Wednesday, August 13, 2014

પાઠ્યપુસ્તક મંડળનું ‘તેજોમય ભારત’ : જ્ઞાન, ગૌરવ અને જૂઠાણાંની અફીણી ભેળસેળ

‘૧૫ ઑગસ્ટ, ૧૯૪૭ના રોજ ભારત આઝાદ થયું ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત થયું, પણ એ ત્રણ ભાગમાં વિભાજિત થયું- પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન (અફઘાનિસ્તાન સહિત) અને શેષ ભારત.’

મોટા ભાગના લોકો જાણતા હશે કે અફઘાનિસ્તાન તો ભારતના ભાગલા પહેલાંના સમયથી અલગ, સ્વતંત્ર દેશ હતો. એટલે ભારતના ભાગલા થયા ત્યારે અફઘાનિસ્તાન પણ ભારતથી છૂટું પડી ગયું, એવું કેવી રીતે કહી શકાય?

પરંતુ ગુજરાત પાઠ્યપુસ્તક મંડળના સત્તાવાર પૂરક વાચનમાં સ્થાન પામેલું પુસ્તક ‘તેજોમય ભારત’ આવું જ કહે છે. (પૃ.૪૯)

કારણ? આ પુસ્તક અસલમાં સંઘ પરિવારની શિક્ષણસંસ્થા ‘વિદ્યાભારતી’ દ્વારા તૈયાર કરાયું હતું. તેના ‘નિષ્ણાતો’ એવા કેફમાં છે કે ‘પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, તિબેટ, બ્રહ્મદેશ અને શ્રીલંકા પણ અખંડ ભારતના જ ભાગ છે.’ એટલું જ નહીં, ‘શાશ્વત સત્ય ‘અખંડ ભારત’ જ છે. એ માત્ર સ્વપ્ન નહિ, કૃતિ બનીને રહેશે. અખંડ ભારત પહેલાં ભાવનાની ભૂમિ પર આકાર લેશે અને પછી ભૂગોળની ભૂમિ પર સાકાર થશે..’(પૃ ૫૧)

આવી સામગ્રી ધરાવતા પુસ્તકને ગુજરાત પાઠ્યપુસ્તક મંડળ ‘પૂરક વાચન’માં સત્તાવાર સ્થાન આપે અને તેની હજારો નકલ સરકારી નિશાળોમાં મફત વહેંચે, ત્યારે આપણે નક્કી કરવાનું છે : બાળકોને જ્ઞાનનું અમૃત આપવું છે કે પછી બાળકોને રમેશ પારેખના અમર પાત્ર આલા ખાચરની જેમ, વાસ્તવિકતા ભૂલાવીને મિથ્યા ગૌરવના અફીણમાં ડૂબાડી દેવાં છે?

નમૂનેદાર ‘જ્ઞાન’

શૂન્યનો પ્રયોગ :  તત્કાલીન મુખ્ય મંત્રી મોદીએ પૂરક વાચનના અન્ય પુસ્તક ‘વૈદિક ગણિત’માં પોતાના સંદેશમાં લખ્યું છે,‘વિશ્વભરને ગણતરી માટે સહુથી મહત્ત્વપૂર્ણ એવા શૂન્યની ભેટ ભારતના શ્રી આર્યભટ્ટે આપી છે.’

‘તેજોમય ભારત’માં આર્યભટ્ટની સિદ્ધિઓમાં શૂન્યનો ઉલ્લેખ કર્યો નથી. (પૃ.૫૮) તેમાં આર્યભટ્ટના સમયગાળા કરતાં સદીઓ બલકે હજારો વર્ષ પહેલાં થયેલા એક ૠષિને શૂન્યના ઉપયોગ સાથે સાંકળવામાં આવ્યા છે. ‘આંકડાની પાછળ શૂન્ય લગાવીને લખવાની પ્રક્રિયાના શોધક ગૃત્સમદ નામના ૠષિ હતા. ૨૦,૦૦૦ વર્ષ પહેલાં દુષ્યન્ત-શકુંતલાના જમાનામાં થઇ ગયા.’ (પૃ.૫૬)

સવાલ : મુખ્ય મંત્રીએ ‘સંદેશ’માં જણાવ્યા પ્રમાણે આર્યભટ્ટે શૂન્યની ભેટ આપી હતી? એ વિશે ‘તેજોમય ભારત’ના સંપાદકોને શું કહેવાનું છે?

