Tuesday, August 05, 2014

ભારત-ચીન યુદ્ધ વિશેનો ‘ટૉપ સીક્રેટ’ હેન્ડરસન બ્રુક્સ રીપોર્ટ - (૨) અને (૩)


ચીન સાથેના યુદ્ધમાં ભારતનો ધબડકો આઝાદ ભારતનાં સૌથી દુઃખદ પ્રકરણોમાંનું એક છે. તેના માટે તત્કાલીન વડાપ્રધાન પંડિત નેહરુની ગાફેલિયત ઉપરાંત ‘ફોરવર્ડ પૉલિસી’નો અવિચારી અમલ કારણભૂત હતો. ‘ફોરવર્ડ પૉલિસી’ એટલે કોઇનો કબજો ન હોય એવા સરહદી વિસ્તારોમાં આગળ સુધી ચોકીઓ સ્થાપવાની આક્રમક નીતિ, જે લેહ-લદ્દાખ (કાશ્મીર) સરહદે ચીનની ધૂસણખોરીના અને તેની લશ્કરી જમાવટના જવાબ તરીકે અપનાવવામાં આવી હતી.

નેતાઓ અને ફૌજી અફસરો વચ્ચે થયેલી બેઠકમાં પૂરતી લશ્કરી સજ્જતા પછી આ નીતિ અપનાવવાનું ઠરાવાયું હતું. પરંતુ આર્મી હેડક્વાર્ટરે સૈન્યબળ વધારવાની દરકાર લીધી નહીં. વેસ્ટર્ન કમાન્ડની ચેતવણીઓ ધરાર અવગણવામાં આવી. ‘ચીન વળતો હુમલો નહીં કરી’ એવા ઇન્ટેલિજન્સ બ્યુરોે અને બીજા કેટલાક અફસરોના ખોટા અનુમાનના આધારે ભારતીય જવાનોને આગળ ધકેલવામાં આવ્યા. પરિણામસ્વરૂપે ભારતને કારમી હાર, જાનહાનિ, નામોશી અને પ્રદેશની ખોટ વેઠવાનાં આવ્યાં.

આ ધબડકાની લશ્કરી રાહે તપાસ કરનાર લેફ્‌ટનન્ટ જનરલ હેન્ડરસન બ્રુક્સે ૧૯૬૩માં અહેવાલ સુપ્રત કર્યો, જે સરકારી રાહે હજુ ‘ટૉપ સીક્રેટ’ છે. પરંતુ ઑસ્ટ્રેલિયન પત્રકાર નેવિલ મેક્સવેલે / Neville Maxwellઅહેવાલના પહેલા ભાગનાં ૧૨૬ પાનાં પોતાની વેબસાઇટ પર ખુલ્લાં મૂકી દીધાં. તેના આધારે ગયા સપ્તાહે લેહ-લદ્દાખ (કાશ્મીર) મોરચાની સ્થિતિનો અંદાજ આપવામાં આવ્યો હતો. પરંતુ આ યુદ્ધમાં ભારત માટે કરુણતાનો પર્યાય બની રહેલા નોર્થ ઇસ્ટ ફ્રન્ટિયર એજન્સી (નેફા- હાલના અરુણાચલ પ્રદેશ)માં ત્યારે કેવી સ્થિતિ હતી? હેન્ડરસન બ્રુક્સ અહેવાલ/ Henderson Brooks Reportમાંથી મળતો તેનો ખુલાસાવાર જવાબ.
