Monday, June 20, 2011
સેલફોનથી કેન્સરઃ ‘વાઘ આવ્યો રે વાઘ’નું વઘુ એક પુનરાવર્તન
‘સેલફોનના વઘુ પડતા વપરાશથી કેન્સર થવાની સંભાવના રહે છે.’ આ ચેતવણીરૂપ વાક્ય અત્યાર સુધી અનેક સંસ્થાઓ, સંશોધનો, સર્વેક્ષણો અને અભ્યાસોનો હવાલો આપીને કહેવાઇ ચૂક્યું છે. પરંતુ નક્કર આધાર-પુરાવાના અભાવે સેલફોન અને કેન્સર વચ્ચેનો સીધો કે આડકતરો સંબંધ સ્થાપિત થઇ શક્યો ન હતો.
હવે એ જ ચેતવણી વિશ્વ આરોગ્ય સંસ્થા (‘હુ’)જેવા આંતરરાષ્ટ્રિય સંગઠન દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે સેલફોન અને કેન્સરના સંબંધ વિશે ગંભીરતાથી જાણવા-વિચારવાની ફરજ પડે છે. ‘હુ’ અંતર્ગત કામ કરતી ‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર’ની અખબારી યાદી પ્રમાણે, ‘વાયરલેસ ફોનના વપરાશ સાથે સંકળાયેલા રેડિયોતરંગોના વિદ્યુતચુંબકીય ક્ષેત્રને કેન્સરકારક/કાર્સિનોજન (ગ્રુપ ૨-બી)ના સમુહમાં મુકવામાં આવ્યું છે.’
સાદી ભાષામાં તેનો અર્થ એટલો કે, બીજાં અનેક કેન્સરકારક તત્ત્વોની જેમ સેલફોનનાં રેડિયોતરંગો પણ કેન્સરનાં કારક બની શકે છે. ‘કેમ? શું? કેવી રીતે?’ની લાંબી પંચાતમાં પડ્યા વિના, અખબારી યાદીમાં જણાવાયું છે કે ‘વર્ષ ૨૦૦૪ સુધીના એક અભ્યાસમાં સેલફોનનો વઘુ પડતો ઉપયોગ કરનારામાં દુર્લભ પ્રકારનું બ્રેઇન કેન્સર થવાની શક્યતા ૪૦ ટકા વધી હોવાનું જણાયું હતું.’ સેલફોનના ‘વધુ પડતા ઉપયોગ’ની તેમાં કરાયેલી વ્યાખ્યા હતીઃ ‘રોજના અડધો કલાક લેખે એક વર્ષ સુધી.’
આ વ્યાખ્યામાં મોટા ભાગના સેલફોનધારકોનો સમાવેશ થઇ જાય. છતાં, બ્રેઇન કેન્સરના બનાવોમાં જરાય વધારો નોંધાયો નથી. તો વારેઘડીએ ઉઠતી ‘સેલફોનથી કેન્સર’ની બૂમો પાછળની વૈજ્ઞાનિક વાસ્તવિકતા શી છે? અને સેલફોનધારકોએ કેટલી ચિંતા કરવી જોઇએ?
સૌથી પહેલો ખુલાસો ‘ઇન્ટરનેશનલ એજન્સી ફોર રીસર્ચ ઓન કેન્સર’ના તાજા અહેવાલનોઃ તેમાં સેલફોનના રેડિએશનને ‘ગ્રુપ ૨-બી’ પ્રકારના કેન્સરકારક/કાર્સિનોજનમાં મૂકવામાં આવ્યું છે. કેન્સરકારકોને પાંચ સમુદાયમાં વહેંચવામાં આવ્યાં છે. તેમાં ‘ગ્રુપપ ૧’ના સભ્યોને મનુષ્યમાં થતા કેન્સર માટે સીધા જવાબદાર ગણવામાં આવ્યાં છે. એવી ૧૦૭ બાબતોમાં એક્સ-રે અને તમાકુથી માંડીને આર્સેનિક અને એસ્બેસ્ટોસનો સમાવેશ થાય છે. ‘ગ્રુપ ૨-એ’માં ‘મનુષ્યમાં કેન્સર માટે સંભવિત રીતે/પ્રોબેબલી જવાબદાર’ એવાં ૫૯ નામ છે. નવાઇ લાગે, પણ એ ગ્રુપમાં ડીઝલના ઘુમાડાથી માંડીને રાતપાળીની કામગીરી જેવાં પરિબળોનો સમાવેશ થયો છે.
