Monday, October 03, 2016

‘વુમન ઓફ રોમ’ના ગુજરાતી અનુવાદનો વિવાદ

(full piece)
સાહિત્યમાં શ્લીલ કોને કહેવાય ને અશ્લીલ કોને કહેવાય, શું ક્લાસિક છે ને શું વાંચવાથી સમાજ બગડી જશે, વાસ્તવિકતાનું નિરૂપણ કેટલી હદે કરી શકાય અને એવું નિરૂપણ સાહિત્ય કહેવાય કે નહીં—આવા અનેક સવાલ સાહિત્યજગતમાં દાયકાઓથી ચર્ચાતા રહ્યા છે. મંટો અને ઇસ્મત ચુગતાઇ જેવાં મહાન સાહિત્યકારોની વાર્તા પર અશ્લીલતાના મુકદ્દમા ચાલ્યા. ગુજરાતીમાં ચંદ્રકાંત બક્ષીની વાર્તા કુત્તી પર ચાલેલો મુકદ્દમો અતિ જાણીતો છે. (અલબત્ત, કોઇ પણ કૃતિની મહાનતાનું મૂલ્યાંકન તેની પર ચાલેલા મુકદ્દમા પરથી નહીં, તેમાં થયેલા માનવીય મૂલ્યોના સાહિત્યિક નિરૂપણથી જ કરવું)

આઝાદી પછી તરતના અરસામાં, ગુજરાત મુંબઇ રાજ્યનો ભાગ હતું ત્યારે, સ્ત્રી નવલકથા પર ચાલેલો કેસ ઐતિહાસિક કહેવાય એવો હતો. કારણ કે તેમાં યુવાન લેખિકા જયા ઠાકોર સહિત સંબંધિત લોકોની કામચલાઉ ધરપકડ થઇ હતી અને રાજકારણીઓને વચ્ચે નાખીને માફી માગીને પતાવટ કરવાને બદલે, તેમણે અદાલતમાં લડી લેવાનો જુસ્સો દેખાડ્યો હતો. ગયા સપ્તાહે નોંધ્યા પ્રમાણે, સ્ત્રી એ વિખ્યાત ઇટાલિયન નવલકથાકાર આલ્બર્ટો મોરેવીઆની નવલકથા વુમન ઓફ રોમનો ગુજરાતી અનુવાદ હતો. રવાણી પ્રકાશનના તારાચંદ રવાણી અને જયંતિ દલાલ, ધનવંત ઓઝા જેવા તેમના સાથીદારોએ વિશ્વસાહિત્યની ચુનંદી કૃતિઓ ગુજરાતીમાં રજૂ કરવાનું વિચાર્યું, ત્યારે વુમન ઓફ રોમનો અનુવાદ કરાવવાનું પણ ઠર્યું. સામાન્ય ગૃહિણીજીવન ઝંખતી એક કિશોરીને બીજા વિશ્વયુદ્ધ પછીના ઇટાલીમાં કેવી રીતે દેહવ્યાપારના વ્યવસાયમાં સંકળાવું પડે છે અને સંકળાયા પછીના તેના મનના પ્રવાહ વા છે, તે આ નવલકથાનું મુખ્ય વિષયવસ્તુ હતું. તેમાં કેટલાંક વર્ણન ભારતીય-ગુજરાતી રૂઢિચુસ્ત માનસિકતાને હળવો આંચકો આપી શકે એવાં હતાં. પરંતુ કળાત્મકતા માટે જરૂરી હોય એટલું આવી જાય અને એ ગલગલિયાંપ્રધાન ન બને, તે માટે એમ.એ. થયેલાં જયાબહેનને આ અનુવાદ સોંપવામાં આવ્યો.
Jayaben Thakore / જયાબહેન ઠાકોર
જયાબહેને શિષ્ટ ભાષામાં અનુવાદ કર્યો. તેમ છતાં, 1954માં પુસ્તક પ્રગટ થયા પછી તેની સામે (મોરારજી દેસાઇના મુખ્ય મંત્રીપદ હેઠળની) મુંબઇ સરકારે વડોદરામાં કેસ કર્યો. પુસ્તકમાં ત્રણ ઠેકાણે નિરૂપણો અશ્લીલ હોવાની ફરિયાદ હતી. કોર્ટમાં કેસ ચાલ્યો ત્યારે જુદી જુદી વિચારધારા ધરાવતા ચાર સાહિત્યકારોએ અદાલતમાં સ્ત્રીની તરફેણમાં જુબાની આપી. : ગાંધીવાદના રંગે રંગાયેલા ઉમાશંકર જોશી, સમાજવાદી જયંતિ દલાલ,મુક્ત-મસ્ત ચંદ્રવદન ચી. મહેતા અને વડોદરાના માર્કસવાદી શિક્ષક શાંતારામ સબનીસ. આ પુસ્તકનું નામ રોમની નારી હોવું જોઇતું હતું એવું સૂચવનાર ઉમાશંકરે પુસ્તકનો સમર્થ બચાવ કર્યો. પુસ્તકનો પ્રધાન ધ્વનિ માનવતાવાદી છે. કૃતિ અશ્લીલ છે કે નથી તેનો નિર્ણય સમગ્ર કૃતિને લક્ષમાં લઇને જ આપવો જોઇએ. જે ખંડો સામે તહોમત મુકાયું છે તેમાંનું લખાણ અશ્લીલતાની છાપ ઉપસાવતું નથી...એ કામજીવનની વાત કરે છે એ કારણે જ એ ભ્રષ્ટ કરનારી કે અવનત કરનારી કૃતિ કહેવાય નહીં.

