Wednesday, August 27, 2014

બે ઉપવાસી : ઇરોમ શર્મિલા, અન્ના હજારે

સમાચારોમાં જેના અસ્તિત્ત્વની ભાગ્યે જ નોંધ લેવાય છે એવું મણિપુર આજકાલ બે પ્રતાપી મહિલાઓને કારણે મુખ્ય ધારાના સમાચારોમાં છે : બોક્સર મેરી કોમ/ Mary Kom અને ઉપવાસી ઇરોમ શર્મિલા ચાનુ/ Irom Sharmila Chanu

મેરી કોમના જીવન પરથી કમર્શિયલ હિંદી ફિલ્મ રજૂ થઇ રહી છે, જેમાં પ્રિયંકા ચોપડા જેવી જાણીતી અભિનેત્રી મેરી કોમની ભૂમિકા ભજવે છે. મેરી કોમ ઓલિમ્પિકમાં કાંસ્યચંદ્રક જીતીને ‘ભારતનું ગૌરવ’ બન્યાં ત્યાર પહેલાં- અને હજુ પણ- ઇશાન ભારતનાં રાજ્યોના ભારત સાથેના સંબંધ સુમેળભર્યા નથી. ‘ભારત’ના લોકો ઇશાન ભારતનાં ‘સેવન સિસ્ટર્સ’ તરીકે ઓળખાતાં રાજ્યોનાં, જુદાં ચહેરામહોરાં ધરાવતા લોકો સાથે પોતાના દેશવાસીઓ જેવો વ્યવહાર કરતા નથી. (એ હકીકતનો ઉલ્લેખ રમતગમત આધારિત બીજી ફિલ્મ ‘ચક દે ઇન્ડિયા’માં પણ કરવામાં આવ્યો હતો.)

આ ઉપેક્ષા સામે ઇશાન ભારતનાં રાજ્યોમાં ઘણો કચવાટ જોવા મળે છે. તે એટલી હદ સુધી કે મેરી કોમના જીવન પર આધારિત ફિલ્મ ખુદ મેરી કોમના રાજ્ય મણિપુરમાં રજૂ નહીં થાય. કારણ કે મણિપુરમાં બમ્બૈયા હિંદી ફિલ્મો માટે થિએટરોના દરવાજા બંધ હોય છે. ત્યાંનાં અલગતાવાદી સંગઠનો હિંદી ફિલ્મોને ‘સાંસ્કૃતિક આક્રમણ’ તરીકે જુએ છે અને તેનાથી ભડકે છે.

આવા અંતિમવાદની ટીકા થવી જ જોઇએ અને એ કરવી બહુ સહેલી છે, પણ એ સિક્કાની બીજી બાજુ છે : ઇરોમ શર્મિલા. ભારત સરકારના કાનૂની અંતિમવાદ સામે તે ૧૪ વર્ષથી ઝઝૂમી રહ્યાં છે. તે ઉપવાસ પર છે, એવું ટેક્‌નિકલી ન કહી શકાય. કારણ કે પોલીસ અને સરકાર તેમના નાકમાં નળીઓ નાખીને બળજબરીથી શર્મિલાને પ્રવાહી ખોરાક આપીને જીવાડી રહ્યાં છે. પરંતુ શર્મિલાએ ૧૪ વર્ષથી પોતાના હાથે અન્નનો કોળિયો સુદ્ધાં મોંમાં મૂક્યો નથી. તેમની માગણી છે કે મણિપુરમાં ભારતીય લશ્કરને અમર્યાદ સત્તા આપતો અત્યાચારી કાયદો નાબૂદ થાય.