ત્યાર પછીના ક્રમે આવે છે ‘ગ્રુપ ૨-બી’ (મનુષ્યોમાં કેન્સર માટે કદાચ/પોસિબલી જવાબદાર). આ યાદીમાં અત્યાર સુધી કેટલાંક રસાયણો અને કોફી જેવી ૨૬૫ ચીજોનો સમાવેશ થતો હતો. ‘હુ’ની તાજી જાહેરાતના પગલે તેમાં ૨૬૬મી ચીજ તરીકે સેલફોનનો ઉમેરો થયો છે. ટૂંકમાં, ‘હુ’ની જાહેરાતનો તાર્કિક અર્થ એવો કરી શકાય કે કોફી પીવાથી અને સેલફોનના વઘુ પડતા ઉપયોગથી બ્રેઇનનું કેન્સર થવાની સંભાવના એકસરખી રહે છે. આનાથી વધારે કશું જ ‘હુ’ની જાહેરાતથી સિદ્ધ થતું નથી.
પરંતુ મામલો બ્રેઇન કેન્સર જેવા રોગનો હોય, ત્યારે ‘હુ’ની જાહેરાતને પગલે ફેલાયેલો ભ્રમ દૂર કરવાનું પૂરતું નથી. સેલફોન અને કેન્સર વચ્ચેનો વૈજ્ઞાનિક સંબંધ અને અત્યાર લગીના પ્રયોગોનાં પરિણામ જાણવાથી જ સંતોષકારક રીતે શંકાનું નિરાકરણ લાવી શકાય. એ માટે કેન્સર સ્પેશ્યાલિસ્ટ ડો.સિદ્ધાર્થ મુખર્જીનો એક વિસ્તૃત લેખ ખૂબ ઉપયોગી થાય એમ છે. ભારતીય મૂળના ડો.મુખર્જીના પુસ્તક ‘એમ્પરર ઓફ ઓલ માલાડીઝઃ એ બાયોગ્રાફી ઓફ કેન્સર’ને આ વર્ષે સાહિત્યનું પ્રતિષ્ઠિત પુલિત્ઝર પ્રાઇઝ મળ્યું હતું. તેમણે ‘હુ’ની જાહેરાતના એકાદ મહિના પહેલાં ‘ન્યૂયોર્ક ટાઇમ્સ’ માટેના એક દીર્ઘ લેખમાં અનેક દાખલાદલીલો અને અભ્યાસ ટાંકીને સિદ્ધ કર્યું હતું કે હજુ સુધી સેલફોનના ઉપયોગ અને કેન્સરને સાંકળતો એક પણ વિશ્વસનીય પુરાવો મળ્યો નથી. આ પ્રશ્ન સાથે સંકળાયેલાં શક્ય એટલાં તમામ પાસાં તેમણે ચકાસ્યાં હતાં.
જેમ કે, ડો.મુખર્જીએ વ્યક્ત કરેલી એક શંકા હતીઃ ‘તમાકુથી કેન્સર થતું હોવાનાં સંશોધનો બહાર પડ્યા પછી તમાકુની કંપનીઓ નાણાં વેરીને સાચી માહિતી બહાર આવવા દેતી ન હતી અથવા ગેરરસ્તે દોરનારાં સંશોધનો બહાર પાડતી હતી. એવું જ સેલફોન કંપનીઓના કિસ્સામાં ન બની શકે? સેલફોનનો કેન્સર સાથેનો સંબંધ બહાર ન આવે એટલા માટે તે વઘુ ને વઘુ ગૂંચો ઉભી કરી રહી હોય એવી શક્યતા ખરી કે નહીં?’
આ સવાલનો તેમણે જ આપેલો જવાબ હતો,‘તમાકુના કિસ્સામાં કંપનીઓ માહિતી દબાવી રાખતી હતી, પરંતુ તમાકુની અસરને લગતા ક્લિનિકલ ટ્રાયલમાં તમાકુ સાથે કેન્સરનો સંબંધ સ્થાપિત થતો હતો. સેલફોનના કિસ્સામાં કંપનીઓનાં પરિણામ અલગ આવે અને સ્વતંત્ર સંશોધકોનાં પરિણામ અલગ આવે, એવું પણ બન્યું નથી.’
