રેકોર્ડ બહાર પડી, તે સાથે એક યુગનો અંત આવ્યો. કારણ કે, ત્યાર પછી હિંદી ગીતોની એલ.પી.નું ઉત્પાદન સત્તાવાર રીતે બંધ કરી દેવામાં આવ્યું.
સંગીતમાં ઓડિયો કેસેટ અને ત્યાર પછી કોમ્પેક્ટ ડિસ્કનો જમાનો આવી ચૂક્યો હતો. ડિજિટલ મ્યુઝિકનો ચડતો સૂરજ હતો. એ સમયે કાળી, ચકચકતી, નાજુક અને ૧૨ ઇંચની એલ.પી. (લોંગ પ્લે રેકોર્ડ) તથા તેનાં અટપટાં પ્લેયરની માથાકૂટમાં કોણ પડે? એટલે જ, થોડા શોખીનોને બાદ કરતાં કોઇએ એલ.પી.ના અસ્ત વિશે આંસુ સાર્યાં નહીં.
લગભગ એકાદ દાયકો વીત્યા પછી, ફરી એક વાર, અંત જેટલી જ ચૂપકીદીથી, એલ.પી.ના યુગની નવેસરથી શરૂઆત થઇ. ઓક્ટોબર, ૨૦૧૦માં એ.આર.રહેમાનનું સંગીત ધરાવતી ફિલ્મ ‘જૂઠા હી સહી’ની સીડીની સાથોસાથ એચ.એમ.વી. (નવું નામ ‘સારેગમ’) એ તેની એલ.પી. પણ બજારમાં મૂકી. અલબત્ત, તેની ઊંચી કંિમત (રૂ.૫૯૯) પરથી ધારી શકાય કે એલ.પી.નો હેતુ કેવળ સંગીત પૂરતો મર્યાદિત ન હતો. તેમાં ફેશન-ટ્રેન્ડ-જૂની યાદો (નોસ્ટાલ્જિઆ) જેવા ભાવ ઉમેરાયા હતા અને તેણે એલ.પી.ના ભાવ પર અસર કરી હતી. ‘જૂઠા હી સહી’ પછી હિંદી ફિલ્મોની એલ.પી.નો સિલસિલો પતિયાલા હાઉસ, તીસમારખાં, દબંગ જેવી ફિલ્મો દ્વારા ચાલુ રહ્યો છે. એટલું જ નહીં, નવી એલ.પી.નું ઉત્પાદન બંધ થઇ ગયું એ ગાળામાં આવેલી લગાન, રંગ દે બસંતી, જોધા અકબર જેવી ફિલ્મોની પણ એલ.પી. બજારમાં મુકાઇ છે. એ જુદી વાત છે કે વેબસાઇટો પર આ એલ.પી.ના ભાવ સાંભળીને કાનમાં જુદી જાતનું (તમરાંનું) સંગીત સંભળાવા લાગે. કારણ કે તેમની કિંમત ૨૦ થી ૨૫ ડોલર વચ્ચે રાખવામાં આવી છે.
આઇ-પોડ અને ટચૂકડાં એમપી-૩ મ્યુઝિક પ્લેયરના જમાનામાં ‘વિનાઇલ’ તરીકે ઓળખાતી એલ.પી. અને ‘ટર્નટેબલ’ તરીકે જાણીતાં તેનાં પ્લેયરનો યુગ પાછો આવે, તે આશ્ચર્યજનક ગણાય. કારણ કે ઓછામાં ઓછી કડાકૂટ સાથે સાંભળી શકાય અને તેનો જથ્થો સાથે લઇને હરીફરી શકાય એવા ડિજિટલ મ્યુઝિકની સરખામણીમાં એલ.પી. સાંભળવાનું કામ ધીરજ માગી લે એવું છે. એલ.પી. સાંભળતી વખતે ‘ઇન્સ્ટન્ટ’ શબ્દ ભૂલીને મનમાં નિરાંતનો ભાવ ધારણ કરવો પડે. કારણ કે બન્ને બાજુ કાળી સપાટી પર આંકા/ગ્રુવ્ઝ ધરાવતી એલ.પી.ને કવરમાંથી બહાર કાઢવાથી માંડીને તેમાંથી સંગીત રેલાતું થાય ત્યાં સુધીના જુદા જુદા તબક્કા છે.
