Friday, August 29, 2014

ભારત-પાકિસ્તાન મંત્રણા : કાલ્પનિક સ્ટિંગ ઓપરેશન

બાળપણમાં ટીવી પર ક્રિકેટમેચ જોતી વખતે, બે બેટ્‌સમેન પીચની વચ્ચે આવીને વાત કરે ત્યારે હંમેશાં એવું કુતૂહલ થતું હતું કે આ લોકો કેવી વાતો કરતા હશે? કંઇક એવી જ બાળસહજ જિજ્ઞાસા ભારત-પાકિસ્તાનના અફસરો વચ્ચે ચાલતી મંત્રણાઓ અંગે પણ થાય છે. જાહેરમાં ખટાશભર્યા સંબંધ ધરાવતા બન્ને દેશોના અફસર-સ્તરના પ્રતિનિધિઓ ઔપચારિક મંત્રણા વખતે ખરેખર કેવા પ્રકારની વાતો કરતા હશે, તેનું સ્ટિંગ ઓપરેશન કોઇ કરે તો?
*** 

ભારતીય અફસર : નમસ્કાર.

પાકિસ્તાની અફસર : આદાબ. કહીયે, ક્યા હાલચાલ હૈ? વૈદિકજી મઝેમેં?

ભારતીયઃ બસ, એકદમ ખેરિયતમાં. એમણે હાફીઝ સઇદને રામ રામ કહેવડાવ્યા છે. તમારે કેમ ચાલે છે? દાઉદ ઇબ્રાહિમ મઝામાં ને?

પાકિસ્તાનીઃ એ ક્યાંથી મઝામાં હોય? તમે એને ભારત આવવા દેતા નથી ને લાદેનનું થયું ત્યારથી એને બીક લાગે છે કે ભારતના દબાણથી અમેરિકા ક્યાંક...

ભારતીય : એને કહેજો કે હમણાં નિશ્ચિંત રહે. ચૂંટણી સુધી એનો વાળ વાંકો થવાનો નથી. દાઉદ માટે ચૂંટણી પહેલાંના થોડા મહિના ભારે  કહેવાય. એમાં સાચવી લેવાનું. બાકી પાકિસ્તાનમાં આટલા ત્રાસવાદીઓ મોજ કરે છે, તો દાઉદ પાકિસ્તાનને ક્યાં ભારે પડવાનો છે.

પાકિસ્તાની : આ તો અમારી પર ચોખ્ખો આરોપ છે.

ભારતીય : અરેરે, તમે ડિપ્લોમેટ થઇને આને આરોપ ગણો છો? મેં તો કોમ્પ્લીમેન્ટની રીતે કહ્યું હતું.

પાકિસ્તાની : તો ઠીક. કાશ્મીરમાં ભારતીય સૈન્ય મઝામાં ને? એનાં બધાં ટાર્ગેટ પૂરાં થાય છે ને? એન્કાઉન્ટરનાં ને ધૂસણખોરી અટકાવવાનાં...

ભારતીય : એટલે? તમે કહેવા શું માગો છો?

પાકિસ્તાની : કંઇ નહીં. હું પણ ભારતીય સૈન્યને તેની ચુસ્તી માટે કોમ્પ્લીમેન્ટ જ આપવા માગતો હતો.

ભારતીય : આ ચા લઇ લો. ઠંડી થશે.

પાકિસ્તાની : મને થોડી ઠંડી પીવાની જ ટેવ છે.

ભારતીય : હું તો ફોરેન સર્વિસમાં આવ્યો ત્યાર પહેલાં ચા રકાબીમાં કાઢીને જ પીતો હતો.

પાકિસ્તાની : શું વાત કરો છો? ગજબ કહેવાય. તમને એ ફાવે? એટલે કે એક હાથમાં કપ, બીજા હાથમાં રકાબી, કપમાંથી રકાબીમાં ચા કાઢવાની ને કપ નીચે મૂક્યા વિના એ જ રકાબી મોઢે માંડવાની...કહેવું પડે. તમારા લોકોનું કલ્ચર બહુ સ્ટ્રોંગ છે.

ભારતીય : તમારા આર્મી ને આઇએસઆઇ જેવું...

પાકિસ્તાન : ગુડ જોક. તમારી સેન્સ ઓફ હ્યુમર સારી છે. એટલે જ તમને મળવાની મઝા આવે છે. આ વખતે કયો નવો જોક કહો છો?

ભારતીય : અમેરિકાના પ્રમુખે પાકિસ્તાનના પ્રમુખને કહ્યું કે અમે તમને દોસ્ત ગણીએ છીએ.

પાકિસ્તાની : પછી?

ભારતીય : બસ, જોક પૂરો થઇ ગયો.

પાકિસ્તાની : (અટ્ટહાસ્ય કરે છે)

ભારતીય : હવે તમારો વારો. આ વખતે કોનો જોક કહેશો?

પાકિસ્તાની : સાંભળો. સ્મૃતિ ઇરાનીએ કહ્યું કે એમની પાસે યેલ યુનિવર્સિટીની ડિગ્રી છે.

ભારતીય : પછી?

પાકિસ્તાની : બસ, જોક પૂરો થઇ ગયો.

ભારતીય : (ખડખડાટ હસતાં હસતાં) દ્વિપક્ષી સંબંધો માટે રાજદ્વારી સ્તરની મંત્રણા કેમ અનિવાર્ય છે, એ લોકોને કેવી રીતે સમજાવવું? ચાલો, હવે આપણે ગંભીર વાત કરીએ.

પાકિસ્તાની : ઓકે. કાશ્મીરને આઝાદી આપવી જોઇએ.