***

 • (સૈન્ય માટે ઉંઘતા ઝડપાવાની કોઇ જગ્યા ન હતી, એ સૂચવતા ઘણા દસ્તાવેજ હેન્ડરસન બૂ્રક્સ રીપોર્ટમાં નોંધાયા છે. તેમાંનો એક) જાન્યુઆરી ૨૯, ૧૯૬૦ના રોજ આર્મી હેડક્વાર્ટર્સે ઇસ્ટર્ન કમાન્ડ માટે ‘ઑપરેશન ઇન્સ્ટ્રક્શન નં.૨૫’ જારી કરી, જેનો આશય ‘નેફા’ના અસરકારક સંરક્ષણ માટેનો હતો. (પૃ.૩૭) 
 • ‘ઑપરેશન ઇન્સ્ટ્રક્શન નં.૨૫’ની અસરકારકતા ચકાસવા માટે એપ્રિલ, ૧૯૬૦માં લખનૌમાં ‘લાલ કિલ્લા’ના સાંકેતિક નામે ઓળખાતી લશ્કરી કવાયત યોજવામાં આવી. તેમાં સ્પષ્ટ થયું કે ‘નેફા’માં હાલ ઇન્ફન્ટ્રી (પાયદળ)ની ત્રણ બ્રિગેડ છે, એના બદલે  ખરેખર ચાર બ્રિગેડની બનેલી એક ડિવિઝનની જરૂર પડશે. ઇસ્ટર્ન કમાન્ડે વધારાની એક બ્રિગેડની માગણી કરી, પણ એ ન મળે ત્યાં સુધી, પ્રસંગ પડ્યે નાગાલેન્ડમાં તૈનાત બ્રિગેડ ખપમાં લેવાનું ઠરાવ્યું...પણ હકીકતમાં થયું ઉલટું. વધારાની એક બ્રિગેડ તો ઇસ્ટર્ન કમાન્ડને કદી ફાળવાઇ જ નહીં, પણ ત્યાં રહેલી ત્રણમાંથી એક બ્રિગેડને નાગાલેન્ડ મોકલી આપવામાં આવી, જે યુદ્ધના આરંભ સુધી ત્યાં જ હતી. (પૃ.૩૯)
 • ૧૯૫૯-૬૦માં પ્રગટ થયેલા ઇન્ટેલીજન્સ રીવ્યુમાં ‘નેફા’ સરહદે ચીનની વધતી તાકાતનો બરાબર અંદાજ માંડવામાં આવ્યો હતો. આ રીવ્યુ પ્રકાશિત થયા પછીના અરસામાં ચીફ ઑફ જનરલ સ્ટાફ, તેમના ડેપ્યુટી અને સ્ટાફના ત્રણ ડાયરેક્ટર બદલાઇ ગયા. નવા આવેલા હોદ્દેદારોએ રીવ્યુના આધારે પરિસ્થિતિનું નવેસરથી આકલન કરવું જરૂરી હતું. પણ એ થયું નહીં. (પૃ.૩૯-૪૦)
 •  જુલાઇ, ૧૯૬૧માં ઇસ્ટર્ન કમાન્ડે ‘ઓપરેશન ઇન્સ્ટ્રક્શન’માં ફેરફારો કરીને આર્મી હેડક્વાર્ટરને મોકલી આપ્યા, જેમાં ચીન તરફથી વધેલા ખતરાન લક્ષ્યમાં લેવામાં આવ્યો હતો. પરંતુ આર્મી હેડક્વાર્ટર તરફથી કોઇ જવાબ ન મળ્યો. તેનો અર્થ એ હતો કે જૂની સૂચનાઓને જ આખરી ગણવાની હતી.  (પૃ.૪૦)
 • દિલ્હીમાં રહેલા ફૌજી અફસરો કઇ હદે અંધારામાં હતા તેનો નમૂનો : છેક ઑગસ્ટ, ૧૯૬૨માં ડાયરેક્ટર ઑફ મિલિટરી ઑપરેશન્સે જાહેર કર્યું હતું કે ‘ચીનાઓ કોઇ સંજોગોમાં (ફૉરવર્ડ પૉલિસીની) પ્રતિક્રિયા નહીં આપે અને એ લડવાની સ્થિતિમાં જ નથી.’ વાસ્તવમાં ‘નેફા’ સરહદે મોટું સૈન્ય ખડકી શકાય એવી માળખાકીય સુવિધાઓ ચીન ઉભી કરી ચૂક્યું હતું. (પૃ.૪૦)