અત્યાર લગી મણિપુરની સરકાર ઉપવાસી શર્મિલા સામે આપઘાતના પ્રયાસની કલમ લગાડીને તેમની ધરપકડ કરતી હતી. આ ‘ગુના’ માટે એક વર્ષની સજા હોય. વર્ષ પૂરું થાય, એટલે શર્મિલા મણિપુરના પાટનગર ઇમ્ફાલની હોસ્પિટલની બહાર આવે અને હોસ્પિટલની સામે જ ઊભી કરાયેલી વાંસની ઝૂંપડીમાં રહે. ત્યાં સાવ પ્રાથમિક સુવિધાઓ સિવાય બીજું કંઇ ન હોય, પણ શર્મિલા હોસ્પિટલમાં હોય ત્યારે તેમને નૈતિક ટેકો બતાવનારા લોકો વર્ષ ૨૦૦૮થી એ ઝૂંપડીમાં રહીને પોતાનું આંદોલન ચલાવે છે.

શર્મિલાને હોસ્પિટલની બહાર ઝાઝું રહેવાનું ન બને. કારણ કે ત્યાં પણ તેમના ઉપવાસ ચાલુ રહે. એટલે ટૂંક સમયમાં પોલીસ ફરી આત્મહત્યાના પ્રયાસના ગુનાસર તેમની ધરપકડ કરે અને તેમને ઇમ્ફાલની હોસ્પિટલમાં કેદી-દર્દી તરીકે મોકલી દેવામાં આવે. છેલ્લા ૧૪ વર્ષથી ચાલતા શર્મિલાના ઉપવાસ-ધરપકડ-કેદના સિલસિલા પછી ગયા સપ્તાહે ઇમ્ફાલની અદાલતે ચુકાદો આપ્યો કે ઇરોમ શર્મિલા સામે આત્મહત્યાના પ્રયાસનો ગુનો બનતો નથી. માટે તેમને મુક્ત કરવામાં આવે. તેમના આરોગ્યની કાળજી અદાલતે સરકારના માથે નાખી.

આફસ્પા’નો આતંક

ઇરોમ શર્મિલાના સમર્થકો અને માનવ અધિકાર માટેના લડવૈયાઓએ અદાલતના આ ચુકાદાને નાનકડી છતાં નૈતિક જીત તરીકે જોયો છે. પરંતુ તેનાથી શર્મિલાની લડાઇનો અંત આવવાનો નથી. આ લખાય છે ત્યારે વઘુ એક વાર મહિલા પોલીસ દ્વારા તેમને લઇ જવાયાં હોવાના સમાચાર છે.

પરંતુ ગમે તે સંજોગોમાં શર્મિલાનું ઉપવાસ-આંદોલન ચાલુ રહે છે. કારણ કે તેમની લડત મણિપુરમાં લાગુ કરાયેલા ‘આર્મ્ડ ફોર્સીસ (સ્પેશ્યલ પ્રોવિઝન્સ) એક્ટ’ - ‘આફસ્પા’- સામે છે. પોતાના ઉપવાસ માટે શર્મિલા ‘આમરણ’ જેવું વિશેષણ પણ વાપરતાં નથી. એ કહે છે કે જે દિવસે ભારત સરકાર ‘આફસ્પા’નો અત્યાચારી કાયદો મણિપુરમાંથી ઉઠાવી લેશે, એ દિવસે પોતે ઉપવાસ તોડશે.

શર્મિલા બહુ સરળતાથી અને વિશ્વાસથી આવું કહે છે. પરંતુ મણિપુરમાંથી ‘આફસ્પા’ નાબૂદ થાય તે એટલું સહેલું નથી. ભારત સરકાર અને ભારતીય સૈન્ય ‘આફસ્પા’ને મણિપુર પર કાબૂ રાખવા માટે અનિવાર્ય માને છે. મણિપુરનાં અલગતાવાદી સંગઠનોને ભારત સરકાર સામે ઘણા વાંધા છે. એ વાંધા વાજબી હોય તો પણ ભારતથી અલગ થવાની તેમની માગણી સ્વીકાર્ય ન જ બને. પરંતુ ઇરોમ શર્મિલા અને તેમના જેવી બીજી ઘણી મહિલાઓ અલગ મણિપુરની માગણી કરતી નથી. તેમની દલીલ એટલી જ છે કે ભારતીય લશ્કરને બેરોકટોક મનમાની માટેનો પરવાનો આપતો ‘આફસ્પા’ મણિપુરમાંથી જવો જોઇએ અને મણિપુરના લોકોને પૂરા અધિકારથી અને સ્વમાનથી જીવવાનો અધિકાર મળવો જોઇએ.