ચારેય સાહિત્યકારોએ આ કૃતિને વાસ્તવલક્ષી ગણાવી. ચં.ચી.મહેતાએ ગુજરાતી સાહિત્યનાં ઉદાહરણ યાદ કરતાં કહ્યું, નરસિંહ મહેતાકૃત સુરતસંગ્રામ આ કૃતિ કરતાં ઘણી વધુ કામોત્તેજક છે. ગુજરાતી સાહિત્યના આરંભકાળથી આ સ્વરૂપનું સાહિત્ય રચાતું રહ્યું છે. દયારામે કૃષ્ણ અને રાધાના પ્રેમનું આલેખન કર્યું છે. ફક્ત અમુક ટુકડાને અલગથી જોઇને કૃતિ શ્લીલ છે કે અશ્લીલ એ નક્કી ન થાય, આ વાત પણ જુબાનીમાં સામાન્યપણે ઉપસી. જયંતિ દલાલે કહ્યું, અશ્લીલતા ગ્રામ્યતાથી ભિન્ન છે. કોઇ લખાણ આંચકો આપે એવું હોય કે ઘૃણાજનક હોય તે અશ્લીલ પણ હોય એવું નથી. ચિત્તને ભ્રષ્ટ કરે અને નીતિને અવનત કરે તે અશ્લીલતા કહેવાય. કૃતિની અશ્લીલતા કે શિષ્ટતા અંગે નિર્ણય કરવામાં તેના વાચક ઉપરના પ્રભાવને લક્ષમાં લેવો પડે. આ ધોરણે સ્ત્રી અશ્લીલ નથી.

Gujarati translation of 'Woman of Rome'
જાહેર જીવન સાથે ગાઢ નાતો ધરાવતા જયંતિ દલાલે તો એટલે સુધી કહ્યું કે લગ્નવિચ્છેદના મુકદ્દમાઓમાંથી, સ્ત્રીઓના આપઘાતોમાંથી અને ગુજરાતની સ્ત્રીઓનાં દુઃખી સામાજિક જીવનમાંથી મને લાગ્યું કે ઇટાલીમાં જેવી પરિસ્થિતિ હતી એવી જ પરિસ્થિતિ ગુજરાતમાં છે. સ્ત્રીનું પુરુષ ઉપરનું આર્થિક પરાવલંબન ઇટાલી અને ગુજરાતની સ્ત્રીઓનું એક સમાન લક્ષણ છે. લગ્ન કરવાનું ગુજરાતમાં વિકટ નથી, પણ સુખમય જીવનમાં સ્થિર થવાનું વિકટ છે...