મોટા ચોરસ અને મોટે ભાગે આકર્ષક ડીઝાઇન ધરાવતા પૂંઠાના કવરમાં પારદર્શક આવરણમાં એલ.પી. વીંટળાયેલી હોય છે. એલ.પી.ને જાળવીને, કપડાના સુંવાળા કટકા વડે પકડીને કવરમાંથી બહાર કાઢવી, તેની મુખ્ય કાળી આંકાદાર સપાટી પર આંગળાંની છાપ ન પડે એ રીતે તેને એક છેડે કટકાથી પકડવી, બીજો છેડો છાતી પર ટેકવીને, મઘુબાલા પર પીછું ફેરવતા દિલીપકુમારની નજાકતથી એલ.પી.ની સપાટી પર કટકો ફેરવવો અને રજોટી હોય તો સાફ કરવી, પછી તેને બે છેડેથી પકડીને હળવેકથી ટર્નટેબલ પર મુકવી, પ્લેયર ઓન કર્યા પછી રેકોર્ડ સાથે ટર્નટેબલ મિનીટના ૩૩ ૧/૩ આંટાની ગતિએ ફરવા લાગે, એટલે બાજુ પર રહેલો પીનવાળો દાંડો રેકોર્ડની બહારની ધારની બરાબર ઉપર લઇ જવો અને ધીમે રહીને લીવર નીચું કરવું- એ સાથે જ હળવી ચરચરાટી સાથે પીન કાળી રેકોર્ડ પર લાંગરશે અને સંગીત ગુંજી ઉઠશે.
ઓડિયો કેસેટમાં જે સુવિધા ન હતી અને સીડીના યુગ પછી જે ‘સુવિધા’ મટીને આવશ્યકતા બની ગઇ છે, તે ‘નેક્સ્ટ’ ગીત સાંભળવાની વ્યવસ્થા એલ.પી.માં હોય છે. તેની કાળી સપાટી પર દરેક ગીતની શરૂઆત એક જાડા આંકા વડે દર્શાવાય છે. એક બાજુ પર લગભગ પચીસ-સત્યાવીસ મિનીટનું રેકોર્ડિંગ ધરાવતી એલ.પી.માં કોઇ ચોક્કસ ગીત સાંભળવું હોય, તો પીન સીધી એ ગીતના આંકા પર મૂકવાથી, મનપસંદ ગીત સાંભળી શકાય.
મલ્ટીટાસ્કિંગના જમાનામાં ફક્ત સંગીત સાંભળવા માટે એલ.પી. મુકવાનું કેટલું અનુકૂળ પડે એ એક સવાલ છે. ટર્નટેબલનું સંચાલન પોતાની જગ્યા પર બેઠાં બેઠાં રીમોટ કન્ટ્રોલથી થઇ શકતું નથી. તેના માટે સાત કામ પડતાં મુકીને તેની પાસે જવું પડે છે. એલ.પી. કાઢતી-મુકતી વખતે પણ ઉડઝુડ ચાલતી નથી. એવું થાય તો એલ.પી.ની સપાટી પર ઘસરકા પડી જાય અને વાગતી વખતે ત્યાં પીન અટકી જવાને કારણે, એટલો હિસ્સો ફરી ફરીને વાગ્યા કરે.
પણ અડચણની સામે મળતી મઝા નજરઅંદાજ કરવા જેવી નથી. કેટલાક સંગીતપ્રેમીઓ માને છે કે ડિજિટલ મ્યુઝિક ગમે તેટલું ઉત્તમ અને સ્વચ્છ હોય, પણ એલ.પી.માં એનલોગ સ્વરૂપે અંકિત થયેલું સંગીત હંમેશાં ચડિયાતું ગણાય. કારણ કે સંગીતના ડિજિટાઇઝેશનની પ્રક્રિયામાં તેની કેટલીક ફ્રિક્વન્સી પર સ્ટીમરોલર ફરી જાય છે. આ અભિપ્રાય સાથે બધા જાણકારો સંમત નથી. છતાં, એક વસ્તુ નિર્વિવાદ છે કે એલ.પી. પર સંગીત સાંભળવું એ એક જુદો અનુભવ છે. ઘણા સંગીતપ્રેમીઓને સી.ડી.ની સરખામણીએ એલ.પી. સાંભળવામાં અલગ પ્રકારના રોમાંચ અને ભાવસમૃદ્ધિનો અનુભવ થાય છે. શક્ય છે કે એ અનુભૂતિ ભૌતિક નહીં, પણ માનસિક હોઇ શકે. છતાં, તે અનુભૂતિ હોય છે એ નક્કી.