 • પ ડિસેમ્બર, ૧૯૬૧ના રોજ ચીફ ઑફ આર્મી સ્ટાફ તરફથી વાસ્તવિકતાને અવગણતી અને ધબડકા ભણી ધકેલતી કેટલીક સૂચનાઓ જારી કરવામાં આવી. જેમ કે, ‘ઉત્તર પ્રદેશ અને ઉત્તરી સીમાઓ પર લદ્દાખ જેવી તકલીફ નથી. એટલે આપણે સરહદ પર શક્ય એટલા આગળ વધવું જોઇએ અને આખી સરહદ પર અસરકારક કબજો મેળવવો જોઇએ. વચ્ચે રહેલાં ગાબડાં એ વિસ્તારમાં પેટ્રોલિંગ કરીને કે ચોકીઓ ઊભી કરીને પૂરવાં જોઇએ. (પૃ.૪૪)
 • નેફામાં ભારત-ચીન વચ્ચેની લડાઇની શરૂઆત ૮ સપ્ટેમ્બર, ૧૯૬૨ના રોજ ધોલા પોસ્ટથી થઇ. ૬૦૦ જેટલા ચીની સૈનિકોએ ધોલા પોસ્ટને ઘેરી લીધી. ત્યાં સુધી ભારતના પક્ષે એવી જ ગણતરી હતી કે ‘ફોરવર્ડ પૉલિસી’ને કારણે ફક્ત લદ્દાખના મોરચે જ મર્યાદિત સંઘર્ષ થશે. ચીન લદ્દાખની સાથે નેફાનો મોરચો પણ સાંકળી લેશે, એવી સાદી ગણતરી માંડવામાં લશ્કરી ઉચ્ચ અધિકારીઓ કાચા પડ્યા. (પૃ.૫૩)
 • ‘નેફા’માં ભારત અને ચીન વચ્ચેની સરહદ ‘મેકમોહન રેખા’ વડે અંકાઇ હતી. પરંતુ ભારતના નકશાઓમાં થોડી ગરબડ હતી. ભારત-ભુતાન-તિબેટ વચ્ચેનો ત્રિભેટો (ટ્રાઇ-જંક્શન) ખોટી જગ્યાએ આંકવામાં આવ્યો હતો. ભારત-ચીનના સીધા સંઘર્ષની જ્યાં શરૂઆત થઇ, તે ધોલા પોસ્ટનું સ્થાન પણ નકશામાં અને જમીન પર જુદું જુદું હતું. નકશામાં તે મેકમોહન રેખાની દક્ષિણે (ભારતની હદમાં) અને અસલમાં તે મેકમોહન રેખાની ઉત્તરે (ચીનની હદમાં) હતી. નકશામાં મેકમોહન રેખાને લગતા ગોટાળા અંગે ભારત-ચીન વચ્ચે વિવાદ થઇ ચૂક્યો હતો. આર્મી હેડક્વાર્ટરને તેની જાણ હશે, પણ નીચલા સ્તરે એ વાત પહોંચી ન હતી. એટલે (મેકમોહન રેખાથી ઉત્તરે, ચીનની હદમાં) ધોલા પોસ્ટ સ્થાપવાની ગંભીરતાથી ભારતીય સૈનિકો પૂરેપૂરા વાકેફ ન હતા. (પૃ.૫૩-૫૪)

 • ૯ સપ્ટેમ્બર, ૧૯૬૨ના રોજ ઇસ્ટર્ન કમાન્ડે ૩૩મી કોર્પ્સને ધોલા પહોંચીને મક્કમ કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો. તવાંગ સાચવી રહેલી લશ્કરી ટુકડીઓને પણ ધોલા પહોંચવાના હુકમ અપાયા. હકીકતમાં ધોલાની ભૌગોલિક સ્થિતિ, ત્યાં પહોંચવામાં લાગતો સમય અને ત્યાં ચીનની તૈયારી જેવી પાયાની બાબતો વિશે ઇસ્ટર્ન કમાન્ડને કશો અંદાજ ન હતો. એવી જ રીતે, ધોલા પહોંચીને કરવાની કાર્યવાહી અંગે કશી વ્યૂહરચના ઘડવામાં આવી ન હતી. આ રીતનું આંધળુકિયું અને તવાંગને રેઢું મૂકી દેવાના નિર્ણય માટે ઇસ્ટર્ન કમાન્ડે જવાબદારીનો ટોપલો ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ પર ઢોળ્યો. તેમણે ફોનથી આવી સૂચના આપી હોવાનું ઇસ્ટર્ન કમાન્ડના જનરલ ઑફિસર કમાન્ડિંગ-ઇન-ચીફે કહ્યું. (પૃ.૫૭-૫૮)