વઘુ મહત્ત્વનો મુદ્દો. ૨૦ હજાર વર્ષ પહેલાં માનવવિકાસમાં પાષાણયુગ ચાલતો હતો. એ સમયમાં દુષ્યન્ત-શકુંતલા અને ગુત્સમદ ૠષિ થઇ ગયા અને તેમણે આ પ્રદાન કર્યું, એવું કયા આધારે લખવામાં આવ્યું છે? અને ૨૦ હજાર વર્ષ પહેલાં માનવ ઇતિહાસમાં બીજું શું ચાલતું હતું તેનો કંઇ અંદાજ લેખકોને છે?

રામસેતુ : ‘રામાયણકાળમાં સાગર પાર કરી લંકા સુધી પહોંચવા માટે વાનરજાતિના બે કુશળ ઇજનેર નલ અને નીલે સાગર પર સેતુનિર્માણનું કાર્ય કરેલું...આ રામસેતુ રામેશ્વર દ્વીપથી શરૂ કરી મન્નાર ખાડી થઇ શ્રીલંકાના કિનારા સુધી બનાવ્યો હતો. તેની લંબાઇ ૩૦ માઇલ હતી. શ્રીરામે જે સાગરસેતુ બનાવ્યો હતો તે આજે પણ ભગ્નાવસ્થામાં અસ્તિત્ત્વ ધરાવે છે...આજે ભલે વર્તમાનયુગમાં પુલ-નિર્માણ કલા ચરમસીમા પર પહોંચી હોય, વિશ્વમાં અનેક અદ્‌ભૂત અને વિશાળ પુલ બન્યા છે, બને છે, પરંતુ સાગર પર સેતુ બનાવવાની કલ્પના ભારત સિવાય દુનિયામાં કોઇએ કરી નથી. ત્યારે ભારતે ૧૭,૫૦,૦૦૦ વર્ષ પહેલાં સાગરસેતુનું નિર્માણ કરી નાખ્યું છે. તે જ આપણા દેશની વિશેષતા છે... દુર્ભાગ્ય એ છે કે આવા અતિ પ્રાચીન અને ઐતિહાસિક મહત્ત્વ ધરાવતા રામસેતુને નષ્ટ કરવા કેટલાંક પરિબળો સક્રિય બન્યાં છે. ભારતની અસ્મિતાના આવા ગૌરવપૂર્ણ અવશેષને બચાવવા આપણે શું કરી શકીએ? બાળમિત્રો. અવશ્ય વિચારજો.’

સવાલ : વિચારવાનું તો આપણે છે કે બાળકો સમક્ષ, જ્ઞાનના નામે ગૌરવઘેનમાં ઝબોળેલાં જૂઠાણાં પીરસતી આ સામગ્રીનું શું કરવું?

આંખ મીંચીને પ્રાચીનતાનું ગૌરવ લેવા નીકળેલા લોકોને વર્ષોની ગણતરીમાં કશો ધડો રાખવાપણું લાગતું નથી. ‘પ્રાગૈતિહાસિક’ તરીકે ઓળખાતો યુગ પણ બે લાખ વર્ષથી શરૂ થાય છે. સૌથી પ્રાચીન ગણાતા ૠગ્વેદનો કાળ  ઇ.સ. પૂર્વે ૩૫૦૦થી ઇ.સ.પૂ. ૨૭૦૦ સુધીનો એટલે કે લગભગ પાંચેક હજાર વર્ષ પહેલાંનો ગણાય છે. ત્યારે ‘રામાયણ’નો કથિત પુલ સાડી સત્તર લાખ વર્ષ પહેલાં ક્યાંથી બન્યો હોય? ધારો કે એ કુદરતી રચના સાડી સત્તર લાખ વર્ષ જૂની હોવાનું વૈજ્ઞાનિક રીતે સાબીત થાય, તો એનો અર્થ એટલો જ કે એ ‘રામસેતુ’ નથી.

