Saturday, August 16, 2014

એક વરસાદી પ્રશ્નપત્ર

ચોમાસામાં ફક્ત પાણીનો નહીં, પ્રશ્નોનો પણ વરસાદ થાય છે. એ પ્રશ્નો લોકોને મૂંઝવતા, ધૂંધવતા, અકળાવતા ને ઉશ્કેરતા હોઇ શકે છે. એવા પ્રશ્નો છૂટાછવાયા પૂછવાને બદલે, તેમને એક સાથે પ્રશ્નપત્રના સ્વરૂપમાં મૂકવામાં આવે તો? આઘુનિક શિક્ષણપદ્ધતિની શૈલીમાં, જવાબના ચાર વિકલ્પ આપી દેવાના. વ્યવહારુ શક્યતાઓ ઘ્યાનમાં રાખીને, એક કે વઘુ સાચા વિકલ્પ ટીક કરવાનું સૂચવી શકાય.

આવા પ્રશ્નપત્રનો ઉપયોગ જાહેર સેવાઓ અને સનદી સેવાઓથી માંડીને સ્કૂલના સ્તરે ઉમેદવારોની માનસિક સજ્જતા, સહનશક્તિ, સમસ્યાઉકેલની ક્ષમતા જેવા ગુણો ચકાસવા માટે થઇ શકે. કયા જવાબો આપનારની કયા હોદ્દે નિમણૂંક કરી શકાય, એ તારવી કાઢતાં સરકારને વાર નહીં લાગે. વાચકો પણ પોતપોતાની કલ્પનાશક્તિ વાપરીને સમજી શકશે કે કયો જવાબ આપનાર ઉમેદવાર કયા હોદ્દાને લાયક છે.

અહીં આપેલા સૂચિત મૉડેલ પ્રશ્નપત્રના સવાલો સહેલાસટ કે લાગે તો હસી કાઢશો નહીં. કારણ કે ગુજરાતમાં સહેલામાં સહેલા સવાલોના જવાબ અણધાર્યા, વિચિત્ર હોઇ શકે છે- અને ખરી વિચિત્રતા એ છે કે એવા જવાબમાં ઘણા લોકોને કશું અજૂગતું લાગતું નથી.
*** 

૧. ચોમાસામાં વરસાદ કેમ પડે છે? 

(ક) કુદરતી પ્રક્રિયાને અધીન
(ખ) ગ્લોબલ વૉર્મિંગને કારણે
(ગ) વહીવટી તંત્રને ગાળો દઇ શકાય એટલા માટે
(ઘ) નરેન્દ્ર મોદી- અમિત શાહની જોડીએ ઉપરવાળા સાથે કરેલા ‘સેટિંગ’થી.

૨. અમદાવાદ જેવાં શહેરોમાં થોડા ઇંચ વરસાદમાં પાણી કેમ ભરાઇ જાય છે? 

(ક) વહીવટી તંત્રના કેટલાક લોકો કોન્ટ્રાક્ટરોને વાંકમાં લઇને, આવતી સીઝનમાં તેમની પાસેથી વઘુ કમિશન લઇ શકે એ માટે
(ખ) સુયોગ્ય આયોજનના અભાવે
(ગ) લોકો એ જ દાવના છે એટલા માટે
(ઘ) પાણી છે. ભરાઇ જાય. એનાં કંઇ કારણ ન હોય.

૩. તમારા ઘરમાં પાણી ભરાઇ જાય તો શું કરવું જોઇએ? 

(ક) ‘હાશ! આરતી ઉતારવા માટે છેક નદી સુધી જવું મટ્યું’ એમ વિચારીને, પાણી ન ભરાયું હોય એવા પાડોશીને ત્યાંથી આરતીની સામગ્રી લાવીને, ઘરમાં ભરાયેલા પાણીની આરતી ઉતારવી જોઇએ


(ખ) સૌરાષ્ટ્ર-કચ્છમાં જે લોકોના નળમાં પણ નથી આવતું, તે પાણી આખેઆખા ઘરમાં ભરી દેવા બદલ સરકારશ્રીનો આભાર માનવો જોઇએ અને ગુજરાતના વિકાસનો બુલંદ કંઠે જયજયકાર કરવો જોઇએ

(ગ) કોર્પોરેશનને ગાળો દેવી જોઇએ અને સ્થાનિક કોર્પોરેટરના ઘર પર હુમલો કરવો જોઇએ

(ઘ) ડબલું લઇને પાણી ઉલેચવા મચી પડવું જોઇએ


૪.  વરસાદમાં કોનો ત્રાસ વધારે હોય છે? 