સાહિત્યકારો તો જાણે સાહિત્યકાર હતા, પણ વડોદરા જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ડી.જે.દવેએ સ્ત્રી સામેના આરોપો ફગાવી દેતાં યાદગાર (છતાં ભૂલાઇ ગયેલો) ચુકાદો આપ્યો. ફ્રોઇડના આગમન પછી સ્ત્રી-પુરુષ સંબંધોની ચર્ચાની ધરી બદલાઇ છે અને જાતીય પ્રશ્નના જ્ઞાનનો પ્રસાર ખુદ સરકાર કરે છે, તેનો ઉલ્લેખ કરીને ન્યાયાધીશે કહ્યું, નગ્ન સ્ત્રીનું ચિત્ર કે જાહેર ઉદ્યાનમાં એવી શિલ્પપ્રતિમા નગ્ન હોવાને કારણે જ અશ્લીલ નથી...લૈંગિક સંબંધ વિશેની બધી વાતને ભયજનક લેખવાની વિક્ટોરિયન જમાનાની મનોદશા હવે ચાલે નહીં. એ મનોદશા, ઓછામાં ઓછું કહીએ તો યે, આજના જમાનામા સાહિત્યની વાસ્તવવાદી દૃષ્ટિ સાથે બંધ બેસતી નથી અને સમય સાથે તાલ મિલાવતી નથી.

અત્યારે ઇન્ટરનેટ અને ગ્લોબલાઇઝેશનનો હવાલો આપવામાં આવે છે. સાઠ વર્ષ પહેલાં ન્યાયાધીશે રશિયાના સ્પુતનિક ઉપગ્રહથી ખુલી ગયેલાં ક્રાંતિનાં દ્વારનો ઉલ્લેખ કરીને કહ્યું, સ્પુતનિકના જમાનામાં જગત સાંકડું બની ગયું છે અને અંતર હવે માનવી માનવીને વિખુટાં પાડી શકતું નથી...ઇટાલીમાં જે બને તેની અસર ભારત ઉપર નહીં પડે એમ યથાર્થપૂર્વક કહી શકાય એમ નથી. આખી કૃતિ વાંચીને પછી ચુકાદો આપનારા ન્યાયાધીશે ચોટદાર શબ્દોમાં કહ્યું, દુર્ગુણ-નમ્રતાને સદગુણ લેખે ખપાવતી અથવા સામાન્ય ચિત્તમાં કામવૃત્તિ ઉત્તેજતી આ કૃતિ નથી એવું મારું મંતવ્ય છે. આવી કલાકૃતિમાં સૌંદર્યને બદલે બદસુરતી જોનારાઓની દૃષ્ટિ જ દોષથી ભરેલી છે. અવ્યવસ્થિત કે રોગીષ્ટ ચિત્ત ઉપર આવી કૃતિની અસર માપવાનો કોઇ માર્ગ નથી અને એવાં ચિત્ત ઉપરની અસરના આધારે જો સાહિત્યકૃતિઓનું મૂલ્યાંકન કરવાનું હોય તો આપણા સમગ્ર સાહિત્યમાં થોડીક નીરસ અને શુષ્ક કૃતિઓ જ બાકી રહે...

પછીનાં વર્ષોમાં લાગણીદુભાવ કાયમી કસદાર ધંધો બની ગયો અને તેને રાજકારણ તરફથી આશ્રય મળ્યો. પરિણામે પુસ્તકો પર પ્રતિબંધ મૂકતાં પહેલાં ધોરણસરની ચર્ચાવિચારણા પણ અનાવશ્યક બની ગઇ. પરંતુ સ્ત્રીના ચુકાદામાં ન્યાયાધીશે ભારપૂર્વક કહ્યું હતું, ભારતની સાહિત્ય અકાદમી જેવી સાહિત્યસંસ્થાઓનો અભિપ્રાય અનુકૂળ હોય તો જ સરકાર લેખકો સામે અશ્લીલતાના આરોપસર કામ ચલાવી શકે (એવું હોવું જોઇએ). સરકાર તરફની ફરિયાદનું સમર્થન કોઇ સમર્થ સાહિત્યકારની જુબાની દ્વારા ન થાય અને અનિષ્ણાત અભિપ્રાયને આધારે લેખક સામે કામ ચલાવવામાં આવે, તેથી જાહેર સમયનો બિનજરૂરી વ્યય થાય છે અને લેખકને—જે હાડમારીથી તેને બચાવી શકાય તેવી—હાડમારી ભોગવવી પડે છે.