પ્રો.નગીનદાસ સંઘવીએ ‘રામાયણની અંતર્યાત્રા’ પુસ્તકમાં વાલ્મિકી રામાયણનો હવાલો આપીને જણાવ્યું છે કે લંકા સુધી પહોંચવા માટે સમુદ્ર પર પુલ બાંધવાનો કોઇ પ્રશ્ન જ ન હતો. કારણ કે માર્ગમાં સમુદ્ર હતો જ નહીં. જેમાંથી ચાલીને જઇ શકાય એટલું છીછરું પાણી હતું. પુરાતત્ત્વવિદ્‌ હસમુખ સાંકળિયાએ ‘રામાયણ’માં સૂચવાયેલી લંકા તે શ્રીલંકા નહીં, પણ મઘ્ય ભારતમાં આવેલો એક પ્રદેશ છે, એવું વિસ્તૃત સંશોધન રજૂ કર્યું હતું.

આમ, ‘રામાયણ’ સાથે જેને કશો સંબંધ ન હોઇ શકે એવી, સાડી સત્તર લાખ વર્ષ પહેલાંની રચનાને ‘રામસેતુ’ તરીકે ખપાવી દેવી અને તેના બચાવની ધીક્કારઝુંબેશમાં બાળકોને સાંકળવાનો પ્રયાસ કરવો, એ ‘તેજોમય ભારત’ના કહેવાતા જ્ઞાનનો અસલી ચહેરો છે.

પરમાણુશક્તિ : ‘આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પહેલાં વૈશેષિક દર્શનના કર્તા કણાદ મુનિ અણુ અને પરમાણુના પુરસ્કર્તા છે....તમને પ્રશ્ન થતો હશે કે ભારતીય સાહિત્યમાં પરમાણુ વિશે આટલું અજોડ જ્ઞાન પડેલું હોવા છતાં આ શોધ પાશ્ચાત્ય વિજ્ઞાનીઓનાં નામે કેમ? પરમાણુશક્તિને કારણે અમેરિકા, રશિયા કેમ મહાસત્તા બન્યાં હશે? તેનું પણ કારણ છે. ભારતીય જ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ કરતું વૈદિક સાહિત્ય ભારતમાંથી જર્મનીમાં પહોંચ્યું. એ જ સમયે જર્મનીમાં સંસ્કૃતનાં ૧૨ વિશ્વવિદ્યાલય સ્થપાયાં હતાં. એટલું જ નહીં, પણ જર્મન લોકોએ આ સાહિત્યના આધારે અણુ ટેકનોલોજીનો સારો એવો અભ્યાસ કરેલો હતો. પરંતુ બીજા વિશ્વયુદ્ધ પછી જર્મનીનું પતન થયું ત્યારે રશિયા અને અમેરિકાની બે મહાસત્તાઓએ જર્મનીના ભાગલા કર્યા અને બર્લિનના પણ ભાગલા કર્યા. સાથે ત્યાંના વૈજ્ઞાનિકોને પણ બન્નેએ વહેંચી લીધા. આ વૈજ્ઞાનિકોએ જર્મનીમાંથી ગયા પછી ભારતના વૈદિક સાહિત્યનો અભ્યાસ કર્યો. તેના આધારે અણુ ટેકનોલોજીનો વર્તમાન વિજ્ઞાનની પરિભાષામાં વિકાસ કર્યો અને તેના આધારે રશિયા અને અમેરિકા મહાસત્તા બન્યાં. (પૃ.૬૦)

સવાલ : કણાદ મુનિને બાદ કરતાં બાકીની વાર્તા લખવા માટે અસાધારણ હિંમત કે બેશરમી જોઇએ. પરમાણુશક્તિનો સ્રોત આઇન્સ્ટાઇનના પ્રખ્યાત સૂત્ર (ઇ બરાબર એમસીસ્ક્વેર)માં રહેલો છે- અને આ વાત આઇન્સ્ટાઇન જર્મનીના કોઇ સંસ્કૃત વિશ્વવિદ્યાલયમાં શીખ્યા ન હતા, એ જાણીતી વાત છે. અમેરિકા બીજા વિશ્વયુદ્ધ વખતે પરમાણુશક્તિ બની ચૂક્યું હતું. તેણે જાપાનનાં બે શહેર પર ઝીંકેલા પરમાણુબોમ્બથી બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો એ પણ જાહેર છે.  છતાં આવું લખીને ગૌરવ માટે ઝાવાં નાખવાં એ આત્મવંચનાભર્યા મિથ્યાભિમાન ઉર્ફે ‘આલા ખાચરીઝમ’નો તેજોમય નમૂનો છે. આવાં ઉદાહરણ ઠેરઠેર મળી આવે છે. જેમ કે,