એલ.પી.ના પુનરાગમનની શરૂઆત અમેરિકામાં પાંચેક વર્ષ પહેલાં થઇ હતી. ‘વોલસ્ટ્રીટ જર્નલ’ના સપ્ટેમ્બર, ૨૦૦૮ના એક અહેવાલ પ્રમાણે, વર્ષ ૨૦૦૬માં વિશ્વભરમાં એલ.પી.નું વેચાણ સાવ તળીયે બેઠું હતું, પરંતુ ૨૦૦૭માં તેમાં જોરદાર ઉછાળો આવ્યો- અને તેનું વેચાણ બમણું થઇ ગયું. ત્યાર પછી મ્યુઝિકના સ્ટોરમાં નવેસરથી એલ.પી. દેખા દેવા લાગી. નવાં આલ્બમ એલ.પી. સ્વરૂપે બહાર પડવાં લાગ્યાં. ઇન્ટરનેટ પર ‘એમેઝોન’ જેવી વેબસાઇટ પર જૂની એલ.પી.ની સાથોસાથ નવી એલ.પી.નું વેચાણ શરૂ થયું અને જોર પકડવા લાગ્યું. ભારતમાં જૂની અને જાણીતી એચ.એમ.વી.એ કોલકાતાની ડમડમ ફેક્ટરીમાં એલ.પી.નું ઉત્પાદન બંધ કરી દીઘું હતું, પરંતુ હવે તે પોતાની હોલેન્ડ ફેક્ટરીમાં હિંદી ફિલ્મોનાં કેટલાંક ટાઇટલની એલ.પી. બનાવીને ભારતમાં વેચે છે.
ભારતનાં મોટાં શહેરોમાં જાણીતા મ્યુઝિક સ્ટોર અને બુક સ્ટોરમાં એલ.પી.ના અલગ વિભાગ જોવા મળતા થયા છે. એલ.પી.નો યુગ આવે એટલે તેને વગાડવા માટેનાં ટર્નટેબલ પાછળ રહે? અત્યાર સુધી સંગીતશોખીનો-સંગ્રાહકો પૂરુતું રહેલું સેકન્ડહેન્ડ એલ.પી.નું બજાર જેરાડ, સોનોડાઇન, ફિલિપ્સ જેવી કંપનીઓનાં જૂનાં પ્લેયર પર નભતું હતું, પરંતુ એલ.પી.ના પુનરાગમન પછી નવેસરથી રેકોર્ડ પ્લેયર બનવાં શરૂ થયાં છે. ‘લેન્કો’ જેવી કંપનીએ આઠ-દસ હજારથી પચીસ-ત્રીસ હજારની કિંમત સુધીનાં રેકોર્ડ પ્લેયર બજારમાં મુક્યાં છે, જે ઇન્ટરનેટ દ્વારા સહેલાઇથી મેળવી શકાય છે. કેટલાંક રેકોર્ડ પ્લેયરમાં એલ.પી. ઉપરાંત કમ્પ્યુટર યુગના પ્રતીક જેવું યુએસબી કનેક્શન અને એએમ-એફએમ રેડિયો જેવી સુવિધા પણ હોય છે. મ્યુઝિક કંપનીઓને એલ.પી.માં રસ પડવાનું (તેની ઊંચી કિંમત સિવાયનું) એક કારણ એ પણ છે કે એલ.પી.નું મ્યુઝિક એક બટન દબાવીને સહેલાઇથી અને પરબારું ડાઉનલોડ થઇ શકતું નથી. એટલે સંગીતની ચાંચિયાગીરી/પાયરસીનો પ્રશ્ન એલ.પી. પૂરતો હળવો બને છે.
એલ.પી.નો માંડ દસકા પહેલાં અસ્ત પામેલો મનાતો યુગ ફરી શરૂ થયો, તેનાથી ડિજિટલ મ્યુઝિકનો અંત આવી જશે એવું માનવાની જરૂર નથી. પરંતુ એલ.પી. સાંભળવાની વૃત્તિ, ફુરસદ, ધીરજ કે જિજ્ઞાસા ધરાવતા લોકોને, ચુનંદા સંગ્રાહકો સમક્ષ ભાઇબાપા કર્યા વિના, બજારમાંથી અને બજારભાવે એલ.પી. મળતી થાય, એ નાની વાત નથી.
Labels:
music/સંગીત
Subscribe to:
Post Comments (Atom)
Rythm House at Kala Ghada, Mumbai has lovely collection of LPs. They also sell Lancos. Here is the link:
ReplyDeletehttp://www.rhythmhouse.in/Specials.aspx?special=Indian+LPs&v=0&l=1&p=0
and thanks, Urvish for taking us down the memory lane.
thanks, saurabhbhai for the link. Persons like me who used to buy LPs from same Rythm House for around Rs.55 per piece can be shocked by exotic prices like Rs.799.
ReplyDelete