 • ૩૩મી કોર્પ્સ આ પગલાં વિશે ઇસ્ટર્ન કમાન્ડને સતત ચેતવી રહી હતી...૪ ઓક્ટોબર, ૧૯૬૨ સુધી ઇસ્ટર્ન કમાન્ડ અને ૩૩મી કોર્પ્સ વચ્ચે રસ્સીખેંચ ચાલતી રહી. ઇસ્ટર્ન કમાન્ડ પર આર્મી હેડક્વાર્ટર્સનું દબાણ હતું. પણ તેમને અપાતા આદેશ ટેલીફોનિક હતા અને તેની કશી નોંધ રાખવામાં આવી નથી. એવી જ રીતે, ઇસ્ટર્ન કમાન્ડના જનરલ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફને વચ્ચે વચ્ચે દિલ્હી બોલાવીને આર્મી હેડક્વાર્ટર્સ અને સંરક્ષણ મંત્રાલયમાં તેમની સાથે મિટિંગ થતી હતી. તેની કાર્યવાહી-નોંધો (મિનિટ્‌સ) પણ રખાઇ નહીં...વિચિત્ર બાબત એ છે કે આ (યુદ્ધના) સમયગાળામાં આર્મી હેડક્વાર્ટર્સ તરફથી ઑપરેશન ઇન્સ્ટ્રક્શનના નામે એક પણ વાર સ્પષ્ટ સૂચના જારી કરવામાં આવી નહીં. ચીનની સંભવિત પ્રતિક્રિયા અંગે નવેસરથી કોઇ આકલન કરવામાં ન આવ્યું. ઉલટું, એવી છાપ જ ફેલાવવામાં આવી કે ચીન તરફથી કોઇ મોટી પ્રતિક્રિયા નહીં આવે. (પૃ.૫૮)
 • વડાપ્રધાન નેહરુના ખાસમખાસ એવા સંરક્ષણમંત્રીની હાજરીમાં થતી (ચીન સામેની કાર્યવાહીને લગતી) બેઠકોમાં કાર્યવાહીની નોંધ રાખવામાં આવતી ન હતી. દેખીતું કારણ તેની ગુપ્તતાનું અપાતું હશે, પણ આ નિર્ણયનાં ગંભીર પરિણામ આવી શકે અને આવ્યાં પણ ખરાં. (નોંધોના અભાવે) છેવટના વિશ્લેષણમાં ભૂલભરેલા નિર્ણયોની જવાબદારી કોઇના માથે આવતી ન હતી. (પૃ.૬૧)
 • ૪ ઓક્ટોબરના રોજ ૩૩મી કોર્પ્સ પાસેથી ‘નેફા’ની જવાબદારી લઇ લેવામાં આવી અને એ કામ સંભાળવા માટે ચોથી કોર્પ્સ ઊભી કરવામાં આવી. તેના કમાન્ડર તરીકે વડાપ્રધાન નેહરુના માનીતા લેફ્‌ટનન્ટ જનરલ બી.એમ.કૌલને નીમવામાં આવ્યા. ત્યાં લગી ૩૩મી કોર્પ્સ અને ઇસ્ટર્ન કમાન્ડ વચ્ચે સતત ખેંચતાણ ચાલતી હતી. કારણ કે ૩૩મી કોર્પ્સ જમીની વાસ્તવિકતા સાથે પનારો પાડીને ઇસ્ટર્ન કમાન્ડના હોંશીલા હુકમો સામે વાંધાવચકા રજૂ કરતી હતી. (પૃ.૬૫)
યુદ્ધના પ્રાથમિક નિયમોની ઘોર અવગણના

સંરક્ષણમંત્રી કૃષ્ણમેનન સાથે નેહરુ / KrishnaMenon, Nehru

૧૯૬૨ના મુખ્ય જવાબદારોમાંના એક તરીકે પંડિત નેહરુના માનીતા સંરક્ષણમંત્રી કૃષ્ણમેનન ઉપરાંત માનીતા કાશ્મીરી અફસર લેફ્‌ટ.જનરલ બી.એમ.કૌલ ઘણા વગોવાયા. કૌલે પોતાની સફાઇ પેશ કરતું પુસ્તક ‘ધ અનટોલ્ડ સ્ટોરી’ (૧૯૬૭) લખ્યું હતું. પરંતુ ‘હેન્ડરસન બ્રૂક્સ રીપોર્ટ’ જે જૂજ અફસરો વિશે નામ પાડીને ટીકા કરવામાં આવી છે, તેમાં મુખ્ય નામ કૌલનું છે. તેમના વિશે ‘ટૉપ સીક્રેટ’ રીપોર્ટની કેટલીક ટીપ્પણી :