અમેરિકામાં ૩૮ ટકા ડોક્ટરો ભારતીય, ૧૨ ટકા વિજ્ઞાનીઓ ભારતીય, નાસાના ૩૬ ટકા વિજ્ઞાનીઓ ભારતીય, માઇક્રોસોફ્‌ટમાં ૩૪ ટકા ભારતીય, આઇબીએમમાં ૨૮ ટકા ભારતીય....આમ આ લોકો ભારતીય હોવા છતાં, યુએસએ જેવા દેશમાં ઉચ્ચ હોદ્દા પર સ્થાન ધરાવે છે તેનું કારણ આ ભારતીયોની બુદ્ધિપ્રતિભા છે. (પૃ.૭૪)

સવાલ : અમેરિકામાં ભારતીયોની ટકાવારીવાળો ફોરવર્ડ ઇ-મેઇલ વર્ષોથી ફરે છે, પરંતુ તેનો કોઇ આધાર નથી. ‘નાસા’ સહિતની બીજી કોઇ સંસ્થાએ આવા કોઇ આંકડા બહાર પાડ્યા હોય એવું જાણમાં નથી. પરંતુ ગૌરવ માટે તરફડીયાં મારનારને શી ફિકર? પ્રાચીન હસ્તપ્રત હોય કે ફોરવર્ડેડ ઇ-મેઇલ, જે હાથે ચડે તેનાથી ગૌરવની ચલમ ફૂંકવા બેસી જવાનું.

આ પ્રકારની માનસિકતાને કારણે સૌથી વઘુ અન્યાય ભાસ્કરાચાર્ય, આર્યભટ્ટ, બ્રહ્મગુપ્ત, કણાદ મુનિ જેવા વિદ્વાનોને થાય છે. તેમના નક્કર પ્રદાનમાં ગૌરવઘેલાઓ પોતાના તરંગો પ્રમાણેની ભેળસેળ કરે છે અને મૂળ જ્ઞાનને શંકાના દાયરામાં લાવી મૂકે છે. એવી જ રીતે, બધી શોધો ભારતમાં થઇ હતી, એવું માનતા મુગ્ધો પણ ફિક્શન અને સાયન્સ ફિક્શન વચ્ચેનો સાદો ભેદ પારખી શકતા નથી. કોઇ ચીજની કલ્પના થવી, તેનું વિગતવાર, ઝીણવટભર્યું છતાં કાલ્પનિક વર્ણન થવું અને તેની વૈજ્ઞાનિક રચના-કાર્યપદ્ધતિ સમજાવવી એ બન્ને જુદી બાબતો છે. ‘રામાયણ’માં ‘પુષ્પક’ વિમાન આવે, પણ તે કેવી રીતે ઉડ્યું તેનો ખુલાસો ન હોય, જ્યારે જુલ્સ વર્નની વાર્તામાં આવતા વિમાન કે હેલિકોપ્ટર કે સબમરીનની આખી વૈજ્ઞાનિક રચના સમજાવેલી હોય.

જ્ઞાનના સાચા વારસદાર હોય તે ઊંડો અભ્યાસ કરીને, પ્રાચીન જ્ઞાનની આંટીધૂંટી ઉકેલીને, તાર્કિક-વૈજ્ઞાનિક ઢબે તેને વિશ્વ સમક્ષ મૂકી આપે અને જ્ઞાનને બદલે ‘ગૌરવ’માં અને તેની પ્રદૂષણકારી માનસિક અસરોમાં રસ ધરાવનારા?

એ ‘તેજોમય ભારત’ જેવાં પુસ્તકો લખે- વહેંચે. 