ભારતીય : કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે.

પાકિસ્તાની : ફેર ઇનફ. ગંભીર વાતો બહુ થઇ. હવે તમે એ કહો, ગઇ વખતે મેં ગુજરાતના ગાંઠિયા મંગાવ્યા હતા એ તમે લાવ્યા? આમ પણ બન્ને દેશો વચ્ચે વ્યાપારી અને લેવડદેવડના સંબંધ સુદૃઢ બને એવું બધા ઇચ્છે છે.

ભારતીય : ગાંઠિયા શી રીતે ભૂલાય? વાટાઘાટો અને સાંસ્કૃતિક આદાનપ્રદાન દ્વારા દ્વિપક્ષી સંબંધો મજબૂત બને એમાં મને પણ તમારા જેટલો જ રસ છે- અને તમે લાહોરથી પેલી મીઠાઇ લાવ્યા?

પાકિસ્તાની : અરે, તમારી ને મારી બન્નેની મંગાવી લીધી છે. મીઠાઇ એ તો આપણી વચ્ચેના સંબંધો કેટલા મીઠા હોવા જોઇએ તેની યાદ અપાવનારું પ્રતીક છે. તેના વિના મંત્રણા કેવી રીતે ચાલી શકે? ખીર સિવાયની કોઇ પણ મીઠાઇ મંગાવો. ગમે ત્યારે મંગાવો. તમે કહો તો ઘરે મોકલી આપીશ.

ભારતીય : થેન્ક્‌સ. પણ ખીર કેમ નહીં?

પાકિસ્તાની : ઓહ, ખીરથી સની દેઓલનો પેલો ડાયલોગ યાદ આવે છે, ‘દૂધ માંગો તો ખીર દેંગે...’

ભારતીય : (ખડખડાટ હસતાં) ઔર પનીર માંગો તો (દૂધ) ચીર દેંગે

પાકિસ્તાની : (હાસ્ય) અમારે ત્યાં એક જણ પનીરની મીઠાઇ બનાવે છે. તમે ટ્રાય કર્યો છે કદી? એક વાર ચાખશો તો કદી રાજદ્વારી સ્તરની મંત્રણા અટકાવવાનું મન નહીં થાય.

ભારતીય : શું વાત કરો છો. તો આવતી વખતે એ લાવજો અને એક પેકેટ વધારે કરાવજો-સની દેઓલ માટે...જુઓ, તમારી ચા ઠંડી થઇ ગઇ. ફરી મંગાવી લઇએ?

પાકિસ્તાની : હા, ચા તો પીવી પડશે. જહાં ચા, વહાં રાહ.

ભારતીય : અને આ લો પાટણનું પટોળું, મેડમ માટે. આ પટોળાની કિંમત લાખો રૂપિયામાં હોય છે. પણ બે દેશોની દોસ્તી સામે એની શી કિંમત?

પાકિસ્તાની : ધેટ્‌સ ધ સ્પિરિટ. હું પશ્મીના શાલ લાવ્યો છું મેડમ માટે. એકદમ ઓરિજિનલ કાશ્મીરી છે.

ભારતીય : કાશ્મીર તમારી બાજુનું કે અમારી બાજુનું?

પાકિસ્તાની : (હસે છે) જનાબ, આટલા સરસ વાતાવરણમાં આપણી વચ્ચે સંવાદ થયો છે ત્યારે એને ક્યાં ડહોળવો?

ભારતીય : એ વાત તો છે. મહત્ત્વ બન્ને દેશો વચ્ચે રાજદ્વારી સંવાદ ચાલુ રહે એનું છે. સંવાદ ચાલશે તો સંબંધો સુધરવાની આશા રહેશે અને બન્ને દેશોનું ભવિષ્ય ઉજળું બનશે. ભવિષ્ય પરથી યાદ આવ્યું. તમારા દેશનું રાજકીય ભવિષ્ય કેમ લાગે છે?

પાકિસ્તાન : અમારા રાજકીય ભવિષ્ય બાબતે મારી પાસે એક આઇડીયા છે. અમે તમને દાઉદ ઇબ્રાહીમ સોંપી દઇએ, જો તમે અમને અમિત શાહ આપતા હો તો.

ભારતીય : એટલે, વોટ ડુ યુ મીન?

પાકિસ્તાની : તમે ગેરસમજણ કરો છો. હું એમ કહેવા માગતો હતો કે અમારે ત્યાં જે રાજકીય પક્ષને અમિતભાઇની સેવાનો લાભ મળશેે એ પક્ષમાં નવાઝશરીફ, આસિફ ઝરદારી, પરવેઝ મુશર્રફ, ઇમરાનખાન આ બધા સાગમટે જોડાઇ જશે અથવા નહીં જોડાય તો ચૂંટણીમાં ભૂંડી રીતે હારી જશે. બન્ને સ્થિતિમાં પાકિસ્તાનના રાજકારણને ફાયદો છે.

ભારતીય : આ મારા લેવલથી ઉપરના લેવલની વાત છે. એટલે આપણી વાટાઘાટોના સફળ દૌર પછી આપણા ઉપરીઓ એના વિશે ચર્ચા કરી શકે. આપણે એમના કાને વાત નાખી દઇશું.

પાકિસ્તાની : કબૂલ.

(બન્ને હાથ મિલાવીને હસતા ચહેરે છૂટા પડે. ત્યાર પછી તેમની વચ્ચેની મંત્રણા દ્વિપક્ષી સંબંધો મજબૂત બનાવવાની દિશામાં હકારાત્મક રીતે આગળ વધી હોવાનું જાહેર કરવામાં આવે છે.) 

No comments:

Post a Comment