 • યુદ્ધની પરિસ્થિતિ લક્ષ્યમાં રાખીને વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું નહીં. ચીફ ઑફ જનરલ સ્ટાફ, તેમના ડેપ્યુટી, ડીએમઓ, ડીએમઆઇ અને બીજા સ્ટાફ ડાયરેક્ટર્સની આ ચૂક અક્ષમ્ય છે. તેમાંથી તૈયારીના અને સંતુલનના અભાવની સ્થિતિ પેદા થઇ. આ હોદ્દા ચાવીરૂપ ગણાય છે અને તેના માટે જનરલ કૌલે ચુનંદા હોદ્દેદાર પસંદ કર્યા હતા. માટે, તેમની વચ્ચે આંતરિક સંઘર્ષનો પણ સવાલ ન હતો...મોરચા પર થયેલી  ભૂલોની સરખામણીમાં, દિલ્હીમાં બેઠેલા અને યુદ્ધના બોજ-તનાવથી મુક્ત એવા કમાન્ડરોએ કરેલી ભૂલો વધારે ભયંકર છે. (પૃ.૩૨)
 • (‘નેફા’ -હાલ અરુણચાલ પ્રદેશ-ના મોરચાની જવાબદારી ૩૩મી કોર્પ્સ ના માથે હતી. આ કોર્પ્સે અપૂરતી તૈયારી અને એવા સંજોગોમાં ચીન સામે લડાઇ વહોરી લેવા સામે ઘણી ચેતવણીઓ આપી હતી. પરંતુ ઇસ્ટર્ન કમાન્ડ અને તેને દિલ્હી બેઠાં બેઠાં ફોન પર સૂચના આપનાર આર્મી હેડક્વાર્ટર્સે એક પણ ચેતવણી લક્ષમાં લીધી નહીં.) ૪ ઑક્ટોબર, ૧૯૬૨ના રોજ ‘નેફા’ની જવાબદારી ૩૩મી કોર્પ્સ પાસેથી લઇને લેફ્‌ટ.જનરલ બી.એમ.કૌલની આગેવાની હેઠળ રચાયેલી નવી ૪થી કોર્પ્સને સોંપવામાં આવી. આ કોર્પ્સમાં હજુ સૈનિક ટુકડીઓના કે શસ્ત્રસરંજામનાં ઠેકાણાં ન હતાં. તેનું સર્જન ફક્ત કાગળ પર થયું હતું. છતાં ‘નેફા’ સહિત આખી ઇસ્ટર્ન કમાન્ડ બોર્ડર ૪થી કોર્પ્સની નીચે મૂકી દેવામાં આવી...નવી રચાયેલી કોર્પ્સ પરિણામોનો વિચાર કર્યા વિના લશ્કરી કાર્યવાહીમાં કૂદી પડી.(પૃ.૬૫)
Lt.Gen.B.M.Kaul /લેફ્ટ.જનરલ બી.એમ.કૌલ
 • આર્મી હેડક્વાર્ટર્સે તેના ગુપ્ત સંદેશમાં ૪ ઑક્ટોબર, ૧૯૬૨ના રોજ  બપોરે બે વાગ્યે ચોથી કોર્પ્સની જાહેરાત કરી અને સાંજે પાંચ વાગ્યે લેફ્‌ટ.જનરલ બી.એમ.કૌલે તેજપુર પહોંચીને એ કોર્પ્સનો કમાન્ડ સંભાળી લીધો. આ કાર્યવાહી લશ્કરી અને ગુપ્ત હોવા છતાં, બીજા દિવસે દિલ્હીથી પ્રગટ થયેલા ‘ટાઇમ્સ ઑફ ઇન્ડિયા’માં એ સમાચાર મોટા મથાળા સાથે ચમકાવવામાં આવ્યા. તેમાં જણાવાયું હતું કે લેફ્‌ટ.જનરલ કૌલ ૪ ઑક્ટોબરના રોજ પહોંચી ગયા હતા અને હવે ભારતીય સૈન્ય ‘નેફા’માંથી ચીનીઓને હાંકી કાઢવા માટે સજ્જ બની જશે....હકીકતમાં લેફ્‌ટ.જનરલ કૌલે તેજપુર જતાં પહેલાં કહ્યું હતું કે તેમની ચોક્કસ કામગીરીની વિગત તો આવતી કાલના સમાચારમાં મોટાં મથાળા સાથે જાહેર થશે. (પૃ.૮૩)