7 comments:

  1. I am completely shocked. Can not even write even there is lot in mind

    ReplyDelete
  2. Oh please, someone stop these maniacs! This is beyond belief and beyond grief! Urvish, I am glad that you have actually gone through Batra's rubbish and written about it in some detail here. Only now can one understand how absurd their scheme is and to add insult to injury, this crap is what is being lauded by our Super Prime Minister in the foreword.

    ReplyDelete
  3. http://rutmandal.info/guj/2010/07/modernindia/

    ReplyDelete
  4. આજે સ્વાતંત્રતા દિવસની યાદ.

    આઝાદી પછી લોકોની - લોકો વડે - લોકો માટે ચાલતી સરકાર છે. આપણી જ આ સરકાર છે...

    આદરણીય શ્રી ઉર્વીશભાઇઅે મનોમંથન અને સચોટ તાર્કીક દલીલો દ્વારા સત્ય ઉજાગર કરવાના કરેલા આ પ્રયાસ બદલ આપણી સરકાર કોઇક સુધારા આ પુસ્તકની આગામી આવૃત્તિમાં કરશે, એવી આશા રાખી જ શકાય... આશા ના ગુમાવીએ....

    પરંતુ એક પ્રશ્ન વિચાર મૂકી જાય છે કે..આઝાદીછના આટલા વર્ષો પછી આપણે શું ખરેખર જેમ ફાવે તેમ બાળકો માટે પુસ્તકો લખવા અને પ્રસિધ્ધ કરવા જ આઝાદ થયા છીએ...? આ બાબતમાં પ્રજાજન તરીકે જાગૃત થવું જરૂરી લાગે છે...

    ૧૯૪૭ પહેલાં પરદેશી શાસકોની ગુલામી હતી.. આજે તો સ્વદેશી શાસકોથી ચાલતી સરકાર છે. આપણે આઝાદ જ છીએ.. આ આઝાદીના સમયમાં એક આગ અને બળતરા ઉઠે તેવી વાત છે આ !!

    સારી અને ઉજળી આશા રાખવી જ જોઇએ.. પણ વાસ્તવિકતાનો ઇનકાર કેવી રીતે થઇ શકે..?

    ગૌરવા માટે તરફડીયા મારતા શાસકો...આ તે કેવી ઉલઝન ?
    બળતરા ને ચચરાટ આ હૃદયે,
    શૂળ ભોંકાય છે હૃદયે,
    દિશા લગીરે સૂઝતી નથી

    ઉર્વીશભાઇએ સચોટ સત્ય સરસ અને હંમેશની જેમ એકદમ તાર્કીક રીતે રજુ કર્યું છે.. જે કોઇ મિત્રો આ વાંચે તેને વધુને વધુ વહેંચે અને વિચારે અને ....

    ઉર્વીશભાઇને સલામ..