અદાલતમાંથી નિર્દોષ સાબીત થયા પછી સ્ત્રીને 1959માં ફરી છાપવામાં આવી. તેમાં ધનવંત ઓઝાએ અદાલતી કાર્યવાહીની અને બીજી વિગતો આપીને, કેસ નિમિત્તે આ મહત્ત્વની ચર્ચા ઊભી થયાનો આનંદ વ્યક્ત કર્યો. એ આવૃત્તિમાં જયાબહેન ઠાકોરનું નિવેદન ગરીમા માટે યાદ રહી જાય એવું છેઃ માનવતાની મુક્તિને કાજે ઝઝૂમનારાંઓને કદીક આરોપી બની પિંજરામાં ઊભા રહેવું પડે છે. મને પણ એવી તક મળી એ બદલ હું ગૌરવ અનુભવું છું અને એ ગૌરવ અપાવનાર ફરિયાદપક્ષનો આભાર માનું છું.
(લેખનો પહેલો ભાગઃ http://urvishkothari-gujarati.blogspot.com/2016/09/blog-post_26.html )

4 comments:

  1. જયાબેન ઠાકોરને શત-શત વંદન. અન્ય સાહિત્યકારોને અભિનંદન. વડોદરાના તે સમયના મેજીસ્ટ્રેટ શ્રી ડી. જે. દવે જેવા ન્યાયાધીશો હવે મોટાભાગે ઇતિહાસના પીળા પડી જતા પાનાઓમાં સમાઈ ગયા છે. જે ન્યાયાધીશથી પ્રેરાઈને હું પોતે "વકીલાત" કરવા પ્રેરાયો, એવા શ્રી બી. લેન્તીન (ભક્તાવર લેન્તિન સાહેબ, મુંબઈ હાઈકોર્ટ, કે જેમણે એ. આર. અંતુલેને પાઠ ભણાવેલો અને જે. જે. હોસ્પીટલના ભેળસેળવાળી દવાઓને કારણે નિપજેલા ૧૪ મૃત્યુના પંચ તરીકે ખુબજ આગવી કામગીરી કરેલી, એવા ન્યાયાધીશો ક્યાં!? હવે તો સરકાર કેવડો મોટો અને ક્યાં જમીનનો પ્લોટ આપે છે એવું પૂછતાં ન્યાયાધીશોનો જમાનો આવ્યો છે અને એવા જજો હાઈકોર્ટમાં બેઠા છે....જ્યાં ગાંધીના ખૂની નું "મંદિર" ૨ ઓક્ટોબર ૨૦૧૬માં બને એવી જગ્યાએ "આશા" શબ્દ અસ્થાને હોય એવું લાગે. આખરે, શ્રી ઉર્વીશભાઈ જેવા એકાદ-બે તારલાના અજવાળે લાંબી રાત્રી કાઢી નાખવાની હિંમત થાય. આભાર ઉર્વીશભાઈ, આ લેખથી અમારા જેવાને આ કેસ બાબતે જણાવવા માટે. - હિમાંશુ ત્રિવેદી, ઓકલેન્ડ, ન્યુઝીલેન્ડ

    ReplyDelete
    Replies
    1. Anonymous5:38:00 PM

      Thank you Himanshubhai, thank you Urvishbhai, for such a historical information

      Delete
  2. Anonymous12:37:00 PM

    બહુ સુંદર લેખ છે. આજે તો "ક્લાસ" ને બદલે "મોબ"નો જમાનો આવી ગયો છે. આવડા મોટા દેશમાં એકાદ રાજકારણી કે નેતાને શુરાતન ચડે કે કોઈ ચડાવે, બસ વિરોધ કરવા નીકળી પડે. આ ટોળામાં મોટા ભાગના એવા ભાડુતી લોકો હોય છે, જેમને શા માટે વિરોધ કરે છે તેની ખબરજ ન હોય, માત્ર થોડા પૈસા મળે એટલે હાથમાં ઝંડા કે ડંડા લઈને નીકલી પડે.

    અને ખરી વાત છે, અત્યારે આવા સંનિષ્ઠ ન્યાયાધીશોજ રહ્યાં નથી અને જો સરકાર વિરુધ્ધ જો કોઈ ચુકાદો આપે તો કાયદો તો બદલી જાય, ન્યાયાધીશને પણ વખારમાં નાંખી દયે.

    મનસુખલાલ ગાંધી, U.S.A.

    ReplyDelete