 • ૩૩મી કોર્પ્સના કમાન્ડર લેફ્‌ટ.જનરલ ઉમરાવસિંઘ પૂરતી તૈયારી વિના આંધળુકીયું કરવાની વિરુદ્ધમાં હતા, જ્યારે સંરક્ષણ મંત્રાલય, આર્મી હેડક્વાર્ટર્સ અને ઇસ્ટર્ન કમાન્ડ ‘ચીનાઓ પ્રતિકાર નહીં કરે’ એવી ધારણાના જોરે, જુગાર ખેલવા તૈયાર હતા. તૈયારી કે આયોજનની લપ વિના ચીનાઓને હાંકી કાઢવાની કાર્યવાહી ઝડપથી હાથ ધરી શકાય એ માટે એવા નવા કમાન્ડરની જરૂર હતી, જે કિંમત અને પરિણામની ચિંતા કર્યા વિના મોરચે ઝુકાવી દે...સંરક્ષણ મંત્રાલય અને આર્મી હેડક્વાર્ટર્સને ચીન સામે લશ્કરી કાર્યવાહીની એટલી ઉતાવળ હતી કે તેમણે ચોથી કોર્પ્સ રચી અને એ જ દિવસે તેને મોરચાની જવાબદારી સોંપી દીધી. (પૃ.૮૩)
 • ખુદ જનરલ કૌલે તેમના અહેવાલમાં જણાવ્યું છે કે ‘પૂરતા સૈન્ય કે પુરવઠાસહાય વિના ચોથી કોર્પ્સ ઊભી કરી દેવામાં આવી.’ પરંતુ હકીકત એ પણ છે કે બઘું જાણીને તેમણે આ કોર્પ્સની આગેવાની સ્વીકારી હતી. આ બાબતે તેમને કોઇ કચવાટ હોય તો એ જ વખતે તેમણે સરકાર સમક્ષ રજૂ કરવો જોઇતો હતો...લેફ્‌ટ.જનરલ કૌલના અહેવાલ પ્રમાણે, તે રજા પર ગયા હતા. તેમને પાછા બોલાવવામાં આવ્યા. ૩ ઑક્ટોબરના રોજ તેમણે ચીફ ઑફ જનરલ સ્ટાફ તરીકેનો કાર્યભાર સંભાળી લીધો અને એ સાંજે તો તેમને ચોથી કોર્પ્સના કમાન્ડર નિયુક્ત કરી દેવાયા.  આ બાબત સરકાર, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને ચીફ ઑફ જનરલ સ્ટાફ (કૌલ)ની ‘ચીનાઓ મોટા પાયે પ્રતિકાર નહીં કરે’ એવી માન્યતા સૂચવે છે. (પૃ.૮૩-૮૪)
 • (આગળ જણાવેલી હકીકતો પરથી) એ સ્પષ્ટ છે કે ચોથી કોર્પ્સ રચવાનો હેતુ જનરલ કૌલ અને તેમના ચુનંદા અફસરોને ઝડપી કાર્યવાહી માટે  સક્ષમ બનાવવાનો હતો...જરાસરખું પણ લશ્કરી જ્ઞાન ધરાવતો કોઇ પણ માણસ એવી કોર ઊભી કરવાનું કે તેની આગેવાની લેવાનું સ્વીકારે નહીં, જેને રચનાના પહેલા જ દિવસે મોટા લશ્કરી ઑપરેશનમાં ઉતારવાની હોય...(પરંતુ) જનરલ કૌલ એવું માનતા હતા કે તેમને થાગલા રીજનું ઑપરેશન ઝડપથી પાર પાડવા માટે જ પસંદ મોકલવામાં આવ્યા હતા અને એ સંપન્ન થાય એટલે તેમનું કામ પૂરું થઇ જશે. (પૃ.૮૪)   લેફ્‌ટનન્ટ જનરલ કૌલે આત્મકથા ‘ધ અનટોલ્ડ સ્ટોરી’માં એ મતલબનું લખ્યું છે કે ચોથી કોરમાં સાધનસામગ્રી-સંસાધનોની અછત વિશે તે પૂરેપૂરા વાકેફ હોવા છતાં, માથે આવી પડેલી ફરજથી તે પાછી પાની કરવા માગતા ન હતા. એટલે તેમણે ચોથી કોરનો કમાન્ડ સંભાળવાનો નિર્ણય લીધો.)