ભારતીય સૈન્યની દલીલ છે કે ‘આફસ્પા’ અંતર્ગત મળે છે એવી અબાધિત સત્તા ન હોય તો મણિપુરના અલગતાવાદીઓને અંકુશમાં રાખી શકાય નહીં. જોકે, બંદૂકની પાછળની બાજુએ રહેલા લોકોની દલીલ આવી જ હોય. પરંતુ વિશાળ સત્તાઓ મળે ત્યારે તેના દુરુપયોગની - અને એ દુરુપયોગને કારણે પરિસ્થિતિ ન સુધરવાની કે વણસવાની- સંભાવનાઓ ઘણી વધી જાય છે. કાશ્મીરની જેમ મણિપુર પણ તેનું ઉદાહરણ છે.

જ્વાળાનું પ્રાગટ્ય

મણિપુરમાં ઇરોમ શર્મિલાના ઉપવાસ આંદોલનની શરૂઆત માટે ભારતીય સૈન્યનો એક હત્યાકાંડ નિમિત્ત બન્યો. ‘આસામ રાયફલ્સ’ના જવાનોએ દસ જણને ગોળીએ દીધા અને ગામમાં કરફ્‌યુ નાખી દીધો. એ સમાચારની વિગતો જાણીને- તસવીરો જોઇને ઇરોમ શર્મિલા ખળભળી ઉઠ્યાં. તેમને થયું કે આવો અત્યાચાર સહી લેવાય નહીં.

ઇરોમ શર્મિલાનું અગાઉનું જીવન એક નિમ્ન મઘ્યમ વર્ગની, ભણવામાં સાધારણ યુવતી તરીકેનું હતું. ટાઇપિંગ-શોર્ટહેન્ડ-પત્રકારત્વ- સીવણકામ વગેરેની થોડીઘણી તાલીમ પછી ‘આફસ્પા’ સામે ઝુંબેશ ચલાવતા એક સ્થાનિક સંગઠનમાં કાયદા વિશની જાણકારી તેમણે મેળવી હતી. પરંતુ દસ જણની હત્યાના બનાવ પછી શર્મિલાએ મણિપુરના સામાન્ય નાગરિકો માટે દોઝખ પેદા કરનારા ‘આફસ્પા’ના કાયદા સામે લડી લેવાનું નક્કી કર્યું. આ કાયદામાં એવી જોગવાઇ છે કે માત્ર શંકાના આધારે સૈન્ય કોઇ પણ વ્યક્તિ સાથે ગમે તે વ્યવહાર કરી શકે અને તેને મારી પણ નાખે. તેની સામે ન્યાય મેળવવાનો કોઇ રસ્તો નહીં. સૈનિકો સામે ફક્ત તેમના ઉપરીઓ ફૌજી રાહે કાર્યવાહી કરી શકે- અને એવું ભાગ્યે જ બને. કેમ કે, એવું કરવા જતાં ‘સૈનિકોના નૈતિક જુસ્સા’નો સવાલ ઊભો થાય.

આવા સત્તાવાર અંતિમવાદ સામે લડત આપવા માટે એક રસ્તો હિંસાનો હતો, જેમાં કેટલાંક અલગતાવાદી સંગઠનો સક્રિય હતાં. પરંતુ ભારતીય સૈન્યના બળ સામે હિંસાનો ગજ ન વાગે. એટલે શર્મિલાએ ગાંધીજીના માર્ગે- શરીરબળથી નહીં, પણ આત્મબળથી - લડત આપવાનું વિચાર્યું. એ રીતે ૬ નવેમ્બર, ૨૦૦૦ના રોજ તેમના ઉપવાસની શરૂઆત થઇ.