    ReplyDelete
  5. બીજું આપાણા પુર્વજો સાદગીપ્રધાન અને પ્રકૃતિના પુજારી હતા. પર્યાવરણને પોતાના બાપની જાગીર સમજતાં ન હતા બલ્કે પ્રકૃતિની સંભાળ લેનારા અને તેની પુજા કરનારા હતાં. યુરોપિયન સભ્યતાની જેમ ભોગવાદી મનોવૃત્તિવાળા ન હતાં. પર્યાવરણનુ અહિત કરીને જલ્સા કરવાની મનોવૃત્તિ એમનામાં ન હતી. તેમ છતાં આપણા દેશમાં દરેક પ્રકારની કલાઓ, ઔષધ ચિકિત્સા, ઈજનેરી, આર્કીટેક્ચર, પ્લાસ્ટિક સર્જરી વગેરેના વિશ્વવિદ્યાલયો પણ હતાં. નાલંદા, તક્ષશિલા, વગેરે તેના ઉદાહરણો છે. તક્ષશિલાનુ પુસ્તકાલયમાં કરોડો કિંમતી હસ્ત્તપ્રતો હતી જે આક્રમણખોરોએ હુમલો કરીને છેનવી લઈને સળગાવી દીધી હતી. ત્યારબાદ જે ગ્રંથ હતા તેમાં પણ મેક્સમુલર જેવા વ્યક્તિ કે જે કદી ભારત આવેલો જ નહીં તેણે ચેડા કરીને આપણને પધરાવી દીધા છે જે ભણીને હવે આપણી બુધ્ધિ ભ્રષ્ટ જ થવાની છે. આર્યભટ્ટ સંહિતામાં વર્ણવેલા નવ ગ્રહો અને શનીના સાત ઉપગ્રહો ઉપરાંત એકપણ વધારાનો ગ્રહ કે ગુરૂનો ઉપગ્રહ હજી સુધી શોધાયેલ નથી મતલબ કે એ જમાનામાં એમની પાસે કોઈક તો ટેક્નોલોજી હશે જ. આ ઉપરાંત તેમાં પૃથ્વી અને સુર્ય-ચંદ્ર વચ્ચેનુ અંતર અને તેના ઉપરથી દિવસ , તારીખ, વાર, સમય, સેક્ન્ડ, ચોઘડિયુ, પંચાગ વગેરેની રચના છે જે સનાતન સત્ય છે તેમા કોઈ ફેરફાર નહીં થઈ શકે. હવે આ બધુ કોપરનિક્સના નામે બોલે છે જે ખુબ શરમજનક છે. કોપરનિક્સની પેઢી પણ કદાચ પેદા નહીં થઈ હોય ત્યારનુ આ જ્ઞાન છે.
    આપણા પુર્વજોએ કદાચ ભવિષ્યનુ વિચારી લીધેલ હશે કે ટેક્નોલોજી ના ગેરલાભ શુ હશે તેની તેઓને ખબર જ હશે. ભારત જેવા દેશ માટે ટેક્નોલોજી એ ગરીબી, અસમાનતા , બેરોજગારી, ફુગાવો વધારનારી જ નીવડી છે અને તે સિવાય પર્યાવરણ ને નુકસાન થાય એ અલગ. એટલે દરેક દેશની ટેક્નોલોજી એ ત્યાંના વાતાવરણ તથા ભૌગોલીક પરિસ્થિતિ પ્રમાણે નિર્મિત કરેલી હોય છે અને તો જ તે ટકી શકે છે નહીં તો શું થઈ શકે તે આજે આપણે જોઈ જ રહ્યાં છીએ. પરંતુ આ બધુ તો આપણે કદી ભણ્યા જ નથી
    મારે આપને એક જ સવાલ પુછવો છે કે આપણી સભ્યતા, સંસ્કૃતિનો અભ્યાસક્રમમાં સમાવેશ કરવામાં આવે તો ખોટું શું છે? જે કાર્ય ૬૭ વર્ષ પહેલા કરવાનું હતુ તે આજે સરકારે પહેલ કરી છે તો તેમાં ખોટુ શું છે? ત્રુટિઓ બાબતે માત્ર ટીકા કરવાથી કઈ સરતું નથી. શુ તમે આ બાબતે સરકારને રજુઆત કરેલ છે? જો રજુઆત નથી કરી તો આ રીતે સમાચારપત્રમાં લખવાથી પણ લોકોના માનસ ઉપર ભારતીય સંસ્કૃતિનિ છબી ખરાબ થશે. જો ખરેખર આ ત્રુટીઓ દૂર થઈ જાય તો બાળકોને પહેલીવાર ભારતનો ખરો ઈતિહાસ જાણવા મળશે તે કેમ તમે ભુલો છો અને જેથી કદાચ આ બાળકો અંગ્રેજીયતમાંથી બહાર આવી શકે બાકી તો હજી પણ આપણે ગુલામ જ છીએ અને ગુલામ જ રહેવાના.
    " ભારતીય બનો" " ઈન્ડીયા થી ભારત તરફ આવો" " બી ઈન્ડીયન બાય ઈન્ડીયન"
    સંદર્ભ: http://rajivdixitmp3.com/41-bharat-ki-dunia-ko-den/