 • પહેલાં લશ્કરી કાર્યવાહી શરૂ કરી દેવી અને પછી સંસાધનોની અછતનાં રોદણાં રડવાં, એ ‘હાઇટ ઑફ બૅડ પ્લાનિંગ’હતી...પુરવઠાની કારમી અછત વિશે પૂરી જાણકારી હોવા છતાં ૭મી ઇન્ફન્ટ્રી બ્રિગેડને ધોલા મોકલવાનો જનરલ કૌલનો હુકમ યુદ્ધના મૂળભૂત સિદ્ધાંતોની ઘોર અવગણના જેવો હતો.(પૃ.૫૯)
 • ટુકડી સાથે ૬ ઑક્ટોબરના રોજ નીકળેલા કોર્પ્સ કમાન્ડ (જનરલ કૌલ) બને એટલી ઝડપથી ધોલા પહોંચવા માગતા હતા. ચાલીને જતાં તેમને બહુ વાર લાગતી હતી. એટલે હાથુંગલા સુધીના મોટા ભાગના રસ્તે ખુમ્મા મજૂરે તેમને ઉપાડ્યા હતા. ઘણા જવાનોએ આ દૃશ્ય જોયું અને તેનાથી જનરલ કૌલની પહેલી છાપ બહુ સારી પડી ન હતી. (પૃ.૯૦-૯૧)
 • ૭ ઑક્ટોબરના રોજ બધી ટુકડીઓ ધોલા વિસ્તારમાં પહોંચી ગઇ...સાંજ સુધીમાં જનરલ કૌલે ૧૦મી ઑક્ટોબરના ઑપરેશનની તૈયારી આદરી. સાથોસાથ, ચીફ ઑફ આર્મી સ્ટાફ અને આર્મી કમાન્ડરને સંદેશો મોકલ્યો. તેમાં સાધનસરંજામની તીવ્ર અછત વિશે જણાવાયું હતું...યોગ્ય વસ્ત્રોના અભાવે ૧૧ ઑક્ટોબર સુધીમાં ૩૦૦ જવાનોને ફ્‌લુ અને ૨૪ જવાનોને ન્યુમોનિયા લાગુ પડ્યો હતો. (પૃ.૯૧)
 • આરંભિક કાર્યવાહીમાં ચીન તરફથી ત્વરિત પ્રતિક્રિયા ન મળી. એટલે ૯ ઑક્ટોબરના રોજ જનરલ કૌલને એવું લાગ્યું કે તેમણે બહાદુરીભર્યા આક્રમણથી મોટી ફતેહ હાંસલ કરી છે અને આશ્ચર્યના તત્ત્વના પ્રતાપે બાકીની નબળાઇઓ ઢંકાઇ ગઇ છે. આ મતલબનો સંદેશો પણ તેમણે  તૈયાર કર્યો...પરંતુ બીજા દિવસે ચીને જોરદાર હુમલો કર્યો. આપણે પાછા હઠવું પડ્યું. એટલે એ સંદેશો મોકલવામાં આવ્યો નહીં. (પૃ.૯૩)

 • ૯ ઑક્ટોબરના રોજ ચીફ ઑફ આર્મી સ્ટાફે જનરલ કૌલના ૭ ઑક્ટોબરના સંદેશાનો જવાબ આપતાં લખ્યું કે ઑપરેશન નક્કી થયેલી તારીખે શરૂ કરવું બિલકુલ જરૂરી નથી. પરંતુ આરંભિક ફતેહથી ઉત્સાહીત થયેલા કોર્પ્સ કમાન્ડર (જનરલ કૌલ)ને પુનઃવિચાર કરવાની જરૂર જણાઇ નહીં. (પૃ.૯૪)
