Saturday, August 16, 2014

મિનિ વેકેશનમાં મ્યુઝિક-મસ્તી : ખોવાયેલું અનુસંધાન પાછું મળ્યાનો રોમાંચ

હાર્મોનિયમ, ટાયોસોકોટા (બેન્જો) જેવાં વાદ્યો ઘરમાં હોવાને કારણે બાળપણથી તેની પર હાથ અજમાવવાનું બનતું હતું. બીરેન વગાડે એટલે હું પણ વગાડું. અમે બન્ને ’ચિર એમેચ્યોર’ રહ્યા, પણ ’ખપજોગું ગાળી લેતાં’ એટલે કે ઇચ્છિત ગીતની ધૂન વગાડી લેવા જેટલું શીખી ગયા. નિજાનંદથી આગળ વધવાનો ઇરાદો ન હતો. એટલે તેને વધારે ગંભીરતાથી લીધું નહીં. 

બેન્જો તો બીરેન કોલેજમાં હતો ત્યારે તેના કોલેજમિત્ર દેવેન્દ્ર ગોહિલ સાથે ભાગમાં લાવ્યો હતો. (૧૯૮૨-૮૩ની આસપાસ એકલપંડે રૂ.૪૫ પોસાવા જોઇએ ને.) પણ હાર્મોનિયમ ઘરમાં પહેલેથી હતું. ફોઇ અને પપ્પા શીખતાં હશે. તેમને એ કેટલું ચડ્યું ખબર નથી, પણ અમે તેમને કદી વગાડતાં જોયાં ન હતાં. અમારું હાર્મોનિયમ-વાદન પણ ’કેઝ્યુઅલ’ જ ચાલતું હતું. વ્યસ્તતા વધ્યા પછી એ વગાડવાનું પ્રમાણ ઘટ્યું. છતાં ઘણાં વર્ષ સુધી ઘરમાં લાઇટ જાય ત્યારે હાર્મોનિયમ વગાડવાનો ક્રમ હતો.પછી ઘરમાં ઇન્વર્ટર આવી ગયું એટલે હાર્મોનિયમ બાજુ પર રહ્યું. એવી જ રીતે બેન્જો પણ પેટીબંધ થઇને કબાટની ઉપર પડ્યો હતો. 

થોડા વખત પહેલાં વડીલ મિત્ર પિયુષ પંડ્યાએ ભાવપૂર્વક અમદાવાદની વિખ્યાત ’હાર્મોનિકા ક્લબ’ના પહેલા સોલો કાર્યક્રમમાં આવવા આમંત્રણ આ્પ્યું. પિયુષભાઇ અને (મારા પિતરાઇ કાકા) ચૈતન્ય દેસાઇ સહિત ઘણા વડીલો અને યુવાનો પણ એ ક્લબના સભ્ય અને હાર્મોનિકા (માઉથઓર્ગન) વગાડે. એ કાર્યક્રમ જોઇને મને પણ માઉથઓર્ગન પર હાથ અજમાવવાનું મન થયું. બહુ પહેલાં ઘરમાં રમકડા તરીકે એક માઉથઓર્ગન હતું, પણ એ વગાડ્યાનું યાદ આવતું ન હતું. કાર્યક્રમમાં માઉથઓર્ગનનો મીઠો સૂર સાંભળીને થયું કે હવે એ વગાડવાનો પ્રયાસ કરવો જોઇએ.

પિયુષભાઇએ પ્રેમથી એક સારું માઉથઓર્ગન લાવી આપ્યું. એકાદ-બે દિવસ પરિચિત થવામાં ગયા, પણ પછી પ્રાથમિક રીતે સૂર સમજાવા લાગ્યા. થોડાં થોડાં ગીત બેસતાં થયાં. વડોદરા લઇને ગયો એટલે બીરેનના દીકરા ઇશાને એક દિવસમાં સૂર બેસાડવાનું શરૂ કર્યું. એ અમારી જેમ થોડું થોડું કી-બોર્ડ વગાડી લેતો હતો. આમ અમારા સંગીતમય- અને વેલ્યુએડેડ- ’રી-યુનિયન’નો તખ્તો ગોઠવાયો. ’

શુક્ર-શનિ-રવિ (૧૫ ઓગસ્ટથી જન્માષ્ટમી)ના મિનિ વેકેશન નિમિત્તે બીરેન પરિવાર મહેમદાવાદ આવ્યો, ત્યારે ૧૫મી ઓગસ્ટ મેં થોડું રીહર્સલ કરીને રાષ્ટ્રગીત વગાડ્યું. પછી થયું કે વીજળીથી ન ચાલતાં હોય એવાં - એટલે કે કીબોર્ડ સિવાયનાં- વાદ્યોની જુગલબંદીથી એક ગીત બેસાડી જોઇએ. તેનું પરિણામ એટલે અહીં મૂકેલી ’હૈ અપના દિલ તો આવારા’ની વિડીયો. તેના પછી માઉથઓર્ગન પર મારું વગાડેલું રાષ્ટ્રગીત મૂક્યું છે. 