    ReplyDelete
  6. આજે આપણે શારીરિક રીતે તો અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ છીએ પણ હજી માનસિક રીતે તો તેઓના તદ્દન ગુલામ જ છીએ. આપે "રામસેતુ" વિશે જે લખ્યું છે તે એક ભારતીય (નહીં કે ઈન્ડીયન) તરીકે જાણીને ખુબ આશ્ચર્ય થાય છે. આપને જણાવી દઉં કે ઋગ્વેદની પહેલાં પણ ભારત હતું. રામાયણ એ ઋગ્વેદ કરતાં પણ અતિપ્રાચીન ગ્રંથ છે. સાડા સત્તર લાખ વર્ષ ગણીએ તો ખોટું પડે પણ સાડા સાત લાખ વર્ષ તો થયાજ છે અને અમદાવાદના એક વૈષ્ણવ મંદિરમા તેમની જ્ન્મપત્રિકા પણ છે. હવે તમે આ બધામાં તો માનશો નહીં એટલે તમને કહીં દઉં કે રામસેતુના સંશોધનમાં NASA નું નિવેદન છેકે રામસેતુ કમસે કમ પાંચ લાખ વર્ષ જુનો છે. બાકી NASA ની પહેલાં દરેક ભારતીય હિન્દુ (સેક્યુલર નહીં તેવો) વ્યક્તિ આ જાણે જ છે. બીજો મુદ્દો એ છે કે એમ માનતાં હોય કે માનવજાતિનુ અસ્તિત્વ માત્ર ૫૦૦૦ વર્ષ પુરાણુ છે. તો એ અંગ્રેજોના સિલેબસની વાત છે બાકી તો ભારત દેશનુ નામ જેના પરથી પડ્યું તે રાજા ભરતને પણ ૮ કરોડથી વધુ વર્ષ થઈ ગયા છે અને ત્યારથી ભારતીય સંસ્કૃતિ , પરંપરા અને સભ્યતા ચાલતી આવે છે. આ અંગે પણ NASA દ્વારા ભારતની માટી અંગેના પરિક્ષણમાં જણાવેલ છે કે આ માટીને હજારો નહીં પણ કરોડો વર્ષો થયા છે. NASAની વેબસાઈટ ઉપર તમે આ જોઈ શકો છો.આ ઉપરાંત NASA દ્વારા મહાભારતના યુધ્ધને પણ સમર્થન આપવામાં આવેલ છે. તે પણ તમે NASA ની વેબસાઈટ ઉપર જોઈ શકો છો.
    હવે જો તમે ભારતીય શાસ્ત્રોને માત્ર કલ્પના જ સમજતાં હોવ અને બધીજ હકીકતો અને શોધો યુરોપની જ દેન ગણતાં હોવ તો તે ખોટી સમજણ છે. અને એક ઉદાહરણ દ્વારા તમને સમજાવી દઉં કે આપણા પુર્વજો કેટલા બુધ્ધિમાન હતાં. હનુમાન ચાલીસાની એક ઉક્તિ છે " જુગ સહસ્ત્ર જોજન પર ભાનુ" મતલબ કે એક જુગ (૧૨૦૦૦ વર્ષ) સહસ્ત્ર (હજાર) જોજન (યોજન = ૮ માઈલ) જેટલા અંતરે ભાનુ (સુર્ય) આવેલ છે મતલબ કે
    युग x सहस्त्र x योजन=पर भानु
    12000x1000x8मील=96000000मील
    1मील=1.6किमी
    96000000 x 1.6 = 1536000000 किमी અર્થાત હનુમાન ચાલીસા અનુસાર પૃથ્વી સુર્યથી ૧૫૩૬૦૦૦૦૦૦ કિમીના અંતરે છે. અને NASA દ્વારા પણ જણાવેલ અંતર તેટલુ જ છે. ફરક માત્ર એટલો જ છે કે આપણા પુર્વજોએ આ અંતર શોધવા કરોડોની ટેક્નોલોજી નથી વાપરી કે નથી વૈભવી ઓફિસો ખોલી અને NASA દ્વારા આજ કાર્ય કરોડો રૂપિયાનો ધુમાડો કરીને કરવામાં આવે તો જ તમે માનો નહીતર તો એ માત્ર ક્લ્પના જ છે એમ જ માનો.
    હવે તમે કહેશો કે તો ભારતમાં ટેક્નોલોજી કેમ નથી વિકસી તો આપણને તેની જરૂર ન હતી. જરૂર પુરતી ટેક્નોલોજી તો હતી જ ભારતમાં. તમને જાણીને નવાઈ લાગશે કે રસી(વેક્સીન) ની શોધ આપણા ભારતમાં થયેલી છે. આવુ હું નથી કહેતો પણ વેકિસનની શોધ કરનાર ડો. ઓલીવરે તેમની ડાયરીમાં લખ્યું છે. તેઓ સને ૧૭૧૦ આસપાસ ભારત આવ્યા હતાં ત્યારે તેમણે ભારતમાં આ જોઈને અહીંથી શીખીને ત્યાં ગયા. આજ રીતે પ્લાસ્ટિક સર્જરીની શોધ કરનાર ડો. થોમસ ક્રુસ પણ તેમની ડાયરીમા કહે છે કે તેઓએ પણ ભારતમાં આવીને જ આ શોધની તાલીમ લીધી હતી. બ્રિટીશ પાલર્મેન્ટના સભ્ય સર જહોન કુટે તેમની ડાયરીમાં ભારતમાં થતી પ્લાસ્ટિક સર્જરીની વિગતો વર્ણવેલ છે. આ ઉપરાંત આજનુ આખુ ગણીત "લીલાવતી" નામક ગ્રંથમાં આવી જાય છે. આખુ ત્રિકોણમિતી અને બીજગણીત "ચરકસંહિતા" મા આવી જાય છે. દુનિયાનુ સૌપ્રથમ વિમાન સને ૧૮૫૫માં ભારતીય મુંબઈના વિજ્ઞાની શિવકર બાપુ તલપદે વિમાન બનાવેલું અને તે પણ ચાલક વગરનુ વિમાન. પરન્તુ તેમાં લુચ્ચા અંગ્રેજોની રેલી બ્રધર્સ નામની કંપનીએ શિવકર બાપુ સાથે ઠગાઈ કરીને ડિઝાઈન પડાવી લીધી. આપણા પુર્વજોની ભૂલમાત્ર એટલી જ છે કે જ્યારે આ બધી વસ્તુઓનુ રજીસ્ટ્રેશન કરાવવાનુ હતુ અને વલ્ડૅ પેટન્ટ લેવાની હતી ત્યારે આપણે અંગ્રેજોના ગુલામ હતાં અને લુચ્ચા અંગ્રેજોએ આપણો ભવ્ય વારસો તેમના નામે નોંધાઈ દીધો. હવે સમય આવે ગયો છે કે આપણે આંતરરાષ્ટ્રીય ધોરણે લડત આપીને આપણી શોધોના નામે વલ્ડૅ પેટન્ટ મેળવવી પડશે. તે માટે એક થવુ પડશે. આ રીતે નિંદા-કુથલી કરીને કોઈનુ ભલુ નથી થવાનુ.