 • સિંગજાંગની લડાઇમાં પાછા હઠવું પડ્યું, એ જનરલ કૌલને વસમું લાગ્યું. એટલે તેમણે આર્મી હેડક્વાર્ટરને ગંભીર સ્થિતિની જાણ કરી અને એ વિશે વડાપ્રધાન તથા સંરક્ષણમંત્રીને જાણ કરવા માટે દિલ્હી આવવાની પરવાનગી માગી...૧૧ ઑક્ટોબરના રોજ જનરલ કૌલ અને બીજા અફસરો સાથેની મિટિંગ પછી ૧૨ ઑક્ટોબરના રોજ વડાપ્રધાન નેહરુએ જાહેર કર્યું કે થાગલા રિજ વિસ્તારમાંથી ચીનીઓને હાંકી કાઢવાનો હુકમ અપાઇ ગયો છે. પરંતુ શિયાળો બેસી ગયો હોવાથી, આ કાર્યવાહી ક્યારે કરવી એ સૈન્ય પર છોડવામાં આવ્યું છે.(પૃ.૯૫)
 • વડાપ્રધાન અને લશ્કરી વડાઓ લશ્કરી કાર્યવાહી મોકૂફ રાખવા માટે તૈયાર હતા. મોરચે રહેલા સૈનિકોની હાલત ખરાબ હતી. પુરવઠાનાં ઠેકાણાં ન હતાં. પણ જનરલ કૌલ અગમ્ય કારણોસર લડી લેવાના મૂડમાં હતા. અચાનક, ૧૭ ઑક્ટોબરના રોજ એ બીમાર પડ્યા. બીજા દિવસે દિલ્હીથી તેમને લેવા મેડિકલ ઑફિસર સાથે એક વિમાન આવ્યું. તેમને દિલ્હી લઇ જવાના નિર્ણય વિશે આર્મી કમાન્ડર કે ઇસ્ટર્ન કમાન્ડની મેડિકલ સર્વિસીસના ડેપ્યુટી ડાયરેક્ટરને સુદ્ધાં જાણ ન હતી...વિમાન સંરક્ષણમંત્રીએ મોકલ્યું હતું...કોર્પ્સ કમાન્ડરે આર્મી કમાન્ડરની રજા લેવાનું તો ઠીક, તેમને જાણ કરવાનું પણ જરૂરી ન માન્યું એ આશ્ચર્યજનક ગણાય. (પૃ.૧૦૧)
 • ત્યાર પછી જનરલ કૌલે ૨૦ ઑક્ટોબર સુધી દિલ્હીથી હુકમો આપવાનું ચાલુ રાખ્યું. ઇસ્ટર્ન કમાન્ડના વડામથક તેજપુરમાં પૂરતી તબીબી સુવિધા હોવા છતાં એ દિલ્હી કેમ ગયા એ સમજાતું નથી. હુકમો આપવા માટે તેમણે કમ સે કમ તેજપુરમાં રહેવું જોઇતું હતું.  (પૃ.૧૦૩)
***
આવી કંઇક હકીકતો છુપાવીને બેઠેલો હેન્ડરસન બ્રૂક્સ રીપોર્ટ  આખેઆખો જાહેર થાય તેની પ્રતીક્ષા રહેશે.
(સમાપ્ત)

1 comment:

 1. What was/is the relationship between JLM Nehru & Lt. Gen. (sic) B.M.Kaul ? How many NEHRUs & KAULs were/are there in Govt. service & politics? Answers to these questions will explain the reasons for keeping this report as 'Top Secret' till today. NaMo @PMOIndia should declassify it and publish the authorised version.

  ReplyDelete