(ક) પાંખોવાળા મંકોડાનો
(ખ) ઉભરાતી ગટરનો
(ગ) કવિઓનો
(ઘ) રસ્તા પર પડતા ભૂવાનો

૫. તમારા ઘરના બાથરૂમમાં મગર જોવા મળે તો શું કરશો? 


(ક) એ બાથરૂમ તમારા પોતાના ઘરનો છે કે નહીં એ ચકાસી લેવું જોઇએ

(ખ) સામે દેખાતું પ્રાણી ખરેખર મગર છે - અને ગરોળીનો થ્રી-ડી હોલોગ્રામ નથી- તેની ખાતરી કરવી જોઇએ

(ગ) મગર સાથે ‘સદ્‌ભાવના’થી કામ લેવું જોઇએ. એટલે કે પહેલાં તેને ખતમ કરવાના પ્રયાસ કરવા જોઇએ. પછી તેના માટે લાગણી પ્રગટ કરવી જોઇએ.

(ઘ) ટીવી ચેનલોના પ્રતિનિધિઓને ફોન કરવો જોઇએ

૬. તમારા બાથરૂમમાં મગર દેખાય તો શું ન કરવું જોઇએ? 

(ક) તેને અમિત શાહની બીક ન બતાવવી જોઇએ. તેની પર કશી અસર નહીં થાય.

(ખ) તેને ચોમાસુ કવિઓની બીક પણ ન બતાવવી જોઇએ. કારણ કે એ ‘જાડી ચામડીનો’ છે.

(ગ) તેને એન્કાઉન્ટરની બીક ન બતાવવી જોઇએ. કારણ કે જેલની હવા ખાઇ ચૂકેલા પોલીસ અફસરો હવે ફરી એન્કાઉન્ટરોમાં સંડોવાય, એવી શક્યતા ઓછી છે.

(ઘ) તેને જાસૂસીની બીક ન બતાવવી જોઇએ. કારણ કે તેની ભાષા આપણને નહીં સમજાય.

૭. ચોમાસામાં ઘર આગળ કે ઘરમાં પાણી ભરાઇ ગયું હોય અને લાઇટ બંધ થઇ જાય તો શું કરવું જોઇએ? 


(ક) વહીવટી તંત્રનો આભાર માનવો જોઇએ કે શોર્ટ સર્કિટની શક્યતા ટળી ગઇ

(ખ) એને પ્રભુસ્મરણની તક ગણીને તેનો લાભ લેવો જોઇએ

(ગ) વોટ્‌સએપ-ફેસબુક પર અંધારાના ફોટા શેર કરવા જોઇએ

(ઘ) કોડિયું સળગાવીને, આપણી પ્રાચીન સંસ્કૃતિમાં ૠષિમુનિઓ આ જ રીતે કામ કરતા હતા, એ વિચારે ગૌરવ અનુભવવું જોઇએ.

૮. તમે વાહન લઇને જતા હો અને સામે રસ્તા પર પાણીનું મોટું તળાવ ભરેલું દેખાય તો શું કરવું જોઇએ? 

(ક) ત્યાં માછીમારીની શક્યતાઓ કેટલી છે તે વિશે વિચારવું જોઇએ

(ખ) ‘આ તળાવ સ્થાનિક ડેવલપમેન્ટ ઑથોરિટી દ્વારા નિર્મિત છે’ એવું પાટિયું મૂકવા માટે મ્યુનિસિપાલિટીમાં ફોન કરવો જોઇએ

(ગ) વિદેશી સંસ્કૃતિના પ્રાચીન પુરૂષ મોઝેસનું - અથવા હોલિવુડની વિખ્યાત ફિલ્મ ‘ટેન કમાન્ડમેન્ટ્‌સ’નું સ્મરણ કરવું જોઇએ. તમારા સ્મરણમાં સત્‌ હશે તો રસ્તા પર ભરાયેલું તળાવ બે ભાગમાં વહેંચાઇ જશે અને વચ્ચેથી તમારા વાહન માટે માર્ગ થઇ જશે.