આ બન્ને વસ્તુઓમાં આવેલો નિર્ભેળ આનંદ સ્નેહીઓ સાથે વહેંચવાના આશયથી વિડીયો ફેસબુક પર મૂકી અને હવે બ્લોગ પર પણ મૂકી રહ્યો છું--સાંભળનારા સાવ નિરાશ નહીં થાય એવી આશા સાથે :-)

Biren Kothari (Harmonium), Urvish Kothari (Tysokoto/Benjo), 
Shachi & Ishan Kothari (Harmonica/Mouthorgan)
Playing 'Hai Apna Dil To Awara'

Urvish Kothari (Harmonica)

15 comments:

 1. વાહ, મજા પડી ગયેલી જોઇ (સાંભળી)ને અમને પણ મજા પડી ગઇ.

  ReplyDelete
 2. સરસ. હાર્મની વાળાં પરિવારમાં હાર્મોનિયસ સ્વર ઘટના એ આશ્ચર્યની વાત નથી જ :)

  ReplyDelete

 3. અભિનંદન.તમારું મ્યુઝિકલ ગ્રુપ લઈને ક્યારે આવો છો અમેરિકા?
  મઝા આવી ગઈ.

  ReplyDelete
 4. Dadu Chicago5:31:00 AM

  તારી ભલી થાય ,

  એકાદુ ક્ષેત્ર તો પાડોસી માટે છોડી દો। .બાગ તો ઘરમાં ,લેખક તો ઘરમાં, સંગીતકાર તો ઘરમાં, ફિલ્લમ ફિલ્લમ ઘરમાં,કેમીકલ ની જાણકારી જોઈએ તોય પડોશમાં ના જવું પડે,ફોટોગ્રાફર ઘરમાં, હજુ શું બાકી રહે છે,બિરેનભાઈ ??? (થોડીક ઈર્ષા બામણભાઈ તરીકે મને આવે છે, કાળુ ટપકું કે મરચું બાળીને નાંખી દેજો.) હાર્મોનીકા બે છેડે ના પકડતા ખોબલા જેવું બનાવશો તો પડઘો પડશે તેમજ તમારી આંગળીઓને જરૂર મુજબ બંધ ઉઘાડ કરજો અવાજ સરસ આવશે। (ફક્ત તમારી જ જાણ ખાતર હાર્મોનીકા વ્હમ્પીંગ સાથે ,જે ભપ ભપ થાય છે તે , તેમજ બેન્જો,ટાયસોકોટો કે બુલબુલ તરંગ પર દાદુની માસ્ટરી છે,એએએ હાજી ) સાથે શ્રી ભંડારી એ વગાડેલ એક પીસ મોક્લ્યો છે  https://www.youtube.com/watch?v=khurVBPDVgc  દાદુ શિકાગો

  ReplyDelete
 5. ઉત્કંઠા11:23:00 AM

  તમારી મજા મને અહી વાંચીને અનુભવાય છે, તો તમને બધાને કેટલી મજા આવી હશે !! હંમેશાં આવી મજા આવતી રહે અને અહી વહેચતા રહો તેવી શુભેચ્છા..

  ReplyDelete
 6. ઉત્કંઠા3:57:00 PM

  ચિર એમેચ્યોર !!! :) અત્યાર સુધી નર્વસનેસતા, ઠોસલી જેવા શબ્દો સાંભળ્યા હતા. મારા શબ્દકોશમાં નવો શબ્દ ઉમેરવા માટે આભાર :P

  ReplyDelete
 7. હે સબકા દિલ તો આવારા.. પાગલ... દીવાના... મજા પડી ગઇ..!

  ReplyDelete
 8. સરસ... મજા આવી... બસ હવે એક તાલ માટેનું વાજિંત્ર ખૂટે છે... આસ્થા તબલા વગાડતી થઇ જાય એટલે તમારું બેન્ડ બની જશે... :)

  ReplyDelete
 9. બંને વિડિયો જોઈ/સાંભળીને મજા પડી ગઈ..

  ReplyDelete
 10. Anonymous2:18:00 AM

  Thank you Urvishbhai for sharing with us, nice solo and nice Jugalbandhi.
  Manhar Sutaria

  ReplyDelete
 11. Anonymous11:28:00 PM

  Could you kindly sing, and upload,

  Sare Jahan se accha, Hindustan Hamara,

  song by Dr. Muhammad Iqbal,

  ReplyDelete
 12. આમતો આપના મેઈલ મળે છે। ...ખુબ મઝા આવી..બીજ કોમેન્ટ અંગ્રેજી માં છે..

  ReplyDelete
 13. maj aavi gai..દાદુ શિકાગો jevi j irsha mane pan thay chhe...

  ReplyDelete
 14. Bharat kumar10:46:00 AM

  Saras. Maja aavi.

  ReplyDelete