બીજો મુદ્દો બ્રેઇન કેન્સરના મર્યાદિત વ્યાપ અંગેનો છે. ડો.મુખર્જીના જણાવ્યા પ્રમાણે, અમેરિકામાં દર એક લાખ વ્યક્તિએ ૭ જણને બ્રેઇન કેન્સર જોવા મળે છે. એટલે સેલફોનના ઉપયોગથી બ્રેઇન કેન્સરના પ્રમાણમાં વધારો થયો હોય તો પણ એ વધારો માપી શકાય એટલો મોટો ન હોય. આટલું કહીને તેમણે એમ પણ જણાવ્યું છે કે સેલફોનનો વપરાશ વ્યાપક બન્યા પછીના ૧૯૯૦ થી ૨૦૦૨ સુધીના સમયગાળામાં બ્રેઇન કેન્સરનો દર સ્થિર રહ્યો છે. બલ્કે, કહેવું હોય તો કહી શકાય કે થોડો ઘટીને દર એક લાખ વ્યક્તિએ ૬.૫ વ્યક્તિનો થયો છે- અને આ ઘટાડા માટેનાં કારણ જાણી શકાયાં નથી.
સેલફોન અને કેન્સરના સંબંધ અંગેનો એક વ્યાપક અભ્યાસ ‘ઇન્ટરફોન’ દ્વારા થયો હતો. તેમાં ૧૩ દેશોમાંથી બ્રેઇન ટ્યુમરના ૫,૧૧૭ દર્દીઓ અને ૫,૬૪૩ સ્વસ્થ માણસોનો અભ્યાસ કરવામાં આવ્યો. આ સર્વેક્ષણનું સંકલન ‘હુ’ દ્વારા કરવામાં આવ્યું હતું, પરંતુ તેમાંથી બન્ને વચ્ચેનો સંબંધ સૂચવતો કોઇ પણ નક્કર પુરાવો મળ્યો નહીં. ઊલટું, સર્વેક્ષણમાં આવરી લેવાયેલા લોકોને જુદાં જુદાં જૂથોમાં વહેંચતાં એવાં પણ આંકડાકીય પરિણામ મળ્યાં કે સેલફોનના ઉપયોગથી બ્રેઇન ટ્યુમરનું જોખમ ઘટે છે.
સ્વાભાવિક છે કે આ પરિણામ ગેરરસ્તે દોરનારાં હતાં. ડો.મુખર્જીના મતે આ જાતના ગોટાળા માટેનું એક સંભવિત પરિબળ છે ‘રીકોલ બાયસ’. એટલે કે પોતે એક રોગનો ભોગ બન્યો છે, એ જાણ્યા પછી માણસ પોતાનો ભૂતકાળ યાદ કરવામાં પણ પૂર્વગ્રહ કામે લગાડે. દા.ત. કોઇ શરદીગ્રસ્ત માણસને પૂછવામાં આવે કે ‘તમે છેલ્લા એક અઠવાડિયામાં કેટલું ઠંડું પાણી પીઘું હતું?’ તો શરદી માટે ઠંડા પાણીને જવાબદાર ગણતો દર્દી સવાલનો જવાબ એવી રીતે જ આપે અને પોતે બહુ ઠંડું પાણી પીઘું હોવાનું કહે. બ્રેઇન ટ્યુમર અને સેલફોનના સંબંધના કિસ્સામાં આ સવાલ છેલ્લા અઠવાડિયા નહીં, પણ વર્ષોના ગાળામાં પૂછાય, ત્યારે તેમાં મળતા જવાબ ખાસ વિશ્વસનીય રહેતા નથી. સેલફોન પર તેની વાતચીતનો સત્તાવાર રેકોર્ડ જ પ્રમાણભૂત ગણી શકાય, પણ એવા રેકોર્ડના આધારે હજુ સુધી કોઇ સંશોધન થયું નથી.