ઘણા વખત સુધી તેમના ઉપવાસ સ્થાનિક સમાચાર બની રહ્યા. ભારતમાં ઉપવાસીઓની નવાઇ નથી હોતી અને તેમાંથી મોટા ભાગના ભાદરવાના ભીંડા જેવા હોય છે. એટલે તેમને કોઇ ગંભીરતાથી લેતું નથી. ઇરોમ શર્મિલા એવી કોઇ હસ્તી પણ ન હતાં કે જે ઉપવાસ કરે તો અખબારોમાં કે ટીવી ચેનલોમાં મથાળાં બને. અમસ્તું પણ ઇમ્ફાલમાં શું બને છે તેની દિલ્હી-મુંબઇનાં પ્રસાર માઘ્યમોને અને તેના વાચકવર્ગને શી પરવા?

પરંતુ વર્ષ ૨૦૦૪માં મણિપુરની એક મહિલાને અલગતાવાદી સંગઠનની સભ્ય હોવાના આરોપ સાથે મારી નાખવામાં આવી. ધીમે ધીમે ખબર પડી કે એ મહિલાને છ ગોળીઓ મારતાં પહેલાં તેમની પર સૈનિકોએ શારીરિક અત્યાચાર ગુજાર્યો હતો અને તેમને જનનાંગમાં પણ ગોળી મારવામાં આવી હતી. એ ઘટના પછી મણિપુરી મહિલાઓના સંગઠને ‘આસામ રાયફલ્સ’ના ઇમ્ફાલમાં આવેલા હેડક્વાર્ટસ સામે નિર્વસ્ત્ર અવસ્થામાં, ‘ઇન્ડિયન આર્મી રેપ અસ’નાં બેનર સાથે દેખાવો કર્યા. અસલમાં દારૂ અને ડ્રગ્સના રવાડે ચડેલા પુરૂષોના અત્યાચારનો મુકાબલો કરવા રચાયેલું મણિપુરી મહિલાઓનું સંગઠન આ રીતે ભારતીય સૈન્યના અત્યાચારની સામે પડ્યું. એ ઘટનાના અહેવાલ માટે ગયેલા લોકોને ઇરોમ શર્મિલાના ઉપવાસ વિશે જાણ થઇ. ત્યારથી શર્મિલા વિશે રાષ્ટ્રિય-આંતરરાષ્ટ્રિય પ્રસાર માઘ્યમોમાં માહિતી આવવા લાગી અને સમય જતાં તે અડીખમ આત્મબળ સાથે અન્યાયના મુકાબલાનું પ્રતીક બન્યાં.

વર્ષ ૨૦૧૧માં અન્ના હજારેએ ભ્રષ્ટાચાર સામે ઉપવાસ શરૂ કર્યા તેનાં પાંચ વર્ષ પહેલાં, એક માનવ અધિકાર સંગઠનની મદદથી ઇરોમ શર્મિલા પણ જંતરમંતર પર પહોંચ્યાં હતાં અને ત્યાં તેમના ઉપવાસ આદર્યા હતા. પણ ઇમ્ફાલની જેમ દિલ્હીમાં પણ તેનું પરિણામ ધરપકડમાં જ આવ્યું. અન્ના હજારેના આમરણ ઉપવાસમાં કેટકેટલા લોકોને ક્રાંતિનાં પગલાંની આહટ સંભળાઇ હતી. સાચા અને દંભી, સુંવાળા અને લડાકુ, સગવડીયા અને ખરેખરું પરિવર્તન ઇચ્છતા- એમ ઘણા લોકો સડક પર ઉતરી આવ્યા હતા. પરંતુ પ્રસિદ્ધિથી છકી ગયેલા અન્ના હજારે અંતે ફારસરૂપ બની રહ્યા, જ્યારે ‘મારાં ગુણગાન ગાશો નહીં. મને ટેકો આપો’ એવું કહેનારાં ૪૨ વર્ષનાં ઇરોમ શર્મિલાનું ૧૪ વર્ષથી ચાલતું - અને અન્ના-આંદોલનકારીઓની ચેતનાને સ્પર્શી ન શકેલું- આંદોલન એક દીર્ઘ, કરુણ કવિતાથી કમ નથી. 

No comments:

Post a Comment