(ઘ) સંઘ પરિવારની ‘મિથ્યાભિમાન સિરીઝ’નાં પુસ્તકોનું સ્મરણ કરીને, ‘મહર્ષિ અગસ્ત્ય આખો દરિયો પી ગયા હતા, તો આપણે આટલું નાનું તળાવ ન પી શકીએ?’ એમ વિચારવું જોઇએ અને પ્રાચીન સંસ્કૃતિ ભૂલી બેઠેલી પેઢી કેવી નમાલી થઇ ગઇ છે તેનો વસવસો વ્યક્ત કરવો જોઇએ


૯. રસ્તા પર ભરાયેલા તળાવમાંથી વાહન ધરાર પસાર કરવું પડે એવા સંજોગોમાં શું કરવું જોઇએ?

(ક) આ રસ્તાનું અને પાણીના નિકાલનું બેકાળજીથી પ્લાનિંગ કરનારા  સજા ભોગવવા માટે રસ્તા પર સૂઇ ગયા છે અને તમારે એમની પરથી વાહન હંકારીને લઇ જવાનું છે, એવું વિચારવું જોઇએ. એમ કરવાથી વાહન પાણીમાં ‘નાખવાની’ હિંમત આવશે

(ખ) પહેલો વિચાર હિંસક લાગતો હોય તો, મનમાં જેમ્સ બૉન્ડનું ઘ્યાન ધરીને વિચારવું જોઇએ કે આપણું વાહન પાણીમાં પડશે એટલે હોડી થઇ જશે

(ગ) મન કઠણ કરીને, ઊંડો શ્વાસ લઇને, ઇષ્ટદેવનું સ્મરણ કરીને, આગળ જવું અનિવાર્ય છે કે કેમ અને ત્યાંથી પાછા ફરી શકાય એમ છે કે નહીં એ વિચારવું જોઇએ

(ઘ) કોર્પોરેશનનો કોઇ માણસ સામા છેડે ‘વૉટર રાઇડ’ પેટે વીસ-પચીસ રૂપિયાની પાવતી નહીં ફાડે- અને આ સુવિધાનો લાભ તમારા પોતાના વાહન પર લેવાનો વધારાનો ચાર્જ પણ વસુલ નહીં કરે- તેની ધરપત રાખીને બિનધાસ્ત ઝંપલાવી દેવું જોઇએ.

૧૦. વરસાદી રસ્તા પર ટ્રાફિક જામ થયો હોય તો શું કરવું જોઇએ? 

(ક) ટ્રાફિક ખુલે નહીં ત્યાં સુધી હોર્નનો ટીટીયારો ચાલુ રાખવો જોઇએ

(ખ) મિલિમીટરમાંથી સેન્ટીમીટર અને તેમાંથી ઇંચ જેટલી જગ્યા શોધીને, વાહનની આગેકૂચનો પ્રયાસ સતત ચાલુ રાખવો જોઇએ

(ગ) વરસાદી રસ્તા હોવા છતાં બહાર નીકળવાના ગુનાની આ સજા છે એમ (ભારતીય પરંપરા પ્રમાણે) માનીને ચૂપચાપ ત્રાસ વેઠી લેવો જોઇએ

(ઘ) ઉદ્યોગસાહસિકતાનો પરચો આપતાં, વાહનની ડિકીમાંથી નાસ્તાનાં પડીકાં કાઢીને એ વેચવાનો ધંધો શરૂ કરી દેવો જોઇએ

1 comment:

  1. ઉત્કંઠા3:58:00 PM

    વ્યવહારુ શક્યતાઓ ઘ્યાનમાં રાખીને, એક કે વઘુ સાચા વિકલ્પ ટીક કરવાનું સૂચવી શકાય.
    :) :) :)

    ReplyDelete