    ReplyDelete
    Replies
    1. ભાઇશ્રી, તમે રામાયણને સાડા સાત લાખ વર્ષ જૂનો ગ્રંથ ગણાવો છો, તેની જન્મપત્રિકા અમદાવાદના એક મંદિરમાં હોવાનું જણાવો છો અને રાજા ભરતને આઠ કરોડ વર્ષ જૂનો ગણાવો છો ત્યારે સ્પષ્ટ થઇ જાય છે કે તમારી સાથે ચર્ચામાં સમય બગાડવા જેવો નથી. કારણ કે આપણા પૂર્વજોને હતી એવી કાળગણનાની સમજણનો અંશ માત્ર તમારા જેવા ગૌરવઘેલાઓમાં આવ્યો લાગતો નથી.
      નાસા-નાસાના જાપ જપો છે, પણ નાસાએ એવું ક્યારે કહ્યું કે જે કુદરતી સ્ટ્રક્ચર છે તે રામસેતુ છે? બસ, સીધી ચડી બેસવાની જ વાત?
      પુરાણ-પ્રાચીન કાળ અને નજીકના ભૂતકાળની સગવડીયા ભેળસેળ કરવાની બિમારીમાંથી બહાર આવો તો આપણા પૂર્વજોની જેમ કંઇક નક્કર જ્ઞાનપ્રાપ્તિ થશે.

      Delete