એવી જ રીતે કોઇ તત્ત્વ કેન્સરકારક છે કે નહીં, તે નક્કી કરવાની એક રીત ઉંદર જેવાં પ્રાણીઓ પર તેનો અખતરો કરવાની છે અને સેલફોનના મામલે એ વિકલ્પ પણ અજમાવાઇ ચૂક્યો છેઃ ૧૯૯૭ થી ૨૦૦૪ દરમિયાન ઉંદરો પર વિકિરણોની અસરના જુદા જુદા છ પ્રયોગો થયા હતા, પરંતુ એકેયમાં વિકિરણોની અસરથી ઉંદરમાં બ્રેઇન કેન્સરની સંભાવના વધી હોવાનું જણાયું નથી.
સેલફોનમાંથી નીકળતાં વિકિરણો ‘નોન-આયોનાઇઝિંગ’ પ્રકારનાં ગણાય છે. એટલે કે તે કોષોનું આયનીકરણ પ્રેરી શકે- રાસાયણિક બંધારણમાંથી ઇલેક્ટ્રોન છૂટા પાડીને તેનું માળખું વેરવિખેર કરી શકે અથવા ડીએનએમાં ભાંગફોડ કરી શકે એટલાં શક્તિશાળી હોતાં નથી.
છેલ્લો વિકલ્પ એ રહે છે કે સેલફોનનાં વિકિરણો માનવશરીરમાં આયનીકરણ કર્યા વિના, બીજી કોઇ તરકીબથી મગજ પર અસર કરતાં હોય. અમેરિકન સંશોધક નોરા વોલ્કોવે ૪૭ લોકો પર એવો પ્રયોગ કર્યો કે એ લોકો સેલફોન પર વાત કરતા હોય ત્યારે ખાસ પ્રકારના બ્રેઇન સ્કેનરથી તેમના મગજની આંતરિક ગતિવિધીનો ચિતાર મળે. તેમાં નોરાને જણાયું કે સેલફોન પર વાત કરતી વખતે માણસના મગજના એટલા વિસ્તારમાં ગ્લુકોઝ એક્ટિવિટી- એટલે કે શર્કરાના ચયાપચયની ક્રિયામાં વધારો થાય છે. પરંતુ આ વધારાને કેન્સર સાથે કશો સંબંધ નથી. કારણ કે ફક્ત સેલફોન પર વાત કરતી વખતે જ નહીં, સંગીત સાંભળતી વખતે કે પ્રિય પાત્રને યાદ કરતી વખતે કે મોગરાનું ફૂલ સુંઘતી વખતે પણ મગજમાં ગ્લુકોઝ એક્ટિવિટી વધી જાય છે.
આ તમામ વિગતોનો નિષ્કર્ષ એટલો કે સેલફોનનાં વિકિરણોથી બ્રેઇન કેન્સર થાય એવી બીક રાખવાની જરૂર નથી.
એનો અર્થ એવો પણ નહીં કે સેલફોનનો બેફામ ઉપયોગ કરવો અને બિનજરૂરી વાતોનાં વડાં કરવાં. ડોક્ટરો એવી પણ સલાહ આપે છે કે લાંબો સમય ફોન પર વાત કરવાની થતી હોય તો હેન્ડ્સ ફ્રી સેટ/ઇયરફોનનો ઉપયોગ કરવો. રાત્રે સેલફોન ઓશિકા પાસે (માથાની નજીક) રાખીને સુઇ જવું નહીં- આ બધાં અગમચેતીનાં પગલાં છે. તે લેવાય તો ઉત્તમ, પણ કોઇ કારણસર એ ન લઇ શકતા લોકોએ બ્રેઇન કેન્સરનું ટેન્શન રાખવાની જરૂર નથી- અત્યાર લગીનાં સંશોધનોના આધારે તો નહીં જ!
Labels:
cancer,
cell phone,
health
Subscribe to:
Post Comments (Atom)
very nice and informative.. thanks....
ReplyDeleteDear urvishbhai. First of all,Thank you very much for giving such a knowledgeble article.I am sure it gives important information to cellphone users.you are superb columnist.ur articles covers huge subjects.you are my favourite writer.keep your high standard for ever.good luck my friend.
ReplyDeleteહાઆ...........શ
ReplyDeleteભગવાન તમારુ ભલુ કરે.... ;-)
Urvish, I bought the book 'Emperor of all Maladies' by Dr Siddhartha Mukherjee. An excellent book on Cancer....a rarity on medical book really.
ReplyDelete